ઈશ્વર સમ્બન્ધે વીચાર કરવાનું કામ કોણે ઉપાડી લીધું? સમાજને માટે કોણે નીયમો ઘડ્યા? ઠેઠ ઈશ્વરથી માંડીને તે સમાજના સર્વ વીષયો ઉપર કોણે પોતાની સત્તા જમાવી? સમાજને પોતાનો ગુલામ બનાવવા કોણ સમાજનો પ્રભુ થઈ બેઠો? બુદ્ધીજ્ઞાન અને શ્રદ્ધાધર્મ વચ્ચે ક્યારે વીગ્રહ શરુ થયો?
શ્રદ્ધા અને બુદ્ધી
–નરસીંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
માનવસમાજ જેમ જેમ વ્યવસ્થીત થતો ગયો, તેમ તેમ મનુષ્યોના કર્મને અનુસરતા તેમના વર્ગ પડતા ગયા. વર્ગ પડવાની એ વ્યવસ્થાને આર્યો વર્ણવ્યવસ્થા કહેતા. સમાજના વીચારકોને એમણે બ્રાહ્મણ કહ્યા. એ વર્ગે ઈશ્વર સમ્બન્ધે વીચાર કરવાનું કામ ઉપાડી લીધું. આજ સુધી માણસે ઈશ્વરને જે ઘાટ આપેલા, તેને વ્યવસ્થીત કરવાનું કામ એમણે કરવા માંડ્યું. ઈશ્વરને મળેલા આજ સુધીના રુપગુણમાં જ્યાં જ્યાં વીરોધ લાગ્યો, ત્યાં ત્યાં એ વીરોધ ટાળવાનો એમણે પ્રયત્ન કર્યો. અનેક ઈશ્વરની યોજના એમને વીપરીત લાગી ત્યારે ઈશ્વર પાસે કહેવરાવ્યું કે एकोડहम बहुस्याम् । હું એક છું; પણ બહું સ્વરુપે દેખાઉં છું. અને એમ કરીને એકેશ્વરવાદનો પ્રચાર શરુ કર્યો. નીરાકાર ઈશ્વરને મનાવવાનો પ્રયત્ન કર્યો, લોકે તે સ્વીકાર્યો, તોય તેમને સન્તોષ તો ના જ થયો. અને આજે ઘણાય નીરાકાર ઈશ્વરના ભક્તો तेरे चरण में शिष नमावुं ગાઈને સાકાર ઈશ્વરની મુર્તી મનમાં ખડી કર્યા વીના રહી શકતા નથી, તેમ તે કાળે પણ તેવા લોક હતા. તેમના સન્તોષને ખાતર તેમને સાકાર પુજાનાં વીધાન પણ બતાવ્યાં. પરીણામે એક નહીં; પણ અનેક દેવદેવીની પીત્તળની કે પાષાણની મુર્તીઓ પણ ઘડાવા ને ઈશ્વરને નામે પુજાવા લાગી. સર્વવ્યાપક ને સર્વશક્તીમાન ઈશ્વર વીશે ગમે એટલા ઉપદેશ કર્યા છતાં તે અપુર્ણ લાગ્યા; અને જ્યારે જ્યારે તેની હાજરી વીના જગતનું ગાડું અટકી પડતું લાગ્યું, ત્યારે ત્યારે તેને અહીં બોલાવ્યો ને એમ કરીને અવતારવાદ પણ ખડો કરી દીધો. આમ બ્રાહ્મણ વર્ગે સમાજને સન્તોષ આપવા ભુલો કરવા માંડી. અને એમ લે–મેલ કરીને, ઘર–છોડ કરીને, તોડ–જોડ કરીને, ભાંજ–ઘડ કરીને સમાજને જોઈતો ઈશ્વર ઘડી આપ્યો. આમ આદીમાનવે ઈશ્વરને જન્મ આપ્યો. ત્યાર પછીના વીચારકોએ તેને પાળીપોષીને ઉછેર્યો – મોટો કર્યો.
પાછળ જણાવ્યું છે કે ‘ઉંઘતા માણસનું શરીર શબ પેઠે એક ઠેકાણે પડ્યું રહે છે; છતાં દીવસની ભ્રમણાને લીધે સ્વપ્નમાં તે પોતાને દીવસમાં કામકાજમાં દેખે છે. એ આદીમાનવ પણ જાણે નદીપર્વતમાં રખડતો હોય કે શીકાર ખેલતો હોય એમ સ્વપ્નમાં દેખે. આથી એણે કલ્પી લીધું જે આ જડ શરીરમાંથી નીકળી દુર ભ્રમણ કરી શકે એવો મારામાં જીવ છે.’ આમ આદીમાનવે જે જીવને જન્મ આપ્યો, તેને આ વીચારકોએ કંઈ કંઈ રુપગુણ આપીને, પાળીપોષીને ઉછેર્યો – મોટો કર્યો. તેને જીવ, આત્મા કે જીવાત્મા કહ્યો.
શરીર મર્યા પછી પણ આત્મા ત્યાં ફર્યા કરે છે, એમ માન્યા પછી માન્યું કે તે અમર છે. પીતૃ–પુજા–તર્પણ અને શ્રાદ્ધ વગેરેની મનગમતી યોજનાઓ કરી, ભુત આણ્યાં ને તેની કેડે ભુવા પણ આવ્યા. અને આમ ઈશ્વરને મધ્યબીન્દુએ રાખીને ચારે બાજુએ આત્મા, દેવદેવી, ભુતપ્રેત, તેમની પ્રતીમાઓ ને મુર્તીઓ, તેમની પુજા વગેરે અનેક તન્તુઓનું જાળ ગુંથ્યું અને કરોળીયાની પેઠે તેની ઉપર ચોકી રાખવા બ્રાહ્મણવીચારક પોતે ગુરુ થઈને બેઠો.
બેશક એટલું કહેવું જોઈશે કે સમાજના એ વીચારક ગુરુએ સાથે સાથે વીજ્ઞાન સમ્બન્ધે પણ અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ખગોળ, ગણીત વગેરે અનેક શાસ્ત્રો સમ્બન્ધે પણ તેણે અનેક વીચાર અને અનુમાનો કરી શોધો કરી; પણ તેનોય કેટલોક અવળો ઉપયોગ કર્યો. સમાજમાં સર્વજ્ઞ થઈ પોતાનું ગુરુપદ કાયમ રાખવા ખગોળમાંથી તેણે ફલીત જ્યોતીષની કલ્પના કરી ને માનવીનું ભવીષ્ય જાણવાનો ડોળ કર્યો; ગ્રહોમાં જીવારોપણ તો થયું જ હતું, તેમને એણે સારાનરસા ગુણ આરોપ્યા અને માનવીના ભાગ્યવીધાન સાથે તેમનો સમ્બન્ધ જોડ્યો. ગણીતનો ઉપયોગ જ્યોતીષની કુંડલી ગણવામાં કર્યો અને આમ પોતાનું ગુરુપદ દૃઢ કરવાનો પ્રયત્ન કર્યા.
લગ્નમરણ જેવા સામાજીક વીષયો ઉપર પણ તેમણે પોતાની સત્તા જમાવી અને તેમાં પણ આદેશો આપવા માંડ્યા. એવાં સામાજીક કાર્યો સમાજે કેમ કરવાં, એ વીશે નીયમો ઘડ્યા ને સ્મૃતીઓ બનાવી.
આમ ઠેઠ ઈશ્વરથી માંડીને તે સમાજના સર્વ વીષયો ઉપર ગુરુએ પોતાની સત્તા જમાવી, પોતે સમાજનો પ્રભુ થઈ બેઠો અને સમાજને પોતાનો ગુલામ બનાવી દીધો. સમાજને માટે એણે જે નીયમો ઘડ્યા, જે સ્મૃતીઓ રચી તેને એણે ધર્મ કહ્યો. બ્રહ્માણ્ડના જેટલા વીષય એને જડ્યા તે બધાને એણે ધર્મના ક્ષેત્રમાં આણવાના ને તેના ઉપર ચોકી રાખવાના પ્રયત્ન કર્યા.
સમાજનાં બાળકોને શીક્ષણ આપવાનું કાર્ય સ્વાભાવીક રીતે જ આ ગુરુઓના હાથમાં આવી પડ્યું. તેમણે સાચા સાથે ખોટા સંસ્કાર પણ સમાજનાં એ કુમળાં બાળકોના મગજ ઉપર મનમાનતી રીતે નાખવા માંડ્યા. સમાજની ગુલામગીરી આમ એમણે સજ્જડ કરી. બાળકો બહુ બુદ્ધીશાળી ના થાય, વીચારક ના થાય, એટલા માટે તેમનાં મગજની જડતા વધારવા બાઈબલના અમુક સારા દેખાતા ભાગોને બાળકો પાસે ગોખાવી મારવાની આજ્ઞા એક પોપે કરી હતી. શાળાઓમાં રોજ રોજ એક જ રીતે થતી પ્રભુપ્રાર્થના એ એવી આજ્ઞાનું બીજું સ્વરુપ છે.
બધા દેશોની બધી જાતીઓના ધર્મનો આ આછોપાતળો ઈતીહાસ.
આ પ્રકારે કંઈક સુંદર લાગે એવું ધર્મયન્ત્ર તૈયાર થયું. રંગ–રોગાનથી ચકચકીત પણ થયું. કળથી ખેલતા વીલાયતી રમકડા જેવું સુંદર દેખાવા લાગ્યું. એ રમકડું દેખીને બાળક એનો આનન્દ લે, એની સાથે ખેલે ને કુદાકુદ કરે. એને તો એમાં કશુંય અજુગતું ના લાગે; પણ જુવાનીમાં આવેલો માણસ તે કંઈ એની સાથે ખેલે? એ તો એની બનાવટ જોઈને આશ્ચર્ય પામે, એના કારીગરની તારીફ કરે, બહુ તો બાળકને એ રમકડા સાથે ખેલતો જોઈ મોં મલકાવે! બાકી કંઈ ગમ્ભીરતાથી એની સાથે એ રમવા તો ઓછો જ બેસવાનો હતો?
જગતનો માનવી ધીરે ધીરે હવે મોટો થતો જતો હતો, બુદ્ધી–ક્ષેત્રમાં ધીરે ધીરે વધ્યે જ જતો હતો. તેને આ ધર્મવીચારમાં સર્વ રીતે કેમ સન્તોષ થાય? બાળકને તો પોતાના ખેલમાં અજુગતું કશું ન લાગે; પણ ઉમ્મરમાં આવેલા માણસને શંકા થયા વીના કેમ રહે? એને શંકા થવા લાગી કે ગુરુ જે આ બધું કહે છે તે શું ખરું હશે? એ જે કંઈ કહે છે એ બધુંય માત્ર શ્રદ્ધાથી તો કેમ જ માની લેવાય? એ વીષયોમાં શું બુદ્ધી ચલાવવાનો આપણો અધીકાર જ નહીં?
અને આ નવીન વીચારકની વાત સાવ સાચી હતી. શંકા એ તો સર્વે દર્શનશાસ્ત્રની માતા છે, શંકા થઈ એટલે જાણો કે દર્શનશાસ્ત્રનાં દ્વાર ઉઘડ્યાં. બાકી નરી શ્રદ્ધા એ તો જડતા છે. જેમ નર્યો વીનય–અતીવીનય ભીરુતા છે એમ. બુદ્ધીનાં દ્વાર જ્યાં બન્ધ થાય છે, ત્યાંથી જ શ્રદ્ધાના એટલે જડતાના અન્ધારા ખંડમાં માણસ પગલાં ભરવા માંડે છે. અન્ધારામાં સર્વ પ્રકારના ભય છે. અજાણ્યા પાણીમાં માત્ર શ્રદ્ધાથી તો કોઈ પગ ન મુકે. જે પ્રજા નરી શ્રદ્ધા રાખીને પોતાના બુદ્ધીક્ષેત્રનો પ્રદેશ ધર્મગુરુને, સમાજગુરુને અને રાજગુરુને સોંપી સંધ્યાકાળે નીરાંતે સુએ છે, તે સવારમાં કદી જાગતી જ નથી કે જાગે છે તો પોતાને મરણપથારીએ સુતેલી જુએ છે. માટે જેને જેને ઉન્નતીની અપેક્ષા છે તે તે સૌએ બુદ્ધી ચલાવવી જ જોઈશે. ભયંકર દેખાતી પણ બુદ્ધી – પ્રચંડ બુદ્ધી – ચલાવવી જ જોઈશે. હીતને કારણે ભલે તમારું આખું શરીર પાણીમાં ડુબ્યું રહે; પણ માથું તો પાણી ઉપર તારવવું જ જોઈશે, જો તમારે જીવવું હશે તો ભલે તમારો આખો વ્યવહાર સમાજમાં રહે; પણ બુદ્ધી તો સમાજ ઉપર તારવવી જ જોઈશે, જો તમારે જીવવું હશે તો નીરંકુશ, અનીરુદ્ધ બુદ્ધી ચલાવવી જોઈશે. સમાજ તમને બંડખોર કહેશે; પણ સમાજને એ બંડખોરોએ જ ધકેલીને આગળ ખસેડ્યો છે, એ વાતની સાખ જગતનો ઈતીહાસ પુરશે.
આપણા દેશમાં ઈ.સ. પુર્વે છઠ્ઠા–સાતમાં સૈકામાં એવા બંડખોરનો જુગ આવ્યો હતો. પ્રચલીત બ્રાહ્મણધર્મનાં જાળ સામે બુદ્ધ, મહાવીર, બૃહસ્પતી, ચાર્વાક, આજીવક, ગોશાલ વગેરેએ શંકા ઉઠાવીને એ જાળ તોડવા બંડ ઉઠાવ્યાં હતાં. કોન્ફુશીઅસ અને ટોઓએ ચીનમાં બંડ ઉઠાવ્યાં હતાં. ઈ.સ. પન્દરમા–સોળમા–સત્તરમા સૈકામાં વળી એવો જુગ આવ્યો હતો. યુરોપમાં લ્યુથર (Luther). ત્સ્વીંગ્લી (Zwingli) વગેરેએ અને આપણા દેશમાં કબીર, નાનક વગેરેએ પ્રચલીત ધર્મ સામે બંડ ઉઠાવ્યાં હતાં. યુરોપમાં તો સાથે જ વીજ્ઞાનવાદીઓએ પણ બંડ ઉઠાવ્યાં. અને આ સૈકામાં તો આખા જગત ઉપર બંડ થઈ રહ્યાં છે શું ધર્મ સામે, શું સમાજ સામે કે શું રાજ્ય સામે. આજે તો ક્રાન્તીયુગ બેસી ચુક્યો છે.
ત્યારે શંકાના આયુધ લઈને જ્ઞાને શ્રદ્ધાધર્મના પ્રદેશોને ધેર્યા, કહી દીધું કે નાણી (ज्ञा = જાણવું, નાણવું) જોયા વીના કોઈ પણ પ્રદેશ ઉપર તારો અધીકાર સ્વીકારીશું નહીં. આમ બુદ્ધીજ્ઞાન અને શ્રદ્ધાધર્મ વચ્ચે વીગ્રહ શરુ થયો. ડ્રેપરે (Draper) લખેલું ‘ધર્મ અને વીજ્ઞાન વચ્ચેનો વીગ્રહ’ (Conflict between Religion and Science) નામે રસીક પુસ્તક વાંચવાથી આ હકીકતની સાચી સ્થીતી સમજાશે. બે રાજ્યોને પોતાના સીમાપ્રદેશ સમ્બન્ધે તકરાર થાય છે, તેવી તકરાર બુદ્ધીજ્ઞાન અને શ્રદ્ધાધર્મ વચ્ચે, વીદ્યાપ્રકાશને લીધે પ્રકટ થયેલાં શંકાનાં આયુધને બળે, જાગી છે. અમુક પ્રદેશ મારો જ છે, ત્યાં તને ન્યાય કરવાનો અધીકાર છે જ નહીં એમ હઠીલાઈ કરીને ધર્મ પોકાર કરે; બુદ્ધી શંકા ઉઠાવી જ્ઞાનને બળે ધર્મ ઉપર વીજય મેળવે, મહાબળથી તેને ત્યાંથી હડસેલીને જરા દુર કરે ને તે પ્રદેશ ઉપર પોતાનો અધીકાર સ્થાપે. આમ કરતા કરતા બુદ્ધીજ્ઞાન આજે શ્રદ્ધાધર્મને એક સાંકડા પ્રદેશમાં લાવી મુકીને પોતે વીશાળ પ્રદેશમાં પોતાનું રાજ્ય ચલાવે છે. દીલ્લીની મોગલાઈ જ્યારે ભાગવા લાગી, ત્યારે બીજા નાના ગણાતા રાજાઓ, સમ્રાટ ગણાતા મોગલના આસપાસના સર્વ પ્રદેશોને દબાવી બેઠા; મોગલ બાદશાહ પાસે તો પાટનગર દીલ્લી અને આસપાસનો સાંકડો જ પ્રદેશ રહ્યો. આજે ધર્મની પણ એવી જ દશા થઈ પડી છે. ઈશ્વર, આત્મા, પુણ્ય–પાપ, સ્વર્ગ–નરક વગેરે થોડા જ પ્રદેશો તેની પાસે રહ્યા છે, બાકી સમસ્ત વીશ્વની વૈજ્ઞાનીક ઘટનાના સમસ્ત વીષય બુદ્ધીજ્ઞાને પડાવી લીધા છે. ગ્રહણ કયાં કારણોથી થાય છે. ભુગર્ભમાનાં અમુક પડ ક્યારે, કયે ક્રમે અને કયાં કારણોએ બન્ધાયેલાં, જ્વાળામુખી શાથી ફાટે છે અને ધરતીકમ્પ શાથી થાય છે, એ પ્રશ્નના ઉત્તરો આપવાનો અધીકાર હવે ધર્મને નથી રહ્યો.
ધર્મ એ પ્રદેશોમાંથી અધીકારભ્રષ્ટ થયો છે એ ખરું; પણ પાટનગર હજી એના પ્રદેશમાં છે. મોગલ બાદશાહ બીજા પ્રદેશોમાંથી પદભ્રષ્ટ થયેલા ખરા; પણ પાટનગર દીલ્લી એના હાથમાં હતું, એમ ધર્મ પણ પાટનગર ઈશ્વરને પકડી રહ્યો છે. અને એ તથા એની આસપાસના પ્રદેશમાં પોતાનો અધીકાર ચલાવી રહ્યો છે. ઈશ્વર કેવો છે, આત્માનું સ્વરુપ શું છે, પાપ અને પુણ્ય કોને કહેવાય, સ્વર્ગમાં ઈન્દ્ર કેવા આસને બેસે છે અને નરકમાં પાપીઓ માટે કેવા અગ્નીકુંડો છે, એવા એવા એ પ્રદેશોના પ્રશ્નો ઉપર એ હજીયે બેધડક ચુકાદા આપ્યે જાય છે; પરન્તુ બુદ્ધીજ્ઞાન પણ એવું સર્વગ્રાહી છે કે પોતે કબજે કરેલા પ્રદેશમાં એકવાર સ્થીર થતાં જ શ્રદ્ધાધર્મનો બીજો પ્રદેશ દબાવવા નીરન્તર પ્રયત્ન કર્યે જ જાય છે. વીસમી સદીની શરુઆતમાં તેના પાટનગર – ઈશ્વરપ્રેદશ – ઉપર હુમલો કરવાનો આરમ્ભ થઈ ચુક્યો છે.
નાનું બાળક ‘ઘરઘર’ રમે ત્યારે જે સૃષ્ટી એ રચે, એમાં એને તો કશી ખોડખાંપણ ના લાગે, બધું વ્યવસ્થાપુર્ણ લાગે. શ્રદ્ધાધર્મને આ વીશ્વ બધું વ્યવસ્થાપુર્વક લાગે છે; પણ ત્યારે બુદ્ધીજ્ઞાન શ્રદ્ધાધર્મને પ્રશ્ન પુછી હાકોટે છે કે ‘ભલા, એ પ્રદેશ તારો જ હોય તો સાબીતી બતાવ. તું બતાવે છે એવો ઈશ્વર દયાળુ હોય અને તેની આ રચના યોજનાપુર્વક હોય તો જ્વાળામુખી, ધરતીકમ્પ, દુષ્કાળ વગેરે ઉત્પાતથી લક્ષાવધી માનવીઓનો ઘાણ કેમ કાઢી નાખે છે? હીંસક પ્રાણી કઈ યોજનાએ સર્જ્યાં છે? તું કહેશે કે ઈશ્વર એ રીતે માણસોને તેમના પાપની સજા આપે છે; પણ વળી તું કહે છે તે પ્રમાણે તારો ઈશ્વર તો સર્વશક્તીમાન છે, ત્યારે એણે જગતમાં પાપ પેદા જ કર્યું શું કરવા? અને પેદા કરવાની એક વાર ભુલ કરી તો પછી પોતાની સર્વશક્તી વડે એનો નાશ કેમ નથી કરતો? તું કહેશે કે માણસને સીધે રસ્તે ચલાવવા પાપપુણ્યની ચાબુક એણે રાખી છે, ત્યારે પ્રશ્ન થાય છે કે એમ માણસને દુ:ખી કરીને સીધે રસ્તે ચલાવવા કરતાં બીજી કોઈ સાદી કરામત તારા એ દયાળુ સર્વશક્તીમાન ઈશ્વરને જડી જ નહીં? ઠીક, હવે બીજો પ્રશ્ન : પ્રકૃતીના નીયમે તો વીશ્વમાં કશી ગરબડ નથી; પણ તારા ઈશ્વરે બહુ બુદ્ધીથી આ જગતની યોજના કરી હોય, તો બોલ જોઈએ શાહમૃગને ને કુકડાને પાંખો શા માટે બનાવી? તેનાથી બહું ઉડી તો શકાતું નથી! પુરુષને સ્તન આપ્યાં. તેમાં કંઈ ધાવણની યોજના તો છે નહીં, ત્યારે એમાં કંઈ શોભાની યોજના છે કે બીજી કંઈ યોજના છે? કુતરાંનો સમ્ભોગવીધી આટલો વીચીત્ર અને વીષમ યોજવામાં શી યોજના હતી? અજાણતાં કોઈ પડે તે મરે, જાણી જોઈને દારુ પીને પડે ને ઘડી પછી ઉભો થાય, એમાં તારા ઈશ્વરની શી દયા–યોજના છે? અને છેવટે પ્રશ્નોનો પ્રશ્ન : ‘તારો ઈશ્વર સર્વશક્તીમાન હોય તો બીજો ઈશ્વર – પોતાના જ જેવો બીજો ઈશ્વર – સર્જી શકે? અથવા પોતાનો નાશ કરી શકે? અથવા તો એ રીતે પીલીને તેલ કે પાણી વલોવીને માખણ કાઢી શકે?’ આ અને આવા પ્રશ્નો સાંભળીને શ્રદ્ધાધર્મ દીગ્મુઢ બની જાય છે અને તો પણ પોતાનાં હથીયાર મુકી દેતો નથી, પોતાની હઠ છોડતો નથી, પોતાના પ્રદેશને બાથ ભીડીને – મડાગાંઠ પાડીને – બેસી જાય છે!
શ્રદ્ધાધર્મ પોતાની હઠ છોડે કે નહીં તેની દરકાર બુદ્ધીજ્ઞાને ક્યારે કરી છે? તે તો પોતાના હક સાબીત કર્યે જ જાય છે, એ તો એમ જ માને છે કે ઈશ્વર અને આત્મા જેવા વીષય પણ પોતાના જ પ્રદેશના છે અને તેમને બુદ્ધીની કસોટીએ ચઢાવી તેમને નાણી જોવાનો અધીકાર પણ પોતાનો જ છે. ત્યારે હવે આપણે જોવું જોઈએ કે આ બધા વીષયોમાં બુદ્ધીજ્ઞાન કેવા ખુલાસા આપે છે.
[નરસીંહભાઈએ છેક 1932માં ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક લખેલું, જેનુ પુન:પ્રકાશન 1988માં થયું હતું. એ પુસ્તકનો અધ્યાય : 4 ઉપર રજુ કર્યો છે. આખું પુસ્તક રસપ્રદ છે; પરન્તુ તે અપ્રાપ્ય છે. હૃદયસ્થ રમણ પાઠક (વાચસ્પતી)એ નરસીંહભાઈને ‘બર્ટ્રાન્ડ રસેલના બરોબરીયા’ તરીકે ઓળખાવ્યા છે.]
–નરસીંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 7મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
Khub saras lekh Govindbhai ane Narsinhbhai aabhar.
ISHVAR NO INKAR PUSTAK MELAVAVA no prayas karvo joiye ane maltu hoi to mahiti email 📧 karva maherbani karjo.
LikeLiked by 1 person
ક્ષમા કરજો… ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક અપ્રાપ્ય છે.
LikeLike
Navsari library ma che ….
I have read it…. awesome book…. 1932 ma aava vicharo…. jabardast buddhishakti na dhani j aavu lakhi shake
LikeLiked by 1 person
I have some reservations.
Didn’t enjoy.
Amrut Hazari.
LikeLike
All writers’ articles are really full of awareness. ‘બુદ્ધિ અને શ્રદ્ધા’ અને ‘વિજ્ઞાન અને ધર્મ’ નું ચિંતન are really an amazing .
LikeLiked by 1 person