ઉપચારની ભ્રામકતા

ડૉક્ટરોનો પણ ડૉક્ટર અને ‘દૈવી અંશ’ ધરાવતો સુરતનો ભગત બીલકુલ અસમ્બન્ધીત નીદાન કરીને મારણ/તારણ મુઠના ઉપચારો કરે છે. શું દૈવી શક્તીની મદદથી કોઈની કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ શક્ય છે? એ ભગતના ભાથામાં દર્દીના વીવીધ પ્રકારનાં શોષણ કરવા માટેના તીર કયા છે? તે જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી રહી…

5

ઉપચારની ભ્રામકતા

        –પ્રા. સુર્યકાન્ત શાહ

(આ લેખમાળાનો ચોથો લેખ https://govindmaru.com/2019/07/01/suryakant-shah-9/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

‘સો દુ:ખોની એક દવા એટલે ભગતની મુલાકાત’ જેવી નવી કહેવત બનાવવી પડે એવું આ ભગતના ચાર ચોપડા બોલે છે. અનેકવીધ કૌટુમ્બીક, આર્થીક અને શારીરીક રોગોની સમસ્યા લઈને અથકથીત દર્દથી પીડાતા દર્દીઓ ભગતનો ઓટલો ચઢતા હતા અને ભગત બધાંને સાજા–નરવા કરી આપતો હતો એવો ભ્રમ પેદા કરીને, તે જાળવી શકતો હતો. ચારેક વર્ષની એની આ ધુર્તતા બાદ અન્દરોઅન્દર સળવળાટ થયો. એકાદ બે નીર્ભ્રાન્ત થયા. આપણા સમાજમાં નીર્ભ્રાન્ત તો ઘણા થયા છે; પરન્તુ તે થયા બાદ પ્રગટપણે સ્વીકારતા નથી કે પોતે મુર્ખ બન્યા છે. આપણે નાગરીકો ન્યુનતમ અપેક્ષીત સમાજલક્ષીતા ધરાવતા નથી કે જેથી એવો વીચાર કરી શકીએ કે આપણે મુર્ખ બન્યા હતા, અન્યો મુર્ખ બનવા જોઈએ નહીં. આવા ભગત જેવા ધુર્તને હાંકી કાઢવા જોઈએ. આપણે જે ‘અકથીત રોગ’ના ભોગ બન્યા છીએ તે અન્યો બનવા જોઈએ નહીં એવો સમાજલક્ષી ખ્યાલ આપણને આવતો નથી. તેટલું સામાજીક ઉત્તરદાયીત્વ આપણે કેળવી શક્યા નથી. સમસ્યાના ઉકેલ માટે જેઓ સાચો ઉકેલ આપી શકે તેમનું માર્ગદર્શન અને ચીકીત્સા લેવાના સાદા પરન્તુ નીરોગી મગજના લક્ષણને વીકસાવવું જોઈએ. આપણા ‘માંદા સમાજ’ની આ બીજી એક લાક્ષણીકતા છે. સુરતની ‘સત્યશોધક સભા’ના અલપસંખ્ય કાર્યકરો આ ઉત્તરદાયીત્વને નીભાવે છે; પરન્તુ એમના પ્રયત્નો દરીયા જેવા સમાજમાં ખસખસ જેવા છે. સમાજમાં જે થોડાઘણા સંવેદનશીલ માણસો છે, જે જ્ઞાતી–જાતી ધર્મની પણ ઉપર ઉઠી શકે તેવા છે અને ખાસ કરીને જેઓ યુવાન છે એમણે સહજ ભાવે આ ઉત્તરદાયીત્વ નીભાવવું જોઈએ.

ચાર–પાંચ વર્ષથી સુરતમાં ધામા નાંખેલા આ ભગતના ભ્રામક ઉપચારથી નીર્ભ્રાન્ત થયેલા કેટલાકોએ સત્યશોધક સભાના કાર્યકરોનો સમ્પર્ક કર્યો. કાર્યકરોએ એ ભગતની ધુર્તતાનો પર્દાફાશ કર્યો. એની પાસેથી એની સમ્મતીએ મળેલા ચાર ચોપડાએ સમાજની રુગ્ણતાને પ્રકાશમાં આણી.

સમસ્યાથી ઘેરાયેલી વ્યક્તીએ કે રોગથી પીડાતા દર્દીએ પોતાના સવાલના ઉકેલ માટે ‘જાતે’ કંઈક કરવાનું હોય છે. આપણે તે ‘અન્યો’ કંઈક કરે અને પોતાને કશું નહીં કરવું પડે એવો અભીગમ ધરાવીએ છીએ. આ અભીગમને તેઓ એટલા જોરથી વળગી રહેતા હોય છે કે એમની નજર સમક્ષ સમસ્યા વીકરાળ બની જાય અથવા તો રોગ જીવલેણ થઈ જાય તો પણ તેઓ નીષ્ક્રીયતાનો અભીગમ છોડતા નથી. આ અભીગમ મગજની નબળાઈ સુચવે છે. આ અભીગમને અનુરુપ તેઓ જ્યારે ખોટા ઉકેલ માટે ખોટા માણસની પસન્દગી કરે છે ત્યારે તે એક દર્દી બની જાય છે.

ભગત–ભુવા–બાપા–પીર–સાધુ–મૌલવીઓ–પાદરીઓ આવા માણસોના આ અભીગમ નબળાઈ અને દર્દને બરાબર સમજે છે. તેઓ જાણે છે કે એમણે એક એવું તેજવર્તુળ રચવું જોઈએ કે જેથી આવા નબળાં મનના માણસો (1) એમનાથી પ્રભાવીત થાય અને (2) સમસ્યા ઉકેલ માટે પૈસા આપે. ભગત–પીર–લોકો તેવું તેજવર્તુળ રચે છે.

આ રચના કર્યા બાદ તેઓ એના પ્રભાવથી દર્દીના મનમાં એવું ઠસાવી શકે છે કે એમની પાસે દૈવી શક્તી છે, જેની મદદથી તેઓ કોઈની કોઈ પણ સમસ્યાઓનો ઉકેલ આણી શકે તેમ છે.

લગભગ બધા જ ધર્મોના અને બધા જ આર્થીક સ્તરોના ભગત–પીર, આથી સમાજમાં પ્રવર્તમાન પ્રચલીત વેશ પહેરતા નથી. તેઓ મહદ્અંશે ભુતકાળમાં લાંબા સમયથી જેઓ દૈવી અંશ અથવા ખુદ દેવ ગણાયા છે તેમના જેવો વેશ પહેરે છે અને તેવો દેખાવ રાખે છે.

આથી મોટા ભાગના ભગત લાંબા રેશમી ઝભ્ભા અને અબોટીયું, લાંબા વાળ, ટીલા–ટપકાં અને ગળામાં માળા ચઢાવતા હોય છે. મોટા ભાગના પીર કાળા ઝભ્ભાં, મેંશવાળી લાલ આંખ અને વાંકળીયા વાળના ઝુલ્ફા રાખતા હોય છે. એમનું બોલવાનું આજ્ઞાવાચક વાક્યોમાં હોય છે. તેઓ જરા મોટા ઘાંટેથી બોલતા હોય છે. મતભેદ પાડનારની સામે ત્રાડ પાડતા હોય છે.

વાતોમાં વચ્ચે વચ્ચે એમના હાથમાંના ચીપીઓ, લાકડી વગેરે અફળાતા હોય છે. એમાંના કેટલાંકને પોષાય તો આસપાસ એમના જેવા જ ત્રણ–ચાર ચેલાઓ અને એકાદ–બે રુપાળી ચેલીઓ રાખતાં હોય છે. એ સમસ્યા સાંભળતા હોય છે ત્યારે જરા બેધ્યાનપણે સાંભળવાનો ડોળ કરતા હોય છે કે જેથી દર્દીને સતત એવો આભાસ થાય કે ભગત–પીર અપાર્થીવ એવી કોઈક શક્તી સાથે સંદેશ વ્યવહાર ચલાવી રહ્યા છે! એ દર્દીની સામે જ્યારે જુએ છે ત્યારે જાણે ઉપકાર કરતા હોય તે રીતે જુએ છે – દૃષ્ટીપાત કરે છે! એના ચેલા–ચેલી જાણે ભગતની સેવામાં સતત રહેવાનો ડોળ કરે છે.

આમ કરીને તેઓ દર્દીને એવી ‘સમજ’ આપે છે કે ભગત–પીરની દૈવી શક્તીને કારણે દર્દીની નાણાકીય–શારીરીક–કૌટુમ્બીક સમસ્યા તો દુર થાય જ છે; પરન્તુ વધારામાં ઐશ્વર્ય પણ મળતું હોય છે! આમ, દર્દીની મજબુરીમાં લાલચ અને ભયના મસાલા ઉમેરીને લગભગ ભગતપીરનો માનસીક ગુલામ બનાવી દેવામાં આવે છે.

આટલું અને આવું બધા જ ભગત–પીર–બાવા–સાધુ–મૌલવી–પાદરી ઓછે વધતે અંશે સામાન્યત: કરતા હોય છે. આ બધાંના સ્વરુપ, ધર્મ અને આર્થીક સ્તર અનુસાર બદલાય છે. એ જ પ્રમાણે ઉપચારની કાર્યરીતી બદલાય છે.

અહીં એક હીન્દુ ભગતના ચોપડા પ્રાપ્ત થયા છે. એ મધ્યમ તથા શ્રીમન્ત વર્ગને સેવા આપતો હતો તેથી તે પ્રમાણેની કાર્યરીતી, મળેલા ચોપડાને આધારે, જણાવવામાં આવી છે.

સાંભળીને ખાતરી આપી દેવી

ભગતના ચારે ચોપડાનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે એ દેખીતો ભલે બેધ્યાન હોવાનો ડોળ કરતો; પરન્તુ દર્દીની અંગત બાબતો પર તે ખાસ ધ્યાન આપતો. દર્દીનું નામ, સરનામું અને વ્યવસાય બરાબર નોંધી લેતો. એ બધું તે મોટા અક્ષરે લખતો. ત્યારબાદ જે કંઈ ફરીયાદ હોય તે બરાબર સમજાય તેવી રીતે લખતો.

પુત્ર ઝંખનાવાળીના નામની સામે અચુક ઘોડીયાનું ચીત્ર દોરતો અને ‘કરવા’ માટેની તારીખો લખતો. મહીનાના આંતરાની તારીખ આપતો. ભાગ્યે જ બે મહીલાને એક તારીખ આપી હોય એવું દેખાયું છે.

છાતીમાં ગભરામણ, પેઢાના દુખાવા જેવા રોગની ફરીયાદણના છાતી–સ્તન અને ચાર–પાંચના કીસ્સામાં યોની સુદ્ધાનું ચીત્રકામ કર્યું હતું. સ્તન ખુલ્લા કરાવીને જોવાની શંકા એટલા માટે પડે છે કે (1) દરેક ચીત્ર અલગ છે. (2) મોટા ભાગની સ્ત્રીઓનાં બન્ને સ્તન વચ્ચે સમાનતા હોતી નથી. ભગતે ચીતરેલા સ્તન પણ અસમાન કદના છે. (3) જે સ્તન મોટું હોય તેની પાસે તીરની નીશાની મારી ‘કરવાનું છે’ લખતો. ઘણી વાર ‘ડાબી’, ‘જમણી’, ‘સુકાઈ ગયેલું’, ‘ડાબી બ્લોક’, ‘જમણી બ્લોક’ જેવી સુચના પણ લખતો. આ લખાણના આધારે એ દર્દીને કંઈ ને કંઈ ‘કરતો’.

બધા ચોપડાઓમાં દર્દનું નીવારણ એવી રીતે કર્યું છે કે જેના આધારે કહી શકાય કે તે સાચા ઉકેલ આપી શકે એમ નહોતું. દર્દીના ખીસ્સાના આધારે હોમ–હવન–આહવાન જેવા કાર્યક્રમો રાખતો. ‘પરીશીષ્ટ–1 અનુસારના હવનનો ખર્ચ ગણવામાં આવે તો તે આઠ–દસ હજાર રુપીયા સુધીનો થાય. એવા ખર્ચા તે નફો ચઢાવીને દર્દી પાસેથી મેળવી લેતો. દર્દી નીશ્ચીત થઈ જતો કે એની સમસ્યાનો ઉકેલ આવી જશે.

દર્દીઓની રોજની સંખ્યા જોતાં એ અઠવાડીયે એકાદ હવન પ્રતીકાત્મક રીતે કરીને સાગમટે વીસ–પચ્ચીસ દર્દીઓની જથ્થાબન્ધ સમસ્યાઓનો એક હવન દ્વારા ઉકેલો લાવતો! અલબત્ત, ભગતે દરેક દર્દી પાસેથી હવનના અલગ ખર્ચા વસુલ લીધા હોવાનું સમજાય છે.

એના ચોપડામાં એણે નાણાકીય વ્યવહારોના ઉલ્લેખ નહીં થાય તેની કાળજી રાખી છે; છતાં ઓછામાં રુપીયા 70થી માંડી રુપીયા 1200 સુધીની ફી લેતો હતો એવું તારણ નીકળે છે.

પુત્ર/બાળકની આકાંક્ષાવાળીને તે વારંવાર (મહીનાના આંતરે) બોલાવતો. જેઓ વધારે રકમ આપે તેમનું કામ ત્વરીત ધોરણે કરવાની નોંધ લખતો. એ ‘વીઝીટે’ પણ જતો. પ્રેમમાં ભગ્ન થયેલા પાસેથી, એની આજ્ઞાને અધુરી રાખીને તે વ્યક્તીનો ફોટો એ મંગાવતો. બે–ત્રણ અપવાદ સીવાય બધાએ ફોટાની ફોટો–સ્ટેટ નકલ આપી હતી. એના પર એ કરવાનાં કાર્યોની નોંધ લખતો. કોઈના પર જ્યારે મારણ કે તારણ કરવાનું હોય ત્યારે તે ફરીયાદ કરનાર દર્દીના ફોટાને માંગતો નહીં; પરન્તુ જેના પર મારણ/તારણ કરવાનું હોય તેનો ફોટો અચુક માંગતો.

ફોટામાં એકથી વધારે વ્યક્તિ હોય તો મારણ/તારણ માટેની વ્યક્તી પર એ નીશાની કરતો. મારણ’ એટલે તે વ્યક્તી પર મુઠ મારીને દર્દીનું ધારેલું કામ તેની પાસે કરાવવું. ‘તારણ’ એટલે એવી મુઠ દર્દી પર લાગી હોય તો તેમાંથી દર્દીને છોડાવવાનો. જ્યારે દર્દી માંગેલી ફી આપતો ત્યારે ભગત સ્થળ પર જઈને પણ મારણ/તારણ મુકી આવતો.

મારણ/તારણમાં ભગત કઈ વીધી કરતો હતો તે ચોપડામાંથી જાણવા મળ્યું નથી. દર્દીની ઈચ્છા હોય તો તે ધારેલી વ્યક્તી પર ‘વશીકરણ’ કરી આપતો હતો.

આમ આ ‘અકથીત રોગ’ માટે દર્દો તબીબને પસન્દકરે છે એટલું જ નહીં આગળ વધીને ઉપચારનો પ્રકાર પણ દર્દી જ નક્કી કરતાં દેખાય છે! સંખ્યાબન્ધ કીસસામાં દર્દી ભગતને જણાવતા દેખાયા કે ભગતે મારણ કરવું, તારણ કરવું કે વશીકરણ કરવું! ભગત તે પ્રમાણે કરી આપતો.

આ સન્દર્ભે એક દર્દીની ફરીયાદ અને દર્દીએ જ સુચવેલ ઉપાય આ ‘અકથીત રોગ’ અને તેની પાછળના ભગતના તરકટને સમજાવે તેમ છે.

(ફરીયાદણના પતીના માથાના ભાગે કુહાડીનો ઘા વાગતા દીવસે દીવસે એણે ભાન ગુમાવી દીધેલું હતું. ભાન બીલકુલ નહોતું ઝાડા–પેશાબનું ભાન નહોતું. જાતે બેસી શકતો પણ નહોતો.)

એક છોકરી છે. પ્રભુ પરમાત્મા પાસે નાની બેબી વતી અરજ ગુજારવાની છે. બેબીના નસીબે બાપ બેઠો થાય કેમ કરીને જોવાનું છે.

ફરીયાદણે આટલું જણાવ્યા પછી પોતે જ ઉપાય સુચવ્યો છે કે :

‘કુળદેવતાની આણ મુકવાની છે.–નસીબ અપનાવી લક્ષ્મણ રેખા મુકવાની છે.’

બહુ જ ઓછા કીસ્સામાં ભગતે નીદાન અને ઉપચાર અંગે ચોપડામાં લખ્યું છે. આ કીસ્સામાં એણે નીદાન માટે આ પ્રમાણે લખ્યું છે :

 1. ત્રાસા ચોરસ પાડીને તેને ડાબી છાતી જણાવીને તે ‘લાલ છે’ એવું લખ્યું છે.
 2. ઉભા ચોરસ પાડીને તેની સામે ‘સેક્સ’ લખ્યું છે. તે જ ચોરસવાળા ચીત્ર નજીક તીર ચીતરીને જણાવ્યું છે કે ‘ઉંઘ ઓછી છે’.
 3. ‘ભાગ્ય બળ સારું દેખાતું નથી.’
 4. ‘પહેલેથી જ સંસાર સુખી નથી. ધણીનું સુખ બહુ જ ઓછું. સાસરીમાં પણ સુખ જેવું કંઈ જ વર્ષોથી મળેલ નથી.’
 5. ‘વીચારવાનું વધારે. ચેન પડે નહીં.’
 6. ‘વાસના મરી ગયેલી બતાવે છે. ટાઈમમાં ઓછું આવે.’

આમ, ભગતે આ કેસમાં નીદાન લખ્યું છે; પરન્તુ ઉપચાર અંગે કશું લખ્યું નથી. ફરીયાદણની મુળ વાત એના પતીને કુહાડી વાગવાથી એ બેભાન અવસ્થામાં રહેતો હોવાથી પેદા થયેલી પરીસ્થીતીમાંથી મુક્ત થવાની છે. જ્યારે ભગતનું નીદાન ડાબી છાતીવાળા ભાગ પરના લાલ નીશાનથી માંડી મરી ગયેલી વાસનાનું છે! આ વાતને દર્દીની ફરીયાદ અને નીદાન સાથે કોઈ સમ્બન્ધ નથી, જો આવા સમ્બન્ધ વગરના દર્દ અને નીદાન થતાં હોય તો ઉપચાર પણ બીલકુલ ખોટી દીશાના જ હોય તે સમજી શકાય તેવું છે.

આમ, ભગત બેધ્યાન હોવાનો ડોળ કરતો; પરન્તુ બરાબર સાંભળીને વીગતોને ચોપડામાં ઉતારી કરીને અસમ્બન્ધીત નીદાન કરીને; પછી અક્કલ વગરના ઉપચારો બતાવતો હતો. દર્દીઓ એને ઉપચાર માનતા હતા તેથી એ ઉપચાર ગણાતા હતા! દર્દીને એવો ભ્રમ રહેતો કે એનો અસરકારક ઉપચાર થયો એટલે એ ઉપચાર ગણાતો! ડૉ. કોવુરે એની આત્મકથામાં લખ્યું હતું તે પ્રમાણે એમના પીતાશ્રી સ્ટેશન પર નળના પાણીને ગંગાજળ માનતા હતા તેથી એને ગંગાજળ માનીને પીતા હતા. જોગાનુજોગ એકાદ પ્રસંગે એમની માંદગી દુર થઈ હતી. આથી તે માનતા કે પવીત્ર ગંગાજળ પીવાથી એમની માંદગી દુર થઈ હતી.

એ જ પ્રમાણે આ ભગતના દર્દીઓ કેટલીકવાર પોતાના જ સુચવેલા; પરન્તુ ભગતના મુખે બોલાવેલા અને કેટલીકવાર ભગતના સુચવાયેલા અસમ્બન્ધીત ઉપાયોને અસરકારક માનીને અપનાવવામાં આવતા હતા. આ એક એવો ભ્રમ હતો અને છે કે તેના પર આધાર રાખી અનેક દર્દીઓ પોતાના ભવીષ્યને, અર્થવ્યવસ્થાને, શરીરને અને એવી અનેક સમસ્યાઓને વકરાવે છે. ઉપર દર્શાવેલા કીસ્સામાં ફરીયાદણ તબીબ પાસે ઉપચાર કરાવીને પોતાના પતીને ભાનમાં લાવવા અને તન્દુરસ્ત કરવાને બદલે સતત બેભાન રાખીને વાસ્તવમાં વીધવા બનવા અને દીકરીને બાપ વગરનો બનાવવાની વ્યવસ્થા જ કરતી હતી!

આ ફરીયાદણ પતી પરત્વે પુરા પ્રેમ સાથે અને દીકરી પરત્વે અમાપ વાત્સલ્ય સાથે બન્નેને અને ખુદ પોતે અગાધ એવા દુ:ખસાગર તરફ ધકેલાતી હતી. હોંશીયાર પણ ધુર્ત ભગત એ બાઈની તે સમયની અને ભાવીની પરીસ્થીતી પામી ગયો હતો. આથી, એ ફરીયાદણને સીધી સાદી સલાહ નહોતો આપતો કે તેના પતી માટે સારા ડૉક્ટરને મળે. એમ.ડી. થયેલા ડૉક્ટરોના કાર્યક્ષેત્રની બહારના દર્દ માટે જે કોઈ દર્દી ફરીયાદ લઈને આવે તો તેઓ પુરી સહજતા અને નમ્રતાથી તે રોગના નીષ્ણાત અન્ય ડૉક્ટરને મળવાની સલાહ આપે છે; પરન્તુ આ તો ડૉક્ટરોનો પણ ડૉક્ટર અને ‘દૈવી અંશ’ ધરાવતો ભગત બીલકુલ અસમ્બન્ધીત નીદાન કરીને મારણ/તારણ મુઠના ઉપચારો કરે છે.

એ ખુબ સુચક છે કે ભગતને ફરીયાદણના પતીને બદલે ફરીયાદણની છાતીના લાલ ભાગને, એના સંસારી સુખની કમીને અને એની ઓછી વાસનામાં વધારે ધ્યાનમાં રાખ્યા છે. સમજી શકાય તેવું છે કે પતીની માંદગીની ફરીયાદને લઈને આવેલી બાઈ ભવીષ્યમાં ભગતની કઠપુતળી બને તે દીશામાં ભગતના પ્રયત્નો હતા. આમ, આ ઉપચારો માત્ર ભ્રમણા નથી; પરન્તુ ફરીયાદીના, દર્દીના વીવીધ પ્રકારનાં શોષણ કરવા માટેના ગતના ભાથાનાં વીવીધ તીર છે.

પરીશીષ્ટ : 1

હવનનો સામાન

શ્રીફળ નંગ–11, સીન્દુર રુ. 5/-નું, કંકુ રુ. 5/-નું, અબીલ રુ. 2/-નું, અગરબત્તી પેકેટ–1, કાળી દરાખ 50 ગ્રામ, ખારેક 250 ગ્રામ, એલચી રુ. 5/-, લવીંગ રુ. 5/-, બદામ રુ. 10/-, પીસ્તા રુ. 10/-, ચારોળી રુ. 5/-, લાલ દરાખ રુ. 5/-, અખરોટ 100 ગ્રામ, કમળકાંકડી 250 ગ્રામ, કાળા તલ 250 ગ્રામ, જવ સવા શેર, કાચો ભાત 250 ગ્રામ, હવન પીઠી રુ. 10/- કેસુડાના ફુલ 500 ગ્રામ, ગોળ સવા શેર, સોપારી આખા 1 શેર, ખાંડ 1 શેર, કપુરની ગોટી નંગ–02, અત્તરની શીશી નંગ–01, સુખડના છોડા 200 ગ્રામ, જનોઈ બંડલ નંગ–06, કાજુ 1 શેર, ચોખા 3 શેર, ચણાની દાળ સવા શેર, મરી લાલ સવા શેર, સફેદ તલ 2.5 કીલો, કોપરાની વાટી નંગ–3, સરસવ રુ. 5/-, સાકર રુ. 10/-, સુકી હળદર સવા શેર, ચુંદડી નંગ–02, મધની નાની બાટલી નંગ–01 આગંધ રુ. 10/-, દશાવંશ ધુપ રુ. 5/-, કોપડુ લોસન રુ. 5/-, ગુગળ રુ. 5/-, ઘઉં 5 શેર, મગની દાળ સવા શેર, ચણા સવા શેર, ચણાની દાળ સવા શેર, અડદની દાળ સવા શેર, મરી લાલ સવા શેર, સાતધાન ખીચડો 1 કીલો, લાપસી 1 કીલો, તુવેરની દાળ 1 કીલો, હવનનું ઘી 2 કીલો, દીવાનું ઘી અડધો શેર, ખાંડ 1 કીલો, કેળા 1 ડઝન, દાડમ નંગ–03, મોસંબી નંગ–03,  ચીકુ નંગ–03, બીજોરુ નંગ–01, લાલ કકડો સવા મીટર, તાપીનું પાણી, લાકડા સવા મણ, કપુરી પાન નંગ–12, પકવાન 500 ગ્રામ, બરફી 500 ગ્રામ, સીંગદાણા 1 કીલો, ઘી 1 કીલો, શાકભાજી, રેતી 02 તગારા, હાર નંગ–07, દડીયા નંગ–06, તરભાણું નંગ–01, ચમચી 4+6=10 નંગ, લોટા નંગ–06, લાપસી 01 કીલો, દહીં સવા કીલો, શેરડી નંગ–05, જમરુખ નંગ–03, નારંગી નંગ–03, સફરજન નંગ–03, ભુરુ કોળું નંગ–01, કોડીયા માટીના નંગ–06, સફેદ કાપડ સવા મીટર, ગાયનું છાણ,  છાણા–12, ચેવલી પાન નંગ–15, પાંચ જાતની મીઠાઈ 500 ગ્રામ, વરીયાળી દાણા 1 કીલો, રવો દોઢ કીલો, બદામ–કાજુ–ચારોળી રુ. 15નું, ઈંટ–75, જટા મોટી–02, હારના દડા નંગ–02, તાવાનો છડો–01, કાંસાની થાળી નંગ–01, વાડકી નંગ–06, છુટા ફુલ, તુલસી, દરોઈ, બીલીપત્ર, પંચપલ્લવ, સમીધ.

(ક્રમશ:)

પ્રા. સુર્યકાન્ત શાહ

લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક આપણો માંદો સમા (પ્રકાશક : સત્યશોધક સભા, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/)માંનો આ 5મો લેખ, પુસ્તકનાં પાન 29થી 34 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 22–07–2019

7 Comments

 1. ખૂબ જ સરસ અને વૈજ્ઞાનિક હોય તેવું સંશોઘન લેખ.
  ભગત પણ કેવો કે તે દર્દીઓના પ્રશ્નોના ચોપડા બનાવી રાખતો.
  તે પણ અેક અનોખો ભગત જ કહેવાય.
  આ લેખ દ્વારા વાચકને ઘૂતારા ભગતો વિષે સરસ માહિતિઓ મળી.
  પ્રા. સૂર્યકાંત શાહને હાર્દિક અભિનંદન.
  આવા લેખો સમાજમાં ખૂબ પ્રસરે તેવી વ્યવસ્થા કરવી જોઇઅે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. લોકજાગૃતી માટે લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક ‘આપણો માંદો સમાજ’ની ‘ઈ.બુક’ પ્રકાશનની કાર્યવાહી હાથ ધરી છે.

   Like

 2. आदरणीय साहेब श्री
  यदी पोस्ट हिंदी भाषा मे अवेलेबल है तो कृपया मुझे हिंदी भाषा मे भी सेंड
  कीजिएगा।

  Liked by 1 person

  1. कृपया माफ कीजिये। यह पोप्ट हिन्दी में उपलब्ध नहीं है।
   धन्यवाद।

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s