ગાંડપણ અને ડહાપણ વચ્ચેનો ભેદ કેટલો નજીવો છે?

શું કોઈ વ્યક્તી ઉન્માદાવસ્થા દરમીયાન અતીરેકમાં આવી જઈ માગણીઓ, જીદ, અધીરાઈ, ઉશ્કેરાટ કરે છે? તે વ્યક્તી ઉત્સાહના અતીરેકમાં આવી જઈ મારફાડ, ભાંગતોડ કરે છે? જ્યારે તે વ્યક્તીનો હુમલો કાબુમાં આવે, ત્યારે તે તદ્દન નોર્મલ બની જાય છે? આવી વ્યક્તીને ભગત–ભુવા કે પીર–દરગાહમાં લઈ જવાને બદલે મનોચીકીત્ક પાસે સારવાર કરાવવી જોઈએ…

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

ગાંડપણ અને ડહાપણ વચ્ચેનો
ભેદ કેટલો નજીવો છે?

–ડૉ. મુકુલ ચોકસી

સતીશ અમારા માનસીક રોગોના વોર્ડમાં દાખલ થયો તે દીવસની વાત છે. સાંજે એ આવ્યો ત્યારે તેનું વર્તન ગજબનું હતું. તે ઉંચે અવાજે ત્રીદેવના ડાયલોગ બોલતો હતો અને મહાભારતના ભીષ્મ પીતામહની અદાથી સૌને આશીર્વાદ આપતો હતો. ક્યારેક એટલું ઝડપથી બોલતો હતો કે તેના વાક્યો અધુરાં અને અસ્પષ્ટ રહી જતાં હતાં. તો વળી કોઈક વાર તે ઓચીંતો તીક્ષ્ણ સ્વરોમાં ગીત ગાઈ ઉઠતો. તેના હાથ, પગ, મોં, આંખ, જીભ બધું જ કોઈક ને કોઈક રીતે સતત ક્રીયાશીલ રહેતું હતું. તે પોતે હસતો હસતો, ઝડપથી બોલતો બોલતો, વીનાકારણ આમતેમ, ઘુમતો ફરતો હતો.

એવામાં એનું ધ્યાન અમારા વૉર્ડના સર્વન્ટ કાનજી પર ગયું. સતીશને તેની ટોપી ગમી ગઈ. તેણે કાનજીના માથેથી ટોપી ઝુંટવી લીધી અને ઉછાળતો–ઉછાળતો, ગાતો ગાતો દોડવા માંડ્યો.

‘મારા કાનુડાની ટોપી, એને કોઈ મળી નહીં ગોપી… તેથી ગુસ્સે થઈને ટોપી, એણે દીધી મને સોંપી… અડધી તીરછી, અડધી સીધી, મારા કાનજીડાની ટોપી…’

જોતજોતામાં તો તેને જોવા વોર્ડનાં બધાં દર્દીઓ તથા સગાઓનું મોટું ટોળું જમા થઈ ગયું. સૌને આ દોડધામમાં રમુજ ઉપજતી હતી; પણ કાનજી તો રીતસરનો ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો. તેણે સામી રાડ નાખી. એય…(ગાળ)… મારી ટોપી લાવ! કોઈ પકડો સાલા હરામીને! અલ્યા એય પોયરા! બકબક બન્ધ કર!’ પણ તરત જ સતીશે જવાબ આપ્યો, ‘પેલી ચકલી જો ચકચક બન્ધ કરે અને ઘડીયાળ જો ટકટક બન્ધ કરે અને છાતી જો ધકધક બન્ધ કરે, તો જ હું મારી બકબક બન્ધ કરું…’ અને ટોળામાંના બધાં જ ખુલ્લે મોંએ હસી પડ્યા.

પણ બીજા દીવસે મોટી મુશ્કેલી સર્જાઈ. સતીશના આવેગો, માગણીઓ, જીદ, અધીરાઈ, ઉશ્કેરાટ વગેરે એટલાં પ્રબળ હતાં કે આખું કુટુમ્બ ત્યાંને ત્યાં હાજર હોવા છતાં તેને પહોંચી વળવા અસમર્થ હતું. આગલી રાત્રે તે અનેક ઈંજેક્શનો પછી જેમતેમ ઉંધ્યો હતો; પરન્તુ જેવી સવાર પડી કે તરત જ તે નવા જોમ, નવી શકતી સાથે હાજર થઈ ગયો. એવી શક્તી કે, ભલભલા બુસ્ટ, કોમ્પ્લાન કે બોર્નવીટાવાળાએ પણ જો તેને વહેલી સવારમાં દોડતો, ગાતો, કામ કરતો જુએ તો તરત જ પોતાની જાહેરખબરના મોડેલ તરીકે કાયમી ધોરણે રાખી લે.

ઉઠતાંની સાથે જ તેણે પોતાનો ધમાલીયો નીત્યક્રમ ચાલુ કર્યો; પણ આજે એની ધમાલ, ગતીશીલતા વગેરેમાં એક નવું તત્ત્વ ઉમેરાયું હતું. તેં સૌને જાતજાતના હુકમો કરતો હતો. પહેલાં તેણે બાજુના ખાટલા ઉપર સુતેલા મંછારામ નામના દર્દીને જગાડી પાડ્યો અને કહ્યું, ‘એય! તું તો મારું સ્કુટર છે, હેં હેં! અહીં શું કરે છે, ચાલ ભાગ! એક કીક આપીશ તો–’ અને બીચારા મંછારામ મોઢું ચોળતા ચોળતા દુર ચાલ્યા ગયા. સતીશ એક તો પડછન્દ, યુવાન અને તેમાં તેનો ઘેરો ઉંચો અવાજ. આથી બધા જ ગભરાઈને તે કહે તેમ કરવા માંડ્યા.

એવામાં અચાનક સતીશને શું સુઝ્યું તે નાના બાળકની જેમ પોક મુકીને રડવા માંડ્યો. રડતા રડતા તેનું બોલવાનું ન સમજી શકાય એવું બની ગયું. તે કોઈ પણ એક જગ્યાએ સ્થીર બેસી શકતો નહોતો. ઉઠીઉઠીને સૌ પાસે જઈને કહેતો, ‘મારી ઘડીયાળ આપી દો; મને મારી ઘડીયાળ પાછી આપી દો.’ થોડીવારમાં તો તેને કાબુમાં રાખવાનું મુશ્કેલ બની ગયું. તે એકદમ ક્રોધી અને ચીડીઓ બની ગયો. વોર્ડનો એક સર્વન્ટ તેને સમજાવવા ગયો, તો તે સર્વન્ટને એક તમાચો મારી દીધો.

આ બન્યું ત્યારે સતીશની બાજુમાં શાંતીલાલ બેઠા હતા. તેઓ સતીશના પીતાના ઓળખીતા હતા અને સતીશની ખબર લેવા આવ્યા હતા. અચાનક સતીશે શાંતીલાલનો હાથ પકડ્યો અને કહ્યું, ‘લાવો મારી ઘડીયાળ.’ શાંતીલાલ ઉશ્કેરાઈ ગયા અને સતીશને દુર હડસેલ્યો પણ સતીશે બમણા જોરથી તેમનો હાથ ખેંચ્યો અને આ ધમાચકડીમાં શાંતીલાલનું કાંડા ઘડીયાળ જમીન પર પડવાથી તરડાઈને બન્ધ થઈ ગયું. ખુબ બુમાબુમ અને હો–હા થવાથી હું ત્યાં ગયો અને છુટ્ટે હે લડતા શાંતીલાલ અને સતીશને શાંત પાડવા લાગ્યો; પણ ચીડાયેલા સતીશે મારો કૉલર પકડ્યો અને એક ઝાટકે આખા શર્ટને ચીરી નાંખ્યું. પહેલાં તો સૌ હેબતાઈ જ ગયા. છેવટે બધાએ સાથે મળીને સતીશને જેમતેમ પકડ્યો અને ઈંજેક્શન આપીને શાંત પાડ્યો; પણ શાંતીલાલ, જેમનું ઘડીયાળ તુટ્યું હતું, તેઓ હજીય ગુસ્સાથી રાતાચોળ હતા. સતીશના પીતાજીએ તરત જ વીનમ્રતાથી તેમની પાસે ઘડીયાળ માગ્યું અને કહ્યું કે, ‘લાવો, શાંતીલાલ! હું રીપેર કરાવી આપીશ. સતીશના વર્તન બદલ હું તામારી માફી માંગું છું;’ પણ શાંતીલાલ એમની ક્ષમાયાચના સાંભળવાને બદલે ક્રોધથી પગ પછાડીને ચાલ્યા ગયા.

થોડા દીવસો પછી સતીશના વર્તનમાં સુધારો દેખાવા માંડ્યો. તેને ‘ઉન્માદ’ અથવા ‘મેનીયા’ તરીકે ઓળખાતો રોગ થયો હતો. અને પહેલી વાર આ પ્રકારનો એટેક આવ્યો હતો. દવાઓની અસરથી દસ–બાર દીવસમાં જ તેનું હરવાફરવાનું તથા ગાવા–કુદવાનું અને ઝઘડાઓ કરવાનું ઓછું થઈ ગયું. તે પુરતી ઉંઘ લેવા માંડ્યો. પછીના અઠવાડીયામાં તેના વીચારો પઘણ સામાન્ય માણસ જેવા થતા ગયા અને ત્રીજા અઠવાડીયે તો એ ખુબ શાંત તથા સ્વસ્થ જણાતો હતો.

ઘણી વાર એકાંતની પળોમાં તે તેના ભુતકાળની વાતો યાદ કરતો હતો. તેની આ ઉન્માદની અવસ્થામાં તેણે ઘરે પણ બધાને ખુબ હેરાન કર્યા હતા. આજુબાજુવાળાઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચાડી હતી. પોતાના એક મીત્રની પત્ની સાથે બેહુદુ વર્તન કર્યું હતું. પડોશીનો રેડીયો તોડી નાખ્યો હતો. એક વાર તો એક જ દીવસમાં તેણે સાત હજાર રુપીયા મોજમજામાં ઉડાવી દીધા હતા. અને મીત્રની મોટરબાઈક ગમે તેમ હંકારી અકસ્માત નોતરી બેઠો હતો, જેને લીધે તેનો મીત્ર ચાર હજાર રુપીયાના ખર્ચામાં ડુબી ગયો હતો. આ બધું યાદ કરીને તે ખુબ વ્યથીત થતો હતો.

ધીમે ધીમે હૉસ્પીટલના ડૉક્ટરો, નર્સો, સર્વન્ટો તથા અન્ય દર્દીઓ સાથે પણ તેને ભાઈબન્ધી થઈ ગઈ હતી. તેને હૉસ્પીટલમાંથી રજા આપવાના આગલા દીવસે બપોરે અચાનક સૌને ખબર પડી કે સતીશ વોર્ડમાંથી ક્યાંક બહાર ચાલ્યો ગયો છે. મોડી સાંજ સુધી તે પાછો ન ફર્યો ત્યારે સહુ ચીંતામાં પડી ગયા. તેણે આ અંગે કોઈને કશું જણાવ્યું પણ નહોતું. અમને સહુ ડૉક્ટરોને પણ આવું બનવા પાછળ કયું કારણ હોઈ શકે તે ન સમજાયું. આવા ઉન્માદી અવસ્થાવાળાં દર્દીઓ હૉસ્પીટલમાંથી ક્યારેક ભાગી અવશ્ય જતા હોય છે; પણ તે તેમની માંદગીના શરુઆતના ગાળામાં જ, જ્યારે તેઓએ દવા લેવાની શરુઆત જ નથી કરી હોતી. આ રીતે સારા થઈ ગયા પછી તેઓ આવું ભાગ્યે જ કરતા હોય છે. અમે દર્દીના સગાઓને ઉલટાવી ઉલટાવીને પુછી જોયું કે સતીશે ક્યારેય દુ:ખના, પશ્ચાતાપના કે આપઘાત કરવાના વીચારો વ્યક્ત કર્યા છે ખરા? પણ સહુએ ચોક્કસપણે ના પાડી. આવું પુછવાની જરુર એટલા માટે પડતી હોય છે કે ઉન્માદની અવસ્થામાંથી અમુક દર્દીઓ તરત ઉદાસી અથવા ડીપ્રેશનની અવસ્થામાં પહોંચી જતા હોય છે જેમાં આત્મહત્યાના વીચારો આવવાની શક્યતા રહેલી હોય છે.

છેક રાત્રે દસેક વાગે સતીશ પાછો ફર્યો ત્યારે બધાના જીવ હેઠા બેઠા. બહારથી આવ્યા પછી તે આનન્દમાં જણાતો હતો; પરન્તુ તેણે કોઈને જણાવ્યું નહીં કે તે ક્યાં ગયો હતો. તેણે એટલું જ કહ્યું, ‘હું કાલે ડૉક્ટરને કહીશ કે હું ક્યાં ગયો હતો.’

બીજે દીવસે સવારે તેને રજા મળી ગઈ. રાઉન્ડ પછી ડૉક્ટરો તેમની કેબીનમાં બેઠા હતા. તેમને માટે એકાદ દર્દીને હૉસ્પીટલમાંથી રજા આપવાનું બહું મહત્ત્વનું નહોતું; પણ દર્દીઓ માટે એ ખુબ મહત્ત્વનું હોય છે. અચાનક સતીશ અમારી કેબીનમાં દાખલ થયો. અમે તેને બેસવા કહ્યું. તેના મોઢા ઉપર સન્તોષ અને સંકોચના ભાવોનું મીશ્રણ હતું. તેણે નીચું જોઈને માત્ર એટલું જ કહ્યું, ‘આ લો સાહેબ!’ તેના હાથમાં એક પેકેટ હતું. નવાઈ સાથે મેં તે ખોલ્યું તો અન્દર એક સુંદર કીમતી શર્ટ હતું. ‘ના નહીં પાડતા સાહેબ, આ ભેટ નથી. મેં તે દીવસે આવેશમાં આવી જઈ તમારું શર્ટ ફાડી નાખેલું, આથી આપને માટે આ શર્ટ લાવ્યો છું. તમને કદાચ યાદ નહીં હોય પણ મને બરાબર યાદ છે. મને માફ કરી દેશોને સાહેબ?’ આટલું બોલતાં બોલતાં તો તે ગળગળો થઈ ગયો અને આટલું ઓછું હોય એમ એણે નર્સો અને સર્વન્ટો માટે મીઠાઈના પેકેટો કાઢ્યાં; પછી અશ્રુભીની આંખે હસતાં હસતાં તેણે કહ્યું, ‘આ સહુ લોકોનું કેટલીય વારનું ભોજન મેં બગાડ્યું છે. અલબત્ત, આ પેકેટથી કંઈ તે ભરપાઈ નથી થઈ જવાનું; છતાં પણ… તેમને મારે કંઈક આપવું જ છે.’

અમને સતીશ માટે માનની લાગણી થઈ આવી; પણ અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે તેણે છેલ્લુંવેલ્લું વધુ એક પેકેટ કાઢ્યું. તે તેણે બાજુમાં ઉભેલા તેના પીતાના હાથમાં મુક્યું અને કહ્યું, ‘આમાં શાંતીલાલકાકા માટે ઘડીયાળ છે. મેં તેમનું ઘડીયાળ તોડી નાખ્યું’તું ને! આ નવું ટીટાન ક્વાર્ટઝનું એ જ મોડેલ છે પણ રંગ જરા જુદો છે. તેઓ મારી ઉપર ખુબ ગુસ્સે થયા હતા, નહીં? તમે જ તેમને આ આપી દેશો? અને મારી દીલગીરીની લાગણી પહોંચાડશો?’ પણ તેના પીતાજીનો હાથ એ ઘડીયાળ લેવા માટે ઉઠ્યો નહીં. તેમણે સંયમપુર્વક એટલું જ કહ્યું, ‘આ આપવું હવે વ્યર્થ છે દીકરા. મેં તેમને બીજે જ દીવસે એક નવું ઘડીયાળ ખરીદીને મોકલાવ્યું; છતાં શાંતીલાલે તે દીવસથી આપણા કુટુમ્બ સાથેના તમામ સમ્બન્ધો તોડી નાખ્યા છે. તેઓ આપણને કદાપી માફ કરવા તૈયાર નથી.’

થોડીક ક્ષણોના મૌન પછી તેમણે એ ઘડીયાળ વોર્ડમાં જ ભેટ રુપે આપવાનું નક્કી કર્યું અને અમારી વીદાય લીધી. તેઓની લાગણીથી ભીંજાયેલા અમે સહુ સાંજ સુધી સતીશ અને શાંતીલાલ વીશે જ વીચારતા રહ્યા. એક ડાહ્યો માણસ અને એક પાગલ; છતાં પણ ક્યારેક ગાંડપણ અને ડહાપણ વચ્ચેનો ભેદ કેટલો નજીવો થઈ જતો હોય છે?

મેનીયા (ઉન્માદ)

‘મેનીયા’‘ડીપ્રેશન’ના સામા છેડાની અવસ્થા છે. જેમાં દર્દી સતીશની જેમ વધુ પડતો ઉત્સાહી, ક્રીયાશીલ અને આનન્દી બનવા માંડે. કેટલાક દર્દીઓ વારાફરતી ‘મેનીયા’ અને ‘ડીપ્રેશન’ની અવસ્થાથી પીડાતા હોય છે. તેમના જીવનમાં જાણે ‘મુડ’ના ચડાવ–ઉતાર આવે છે. જેને ‘બોઈપોલર ઈલનેસ’ કહેવાય છે.

સતીશની જેમ આવા દર્દીઓ સમ્પુર્ણપણે સારા અને નોર્મલ થઈ જતા હોય છે. કોઈ પણ પ્રકારની દવા ન લેનાર દર્દીઓ પણ છ, આઠ કે વધુમાં વધુ દસ–બાર મહીનામાં પુરેપુરા સાજા થઈ જતા હોય છે. અને એટલે જ ભગતભુવા કે પીરદરગાહમાં આવા દર્દીઓને થોડા મહીના રાખવામાં આવે છે. સગાઓ માને છે કે ‘બહારનું’ હતું અને તેને ‘કઢાવવાથી’ દર્દી સાજા થયા. જ્યારે હકીકતમાં દર્દીઓ તેમના રોગના આપોઆપ સારા થવાના ‘પ્રાકૃતીક’ વલણને કારણે જ સાજા થતા હોય છે.

છતાં પણ દવા કરવી એટલા માટે જરુરી બની રહે છે કે ‘મેનીયા’ (ઉન્માદ)ના આવા તોફાની, જોખમી લક્ષણોને લીધે દર્દી જે આર્થીક, સામાજીક, શારીરીક રીતે મોટી પાયમાલી નોતરી બેસતો હોય છે, તે આ રોગને તરત કાબુમાં લઈને અટકાવી શકાય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 5મો લેખ, પુસ્તકનાં પાન 42થી 45 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ :  govindmaru@gmail.com

 

6 Comments

  1. Dear Dr Choksi,
    What a great narration of Maniac! I am sure this was a real life case in your career. You’ve done a wonderful job of exposing the symptoms as well as the treatment of this unaccepted disease. There are so many ‘Satish and Sasha’ who experience Mental Health!
    Mental Disease is a stigma in many Communities and people are not willing to ask for help. They’d rather ‘hide’ it between four walls. It’s a shame.
    We have many Organisations who support the patients and their families. They don’t charge anything because they work on Charity or Voluntarily basis.

    One of my best friend’s son has a Mental illness which is now under control.
    My friend used to be bitten up, shouted at and pushed around all the time. She was quiet for a long time but one day she had to ask for help when she found her son cut his own wrist and was laying in his own blood. She called the Police who then admitted him into a Hospital where the Doctors diagnosed that this young boy had been suffering from Schizophrenia! It wasn’t his fault at all.
    They started the treatment,: medication, cognitive therapy, rehabilitation etc.
    He was an A Star student at school but now lives in a special Home where he is very well looked after. He doesn’t hit anybody any more and he is aware of his Mental status.
    My friend is upset but happy at the same time to learn that he is safe.

    A lot of women go through Depression after child birth and it’s very common here. People understand and help these women except those who are very ‘traditional minded.’
    These women do recover quickly after some treatments.

    Prince Harry who has married Megan Markle went through Mental illness after the death of his mother Princess Diana. He now campaigns on this subject.

    Why is it that the ‘hidden illness’ is not recognised in our Society?
    I could write about many people…

    Finally, Bhuva, Bava, Tavij etc have not chance in curing these Conditions.

    Sorry, this is a long post!

    Thank you Mr Maru for posting this article.
    Have a peaceful day!

    Liked by 1 person

  2. સરસ રીતે ગાંડપણ અને ડહાપણ વચ્ચેનો ભેદ સમજાવ્યો.
    સતીશ ઉન્માદાવસ્થામાં શાંતિલાલના રીસ્ટવાચને નુકશાન કરી બેસે છે. ( ગાંડપણ )
    શાંતિલાલ પોતાને થયેલા નુકશાનને લઇને સતીશના કુટુંબ સાથે સંબંઘ તોડી નાંખે છે તે ડહાપણ નથી…ગુસ્સાના અતિરેકમાં….આચરેલું ગાંડપણ બની બેસે છે.
    સતીશ જ્યારે દવાની અસર હેઠળ સાજો થઇને તેની ઉન્માદનીઅવસ્થામાં તેના વડે બીજાઓને થયેલાં નુકસાનની ભરપાઇ કરે તે તેની ડહાપણની અવસ્થા બની જાય છે.
    હવે પ્રશ્ન અે બની જાય છે કે…સતીશના ઘરની વ્યક્તિઓ સતીશની ઉન્માદાવસ્થાને કેવી રીતે મુલવે છે ? જો તેઓ ભગત ભૂઆવાળા હશે તો ત્યાં લઇ જશે…અને તેઓ જો મેડીકલ જ્ઞાનમાં માનવાવાળા હશે તો ડોકટરને ત્યાં લઇ જશે.
    ટૂંકમાં દરેક ઘરમાં ભગત ભૂઆ ની માન્યતાને દૂર કરવી રહી. આ કર્મ સુરતની અંઘશ્રઘ્ઘા નિવારણ સંસ્થા સુંદર રીતે કરે છે. બિજી ઘણી સંસ્થાઓ આવા કામો કરે છે. પરંતું અંઘશ્રઘ્ઘાના ગોડાઉન ભરેલા હોય ત્યાં બે ચાર કે દસ …સત્યશોઘક સભાઓ પુરી ના કહેવાય.
    સત્યશોઘક સભાઓ વઘારવી રહી.
    દરેક શાળાઓમાં અંઘશ્રઘ્ઘા નિવારણના વર્ગો ચલાવવા જોઇઅે.
    કોઇક તો અેવો ૫૬ ઇંચની છાતીવાળો નીકળશે જે નરેન્દ્ર મોદીને સમજાવશે કે દરેક શાળાઓમાં અંઘશ્રઘ્ઘા નિવારણની કેટલી તાતી જરુરત છે.
    ડો. મુકુલ ચોકસીને હાર્દિક અભિનંદન.
    અમૃત હઝારી.

    Liked by 1 person

    1. આવતીકાલે સવારે નર્મદા નદીના બંધ ઉપર નર્મદાનું પૂજન થશે.નર્મદા મૈયાને ચુંદડી અને શ્રીફળ ચઢાવવામાં આવશે.નદીનું પૂજન ભારત સિવાય બીજે ક્યાંય થાય છે ખરું?એ એક ફૂટની ચુંદડી અને 20 રૂપિયાના શ્રીફળનું નદીના પાણીમાં શું થતું હશે?
      એ બધું જો જો.
      માણસ અતિ ઉત્સાહમાં,અતિ ખુશીમાં અતાર્કિક અને અવૈજ્ઞાનિક અભિગમ દર્શાવે તેને આ લેખના લેખક ડૉ.મુકુલ ચોક્સી શું કહેતા હશે એ જાણવું રહ્યું.

      Liked by 1 person

  3. Really great social awareness is created by this story & depression types & bipolar maniac attacks are described fully & in summary – we should take proper medical care & not bhuva etc

    Liked by 1 person

  4. શ્રી ગોવિંદભાઇ,
    ડો. ચોક્સીની લેખ માળા આ ફોર્મ ઉપર મુકવા બદલ આપ ધન્યવાદને પાત્ર થાવ છો. આ રીતે જે જે લોકો આપનો આ બ્લોગ વાંચતા હશે તે પણ પોતાના કુટુંબમાં કે આસપાસ, સમાજમાં માનસિક દર્દીઓ જોશે તો ચોક્કસ ભુવા, બાવા કે ઊંટ વઈંદુ કરવાને બદલે માનસિક રોગના ડોક્ટર પાસે લઈ જવા વિચારશે, ખરી જરૂરિયાત યોગ્ય સમયે રોગને પારખી ઉપચાર કરવાની છે. માનસિક રોગ એક સામાજિક કલન્ક નથી અને યોગ્ય સમયે દર્દીને યોગ્ય સારવાર મળી રહે તો આવા રોગ પણ બીજા શરીરિક રોગની જેમ સાજા થઈ શકે છે. આપનો આ પ્રયાસ ભલે પાશેરામાં પહેલી પૂણી જેવો હોય પરંતુ ધીમે ધીમે લોકોમાં જાગૃતિ લાવશે એ ચોક્કસ બાબત છે.
    આવા કિસ્સાઓ જેટલા વધુ પ્રમાણમાં લોકોના ધ્યાન ઉપર આવે તેવા મીડિયાનો ઉપયોગ કરવાથી સામાજી જાગૃતિ જરૂરથી આવશે એવું મારું માનવું છે.

    Like

Leave a reply to Ravindra Bhojak-Canadda Cancel reply