કેદારનાથનું ‘વીચારદર્શન’

કેદારનાથનું ‘વીચારદર્શન

–કેદારનાથજી

‘ઈશ્વરેચ્છા કે પ્રારબ્ધાનુસાર બધું બને છે’, ‘બે દીવસની જીન્દગી’, ‘કોઈની આશા કરવામાં અર્થ નથી’, ‘જગતમાં, કોઈ કોઈનું નથી’, ‘આ પણ દીવસો જશે’, ‘શરીર રોગનો ભંડાર’, ‘મરણ કોઈનું ટળ્યું છે?’, ‘જગત માયાનું બજાર છે’ વગેરે વગેરે ઉદ્ગારો માણસના મોંમાંથી પ્રસંગોપાત હૃદયપુર્વક નીકળતા હોય છે. આ ઉદ્ગારોમાં જ્ઞાન ભરેલું છે એવો ભાસ થાય છે, એટલે કોઈ કોઈ આને જ જીવન વીશેનો મહાન સીદ્ધાંત સમજીને જીવન જાણીબુજીને ઉદાસીનપણે ગાળવાનો પ્રયત્ન કરે છે; પરન્તુ આપણે એ ધ્યાનમાં લેવું જોઈએ કે આવા ઉદ્ગારો તત્ત્વત: ખરા હોય કે ન હોય તોયે તેમને જીવનનાં સુત્રો બનાવીને તે પ્રમાણે નીત્યનું જીવન ચલાવવાનો પ્રયત્ન કરવો એ ભુલ છે. હતાશ અને નીરુત્સાહ થયેલી, વ્યાધીથી ગ્રસ્ત, ગરીબીથી પીડાયેલી, લોકોથી કસાયેલી, મરણને કાંઠે આવી પહોંચેલી, કોઈ પણ દુ:ખથી ભગ્નહૃદય થયેલી અને જીવન જેમનું લગભગ અસફળ થયેલું હોય એવી વ્યક્તીઓનાં મોંમાંથી તેવી સ્થીતીમાં નીકળેલા ઉદ્ગારોને જીવનનો સીદ્ધાન્ત સમજીને તે પરથી એકન્દરે સર્વ માનવજીવન વીશેનો અભીપ્રાય બાંધવો અને તેને પોતાનું જીવનધ્યેય બનાવવું એ યોગ્ય નથી. એકાંગી સત્યને સમ્પુર્ણ સત્ય સમજવું એ પણ ભુલ છે. આ ઉદ્ગારો સાથે જ માનવજાતી વીશે શુભાકાંક્ષી, તેની ઉન્નતી વીશે આશાવન્ત, પ્રયત્નશીલ, વીવેકી અને જીવનની સફળતા વીશે જેમના હૃદયમાં ધન્યતાના ભાવો ઉઠે છે. એવા ઈશ્વરનીષ્ઠ અને પુરુષાર્થી વ્યક્તીઓના માનવજાતી વીશેના અને જગત વીશેના અનુભવાત્મક અભીપ્રાયોનો પણ વીચાર કરવો જરુરી છે. કોઈ પણ વચનોને તાત્ત્વીક સીદ્ધાન્ત તરીકે બધી દૃષ્ટીએ ગ્રાહ્ય સમજતાં પહેલાં તે વચનો કોના તરફથી, કયે પ્રસંગે, કઈ માનસીક અને બાહ્ય પરીસ્થીતીમાં અને જીવન વીશે કેટલા ગાઢ, વીશાળ કે સંકુચીત અનુભવોમાં નીકળેલા છે એનો આપણે વીચાર કરવો જરુરી છે. તેવાં વચનો નીકળવાનાં કારણોયે આપણે શોધી કાઢવાં જોઈએ. તે રુઢ થવાનાં કારણોયે તપાસવાં જોઈએ. આવી રીતે બધી બાજુએથી શોધ કર્યા પછી જો તે વચનોની સમ્પુર્ણ સત્યતા ગળે ઉતરે, તો જ તેમને જીવનસીદ્ધાંત તરીકે સમજવા યોગ્ય ગણાય. તેમ ન કરતાં એકાંગી સત્યને જ આપણે સમ્પુર્ણ સત્ય સમજીએ તો તેથી આપણામાં ભ્રામક કલ્પનાની જ વૃદ્ધી થતી રહેવાનો સમ્ભવ છે અને સમાજ જેમ આજ સુધી અવનત થતો આવ્યો છે. તેમ આગળ અવનત થતો રહેશે એવો સમ્ભવ છે.

આ સર્વ અવનતીમાંથી અને તે વીશેના આગળના ભયમાંથી મુક્ત થવું હોય તો ભુલભરેલી ધાર્મીક અને સામાજીક કલ્પનાઓ આપણે છોડી દેવી જોઈએ. યોગ્ય અને આવશ્યક જરુરીયાતો અને ઈચ્છાઓના વીચાર કરીને તે પુરી કરવા માટે જરુરી પુરુષાર્થ, જ્ઞાન, સદ્ગુણો, વીદ્યાઓ, કલાઓ વગેરે આપણે પ્રાપ્ત કરવી જોઈએ. આપણા દુ:ખના કારણરુપ અજ્ઞાન, મોહ, આસક્તી, લોલુપતા, ભ્રમ, દુર્બલતા, અસંયમ, સ્વાર્થ વગેરે દોષો આપણે દુર કરવા જોઈએ. વૈરાગ્યની ખોટી કલ્પનામાં પડીને સુખમાત્રને આપણે ત્યાજ્ય ન સમજવું જોઈએ. આપણા સંયમમાં ભોગેચ્છા ન હોવી જોઈએ. સંયમથી સ્વાભાવીકપણે સંયમશીલતા અને સંયમશક્તી આપણામાં વધતી રહેવી જોઈએ. તે આપણો સ્વભાવ બનવો જોઈએ અને તે સાથે આપણામાં શાંતી અને પ્રસન્નતા આવવી જોઈએ. જીવનનું ધ્યેય આપણે બરાબર સમજી લેવું જોઈએ. સુખ પ્રાપ્તી માટે, દુ:ખનાશ માટે વીવેકયુક્ત પુરુષાર્થ આપણે વધારવો જોઈએ. વૈયક્તીક સુખ અને સ્વાર્થની કલ્પનાનો ત્યાગ કરીને આપણે સામુદાયીક અને વ્યાપક સુખ, લાભ અને હીતને મહત્ત્વ આપવું જોઈએ. જીવનભર હાડમારી દુ:ખ, અપમાન, ગરીબી અને વીટમ્બણા સહન કરવાનું શીખવનારા તત્ત્વજ્ઞાનને આપણે ત્યાજ્ય સમજવું જોઈએ.

જીવનનો સાચો આદર્શ શો છે તે આપણા રાતદીવસના ચીંતન પરથી અને આપણા વહેવારના અંતીમ હેતુ પરથી આપણે સમજી શકીએ છીએ. રોજ જાગૃતીથી માંડી નીદ્રાધીન થવા સુધી આપણે કયા વીષ્યનું ચીંતન કરીએ છીએ, ધન, માન, પ્રતીષ્ઠા, સત્તા, ચારીત્ર્ય વગેરેમાંથી કઈ વસ્તુ મળવાથી આપણે ધન્યતા અને પ્રસન્નતા માણીએ છીએ તે આપણે રોજ ને રોજ જોતા રહીએ, તો આપણો જીવનઆદર્શ કયો છે તે આપણે સમજી શકીશું. રોજના આપણા આચરણ પરથી આપણો આદર્શ શો છે તે સમજમાં આવી જશે. માનવતા સીવાય બીજી કોઈ પણ સફળતા આપણને ઉન્નત કરી શકશે નહીં એ સીદ્ધાંત પર આપણી શ્રદ્ધા હોવી જોઈએ. વહેવારમાં આપણે આ પ્રકારના જીવનની સફળતાની દૃષ્ટી રાખવી જોઈએ. ધનલોભી મનુષ્ય પોતાના રોજના વહેવારમાં માનવતા ગુમાવીને ધનપ્રાપ્તીમાં સંતોષ માને છે. તેમાં તેને ધન્યતા લાગે છે; પણ માનવતાનું મુલ્ય સમજાતું ન હોવાથી તે ધનલોભમાં ફસાઈ જાય છે. તે પ્રમાણે માનસન્માન, પ્રતીષ્ઠા, ઐશ્વર્ય તથા વીલાસમાં મગ્ન રહેનાર બધા પોતપોતાના વીષયની તૃપ્તીમાં સન્તુષ્ટ થઈને ધન્યતા માને છે. એવા પ્રયત્નમાં માનવતા નષ્ટ થાય છે કે નહીં તે તરફ તેમનું ધ્યાન જ નથી; પરન્તુ માનવતાની સીદ્ધી જેઓ ઈચ્છે છે તેઓ પોતાના રોજના વહેવારમાં તેની રક્ષા કરવાનો, તેને વૃદ્ધીગત કરવાનો પ્રયત્ન કરતા રહે છે. તેને માટે ધન ગુમાવવાનો પ્રસંગ આવે, માન, પ્રતીષ્ઠા, એશ્વર્ય, સત્તા છોડવાનો પ્રસંગ આવે તો પણ તેની પરવા કરતા નથી. બધું ગુમાવીને તેઓ માનવતાની સફળતા ઈચ્છે છે, અને તેને જ માટે પ્રયત્નશીલ રહે છે. આ પ્રમાણે રોજના જીવનવહેવારમાં જેઓ આ દૃષ્ટી રાખે છે, તેઓ માનવતાના સાચા ઉપાસક છે. માનવતાની સીદ્ધી તેમને જ પ્રાપ્ત થાય છે.

તે પરથી એવો અર્થ કોઈ ન કરે કે જીવનમાં ધન, જ્ઞાન, બળ, વીદ્યા, કળા સામર્થ્ય, સત્તા વગેરેની કંઈ કીમ્મત નથી. તેમાની પ્રત્યેક સીદ્ધી અથવા બીજી કોઈ વીશેષતાની જીવનમાં કીમ્મત છે એમાં શંકા નથી; પણ બધાની કીમ્મત માનવતા માટે છે તે આપણે કદી ભુલવું ન જોઈએ. માનવતા ગુમાવીને પ્રાપ્ત કરવા લાયક કોઈ પણ સીદ્ધી નથી એમ આપણે ખાતરીપુર્વક સમજવું જોઈએ. આ દૃષ્ટીથી આપણે આપણા જીવન તરફ, જીવનના ક્રમ તરફ અને જીવનના વહેવાર તરફ જોઈને સાવધ રહેવું જોઈએ. કુદરતે આપણને માનવજન્મ આપ્યો છે. તેથી આપણે માનવધર્મથી ચાલવું જોઈએ. માનવતાની સીદ્ધી અને સફળતાનો સંકલ્પ કરવો જોઈએ. તે દીશામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. સાચું પુછીએ તો આપણે રોજ જાગ્રત રહીને જીવનનો હીસાબ જોવો જોઈએ; પરન્તુ કોઈ કારણથી આ વાત આપણાથી ન બની શકે તો ઓછામાં ઓછું પર્વના દીવસોમાં – ધાર્મીક, પવીત્ર અને આનન્દના દીવસોમાં – આપણે આ વીષયમાં અવશ્ય જાગ્રત રહેવું જોઈએ.

–કેદારનાથજી

અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન(પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ પાંચમો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 19/08/2019

5 Comments

 1. શ્રીમાન કેદારનાથજી , ખરેખર આંખ ઉઘાડે એવો લેખ છે. ઉમર ઉમરનું કામ કરે છે. છતાય હું ઉમર લાયક થઇ ગયો છું એવું માનવું ગંભીર ભૂલ છે. મન ચંગા તો કથરોટમેં ગંગા. ગોવીન્દભાઈ, આ લેખ ગુજરાત સમાચાર છાપામાં છાપવા નમ્ર વિનંતી છે. ધન્યવાદ . જય જીનેન્દ્ર

  Liked by 1 person

 2. કેદારનાથજીનો લેખ ખૂબ ગમ્યો.
  આદર્શ અને રોજીંદું જીવન…..બન્ને જીવનના બે છેડા…આદર્શ અને આદર્શ પામવાની ઘુનમાં માણસ રોજીંદું સાંસારિક જીવન પણ ગુમાવી દે છે. પ્રેક્ટીકલ લાઇફ જ ફેમિલી લાઇફ બની શકે.
  દા.ત. અહિંસા અેક આદર્શ છે…..તે સત્યના પ્રયોગોમાંનું અેક પ્રકરણ છે. પ્રયોગ છે. દુનિયાની રોજીંદી જીવન પઘ્ઘતિ જુદી છે. જીવનસંગ્રામ છે.
  શ્રી કેદારનાથજીનો લેખ ખૂબ ગમ્યો.
  અભિનંદન.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s