વાસ્તુશાસ્ત્રીઓની શી ફરજ છે? વાસ્તુશાસ્ત્રના અભ્યાસનો વીષય, ઉદ્દેશ અને પાયો શું છે? કયા વાસ્તુશાસ્ત્રીઓનો ધન્ધો ધમધોકાર ચાલે છે? અને તે માટે કોણ જવાબદાર છે? છેતરાવા માટે કોણ તૈયાર હોય છે અને તેઓ શા માટે છેતરાય છે?
લેભાગુ વાસ્તુશાસ્ત્રીથી બચવું બહુ જરુરી!
–નગીનદાસ સંઘવી
સત્યનો આંચળો ઓઢીને ફરતું અસત્ય હમ્મેશાં અન્ધશ્રદ્ધા રુપે પ્રગટ થાય છે અને આવાં બનાવટી વાસ્તુશાસ્ત્રોએ અનેક વ્યક્તીઓના ઘરબાર હકીકતમાં ઉબડખાબડ કરી નાખ્યાં છે. રહેણાક માટે, ધંધાના કાર્યાલય માટે, શીક્ષણ આપતી શાળાઓ–કોલેજો માટે, દર્દીઓની સારવાર માટે બન્ધાતી ઈસ્પીતાલો માટે વાસ્તુશાસ્ત્ર છે અને જરુરી પણ છે. ઈમારત મજબુત બને તેની ઈજનેરી ગણતરી તે વાસ્તુશાસ્ત્રનો પાયો છે.
રહેણાક કે કાર્યાલયમાં પુરતા પ્રમાણમાં હવા–ઉજાસ આવે, રસ્તા પરનો કોલાહલ શયનખંડમાં ત્રાસરુપ ન થાય. બની શકે તેટલો સુર્યનો તડકો વધારે પ્રમાણમાં ઘરમાં આવે, શૌચાલય અને રસોઈઘરની ગોપનીયતા જળવાઈ રહે તેવી ગોઠવણ કરવી તે વાસ્તુશાસ્ત્રીઓની ફરજ છે. આ પ્રકારની અનેક જાતની સગવડ–અગવડનો અભ્યાસ તે વાસ્તુશાસ્ત્રનો વીષય છે. આમાંથી બધી સગવડ ન આપી શકાય તો વધારેમાં વધારે લાભ કેવી રીતે મેળવવો તેની જાણકારી અને હથોટી તે અનુભવી સ્થાપત્યશાસ્ત્રીઓ માટે સહજ છે.
જે હેતુથી મકાન, મન્દીર, થીયેટર કે સ્ટેડીયમ બાંધવામાં આવે છે તે હેતુઓ અલગ અલગ હોય છે અને તેની જરુરીયાત પણ જુદી હોય છે. આ બધાનો સાંગોપાંગ વીચાર કરવો, શક્ય તેટલા પ્રમાણમાં તેનો અમલ કરવો તે વાસ્તુશાસ્ત્રનો વીષય અને ઉદ્દેશ છે. ઋતુચક્ર સતત ફેરવાતું રહે છે પણ બાંધકામ લાંબા વખત સુધી એકનું એક રહે છે તેનો હીસાબ પણ વાસ્તુશાસ્ત્રીઓની ગણતરીમાં કરવો પડે છે. બધા દેશોનાં હવામાન કે જરુરીયાતો એક સરખાં હોતાં નથી. બાંધકામમાં વાપરવામાં આવતી વસ્તુઓ પણ અલગ અલગ હોય છે. અમેરીકા જેવા દેશના કેટલાક વીસ્તારોમાં લાકડાનો જેટલો ઉપયોગ બાંધકામમાં થાય છે તેટલો બધે થતો નથી. અતીશય ગરમ પ્રદેશોમાં રહેણાક–કાર્યાલયોમાં ઠંડકનું મહત્ત્વ વધારે હોય છે. અતીશય ઠંડા હવામાનમાં ગરમીની સગવડ કરવી પડે છે.
આ બધું વાસ્તુશાસ્ત્રીઓએ વીચારવું, જોવું, સમજવું પડે છે. આ અર્થમાં વાસ્તુશાસ્ત્ર નક્કર વીજ્ઞાનસીદ્ધ હકીકત છે; પણ દરેક વાસ્તવીકતાનો વીપર્યય કરીને શ્રદ્ધાળુ લોકોના મનમાં ભ્રમ પેદા કરવો. તેમને ડરાવી, પટાવીને તેમની પાસેથી નાણાં પડાવી લેવાનો ધંધો કહેવાતા વાસ્તુશાસ્ત્રીઓએ વીકસાવ્યો છે. અન્ય દેશો કે સમાજોમાં પરમ્પરાથી ચાલતી આવેલી માન્યતાઓનો ખીચડો કરીને લેભાગુ વાસ્તુશાસ્ત્રીઓ લોકોને ત્રાસરુપ બની જાય છે. રસોઈઘર કે શૌચાલયની દીશાઓ બદલવા માટે ઘણી તોડફોડ કરાવવામાં આવે છે. જેનો કશો અર્થ કે ઉપયોગ હોતા નથી.
ઘરમાં વાંસ કે દેડકા કે માછલીઘર રાખવા, ન રાખવાથી લાભ મળે કે હાની થાય તેવું કદી કશું બનતું નથી; પણ શ્રદ્ધાના અતીરેકના કારણે આંધળા બની ગયેલા લોકો આવા વાસ્તુશાસ્ત્રીઓના રવાડે ચડીને દુ:ખી થાય છે. કોઈ વખતે અનાયાસે અથવા અકસ્માતે બનેલા સારા–નરસા પ્રસંગોનો હવાલો આપવામાં આવે છે. બનાવટી વાસ્તુશાસ્ત્રીઓનો ધંધો ધમધોકાર ચાલે છે; કારણ કે દરેક સમાજમાં મુરખ લોકોની સંખ્યા આપણે માનીએ છીએ તેના કરતાં ઘણી વધારે હોય છે. અલ–બરુની નામના વીખ્યાત આરબ વીદ્વાને હજારેક વરસ અગાઉ લખેલી વાત આજે પણ સાચી છે. વેપારી દસમાંથી એક વખત પણ ઘરાકને છેતરે તો બેઆબરુ બને છે. જ્યોતીષી દસમાંથી માત્ર એક જ વખત સાચો પડે તો મહાજ્ઞાની તરીકે દુનીયામાં પુજાય છે અને અઢળક સમ્પત્તી કમાઈ શકે છે.
પણ આમાં કેવળ ધુતારાઓને દોષ આપવો વાજબી નથી. થોડી મહેનતે અથવા વગર મહેનતે મોટો લાભ મેળવી લેવાની અપેક્ષા રાખનાર લોકો આવા ધતીંગોથી, જોશીઓથી, બાબાઓ–ગુરુઓથી અને પાખંડી લોકોથી પ્રભાવીત થાય છે. આવા લોકોને બોલાવવા જવાની જરુર પડતી નથી; કારણ કે તેઓ છેતરાવા માટે તૈયાર જ હોય છે અને કોઈ વાત કે કોઈ મઠાધીશ અંગે થોડી જાણકારી મળી – ન મળી કે તરત જ આવા સ્વાર્થી લોભીયા લોકો દોડાદોડ કરે છે અને ધુતારાઓના પગ પકડીને તેમને મોકો આપે છે. ‘લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે મરતા નથી’ તેવી ગુજરાતી કહેવત આવા લોકો માટે જ પડી હશે.
–નગીનદાસ સંઘવી
‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તા. 17 સપ્ટેમ્બર, 2017ની ‘રસરંગ’ પુર્તીમાં, એમની સાપ્તાહીક કટાર ‘પરીક્રમા’માંથી, લેખકના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
લેખક સંપર્ક : શ્રી. નગીનદાસ સંઘવી eMail: nagingujarat@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
આભાર ગોવિંદભાઈ અને નગીનસંઘવી બંનેનો પણ લેખનું ટાઈટલ લેભાગુ વાસ્તુશાસ્ત્રી થી બચવું મતલબ,સાચા વાસ્તુશાસ્ત્રી પણ હોય ખરા ?
LikeLiked by 2 people
મારા એક મિત્ર છે. પંજાબી છે પણ રેશનાલિસ્ટ છે. એ જયટોટીસ શાસ્ત્રમાં કે વાસ્તુ શાસ્ત્રમાં જરાય નથી માનતા. વાસ્તુ શાસ્ત્રને એ હંમેશા ‘ફાલતુ શાસ્ત્ર’ કહે છે. એનું કહેવું છે કે મોડર્ન આર્કિટેક્ચર એટલું એડવાન્સ છે કે વાસ્તુ શાસ્ત્રને સ્થાન જ ના હોવું જોઈએ.
સંઘવી સાહેબ વાત કે લોભિયા હોય ત્યાં ધુતારા વસેજ. અને લોભીઓને શોધવા જવું નથી પડતું.
અને હા, આવા લોભિયા અને ધુતારા બધાંજ સમાજોમાં જોવા મળે છે.
ફિરોઝ ખાન
સિનિયર એડિટર, હિન્દી એબ્રોડ વિકલી
ટોરંટો, કેનેડા.
LikeLiked by 1 person
સરસ લેખ. ગમ્યો. આભાર નગીનભાઈનો અને ગોવીન્દભાઈનો.
મારે તો નગીનભાઈએ જે કહ્યું છે, “કારણ કે દરેક સમાજમાં મુરખ લોકોની સંખ્યા આપણે માનીએ છીએ તેના કરતાં ઘણી વધારે હોય છે.” એના અનુસંધાનમાં આ પાંચ-દસ મીનીટ પહેલાં જ મારા મીત્રે એક હસવા જેવી વાત કહી છે, તેના વીશે કહેવું છે. અહીંના મંદીરમાં શીવલીંગ છે અને એને બીલીપત્ર ચડાવવાનાં હોય છે. અહીં તો બીલીપત્ર મળી શકતાં નથી, આથી ચાંદીનું બીલીપત્ર ચડાવવામાં આવે છે. એ તુટી ગયું છે, આથી એક જણ ઈન્ડીઆ જવાનાં છે તો એ ચાંદીનું બીલીપત્ર લઈ આવશે, એવી માહીતી મને મળી. મને તો આ સાંભળી ખુબ હસવું આવ્યું.
હીન્દુ ધર્મમાં અમુક રીવાજ કે વીધી પાછળ લોકોને વૈદકની માહીતી મળે તે આશય પણ હોય છે. બીલીપત્ર આયુર્વેદમાં અમુક ઉપચારોમાં વાપરી શકાય, આથી એ ખ્યાલ આપવા માટે કદાચ બીલીપત્ર ચડાવવાનું ચાલુ થયેલું હશે. પણ અહીં તો ચાંદીનું બનાવટી બીલીપત્ર ચડાવાય છે. અહીં નાળીયેર મળી શકે છે, છતાં કેટલીક વાર વીધીમાં બનાવટી નાળીયેર વાપરતાં લોકોને મેં જોયાં છે.
LikeLiked by 2 people
“બનાવટી વાસ્તુશાસ્ત્રીઓનો ધંધો ધમધોકાર ચાલે છે; કારણ કે દરેક સમાજમાં મુરખ લોકોની સંખ્યા આપણે માનીએ છીએ તેના કરતાં ઘણી વધારે હોય છે. ” –નગીનદાસ સંઘવી
બનાવટી વાસ્તુશાસ્ત્રીઓ ઉપરાંત લેભાગુ જ્યોતિષીઓ, બનાવટી પીર બાબાઓ, બંગાળ નો જાદુ જાણવાનો બોગસ દાવો કરનાર ઢોંગી બંગાળી બાબાઓ ફાલતુ તાવીજ – માદળિયા આપનારાઓ ઝાડફુંક કરનાર લેભાગુઓ વગેરે વગેરે એક જ પ્રકાર ની પેદાશ છે અને તેમનો ધ્યેય એક જ છે ” અંધ શ્રદ્ધાળુઓ ના પૈસે તાગડ ધીન્ના કરવા”.
કાસિમ અબ્બાસ
કતાર લેખક અઠવાડીક “સ્વદેશ” કેનેડા
LikeLiked by 1 person
શ્રી નગીનદાસ સંઘવીનો લેખ વાંચ્યો. ટાઇટલમાં જે શબ્દ વાપરીને લેખની શરુઆત કરી છે તે છે…‘ લેભાગુ ‘
આપણે લેભાગુઓને ઓળખવા છે.
લેખકે ‘ વાસ્તુશાસ્ત્ર ‘ ને સાચુ અને ઉપયોગી શાસ્ત્ર બતાવ્યુ છે. દરેક પેરેગ્રાફમાં તેમણે વાસ્તુશાસ્ત્રનો જો સાચો ઉપયોગ થાય તો તે ઉપયોગી બતાવાયુ છે. અને શા માટે નિયમોના સાચો ઉપયોગ હોસ્પીટલો, સિનેમા હાઉસ, વિ..વિ.. માટે જોઇઅે તે બતાવ્યુ છે.
( ૧ ) ભારતમાં સર્વે કરીઅે તો છેલ્લા કેટલાં વરસોથી હોસ્પીટલો કે સિનેમા ઘરો વાસ્તુશાસ્ત્રની સલાહ પ્રમાણે
ંબંઘાયા હશે ? જસ્ટ અેસ્ટીમેટ કરીે.
(૨) ઘરોની બાંઘણી જમીનના લપ્લોટને આઘારે બંઘાતી હોય છે. મઘ્યમ વર્ગના કે ગરીબાઇના લોકો શું વાસ્તુશાસ્ત્ર શું છે તે પણ જાણે છે ? જ્યાં જમીનનો અભાવ છે ત્યાં વાસ્તુશાસ્ત્ર ? આ તો પૈસાવાળાઓનો ખેલ છે.
( ૩ ) કરોડો વરસોથી પૃથ્વિની જેટલી જમીન છે તેના દરેક મિલીમીટરમાં પ્રાણિઓ મરીને દબાયેલા છે. ( ક્રુડ ઓઇલ તો તેની નીપજ છે. ) વલસાડમાં મેં હાલમાં અેક આશ્ચર્ય જોયું. ૬૦ કે ૭૦ વરસો પહેલાં જ્યાં બાળશ્મશાન હતું ત્યાં ઉંચી બિલ્ડીંગો બનેલી જોઇ. લોકોને રહેતા જોયા…બાળકોને રમયા જોયા….દૈનિકજીવનની બઘી કરણી થતી જોઇ. રહેનારાઓને કદાચ ખબર પણ નહિ હોય કે તેમનું મકાન બાળશ્મશાનની ઉપર બંઘાયેલું છે.
( ૪) સિનેમા હાઉસ કે હોસ્પીટલની પોતાની ડીઝાઇન હોય છે…વૈજ્ઞાનિક ડીઝાઇન..તેઉત્તર.ે દક્ષીણ કે પૂર્વ કે પશ્રચિમના દરવાજે નથી બંઘાતા. હવા, પ્રકાશની જરુરીઆત તો સામાન્ય માણસને પણ આવડતી હોય છે. સંડાસ કોઇની નજરથી છાનુ રહે તે પણ. રસોડાને જો….ભારતીય રસોડાને જો જેલમાં પુરી રાખો તો શું થાય તે પણ સામાન્ય ગૃહિણીને ખબર હોય છે.
( ૫ ) પરદેશોમાં વાસ્તુશાસ્ત્ર વપરાય છે ? તે દેશો ભારત કરતાં વઘુ સ્વચ્છ, પૈસાવાળા, જીવનની જરુરીઆત પામવાવાળા તંદયરસ્તીવાળા હોય છે.
( ૬ ) આ શાસ્ત્ર લેભાગુઓથી જ ચાલે છે….બન્ને પ્રકારના લેભાગુઓ…..(૧) છેતરવાવાળ અને (૨ ) આંઘળા પેસાવાળા છેતરાવાવાળા….જાણી કરીને કુવામાં કુદવાવાળા….કુવો યાદ આવ્યો ત્યારે મનમાં સવાલ ઉઠયો….પહેલાના જમાનામાં કુવાઓનું પાણી ઘરોમાં વપરાતુંંંંંંંકયા વાસ્તુશાસ્ત્રની સલાહથી કુવા ખોડાતા ? મીઠું પાણી કે ખારું પાણી ક્યાંથી નીકળશે તે કોઇ કહી શકતું ? વિજ્ઞાન કહી શકતું….દરિયા નજીકના પ્રદેશોમાં દરિયાના ખારા પાણીની અસર વર્તાતી….દરિયાથી દૂર મીઠું પાણી મળવાના ચાન્સીસ વઘુ રહેતા. વિશુવવત્ત, મકરવૃત કે કર્કવૃત ઉપર કઇ જુદી જુદી ગણત્રી માનવીના રહેઠાણ માટે વપરાતી ?…લોકલ ઘરો બાંઘવા માટે ?
મારા વિચારો…..
વાસ્તુશાસ્ત્ર પોતે અેક ‘ લેભાગુ ‘ શાસ્ત્ર છે. તેને કોઇ બેઝ નથી…પૃથ્વિ ઉપર ઘરો બાંઘવા…રુમમાં કયા ખૂણે માથુ રાખવું કે પગ રાખવા તે કોઇ પાળતુ નથી…ેવન ભારતમાં. મુંબઇમાં તો રહેવાની જગ્યા મળી અે પણ નસીબ…..ત્યાં તો રોટલો મળે પણ ઓટલો નહિ મળે….તો ત્યાંના લોકો ગરીબ બની જાય છે ? માંદગીમાં જ રહે છે ? બરબાદ થઇને જીવે છે ?
અમેરિકામાં બે ત્રણ વાસ્તુશાસ્ત્રીઓ મીલીનીયર બની ગયા છે……કમાણી માટે અને ઉલ્લુ બનવા માટે તલપાપડ બની રહેલાઓને ઉલ્લુ બનાનારાને માટે વાસ્તુશાસ્ત્ર્ અેક ઉમદા વેપાર છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person