ભારતમાં જ્ઞાન વીકાસનો ઈતીહાસ

અશોકસ્તંભ – વૈશાલી, સમ્રાટ અશોકનું સ્મારક (ઈ.સ. પુ. 272–231)

5

ભારતમાં જ્ઞાન વીકાસનો ઈતીહાસ

–ડૉ. બી. એ. પરીખ

[આ લેખમાળાનો ચોથો લેખ (https://govindmaru.com/2019/06/24/dr-parikh-11/ )ના અનુસન્ધાનમાં..]

એ નોંધવાની બાબત છે કે જ્યાં સુધી ખ્રીસ્તી તેમ જ ઈસ્લામ ધર્મોની સ્થાપના થઈ ન હતી ત્યાં સુધી તે પુર્વેના વીદ્વાનો મહદ્અંશે ધર્મ–અધ્યાત્મથી નીરપેક્ષપણે વીચારતા હતા. ધર્મોની સ્થાપના પછી ધર્મશાસ્ત્રો, ધર્મગ્રન્થો, ધર્મગુરુઓનો પ્રભાવ ધીમે ધીમે પ્રબળ બનતો ગયો અને જ્ઞાનસાધના, જ્ઞાનની ખોજ ઉપર ધાર્મીક માન્યતાઓનો પ્રભાવ, અસર વધતાં ગયાં; પરન્તુ યુરોપના થોડા વૈચારીક રીતે સ્વતન્ત્ર વાતાવરણમાં ધર્મના પ્રભાવથી અલગ રીતે તેનો વીરોધ કરીને પણ વીચારનારા હીમ્મતબાજ વીદ્વાનો પાક્યા અને તેમણે ધર્મ તેમ જ અન્ય તમામ વાસ્તવીક ન કહેવાય તેવા પરીબળોથી મુક્ત થઈને ધર્મથી નીરપેક્ષ રીતે વીચાર, સંશોધનની પરીપાટી વીક્સાવી છે. તે આપણે જોયું, જેને આપણે આજે વીજ્ઞાન કહીએ છીએ.

ખ્રીસ્તી ધર્મ તેમ જ તેના ધર્મગ્રન્થ બાઈબલમાં વૈજ્ઞાનીક કહેવાય એવી ચર્ચા થઈ છે. એવો ખ્રીસ્તી ધર્મના સમર્થકો દાવો કરે છે. દા.ત. વીશ્વ, બ્રહ્માંડની ઉત્પત્તી પછી જીવ (life)ની સમજુતી માટે ચાર્લ્સ ડાર્વીનનો ઉત્ક્રાંતી સીદ્ધાંત યોગ્ય નથી; પરન્તુ બાઈબલમાં અપાયેલો Intelligent Designનો દૈવી–ધાર્મીક પાસવાળો સીદ્ધાંત વધારે બન્ધબેસતો અને યોગ્ય છે. આવી જ રીતે ઈસ્લામના સમર્થકો એવો દાવો કરે છે કે ઈસ્લામી ધર્મગ્રન્થ કોરાન(કુરાન)માં આકાશ, નભોમંડળ, પર્યાવરણ, પર્વતો, નદીઓ, સમુદ્ર, મગજની રચના, લોખંડનો ઉપયોગ એવી અનેક બાબતો વીશે ઉલ્લેખ, સમજુતી છે જેને આજના સન્દર્ભનાં વૈજ્ઞાનીક કહી શકાય એવો દાવો કરવામાં આવે છે. એમ કહેવાય છે કે કોરાનમાં પ્રકૃતીનો અભ્યાસ તેમ જ તપાસ–શોધ કરવાના વલણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

જેમ યુરોપ, આરબ દેશો, મધ્ય પુર્વના દેશોમાં ધર્મના પ્રભાવ નીચે જ્ઞાન શોધ ચાલતી હતી તેમ ભારતમાં તો આ ધર્મોના સ્થાપકો તે અસ્તીત્વમાં આવ્યા તે પહેલાં હજારો વર્ષોથી જ્ઞાનની ઝંખના શરુ થઈ ગઈ હતી. વીશ્વના અન્ય પ્રદેશો તેમ જ ત્યાંની પ્રજાની તુલનામાં ભારતીય સંસ્કૃતી અને તેની જ્ઞાનની શોધ ક્યાંય પુરાણી છે. એમ કહેવાય છે કે વેદો જે હીન્દુ ધર્મના આદ્ય, અપૌરુષેય–માણસ રચીત નહીં એવા ગ્રન્થો છે તે જ્ઞાનના ભંડારો છે. આ વેદો પછી પુરાણો, ઉપનીષદો વગેરે તમામ ધર્મગ્રન્થો ધર્મના જ્ઞાન ઉપરાંત ફીલસુફી, દુન્યવી સમસ્યાઓ તેમ જ બ્રહ્માંડ–વીશ્વની ઘટમાળની સમજુતીના સીદ્ધાંતોથી ભરપુર છે. આજે એવો ભારપુર્વક દાવો કરવામાં આવે છે, અને તેનો પદ્ધતીસર યોજનાબદ્ધ પ્રચાર કરવામાં આવે છે કે આજનું વીજ્ઞાન, રોજ રોજ સદીઓથી શોધાતી વીજ્ઞાન આધારીત ટૅકનોલૉજીઓ તો ભારતમાં વર્ષો પહેલાં હતી. આજે જે બધું જ્ઞાન–વીજ્ઞાન છે, તે અદ્યતન અને પશ્ચીમનું પ્રદાન છે તેમ કહીને રજુ થાય છે. એ બધું જ એક યા બીજા રુપમાં જુદાં જુદાં ગ્રન્થોમાં વેદો, ઉપનીષદો, છ દર્શનો વગેરેમાં સમાયેલું છે, અને આ જ્ઞાનની શોધ, ખોજ, ખણખોદ કરનારા જ્ઞાનીઓ ‘વીજ્ઞાનીઓ’, તરીકે નહીં; પરન્તુ ઋષીમુનીઓ તરીકે ઓળખાતા હતા.

આજે જે છે, ટી.વી., અણુશસ્ત્રો, અંગ આરોપણ, પ્લાસ્ટીક સર્જરી, અવકાશયાન, રોગોપચાર–સર્જરી, મોબાઈલ ફોન, વીમાન, રડાર આ બધું જ આપણા પુરાતન ભારતમાં હતું; પરન્તુ કાળની ગર્તામાં તે તમામ ડુબી ગયું અને આજે નવા નામે સ્વરુપે ફરી ભારતમાં પશ્ચીમમાંથી આવ્યું છે. આજનું બધું જ જ્ઞાન, ટૅકનોલૉજી જે મુળ ભારતનું છે. પરન્તુ વીધીની વક્રતા જુઓ કે આજે યુરોપના દેશોમાંથી આયાત થયું છે એ પ્રશ્ન જુદો છે. વીજ્ઞાનમાં બ્રહ્માંડની ઉત્પત્તી–રચના, ગુરુત્વાકર્ષણનો સીદ્ધાંત, ઉત્ક્રાંતીવાદ, અણુ, વીમાનવીદ્યા વગેરે વીશે જે સીદ્ધાંતો છેલ્લા ચારસો વરસોમાં શોધાયા છે તે સીદ્ધાંતો વીશે આપણા ઋષી–મુનીઓએ તો વર્ષો પહેલાં ચીન્તન કરેલું જ છે.

એક બાબત તદ્દન સ્પષ્ટ છે કે ભારતમાં ભુતકાળમાં વીદ્વાનોએ જે ચીન્તન, શોધ, જ્ઞાનની ખોજ કરી છે. ‘વીજ્ઞાન’ જેવી કોઈ સંકલ્પના જ ભારતના ચીન્તકો, ઋષી–મુનીઓની વીચારસરણીમાં ન હતી. વળી તમામ પ્રકારનું ચીન્તન, શોધ, રજુઆતને વાસ્તવીક હકીકતોનો સ્પર્શ હોવા કરતાં ધર્મ તેમ જ અધ્યાત્મપ્રેરીત કલ્પનાઓના રુપમાં જ વધારે હતું. ભારતમાં જ્ઞાનસાધનાનો ઈતીહાસ અને સમજવા તેમ જ આલેખવામાં નીચેના કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરુર છે.

1.  ભારતમાં જ્ઞાનની સાધના બે પ્રવાહો તેમ જ ત્રણ વીભાગોમાં વહેંચી શકાય.

(અ) કલ્પના–કથાઓ Mythologyમાં વીજ્ઞાન?
(બ) ઋષી–મુનીઓએ કરેલું ચીન્તન, ફીલસુફીમાં વીજ્ઞાન?
(ક) શોધ કરવા જાણવાની વૃત્તીથી થયેલી શોધ.

2.  બીજું કે ભારતમાં આરંભકાળથી જ હીન્દુ ધર્મની વ્યવસ્થા ચાર વર્ણોમાં વહેંચાયેલી છે. આમાં જ્ઞાન મેળવવા, ધર્મગ્રન્થોનું પઠન કરવું. જ્ઞાન વીતરણ કરવું તેનો ઈજારો હક માત્ર અને માત્ર સૌથી ઉચ્ચ વર્ણ બ્રાહ્મણ લોકને જ હતો. ઋષી–મુનીઓ જેમનો મુખ્ય વ્યવસાય, કર્મકાંડો–હોમહવન અધ્યયન અધ્યાપન હતો તેમાં અપવાદ સીવાય તમામ ઋષી–મુનીઓ બ્રાહ્મણો જ હતા.

3.  વળી તે સમયમાં તમામ સાહીત્ય–ધાર્મીક (બીજા પ્રકારનું કોઈ સાહીત્ય જ ન હતું) તે સંસ્કૃત ભાષામાં જ રચાતું. જે સામાન્ય પ્રજાજનો, બ્રાહ્મણો સહીતને ઉપલબ્ધ ન હતું એટલે પુરાણા ભારતમાં શીક્ષીત કહેવાય તેવી વસ્તી તો અત્યન્ત જુજ જ હતી. જ્ઞાન એટલે ધાર્મીક જ્ઞાન; પણ કેવળ મુઠ્ઠીભર બ્રાહ્મણોનો જ ઈજારો હતો.

4.  એવા ઉલ્લેખ છે કે જે કઈ જ્ઞાન–શીક્ષણ અપાતું કે મળતું તે બે રીતે હતું, એક ગુરુ દ્વારા શીક્ષણ, બીજું તપ સાધના દ્વારા શક્તી પ્રાપ્તી. ગુરુ દ્રોણ, ગુરુ શુક્રાચાર્ય, વસીષ્ઠ, ગૌતમ, કણાદ, પતંજલી, શંકરાચાર્ય, પરશુરામ વગેરે અનેક વીદ્યાગુરુઓ તરીકે પ્રતીષ્ઠા પામેલા છે. આ ગુરુઓ પોતાના માત્ર પસન્દ કરેલા, ગણતરીના શીષ્યોને જ પોતાની વીદ્યા, જ્ઞાનનું પ્રદાન કરતા.

બીજું તપ–સાધના એટલે શીવ–શંકર, વીષ્ણુ કે કોઈ દેવ, માતાજી–સ્ત્રીશક્તીની સાધના, તપ કરવું. તપ કરવું એટલે જે દેવ–દેવીને રીઝવવા હોય તેમની એકધારી વર્ષો સુધી પ્રાર્થના, પુજા કરવી, દેહને કષ્ટ આપવું, હોમહવન કરવા વગેરે, આવું તપ કરવાથી અંતે જે તે દેવ–દેવી રીઝે, પ્રસન્ન થાય અને તેઓ તપસ્વીને ‘વરદાન’ આપે. વરદાન એટલે તેનામાં કોઈ પણ પ્રકારની અલૌકીક શક્તી, આરોપાય. આ રીઝાયેલા દેવો વરદાનમાં અણુશસ્ત્રો–બ્રહ્માસ્ત્ર જેવાં અમોઘ શસ્ત્રોનું જ્ઞાન–શક્તી તપસ્વીને આપતા. હીરણ્યકશ્યપે એવી શક્તી મેળવેલી કે કોઈ મનુષ્યરુપી જીવ તેની હત્યા કરી શકે નહીં વગેરે વગેરે.

જ્ઞાન સાધના, પ્રકૃતીની ખોજ માટેની આ જાતજાતની રીતોમાં વેદ, ઉપનીષદો તેમ જ કલ્પના–કથાઓ Mythologyમાં જ્ઞાન–વીજ્ઞાન હોવાના કેવા દાવા થાય છે તે તપાસીશું. લેખન અને છાપકામની શોધ તો ચૌદ–પન્દરમી સદીઓમાં થઈ. તે પહેલાંનું જ્ઞાન તો પેઢી–દર પેઢી શ્રુતી–શ્રવણ અને સ્મૃતી દ્વારા જ પસાર થતું, સંચય થતું. અલબત્ત ભારતમાં ભુર્જપત્રો ઉપર લખવાની લીપી અને કળા વીકસી હતી. એટલે કેટલુંક પુરાણું જ્ઞાન ભુર્જપત્રો અને ત્યાર પછી હસ્તલીખીત ગ્રન્થોમાં સચવાયું છે.

5. એવા દાવા થાય છે કે ભારતમાં સાચા તેમ જ યોગ્ય અર્થમાં જ્ઞાન સાધના પ્રકૃતી ખોજની પરીપાટી ઈ.સ. પુર્વના વર્ષોમાં શરુ થઈ હતી અને તે સમયમાં ભારતમાં વીદ્વાનોએ ખગોળ, ગણીત, ત્રીકોણમીતી, ઔષધશાસ્ત્ર વગેરે ક્ષેત્રોમાં ઘણું બધું સંશોધન, જ્ઞાન સમ્પાદન કર્યું.

જન્તર–મન્તર વેધશાળા, જયપુર (1628-1743)

(ક્રમશ:)

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન(પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ પાંચમો લેખ, પુસ્તકનાં પાન 25થી 28 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 15/07/2019

4 Comments

 1. ડો. બી. અે. પરીખનો આ લેખ સરસ છે… પરંતું ટૂકમાં, ‘વિશ્વને‘ સમાવવાની કોશીષ કરી હોય તેવું લાગ્યું. મુદ્દાઓને વિગતે સમજાવ્યા હોત તો સિનીયરોને વઘુ જ્ઞાન મળતે.
  જ્ઞાન પરબ બનતે.
  અભિનંદન.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. ડૉ. બી. એ. પરીખે ફ્રાન્સ ના એક સમયના જગ પ્રખ્યાત અભ્યાસી અને વિદ્વાન ડોક્ટર મોરિસ બુકાઇલ (Dr. Maurice Bucaille) નું પુસ્તક The Bible, The Quran and Science વાંચેલ હશે, જેમાં લેખકે બાઇબલ તથા કુરાનમાં વિજ્ઞાન વિષે શું જાણકારી છે તે વિષે દાખલાઓ આપીને લંબાણપૂર્વક વિગતો આપેલ છે. સંજોગવશાત મેં એ લેખકની સાથે મુલાકાત કરેલ છે, અને મારી પાસે તેના હસ્તાક્ષર કરેલા તેના પુસ્તકની નકલ પણ છે, અને મેં તેની સાથે પત્રવ્યવહાર પણ કરેલ છે.

  Liked by 1 person

 3. એમ તો કહેવાય છે કે યુરોપ ના લોકો મીઠી વસ્તુ તરીકે માત્ર મધ ને જ ઓળખતા હતા એ સમયે ભારત માં સાકર બનતી હતી અને એ લોકો તેમના દેશ માં જઇ કહેતા કે ભારત માં એક એવી વસ્તુ બને છે જેનો ગાંગડો દાઢ વચ્ચે દબાવો એટલે એમાંથી મધ નીકળે.ભારત માં એવાં બારીક વસ્ત્રો બનતા હતા કે આખો તાકો દિવાસળી ની પેટી માં સમાય જાય. પણ વર્ણવ્યવસ્થા ના લીધે જ્ઞાન નો વિકાસ જ ન થયો.આયુર્વેદ માં રસી ની શોધ કરવાના પ્રયોગો પણ છે પણ પછી અધિકારવાદ આવતા તેમાં પણ સંશોધન વિકાસ થવાનું બંધ થઇ ગયું.હવે જે લોકો વિમાન,પરમાણુ શસ્ત્રો વગેરે નું અમારા વૈદિક શાસ્ત્રોમાં વર્ણન છે એવું કહે છે એને કહેવાનું કે બુલેટ ટ્રેન શાસ્ત્રો માં જોઈ બનાવી લો એટલે લૉન ના લેવી ભઈ!

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s