માસીકત્રયી : 1, 2 અને 3

સ્ત્રીના વરસતા સ્ત્રીત્વ અર્થાત્ ‘માસીક ચક્ર’ અંગે કીશોરાવસ્થામાં યુવતીઓને વૈજ્ઞાનીક જાણકારી પ્રાપ્ત થાય તે માટે ‘28મી મે’ને ‘વીશ્વ માસીક આરોગ્ય વ્યવસ્થાપન દીવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતી સાહીત્યના ઈતીહાસમાં કદાચ પહેલવહેલીવાર સુરત શહેરમાં ‘માસીક’ને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી કવીતાઓનું કવીસમ્મેલન યોજાઈ ગયું. આ સમ્મેલનમાં ફીઝીશ્યન(એમ.ડી.) અને કવીમીત્ર ડૉ. વીવેક ટેલરે ત્રણ કાવ્યોનું પઠન કર્યું હતું.

‘રજોસ્ત્રાવ’માં પહેલીવાર પ્રવેશતી યુવતીઓમાંથી ‘માસીક’ અંગેની અન્ધશ્રદ્ધા દુર થાય તે માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર આ મારો વીનમ્ર પ્રયાસ છે. ‘માસીક’ને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી અન્ય કવી/કવીયત્રીઓની કવીતાઓ અહીં રજુ કરવા અંગે વાચકમીત્રોના પ્રામાણીક પ્રતીભાવોની મને પ્રતીક્ષા રહેશે. –ગોવીન્દ મારુ

માસીકત્રયી : 01 દીકરીનો સવાલ

મા! મને આવતો નથી કંઈ ખ્યાલ,
ન પડી, ન આખડી, ન વાગ્યું–કપાયું
તો કઈ રીતે થઈ હું લાલ?

જલ્દીથી મોટા થઈ જવાની લ્હાયમાં
હું ભાગભાગ તેર માળ ચડી,
ગઈ કાલ સુધી હું હતી પતંગીયું,
ને આજે અચાનક નદી?
સમજ્યો સમજાય નહીં ઓચીંતો ફેરફાર,
કેવી વીડમ્બનામાં પડી?
મા, બીજા કોને જઈ પુછું સવાલ?

એવી તે કઈ ભુલ, એવાં તે કયાં પાપ,
જેને લીધે આ થયા હાલ;
જુઠ્ઠું બોલી કે શું? ચોરી કરી કે શું?
કરી ભગવાનજી સાથે બબાલ?
રાત્રે તો ચોખ્ખુંચટ પહેરીને સુતી
ને સવારે આ શું ધમાલ?
મા! મને આપ થોડી સમજણ ને વહાલ.

વીવેક મનહર ટેલર
(21–05–2019)

માસીકત્રયી : 02 માનો જવાબ

(પહેલવહેલીવાર માસીકમાં આવેલી દીકરીએ
માને કરેલો સવાલ આપે વાંચ્યો.
હવે મા શું જવાબ આપે છે એ જોઈએ)

બેટા! તું થઈ હવે મોટી.
બીજું કશું જ નહીં, માસીક આવ્યું છે તને,
ફીકર–ચીંતા ન કર ખોટી.

આજ કહું–કાલ કહું, શું કહું–કેમ કહું
હીમ્મત મારી જ પડી ટુંકી,
આવી ગઈ આજે અચાનક તું ટાઈમમાં,
ને મા થઈ ટાઈમ હું ચુકી;
મારી જ આળસ ને મારી જ અવઢવે
તને આજે આ હાલતમાં મુકી,
તારો આ લાલ રંગ કંઈ નહીં,
બસ, મારા માવતર પર પડેલી સોટી.

ભુલ ગણી, પાપ ગણી, ચોરી–સજા કહી
ક્યાં લગી ખુદને સંતાપશે?
મનેય આવ્યું’તું, તનેય આવ્યું છે,
ને તારી બેટીને પણ આવશે;
કુદરતની દેણ, બસ, સ્ત્રીઓ પર મહેર છે,
આ જ તને મા–પદે સ્થાપશે.
ભાઈઓથી જુદી નહીં,
ઉંચી એ કહેવાને એણે લીધી આ કસોટી.

વીવેક મનહર ટેલર
(21–05–2019)

માસીકત્રયી : 03 મા દીકરીનો સંવાદ

(પહેલીવાર માસીકમાં આવેલી દીકરીનો સવાલ અને
માએ એને આપેલો જવાબ આપણે જોઈ ગયા.
હવે, આ માસીકત્રયી ગુચ્છનું આ આખરી કાવ્ય)

મા! મને દાદી કહે છે, દુર બેસ,
અડકાબોળો ન કર, માથાબોળ નહાઈ લે, આ કેવી આભડછેટ?

માસીકનું આવવું જો ઓળખ હો સ્ત્રીની તો શાને આ આઈ કાર્ડ કાળું?
હરદમ જે વળગીને જીવતી એ સખીઓનો સંગાથ કેમ કરી ટાળું?
બાકીના પચ્ચીસથી અળગા કરીને આ પાંચને હું શાને પંપાળું?
ઈશ્વર કને તો હું રોજરોજ જાતી, હવે કઈ રીતે જાતને હું ખાળું?
આ તો અપમાન, મા! ખુદને હું કઈ રીતે કહું કે લે, આને વેઠ!
મા! મને દાદી કહે છે, દુર બેસ.

બેટા! તું સાચી છે, કુંડાળે પડ્યો છે દુર્ભાગ્યે દુનીયાનો પગ,
માસીક તો દીવો છે, એ વીના થાય નહીં માતૃત્વ ક્યાંય ઝગમગ;
રગરગમાં ભર્યા એ ઈશ્વરસમીપ જતાં થાતી ન સહેજ ડગમગ,
કહી દેજે સૌને, આ ગૌરવ છે નારીનું, આપવું જ પડશે રીસ્પેક્ટ.
ના બેટા! કોઈથીય અળગી ન બેસ.

વીવેક મનહર ટેલ
(22–05–2019)

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચીત કાવ્યોની વેબસાઈટ “શબ્દો છે શ્વાસ મારા” અને કવીમીત્ર ડૉ. વીવેક ટેલરના સૌજન્યથી સાભાર…

કવી–સમ્પર્ક : ડૉ. વીવેક ટેલર ઈ.મેઈલ : vmtailor@gmail.com વેબસાઈટ : http://vmtailor.com/

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–08–2019

17 Comments

  1. ખરેખર બહુ જ સરસ રીતે રજૂ કર્યું છે. કાવ્યતત્વમાં ક્યાંયે ખામી નથી વર્તાતી અને છતાંયે કેટલી અઘરી વાત સરળતાની કહી દીધી છે. ધન્યવાદ.

    Liked by 1 person

  2. ખુબ સરસ. આરોગ્ય અંગે સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી આપવાનું કામ ચાલુ રાખો. ડૉ. વિવેક્ભાઈ ટેલરને અભિનંદન. બીજા કાવ્યો પણ મુકવા જોઈએ

    Liked by 1 person

  3. I wish —Media involve થઈને એક બાળાના શરીરમાં થતા આ કુદરતી ફેરફાર વિશેની સમજણનો પ્રચાર કરે,
    આપણા સમાજમાં માસિક ધર્મ વિષે જે Taboo છે ? તે શરમજનક છે
    હવે તો થોડી પણ જાગૃતિ આવી છે, મારા સમયમાં તો જાણે કોઈ અપરાધ કર્યો હોઈ એટલું ખરાબ ગણાતુ,

    Liked by 1 person

  4. It is a very good explanation for all teen agers and for all of us. The teacher should explain to all girls student in school.

    The author deserves our congratulations. Thanks so much for such a nice article.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  5. Taboos, superstitions and ignorance about human physiology are a sure sign of our backwardness. We will become a part of the real modern world only when we learn to talk about them more openly and teach our children without inhibitions. Our society badly needs less orthodoxy and more knowledge of Biological sciences. Some precious lives can be ruined at times by such ignorance.

    I welcome this great effort of the writer of this well-knit poem-triad; and congratulate him for his bold initiative.
    Thanks. — Subodh Shah, USA.

    Liked by 1 person

  6. સરસ રીતે ડો. કવિ વિવેકે, વિવેકભરેલા શબ્દોમાં…કાવ્યસ્વરુપે જ્ઞાન આપવાની કોશીશ કરી…ત્રણ પેઢીને ઇન્વોલ્વ કરી. પ્રથમ તો પોતાની દિકરીને તેની પુખ્તાના દિવસનું નોલેજ ઋતુઘર્મનું નોલેજ, આપવાની પોતાની ફરજ ચૂકાવીને….પોતાની ભૂલ કબુલ કરાવીને માતાઓને જાગૃત કરી….અને કોન્ઝર્વેટીવ દાદીને, …કે પછી…જેને જીવનમાં કદી સ્ત્રીના જીવનચક્ર નું અને ઋતુઘર્મની કોઇ પણ જાણ ન હતી અને ‘આગે સે ચલી આતી હૈ તો મેને ભી ચલાઇ ‘ જેવી પરિસ્થિતિ જન્માવી.
    ૨૦૦૦ની સાલ પહેલાં, ભારતમાં પણ ઋતુચક્ર વિષયે નોલેજ શરું થયું જ હતું . આજે ૨૦૧૯ની સાલમાં કદાચ ઊંડા ગામડામાં નોલેજ ન હોવાની ,આવી પરિસ્થિતિ બનતી હોય…..

    અક્ષયકુમારની અેક ફિલ્મ બે વરસ પહેલાં આવી હતી..‘ પેડમેન ‘…ઋતુઘર્મના સમયે ફીઝીકલ હાઇજીન માટે સેનીટરી પેડના ઉપયોગ વિષયે. અહિં ઇકોનોમીનો પ્રશ્ન બનતો હોય છે….ખાસ કરીને ગામડાઓમાં. ફિલ્મનો હીરો પોતાનિ પત્નિને માટે સેનીટરી પેડ બનાવે છે…પછી….ફીલમ જોવા જેવી…જ્ઞાનદાયક બની રહે છે.

    આ સેનીટરી પેડ જેવી વસ્તુની જાણ ન્હોતી ત્યારે જે જે રીતો વપરાતી હતી તેની આરોગ્ય ઉપર થતી ખરાબ અસરો વિષયનું નોલેજ પણ અેટલું જ જરુરી બને છે. ઘાર્મિક કે અંઘશ્રઘ્ઘા કે અભણતા ,કે ઇકોનોમીક પરિસ્થિતિ તે જમાનામાં કોન્ઝર્વેટીવ જીવન જીવવા માટે સ્ત્રીઓને મજબુર કરતી હતી.

    યુરોપ અને અમેરિકા જેવા પ્રગતિશીલ દેશોઅે આ સબ્જેક્ટમાં જ્ઞાનની કરેલી મદદ મહાન કહી શકાય. ભારત આજે પણ ખૂબ પાછળ છે. લોકજાગૃતિ માટે સેનેટરી પેડ શાળાઓમાં ઋતુચક્રમાં પ્રવેશતી બાળાઓને જ્ઞાન સાથે મફત મળવા જોઇઅે. ( પ્રગનન્સી માટેનું નોલેજ પણ અેટલું જ જરુરી છે. )

    ડો. વિવેક ટેલરની આ કવિતાઓ અને તેના સર્જન માટે અને તે સર્જનની પાછળના કારણો…સંજોગો માટે અભિનંદન અને અક્ષયકુમારની ફિલ્મ ‘ પેડમેન‘ ને ‘ સેનીટરી પેડના સર્જન અનેજ્ઞાન માટે…..( ઘણા કે ઘણીઓને આ ફિલ્મ જોવાની શરમ લાગતી….કેવી માનસિકતા ? ) ઘણી બાબતોમાં પશ્ચિમ પાસે ભારતે હજી પણ ઘણું જ્ઞાન મેળવવાનું બાકી છે….(.જે દેશ પાસે મંદિરોની દિવાલો સેક્ષના લેશનો આપતી હોય તેની કેવી દશા ?)
    અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  7. કલ, આજ ઔર કલ ના સમન્વય થકી થોડા મા ધણી જ્ઞાનવર્ધક માહીતી આપી કે જે હજુ પણ ગ્રામ્ય અને રૂઢી ચુસ્ત સમાજમાં વર્જીત ગણાય છે.
    ટુંકમાં ઘણુ કહેવા ટેલરસાહેબ ને અંભિનંદન
    🌹🌹🙏🌹🌹

    Liked by 1 person

  8. “મેં વાંચ્યાં. હવે પુરુષો પણ માસિકધર્મ પર કવિતા લખી શકે છે. સારું છે. જીવવૈજ્ઞાનિક વિકાસ થયો હોય એમ લાગે છે. – બાબુ”
    ભાષાવિજ્ઞાનના નિષ્ણાત શ્રી બાબુ સુથારને મેં આ કાવ્યોની લીંક મોકલેલી. એમણે મને ઉપર પ્રમાણે જવાબ લખ્યો.

    Liked by 2 people

  9. સ્ત્રીના ‘માસીક ચક્ર’ અંગે જેમને અનુભવ નથી તેવા ઘણા ખરા પુરુષોએ ઉત્સાહપૂર્વક કાવ્યો ,ચર્ચા ,માર્ગદર્શન અને
    પ્રતિભાવ આપ્યા! હવે આ અંગે જેઓને અનુભવ ,અભ્યાસ અને ચિંતન કરનાર સ્ત્રીઓના અભિપ્રાય જોઈએ
    આધ્યાત્મિક દૃષ્ટિએ સમર્પણ ધ્યાન યોગના પૂજય ગુરુમા સમજાવે છે કે આ ચાર દિવસ દરમિયાન શરીરની ખરાબી, નકારાત્મકતા બહાર આવે છે અને જયારે આ મહિલાઓ ધર્મ સ્થાનકમાં જાય કે ધર્મકરણી કરે ત્યારે શુધ્ધ સકારાત્મક એનર્જી શરીરમાં પ્રવેશે છે તેથી બંને જો એકસાથે થાય તો નુકસાન થઇ શકે છે. તેથી જ આ દિવસોમાં ધાર્મિક ક્રિયા ન કરવાનું સુચવવામાં આવે છે.
    અમારા સ્નેહી વડીલ -જિનદર્શનની દૃષ્ટિએ ઠાણાંગસૂત્ર માં બહેનોએ માસિકધર્મ ના સમયે 72 ક્લાક સુધી ઘરનું કોઇ જ કામ કરવું નહીં , કયાંય અડવું નહીં, એક ખૂણામાં કે રૂમમાં રહેવું , મંદિરમાં જવું નહીં , ધર્મના ઉપકરણો અડવા નહીં , સાધ-સંતોને મુખ દેખાડવું નહીં. બહેનોએે સાધ્વીજી ભગવંત પાસે જવાય પણ સ્પર્શ ન કરાય એમ.સી. માં સાધુ ભગવંતનું મુખ જોવાથી એક આયંબિલ અને તેમની સાથે વાત કરવાથી પાંચ આયંબિલનું પ્રાયશ્ર્ચિત બતાડ્યું છે.
    વૈજ્ઞાનિક મત અને એસ.આઇ.યિસિફના પ્રયોગ મુજબ માસિક ધર્મ દરમિયાન શરીરમાંથી નીકળતું મીનોટોક્ષીન તત્ત્વ ઝેરી છે જેની અસરથી અનેક રોગો ઉત્પન્ન થાય છે તેથી આ સમયમાં સ્ત્રીઓને રસોઇની મનાઇ ફરમાવવામાં આવી છે. લોટ બાંધવો,શાક સમારવું જેમાં સૌથી વધુ હાથનો સ્પર્શ હોય છે.
    અમારા સમયમા સ્વાસ્થ્યની કાળજી રાખી , ભલે કેટલીક વાતો ન સમજાય તેવી હોય વડિલોની આસ્થાને ઠેસ ન પહૉંચે તે રીતે પ્રસન્નતાથી રહેતા. અમારી દીકરી યામિની ના વિચાર તેના કાવ્યમા માણીએ
    અડકાબોળો
    ટીંગટોંગ..
    ‘કોણ ?’
    ‘એ તો હું માસિક.. પહેલીવાર આવું છું એટલે કદાચ ન ઓળખાઉં ‘
    ‘ઓ નાની જો મારામાં..’
    ‘ઓહ બેટા.. થાય આ ઉંમરે.. તું માથે બેઠી..’
    ‘ કોના? ઉભી તો છું !’
    ‘ગુડ્ડુ હવે ઉછળકૂદ નહી તું મોટી થઈ ગઈ .’
    ‘એટલે જ જાઉં છું બાસ્કેટબોલ રમવા .’
    ‘લે આ કપડું પહેરી લે તારી મમ્મી આવે પછી પેલું શું કહે છે..?’
    ‘ અરે સેનેટરી પેડ ..!લઈ આવું છું સામે તો શોપ છે નાની!’
    ‘ તું લેવા જઇશ જાતે? સંકોચ નહીં થાય!’
    ‘ નાની વારેવારે તને શરદી થાય છે તો તું રૂમાલ નથી ખરીદતી જાતે ?’
    ‘સારું ઘરમાં ક્યાંય અડીશ નહીં’
    ‘વૉટ?’
    ‘ સારું માટલે ને પૂજાઘરમાં ન અડીશ ..ને મને પણ’
    ‘નાની તને અડવાની ઇમર્જન્સી આવે તો?’
    ‘તો રેશમી કપડાં પહેરીને અડાય. અમારા વખતમાં નાના બચ્ચાંને મા રેશમી કપડાં જ પહેરાવી રાખતા.’
    ‘ઓ નાની કપાસ ફૂલ બનાવે એ કોટન કપડાં ના ચાલે..પ્યોર વેજ ..પણ કીડો બનાવે એવાં રેશમી કપડાં ચાલે ..નોનવેજ!’
    ‘અરે અમારા જમાનામાં આવો અડકાબોળો ના ચાલે .
    કંતાનના ગાદલા પર સૂવાનું, જુદા બેસીને ખાવાનું,પાણી કે ચીજવસ્તુ પણ દૂરથી જ આપે! ‘
    ‘ઓ વાઉ ..!આમ આઇસોલેટ થઈ ચેટ કરવાની કેવી મજા!
    તું નાની આપજે મને મોબાઈલ અનટચ કરીને..’
    ‘ અરે અમે તો રાહ જોતા ક્યારે ત્રણ દિવસ પૂરા થાય ને માથાબોળ નાહી લઈએ !’
    ‘એમાં શું નાની ત્રણ દિવસ ટેરેસ પર એકલા ટહેલવાનું?’
    ‘નારે ..કોઈનાં અથાણાંનાં ચીરીયા કે પાપડ સુકવ્યા હોય તો ઓળા પડે .’
    ‘ના સમજાયું.. પણ તું કથા પૂજા બહુ કરે છે ત્યારે પિરિયડ હોય તો?’
    ‘અરે નકોરડા ઉપવાસ કરતાં.. એક ઉપવાસ એટલે એક દિવસ ઓછો પાળવાનો ને રાત્રે આભમાં તારાને જોઈને તારાસ્નાન કરતાં એટલે શુદ્ધિકરણ થઈ જાય .’
    ‘તે હું તો રોજ રાત્રે શાવર લઉં છું ને વાળ લૂછતાં બાલ્કનીમાં તારા તો જોઉં છું ..તો હું….!’
    ‘ને સાંભળ છેલ્લી વાત છોકરાઓથી દૂર રહેજે કંઈ ઊંચનીચ થઈ જાય તો ..’
    ‘નાની કેમ હવે? પહેલાનું ઊંચનીચ ચાલે?’
    ‘હવે તને કંઈ કહેવું નથી પણ કોઈનું મૃત્યુ થાય ને તો એના અંતિમ દર્શન કરવા નજીક ના જઈશ આવું હોય ત્યારે..’
    ‘ત્યારે તો એની વિદાય માટે ત્રણ દિવસ રાહ જોવાની ?’
    ‘અરે એટલું બધું છે કે, તને કેમ સમજાવું ?હજુ તો….
    મારું તો વહેલું ગયું ને એ સારું..’
    ‘એ જ તો મારામાં આવ્યું નાની !’
    ‘નાની જો મોબાઈલ ચાલુ છે આપણી વાત મમ્મી ક્યારની સાંભળે છે અને આવી રહી છે બધાને ભેગા કરીને સેલિબ્રેટ કરવા અડકાબોળો.!!. મારા ફ્રેન્ડસ, ટીચર્સ, રિલેટિવ્સ બધા ..રેડ કોસ્ચ્યુમમાં ..રેડ રોઝ સાથે ..નાચીશું,ગાઈશું,જલસા કરીશું…’
    ટીંગટોંગ ..
    ‘જો બેલ પડયો ..નાની તું બારણું ખોલ.. હું મ્યુઝિક ચાલુ કરું ..સનેડો સનેડો લાલ લાલ સનેડો !’
    યામિની વ્યાસ…
    હવે સાંપ્રતસમયે લવ ઇન રીલેશનમા રહેતા, નશાકારી હાલતમા સાધના-અભ્યાસ વગર સંતો ,વૈજ્ઞાનિક મતો વિરુધ્ધ વાણી સ્વાતંત્યને નામે ફાવે તેમ વર્તનારા ને સ્વાસ્થ્ય અંગે વૈજ્ઞાનિક દોરવણી આપી-સાધના કરનાર સંતોને પણ સાંભળી વિવેક જળવાય તે જરુરી …

    Liked by 2 people

    1. આપની માહિતી અવૈજ્ઞાનિક છે. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓને કોઈ રોગો થવાની શક્યતા રહેતી નથી, સિવાય કે યોગ્ય સફાઈ ન રાખવામાં આવે તો! માસિક દરમિયાન અલગ રહેવાના અને રસોઈ ન કરવાના જે કારણો અને વૈજ્ઞાનિક અભ્યાસ આપે ટાંક્યા છે એ અતાર્કિક છે, સત્યથી વેગળા છે અને ગેરમાર્ગે દોરનારા છે. આપના વિચારો આપના દૃઢીભૂત કરવામાં આવેલા ખોતા મનાંકનોથી વિશેષ કશું જ નથી… સાતમા ધોરણમાં હતો એ સમયથી મારા ઘરમાં માસિક પળાવવાનું મેં બંધ કર્યું હતું. એ વખતે હું તેર વર્ષનો હતો. આજે હું અડતાળીસનો થયો. આજદિન સુધી મારા ઘરમાં માસિક દરમિયાન રસોઈ કરવાના કારણે સ્ત્રીઓને કે અમને કોઈપણ પ્રકારની બિમારી થઈ નથી. વિશ્વના કોઈપણ પાશ્ચાત્ય દેશોમાં, જ્યાં માસિક દરમિયાન આભડછેટ રખાતી નથી, ત્યાં આ સમયગાળામાં પરિવારોમાં કોઈ બિમારીઓ વધી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી…
      માફ કરજો, પ્રજ્ઞાજુબેન… આપની ટિપ્પણી અયોગ્ય છે.

      Liked by 1 person

  10. પ્રજ્ઞનાજુ ના વિચારો વાંચ્યા. તેમની દિકરીના વિચારો પણ જાણયા. . કવિતા રુપે નાની ,( ગ્રાન્ડમા) અને ગ્રાન્ડ ડોટરના સંવાદો ગમ્યા.
    લેખકે કે લેખીકાઅે…..ઘર્મ અને ઘર્મના અઘિકારીના વિચારો ૨૦૧૯ના વરસમાં લખ્યા તે તેમની વિચારશક્તિની હાલત બતાવે છે. તેમણે તેમની દિકરી પાસે ઋતુ કે માસિકઘર્મ વિશે સાચુ જ્ઞાન મેળવવાની જરુરત દેખાય છે.

    દરેક શાળામાં ટીનમાં પ્રવેશતી બાળાઓ માટે કોઇ ગાયનેકોલોજીસ્ટના ક્લાસ ચલાવવા જોઇઅે.

    કોઇપણ કહેવાતા ‘ ઘર્મ ‘ પાસે સ્ત્રીમા થતાં શારિરિક બદલાવ માટેનું જ્ઞાન નથી. . જે કાંઇ નોલેજ ( ? ) કહેવાય છે તે અવૈજ્ઞાનિક હોય છે.

    આજની આ ચર્ચાના શબ્દો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રઘાનને પહોંચાડવા વિનંતિ છે જેથી કરીને દરેક શાળામાં ટીનમાં પ્રવેશતી બાળાને તેના શરીરમાં થતાં ફેરફારો વિષે સાચુ જ્ઞાન મળે.. પશ્ચિમમાં શાળાઓમાં ટીનમાં પ્રવેશે તે પહેલાં બાળાઓને શાળાઓમાં આ નોલેજ ક્લાસોમાં આપવામાં આવે છે. સેનીટરી પેડ પણ આપવામાં આવે છે.. આ સ્વચ્છતાની પઘ્ઘતિને સેનીટરી કહેવાય છે. જૂના જમાનામાં ઘરમાં જૂના ફાટેલાં, વપરાસ પછી પડી રહેલાં કપડાંઓનો ઉપયોગ કરતાં તે અનહાજીનીક બનતાં અને તેને કારણે ઇન્ફેક્શન થતાં.

    જૂના જમાનાની પેઢીના લોકો અને કહેવાતા ઘર્મ અને ઘાર્મિકપુસ્તકોમાં અપાતું નોલેજ સાચુ નથી…તે સૌઅે કબુલ તો કરવું જ રહ્યું.
    કોઇક વિચારકે લખ્યુ છે કે પુરુષોઅે ચર્ચામાં વઘુ ભાગ લીઘો છે…..હોય જ ને ! તેઓને પણ સ્ત્રીઓની આવી શારિરિક પરિસ્થિતિને સમજીને જીવન જીવવાનું હોય છે.
    આજે ઘરડી માતાઓઅે નવી પેઢીની દિકરીઓ પાસે આ બાબતે ઘણું શીખવાનું રહે છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  11. ત્રણે કવિતાઓ કાવ્યત્ત્વની ઉચ્ચતમ કોટિ સુધી પહોંચી છે એમ મારું માનવું છે. કારણોની થોડી વિગતે છણાવટ કરવાનું એકદમ જ મન થયું. બાકી આવા ખૂબ અંગત વિષયને જાહેરમાં છેડવાની રુચિ થતી નથી. આ ત્રણે કવિતાઓ વાંચતાં વેંત મને જે લાગ્યું તે મારી નજરે..
    ત્રણે કવિતા સરળ અને વિવેકભર્યા શબ્દોમાં સ્પષ્ટ રીતે રચાઈ છે. દરેકની છેલ્લી પંક્તિઓ/અંતરા કાબિલેદાદ છે. પ્રથમ કવિતામાં ‘મા! મને આપ થોડી સમજણ ને વહાલ.’..માં એક એવા સમયનું ચિત્રાંકન છે; જ્યારે આવું કશુંક જાણવું જોઈએ એવું ભાન પણ નહતું. સખીઓના કે મોટીબહેનને થયેલા અનુભવોમાંથી છાની છૂપી વાતો કરીને કે જાણીને, સ્વયં શીખાતી રહેતી સ્થિતિ હતી.. અમારા સમયમાં અમને થયેલો સવાલ અને સંવેદનાને ખૂબ નાજુક રીતે પૂછાયાં છે.
    “મા! મને આપ થોડી સમજણ ને વહાલ.”

    બીજી કવિતામાં માના હૈયાંની વાત આલેખી માતાની પ્રેમાળ મૂર્તિને સજીવ કરી સામે મૂકી દીધી છે. છેલ્લી પંક્તિમાં એક ગજબની ગરિમા છલકાવી છે. અક્ષરે અક્ષર અને શબ્દે શબ્દમાં નર્યું ગૌરવ અને સન્માન.
    કુદરતની દેણ, બસ, સ્ત્રીઓ પર મહેર છે,
    આ જ તને મા–પદે સ્થાપશે.
    ભાઈઓથી જુદી નહીં,
    ઉંચી એ કહેવાને એણે લીધી આ કસોટી…… વાહ.. વાહ..

    ત્રીજી કવિતા રુઢિચુસ્ત થયેલા સમાજને તાત્કાલિક બદલવાની તૈયારી થઈ જાય એટલી તાકાતવાન અને ખમીરવંતી બની છે.
    બેટા! તું સાચી છે, કુંડાળે પડ્યો છે દુર્ભાગ્યે દુનીયાનો પગ,
    માસીક તો દીવો છે, એ વીના થાય નહીં માતૃત્વ ક્યાંય ઝગમગ;
    રગરગમાં ભર્યા એ ઈશ્વરસમીપ જતાં થાતી ન સહેજ ડગમગ,
    કહી દેજે સૌને, આ ગૌરવ છે નારીનું, આપવું જ પડશે રીસ્પેક્ટ.
    ના બેટા! કોઈથીય અળગી ન બેસ.
    સમાજને કેવો ધારદાર ફટકો!
    ‘ગભરુ કિશોરીઓની અને માની સંવેદના એક પુરુષની કલમે’ એ વિચારે વધુ એક સલામ.
    વિવેકભાઈ,hats off to you..

    Liked by 1 person

  12. અહીં પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો વારાફરતી આભાર માનવાના બદલે હું આ સ્થળે સહુ વાચકમિત્રો અને શ્રી ગોવિંદભાઈ મારુ -સહુનો હૃદયપૂર્વક આભાર એકવગો આભાર માની લઉં છું…

    આભાર!

    Liked by 1 person

Leave a comment