સોવીયેત રશીયા, ચીન કે અન્ય સામ્યવાદી દેશોમાં કોઈ બાબાઓ કે ઓલીયા કેમ પેદા થતા નથી? કોઈ ચમત્કારી પુરુષ, ઓલીયા, ફકીર, મર્હીષ કે માતાજીની સહાય વીના ત્યાંના કરોડો માણસો કઈ રીતે જીવી શકતા હશે? શું ધર્મ સાથે, માનવીના ઉત્કર્ષ સાથે કે ઉદ્ધાર સાથે ચમત્કારોને કોઈ ખાસ સમ્બન્ધ છે?
માનવીની ચમત્કાર–ઘેલછા
–મોહમ્મદ માંકડ
આપણે ત્યાં કહેવત છે, ચમત્કાર વીના નમસ્કાર નહીં. એને જરા જુદી રીતે જોઈએ તો એનો એક અર્થ એવો થાય કે માણસ ચમત્કારને નમસ્કાર કરવા તૈયાર થઈ જાય છે. માણસની આવી વૃત્તીએ જ એની વૈજ્ઞાનીક દૃષ્ટીને છાવરી દીધી છે. ચમત્કારને નમસ્કાર કરવાની માણસની વૃત્તીને કારણે જ અનેક ધુતારાઓ ફાલ્યાફુલ્યા છે અને એ આખુંયે ક્ષેત્ર અન્ધાધુંધીના અન્ધકારથી છવાઈ ગયું છે. વર્તમાનપત્રોમાં અને હવે તો ટીવી ઉપર પણ ચમત્કારોના સમાચારો અવારનવાર ચમકતા રહે છે. કયા સાધુ કે ફકીર પાસે કેવી ચમત્કારીક શક્તી છે, કેવા અસાધ્ય રોગોના દર્દીઓને એમણે સાજા કર્યા. કેન્સર, એઈડ્ઝ જેવા રોગીઓને એમણે સાજા કર્યા એની વાત આવે છે. માત્ર મન્ત્રેલું પાણી પાઈને કે કશીક ભસ્મ આપીને રોગીને નીરોગી, દૃષ્ટીહીનને દૃષ્ટીસમ્પન્ન અને પંગુને દોડતા કર્યાની વાતો છપાય છે. કેવા ચમત્કારો કેવી ચમત્કારી શક્તીઓથી કે ચમત્કારી ચીજોથી થાય છે, એના સમાચારો ચમકે છે. તો બીજી તરફ એ જ સાધુ, ફકીર, સ્વામી, ઓલીયા, સન્ત કે મહન્તની રંગરેલીયાની વાતો પણ બહાર આવે છે. સેક્સ કૌભાંડોના ફોટાઓ પ્રગટ થાય છે અને હવે તો સીડીમાં અને મોબાઈલ ફોનમાં પણ તમે એ જોઈ શકો છો અને આવું કાંઈ હમણાં જ બને છે, એવું નથી, વર્ષોથી આવું બને છે; પરન્તુ આવા કૌભાંડી લોકોના શ્રદ્ધાળુઓમાં કોઈ ઓટ આવી નથી, કદાચ આવવાની પણ નથી!
થોડાં વર્ષો પહેલાં, જ્યારે રશીયા સામ્યવાદી હતું ત્યારે મારા એક ચુસ્ત સામ્યવાદી મીત્રે મને પ્રશ્ન કર્યો હતો કે સોવીયેત રશીયા, ચીન કે અન્ય સામ્યવાદી દેશોમાં કોઈ બાબાઓ કે ઓલીયા કેમ પેદા થતા નથી? કોઈ ચમત્કારી પુરુષ, ઓલીયા, ફકીર, મર્હીષ કે માતાજીની સહાય વીના ત્યાંના કરોડો માણસો કઈ રીતે જીવી શકતા હશે?
આનો અર્થ એ નથી કે ત્યાં ચમત્કારી લાગે એવા કોઈ બનાવો બનતા જ નથી અથવા તો વીશીષ્ટ શક્તી ધરાવતાં સ્ત્રી–પુરુષો જન્મતાં જ નથી. રશીયામાં એવું ઘણું બને છે, અગમ્ય શક્તી ધરાવતી વ્યક્તીઓ પણ હોય છે; પરન્તુ ત્યાં એનું વૈજ્ઞાનીક સંશોધન કરવામાં આવે છે. કોઈ વ્યક્તીને આપણે ત્રણ કે ચાર હાથ જોઈએ તો તરત જ આપણું મસ્તક નમી પડે છે; પરન્તુ કોઈ વ્યક્તીના હાથમાં કે પગમાં સાત આંગળીઓ જોઈએ તો નમી પડવાની કોઈ લાગણી આપણને થતી નથી. તાત્ત્વીક રીતે બન્ને બાબતો સરખી જ છે. કોઈને બેથી વધુ હાથ હોતા નથી; પણ ધારો કે હોય તો પણ નમી પડવા જેવું એમાં શું હોય છે? જે રીતે હાથ કે પગમાં આંગળીઓ વધારે હોઈ શકે છે એ જ રીતે હાથ પણ ઓછા કે વધારે હોઈ શકે છે. આવી વૈજ્ઞાનીક દૃષ્ટી આપણે ત્યાં વીકસી નથી. દુનીયાના બીજા દેશોમાં પણ માણસો ચમત્કારો પાછળ ઘેલા થઈ જાય છે; પરન્તુ તેમની આસપાસ જે હજારો ચમત્કારો બનતા હોય છે, તે જોવાની દૃષ્ટી તેમનામાં હોતી નથી. માણસની પોતાની ઉત્પત્તી, એનું મગજ, એની વીચારવાની શક્તી, વાચા, એના શરીરની રચના અને શરીરની પ્રક્રીયાઓ અનેક ચમત્કારોથી ભરપુર છે.
ધર્મ સાથે, માનવીના ઉત્કર્ષ સાથે કે ઉદ્ધાર સાથે ચમત્કારોને ખાસ સમ્બન્ધ હોતો નથી. આપણે સામાન્યજનોએ એ બધું ભેળસેળ કરીને અન્ધાધુંધી સર્જી છે. એક સાધુની પ્રખ્યાત વાત આ બાબતમાં યાદ રાખવા જેવી છે.
નદી પાર ઉતરવા માટે હોડીની રાહ જોઈને ઉભેલા એક સાધુ પાસે એક યોગીએ આવીને કહ્યું, “ચાલો, પાણી પર ચાલીને સામે પાર પહોંચી જઈએ. હું તો પાણી પર ચાલીને સામા કાંઠે જઈ શકું છું” અને પેલા સાધુપુરુષને આશ્ચર્ય પમાડવા માટે તરત જ પાણી પર ચાલીને તે સામા કાંઠે પહોંચ્યા. યોગીએ ગર્વથી કહ્યું, “આ સીદ્ધી પાછળ મેં બાર વર્ષ ગાળ્યાં છે!”
સાધુએ હસતાં હસતાં કહ્યું, “તમારી સીદ્ધીની કીમ્મત એક પૈસો ગણાય; કારણ કે હોડીવાળો એક પૈસામાં નદી પાર કરાવે છે!” (કેટલાક કહે છે કે આ બનાવ સ્વામી વીવેકાનંદના જીવનમાં બનેલો.)
ચમત્કાર હોઈ શકે છે; પરન્તુ જેને તેનો લોભ નથી તેના માટે તેની કીંમત શી?
ચમત્કારો સાથે જો આપણે ધર્મને ન જોડીએ, આપણા લોભને ન જોડીએ, આપણા પુર્વગ્રહોને ન સાંકળીએ તો જ્ઞાનના એક અંગ તરીકે તેનો અભ્યાસ આપણા માટે અતીશય આકર્ષક બની રહે. જગતના સાધુપુરુષોએ, મહાપુરુષોએ, ઉત્તમ પુરુષોએ હમ્મેશાં એવો જ અભીગમ રાખ્યો છે. એમના પોતાના દ્વારા બનેલી કોઈક ચમત્કારીક ઘટના માટે પણ એમણે એવો અભીગમ દાખવ્યો છે.
હકીકતે જ્ઞાનનો એક ઝબકાર એક ચમત્કાર હોય છે. કોઈક અદભુત કાવ્ય, અદભુત કથા કે અદભુત ચીત્ર ખુદ એના સર્જક માટે પણ એક ચમત્કાર હોય છે. વીજ્ઞાનની એવી અનેક શોધો ખુદ એના શોધકો માટે પણ ચમત્કાર હોય છે અને એ વાત વીજ્ઞાનીઓએ પોતે સ્વીકારી છે.
વેદના ઋષીઓ દ્રષ્ટા ગણાય છે, એટલે કે વેદની વાણી એમણે માત્ર સાંભળી નહોતી, કોઈક જુદી જ પ્રક્રીયા એમાં સંકળાયેલી હતી. કોઈ પણ ચમત્કાર લાગતી ઘટના વીશે આપણે સાંભળીએ ત્યારે કાં તો તેમાં આપણને કોઈ ફરેબની ગંધ આવે છે અથવા તો તરત જ તે વાતને ચમત્કાર માની લઈએ છીએ. ખરેખર તો આપણે આપણી આંખોથી જે રીતે જોઈ શકીએ છીએ તે પણ એક ચમત્કાર જ છે– કદાચ ઘણા ચમત્કારો તેની સાથે સંકળાયેલા છે. આપણે જાણીએ છીએ કે બહારની વસ્તુનું પ્રતીબીમ્બ આપણી આંખોમાં ઉંધું પડે છે, તેમ છતાં આપણને વસ્તુ સીધી કેમ દેખાય છે? ઘણા વીજ્ઞાનીઓ કહે છે કે આપણા જ્ઞાનતંતુઓ ઉત્તેજીત થઈને મગજને ઉંધો સંદેશો આપે છે; પરન્તુ શા માટે જ્ઞાનતંતુઓ ઉત્તેજીત થઈ જાય છે? શા માટે ઓછા ઉત્તેજીત થઈ જતા નથી? શા માટે આપણને આડી–ટેડી કે ઝાંખીપાંખી વસ્તુ દેખાતી નથી?
એ જ રીતે દરેક પ્રાણીની જોવાની શક્તી પણ અલગઅલગ હોય છે. કેટલાંક પ્રાણીઓને વસ્તુ વધારે લાંબી લાગે છે. કેટલાંકને માત્ર સફેદ અને કાળો બે જ રંગ દેખાય છે. કુતરાંને બધું બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે. તો ખરેખર સાચું શું હશે– પ્રાણીને દેખાય તે કે આપણને દેખાય તે? અને આપણે પણ અમુક રંગો જ જોઈ શકીએ છીએ. અલ્ટ્રાવાયોલેટ કે અલ્ટ્રારેડ કલર્સ આપણે જોઈ શકતા નથી, જ્યારે કેટલાક જીવો તે જોઈ શકે છે. એ જ રીતે આપણે જે અવાજ સાંભળી શકતા નથી એ બીજાં પ્રાણીઓ સાંભળી શકે છે. સાપ જગતને જાણવા માટે જીભને વારંવાર બહાર કાઢે છે. એ રીતે એ સાંભળે છે અને અનુભવે છે. એ જ રીતે કેટલાંક પ્રાણીઓ એમની ચામડીથી જ બાહ્ય જગતની સંવેદનાઓ અનુભવી શકે છે. કેટલાંક જીવો અન્ધ હોવા છતાં એમનો બચાવ બરાબર કરી શકે છે. આવું તો આ જગતમાં ઘણું છે. સમગ્ર પ્રાણી–જગત, પક્ષી, જળચર અને કીટકોનું જગત અગણીત અજાયબીઓથી ભરેલું છે. એક કીડી, કંસારી કે વંદાના જીવનનો અભ્યાસ કરવા માટે માણસની સો વર્ષની જીન્દગી પણ ઓછી પડે છે.
આમ ન સમજી શકાય એવું, ચમત્કારથી ભરપુર જગત તો આપણી આસપાસ જ છે. ધરતી જેમ સપાટ નથી તેમ માનવજાતની બુદ્ધી અને શક્તી પણ પુરાણકાળથી એકસરખી, સપાટ રહી નથી. ધરતી ઉપરના પર્વતોનાં નાનાં મોટાં શીખરોની જેમ દરેક કાળમાં સામાન્ય સપાટીથી ઉંચે ગયેલા માનવીઓ જોવા મળે છે. એમની શક્તીઓ એમના સમય કરતાં સેંકડો વર્ષ આગળ નીકળી ગઈ હોય છે. સોક્રેટીસ, કોપરનીક્સ, ગેલેલીયો, લીયોનાર્દો દ વીન્ચી એવી વ્યક્તીઓ છે એમ આપણે કહી શકીએ. ફ્રોઈડ, એડલર, મેસ્મર વગેરે પણ વીશીષ્ટ છે. આપણા સમયમાં આઈન્સ્ટાઈન એવી વ્યક્તી ગણાય. આવી વ્યક્તીઓ લગભગ દરેક સમયમાં અનેક ક્ષેત્રોમાં હોય છે. નામો ગણાવતાં થાકી જઈએ એટલી લાંબી એની યાદી થાય. એ લોકો સામાન્ય માનવસમુદાયનાં શીખરો ગણાય. સામાન્ય માનવી જ્યાં અમુક સમય પછી પહોંચવાનો હોય ત્યાં તેઓ વર્ષો પહેલાં પહોંચી ગયા હોય અને એટલે કેટલીક વાર સામાન્ય લોકો તેમનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરે છે અથવા તો તેમને નમસ્કાર કરે છે. આવું જ બનતું આવ્યું છે અને અત્યારે પણ આવું જ બને છે. સામાન્ય માનવસમુદાયથી વીશીષ્ટ અથવા તો તેમને ન સમજાય તેવું કશુંક બને છે ત્યારે તેની તરફ એ રીતે જ વર્તે છે. કોઈ વ્યક્તી આપણા સમયથી આગળ અથવા આપણા કરતાં વધારે કે વીશીષ્ટ શક્તીશાળી હોઈ શકે, એવી સાદી વૈજ્ઞાનીક વાત આપણે સ્વીકારતા નથી અને આપણા માટે ચમત્કારી લાગે એવી ઘટના કે શક્તી તરફ એ રીતે આપણે જોતા નથી. જો એ દૃષ્ટીથી જોઈએ તો ચમત્કારો સામે આપણે માથું ન નમાવીએ. સવાલ કોઈ સાધુ, ફકીર, સ્વામી કે ઓલીયાના ચમત્કારો સામે નમવાનો કે નહીં નમવાનો નથી, સવાલ માણસની સામાન્ય સમજ વીકસાવવાનો છે. જો માણસમાં એની સમજ હશે તો તે ખોટા માણસો સામે માથું નહીં નમાવે અને એવા સમજદાર લોકોની સંખ્યામાં જેટલો વધારો થશે એટલો ઘટાડો પેલા ચમત્કારો કરીને જીવન જીવનારાઓમાં થશે.
–મોહમ્મદ માંકડ
‘સંદેશ’ દૈનીકમાં વર્ષોથી પ્રગટ થતી એમની (તા. 13 જુલાઈ, 2014ની) લોકપ્રીય કટાર ‘કેલીડોસ્કોપ’માંથી.. લેખકશ્રીના અને ‘સંદેશ’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. મોહમ્મદ માંકડ, 153-B, સેક્ટર – 20, રાજભવન સામે, ગાંધીનગર – 382 020
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
સોવીયેત રશીયા, ચીન કે અન્ય સામ્યવાદી દેશોમાં કોઈ બાબાઓ કે ઓલીયા કેમ પેદા થતા નથી?
–મોહમ્મદ માંકડ
અહીં એક બીજો પ્રશ્ન પણ ઉત્પન્ન થાય છે કે અરબ દેશો માં કોઈ બાબાઓ કેમ પેદા થતા નથી કે અસ્તિત્વ ધરાવતા નથી? આનો ઉત્તર એ છે કે અરબ દેશો માં પણ બાબાઓ છે પરંતુ ત્યાં ના સખત કાયદાઓ હેઠળ આ ઢોંગી બાબાઓ તયાં પોતાના કાળા કૃત્યો જાહેર માં નથી કરી શકતા. તેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે અહીં કેનેડા ના ઉર્દુ ના અખબારો માં દુબઈ તથા સઉદી અરબ ના બે બાબાઓ ની જાહેરાત મેં જોયેલ છે. અરબ દેશો માં બેઠેલા આ ઢોંગી બાબાઓ ઉત્તર અમેરિકા ના અખબારો માં જાહેરાત છપાવી ને પોતાનો ધંધો કરે છે.
LikeLiked by 1 person
Great ideas and beautiful presentation. Congratulations !
“સવાલ કોઈ — — ચમત્કારો સામે નમવાનો કે નહીં નમવાનો નથી; સવાલ માણસની સામાન્ય સમજ વીકસાવવાનો છે.
જો માણસમાં એની સમજ હશે તો તે ખોટા માણસો સામે માથું નહીં નમાવે.”
સવાલ Scientific Mindset વીકસાવવાનો છે. —
Subodh Shah — USA.
LikeLiked by 1 person
best of mohmad mankad ji :” સવાલ કોઈ સાધુ, ફકીર, સ્વામી કે ઓલીયાના ચમત્કારો સામે નમવાનો કે નહીં નમવાનો નથી, સવાલ માણસની સામાન્ય સમજ વીકસાવવાનો છે. જો માણસમાં એની સમજ હશે તો તે ખોટા માણસો સામે માથું નહીં નમાવે અને એવા સમજદાર લોકોની સંખ્યામાં જેટલો વધારો થશે એટલો ઘટાડો પેલા ચમત્કારો કરીને જીવન જીવનારાઓમાં થશે.”
LikeLiked by 1 person
Vyakti potani lobh ane lalach ma chetray Che. Badhaj sadhu Santo ne ek j najare jova kyani samajdari Che…. fraud to saga Bhai Bhai sathe pan kare Che to Su smajaya vi charya vagar aeni sathe sabandh todi nakhaco?
LikeLike