સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે દુષ્કાળમાં ચન્દનનો વરસાદ થયો. શું આ કોઈ ચમત્કાર, બનાવટ કે તરકટ હશે? ‘સત્યશોધક સભા’એ આ વરસાદનું શું ‘પગેરું’ મેળવ્યું? તે જાણવા ‘અભીવ્યતી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
દુષ્કાળમાં ચન્દનનો વરસાદ!
–રમેશ સવાણી
તારીખ 25 જુલાઈ, 2002. ગુરુવાર. સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે ચમત્કાર થયો, તેના સમાચાર સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયા! ગુજરાતમાં સામાન્ય રીતે 15 જુનથી 30 જુન સુધીમાં ચોમાસું શરુ થાય છે; પરન્તુ જુલાઈ મહીનો પુરો થવા આવ્યો છતાં વરસાદ દેખાયો નહીં! ખેડુતોના જીવ ઉંચા થઈ ગયા હતા. શહેરોને પાણી પુરા પાડતા ડેમના તળીયા દેખાઈ ગયા હતા. પાણીકાપ શરુ થઈ ગયો હતો. આ સ્થીતીમાં સરસ ગામે ચન્દનનો વરસાદ થયો! આ સમાચારથી લોકોમાં કુતુહલનું વાવાઝોડું ફુંકાયું.
શ્રદ્ધાળુ લોકોએ તક ઝડપી લીધી. તેમણે ઘોષણા કરી : “ઈશ્વર ધારે તો શું ન કરી શકે! દુષ્કાળમાં ચન્દનનો વરસાદ!”
ખેડુતો અને શહેરીજનો કંઈક જુદું જ વીચારી રહ્યા હતા : “પાણીની જરુર છે, ચન્દનની નહીં. ચન્દનથી પાક ન ઉગે. ચન્દનથી નાહી ન શકાય કે કપડાં ધોઈ ન શકાય. પીવા માટે પાણી જોઈએ, ચન્દન નહીં!”
આવી કોઈ ઘટના બને ત્યારે સૌની નજર સુરતની ‘સત્યશોધક સભા’ ઉપર પડે. વર્ણવ્યવસ્થા, અન્ધશ્રદ્ધા, વહેમો, રુઢીચુસ્તતા, સામાજીક અન્યાય, ઈશ્વરના અસ્તીત્વ વગેરે વીચારોની સામે, ‘સત્યશોધક સભા’ વીચારોના શસ્ત્રોથી લડે! ચન્દન વરસાદના રહસ્યનું ‘પગેરું’ મેળવવાનું કામ, આ સંસ્થાના કાર્યકર સીદ્ધાર્થ દેગામી(હાલ ‘સત્યશોધક સભા’ના પ્રમુખ છે), મધુભાઈ કાકડીયા, ગુણવંત ચૌધરી, રામભાઈ પંચાલ, બાબુભાઈ પાટીલ વગેરેએ હાથમાં લીધું.
‘સત્ય શોધક સભા’ની ટીમ સરસ ગામે પહોંચી. નીરીક્ષણ કર્યું, પછી ગામના પુજારીને પુછ્યું : “ચન્દનનો વરસાદ પડ્યો તે સાચી વાત છે?”
“સીદ્ધાર્થભાઈ! બીલકુલ સત્ય વાત છે. જુઓ આ ઈંટ ઉપરના છાંટા! આ પાન ઉપરના છાંટાં! આ નળીયા ઉપરના છાંટા! ચન્દન છે ચન્દન!”
“પુજારીજી! આકાશમાંથી વરસાદ પડે તો કોઈ એક વીસ્તારમાં સરખી રીતે પડે. કોઈ એક ઘર, મહોલ્લો, પાન કે ઈંટ પસન્દ ન કરે! વળી એક પાંદડા ઉપર કે એક ઈંટ ઉપર એક જ ટીપું પડે, એવો વરસાદ જોયો નથી!”
“સીદ્ધાર્થભાઈ, અમને પણ નવાઈ લાગે છે, આવો ચમત્કાર કઈ રીતે થયો!”
“જુઓ, આમાં કોઈ ચમત્કાર નથી, બનાવટ છે, તરકટ છે!”
“એટલે તમે શું કહેવા માંગો છો?”
“જે તમે સમજો છો તે!”
“સીદ્ધાર્થભાઈ, તમે નાસ્તીક છો, નહીં માનો. અમે આસ્તીક છીએ, અમને ચન્દનના વરસાદમાં વીશ્વાસ છે!”
“પુજારીજી! તમે ભ્રમમાં છો. બીજાને ભ્રમમાં નાખો છો. જુઓ, આકાશમાંથી પડતા વરસાદને ઉંચાઈના બન્ધન ન હોય. ઝાડની ટોચ ઉપર પડે. મકાનના મોભીયા ઉપર પડે! પરન્તુ ઝાડની ટોચના પાંદડાં ઉપર કે મોભીયા ઉપર ચન્દનના છાંટાં દેખાતાં નથી!”
“છાંટા કયાં પાડવા તે તો ઈશ્વર જ નક્કી કરી શકે!”
“જુઓ, વરસાદ એ કુદરતી ઘટના છે. તેને ઈશ્વર, અલ્લાહ કે ગૉડ સાથે કશીય લેવાદેવા નથી. વરસાદ બીલકુલ સેક્યુલર છે. વરસાદ તો કાશી, કાબા કે વેટીક્ન સીટીમાં પણ પડે છે!”
“સીદ્ધાર્થભાઈ, આ વરસાદ જુદો છે, ચન્દનનો વરસાદ અહીં જ પડે! દુષ્કાળની સ્થીતીમાં આવો વરસાદ. ઈશ્વરની મરજી વીના ન પડે! સરસ ગામની વસતી પંદરસો જેટલી છે; પરન્તુ નાના–મોટા બાવીસ મન્દીરો છે! સાડી ચારસો વર્ષ પહેલાં ગામમાં કોઈને સ્વપ્નમાં દશાવતારની મુર્તી દેખાઈ. આ મુર્તી ગામના તળાવમાં દટાયેલી હતી. ખોદકામ કર્યું તો મુર્તી મળી આવી! મુર્તીના જમણા અંગુઠામાંથી લોહી નીકળતું હતું! કુંવારી કન્યાએ અંગુઠે પાટો બાંધ્યો એટલે લોહી બન્ધ થઈ ગયું! આવા ચમત્કારો આ ગામમાં અનેક થયા છે!”
“પુજારીજી! મુર્તીના અંગુઠામાંથી લોહી નીકળતું કોઈએ જોયું છે?”
“આ તો વરસો જુનો કીસ્સો છે!”
“કોઈ કીસ્સાને જુનો બનાવી દેવાથી સાચો બની જતો નથી! માની લેવાથી અસત્ય સત્ય ભાસે છે! ચન્દનના વરસાદને માની લઈએ તો સત્ય દેખાય છે; પરન્તુ ન માનીએ તો તરકટ ભાસે છે! પુજારીજી, પ્રવાહીના ગુણધર્મ મુજબ તે ઢાળ તરફ ઢળે છે. દીવાલ ઉપર કે પાંદડાં ઉપર પડેલા ચન્દનના ટીંપા ગોળાકાર છે! દીવાલ ઉપર પડેલું ટીપું નીચે તરફ લંબાય કે નહીં? લોકો કહે છે કે વાદળ વીના ચન્દનનો વરસાદ પડ્યો! શું આ શક્ય છે?”
“સીદ્ધાર્થભાઈ, વરસાદના એંધાણ તો ત્રણ દીવસ પહેલાં શરુ થઈ ગયા હતા! મને રાત્રે ચન્દનની સુગંધ આવવા લાગી હતી! વાતાવરણમાં ફેરફાર થઈ ગયો હતો!”
“પુજારીજી, ચન્દનના છાંટા અમુક જગ્યાએ જ પડ્યા છે, આવું કેમ?”
“એ તો ઉપરવાળાની ઈચ્છા મુજબ થયું હશે!”
“ઉપરવાળાની ઈચ્છા કે તરકટ કરનારની ઈચ્છા?”
“સીદ્ધાર્થભાઈ, તમે અમને તરકટ કરનાર કહો છો?”
“પુજારીજી! ચન્દનના વરસાદમાં તરકટ કરનારનો છુપો બદઈરાદો છુપાયેલો છે! ગામના મોટાભાગના મન્દીર તમારી માલીકીના છે. તમે મન્દીરની ખેતી કરી છે! પાક સારો ઉતરે તે માટે ચન્દનના વરસાદનું તુત ઉભું કર્યું છે!”
પુજારીજી ‘સત્યશોધક સભા’ની ટીમને તાકી રહ્યા. મધુભાઈ કાકડીયાએ પુછયું : “પુજારીજી! તમે ચમત્કાર કરી શકો છો?”
“મધુભાઈ, આવું કેમ પુછો છો? થોડાં વર્ષ પહેલાં મેં જાતે ચમત્કાર જોયો હતો. ગણપતીજીની મુર્તી દુધ પીતી હતી!”
“પુજારીજી! મુર્તી દુધ પીવે તે ચમત્કાર ન કહેવાય. મુર્તીમાંથી દુધની ધારા સતત વહે તેને ચમત્કાર કહેવાય! વંચીત લોકોના બાળકોને એ દુધ મળે તો ચમત્કાર સાચો! પુજારીજી, ચમત્કાર કોને કહેવાય તેનો અનુભવ કરવો છે? હું ચમત્કાર કરી શકું છું!”
“બતાવો ચમત્કાર!”
“પુજારીજી! જુઓ મારા હાથની હથેળીમાં કંઈ છે?”
“ના. ખાલી છે!”
“પુજારીજી! તમે બે સેકન્ડ માટે આંખ બન્ધ કરીને, મારી મુઠ્ઠીને નીહાળજો!”
પુજારીજીએ બન્ને આંખો બન્ધ કરીને ખોલી. મધુભાઈની મુઠ્ઠીમાંથી કંકુ ઝરતું હતું! પુજારીજી મધુભાઈને તાકી–તાકીને જોવા લાગ્યા! મધુભાઈએ પુછ્યું : “પુજારીજી! બીજા કોઈ ચમત્કાર નીહાળવા છે? હવામાંથી સોનાની ચેઈન, શ્રીફળમાંથી ચુંદડી કાઢી શકું છું! પાણી છાંટીને આગ પ્રગટાવી શકું છું! ચન્દનના છાંટા છાંટીને વરસાદ વરસાવી શકું છું! બોલો. તમે કહો તે ચમત્કાર દેખાડી શકું છું!”
પુજારીજી ચુપ થઈ ગયા. મધુભાઈએ કહ્યું : “પુજારીજી! તમે સાચુકલો વરસાદ વરસાવી શકો તો ‘સત્યશોધક સભા’ તમને પચ્ચીસ લાખનું ઈનામ આપશે!”
પુજારીજીનું મોં ઉતરી ગયું. તેણે કહ્યું : “મધુભાઈ! સીદ્ધાર્થભાઈ! મને માફ કરો. મારી ખેતી માટે મેં ચન્દનનો વરસાદ વરસાવ્યો હતો!”
–રમેશ સવાણી
‘સંદેશ’ દૈનીકમાં પ્રગટ થતી એમની રૅશનલ કટાર ‘પગેરું’ (તા. 20, સપ્ટેમ્બર, 2017)માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ દૈનીકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, ઈ.મેઈલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 06–09–2019
“ચમત્કાર ત્યાં નમસ્કાર” કહેવત અનુસાર આવા તમાશા મુસ્લિમ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ માં પણ થાય છે બસ જરૂરત છે સત્ય શોધક સભા જેવી સંસ્થા ની જે આવા તરકટો ને ઉઘાડા પાડી શકે.
LikeLiked by 1 person
सत्य
LikeLiked by 1 person
સરસ
LikeLiked by 1 person