માણસને થતી વેદના પોતાના પુરતી સીમીત હોય છે? એ વેદનાને વાચા આપે છે? એની વેદનાઓને આલમ્બન મળે છે? આલમ્બન શોધવાથી કેવાં વર્તુળ પેદા થાય? આલમ્બનનાં વર્તુળથી કેવાં પરીણામ પ્રાપ્ત થાય? ‘અકથીત રોગ’ના દર્દીઓએ કેવાં આલમ્બનો શોધતાં શીખવું જોઈએ? તે જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી રહી…
7
વેદના અને આલમ્બનનાં વર્તુળ
–પ્રા. સુર્યકાન્ત શાહ
(આ પુસ્તકનો 6ઠ્ઠો લેખ https://govindmaru.com/2019/08/26/suryakant-shah-11/ ના અનુસન્ધાનમાં..)
માણસને વીવીધ પ્રકારની વેદના થતી હોય છે. માણસ સામાજીક પ્રાણી છે. આથી એને થતી વેદના એ પોતાના પુરતી સીમીત રાખી શકતો નથી. એ વેદનાને અભીવ્યક્ત કરે છે?
માણસ એની વેદનાને વાચા આપતો નથી ત્યાં સુધી એની આ મુંઝવણ અસહ્ય બની જાય છે. ભલે, વીવીધ ધર્મો આત્મા–પરમાત્માની નીરાધાર વાતોને કેન્દ્રમાં રાખીને વેદનાને અભીવ્યક્ત કરવા મનાઈ ફરમાવતા હોય; પરન્તુ માણસની પ્રકૃતી એવી છે કે તે વેદનાને વાચા આપવા માટે જાણે મજબુર થઈ જાય છે, જાણે પરવશ થઈ જાય છે. એનાં હાસ્ય, શોક, ગુસ્સો, અભીમાન, અરે! નમ્રતા પણ સતત અભીવ્યક્ત થવા માંગે છે.
વૈજ્ઞાનીક શોધો પણ માણસની આ બાહ્યભીમુક્તાનો સ્વીકાર કરે છે અને તન–મનની તન્દુરસ્તી માટે આ અભીવ્યક્તીને અનીવાર્ય લેખે છે. આમ, આંતર–બાહ્ય સંજોગો, માનસીક અને શારીરીક કારણે હર્ષ–શોક વગેરેની વેદના તો મળવાની જ. માણસ પ્રકૃતીદત્ત ગુણાનુસાર એની અભીવ્યક્તી કરવાનો જ. એની અભીવ્યક્તીને ઝીલનારો એનું આલમ્બન બને છે. એ સુનીસુની ભીંતો સમક્ષ તો અભીવ્યક્તી કરવાનો જ નથી. એને બીજા એક કે વધારે માણસો જોઈએ છે, જે એની અભીવ્યક્તીને ગ્રહણ કરે. એની આ અભીવ્યક્તીને ગ્રહણ કરનારો–ઝીલનારો–એની વેદનાઓનું અરે! ખુદ એના સમગ્ર વ્યક્તીત્વનું આલમ્બન બની જાય છે.
માણસ જ્યારે એમ કહે છે કે, ‘હું તને પ્રેમ કરું છું!’ ત્યારે અધુરો લાગે છે; પરન્તુ જ્યારે તે એમ સાંભળે છે કે, ‘હું પણ તને પ્રેમ કરું છું!’ ત્યારે તેને સમ્પુર્ણતાનો ભાવ મળે છે. પ્રેમ કર્યો અને સામી વ્યક્તીએ તે સ્વીકાર્યો, એની જાણકારી મળતાં એને ખાતરી થાય છે કે પ્રેમ નામની પેદા થયેલી વેદનાનું એને આલમ્બન મળ્યું છે.
આમ, માનવજાતનો ઈતીહાસ અને વીજ્ઞાન દર્શાવે છે કે માણસને વેદનાઓ મળે છે અને તેની અભીવ્યક્તી માટે એને પાત્ર–આલમ્બન જોઈએ છે. માનવીની આ લાક્ષણીકતા એની તાકાત બની શકે છે, નબળાઈ પણ બની શકે છે. જ્યારે એની અભીવ્યક્તી સહૃદયી અને સમભાવી સમક્ષ થાય છે ત્યારે એની આ બાહ્યાભીમુક્તા તાકાત બની જાય છે, જ્યારે એની અભીવ્યક્તી સ્વાર્થી અને વીષમભાવી સમક્ષ થાય છે ત્યારે એની આ બાહ્યભીમુક્તા નબળાઈ બની જાય છે. અભીવ્યક્તીમાં ઉતાવળા, શ્રદ્ધાળુઓ, વેદના સહન કરવાની શક્તીમાં ટુંકા પડતા લોકો અભીવ્યક્તી માટેના પાત્રની ક્ષમતા અને પાત્રતા તપાસતા નથી. પોતાની વેદના વ્યક્ત કરી દે છે; પછી આજીવન ફસાય છે, પસ્તાય છે અને ઘણું ગુમાવે છે.
સ્વાર્થી અને વીષમભાવી ભગત–પીર
ભગતના ચાર ચોપડા મળ્યા છે. જેમાં જે સમસ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેમાંની મોટા ભાગની કૌટુમ્બીક અને અંગત સમસ્યાઓ છે. આપણા સમાજનું બન્ધારણ અને રુઢીગતતા જોતા સમજી શકાય તેવું છે કે માણસો એમની વેદના કુટુમ્બના સભ્યો સમક્ષ પણ વ્યક્ત કરી શકતા નથી. કોઈ એક પરીણીતાને બાળક નહીં થતા હોય તો તે અંગેની મુક્ત ચર્ચા એ પોતાના પતી સાથે પણ કરી શકતી નથી! બાળકનું હોવું અને એના સ્ત્રીત્વનું ધન્ય બનવું એ બાબત એને માટે ગૌણ છે. બાળક નહીં થવાથી સૌથી પહેલાં તો એ પતીની નજરમાંથી જ ઉતરી જાય છે. કૌટુમ્બીક અને સામાજીક રીતે એને સૌથી પહેલા સતાવે છે. ત્યારબાદ સાસરીયાના અન્ય સગા, પીયરીયા અને સમાજ પણ એના પરત્વે ધૃણાથી જોશે. આ સંશય એને સતત સતાવ્યા કરે છે. આજુબાજુના સમાજમાં એને કોઈ સહૃદયી અને સમભાવી નહીં મળે તો સ્વાભાવીક છે કે એ ભગત–પીરનું આલમ્બન શોધે. આ લોકો અજ્ઞાની હોય છે; પરન્તુ પૈસા અને અન્ય પ્રકારના આનન્દને શોધનારા હોય છે. ધુર્ત હોય છે. પોતાનો વેશ, ધાર્મીક હોવાનો આડમ્બર અને બોલવાની ખાસ શૈલીથી તેઓ અભીવ્યક્તી માટે તૃષીત લોકોને ફસાવે છે. ભગતના મળેલા ચોપડાના પાને પાનેથી આ હકીકત ટપકે છે.
ભગતે જાતે જે લખાણ લખેલા છે તેનો બરાબર અભ્યાસ કરતાં ફરીયાદીની પરાવશતા અને ભગત–પીર લોકોની ધુર્તતાને બરાબર સમજી શકાય તેમ છે. ગુજરાત બહાર રહેતી એક ગુજરાતણે ભગતને જે નીચે દર્શાવેલું લખ્યું છે તેનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે તો તૃષ્ણા અને ધુર્તતા બરાબર સમજી શકાશે. (ફરીયાદીની અસલ ઓળખ છુપાવી છે)
મને સન્તાનમાં એક છોકરી છે. ત્યારબાદ, બીજા સન્તાનની આશા હમોએ રાખી નથી કારણ કે મને ડાયાબીટીસ છે. હમો જ્યાં રહીએ છીએ ત્યાં એક વ્યક્તી પાસે ધન્ધાના ઉઘરાણીના રુપીયા છ લાખ તેમ જ તે જ બીલ્ડીંગમાં ઉઘરાણીના રુપીયા ચાર લાખ લેવાનાં થાય છે; પરન્તુ તેઓ આપતા નથી ને વાયદા કરે છે. આ બન્ને જણા હવે બહારગામ રહે છે.
મારા સાસરેથી વારે તહવારે દર્શનાર્થે દહેરાસરમાં હમો દર્શન કરવા પુજામાં જઈએ–આવીએ ત્યારે માથામાં ખાનગીમાં વાસક્ષેપ નાંખે છે તેમ જ હાથે રક્ષાપોથી મહારાજ મારફતે, પહેરવા આપે છે, ત્યારે મારા શરીરમાં ગભરામણ થાય છે. રડવા માંડું છું. હું ઉંઘી જાઉં છું ત્યારે એમ લાગે છે કે કોઈ મને ઉંચકીને ફેંકી દે છે. હીરાનો ધન્ધો છે. ઘર જુન માસ સુધીમાં બદલવાનું છે. હમારી પ્રગતી થાય. હમારો સંસાર સુખી થાય. અમારું કામકાજ સેટલમેન્ટ થાય. મારો ધણી મારી સાથે સારો વ્યવહાર કાયમ માટે રાખે. કોઈ પણ કામમાં સફળતા મળે તેમ કરવાનું.
આ લખાણ ધ્યાનથી વાંચવામાં આવે તો સમજાશે કે સામાન્યત: જેઓ ક્ષમા અને વૈરાગ્ય માટે જાણીતા છે તે જૈન સાધુ પણ ધુર્તતા કરતા દેખાય છે. પત્ર–લેખીકાએ માની લીધેલા દુશ્મનોના લાભાર્થે એ જૈન સાધુ પત્ર–લેખીકાના માથામાં ખાનગીમાં વાસક્ષેપ નાંખી દે છે. એ જૈન સાધુ પોતાના પ્રભાવનો ઉપયોગ કરી પત્ર–લેખીકાને રક્ષાપોથી પહેરવા આપે છે. પત્ર–લેખીકાને મન આ કાર્યો કરવા પાછળ એ જૈન સાધુનો હેતુ નીર્દોષ એવા ધર્મલાભને આપવાનો નથી; પરન્તુ પત્ર–લેખીકાના દુશ્મનોના હેતુઓને નીષ્ફળ કરવાનો છે.
આવું જેવું બને છે કે તરત એને (1) ગભરામણ થાય છે. (2) રડે છે અને (3) ઉંઘમાં ફેંકાઈ જવાનો ભાસ થાય છે. સમજી શકાય તેવું છે કે જૈન સાધુના વાસક્ષેપમાં કે રક્ષાપોથીમાં આવું કરવાની કોઈ તાકાત હોતી નથી; પરન્તુ ફરીયાદણ એના દુ:ખ માટે કોઈ નીમીત્ત શોધવા માંગે છે. એ જૈન છે. પત્ર–લેખીકાને જૈન સાધુ માટે ભયમીશ્રીત આદર હોવાનું દેખાય છે. જૈન સાધુનું વર્તન પણ એવું દેખાય છે કે તે ફરીયાદણના દુશ્મનોની વધારે નજીક છે તેવું તારણ ફરીયાદણ કાઢે છે. જૈન સાધુ વીતરાગ ધર્મના અનુયાયી અને પ્રચારક હોવાં છતાં એક જૈન શ્રાવીકા જ એમના માટે એવું ધારે કે એમને કારણે એને ગભરામણ, રુદન અને ફેંકાવાનો ભય પેદા થાય છે, તો તેટલા માત્રથી એ નક્કી થાય છે કે કોઈ પણ ધર્મ ભય અને લાલચ ફેલાવનારું એક ષડયન્ત્ર જ છે. ફરીયાદણને સમજાય છે કે ડાયાબીટીસ હોવાથી બીજું બાળક થવાનું નથી. અલબત્ત, તબીબી વીજ્ઞાન અને આ મહીલાની માન્યતા વચ્ચે મેળ ખાતો નથી. કેટલીક શરતોનું પાલન કરીને ડાયાબીટીસવાળી મહીલા બાળકને જન્મ આપી શકે છે. ફરીયાદણને ડાયાબીટીસ હોવાની જાણ વીજ્ઞાનને કારણે થઈ, તેથી આજીવન રહેતો એ રોગ હોવા છતાં તે મુદ્દા પર એ એટલી બધી નીશ્ચીતતા અનુભવે છે કે તેને પરીણામે થતી વેદનાની અભીવ્યક્તી કરવાની એને જરુર પડતી નથી.
સાચકલો અને વાજબી રીતે એને સતાવતો મુદ્દો એ છે કે એના દસ લાખ રુપીયા ફસાઈ ગયા છે. એકવાર એની નજીક રહેતા અને હવે બહારગામ રહેતા બે માણસો પાસેથી એના પૈસા એને પાછા મળતા નથી, ઉપરાંત એ બન્ને પણ જૈન હોવા જોઈએ. તેથી આ બાઈ લખે છે તે પ્રમાણે એના દુશ્મનોએ જૈન સાધુને સાધ્યા છે. જૈન સાધુ વાસક્ષેપ અને રક્ષાપોથીના નામે એને વીવીધ પ્રકારે દુ:ખ પહોંચાડે છે, એવું એ બાઈ માને છે. આથી એ પણ આલમ્બન શોધે છે. એના વીરોધીઓએ જૈન સાધુનું આલમ્બન શોધ્યું. આથી, આ બાઈએ આ ભગતનું આલમ્બન શોધ્યું. અંગ્રેજીમાં એક કહેવત છે કે, ‘ચોરને પકડવા માટે ચોરને કામે લગાડો’.
એ પ્રમાણે આ જૈન બાઈએ જૈન સાધુના મારણની સામે આ ભગતને મુક્યા. વીરોધીઓના અવૈજ્ઞાનીક અને નુકસાનકારક આલમ્બનની સામે આ શ્રાવીકાએ બીજા ધૃતનું આલમ્બન શોધ્યું! ભગત પાસે એ ગઈ. એને અક્કલ વગરની શ્રદ્ધા છે, એટલે એ ઘર સફળતાથી બદલાય કે ધણીના સદ્વ્યવહારની સીદ્ધી થાય તે પણ માંગી લે છે. ધુર્ત–ભગત–પીર લોકોને આવી અનેક એષણાઓ જાણવા મળે એ ખુબ જરુરી છે. અકથીત એવા રોગોથી પીડાતા આ દર્દીઓની સમસ્યાઓ અને એષણાઓ તે જેટલા વધારે જાણે એટલી એમને એ સમજ કેળવવામાં ફાવટ આવે છે કે ફરીયાદીની નબળી બાજુ કઈ છે. એની અતૃપ્ત વાસના કઈ છે. આ લોકો વૈજ્ઞાનીક રીતે નીદાન કરતા નથી. એમની એ માટેની ક્ષમતા જ નથી. તેઓ તો દર્દીની શારીરીક અને વધારે તો માનસીક નબળાઈ શોધે છે. મહદ અંશે તેઓ દર્દીને પોતે કરેલા નીદાનની કોઈ માહીતી આપતા નથી. કોઈ દોઢ ડાહ્યો (ડાહી!) તે જાણવા માંગે તો અગડમ બગડમ અને ખુબ સાદુ નીવેદન કરે છે. એ સાંભળીને ફરીયાદી પોતાના રોગ/સમસ્યાનું પોતાની રીતે આગવું અર્થઘટન કરતાં હોય છે. માનો કે આ પત્ર–લેખીકા ભગતને આગ્રહપુર્વક પુછ્યા જ કરે કે એના લેણા પૈસા નહીં મળવાનું કારણ શું છે? તો ભગતનો અપેક્ષીત જવાબ આવે છે કે, ‘કોઈએ કંઈ કરી નાંખ્યું છે, પનોતી ચાલે છે, દુશ્મનોના ગ્રહ પાવરફુલ–શક્તીશાળી છે વગેરે… શું કરી નાંખ્યું? પનોતી એટલે શું? કયા ગ્રહ? બધું જ અસ્પષ્ટ, અગડમ બગડમ અને ખુબ સામાન્ય એવું નીવેદન. આ બધાના ઉપાય પણ એવા જ. જે બાઈ એવું માનતી હોય કે વાસક્ષેપ કે રક્ષાપોટલીને કારણે એને વીવીધ પ્રકારની વ્યાધીઓ થાય છે તે બાઈને એ સમજાવવું ખુબ સહેલું છે કે ભગત મુઠ મારશે, હવન કરશે કે મારણ મુકશે તો જૈન સાધુની બોલતી બન્ધ થઈ જશે. વીરોધીઓ એને ‘માસા–માસી’ કહીને પૈસા આપી દેશે. આપણા આ માસી આવી ધડ–માથા વગરની વાતો પર ભરોસો મુકી દેશે, અને ભગતના પગમાં હજાર–બેહજાર (કર–ભાર વીનાના) આવી પડશે! આમ આલમ્બન માટેની માણસની તૃષ્ણા, એ મેળવવા માટે માણસનો અવૈજ્ઞાનીક અભીગમ તથા ખોટા માણસો અને તેમાંયે ભગત–પીર જેવાને આલમ્બન તરીકે શોધવાની મુર્ખાઈ, વેદના અને આલમ્બનના વીષવર્તુળ પેદા કરે છે. એનું ખરાબ પરીણામ એ આવે છે કે સમય જતાં ફરીયાદીઓનાં દર્દ ખુદ દવા બની જાય છે અથવા એમના મનપ્રદેશમાં વીષાદનો શાશ્વત ભાવ પેદા થઈ જાય છે. તેઓ સતત રોતલ થઈ જાય છે કે કોઈ આલમ્બન શોધવા જ નહીં! આ ભાવ ખતરનાક છે; કારણ કે આવા માણસો એકલવાયાપણું પસન્દ કરતા થઈ જાય છે. પરીણામે તે અનેક માનસીક વ્યાધીઓના ભોગ બને છે. ભગત–પીરના તો સ્વાર્થ છે એટલે તેઓ તો આ વીષવર્તુળને રોકવાના નથી. વધુને વધુ લોકશીક્ષણ દ્વારા ‘અકથીત રોગ’ના દર્દીઓને સહૃદયી અને સમભાવી આલમ્બનો શોધતાં શીખવું જોઈએ.
–પ્રા. સુર્યકાન્ત શાહ
લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક ‘આપણો માંદો સમાજ’ (પ્રકાશક : ‘સત્યશોધક સભા’, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત – 395 001 પાનાં : 66,મુલ્ય : રુપીયા 30/–)માંનો આ 7મો લેખ, પુસ્તકનાં પાન 40થી 44 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક-સમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
આલંમ્બન કે અવલંબન….હાં! જેને પોતાનામાં વિશ્વાસ નથી અેટલે કે આત્મવિશ્વાસ નથી તેજ આલંમ્બન કે અવલંબન શોઘે છે. બીજાનો ખભો શોઘે છે…પોતાના દર્દને ઘટાડવા માટે…
.
ગીત છે……‘ મેં જીંદગી કા સાથ નીભાતા ચલા ગયા, હર ફિક્ર કો ઘૂંઅેમેં ઉડાતા ચલા ગયા….‘ કેટલો આત્મવિશ્વાસ ?
કવિશ્રી આઇ.જે સૈયદની બે કાવ્યપંક્તિઓને મેં મારી રીતે સંબોઘી હતી…
‘ જિંદગીને મારી મેં રમત કરી લીઘી,
દુ:ખ ને સુખની રમત જીતી લીઘી.‘
પોતાના જ્ઞાનમાં, જીવનના અનુભવોમાં, જીવનની વેદના અને તેના રસ્તાની શોઘના અનુભવમાં, પોતાના બીજાઓના જીવનના અનુભવોમાંથી મેળવેલા જ્ઞાનમાં જેને વિશ્વાસ ના હોય તે જ સાઘુડાઓ પાસે ‘ અવલમ્બન કે અવલંબન શોઘવા જાય છે.
” The best way to predict the future is to create yourself.”
And…‘.જબ આપકે ખાથ હૈ તકદીર કી કિતાબ,
ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચીયે.‘
કારણ કે…યોસોફ મેકવાને કહ્યુ છે કે……
‘ જાણી લીઘું આ જીંદગી કેવળ મજાક છે,
સીઘા દીસે જ્યાં માર્ગ, ત્યાં નાજુક વળાંક છે.‘
નાજુક વળાંકો તો હરેકની જીંદગીમાં આવવાના….પોતે જ આત્મવિશ્વાસ થી તેને સોલ્વ કરવા જોઇઅે. ભગત, ભૂઆ કે મહારાજ, સાઘુઓના આલંબનોથી દૂર રહો.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Well said Suryakantbhai and Amrutbhai
LikeLiked by 1 person
Good work
ખુબ સુંદર પોસ્ટ
LikeLiked by 1 person