પ્રણાલીને દર મહીને ઓચીંતુ શું થઈ જતું હશે?

કાયમ હસમુખી રહેતી પ્રણાલી ‘પ્રીમેન્સ્ટુઅલ ટેન્શન’ને કારણે અચાનક અકળામણ, ચીડીયાપણું, ગુસ્સો કરવાનું કારણ શું છે? 15થી 40 વર્ષની ઉમ્મર વચ્ચેની 30 ટકાથી 80 ટકા સ્ત્રીઓને ‘માસીક’ આવવા પહેલા શું થાય છે? ક્યારેક તો ગાંડપણની અવસ્થા સુધી દોરી જતા રોગ વીશેની માહીતી, સમજ અને જાણકારી મેળવવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

પ્રણાલીને દર મહીને ઓચીંતુ શું થઈ જતું હશે?

–ડૉ. મુકુલ ચોકસી

કલ્પીત અકળાઈ ગયો. તેને પ્રણાલી પર ગુસ્સો આવી ગયો. તેને લાગ્યું કે આજે ફરી એક વાર તેની અને પ્રણાલી વચ્ચે મોટી લડાઈ થશે. બહુ વીચારવા છતાં તેને સમજાતું ન હતું કે પ્રણાલી આટલી સમજદાર હોવા છતાં કોઈ કોઈ વાર આવું વીચીત્ર વર્તન કેમ કરી બેસે છે!

 ગયા મહીનાની વાત લો! પહેલી તારીખે કલ્પીતની વર્ષગાંઠ હતી. તેઓ બન્ને પ્રેમમાં પડ્યાં ત્યાર પછી પહેલી વારની આ વર્ષગાંઠ હતી. એક મહીના પહેલાથી બન્નેએ એની ઉજવણીનો ભવ્ય પ્રોગ્રામ ઘડી કાઢ્યો હતો. તેમના અંગત વર્તુળના દસેક મીત્રો–બહેનપણીઓ સાથે શહેરથી દુર જઈને મોજમજા કરવાનું પ્લાનીંગ હતું. બધાને કહેવાઈ ગયું હતું. ત્યાં બરાબર બે જ દીવસ પહેલા પ્રણાલીએ ધડાકો કર્યો. ‘મારે પાર્ટીમાં નથી આવવું. તમે તમારે જઈ આવો.’

કલ્પીત તો આ સાંભળીને આભો જ બની ગયો. તે પ્રણાલીને છ–સાત મહીનાથી જાણતો હતો; પણ આવી નાદાન અને ધડમાથા વગરની વાત પ્રણાલીએ આ પહેલા ક્યારેય કરી નહોતી. કલ્પીતે ગુસ્સાને જેમતેમ કાબુમાં રાખીને કહ્યું, ‘જો પ્રણાલી! તું કંઈ સમજ પડે એવી વાત કર. બધાને નીમન્ત્રણ અપાઈ ચુક્યા છે અને–’ પ્રણાલીએ કલ્પીતને વચ્ચેથી અટકાવી દીધો. ‘હું કંઈ જાણું નહીં, મારો મુડ નથી… તમ તમારે જઈ આવજોને! હું ક્યાં નીમન્ત્રણ પાછા ખેંચી લેવાની વાત કરું છું?’ અને આટલું બોલતા તો એને ગળે ડુમો ભરાઈ આવ્યો. પછી, રડતાં રડતાં તેણે કહેવા માંડ્યું, ‘કલ્પીત, આપણો પરીચય થયા પછીની આ પહેલી બર્થ ડે છે. તો એ તો આપણે બન્નેએ એકલા જ ઉજવવી જોઈએ ને! તને એવો વીચાર કેમ નહીં આવ્યો? શું હું તને એટલી પણ નથી ગમતી?

કલ્પીત તે સાંભળીને હેબતાઈ જ ગયો. આમાં ગમવા ન ગમવાની વાત જ ક્યાં આવી? તે પછી તેણે પ્રણાલીને ધીમેથી શાંત પાડી અને સમજાવી–પટાવીને મનાવી લીધી. તેણે વચન આપ્યું કે આવતે મહીને તેઓ બન્ને એકલાં જશે.

પરન્તુ તે જ દીવસે સાંજે પ્રણાલીએ ફરી તકલીફ ઉભી કરી. પ્રણાલી જે ઑફીસમાં સર્વીસ કરતી હતી તેના મેનેજરનો ફોન આવ્યો હતો. તેણે પ્રણાલીને વીનન્તી કરી હતી કે, ઑફીસનો અન્ય સ્ટાફ રજા ઉપર હોવાથી પ્રણાલીએ ઑફીસે થોડા વહેલા પહોંચી જવું; પણ પ્રણાલીએ એને ભયંકર મોટું સ્વરુપ આપી દીધું. તે જેમ ફાવે તેમ બોલવા માંડી, ‘મારા બોસ હરામખોર છે. બધાને એક્સપ્લોઈટ કરે છે. બીજી એક સ્ટેનો કે ટાઈપીસ્ટ રાખી લેતા શું જોર પડે છે? ફાવે ત્યારે ઓવરટાઈમ કરાવવો છે; પણ પૈસા છુટતા નથી.’ દીવસમાં બીજી વાર કલ્પીતે પ્રણાલીનું આવું વીચીત્ર અને તોફાની સ્વરુપ જોયું અને તે મુંઝવણમાં મુકાઈ ગયો.

અને આટલું ઓછું હોય એમ તે દીવસે રાત્રે પ્રણાલીએ ખાવાનું પણ ખાધું નહીં. કારણ? તે કહે, એના ભાઈએ હેરપીન ખોઈ નાખી હતી. બીજે દીવસે પણ આ જ સીલસીલો ચાલુ રહ્યો. પ્રણાલી વાતવાતમાં રડી પડતી. તે ઑફીસે ન ગઈ અને આખો દીવસ ફરીયાદ કરતી રહી કે મારું આખું શરીર કળે છે અને ઉંઘ નથી આવતી. ઘરના સહુને ચીંતા થવાથી તેને ડૉક્ટર પાસે મોકલી. મેલેરીયા છે એમ કહીને ડૉક્ટરે ત્રણ દીવસની દવાનો કોર્સ કરવા આપ્યો. બરાબર ત્રીજે દીવસે તે એકદમ સ્વસ્થ અને સરસ થઈ ગઈ અને ફરી તેના નીત્યક્રમમાં ગોઠવાઈ ગઈ.

આ વાતને હજુ માંડ મહીનો થવા આવ્યો હશે, અને ફરી તેનું વર્તન અચાનક બદલાઈ ગયું. શરીર કળવાની, ભુખ ન લાગવાની, અનીદ્રાની, માથાના દુ:ખાવાની, ઉબકા આવવાની અને પેટમાં કળતર થવાની એની એ જ ફરીયાદો ફરી શરુ થઈ. ફરી તેણે ઑફીસમાં રજા પાડી દીધી. ફરી ડૉક્ટરની મુલાકાત અને ફરી ક્લોરોક્વીનની ગોળીઓ. ડૉક્ટરે કહ્યું કે ઘણી વાર તાવ આવ્યા વગર પણ મેલેરીયા થતો હોય છે. તેઓના કહેવા પ્રમાણે જ્યાં સુધી દર અઠવાડીયે બે ક્લોરોક્વીનની ગોળી લેવાની ટેવ ન પાડશો ત્યાં સુધી આ તકલીફ અવશ્ય રહેવાની અને થયું પણ એવું જ. ફરી ક્લોરોક્વીન લીધા પછી પ્રણાલી ત્રણ જ દીવસમાં સારી થઈ ગઈ અને અઠવાડીયે બબ્બે ગોળીઓ લેવાથી તેના ચારેક અઠવાડીયાઓ ખુબ સારા ગયા. ત્યાર પછીના સોમવારની વાત છે. કલ્પીતના પપ્પા યુ.એસ.એ.થી આવી રહ્યા હતા અને એમને લેવા મુમ્બઈ જવાનું હતું. કલ્પીતે તેના ઘરના સહુને જણાવી દીધું હતું કે તે અને પ્રણાલી બે જ જણા પપ્પાને લેવા જશે. પપ્પાને કઈ રીતે સરપ્રાઈઝ આપવી તે નક્કી કરવામાં તેણે ખાસ્સા એવા દીવસો વીતાવ્યા હતા. પ્રણાલી પણ ખુશખુશાલ હતી. આગલે દીવસે રવીવારે સવારે મુમ્બઈ જવા નીકળવાનું હતું અને રીઝર્વેશન સહીતની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. શનીવારે મોડી રાત્રે તેઓ છુટા પડ્યા ત્યારે કલ્પીતે ગુડનાઈટ કરતી વખતે કહ્યું, ‘તું મારા ડેડીને એક વાર મળ તો ખરી! હું જીનીયસ છું તો તેઓ ડબલ જીનીયસ છે! જો તને ખબર નહીં હોય કે એ મારા ડેડી છે તો તું એમના પ્રેમમાં જ પડી જાય!’ અને બન્ને જણા મુક્ત મને હસી અને છુટા પડ્યાં.

બરાબર દોઢ કલાક પછી કલ્પીતના ફોનની ઘંટડી રણકી. કલ્પીતે આંખો ચોળતા ચોળતા ફોન ઉઠાવ્યો. સામે છેડેથી પ્રણાલીના મમ્મીનો દબાયેલો–ગભરાયેલો અવાજ આવ્યો. ‘કલ્પીત બેટા! તું તાત્કાલીક ઘરે આવી જા ને! ફોન પર વધુ વાત થાય એમ નથી.’ અને કલ્પીત નાઈટ સુટમાં જ સીધો પ્રણાલીને ઘરે પહોંચ્યો.

ઘરમાં સ્મશાનવત શાંતી હતી. પ્રણાલીના રુમના બારણા બન્ધ હતા અને અન્દરથી તેના રડવાનો અવાજ આવતો હતો. તેના ભાઈએ સ્વસ્થતાપુર્વક કહ્યું, ‘મેં પુછ્યું કે આટલી મોડી કેમ આવી અને તે ગુસ્સે થઈ ગઈ. તે ફરી તોફાને ચડી છે અને કહે છે કે કાલે મુમ્બઈ નથી જવાની. તેણે પોતાનું ઘડીયાળ પણ છુટું ફેંક્યું અને તોડી નાખ્યું છે.’

કલ્પીતનું મગજ કામ કરતું બન્ધ થઈ ગયું. રાત્રે દોઢ વાગે તેને બીજું કંઈ જ સુઝતું નહોતું. તેને ખબર હતી કે જ્યારે જ્યારે આવું થાય છે ત્યારે પ્રણાલી સાથે તાત્કાલીક કોઈ વાતચીત શક્ય નથી હોતી. જેમ તેમ મન પર કાબુ મેળવીને તેણે કહ્યું ‘કંઈ નહીં, હાલ પુરતું કોઈ એને ખીજવશો નહીં. હું કાલે પપ્પાને લઈ આવું પછી વાત. ત્યાં સુધી એનું ધ્યાન રાખજો અને ડૉક્ટરને મળી લેજો.’ આટલું કહીને એ ઘરે પાછો ફર્યો; પણ તે મીનીટથી તે છેક મુમ્બઈ એરપોર્ટ પર આઠ વર્ષ પછી ભારત આવેલા પપ્પાને ભેટીને રડ્યો ત્યાં સુધી તેના મનમાં એક વાત ઘુમરાતી હતી. પ્રણાલીને આ વારંવાર શું થાય છે? શું તે એબનોર્મલ છે?

કલ્પીતે તો મજાકમાં જ કહ્યું હતું; પરન્તુ તેના પીતાજી ખરેખર ડબલ જીનીયસ હતા. એરપોર્ટની બહાર નીકળી ટેક્ષીમાં બેઠા ત્યાં સુધીમાં તેમણે જાણી લીધું હતું કે કલ્પીતને એક સુંદર અફેર છે અને કલ્પીત એ અંગે સીરીયસ છે. લંચ પુરું થતાં સુધીમાં તો એમણે કલ્પીત પાસે એય જાણી લીધું કે તેઓ વચ્ચે હાલ અબોલા છે, ઘરમાં લડાઈ છે અને સાંજે મુમ્બઈ છોડતા સુધીમાં તો તેમણે પ્રણાલી વીશે લગભગ બધું જ જાણી લીધું હતું.

‘પણ આવા બેત્રણ દીવસના ટાઈમ પીરીયડ સીવાય પ્રણાલી એકદમ નોર્મલ જ હોય છે એમ તેં કહ્યું, આર યુ શ્યોર? કલ્પીતના પપ્પાએ પુછપુરછ ચાલુ રાખી હતી. ઑફકોર્સ ડેડ! કદાચ મારા કરતાય વધારે નોર્મલ!’ કલ્પીત બોલી ઉઠ્યો.

‘અને આવા અકળામણ, રડારોળ અને ગુસ્સાના હુમલાઓ એને કેટલીકવાર આવ્યા છે?’

‘મારી સાથે ત્રીજી વારનું આવું બન્યું છે ડેડ! અને તે પણ છેલ્લા ત્રણ મહીનાના ગાળામાં જ.’ આટલું બોલતા બોલતા જ કલ્પીતની આખો ભીંજાઈ ગઈ.

મુમ્બઈથી પાછા ફર્યા બાદ સૌ પોતપોતાના કામોમાં ડુબી ગયા. પ્રણાલીએ પોતાના વર્તન બદલ દીલગીરી વ્યક્ત કરી. આથી કલ્પીત પણ એ પ્રસંગોને ભુલી જવા માંડ્યો. પપ્પાને આવ્યાને માંડ સાતેક દીવસ થયા હશે. એવામાં એક સાંજે પપ્પાએ તેને પોતાના રુમમાં બોલાવ્યો.

‘કલ્પીત, બેટા! તને પી.એમ.ટી. વીશે કંઈ ખબર છે?

કલ્પીતે ડોકું ધુણાવ્યું, ‘સોરી ડેડ! પહેલી જ વાર સાંભળું છું, શું છે?

પપ્પાએ નીશ્વાસ નાખ્યો, ‘એનું આખું નામ છે ‘પ્રીમેન્સ્ટ્રુઅલ ટેન્શન’. એટલે કે ‘માસીક’ આવવા પહેલાનો તનાવ. જાણે છે એ શું છે?’ કલ્પીતે ફરી ડોકું ધુણાવ્યું, ‘નથી જાણતો ડેડ! પણ તમે આવું બધું મને શું કામ પુછો છો?’

‘બીકોઝ ધેટ ઈઝ વોટ યોર ગર્લફ્રેન્ડ હેવીંગ, ફોર લાસ્ટ ફ્યુ મન્થસ.’ પપ્પાએ તરત જ પ્રત્યુત્તર વાળ્યો અને કલ્પીતને પહેલી વાર ખ્યાલ આવ્યો કે પપ્પા કંઈક ગમ્ભીરતાપુર્વક કહી રહ્યા છે.

‘જો કલ્પીત! છેલ્લા અઠવાડીયામાં મેં પ્રણાલી સાથે ચારેક વાર માંડીને એના પ્રશ્નો વીશે ચર્ચા કરી છે. દર મહીને માસીક આવવાના બે’ક દીવસ આગળથી તેને જાતજાતની તકલીફો શરુ થઈ જાય છે, જે મેન્સીસ પુરું થયા પછી આપોઆપ મટી જાય છે. તે બધું આનું જ પરીણામ છે. આ એક પ્રકારની બીમારી છે. તે એટલી સામાન્ય છે કે અમેરીકામાં મોટા ભાગની સ્ત્રીઓને આની માહીતી હોય છે.’

કલ્પીતે એકચીત્તે સાંભળ્યા જ કર્યું. ‘તમે આ ક્યાં વાંચ્યું ડેડ? મને અને પ્રણાલીને વંચાવશો? પપ્પાએ હળવા સ્વરે કહ્યું, ‘વાંચવાની વાત પછી, માય સન. આમ રઘવાયો ન થઈ જા. પહેલા કોઈ સાઈકીઆટ્રીસ્ટને કન્સલ્ટ કર અને એમનો અભીપ્રાય લે. આ બીમારીના કારણમાં મોટે ભાગે શરીરના હોર્મોન્સ (અન્ત:સ્ત્રાવો)માં થતા ફેરફારો જવાબદાર હોય છે. માનસીક રોગ નીષ્ણાતો આ રોગને એલ.એલ. પી.ડી.ડી. (લેટ લ્યુટીયલ ફેઝ ડીસ્ફોરીક ડીસઓર્ડર) કહે છે. ગમે તે રીતે તું પ્રણાલીની તકલીફનો ઉપાય કર અને આવતા મહીનાની મેન્સીસની તારીખ આવે એ પહેલા એને સારી કરી દે.’

કલ્પીતથી પુછ્યા વગર રહેવાયું નહીં, ‘એને સારી કરવાની એટલી ઉતાવળ શું છે?’

પપ્પાએ ધીમેથી ઉમેર્યું, ‘અનફોર્ચ્યુનેટલી, મારી બર્થ–ડેને દીવસે જ પ્રણાલીની ડેઈટ આવે છે. જો તે વખતના મારા પ્રોગ્રામમાં એને લીધે કંઈ પણ ડીસ્ટર્બન્સ થશે તો હું તમને પરણવાની રજા નહીં આપું.’ અને તેમના એ શબ્દો સાથે વાતાવરણમાં હળવાશની એક લહેર ફરી વળી.

પ્રીમેન્સ્ટ્રુઅલ ટેન્શન

15થી 40 વર્ષની ઉમ્મર વચ્ચેની 30 ટકાથી 80 ટકા સ્ત્રીઓને થતો આ રોગ શા માટે થાય છે તે હજુ ચોક્કસપણે નક્કી થઈ શક્યું નથી. એવું મનાય છે કે ‘ઈસ્ટ્રોજન’ નામનો હોર્મોન વધવાથી અથવા ‘પ્રોજેસ્ટેરોન’ નામનો હોર્મોન ઘટવાથી આ રોગ થતો હોય છે. અને એટલા માટે જ આ રોગની સારવાર માટે ‘પ્રોજેસ્ટેરોન’ આપવામાં આવે છે. વળી કેટલાક ‘કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ’ પણ આપતા હોય છે. કોઈક એવું પણ માને છે કે શરીરમાં પ્રવાહી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સન્તુલન ખોરવાઈ જવાથી આવું થાય છે. એટલે તેઓ વધુ પેશાબ કરાવનારી ‘ડાઈયુરેટીક્સ’ની ટીકડીઓ આપે છે.

કેટલાક ડૉક્ટરો માને છે કે આ બધી તકલીફો દર્દીની માનસીક તાણયુક્ત અવસ્થાને લીધે થાય છે. આથી ‘સાઈકોટ્રોપીક’ દવાઓનો ઉપયોગ જ કરે છે; પરન્તુ મોટે ભાગના અભ્યાસ, સંશોધનો ઉપરથી એવું જણાયું છે કે આ તમામ દવાઓની અસર તે દવાના રાસાયણીક ગુણધર્મોને કારણે નહીં; પરન્તુ દર્દીની સાજા થવાની ઈચ્છા, તૈયારી, જરુરીયાત તથા ડૉક્ટરની સમજાવટ, અપેક્ષાઓ, કાળજી અને વીશ્વાસપુર્ણ ખાતરી આપનારી વર્તુણુકને કારણે થતી હોય છે. આને ‘પેસીબો ઈફેક્ટ’ કહેવાય છે.

જે હોય તે, ક્યારેક તો ગાંડપણની અવસ્થા સુધી દોરી જતા આ રોગ વીશે સૌથી મહત્ત્વની વાત હોય તો તે કેવળ એક જ છે. આ રોગ વીશેની સાચી માહીતી, સમજ અને જાણકારી.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું  મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395003 ફોન : (0261) 7431449 પાનાં : 176,મુલ્ય :રુપીયા 50/-)માંનો આ બીજો લેખ, પુસ્તકનાં પાન 23થી 27 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ :  govindmaru@gmail.com

5 Comments

  1. માસીકની શરુઆત થવાની હોય તે બહેનો તથા જેમને આવી તકલીફ થતી હોય તેમના માટે ખુબ જ ઉપયોગી માહીતી.
    ડૉ. મુકુલભાઈ અને ગોવીન્દભાઈને હાર્દીક અભીનંદન.

    Liked by 1 person

  2. Having read the beautful and informative article, a question came to my mind. These symptoms are generally known to mothers. Young girls getting puberty are generally advised and guided. Many schools also have classes to educate on this subject.
    Still the article by Dr. MUKUL CHOKSI is welcome.
    Congratulations.
    Amrut Hazari.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s