ધર્મગુરુઓ અને ધર્મનું શીક્ષણ આપતાં લોકોને ખોટું કામ કરતી વખતે ભગવાનનો ભય લાગે? જો ભગવાનનો ડર હોય તો તેઓ ગરીબો પાસેથી પૈસા પડાવે? સ્ત્રીઓ અને બાળકોને ખુદની હવસના શીકાર બનાવે? પોતાની સામે પડનારને મારવાની કે મારી નખાવવાની હદે જાય? શું તેઓ ખુદને જ ભગવાનનો અંશ માનવા લાગતા હશે, જેને નીઃસંકોચ કંઈ પણ કરવાની સત્તા મળી ગઈ હોય?
ખરા અર્થમાં નાસ્તીક કોને કહેવાય?
– વર્ષા પાઠક
છેલ્લા એક જ મહીનામાં એવા ચારથી પાંચ સમાચાર સાંભળ્યાં કે વાંચ્યાં, જેમાં ધર્મના રખેવાળ ગણાતા, ધર્મનું શીક્ષણ આપતાં લોકોએ અત્યન્ત ઘૃણાસ્પદ કાર્ય કરેલા અને છેવટે કાનુનના લાંબા હાથ એમના સુધી પહોંચી ગયાં હતાં. આ બધાં અત્યારે સળીયા પાછળ છે. એમના નામ અહીં નથી લખવા; પરન્તુ કમનસીબી એ છે કે એમાં હીન્દુ, મુસ્લીમ અને ખ્રીસ્તી એ ત્રણેય કોમના લોકો છે. ભાવીકોએ એમનામાં મુકેલા વીશ્વાસનો એમણે ભંગ કરેલો અને એમનો ભોગ બનનારામાં નીર્દોષ નાગરીકો છે, સ્ત્રીઓ અને નાનાં બાળકો સામેલ છે. ધર્મની આડશ લઈને આતંકવાદ, આર્થીક ભ્રષ્ટાચાર, બળાત્કાર, ધાકધમકી, હત્યા જેવા અપરાધ એમણે કર્યા છે. હવે પ્રશ્ન એ થાય કે સતત બીજાઓને ધર્મના પાઠ ભણાવતા રહેતા આ લોકોને ખુદને ભગવાનનો જરાય ભય નહી લાગ્યો હોય?
ભારતની બહુમતી પ્રજા માત્ર ધાર્મીક નથી, ધર્મભીરુ છે. ‘ભય બીન પ્રીત નહીં’, આ જાણીતી ઉક્તીમાં ભગવાન પ્રત્યેની પ્રીતી પણ સામેલ છે. આપણો આ ભય રોજબરોજની બોલચાલમાં પણ ડોકાતો રહે છે. ‘અરે! ઉપરવાળાનો ડર તો રાખો…’, ‘ખુદાકા ખૌફ કરો….’, ‘તને તો માતાજી પુછે…’ આવું વારંવાર બોલાય છે. સામેવાળાને વીશ્વાસ અપાવવા માટે આપણે ભગવાનના સોગન ખાઈએ છીએ. કોઈ પણ વ્યક્તી ભગવાનના સોગન ખાધાં બાદ જુઠું નહીં બોલે, એવું તો આપણી અદાલત પણ માને છે એટલે સાક્ષીઓને જુબાની આપતા પહેલા એમના ધર્મગ્રન્થ પર હાથ મુકીને સોગન ખવડાવાય છે. લોકશાહી તન્ત્રમાં સર્વોચ્ચ ગ્રન્થ રાષ્ટ્રીય બંધારણ છે; પરન્તુ પ્રધાનો ઑફીસ સંભાળતા પહેલા બંધારણને વફાદાર રહેવાના સોગન ખાય ત્યારે પણ ઈશ્વરને સાક્ષી રાખ્યાનું કહે છે. ટુંકમાં, ભગવાનનું નામ લીધા બાદ ખોટું બોલશું કે ખરાબ કામ કરશું તો ખેર નથી, એવું આપણા દીમાગમાં નાનપણથી ઠસાવી દેવાયું છે. અને આ માન્યતાનું બીજ નાખવાથી માંડીને એને અત્યન્ત મજબુત કરવાનું કામ ઘરના વડીલો પછી ધર્મગુરુઓ અને ધર્મનું શીક્ષણ આપતાં લોકો કરે છે. તો એમને પોતાને ખોટું કામ કરતી વખતે ભગવાનનો ભય નહીં લાગતો હોય? કે પછી એ લોકો પહેલેથી ભગવાનમાં માનતાં જ નહીં હોય? નાસ્તીકને ભગવાનના કોપનો ભય ન લાગે. અને આ હીસાબે તો ભારતમાં નાસ્તીકોની સંખ્યા ખુબ મોટી ગણાવી જોઈએ.
અહીં પહેલેથી લોકોને ઉલ્લુ બનાવવા માટે સાધુવેશ ધરતા લોકોની વાત નથી. વાત અહીં એમની છે જે શરુઆતમાં ખરેખર ધાર્મીક, ધર્મભીરુ હશે; પરન્તુ ધીમેધીમે ઉપર પહોંચ્યા પછી એમનો ડર નીકળી જાય છે. અને પછી ડરની સાથેસાથે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ નીકળી જતી હશે? ધર્મના નામે સમાજમાં બહુ ઉચ્ચ સ્થાને પહોંચનાર વ્યક્તી નાસ્તીક થઈ જતી હશે? બાકી જેને ખરેખર ભગવાનનો ડર હોય એ ગરીબો પાસેથી પૈસા પડાવે? સ્ત્રીઓ અને બાળકોને ખુદની હવસના શીકાર બનાવે? પોતાની સામે પડનારને મારવાની કે મારી નખાવવાની હદે જાય? કે પછી એ ખુદને જ ભગવાનનો અંશ માનવા લાગતા હશે, જેને નીઃસંકોચ કંઈ પણ કરવાની સત્તા મળી ગઈ હોય?
જુના જમાનામાં રાજાઓની બાબતમાં આવું થતું. શરુઆત કયા શાણા માણસે કરી હશે, એ હું નથી જાણતી; પરન્તુ રાજા દૈવી વંશજ હોવાની કે રાજામાં દૈવી તત્ત્વ હોવાની માન્યતા દુનીયાભરની પ્રજાના મગજમાં ઠસાવી દેવાયેલી. એટલે પછી કોઈ રાજાનો વીરોધ કરે જ નહીં. સાચા ખોટાનો ન્યાય તોલવાની સત્તા રાજા પાસે હતી. કોઈના અપરાધ માફ કરી દેવાનો અધીકાર પણ રાજાને હતો. એ પોતે કંઈ પણ કરી શકે; કારણકે એનામાં દૈવી અંશ હતો. રાજાઓની સાથેસાથે કે એમના પછી આ દૈવી અધીકાર ધર્મગુરુઓના હાથમાં આવ્યો. એ તો સામાન્ય વ્યક્તી અને ભગવાન વચ્ચેની કડી બની ગયા. એમનો પ્રભાવ એટલો હતો અને છે કે ભલાભોળા ભાવીકો એક તબક્કે એમને જ ભગવાનનો અંશ માનવા લાગે છે. ઘરમાં ભગવાનની સાથે એમની છબી પણ રહેવા લાગે છે. અને અહીં જોવાનું એ કે એટલા ઉચ્ચ સ્થાને પહોંચી ગયેલી વ્યક્તીઓ પછી બીજા ક્ષેત્રમાં ઉંચા સ્થાને પહોંચેલા લોકો સાથે જ સમ્પર્કમાં રહેવાનું પસન્દ કરવા લાગે છે. તમે જ કહો, આ મહાત્માઓને સહુથી પહેલા મળવાનું, એમની નીકટ રહેવાનું સૌભાગ્ય કોને પ્રાપ્ત થાય છે? હમણાં ચુંટણી વખતે ઠેરઠેર આ જોયું હશે. બન્ને પક્ષ એકમેકનો ઉપયોગ કરે છે, એકમેકનો અહમ્ પોષે છે અને એકમેકના પાપ છાવરે છે. જેટલી પણ વાર કોઈ ધર્મ કે સમ્પ્રદાયમાં ઉચ્ચ સ્થાને વીરાજમાન વ્યક્તી કાયદાની ચુંગાલમાં ફસાય એટલીવાર સાંભળ્યું જ છે કે એને બચાવવા માટે ઉપર બેઠેલી કોઈ પાવરફુલ વ્યક્તીએ પ્રયત્ન કર્યા. એ તારણહાર પછી રાજકીય નેતા હોય કે સમ્પ્રદાયના જ વધુ મોટા ગુરુ.
જ્યાં ખ્રીસ્તી ધર્મનો મોટો પ્રભાવ છે ત્યાં વર્ષોથી ચર્ચના પાદરીઓ નાના બાળકોનું જાતીય શોષણ કરતા રહેલા. એ વીષે ફરીયાદ થઈ ત્યાં પણ વાત દબાવી દેવાનો આદેશ છેક ઉપરથી આવ્યો. ઉહાપોહ હદબહાર વધી ગયો ત્યારે દાયકાઓના ક્રીમીનલ કહેવાય એવા મૌન પછી ચર્ચે માફી માંગી. બીજા ધાર્મીક સમ્પ્રદાયોમાં પણ એવું થાય છે. બદમાશોને છાવરવા માટે કારણ એવું અપાય છે કે એકાદ બે ખરાબ માણસોને કારણે આખો ધર્મ, સમ્પ્રદાય બદનામ થઈ જાય. આ વળી કેવું, ડર ભગવાનનો હોવો જોઈએ કે બૅડ પબ્લીસીટીનો? નીર્દોષના ભોગે કોઈનું પાપ છાવરવું એ પણ મોટું પાપ ન કહેવાય? ત્યાં ઉપરવાળાનો ખોફ નહીં સતાવતો હોય? જો કે હકીક્તમાં એવો ભય રાખવાનું કોઈ કારણ જ નથી. ધર્મભીરુઓ બહુ ભોળા હોય છે. એક બાબા, ફકીર કે ફાધરથી છેતરાયા તો બીજા પાસે જશે, સમ્પ્રદાય નહીં છોડે. એમને ઉપર બેઠેલા ભગવાનનો જ નહીં, પૃથ્વી પર ભગવાન જેટલો પ્રભાવ ધરાવનારનો પણ ભય લાગે છે.
– વર્ષા પાઠક
સીનીયર પત્રકાર અને નવલકથાકાર વર્ષા પાઠકનું ‘ફેસબુક પેઈજ’ (તા. 15 મે, 2019)માંથી.. લેખીકા બહેનના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 02–08–2019
[cid:48a78e19-44ce-4180-abf3-25e260a6dbec]
________________________________
LikeLike
“શું તેઓ ખુદને જ ભગવાનનો અંશ માનવા લાગતા હશે, જેને નીઃસંકોચ કંઈ પણ કરવાની સત્તા મળી ગઈ હોય?”
“કમનસીબી એ છે કે એમાં હીન્દુ, મુસ્લીમ અને ખ્રીસ્તી એ ત્રણેય કોમના લોકો છે.” – વર્ષા પાઠક
આ વિષે મેં ઘણી વાર કેનેડા ના અંગ્રેજી તથા ઉર્દુ ના અખબારો માં લેખ Allah’s Agents on Earth ( પૃથવી પર ના અલ્લાહ ના એજન્ટો થી સાવધાન ) લખેલ છે અને તેનું ગુજરાતી માં ભાષાંતર શ્રી બિપિન શ્રોફ ના વૈશ્વિક માનવવાદ તથા કરાચી ના અખબાર માં પણ પ્રગટ થયેલ છે.
ખરી રીતે જોતા આ રોગ જગત માં ચારે તરફ અને ત્રણ મુખ્ય ધર્મો માં દાવાનળ ની જેમ ફેલાયેલ છે આપણી નજીવી કોશિશો થી કદાચ આવા પાખંડો તદ્દન બંધ ન થાય.
LikeLiked by 2 people
શ્રી વર્ષાબેન પાઠકનો લેખ વાંચ્યો.
તેઓ કહે છે કે ઘર્મના રખેવાળ કે શિક્ષણ આપનાર ખોટા, ઘૃણાસ્પદ કર્મો કરે છે…..કાયદાના હાથ તેમના સુઘી પહોંચીને પકડીને જેલમાં મોકલે છે….તેમાં…‘ કમનસીબી અે છે કે અેમાં હીન્દુ, મુસ્લીમ અને ખ્રીસ્તી અે ત્રણે કોમના લોકો છે.‘
આ ત્રણને દુનિયા ‘ ઘર્મ– તરીકે ઓળખે છે નહિ કે ‘ કોમ‘ તરીકે.
ઘર્મભીરુ બનવા પહેલાં માણસે ઘર્માંઘ બનવું પડે. પોતાની બુઘ્ઘિ બેંક લોકરમાં ફીક્સડ મૂકવી પડે. અને કોઇપણ સાઘુ કે કથાકાર કે પંથના વડાના ગુલામ બનવું પડે.
ઘર્મભીરુ લોકો પોતાની ઘર્મ પ્રત્યેની માન્યતામાં ગભરું હોઇ શકે પરંતું તેઓ પોતાના જીવનનિર્વાહના કમાણીના ઘંઘામાં ગળાકાપુ જેવી વર્તણુક આચરતા હોય છે. કદાચ ‘ ઘર્મભીરુંપણું ‘નું તે નાટક કરતો હશે. ? ટૂંકમાં ‘ સ્વાર્થી ‘ માણસ પોતાના લાભની જ વાતો વિચારતો હોય છે.
કહેવાતા ‘ ઘર્મ ‘ અને અંગત સ્વાર્થની કશ્મકશમાં …સ્વાર્થ મેળવવા માટે …ઘાર્મિક હોવાના નાટક કરનારાઓની વસ્તી દુનિયામાં સૌથી વઘુ છે.
પોટડીમાં મરેલાં દેવદૂત ક્રાઇસ્ટના ફોલોઅર્સ જાજરમાન બનીને ફરે છે. હીન્દુઓમાં કૃષ્ણ કે રામ….રાજકુમારો જ હતાં…. મુસ્લીમોમાં મહમદ પણ મસીહા હતા……
હીન્દુઓના ઘાર્મિકવડાઓ….પોતાની પોઝીસનનો સ્વાર્થી દૂરુપયોગ કરે છે…સ્વાર્થી દૂરુપયોગ….તેનાં આંઘળા ચેલાઓ મોક્ષના સ્વાર્થમાં અંઘાપો સ્વીકારી લે છે….અને જાગૃત ચેલાઓ જાણી કરીને પોતાના સ્વાર્થમાં શાર્મિક હોવાનું નાટક કરતાં હોય છે.
ચર્ચાઓ આજસુઘી નપુંસક બની રહી છે. અને રહેશે. આ ચર્ચાને કે આસ્તીક કે આસ્તીકની વાતોને કોઇ કિનારો નથી …..હાં જ્યારે સાયબર કે કોમ્પ્યુટર યોગ પૂરજોશમાં જીવનમાં વ્યાપ્ત થઇ ગયો શશે ત્યારે આ કહેવાતા ઘર્મોને લોકો ભૂલી ગયા હશે અેવું માની શકાય…..પરંતું તેને આવતાં કદાચ બીજા….૨૦૦ થી ૩૦૦ વરસો કે વઘુ સમય પણ નીકળી જાય….
ચર્ચા તો ચાલુ જ રહેશે…..તે પણ…..નપૂંશક…….ઓલ…ઘી….બેસ્ટ……
અમૃત હઝારી.
LikeLiked by 2 people
મિત્રો,
બે સુઘારા સ્વીકારજો….
( ૧)…અને જાગૃત ચેલાૉ જાણી કરીને પોતાના સ્વાર્થમાં ઘાર્મિક હોવાનું નાટક કરતાં હોય છે.
(૨) ચર્ચાઓ આજસુઘી નપુંસક બની રહી છે. અને રહેશે. આ ચર્ચાને કે આસ્તીક કે નાસ્તીકની વાતોને કોઇ કિનારો નથી……
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
વાહ ! સુંદર વિશ્લેષણ, આવા વિચારો વહેંચવા થી સમાજ જાગૃત થશે જ, પણ મારુ માનવું છે કે સાહિત્ય ધીમી ગતિએ જાગૃત કરે છે…
LikeLiked by 1 person
“મિત્રો,
બે સુઘારા સ્વીકારજો….
( ૧)…અને જાગૃત ચેલો જાણી કરીને પોતાના સ્વાર્થમાં ઘાર્મિક હોવાનું નાટક કરતાં હોય છે.
(૨) ચર્ચાઓ આજ સુઘી નપુંસક બની રહી છે. અને રહેશે. આ ચર્ચાને કે આસ્તીક કે નાસ્તીકની વાતોને કોઇ કિનારો નથી……”
શ્રી અમૃત હઝારીની આ વાત એકદમ સાચી….
LikeLiked by 1 person