કેટલાક રૅશનાલીસ્ટો સોશીયલ મીડીયા પર લખે છે કે, ‘મને મુર્તીમાં કેદ ભગવાન કે માતાજી કદાચ એટલા નથી નડતાં; પણ આજ મુર્તી કે ભગવાનના નામ પર વીવીધ જાતીઓ થકી ફેલાવાતી અન્ધશ્રદ્ધા–વહેમ નડે છે’ તો પછી એ ફલાણી ઢીંકણી મુર્તીરુપી માતાજી કે ભગવાનની ઠઠ્ઠા મશ્કરી કરીને અતી ધાર્મીક લોકોને ઉત્તેજીત કરીને સમય બરબાદ કરવાને બદલે રૅશનાલીસ્ટોએ જાતી નાબુદ કરવા શું કર્યું?
રૅશનાલીસ્ટોએ જાતી નાબુદ કરવા શું કર્યું?
–ડૉ. અરવીંદ અરહંત
અંગ્રેજી શબ્દ Caste (કાસ્ટ)ને ગુજરાતીમાં ‘જાતી’ કે ‘જ્ઞાતી’ કહેવાય છે.
જાતી રૅશનલ કે ઈરૅશનલ છે? બેશકપણે જાતી ઈરૅશનલ જ છે.
રૅશનલનું સાદું ગુજરાતી તર્કસંગત–વીવેકબુદ્ધી થાય. (આમાં કદાચ ઉમેરો કરી શકાય)
ભારતમાં સૌથી મોટી કોઈ ઈરૅશનલ બાબત હોય તો તે ‘જાતી’ કે ‘જ્ઞાતી’ આધારીત માનસીકતા છે. જાતી વ્યકીતને તર્કસંગત–વીવેકબુદ્ધીથી વીચારતા અને નીર્ણય લેતા અટકાવે છે.
કયો નીર્ણય?
જન્મ–મૃત્યુ–લગ્ન–તહેવારો–કર્મ–સદાચાર વગેરે વગેરે.
દાખલા તરીકે અમારી ફલાણી–ઢીકણી માતાજી પુજાતી હોવાથી આ પ્રસંગ કે આ વીધી આ જ રીતે થશે અને દરેક જાતીની અઢળક ફલાણી ઢીકણી માતાજીનો રાફડો ફાટે છે.
જાતીએ જાતીએ જન્મ–મૃત્યુ–લગ્ન–તહેવાર–સ્નેહમીલન–સદાચારના કાયદા–નીયમો અલગ અલગ છે. આ તમામ કાયદા–નીયમો દરેકેદરેક જાતીઓને બન્ધનમા રાખે છે. વીવીધ જાતી/જ્ઞાતી સમુદાયોના આવા તમામેતમામ નીયમો–કાયદાઓ ઈરરૅશનલ પણ છે.
જેનો સૌથી મોટો દાખલો ‘આંતરજ્ઞાતીય લગ્ન નહીં કરવા’નો નીયમ અને કાયદો છે.
અમારી જાતી–પેટાજાતીની ફલાણી માતાજીને ખુશ કરવા ફલાણા ઢીકણા તહેવારોએ કે જન્મ–મૃત્યુ પ્રસંગોએ ફલાણી–ઢીકણી વીધી કરવાની, ઉપવાસ કરવાના, અમુક જ કપડાં પહેરવાના, જાતી–પેટાજાતીના મન્દીરે જવાનું વગેરે.
ભારતમાં જાતીને ધર્મ સાથે જોડ્યો છે. અહીંયા દરેક જાતી એક અલગ ધર્મ છે. એક વાર લોકોના મગજમાંથી એ ખોટી ધારણા દુર કરી એવો અહેસાસ કરાવીએ કે જેને તમે જાતી કે ધર્મના રુપમાં માનો છો, હકીકતમાં એ કાયદો તાનાશાહી ચલાવવા લાગુ પાડવામાં આવ્યો હતો. જાતી કે ધર્મના કારણે અન્ધશ્રદ્ધામાં ગળાડુબ વીવીધ જાતી/જ્ઞાતીઓને બહાર લાવવા માટે જાતી ખતમ કરવી ખુબ જ જરુરી છે. તો જ લોકો ચોક્કસ નવા પરીવર્તન તરફ વીચારવા મજબુર થશે. અને બહુજન સમાજમાં પ્રવર્તતા વહેમ, અન્ધશ્રદ્ધા સમાપ્ત થશે.
કેટલાક રૅશનાલીસ્ટો સોશીયલ મીડીયા પર લખે છે કે, ‘મને મુર્તીમાં કેદ ભગવાન કે માતાજી કદાચ એટલા નથી નડતાં; પણ આજ મુર્તી કે ભગવાનના નામ પર વીવીધ જાતીઓ થકી ફેલાવાતી અન્ધશ્રદ્ધા–વહેમ નડે છે’ તો પછી એ ફલાણી ઢીંકણી મુર્તીરુપી માતાજી કે ભગવાનની ઠઠ્ઠા મશ્કરી કરીને અતી ધાર્મીક લોકોને ઉત્તેજીત કરીને સમય બરબાદ કરવા ને બદલે તે રૅશનાલીસ્ટોએ બહુજન સમાજને જાતીના કાયદા–નીયમ સ્વરુપે કેદ કરેલ અન્ધકારરુપી બન્ધન દુર કરવાની ખાસ જરુર છે.
‘સતી પ્રથા’, ‘બાળ લગ્ન’, ‘વીધવા વીવાહ નીષેધ’, ‘આંતરજ્ઞાતીય લગ્ન નીષેધ’, ‘બ્રહ્મચર્ય’, ‘બાળકી દુધ પીતી કરવી’ વગેરે આ તમામ અમાનવીય પ્રથા બીલકુલ ઈરૅશનલ જ હતી. આ તમામ અમાનવીય પ્રથાનું કારણ જાતી/જ્ઞાતી હતું. બાહ્ય લગ્નપ્રથા પર પ્રતીબંધ લાદવાથી જ ‘જ્ઞાતી’ અસ્તીત્વમાં આવી. જ્ઞાતીએ બીજામાં ભળવાની મનુષ્યની વૃત્તીને દબાવી દીધી તેથી મનુષ્ય સમુહના વર્તુળને મર્યાદીત બનાવી દીધું. જ્ઞાતીપ્રથા પ્રજાને કૃત્રીમ રીતે વીભાજીત કરે છે અને ‘આંતર જ્ઞાતી લગ્ન’ના કઠોર કાનુને લોકોને એકબીજામાં ભળતા અટકાવ્યા છે.
પોતાના વર્ણ જાતી/જ્ઞાતીની રક્ત શુદ્ધી માટે આ તમામ અમાનવીય પ્રથાનું નીર્માણ કહેવાતા ઉપલા વર્ણ (બ્રાહ્મણ/પુરોહીતો/ધર્મગુરુઓ) દ્વારા કરવામાં આવી. આ તમામ પ્રથાને દૈવીરુપ આપીને આત્મગૌરવની લાગણી અને માનસીકતા સાથે જોડી દીધું હતું. દાખલા તરીકે વીધવાને ‘ગંગા સ્વરુપ’નું રુપકડું નામ આપીને ‘વીધવા વીવાહ’ નીષેધ ફરમાવ્યું. જડ કાયદાઓ/નીયમોને બળપુર્વક લાગું કરવા માટે ‘પંચ’ને પરમેશ્વરની ઉપમા આપવામાં આવી.
આજે પણ જન્મ–મૃત્યુ–તહેવારો–કર્મ–સદાચારને વીવીધ જાતી/જ્ઞાતી સાથે જોડી દીધાં છે.
વર્તમાનમાં દરેક જ્ઞાતી અને જાતીના અલગ અલગ ઋષીઓ અને અલગ અલગ લોકવાયકા અને કહાનીઓ ફરતી કરી છે; પણ આ તમામે તમામ અમાનવીય પ્રથાનું નીર્માણ ફકત ને ફકત જાતી/જ્ઞાતી વ્યવસ્થાને બનાવી રાખવા માટે કરવામાં આવેલું છે.
સુધારાવાદી રાજારામ મોહનરાય, દયાનંદ સરસ્વતીએ આ તમામ અમાનવીય પ્રથા સામે બ્યુગલ ફુક્યું; પણ જાતી/જ્ઞાતી પ્રથાને સ્પર્શ પણ કર્યો નહીં. ઉલટાનું બ્રહ્મચર્યને ગાંધીજીએ ‘વર્ણાશ્રમ ધર્મ’નુ અભીન્ન અંગ માનીને નીતનવા પ્રયોગો કર્યાં. આ તમામ અમાનવીય પ્રથાઓ કહેવાતા ઉપલા વર્ણ (બ્રાહ્મણ/પુરોહીતો/ધર્મગુરુઓ)થી નીચલા વર્ણમાં (ક્ષત્રીય–વૈશ્ય–શુદ્રો અને વર્ણબાહ્ય) પ્રસરી. અમુક પ્રથા અમુક વર્ણ પુરતી સીમીત રહી, તો અમુક પ્રથા નીચેના વર્ણ સુધી પ્રસરી નહીં.
ભારતમાં જાતીઓ કેવી રીતે ઉદભવી?
‘જાતીનો વીનાશ’ નામના પુસ્તકમાં ડો. બાબાસાહેબ આંબેડકર જ્ઞાતીના ઉદભવ અંગે ચર્ચા કરતાં જણાવે છે કે, સમાજ વર્ગનો બનેલો છે. કયા વર્ગે પોતાને જ્ઞાતીમાં તબદીલ કર્યો? ખાસ કરીને ઉપરનાં રીવાજો બ્રાહ્મણો પાળતા હતા અને બીન બ્રાહ્મણો તેનું અનુકરણ કરતાં. ઉપલાવર્ગનું અનુકરણ કરતાં જ્ઞાતીઓ બનતી ગઈ. બ્રાહ્મણોનું અનુકરણ તેનાથી સૌથી નજીકનાં વર્ગે એટલે કે ક્ષત્રીયોએ કર્યું. જેમાં સતીપ્રથા, બાળલગ્ન અને ફરજીયાત વૈધવ્યનુ અનુકરણ કર્યું. તેનાથી ઓછું અનુકરણ પછીના વર્ગ વૈશ્યોએ કર્યું અને પછીના છેલ્લા શુદ્ર વર્ગે સૌથી ઓછું અનુકરણ કર્યું; છતાં નીચલા વર્ગોમાં અનુકરણ તો થતું જ રહ્યું.
જ્ઞાતીને ચીરંજીવી બનાવવા ‘દૈવી ઈચ્છા’નો સીદ્ધાંત કામ કરી ગયો. અન્ય પરમ્પરા કે રીવાજ, નીયમ કે કાનુન, શાસ્ત્ર કે કોઈ સીદ્ધાંતને પવીત્રતા કે ‘દૈવી ઈચ્છા’ અથવા ‘દૈવી શક્તી’નો આધાર બનાવી દેવાથી તેની સામે પ્રજા બળવો કરી શકતી નથી. ખાસ કરીને ભારતમાં ‘દૈવી ઈચ્છા’ અથવા ‘દૈવી શક્તી’નો ઉપયોગ ભરપુર પ્રમાણમાં થયો છે. તેથી પ્રજા ‘દૈવી’ નામના તત્ત્વ સામે કોઈ બળવો કરતી નથી; પછી ભલે ‘દૈવી’ તત્ત્વનુ અસ્તીત્વ વાસ્તવમાં હોય કે ના હોય. ભારતમાં ધર્મશાસ્ત્રોની માન્યતા માટે પવીત્રતા અને ‘દૈવી’ તત્ત્વનો આધાર લેવામાં આવ્યો. દા.ત.; કોઈ કાળા માથાના માનવીએ નહીં પણ ખુદ ઈશ્વરે વેદ બનાવ્યા છે તેવી માન્યતા લોકોમાં પ્રસરાવી. તેથી વેદ સામે થતા પ્રશ્નો ઠંડા પડી જાય છે. મનુસ્મૃતી પણ જ્ઞાતીઓ બનાવવામાં સહાયભુત બની.
જ્ઞાતી માળખાના નીર્માણ માટે રીવાજોને લોકભોગ્ય બનાવી મહાન આદર્શ અને પવીત્રતાના ઉચા તત્ત્વજ્ઞાનથી લોકોને જ્ઞાતી પ્રત્યે અહોભાવ પેદા કરવો જરુરી હતો એટલે જ્ઞાતીના રીવાજોનું આદર્શીકરણ કરી રીવાજોને પવીત્રતા સાથે જોડી દીધા. દા.ત.; વીધવાઓ માટે ‘ગંગા સ્વરુપ’ કહેવામાં આવ્યું; છતાં વીધવા ‘પુન:લગ્ન’ ન કરી શકે એ વીટમ્બણા તો ચાલુ જ રહી અને વીધવાના શુકન પણ ન લેવાય. શુભ કાર્યો કે પ્રસંગમાં પણ સામેલ ન થવાય એટલે ‘ગંગા સ્વરુપ’નું બીરુદ કોરો આદર્શવાદ જ રહી ગયો. ‘જ્ઞાતી’ માટે “નાતગંગા” શબ્દ પ્રયોજાયો. જ્ઞાતી બન્ધીયાર છે; છતાં ગંગા નદીની ઉપમા આપી દેવામાં આવી. પરીણામે જ્ઞાતી દુષણ છે એવો ખ્યાલ ઉભો થયો જ નહીં. ‘જ્ઞાતીપંચ’ને પંચ ત્યાં પરમેશ્વરથી નવાજવામાં આવ્યું. ભલે ‘જ્ઞાતીપંચ’ કોઈ અન્યાયી હુકમ ઠોકી દે; છતાં તેની સામે ના થવાય કારણ, ‘પંચ’ તો ‘પરમેશ્વર’ કહેવાય.
નીરીશ્વરવાદીઓ, આધ્યાત્મીકવાદીઓ અને આદર્શવાદીઓને જાતી વીચારણા યોગ્ય પ્રશ્ન નથી લાગ્યો એ જ મોટી સમસ્યા છે. જાતી એક ખ્યાલ છે. મનની સ્થીતી છે. એટલે જાતી વીનાશનો અર્થ ભૌતીક અવરોધોનો વીનાશ નહીં; પણ માનસીક પરીવર્તન. લોકો અમાનવીય છે માટે જાતીનું પાલન કરતા નથી; પણ તેઓ વધુ ધાર્મીક છે માટે જાતી કે જ્ઞાતીનું પાલન કરે છે. જ્ઞાતી કે જાતીનું પાલન કરનારા લોકો ખોટા નથી, પણ જો કંઈ ખોટું હોય તો તે તેમનો ધર્મ છે. જેણે જાતીનો આ ખ્યાલ લોકોના દીલો–દીમાગમાં ઠસાવી દીધો છે. માટે ખરેખર જો કોઈ દુશ્મન હોય તો તે લોકો નથી; પણ તેમને જાતી ધર્મ શીખવાડતાં શાસ્ત્રો છે. જેથી જ્ઞાતી વીનાશનો ખયાલ સર્જનાર શાસ્ત્રોની પવીત્રતા રુપી અન્ધશ્રદ્ધા દુર કરવાની આવશ્યકતા છે. શાસ્ત્રોની સત્તાને પડકારવાની માત્ર વાત નથી; પણ જે શાસ્ત્રો પવીત્રતાના આધારે લોકોમાં અન્ધશ્રદ્ધાનું ઘડતર કરે છે તે પવીત્રતાને પડકારવી પડે. સમસ્યાના મુળમાં ગયા વીના જ્ઞાતી મરી શકતી નથી. પ્રત્યેક સ્ત્રી–પુરુષને શાસ્ત્રોની ગુલામીમાંથી મુક્ત કરો. શાસ્ત્રો આધારીત વીનાશક ખ્યાલો મનમાંથી સાફ કરો. બુદ્ધ–મહાવીર–નાનકની માફક શાસ્ત્રોની સત્તાને પડકારવાની જરુર છે. નીરીશ્વરવાદીઓ, આધ્યાત્મીકવાદીઓ અને આદર્શવાદીઓમા હીમ્મત હોવી જોઈએ કે જે કાંઈ ખોટું છે તે તમારો ધર્મ છે. કારણ કે, ધર્મે જ તેમનામાં જ્ઞાતી/જાતીની પવીત્રતાનો ખ્યાલ રોપ્યો છે. લોકોને જાતી/જ્ઞાતી છોડી દેવાનું કહેવું એટલે તેમની મુળભુત ધાર્મીક માન્યતાઓની વીરુદ્ધ જવું.
જો રૅશનાલીસ્ટોની જાતી નથી હોતી તો તેની સામે પ્રશ્ન વીકરાળ છે; પરન્તુ તેનો જવાબ સહેલો છે.
જાતીનું સમ્પુર્ણ ઉન્મુલન
जाति का नाश
Annihilation of Caste
સંદર્ભ પુસ્તક : ‘જ્ઞાતી કેમ મરતી નથી – કારણ અને ઉપાય’ લેખક : નીવૃત્ત ન્યાયધીશશ્રી કનુભાઈ વ્યાસ સાહેબ
–ડૉ. અરવીંદ અરહંત
‘ફેસબુક’ અને ‘વોટ્સએપ’ પર ખુબ ચર્ચાયેલો આ લેખ, ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ચર્ચા માટે મને મોકલવા બદલ સમાજીચીંતક અને લેખક ડૉ. અરવીંદ અરહંતનો આભાર…
લેખક–સમ્પર્ક :
ડૉ. અરવીંદ અરહંત, મદદનીશ પ્રાધ્યાપક, કૃષી અર્થશાસ્ત્ર વીભાગ, કૃષી મહાવીદ્યાલય, નવસારી કૃષી વીશ્વ વીદ્યાલય, વઘઈ. જીલ્લો : ડાંગ (ગુજરાત) સેલફોન : 94282 00197 ઈ–મેઈલ : arvindarahant@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 23/08/2018
સરસ લેખ.
જાતીસુચક અટક મારા નામમાંથી કાઢી નાખવાનું ઘણા વર્ષથી મેં શરુ કર્યું છે, પણ સ્કુલમાં દાખલ કરેલો ત્યારે નામમાં એ જાતીસુચક અટક મુકેલી આથી પાસપોર્ટ એ જ નામે બનેલો. આમ જ્યાં કાયદેસર નામ આપવાનું હોય ત્યાં એ અટક અનીચ્છાએ પણ મુકવી પડે છે.
જાતી-જ્ઞાતીનું દુષણ આપણા દેશમાં ન હોત તો કદાચ દેશે અત્યારના કરતાં અનેકગણી વધુ પ્રગતી કરી હોત.
LikeLiked by 2 people
મિત્રો,
મારી પાસે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે તે ગીતાના અઘ્યાય : ૪ ં શ્લોક નં : ૧૩ આ પ્રમાણે લખેલો છે અને તે શ્લોકનો ગુજરાતીમાં આ શબ્દોમાં અનુવાદ કરેલો છે.
ચાતુર્વણય મયા સૃષ્ટં ગુણકર્મવિભાફશ: ,
તસ્ય કર્તારમપિ માં વિઘ્ઘયક્તારમવ્યયમ્ (૧૩).
અનુવાદ:
ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ( કૃષ્ણઅે) ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેનાં કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
આ ઉપરાંત અઘ્યાય ૯ : શ્લોક ૩૨ જૂઓ.અને અઘ્યાય ૧૮ પણ આ વિષય ઉપર વાતો કહે છે…..
વાચક હવે પોતે આ વાતને વિચારે.
શ્રી સચ્ચીદાનંદજી મહારાજની બુક….‘ અઘોગતીનું મૂળ…વર્ણવ્યવસ્થા. ‘ વાંચવા માટે આગ્રહ કરું છું.
ડો. અરવિંદ અરહંતનો લેખ આંખ ઉઘાડનારો છે.
જમાનાઓથી અંઘશ્રઘ્ઘાને દૂર કરવા ઘણા મહાન વ્યક્તિત્વોઅે જીવન અર્પણ કરી દીઘા હતાં…..
ગીતામાં કૃષ્ણઅે અર્જુનને કહેલી (?) વાતને કેવી રીતે અમાન્ય કરી શકાય ?
દરેક વાચક પોતે પોતાનો પરીક્ષક છે.
અમૃત હઝારી.
LikeLike
Dharm, karma kand આ બધું એક સાયકો fear ઉભો કરી ને કરવા માં આવેલ તંત્ર છે. જો આજે લોકો ધર્મ ને કર્મકાંડ બંધ કરે ને ફકત ભગવાન પાર આસ્થા રાખે તો ભારત ના મોટા મોટા શહેર જેવા કે બનારસ – ગયા- પુરી -દ્વારકા નો અંત આવી જાય.
મૃત્યુ પછી પણ લોકો ને લાકડી / પલંગ /ટોર્ચ /ગાદલું ઓશીકું જોઈએ .. હે ભગવાન તો આ વસ્તુ મૃતક ને આપો કર્મ કાંડ વાળા માણસ ને નહીં.
જ્યારે આપડો સમાજ આવા તર્ક માંથી બહાર આવસ3 ત્યારે ભારત માં એક નવો સુરજ ઉગશે. આજે બધાંજમંદિર માં હોડ લગે છે ક્યાં વધારે ભક્ત જાય .. ક્યાં વધારે આવક થાય..મંદિર માં ટ્રસ્ટી બનવા એલેકશન થાય ..
બધા મંદિર / મસ્જિદ / ચર્ચ ની સંપત્તિ પણ લોક કલ્યાણ માં વવાપરાય તો આપણે ક્યાં ના ક્યાં પોચી જઈએ
LikeLiked by 1 person