આગળના લખાણમાં જુદાજુદા શીર્ષકો હેઠળ ભારતના ધર્મશાસ્ત્રોમાં જુદાજુદા ધાર્મીક ગ્રન્થોમાં, કથાઓમાં તેમ જ ભારતીય હીન્દુ સમાજમાં રોજબરોજની જીવનરીતીમાં વીજ્ઞાન કેવી રીતે વણાયેલું છે એ દાવાઓનું વીગતે નીરુપણ કરવામાં આવ્યું છે. શું આ દાવાઓ મીથ્યા, અજ્ઞાનયુક્ત, મીથ્યાભીમાન તેમ જ મહાનતાના ભ્રમમાંથી ઉપજેલા નથી? આવો, ધર્મ સંસ્કૃતીના નામે પ્રચલીત કેટલીક પ્રથાઓની વૈજ્ઞાનીકતા (વાહીયાતતા) તપાસીએ…
14
ભારતીય મીથ્યા દાવાઓનું તાર્કીક વીવેચન
–ડૉ. બી. એ. પરીખ
ભુતકાળના વર્ષોમાં અમારા મહાન ભારતમાં વીજ્ઞાન, વૈજ્ઞાનીક વીચારસરણી અને ટૅકનોલૉજી હતી, તે સાબીત કરવા માટે વીશેષ કરીને હીન્દુવાદી મંડળો, હીન્દુ સંસ્કૃતીના પુરસ્કર્તાઓ, રાજકીય પરીબળો બહુ જ જોરજોરથી દાવા રજુ કરે છે. કમનસીબે આ દાવાના સમર્થનમાં ઘણા ભારતીય સંસ્કૃતીપ્રેમી, વીદ્વાનો તેમ જ ભારતમાં વીજ્ઞાનના અભ્યાસી વીજ્ઞાનીઓ જોડાયા છે. હીન્દુવાદી સંગઠનો તો આ બાબતમાં ગૌરવ શ્રેષ્ઠતાના નામે ઝુમ્બેશ ઉપાડે છે અને આંદોલનો ચલાવે છે.
આગળના લખાણમાં જુદાજુદા શીર્ષકો હેઠળ ભારતના ધર્મશાસ્ત્રોમાં જુદાજુદા ધાર્મીક ગ્રન્થોમાં, કથાઓમાં ભારતમાં પ્રગટેલી, વૈજ્ઞાનીક કહી શકાય તેવી ઉપલબ્ધીઓ તેમ જ ભારતીય હીન્દુ સમાજમાં રોજબરોજના જીવનમાં વીજ્ઞાન કેવી રીતે વણાયેલું છે એ દાવાઓનું વીગતે નીરુપણ કરવામાં આવ્યું છે. શું આ બધું ખરેખર વીજ્ઞાનલક્ષી, વૈજ્ઞાનીક હેતુઓ વીચારીને અમલમાં મુકાએલી બાબતો હતી? જો આ હેતુ ખરેખર સત્ય હોય તો તે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે; પરન્તુ આ વૈજ્ઞાનીક હોવાની માન્યતાઓ, વીશ્વાસ વીશે આક્રમકતા દૃઢતાથી થતા દાવાઓ મીથ્યા, અજ્ઞાનયુક્ત, મીથ્યાભીમાન તેમ જ મહાનતાના ભ્રમમાંથી ઉપજેલા છે. પરીસ્થીતી આજે જે પ્રવર્તે છે તે તો હકીકત છે. ભારતના સદીઓથી કદાચ તેના આરમ્ભના ઈતીહાસથી માંડીને આજદીન સુધી કોઈ પણ કાર્ય, કૃતી, વીચાર, રીવાજ વગેરે વીજ્ઞાનની જાણકારી તેમ જ વૈજ્ઞાનીક રીતે વીચારીને અમલમાં આવ્યા હોય તેવું માનવાને કોઈ વજુદવાળું કારણ નથી. ભારતમાં તો વીચાર–તર્ક, શંકા, પ્રશ્નો પુછવાને બદલે આજ્ઞાંકીતતા, ગુરુવચનનો આદર, પરમ્પરાઓ, રુઢીઓ, વહેમયુક્ત માન્યતાઓ, અન્ધશ્રદ્ધા, ધર્મઘેલછા વગેરેનું જ ચલણ, પ્રભાવ હતાં અને આજે પણ છે. નવી નવી ટૅકનોલૉજીઓની શોધ થવામાં અમુક અપવાદરુપ ગણતરીના કીસ્સાઓ સીવાય વીશ્વ સમક્ષ રજુ કરવા જેવી ક્યાંય કોઈ સીદ્ધીઓ ભારતે આપી નથી. ભારતનો જે ઈતીહાસ સદીઓથી શોધખોળ પછી ભણાવવામાં આવે છે તેમાં વચગાળામાં થોડાક કાળસત્રો તેજસ્વી હોવાનું અપવાદરુપ ગણાય. સાથે કેટલીક ફીલસુફી અને વૈચારીક તેજસ્વીતા માટે ભારત ગૌરવ લઈ શકે. જાતજાતની કળા, કારીગરી તેમ જ કસબમાં મેળવેલી કેટલીક સીદ્ધીઓ પણ પ્રસંશા, નોંધને પાત્ર છે. ભારતની જનતા પુરી અભણ, અજ્ઞાની તેમ જ જાતીવાદી, વર્ણવાદી, ભેદભાવની પોષક, મીથ્યાજાતી અભીમાનવાળી તો હતી જ; પરન્તુ આ પ્રજા ધર્મના અનેક સમ્પ્રદાયો, તેના ફાંટાઓ અને પેટા ફાંટાઓમાં વીભાજીત હતી અને આજે પણ તેવું જ છે. ધર્મઘેલછામાં જાતજાતનાં અર્થહીન કર્મકાંડો, વહેમ, અન્ધશ્રદ્ધા અને અન્ધકારમાં જ જીવતી આ પ્રજા સતત રુઢીચુસ્તતા, પરમ્પરા, રીતરીવાજ તેમ જ ધર્મના પછાતપણામાં જીવતી આવી છે. ભારતમાં આજે જે કંઈ સીદ્ધીઓ છે, વીજ્ઞાન ટૅકનોલૉજીઓનો ભરપુર ઉપયોગ છે, તે તો 17–18મી સદીથી યુરોપીય વેપારી કમ્પનીઓ આવી, તેમાં અંગ્રેજોના આગમન પછી તેમણે કરેલા કાયદા-કાનુન સહાય અને પ્રેરણાથી શરુ કરેલી શીક્ષણ પદ્ધતી તેમ જ સમાજ સુધારણાના પ્રયાસોને જ આભારી છે.
જે ભારતીય સંસ્કૃતી, ધર્મ, જીવનરીતી, જાતજાતની પ્રથાઓ વીશે વૈજ્ઞાનીકતાની મહોર મારવામાં આવે છે તેમાં કેટલીક પ્રથાઓ રીવાજો જે પહેલાં હતાં અને આજે કેટલાક ચાલુ છે તેમાં વૈજ્ઞાનીકતા ક્યાં છે? ક્યાંય ક્યારેય વૈજ્ઞાનીકતા, વાસ્તવીકતા વીશે વીચારાયું જ નથી. આજે કેટલીક પ્રથાઓ બન્ધ થઈ છે.
1. સતીની પ્રથા
2. જોહેરની પ્રથા (ખાસ કરીને રજપુતોમાં)
3. બાળલગ્ન
4. વીધવા પુન: લગ્નની બન્ધી
5. વીધવાએ એકાંતમાં, કુટુમ્બ, સમાજથી અલગ જીવન વીતાવવું. કોઈ પણ પ્રકારની આનન્દની પ્રવૃત્તીઓ વગર જમીન ઉપર સુવું, સુકો–લુખો ખોરાક લેવો. માત્ર અને માત્ર કાળા, સફેદ વસ્ત્રો પહેરવાં, કેશમુંડન કરાવવું વગેરે. વધારામાં આ વીધવા સ્ત્રીઓ સાવ નીરક્ષર હોવાથી કુટુમ્બમાં સાવ ઓશીયાળી પરતન્ત્ર રહેતી. તેની ઉપર બળાત્કાર થતા. ગર્ભ રહી જાય તે વીધવાને બાળી, મારી નાખવામાં આવે અથવા તે આપઘાત કરે. આજે આ સ્થીતીમાં 100 ટકા સુધારો થયો નથી.
6. વીધવાઓ અને દલીતો અપશુકનીયાળ ગણાય, શુભ પ્રંગોમાં તે હાજર ન રહી શકે.
7. સ્ત્રી બાળકોને જન્મ પહેલાં કે જન્મ પછી જાતજાતની રીતે મારી નાખવામાં આવતી. આજે પણ જન્મ પુર્વે ગર્ભની જાતી જાણવાની કાયદેસર બન્ધી છે. આમછતાં કેટલાંક કુટુમ્બો યેનકેન પ્રકારે ગર્ભની જાતી જાણી સ્ત્રી–ગર્ભ હોય તો પરાણે ગર્ભપાત કરાવવામાં આવે છે.
8. વર્ણ પ્રથાને ગુણ–કર્મ પ્રમાણે વીભાજન ગણી ને જે વૈજ્ઞાનીકતા આરોપવામાં આવે છે, તે નર્યો દમ્ભ, જુઠાણું જ છે. ભારતની વર્ણવ્યવસ્થામાં ચાર વર્ણો અને પાંચમો અસ્પર્શ્ય વર્ણ વચ્ચે અસમાનતાનો બહુ ઉંડો અને ઉંચો ભેદભાવ છે, આવી અન્યાયભરી ભેદભાવની પ્રથા વીશ્વના કોઈ સમાજમાં નથી. દલીતોની કેવી પશુ કરતાં બદતર સ્થીતી હતી તે આપણે જાણીએ છીએ. આજે આ વર્ણમાં શીક્ષણનો વીકાસ, કાનુનથી અસ્પૃશ્યતા, ભેદભાવને ગુનો ગણાય; છતાં તેઓ પ્રત્યે આજે પણ ભેદભાવ, મારપીટ અને ત્રાસ ગુજારવામાં આવે છે.
9. વળી વર્ણોમાં બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર એમ ઉંચનીચનો ભેદક્રમ બતાવી બ્રાહ્મણ સૌથી ઉચ્ચ, પુજનીય વન્દનીય ગણાય. એવી માણસ માણસ વચ્ચે ઉંચનીચનો ભેદભાવમાં કઈ વૈજ્ઞાનીકતા છે?
10. વર્ણની અન્દરની જ્ઞાતીઓ તેમ જ પેટા જ્ઞાતીઓ વચ્ચે પણ ઉંચ–નીચનો ભેદભાવ આજના દીવસોમાં પણ છે જ.
11. આંતરજ્ઞાતી, આંતરજાતી, આંતરધર્મ લગ્નોનો નીષેધ, વીરોધ હળવા બન્યા છે; છતાં જ્ઞાતી, કુળ, ધર્મના મીથ્યાભીમાનથી જુદી જુદી જ્ઞાતી, કોમ, ધર્મના યુવક–યુવતીઓના લગ્ન પ્રત્યે ઘણા પ્રસંગોમાં વીરોધ સાથે હત્યાઓ, ઈજ્જત હત્યા (Honor Killing) થાય છે.
12. સ્ત્રીઓને મસ્તકથી લઈને પગની આંગળીઓ સુધીના જાતજાતના શણગાર, ઘરેણાંની સજાવટ વૈજ્ઞાનીક રીતે સાર્થક બતાવવામાં આવે છે; પરન્તુ સ્ત્રી વીધવા બને તો આ તમામ શણગાર, ઘરેણાંની બન્ધી. આમાં ક્યાં, કેવી રીતે વૈજ્ઞાનીકતા? ઉલટું સ્ત્રીઓને શણગારના નામે સખત દબાણ, બન્ધનમાં, કાબુમાં રાખવાની આ અન્યાયી પ્રથાઓ છે, જોકે આજે થોડી હળવી બની છે.
13. આદીવાસી વસતી ભારતમાં કુલ વસતીની 15 ટકા જેટલી છે. આ આદીવાસી વસતી કોઈ લેખામાં લેવાતી જ ન હતી. એ તો જંગલી, અબુધ, પછાત કહેવાય. આજે આદીવાસી વસતીમાં શીક્ષણ સુધારા છતાં હજી મોટાભાગની વસતી અભાવમાં જીવે છે. આમાં કેવી વૈજ્ઞાનીકતા?
14. હીન્દુ ધર્મ અતી વીશાળ ઉદાર તેમ જ સહીષ્ણુ છે એમ માનવામાં આવે છે; પરન્તુ આ ધર્મની અન્દર જ વર્ણો, કોમો, જ્ઞાતીઓ વચ્ચે ઉંચનીચના ભેદભાવ જુઓ. વળી હીન્દુ ધર્મ એક જ વીચારધારા કે વ્યવસ્થા નથી. હીન્દુ ધર્મમાં બ્રાહ્મણો સૌથી શ્રેષ્ઠ વર્ગ. વળી ધર્મમાં અનેક પેટા સમ્પ્રદાયો છે. આ સમ્પ્રદાયોમાં પણ અનેક ફાંટાઓ, દરેક પંથના ગુરુ જુદા, ભગવાન જુદા, કર્મકાંડ, પ્રાર્થના, પુજા વીધો પણ જુદા થાય છે. આ સમ્પ્રદાયો, પંથો વચ્ચે પણ ટકરાવ, ટંટા થાય છે. કોમ–કોમ વચ્ચે જેમ કે પટેલ અને ક્ષત્રીયો બન્ને હીન્દુઓ હોવા છતાં તેમની વચ્ચે લોહીયાળ સંઘર્ષો અવાર–નાવાર થાય છે. પદ્માવત ફીલ્મ સામે રજપુત સમાજમાં તીવ્ર આક્રોશ વીરોધ. આવાં તો જાતજાતનાં વીરોધ પ્રદર્શનો થાય છે. તેમાં કેવો તર્ક અને કેવી વૈજ્ઞાનીકતા રહેલી છે? આવા ધર્મ અને જીવનરીતીમાં ક્યાં અને કેવી વૈજ્ઞાનીકતા?
15. કોઈ પણ પ્રજાનો ખોરાક તેની વાનગીઓ તો તે પ્રજા, કોમ કેવા પ્રકારના ભૌગોલીક પ્રદેશ, નદી, દરીયો, રણ કે ઠંડા પ્રદેશમાં વસે છે તે ઉપર નીર્ભર છે. જે તે પ્રદેશમાં ખોરાક તરીકે સરળતાથી ઉપલબ્ધ ચીજો જ ખોરાકમાં લેવાય. જેમ કે દરીયાઈ કાંઠા વીસ્તારમાં માછલીઓ ઉપલબ્ધ છે. અહીં ધાન–અનાજની કમી જ હોય. તેના આધારે તેમ જ ધાર્મીક માન્યતાઓ અનુસાર ખોરાકની વાનગીઓ વરસોથી નક્કી થઈ છે. આ રીતે જેને જે અનુરુપ પસન્દ હોય, પરમ્પરા, માન્યતા હોય તે પ્રમાણે ખોરાક લેવાય; પરન્તુ તેમાં અમુક જ પ્રકારનો ખોરાક લેવાની ફરજ પાડવી. બીજા પ્રકારનો ખોરાક લેવાની બન્ધી ફરમાવવી એમાં કોઈ વૈજ્ઞાનીકતા તો નથી જ.
16. ઓક્ટોબર, 2018માં ભારતની સુપ્રીમ કોર્ટે કેરાલામાં સબરીમાલા મન્દીરમાં 10થી 50 વર્ષની સ્ત્રીઓને પ્રવેશની બન્ધી વીશે ચુકાદો આપ્યો કે આ પ્રથા વીજ્ઞાન તેમ જ ન્યાયની દૃષ્ટીએ સ્ત્રીઓ માટે ભેદભાવયુક્ત, અન્યાયકારી છે, તેથી પ્રવેશબન્ધી રદ કરવા આદેશ આપ્યો. ત્યારે હીન્દુવાદી રાજકારણીઓ અને નેતાઓએ વીરોધ કર્યો કે જ્ઞાન–વીજ્ઞાન, ન્યાય, સમાનતા કરતાં ધર્મ, માન્યતા, આસ્થા વધુ બળવાન અને સ્વીકાર્ય છે.
ધર્મ સંસ્કૃતીના નામે પ્રચલીત કેટલીક પ્રથાઓને વૈજ્ઞાનીક બતાવવામાં આવે છે. તેમની વૈજ્ઞાનીકતા (વાહીયાતતા) તપાસીએ :
(1) ઘરમાં પાઠપુજા, રટણ, માળા કરવામાં આવે કે મન્દીર, ઉપાશ્રયમાં દર્શન કરવાનો નીયમ હોય તો આ ક્રીયાવીધીથી જે તે વ્યક્તીને માનસીક શાંતી મળે એ આપણે માની લઈએ; પરન્તુ કેટલાક ધર્મસ્થાનોમાં મહીલાઓને પ્રવેશબન્ધી, દલીતોને, ઈતર ધર્મીઓને તેમ જ જે તે ધર્મના અનુયાયીઓને અમુક સંજોગોમાં પ્રવેશની બન્ધી હોય તે ભેદભાવમાં કેવી વૈજ્ઞાનીકતા છે? ઘણાં તીર્થો ધર્મસ્થાનોમાં સ્ત્રીઓને પ્રવેશબન્ધી છે. વળી આજે તો કેટલાક મન્દીરોમાં પ્રવેશ માટે સ્ત્રી–પુરુષોના ડ્રેસ કોડ રાખવામાં આવ્યા છે. વળી ઘરની પુજામાં પુજા કરનાર વ્યક્તી આભડછેટ પાળે, અગત્યની ફરજો જેમ કે બાળક રડતું હોય તો તેની અવગણના કરી, પુજા માળામાં જ રચ્યા રહે એમાં તેને માનસીક શાંતી ક્યાંથી અને કેવી રીતે મળવાની?
(2) હીન્દુ ધર્મમાં સ્પર્શ્ય, અસ્પર્શ્ય, આભડછેટ ઘણી બાબતોમાં પાળવામાં આવે છે. તમે ગન્દકી રોગગ્રસ્તતાથી દુર રહો એ સમજાય; પરન્તુ બીજી અનેક બાબતોમાં આભડછેટ પળાય તેમાં કેવા પ્રકારનું વીજ્ઞાન રહેલું છે? માસીકસ્ત્રાવ, પ્રસુતી દરમીયાન આભડછેટની પ્રથા સમજણ આવવાથી ઘણી હળવી બની છે; પરન્તુ અપવાદરુપ ક્યાંક તે ચાલુ છે.
(3) તીલક કરવાની પ્રથા, ચોટલી રાખવાની પ્રથામાં વૈજ્ઞાનીકતા હોવાની દલીલો થાય છે; પરન્તુ સૌ જાણે છે કે તીલકો એક નહીં, અનેક રીતે થાય છે. આ તીલકો કપાળમાં દબાણ ઉપજાવી વ્યક્તીમાં ઉર્જા ઉપજાવવા માટે નહીં; પરન્તુ ધર્મ, સમ્પ્રદાય, કોમ વચ્ચે તફાવત, ભેદ બતાવી પોતે અલગ છે તેવી ઓળખ ઉપજાવવા માટે જ છે. તેમ જ આ તીલકો અમુક વર્ણ, જ્ઞાતી કોમના સભ્યો સીવાય હીન્દુ સમાજમાં સર્વવ્યાપી નથી. વળી ચોટલી તો માત્ર બ્રાહ્મણો જ રાખતા. વૈશ્ય તેમ જ ક્ષત્રીય સમાજમાં અમુક વ્યક્તીઓ જ રાખતા; પરન્તુ ઈતર વર્ણના લોકને તો ચોટલી રાખવી હોય તો પણ તે રાખવાનો અધીકાર કે છુટ નહીં. અમે મજાકમાં કહેતા કે ચોટલી રાખવાનો એક ફાયદો છે કે રાત્રે વાંચતા હોઈએ ત્યારે ઉંઘ ભરાય, ઝોકાં આવે ત્યારે જો ચોટલીને દોરી બાંધી દીવાલની ખીંટી સાથે બાંધી હોય તો ઝોકું ખાવામાં ચોટલી ખેંચાય એટલે ઉંઘ ઉડી જાય.
(4) પલાંઠી વાળીને બેસવાની પદ્ધતીને યોગ્ય ઠરાવવા વૈજ્ઞાનીકતા શોધવી જ પડે ને. ભારત તો અત્યન્ત ગરીબ, રહેવાનું મોટે ભાગે કાચા મકાનો, ઝુંપડી એક રુમના નીવાસમાં જો ટેબલ ખુરશી વસાવવાની હેસીયત તેમ જ સગવડ ન હોય તો જમીન ઉપર જ બેસીને કામ કરવા પડે, જમવામાં પણ. ઘણા માણસો તો પુરી પલાંઠી પણ વાળતા નથી. ઉભડક ઉભા પગે બેસીને ભોજન કરે છે.
(5) નદીમાં તાંબાના સીક્કા નાખવાથી તેનું જળ પીવા માટે ઘણું તન્દુરસ્તીદાયક બને છે. વીચાર તો કરો, ધારો કે તાંબાના પાત્રમાં પાણી ઉપર અસર થવાથી તેમાં રાસાયણીક ફેરફારો થતા હશે! પરન્તુ નદીની વીશાળ જળરાશીમાં તાંબાના સીક્કાઓની શી અસર ઉપજે? અરે તાંબાનો દેગડો નાંખો તો પણ કોઈ ફેરફાર ઉપજે નહીં. એક અન્ધશ્રદ્ધાળુ માન્યતાને વીજ્ઞાનના વાધા પહેરાવવાનો વૃથા અક્કલહીન પ્રયાસ છે.
(6) ઉપવાસ કરવાથી હોજરી ખાલી રહે અને તેમાંનો કચરો, બગાડ દુર થાય એવું માની લઈએ; પરન્તુ નાગપંચમી, જન્માષ્ટમી, અગીયારસ તેમ જ સોમથી માંડી સાતેય વાર એક ટાણું કે ઉપવાસની પાછળ તન્દુરસ્તીના હેતુ કરતાં દેવોને, ગ્રહોને ખુશ કરવાનો જ આશય હોય છે. વળી અનાજ–પાણી વગરના ઉપવાસ તો હવે થતા નથી. ફરાળના નામે સામાન્ય રોજીન્દા ભોજન કરતાં વધારે વૈવીધ્યવાળું ભારે ભોજન લેવાય છે. જૈનોમાં જાતજાતના કારણસર થતાં લાંબા ટુંકા ઉપવાસ તન્દુરસ્તી માટે નહીં; પરન્તુ કર્મોના ફળ ભુંસવા માટે, પુણ્ય કમાવા માટે થાય છે. આમ ઉપવાસમાં મીથ્યા રીતે, દાંભીક રીતે વૈજ્ઞાનીક હેતુ આરોપવામાં આવે છે. ઉપવાસ તો દેહદમન દ્વારા ઈશ્વર ભક્તીનો જ હેતુ ધરાવે છે. વ્રતો, ઉપવાસને વૈજ્ઞાનીક હેતુ તો નથી જ, આધ્યાત્મીક આત્માની શુદ્ધી, કલ્યાણનો જ હેતુ રહેલો છે.
(7) મન્દીરોમાં જવાનો હેતુ પ્રભુ પ્રાર્થના છે. મન્દીરોમાં જવાથી મનને, ચીત્તને શાંતી મળે છે એમ કહેવું એક પ્રકારની આત્મ છેતરપીંડી જ છે. આપણા દેશમાં દરેક ગામમાં અનેકવીધ દેવો, માતાજીઓના મન્દીરો છે. દરેક વ્યક્તી તમામ મન્દીરોમાં નહીં; પરન્તુ પોતાની જ માતા કે દેવના મન્દીરમાં જાય છે. આમ મન્દીરો દ્વારા તો સમ્પ્રદાયોના વાડા ઉભા થયા છે. વળી જાત્રાના અનેક સ્થળોએ જુઓ. દર્શન કરવા આવનાર ભક્તને કચડી નાખે તેટલી ભીડ, ધક્કામુક્કી, ખીસ્સા કપાય. મન્દીરો જાત્રાના સ્થાનકોએ અનહદ ભીડ થવાના પરીણામે ભાગદોડ, દોડાદોડી, કચડાકચડી ઉભી થાય છે અને ઘણા ભક્તો કચડાઈ મરે છે. આ મન્દીરોમાં જાત્રામાં શાંતી મળે કે અશાંતી? કેદારનાથ, સબરીમાલા, કુંભમેળા સમયે થયેલા ભાગદોડના કીસ્સાઓ કંઈ અપવાદરુપ નથી. યાત્રાળુઓની ભીડમાં અનેકવાર અનેક યાત્રાળુઓ કચડાઈ, ચગદાઈને મૃત્યુ થયાં છે. આમાં વૈજ્ઞાનીકતા શોધનારની બુદ્ધીને ધન્યવાદ!
(8) લયબદ્ધ રીતે થતો ઘંટારવ કે સંગીત સાથે રાગમાં ગવાતી આરતી કર્ણપ્રીય લાગે. ચીત્ત પ્રફુલ્લીત થાય; પરન્તુ આપણા મન્દીરોમાં તો ઢોલ, નગારા, મંજીરાના ઘોંઘાટમાં સંગીતનો તો કોઈ અંશ પણ હોતો નથી. વળી આપણે ત્યાં તો ધાર્મીક સમારમ્ભો, સરઘસો, ઉત્સવોમાં જેમ વધારે ઘોંઘાટ તેમ તે વધારે વજનદાર, ભક્તીલક્ષી કહેવાય. ઉલટું આજે તો આ ઉત્સવોના પરીણામે થતા ધ્વની પ્રદુષણ સામે આંદોલનો કરવા પડે છે, કાયદા કાનુનો રચવા પડ્યા છે.
(9) નમસ્કાર કરવામાં, ચરણસ્પર્શ કરવામાં એક્યુપ્રેશરને વચમાં લાવી, હથેળી, આંગળીઓ, અંગુઠા ઉપરના થતાં દબાણથી શારીરીક આંતરીક પ્રક્રીયાઓ વધારે તન્દુરસ્ત બને છે એવું કારણ હીન્દુ સમાજમાં પ્રવર્તતા ઉંચનીચના ભેદને ભેદભાવથી થતા અન્યાયને યોગ્ય ઠરાવવા માટેની યુક્તી છે. નમસ્કાર કે ચરણસ્પર્શ કરવા કરતાં હસ્તધનુનમાં બન્ને વ્યક્તીઓ સમાન સ્તરે મળે છે અને બન્નેને એક્યુપ્રેશરના લાભ મળે છે. ચરણસ્પર્શમાં સ્પર્શ કરનાર ઉતરતી કક્ષા તેમ જ સ્પર્શ પામનાર ઉંચી કક્ષા ઉપર છે. વળી આપણી જમીનદારી, રાજાશાહી, વડીલશાહી, સમાજમાં પગે લાગવું, નાકલીટી તાણવી, ચરણ ચાંપવા જમીનદાર, વડીલ, ધર્મગુરુનું અભીમાન પોષવા અને સામા માણસને નીચો બતાવવા માટેની યુક્તીઓ છે. તેમાં વૈજ્ઞાનીકતા નહીં, ભેદભાવનું જ પ્રદર્શન છે.
(ક્રમશ:)
–ડૉ. બી. એ. પરીખ
લેખક ડૉ. બી. એ. પરીખનું વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 ઈ–મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80, મુલ્ય : રુપીયા 80/-)માંનો આ 14મો લેખ, પુસ્તકનાં પાન 67થી 73 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત–395 007 સેલફોન : 99241 25201 ઈ–મેઈલ : bhanuprasadparikh@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
મિત્રો,
ડો. બી. અે. પરીખનો અભ્યાસ લેખ ખૂબ ગમ્યો. બઘી જ વાતો સાચી છે તેમને અભિનંદન.
પરંતું બિચારો અખો આવી વાતો પોતાના શબ્દોમાં કહી કહીને સ્વર્ગસ્થ થયો છતાં કોને જ્ઞાન આવ્યું ? અેક મુરખને અેવી ટેવ, પત્થર અેટલાં પૂજે દેવ……
જ્યાં સુઘી કહેવાતો ઘર્મ અને તેના નામે ચરી ખાનારાઓ પુરા ના થાય ત્યાં સુઘી ઘેટાઓની સંખ્યા ઓછી નહિ થાય તેની ગેરંટી. અમેરિકામાંની નવી પેઢીને પણ ગળથુથીમાંથી આ બઘુ શીખવવામાં આવે છે.
હાર્દિક અભિનંદન, પરીખ સાહેબને.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ખુબ સરસ લેખ ગોવિંદભાઈ અને પરીખભાઈ આભાર આપણે ત્યાં ગૌરવ લેવા જેવું જો હોય તો પુસ્તકો માંજ છે. રીયલમાં મીથ્યાભીમાન છે. જ્યાં અંધશ્રધ્ધાને સરકારી પ્રોસાહન મળે ત્યાં પ્રજા પાસે વૈજ્ઞાનીક અભીગમ ની આશા રાખવી વ્યર્થ છે.
LikeLiked by 1 person
વાહ, સરળરીતે સમજાવ્યું કે પરંમપરા મા વિજ્ઞાનિકતા નથી એક મિથ્યા પાખંડવાદ રહેલો છે
LikeLiked by 1 person
Covered from every angle – too good – awaiting further
LikeLiked by 1 person
વૈજ્ઞાનિક્તા(વાહીયાતતા)લખાય નહીં. વૈજ્ઞાનિક્તાનુ અર્થઘટન વાહીયાતતા થવાની શક્યતા છે.
વૈજ્ઞાનિક્તા ક્યારેય વાહીયાતતા હોય નહીં. વૈજ્ઞાનિક્તા તો અનેક પ્રયોગોને અંતે સાબિત થયેલું સત્ય હોય.
લોકોની વાહીયાતતા એ માન્યતાઓ છે જેને બચાવ કરવા વૈજ્ઞાનિક્તાના નામે વાઘા પહેરાવવામાં આવે છે.પરંતુ, તર્કશીલ રેશનાલિસ્ટ ક્યારેય નકલી વૈજ્ઞાનિક્તાને માને નહીં.
વૈજ્ઞાનિક્તા(વાહીયાતતા) તો ખોટું જ છે,સુધારવું જોઈએ.લેખકે અને બ્લોગરે બંનેએ ભૂલ કરી છે.
@ રોહિત “કર્મ”
LikeLike