આગાહી ખોટી પુરવાર થાય તેનું શું?

ખોટી આગાહીઓ કરનાર પર કેસ થતા હોય કે કરવા જોઈએ, તો હવામાન વીભાગનીયે પહેલાં કોને ઝપટમાં લેવા જોઈએ? યુ આર રાઈટ, જ્યોતીષીઓને. અમુક જ્યોતીષીઓને કોઈ કંઈ પુછે નહીં તોયે ઈશ્વરે આપેલી ડ્યુટી સમજીને એ સમાજસેવકો વીચીત્ર આગાહીઓ કર્યા કરે છે અને લોકો અક્કલ વાપર્યા વીના બ્રહ્મવાક્ય માનીને અનુસર્યા કરે છે. દાખલા તરીકે રક્ષાબન્ધનના દીવસે ભાઈને કયા સમયે રાખડી બાંધવી? જ્યોતીષીઓ ભવીષ્યમાં થનારી તકલીફોનું નીવારણ સુચવે છે, તો વરસાદ ક્યારે થશે અને નહીં થાય તો શું કરવું, એ પુછવા માટે ખેડુતોએ એમની પાસે જ જવું જોઈએ ને?

આગાહી ખોટી પુરવાર થાય તેનું શું?

(તસવીર સૌજન્ય : દીવ્ય ભાસ્કર)

વર્ષા પાઠક

મહારાષ્ટ્રમાં મરાઠવાડા પ્રદેશના બે ખેડુતે ભારતીય હવામાન ખાતા (IMD) સામે છેતરપીંડી અને ભ્રષ્ટાચારનો કેસ કર્યો છે. પરભણીના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવનાર ખેડુતોનું કહેવું છે કે હવામાન ખાતાના અધીકારીઓ બીયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ બનાવતી કમ્પનીઓ સાથે મળી ગયા છે. વરસાદની ખોટી આગાહી સાંભળીને ખેડુતો વાવણી કરી નાખે છે અને પછી કોરા આકાશ સામે જોતા બેસી રહે છે. જેટલું વાવ્યું એટલું બળી જાય છે; પછી નવું બીયારણ ખરીદીને નવેસરથી કામ કરવું પડે છે. ગયા વર્ષે બીડના એક ખેડુતે પણ આવી પોલીસ ફરીયાદ કરેલી. એ વખતે મહારાષ્ટ્રના હવામાન વીભાગ અને રાજ્ય સરકારે પણ આ બાબતને ગમ્ભીરતાપુર્વક લેવાનું આશ્વાસન આપેલું, જે અન્તે ઠાલું સાબીત થયું. આ વર્ષે ચીઢાયેલા બીજા બે ખેડુતે પોલીસ ફરીયાદ કરી છે.

હવામાનની આગાહી કરનારા ભ્રષ્ટાચારી છે એવું હજી સુધી સાબીત નથી થયું અને આશા રાખીએ કે એવું ન પણ હોય; પરન્તુ આપણે ત્યાં ખોટી આગાહીઓ થાય છે એ હકીકત છે. એનું એક કારણ એ અપાય છે કે હવામાન વીભાગ હજી બાવા આદમના જમાનાનાં સાધનો અને પદ્ધતી વાપરે છે. બીજું બહાનું તો હમ્મેશાં હાથવગું હોય કે કુદરતનો ભરોસો નહીં, ગમે ત્યારે રુપ બદલી શકે. વળી, દીનબદીન દેશનું જ નહીં દુનીયાભરનું હવામાન અણધારી રીતે બદલાવા, રાધર બગડવા માંડ્યું છે, એમાં કોઈ શું કરી શકે? જોકે ત્રણેક વર્ષ પહેલાં પાકીસ્તાનમાં એક ખેડુતે સરકાર પર કેસ કરેલો કે હવામાન બગડી રહ્યું છે, એ જાણ્યા બાદ સરકારની ફરજ છે કે કુદરતી કોપ સામે નાગરીકોનું રક્ષણ કરવું અને એ ફરજ નહીં બજાવનાર સરકારને અપરાધી ઠરાવવી જોઈએ. આપણે ત્યાં હજી કોઈને આવો વીચાર નથી આવ્યો; પણ પરીસ્થીતી સુધરી નહીં તો કદાચ કોઈને એવો કેસ નોંધાવવાની કે આંદોલન શરુ કરવાની પ્રેરણા મળશે.

આ કીસ્સા સાંભળ્યા પછી જોકે બીજો વીચાર આવે છે કે ખોટી આગાહીઓ કરનાર પર કેસ થતા હોય કે કરવા જોઈએ, તો હવામાન વીભાગનીયે પહેલાં કોને ઝપટમાં લેવા જોઈએ?– યુ આર રાઈટ, જ્યોતીષીઓને.

નવજાત બાળકથી માંડીને દેશ, અરે! દુનીયાના ભાવીની આગાહી કરનારા જ્યોતીષીઓ ખરેખર કેટલીવાર સાચા પડે છે? ખેડુતો ફરીયાદ કરે છે કે વરસાદ અંગે થયેલી ખોટી આગાહીથી એ વર્ષે બીયારણ પર કરેલો ખર્ચ અને વાવણી માટે કરેલી મહેનત પાણીમાં જાય છે, એટલે હવામાન વીભાગને અપરાધી ઠરાવવો જોઈએ. તો પછી જ્યોતીષીને બોલાવીને સારાંનરસાં મુહુર્ત જોઈને શરુ કરેલો બીઝનેસ નીષ્ફળ જાય કે ગુણ અને ગ્રહો જોઈને ગોઠવેલાં લગ્ન ભાંગી પડે તો એ જાણતલ જોશી પર કેસ થઈ શકે કે નહીં? પણ આપણે ત્યાં ઊંધું થાય છે. મહાન ગણાતા જ્યોતીષીની આગાહી અને સલાહ માનીને કરેલું કોઈ કામ બગડે, તો એને સુધારવા માટે ફરીથી એ જ મહાત્માની મદદ મંગાય છે. પહેલીવાર તો એમણે કહ્યા મુજબ ગ્રહો ચાલ્યા નહીં; પછી વધુ પૈસા ખર્ચીને, પુજાપાઠ કરાવીને એ મહાત્મા ગ્રહોની ચાલ બદલી આપશે, એવી એમની ખાતરીમાં આપણે આસાનીથી વીશ્વાસ મુકી દઈએ છીએ. ફરીથી એમની ખાતરી અને ભવીષ્યવાણી ખોટી પડે તો એમને બદલે કીસ્મતને દોષ આપીને બેસી રહીએ છીએ. એથીયે આગળ જનારા વીતેલા જન્મમાં કરેલાં કર્મને જવાબદાર ઠેરવે છે. હવે જો બધો આધાર નસીબ અને પાછલા જન્મનાં કર્મો પર રહેતો હોય તો પછી શું કામ જ્યોતીષીઓનાં ચક્કરમાં પડવું?

ચાલો, માની લીધું કે જ્યોતીષીઓ તો દુકાન ખોલીને બેઠા છે અને સાચી–ખોટી ભવીષ્યવાણી કરીને જ એમનો બીઝનેસ ચાલે; પણ એ દુકાને જવું કે નહીં એ તો સામેવાળાની મરજી પર આધાર રાખે છે ને? પંડીતજી કંઈ કોઈને કૉલર ઝાલીને પોતાની દુકાનમાં ખેંચી નથી લાવતા; પરન્તુ જેમ હવામાન વીભાગ પોતાની ફરજ સમજીને વરસાદ, ઠંડી, ગરમીની આગાહી કર્યા કરે છે તેમ અમુક જ્યોતીષીઓને કોઈ કંઈ પુછે નહીં તોયે ઈશ્વરે આપેલી ડ્યુટી સમજીને એ સમાજસેવકો વીચીત્ર આગાહીઓ કર્યા કરે છે અને લોકો અક્કલ વાપર્યા વીના બ્રહ્મવાક્ય માનીને અનુસર્યા કરે છે. દાખલા તરીકે રક્ષાબન્ધનના દીવસે ભાઈને કયા સમયે રાખડી બાંધવી?

જ્યોતીષીઓએ આ વર્ષે કહી દીધું છે કે જે બહેન ભાઈનું ભલું ઈચ્છતી હોય એણે સવારે 6:24ની પહેલાં અને સાંજે 5:27 પછી રાખડી બાંધવી નહીં અને હા, વચ્ચે 10:35થી 11:38 અને 12:41થી 1:44 સમય પણ ડેંજરસ છે. ગયા વર્ષે પણ આવી ટાઈમ લીમીટ અપાયેલી. તમને વીચીત્ર નથી લાગતું કે જેને આપણે જુનવાણી જમાનો કહીએ છીએ ત્યારે રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહુર્તની ઘોષણા નહોતી થતી. બહેનો પોતાના અનુકુળ સમયે જઈને ભાઈને રાખડી બાંધી દેતી. બન્ને પક્ષ નોકરી કરતા હોય કે બીજા કોઈ સંજોગો નડતા હોય તો મોડી રાતે કે આગલે દીવસે પણ રાખડી બંધાઈ જતી અને પછી સહુ ખાઈપીને રાજ કરતા; પણ ભણતર વધવાની સાથે ધતીંગ પણ વધ્યા છે. હવે રાખડી બાંધવા માટે પણ મુહુર્ત જોવાય છે. જ્યોતીષીઓએ ભાવી ભાખી દીધું છે કે શુભ સમયે રાખડી નહીં બાંધો તો ભાઈની રક્ષા નહીં થાય.  આ પણ સમજાતું નથી. ભાઈની કે બીજા કોઈની પણ રક્ષા ખરાબ સમયમાં થવી જોઈએ, તો રાખડી પણ પ્રતીકુળ ગણાતી ગ્રહદશા દરમ્યાન જ બંધાવી જોઈએ કે નહીં? એનીવે, આ ચેતવણી સાંભળી ત્યારથી અનેક બહેનોએ સાંજે પાંચ પહેલાં ભાઈને ઘેર પહોંચી જવાનું નક્કી કરી નાખ્યું છે. અશુભની આગાહી સ્ત્રીઓને વધુ ડરાવે છે. અન્ધશ્રદ્ધા જોકે પુરુષોમાંયે હોય છે, વૉટ્સએપ આવ્યા પછી તો દાટ વળી ગયો છે. ભેજું ચકરાઈ જાય એવાં ગપ્પાં, સાયન્ટીફીક સત્યના નામે ફોરવર્ડ થાય છે. તાજેતરમાં એવા જ્ઞાનની વહેંચણી થઈ કે ભગવાનની પ્રતીમા પર ચઢતું દુધ ધરતીના પેટાળમાં ઊતરીને અન્દર ધખધખતા લાવાને ઠારે છે, એટલે ભારતમાં જ્વાળામુખી નથી ફાટતા. મતલબ શીવજી પર દુધનો અભીષેક કરનારા હકીકતમાં પર્યાવરણની, દેશની સેવા કરે છે. ખબર નહીં આ શોધ કયા મહાન ભુસ્તરશાસ્ત્રીએ કરી છે? જેની ખબર માત્ર ભારતવાસીઓને છે.

જોકે, આવી વાતને અન્ધશ્રદ્ધા ગણાવીને હસનારા શાણાઓ બીજી તરફ પોતાના નામના સ્પેલીંગ્સ બદલીને પોતાની અક્કલ, રાધર કમઅક્કલનું પ્રદર્શન કરતા રહે છે. નામમાં વધારાની એબીસીડી ઉમેર્યા પછીયે ફ્લોપ જનારા, બેકાર રખડતા કલાકારો એમના ન્યુમરોલૉજીસ્ટ પર છેતરપીંડીનો દાવો કરી શકે? જ્યોતીષીની સલાહ પ્રમાણે જુદાં જુદાં નંગની વીંટીઓ, માળા પહેરતા અને પછીયે ઠેબાં ખાતા લોકો ક્યારેય કહે છે કે જ્યોતીષીઓ અને નંગ બનાવનારા, વેચનારા વચ્ચે સાઠગાંઠ છે, એટલે પોલીસ ફરીયાદ કરો. ના, નથી કહેતા, કારણ કે ઉલ્લુ બનનારા અંદરખાને જાણે છે કે સલાહ આપનારા પાસે કોઈ સોલીડ સાયન્સનો આધાર નથી. બીજી તરફ ખેડુતોને હવામાન વીભાગ સામે જુઠાણાં, બેદરકારી, ભ્રષ્ટાચાર જેવા આરોપ મુકવાનો પુરેપુરો અધીકાર છે, કારણ કે ત્યાં વૈજ્ઞાનીક ઢબે સુધારાની શક્યતા છે; પણ સુધારો નથી થતો.

અને છેલ્લે એક નીર્દોષ પ્રશ્ન જ્યોતીષીઓ ભવીષ્ય જાણે છે, ભવીષ્યમાં થનારી તકલીફોનું નીવારણ પણ સુચવે છે, તો વરસાદ ક્યારે થશે અને નહીં થાય તો શું કરવું, એ પુછવા માટે ખેડુતોએ એમની પાસે જ જવું જોઈએ ને? અને હા, બહેનોને પણ ખબર પડવી જોઈએ કે 26 ઓગસ્ટે રાખડીની સાથે છત્રી લઈને નીકળવું કે નહીં?

વર્ષા પાઠક

– – – – – – – – – –

‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્વ લેખકમીત્રો, વાચકમીત્રો, પ્રતીભાવકમીત્રો તથા ‘ઈ.મેઈલ’, ‘ફેસબુક’ અને ‘વોટ્સએપ’ પર ‘અભીવ્યક્તી’ બ્લૉગેની પોસ્ટ શેર કરનારા તમામ મીત્રો/વડીલોનો ખુબ ખુબ આભાર…                                            

–ગોવીન્દ મારુ

– – – – – – – – – –

સીનીયર પત્રકાર અને નવલકથાકાર વર્ષા પાઠકનું ‘ફેસબુક પેઈજ’ (તા. 22 ઓગસ્ટ, 2018)માંથી..  લેખીકાના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 12–08–2019

6 Comments

 1. આ બન્ને બાબતોને અગત્યની ગણીને કોઈ કાર્યવાહી તો થવી જ જોઈએ.

  હવામાનખાતું એકદમ જવાબદાર, સરકારી વીભાગ છે અને તેમની કને પુરતાં સાધનો અને માણસો હોય છે. એ બધાંનો ખર્ચ કર્યા પછી પણ લાખ્ખો રુપીયાનાં નુકસાન ખેડુતોએ ભોગવવાં પડે તો તે ગંભીર બાબત બની જાય છે.

  જ્યોતીષની બાબત અંધશ્રદ્ધાની જેટલી જ બલકે વધુ ચીંતાની બાબત છે. બધા જ વ્યવસાયો ઉપર સરકારી દેખરેખ હોય છે. જ્યોતીષને વ્યવસાય ગણીને એના ઉપર પણ ચોંપ રાખીને થનારાં નુકસાનો અને થઈ ચુકેલાં નુકસાનોનો હીસાબ મંગાવો જોઈએ.

  અભણ લોકોને સરકાર ભણાવે જ છે એ જ રીતે અંધશ્રદ્ધા–અજ્ઞાનતા અભણપણાની નીશાની ગણીને લોકોને આ બાબતે ભણાવવા એટલે કે જાગૃતી માટેના પ્રયત્નો કરવા જોઈએ. મત આપવા જવું જોઈએ; રસી મુકાવા જવું જોઈએ વગેરે સુચનો–આદેશોની જેમ જ આવી બહુ નુકસાનકર આગાહીઓની સામે લોકશીક્ષણ થવું જોઈએ.

  ઉપયોગી લેખ માટે ખુબ આભાર.

  Liked by 1 person

 2. મિત્રો,
  વર્ષાબેનનો લખેલો આ લેખ અને તે લેખનું મટીરીયલ ખૂબ જાણીતું છે. ઘણી ચર્ચાઓ થઇ ગયેલી વાંચવામાં આવી હશે..
  મુખ્ય સવાલ જ્યોતિષનો નથી.
  મુખ્ય કારણ અંઘશ્રઘ્ઘાળું લોકો છે.
  હ્યુમન સાયકોલોજી આ અંઘશ્રઘ્ઘાને જન્મ આપે છે અને પંપાળીને મોટી કરે છે. અઘીરાપણું..જોઇતી વસ્તુ ન મળે ત્યારે તેને મેળવવાના જુદા જુદા રસ્તા શોઘતો આંઘળો માનવી પેલા ઘંઘાદારી જ્યોતિષોને પોષે છે.
  જ્યારે તેની આગાહી ખોટી પડે છે ત્યારે અંઘશ્રઘ્ઘાની જાળમાં ફસાયેલો…પોતાના નસીબનો વાંક કાઢીને પોતાની જાતને છેતરીને સંતોષ માની લેતો હોય છે…..પેલા ઘંઘાદારીને તો આ ‘ નસીબ ‘ ની વાતની ખબર હોય જ છે. તે પણ આગાહી કરતી વેળા કહી જ દેતો હોય છે કે, ‘ જો જો ભાઇ…અમે તો અમારો બેસ્ટ પ્રયત્ન કરીઅે છીઅે પછી તમારું નસીબ ‘……નસૂબને સહારે અેક જણનું જ્યોતિષનું વાંચન જો ખરું પડી જાય તો પછી….તેની અેડવર્ટાઇઝ તે જ્યોતિષનો બેડો પાર કરી દે છે.
  ભારતમાં લગભગ ૮૫ ટકા લોકો નસીબમાં માનતા હોવા જોઇઅે……નસીબ અને જ્યોતિષને યુગ પુરાણો નાતો બંઘાયેલો હોય છે.
  વઘુ વાચકે વિચારી લેવું જોઇઅે તેવું હું માનુ છું.
  ૮૫ ટકાને સુઘારવાનું કામ કેટલું કથીન છે તેનો હિસાબ માંડવાની જરુરત છે ખરી ?
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. फलज्योती नी सामने FIR दाखल करी ने दाखलो जोइए

  Liked by 1 person

 4. Khub saras lekh govind bhai varsha ben aabhar.
  Biju vaignyanik abhigam mate sauthi pahela rationalism vichar vadi sarkar joiye jyare halma. bharat ma ekdam viprit paristhiti chhe sarkar khud andhshradhdha ne protsahan aape chhe halma varsad mate ukai
  ( dam ) khate havan karvama aavyo hato ane te pan ek dharasabhya na hathe. sarkar na chutayela netao ane pagardar adhikario aava hoi tya praja anukaran karti hoi chhe.

  Liked by 1 person

  1. ધારાસભ્ય તો ઠીક ભારત દેશના કેટલાક રાજ્યોના મન્ત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ અને વડાપ્રધાનશ્રી જ નાગરીકોના નાણાં અન્ધશ્રદ્ધાને પ્રોત્સાહીત કરવા માટે ખર્ચ કરે છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s