ભુત લોકઅપમાં ભરાઈ ગયું!

કેટલાકને ભુત દેખાય છે, તે વાત સાચી? રાતે ભુત દેખાતું હોય તો દીવસે ક્યાં જતું રહે છે? ભુત લોકોને કેમ મારે કે હેરાન કરે છે? ભુતને ચોઘડીયું નડે? ભુતે શી જાહેરાત કરી? સત્યશોધક સભાની ટીમ અલગ–અલગ ગામોમાં ફરીને લોકજાગૃતી માટે શી સમજણ આપી? ભુતનું ‘પગેરું’ પામવા માટે તમારે ‘અભીવ્યક્તીબ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

ભુત લોકઅપમાં ભરાઈ ગયું!

–રમેશ સવાણી

સત્યશોધક સભાના પ્રમુખ ડો. બી. એ. પરીખ બોલો છો?”

“હા, તમે કોણ?”

“સાહેબ! હું સુરત જીલ્લાના ઝંખવાવ ગામેથી બીજલ ચૌધરી બોલું છું. તમે અત્યારે જ ઝંખવાવ આવી જાવ. અમારા વીસ્તારમાં ભુત આવ્યું છે! માંડવી, માંગરોળ અને ઝંખવાવ વીસ્તારના આદીવાસી લોકો ભુતના ભયથી ભયભીત થઈ ગયા છે. ભુત લોકોને હેરાન કરે છે!”

“બીજલભાઈ! અત્યારે રાતના અગીયાર વાગ્યા છે. હાલ હું કોઈને મોકલી શકું તેમ નથી; પરન્તુ આવતી કાલે અમારી ટીમ તમારે ત્યાં જરુર પહોંચી જશે.” ડો. પરીખે ફોન મુક્યો અને પોતાની ટીમને સંદેશો મોકલ્યો.

તારીખ 5 સપ્ટેમ્બર, 1999. રવીવાર. સાંજના છ વાગ્યેસત્યશોધક સભાની ટીમ ઝંખવાવ ગામે પહોંચી. ટીમમાં સીધ્ધાર્થ દેગામી, પુરુષોત્તમ મુંગરા, મધુભાઈ કાકડીયા, ગુણવંતભાઈ ચૌધરી અને બીજા સભ્યો હતા. બીજલભાઈ ચૌધરીએ કહ્યું : “સાહેબ! ભુત અંગે જુદી જુદી વાતો સાંભળવા મળે છે.”

“બીજલભાઈ! ભુત કઈ જગ્યાએ દેખાય છે?” સીધ્ધાર્થ દેગામીએ પુછપરછ શરુ કરી.

“ગામના સ્મશાનમાં દેખાય છે!”

“એનો આકાર કેવો છે?”

“ભુત પ્રકાશ રુપે દેખાય છે. વેલ્ડીંગના પ્રકાશ જેવો ગોળો દેખાય છે! આવો ગોળો થોડીવાર દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે!”

“આવો પ્રકાશ કયાં કયાં જોવા મળ્યો?”

“સાહેબ, ગુંદીકુવા, મીરાપુર, ડેડીયાપાડા, ઉમ્મરપાડા, ઈસર, ચોરાંબા, ઉમર, કડવી દાદરા, વાડીગામ, ચકરા, વડપાડા, બીલવાણ, દેવગીરી વગેરે ગામોમાં આવો પ્રકાશ જોવા મળ્યો છે, તેવી લોકો વાતો કરે છે!”

“બીજલભાઈ, તમે પ્રકાશનો ગોળો જોયો છે? તમે ભુત જોયું છે?”

“ના, સાહેબ. ગામલોકો વાતો કરે છે!”

“સાંભળેલી વાતોમાં વીશ્વાસ ન મુકાય. ભુતે કોઈને ઈજા કરી હોય, નુકસાન કર્યું હોય તે અંગે પુરાવા જોઈએ!”

“સાહેબ! મંગુબેન ચૌધરીના ઘરમાં ભુતે માળીયા ઉપરના પુળા પાડી દીધાં. લાકડાનો ભારો પાડી દીધો!”

“પુળા પાડવાનું કે ભારો પાડવાનું કામ ભુત શા માટે કરે?” મધુભાઈ કાકડીયાએ પુછ્યું.

“મધુભાઈ! ભુત વીચીત્ર છે! કોઈ હાથમાં લાકડી લઈને નીકળે તો ભુત તે લાકડી ખેંચીને ફટકારે છે! લોકો આ ડરના કારણે હાથમાં લાકડી રાખતા નથી!”

“ભુત શા માટે લોકોને મારે છે?”

“સાહેબ! બે વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાંથી એક મહાત્મા આવ્યા હતા. તેમણે ગામ લોકોને દારુ છોડાવેલ; પણ લોકોએ ફરી પીવાનું શરુ કર્યું તેથી ભુત સજા કરે છે!”

“ભુત તો મહાત્માનું કામ કરે છે, એનો આભાર માનવો જોઈએ!”

“સાહેબ! દારુ છોડાવવાનું કામ ભુતનું નથી! આ ભુત વીચીત્ર છે. ભુતે જાહેર કર્યું છે કે રાતે બાર વાગ્યે ગામના તમામ પુરુષોએ સ્મશાનમાં હાજર રહેવું. ઘર ખુલ્લું મુકીને જવું.”

“ભુતે આવું કોને કહ્યું?”

“એની ખબર નથી, પણ લોકો વાતો કરે છે!”

સત્યશોધક સભાની ટીમ ગામમાં ફરી. કેટલાયની પુછપરછ કરી. ભુત જોયાનું કોઈએ ન કહ્યું. ભુતનો અનુભવ થયાનું કેટલાંક લોકોએ જણાવ્યું. પુળા અને ભારો માળીયામાંથી નીચે પડ્યા તે જગ્યાની વીઝીટ કરી. બીલાડીના કુદવાથી પુળા પડ્યા હોય તેમ જણાતું હતું. ભુતે લાકડી ફટકારી હોય, તો ઈજા થાય! પણ એવી ઈજા જોવા ન મળી. ઝંખવાવ અને આજુબાજુના ગામમાં સત્યશોધક સભાની ટીમે રાત્રી ભ્રમણ કર્યું : ઠેર–ઠેર રસ્તા ઉપર તાપણું કરીને મહીલાઓ, નાના બાળકો બેઠાં હતાં અને ભુતની વાતોમાં ગુંથાયા હતાં.

રાત્રીના એક વાગ્યે, ચોરાંબા ગામના ગોનજીભાઈ ચૌધરીએ કહ્યું : “સાહેબ, થોડાં સમય પહેલાં, સો ડગલાં દુર મન્દીર પાસે પ્રકાશનો ગોળો નાનો મોટો થતો હતો. મેં બુમો પાડી. તેથી પ્રકાશ અદૃશ્ય થઈ ગયો!”

ગોનજીભાઈ સાથે બીજા લોકો પણ ઉભા હતા. મધુભાઈ કાકડીયાએ કહ્યું : “લોકોએ ડરવાની જરુર નથી; પણ સાવચેત રહેવાની જરુર છે. તસ્કર ગેંગનું ભેજું કામ કરતું હોય તેમ લાગે છે! રાતે ભુત દેખાતું હોય તો દીવસે ક્યાં જતું રહે છે?”

“મધુભાઈ, દીવસે ભુત બંધ ઘરમાં ભરાઈ જાય છે! કેટલાંક લોકો એવું કહે છે કે ભુત દીવસે કુતરો બની ફરે છે અને રાતે ભુત બની ભટકે છે!”

“ગોનજીભાઈ! આજે ભુત કેમ દેખાતું નથી?”

“કદાચ ચોઘડીયું સારું નહીં હોય!”

“ગોનજીભાઈ, ભુતને ચોઘડીયું નડે? ભુત ક્યારેય કોઈને લાકડી મારી શકે નહીં કે નુકસાન કરી શકે નહીં. શક્તી ઉત્પાદક, મેટાબોલીક કાર્યો માત્ર જીવન્ત વ્યક્તી જ કરી શકે. શરીર ધરાવતા ન હોય તેવા ભુત કોઈને લાકડી મારી શકે નહીં. પુળા પાડી શકે નહીં. મગજ અને જ્ઞાનતન્તુઓની ગેરહાજરીમાં ભુત કે ભટકતા આત્માઓ સહેતુક કાર્યો કરી શકે નહીં. ભુત પાછળ કોઈ માણસનો હાથ છે!

“પણ કેટલાકને ભુત દેખાયું છે, તેનું શું?”

સીધ્ધાર્થ દેગામીએ કહ્યું : “કેટલાકને ભુત દેખાય છે, તે વાત સાચી. તેને ‘દૃષ્ટીભ્રમ’ કહેવાય. ગરમીના દીવસોમાં ડામરના રોડ ઉપર અમુક અન્તરે પાણીના ખાબોચીયાં જેવું દેખાય છે, તે દૃષ્ટીભ્રમ છે! રૅશનાલીસ્ટ ડૉ. અબ્રાહમ કોવુર તેને છળનાત્મક અનુભુતી કહે છે. આવી અનુભુતી ત્રણ પ્રકારની હોય છે– ભ્રમ, વીભ્રમ અને દુભ્રમ. ભ્રમના પાંચ પ્રકાર છે– દૃષ્ટીભ્રમ, ધ્વનીભ્રમ, સ્પર્શભ્રમ, ગન્ધભ્રમ અને વાકભ્રમ. ઝાંઝવાના જળ દૃષ્ટીભ્રમ છે. આમળા ખાધા પછી પાણી મીઠું લાગે છે, તે સ્વાદભ્રમ છે. જેનું અસ્તીત્વ નથી તે ભુત, પીચાશ, શેતાન, ફરીસ્તા, દેવ, પરીઓ વગેરેના વીચારો જેના મગજમાં ભરી દેવામાં આવ્યા હોય, તેમને અન્ધકારમાં દૃષ્ટીભ્રમના કારણે આ બધું દેખાતું હોય છે! પાખંડીઓના ચમત્કારો દૃષ્ટીભ્રમ છે. ડાકલાંનો તાલબદ્ધ અવાજ, સમુહ ભજન, નૃત્ય વગેરે વીભ્રમની અનુભુતી કરાવે છે. માનવમન સુચનાઓ, આદેશોનો સહેલાઈથી શીકાર બને છે. આવા આદેશો સંમોહનથી આપી શકાય. મગજમાં ધાર્મીક વીચારોને ઠસાવવા, તે વશીકરણની ધીમી પણ સતત ચાલતી પ્રક્રીયા છે. પુજા કે ભજન વેળાએ કોઈને સમાધી ચઢી જાય, કોઈ ધુણવા લાગે તેનું કારણ શ્રદ્ધાળુ મગજ ઉપર વશીકરણની અસર હોય છે!”

“દુર્ભ્રમ એટલે શું?”

“માણસનું મન, અમુક ઉમ્મરે કોઈપણ છાપને ગ્રહી લેવા તત્પર હોય છે. તેવા સમયે મગજમાં નીરુપવામાં આવેલ વીચારોમાંથી સર્જાતી ખોટી માન્યતાઓનો સંગ્રહ દુર્ભ્રમ છે. જેમ કે ભુત, પીચાશ, શેતાન, દેવો, જયોતીષ, અંક ભવીષ્ય, યન્ત્રતન્ત્ર, પ્રેતવીદ્યા, શ્રાપ, આશીર્વાદ, શુકન, અપશુકન, યાત્રા, પવીત્ર સ્થળો, વ્યક્તીઓ, વસ્તુઓ, ગુઢવીદ્યા, આત્માનું ગમન વગેરે માન્યતાઓ દુર્ભ્રમ છે.”

“સીધ્ધાર્થભાઈ! તમારી વાતમાં તથ્ય છે. માણસને જ ભુત દેખાય છે. ગાયને ક્યારેય ગાયનું ભુત દેખાતું નથી. હાથીને કયારેય હાથીનું ભુત દેખાતું નથી. કબુતરને ક્યારેય કબુતરનું ભુત દેખાતું નથી. આ બધી મગજની માથાકુટ છે!

“બીલકુલ સાચું! ગોનજીભાઈ. આજે નહીં તો કાલે. અમે ભુતનું તરકટ પકડી પાડીશું. લોકો સાંભળેલી વાતોનો પ્રચાર ન કરે, એવું નક્કી કરો. લોકો જાગૃત થાય ત્યાં ભુત રહે નહીં!”

બીજા દીવસે, આખી રાત ‘સત્યશોધક સભા’ની ટીમ અલગ–અલગ ગામોમાં ફરી. લોકોને સમજાવ્યા. ઉમરપાડામાં દેવશીભાઈ ચૌધરીએ પુછયું : “કોઈ વ્યક્તીનું, અકાળે મરણ થાય અને તેની પાછળ ક્રીયાકાંડ ન થાય તો મરણ થનાર ભુત બની ભટકે છે, એ વાત સાચી?”

મધુભાઈ કાકડીયાએ કહ્યું : “આ અન્ધમાન્યતા છે. આવી માન્યતા પાછળ આર્થીક કારણ છે. ધીરાણનો ધંધો ચાલે, લોકો દેવાદાર બને તે માટે આવી માન્યતાઓ ચાલાકીપુર્વક વહેતી મુકવામાં આવે છે. મૃત્યુની સાથે જ માણસના વીચારતન્ત્ર અને લાગણીતન્ત્રનો અન્ત આવી જાય છે. ભટકવાનો પ્રશ્ન જ રહેતો નથી!”

ત્રીજા દીવસે ‘સત્યશોધક સભા’ની ટીમ પહોંચી ડેડીયાપાડા પોલીસ સ્ટેશને. પરીચય વીધી થઈ. પોલીસ ઈન્સ્પેકટર ચૌધરીએ કહ્યું : “તમે ભુત પાછળ ભમો છો, એની મને જાણ છે; પણ તમે ભુતનું ‘પગેરું’ પકડી શકવાના નથી, એની મને પાક્કી ખાતરી છે!”

“સાહેબ! આવું તમે કઈ રીતે કહી શકો?” મધુભાઈ કાકડીયાએ પુછયું.

મધુભાઈ! ભુત લોકઅપમાં ભરાઈ ગયું છે! આખી ગેંગ છે. ચોરીઓ કરવા તરકટ કર્યું હતું. લોકો સ્મશાનમાં કે મન્દીર પાસે એકત્ર થાય, ઘર ખુલ્લા મુકે, લોકો રક્ષણ માટે હાથમાં લાકડી ન રાખે, તે માટે આ તસ્કર ગેંગે યુક્તીપુર્વક પ્લાનીંગ કર્યું હતું!”

–રમેશ સવાણી

‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (તા. 19, જુલાઈ, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ    ઈ–મેઈલ :  govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 26–07–2019

 

4 Comments

  1. ખુબ સરસ લેખ. હાર્દીક આભાર રમેશભાઈનો તથા ગોવીન્દભાઈનો.
    નાનો હતો ત્યારે ભુતીયા વડ પાસેથી પસાર થવાનું થતું ત્યારે ખુબ બીક લાગતી. અવારનવાર પસાર થવાની ફરજ પડી હતી. કશું થયું ન હતું અને ધીમે ધીમે ભુતનો ડર ગાયબ થઈ ગયો હતો.

    Liked by 1 person

  2. મિત્રો,
    સરસ.
    મને લાગે છે કે મીડલશ્કુલના સામાજીક વિષયના પુસ્તકમાં આ લેખ ભણવા માટે ફરજીઆત મુકવો જોઇઅે. આ લેખના લખાણની પઘ્ઘતિ પણ શાળાના બાળકોને સમજાવવાની હોય તેવી છે. શાળાના કોર્સમાં આવા લેખો જો ફરજીઆત મુકાય તો આવા અંઘશ્રઘ્ઘાના કિસ્સાઓને નિવારવામાં ખૂબ સફળતા મળશે.
    પ્રશ્નો તો આપણે જાણીઅે જ છીઅે. જે કાંઇ આપણને જોઇઅે છે તે છે નિવારણના…..સોલ્યુશનના રસ્તાઓ. લોકજાગૃતિ મેળવવાનો……..
    સત્યશોઘક સંસ્થાઅે ગુજરાત ગવર્નમેંટને સમજાવીને આવા લેખો પાંચમા ઘોરણના બાળકોથી અેટલીસ્ટ નવમાં ઘોરણના બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરાવવી જોઇઅે.

    અેક સત્યશોઘક સંસ્થા ક્યાં ક્યાં દોડશે ?

    જેમની પાસે સત્તા છે તેમનો ઉપયોગ કરતાં શીખો. આ શાળા કોર્સ ઘણા સત્યશોઘકો આપશે.
    ઘણા જાગૃત સીટીઝન આપશે. જેને ભૂત કદી નહિ દેખાય. અભણતા અને ઘર્મના નામને વેપાર માટે , પોતાની આવકને રળવા માટે ઉપયોગમાં લેતાઓ પણ જાગી જશે કે હવે આપણી દાળ નહિ ગળે……
    પણ મને ખબર છે કે આવા પગલાં કદી નહિ ભરાય…….લોકો પોતે જ જાગૃત નથી અને થવા માંગતા નથી………ભલેને ‘ અભિવ્યક્તિ રોજ અેક લેખ છાપે..‘
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. બહુ સરસ લેખ છે.

    નાનપણથી મગજમાં જે વાતો ઘર કરી ગઈ છે, તેને કાઢવી ખૂબજ કઠીન છે. શાળાના અભ્યાસક્રમમાં આમેજ કરવામાં આવે તો કદાચ 25-30 વર્ષે પરિણામ મળે. અન્યથા સત્ય શોધક સંસ્થાના સભાસદો કરતાં સમાજમાં ધુતારાઓની સંખ્યા વધુ છે. તેઓ સતત કાર્યરત છે.

    પ્રયાસ ખૂબ સારો છે, સમવિચારી લોકોએ આગળ ધપાવવો રહ્યો.

    રમેશભાઈ અને ગોવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર.

    Liked by 1 person

  4. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વડા અને મંત્રીઓ અન્ધશ્રદ્ધાને વકરાવવા માંગતા હોય તે સરકાર પાસેથી શાળાના અભ્યાસક્રમમાં આ લેખ આમેજ કરવાની અપેક્ષા રાખી શકાય નહીં…!!!!

    Like

Leave a reply to ગોવીન્દ મારુ Cancel reply