સુગંધ આપવા માટે ફુલોને દીક્ષા લેવી પડે છે? સૌંદર્ય બતાવવા માટે ફુલોને મેક–અપ કરવો પડે છે? પવીત્ર જીવન જીવવાના બહાને શા માટે પરાવલમ્બી અને અપ્રાકૃતીક જીવન જીવવાનો માર્ગ પસન્દ કરવો? મનની વૃત્તીઓ જો ખરેખર બદલાઈ ગઈ હોય તો બહારનો વેશ બદલવાની જરુર જ શી છે? અને વેશ બદલ્યા પછીયે જો સડેલી વૃત્તીઓ સખણી ન રહે તો પછી એવા વેશ–પરીવર્તનનો કોઈ અર્થ છે ખરો?
ત્યાગનો દમ્ભ બડો વીચીત્ર હોય છે
–રોહીત શાહ
પર્સનલી તો હું બહુ સ્પષ્ટ માનું છું કે કોઈ વ્યક્તીએ કદીયે દીક્ષા લેવી જ ન જોઈએ. પવીત્ર જીવન જીવવાના બહાને શા માટે પરાવલમ્બી અને અપ્રાકૃતીક જીવન જીવવાનો માર્ગ પસન્દ કરવો? મનની વૃત્તીઓ જો ખરેખર બદલાઈ ગઈ હોય તો બહારનો વેશ બદલવાની જરુર જ શી છે? અને વેશ બદલ્યા પછીયે જો સડેલી વૃત્તીઓ સખણી ન રહે તો પછી એવા વેશ–પરીવર્તનનો કોઈ અર્થ છે ખરો?
આપણે ત્યાં ત્યાગનું માર્કેટીંગ બહુ ભારે છે. કોઈ વ્યક્તીને સપોઝ સંસારમાં રસ ન રહે અને વૈરાગ્યના માર્ગે જવું હોય તો ભલે જાય; પણ એમાં આડમ્બર અને ધતીંગો શા માટે? છોડવું જ હોય તો છોડી દેવાનું, એમાં ઢોલ પીટવાની શી જરુર?
કેટલાક ભોટ માણસો એવી દલીલ કરે છે કે તમે લગ્નપ્રસંગ ધામધુમથી ઉજવો છો તો પછી દીક્ષાપ્રસંગે થતી ધામધુમની કેમ ટીકા કરો છો? અરે યાર, લગ્ન તો રાગનો ઉત્સવ છે, સાંસારીક સ્થુળ સુખનો અવસર છે. તમે એક તરફ સાંસારીક સમ્બન્ધોને સ્વાર્થ કહો છો તથા ભૌતીક સુખોને પાપ માનો છો. એ બધાથી છુટવા તો ત્યાગ–વૈરાગ્ય અને અધ્યાત્મના માર્ગે જાઓ છો. તોય પ્રદર્શનનો માર્ગ પકડી જ રાખો છો? ચાલો, તમે જ કહો કે લગ્ન કરવા જનાર વ્યક્તી પણ ધામધુમ કરે અને ત્યાગના માર્ગે જનાર વ્યક્તી પણ ધામધુમ કરે તો એ બેમાં શો ફરક? અધ્યાત્મનો માર્ગ સાત્વીક–સાદગીનો માર્ગ છે. એમાં પણ દમ્ભ–દેખાડા ભરી દઈને ભ્રષ્ટ કરશો તમે? ઠાઠમાઠથી દીક્ષા લેનારને તમે મહાત્મા માનો તો ઠાઠમાઠથી લગ્ન કરનારને પણ મહાત્મા માનવા તૈયાર થશો?
કેટલાક લોકો કહે છે કે દીક્ષાપ્રસંગે (કે અન્ય ધાર્મીક અવસરે) થતી ધામધુમને કારણે અનેક લોકોને–કલાકારોને રોજીરોટી મળે છે. એમાં ખોટું શું છે? જો એમ જ હોય તો પછી દારુ–જુગાર અને ચોરીને કારણે પણ અનેક લોકોને રોજીરોટી મળતી હોય છે. તમે એને કેમ ગુનો ગણો છો? રોજીરોટી આપવાના બૅનર હેઠળ પોતાની છીછરી અહમ્–વૃત્તીને પોષવી એ તો મહાપાપ ગણાય. વળી કોઈને રોજીરોટી આપવાનો જ શુદ્ધ ઉદ્દેશ હોય તો બીજા અનેક રસ્તાઓ છે. કલાકારોને બીરદાવવાની કે તેમને પુરસ્કૃત–પ્રોત્સાહીત કરવાની કોણ ના પાડે છે? તેમનો પોતાના પ્રદર્શનમાં ઉપયોગ કરીને તેમને પ્રોત્સાહન આપ્યાનો દમ્ભ કરવો એ ભુંડું પાપ છે. આવી દલીલ કરનારાઓ મુરખ છે. એકસો કરોડ રુપીયાની કોઈ ઈન્સ્ટીટ્યુટ કે ફૅક્ટરી ઉભી કરીને લાઈફ–ટાઈમ લાખો માણસોને રોજીરોટી આપી શકાય અને કલાકારોને અવૉર્ડ–પુરસ્કાર આપીને પ્રોત્સાહીત કરી શકાય. એક વ્યક્તીને તમે નોકરી આપો તો એની આખી ફૅમીલીને પર્મનન્ટ ટેકો મળે. માત્ર બે દીવસની ધામધુમ પાછળ કરોડો રુપીયાનો ધુમાડો કરવો એ તો નરી પાગલપણ જ છે. પોતાની વાહવાહી કરાવવાનો અને પોતાની મહત્તા પુરવાર કરવાનો આ ભ્રષ્ટ અને ભુંડો ઉભરો જ છે.
હું વારંવાર કહું છું કે સુગંધ આપવા માટે ફુલને દીક્ષા નથી લેવી પડતી અને સૌંદર્ય બતાવવા માટે ફુલોને કદી મેક–અપ કરવો નથી પડતો. સુગંધ અને સૌંદર્ય ભીતર હશે તો એ પ્રગટ થઈને જ રહેશે અને જો એનો અભાવ હશે તો કરોડો ધમપછાડા કરીને પણ તમે એ પુરવાર કરી શકવાના નથી. સમ્પત્તીનો સદ્વ્યય કરવાની આવડત ન હોય અથવા દાનત ન હોય એવા લોકોને જ ધતીંગોનો માર્ગ ગમે.
એક શ્રાવક (જૈન ભાઈ)ને પુછ્યું કે તમે જૈન હોવા છતાં બટાટા કેમ ખાઓ છો? તેણે કહ્યું કે મારી આર્થીક સ્થીતી ખરાબ છે, બધી શાકભાજીમાં બટાટા સૌથી સસ્તા છે એટલે નાછુટકે મારે બટાટા જ ખરીદવા પડે છે! જો તમારી પાસે જરુર કરતાં વધારે સમ્પત્તી હોય અને તમને જૈન ધર્મ પ્રત્યે પુર્ણ આસ્થા–શ્રદ્ધા હોય તો ગરીબીના કારણે કોઈ શ્રાવકને બટાટા ન ખાવા પડે એવી વ્યવસ્થા કરી શકો અને એ કામ દીક્ષા લેવા કરતાં વધારે મહાન છે; કારણ કે દીક્ષા લેવાથી તો જે–તે વ્યક્તીનું પોતાનું જ કલ્યાણ થાય છે, જ્યારે હેલ્પ કરવાથી તો અનેક લોકોને શાંતી અને શાતા મળે છે. તાજેતરમાં અમદાવાદની એક માતાએ પોતાના બે પુત્રો સાથે સાબરમતી નદીમાં ઝમ્પલાવીને આત્મહત્યા કરી. એનું કારણ એટલું જ હતું કે તેના પતીની આવક ઓછી હતી અને પોતાના બાળકની બાર હજાર રુપીયા સ્કુલ–ફી તેની પાસે નહોતી. એક શ્રાવીકા માતાને પોતાના બાળકને ભણાવવાની લાચારી કેટલી હદે હશે કે તેણે આત્મહત્યા કરી હશે! ત્યાગના નામે બે દીવસના વૈભવી ઠાઠ કરવાને બદલે આવા પરીવારો સુધી ખાનગીમાં હેલ્પ પહોંચાડવાનું જરુરી છે. ખાનદાન અને સંસ્કારી વ્યક્તીને હાથ લાંબો કરતાં સંકોચ થાય એટલે પોતાનું જીવન ટુંકાવી નાખવા પ્રેરાય. કોઈની લાચારી દુર કરવી એ દીક્ષા કરતાં પવીત્ર અને દમ્ભ કરતાં ભવ્ય કાર્ય છે એટલું સૌને સમજાય તો નો પ્રૉબ્લેમ.
– રોહીત શાહ
લેખક–સમ્પર્ક : શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com
મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘નો પ્રૉબ્લેમ’ (06 જુન, 2015)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 19–07–2019
शरीरमाध्यम खलु धर्म साधनं। જે શરીરના માધ્યમથીજ ધર્મસાધના કરવાની છે તેને પીડવાથી, કેશોચ્ચાટન કરવાથી કે ભૂખ્યા તરસ્યા રાખવાથી તેમાંનો મોહ કે અહંભાવ તો જતો નથી બલ્કે ‘મેં આ કર્યું’ તેનો અહંકાર અને શરીરવિજ્ઞાનના વિરુદ્ધ કાર્ય કરવાથી મોટા ભાગનાને એસિડિટી, પેપટિક અલ્સર, કિડનીના પ્રશ્નો અને બીજા અનેક પ્રશ્નો ઉભા થાય છે. જે તે સંપ્રદાયના અનુયાયીઓએ આંખો ખોલવી જોઈશે.
LikeLiked by 1 person
મને લાગે છે કે આ ફોર્મ ઉપર અંધશ્રદ્ધા અને અજ્ઞાન નિવારવા અર્થે ચર્ચા થાય છે.હવે આ ફોર્મ ધર્મની ટીકાનું માધ્મ બનતું જાય છે.કોઈએ કયો ધર્મ કેવીરીતે પાળવો અને કેવું જીવન જીવવું તે વ્યક્તિગત માન્યતા અને પસન્દગી નો વિષય છે.દરેકને પોતાની સમ્પતિ કેવીરીતે વાપરવી તેનો અધિકાર દરેક વ્યક્તિએ જુદો જુદો હોય છે.તાજેતરમાંજ એક શ્રીમન્તં કુટુંબમાં 750 કરોડ રૂપિયાનો ખર્ચ લગ્નમાં કરવામાં આવ્યો હતો તેવું સાંભળવામાં આવ્યું હતું।તો શું આવા કુટુંબોને કરોડો જરૂરિયાતમન્દ લોકોની ગરીબી,મેડિકલ દવા-દારૂ ની અગવડતાનો ખ્યાલ નહીં હોય?પરંતુ આ એક અલગ વિષય હોઈ સમગ્ર સમાજને લાગુ પાડી શકાય નહીં।
અને આવી ટીકા કરવાથી તેની કોઈ અસર પડવાની નથી.જે ચાલતું આવ્યું છે તે ચાલતું જ રહેશે એમ મારું માનવું છે.
LikeLiked by 1 person
સમાજમાં જેમ ચાલતું આવ્યું છે-ધાર્મીક કે સામાજીક વીધીઓ બાબતમાં તેમ જ ચાલ્યા કરશે, ચાલવા દેવું જોઈએ એ પણ આપણી અજાગૃતીને લીધે છે એમ મને લાગે છે. આથી જાગૃત લોકો એ પ્રત્યે સમાજનું ધ્યાન દોરે અને સમાજ વધુ સારો બને એ માટેના પ્રયત્નો કરે એ કદાચ જરુરી છે.
LikeLiked by 1 person