અવીવેકબુદ્ધીપણાનું અર્થશાસ્ત્ર

‘અકથીત રોગ’ સમગ્રપણે અવૈજ્ઞાનીકતા પર ઉભેલો છે? સમાજના બહુસંખ્ય લોકો અવૈજ્ઞાનીકતાના આશીક કેમ બને છે? શું તેઓ અવૈજ્ઞાનીકતાને કારણે તબીબોને ખોટા અને ભગત–પીરને સાચા માને છે? ‘અકથીત રોગ’ના ઉપચારો–સીદ્ધી અને ભગત–પીર–ભુવા–સાધુ–બાવા–મૌલવીનું નાણાકીય અર્થશાસ્ત્ર શું સુચવે છે તે જાણવા માટે આ લેખ માણવો રહ્યો…

8

અવીવેકબુદ્ધીપણાનું અર્થશાસ્ત્ર

        –પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકનો 7મો લેખ https://govindmaru.com/2019/09/23/suryakant-shah-12/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

અંગ્રેજીના રૅશનાલીઝમ શબ્દને ગુજરાતીમાં સ્વીકારી લેવો જોઈએ. (1) કાર્ય–કારણના સાચા સમ્બન્ધો જાણવા–સમજવા માટેની ઈન્તેજારી અને (2) માનવતાભર્યો અભીગમ મળીને રૅશનાલીઝમનું નીર્માણ થાય છે. પેદા થયેલી સમસ્યા, એષણા અને પ્રતીકુળ પરીસ્થીતીના ઉકેલ માટે ખોટા માણસ પાસેથી ખોટા ઉકેલને મેળવવા પ્રયત્નશીલ થવું તે એક પ્રકારનો રોગ છે. એનું કોઈ નામ પાડવામાં આવ્યું નથી. એની ચર્ચા ઓછી થાય છે. રોગી પોતે આ રોગ થયાનું જાણતો નથી. એ રોગનો ભોગ બની એ નુકસાન ભોગવે છે; છતાં થયેલા નુકસાનનું કથન પણ કરતો નથી. આથી આ રોગને અત્રે ‘અકથીત રોગ’થી ઓળખવામાં આવ્યો છે. આ રોગ સમગ્રપણે અવૈજ્ઞાનીકતા પર ઉભેલો છે. સમાજના બહુસંખ્ય લોકો અવૈજ્ઞાનીકતાના ભોગ બનેલા હોય છે. તેથી તેને પોષનારા અને તેમાંથી લાભ ઉઠાવનારા સમાજમાં પ્રભાવક સંખ્યા અને સ્થાન ધરાવે છે. અર્થશાસ્ત્રનો માંગ–પુરવઠાનો સીદ્ધાંત દર્શાવે છે કે જેની માંગ હોય તેનો પુરવઠો અવશ્ય મળી રહે છે. ચરસ, ગાંજો, ભાંગ, તમાકુ જેવા પદાર્થોનું સેવન માણસને નુકસાનકારક છે. વીશ્વભરની સરકારો, બીનસરકારી સંસ્થાઓ, જાગૃત સમાજ–સેવકો અને સમગ્ર તબીબી સમાજ આ પદાર્થોથી દુર રહેવા લોકોને સમજાવે છે. સરકારો આકરા કરવેરા નાખે છે. જ્યાં એનો પાક તૈયાર થાય છે ત્યા આગ લગાડવામાં આવે છે. આમ છતાં, સમાજમાં તેનું સેવન કરનારા ઘણા છે. તેઓ બજારમાં માંગ પેદા કરે છે. આથી એનો પુરવઠો બજારમાં આવે જ છે. સીગારેટની બાબતમાં તો આઘાતજનક બાબત એ છે કે એને સળગાવતી વખતે અને બે હોઠની વચ્ચે દબાવવાના પ્રસંગે પણ ધુમ્રપાન કરનારાને વાંચવા મળે છે કે એનું સેવન આરોગ્યને માટે હાનીકારક છે. (કદાચ સ્વદેશીની ભાવનાને કારણે બીડી પર આ લખાણ લખાતું નથી!) આમ છતાં વ્યસની એનું સેવન લહેજતથી કરે છે! આમ, સમાજમાં અનેકવીધ પ્રકારે અવૈજ્ઞાનીકતા ભરપુર અને માનવતાવીરોધી ખાનપાનની અને અન્ય પ્રવૃત્તીઓ ચાલ્યા કરે છે. અર્થશાસ્ત્રના સીદ્ધાંત પ્રમાણે એની માંગ નીકળે છે તેથી એનો પુરવઠો મળી રહે છે. ‘અકથીત રોગ’ના દર્દીઓ માટે પણ આ જ માંગ–પુરવઠાનો સીદ્ધાંત લાગુ પડે છે. અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા એવી છે કે ઓછામાં ઓછાં સાધનોનાં આદાન વડે, વધારેમાં વધારે પ્રદાન મેળવવાના પ્રયત્નોનો સરવાળો. અકથીત એવા આ દર્દને માટે માંગ કેમ નીકળે છે? માણસો અવૈજ્ઞાનીકતાના આશીક કેમ બને છે? મગજનો ઉપયોગ કરવો એ પણ એક પ્રકારનો શ્રમ છે. પેદા થયેલી સમસ્યા અને પ્રતીકુળ પરીસ્થીતીમાં સાચાં કારણ શોધવા અને સમજવાને માટે મગજે વ્યાયામ કરવો પડે છે. માણસની પ્રકૃતી આળસની છે તેથી સાચાં કારણ શોધવા–સમજવાના પ્રયત્નોમાં એ કસર કરવા માંગે છે. અવૈજ્ઞાનીકતાનું મુળ અર્થશાસ્ત્રના એ સીદ્ધાંતમાં છે કે ઓછામાં ઓછા પ્રયત્ને વધુ ને વધુ વળતર મેળવવું. શ્રદ્ધાળુ આ વ્યાખ્યાના ‘ઓછામાં ઓછા પ્રયત્નો’વાળા ભાગને વળગી જાય છે; પરન્તુ એના થકી પ્રદાનો અને તે પણ મહત્તમ પ્રદાનો મળે છે કેમ તે વીચારતો નથી. આ બાબત કે જે તે વીચારતો નથી તે પણ ઓછામાં ઓછા પ્રયત્નોનો જ ભાગ બને છે!

અર્થશાસ્ત્રનો બીજો સીદ્ધાંત અમર્યાદીત ઈચ્છાઓ હોવાનું પ્રતીપાદીત કરે છે. માણસની પોતીકી શક્તી અને સાધનો જે અર્પી શકે તેના કરતાં વધારે મેળવવાની ખ્વાહીશ માણસને સતત તૃષીત રાખે છે. પોતાનાં શક્તી–સાધનોના પ્રમાણમાં ઈચ્છાઓને સંતુલીત રાખવાનું માણસ માટે ઘણું મુશ્કેલ છે. આથી એ સતત અતૃપ્ત વાસનાઓથી પીડાય છે. ભગતના ચોપડાઓનાં પાનાં પર ઠેરઠેર સમસ્યા અને પ્રતીકુળ પરીસ્થીતીને સમજવા માટે વપરાતી આળસપ્રેરીત અવૈજ્ઞાનીકતા અને અતૃપ્ત વાસનાઓ જાણે નાચતી હોય એવું દેખાય છે. જુઓ એના કેટલાંક ઉદાહરણો :

ગાડીની સીટ પર કંકુ તેમ જ જે તે ‘કંઈક’ કરેલ જેના થકી મારો ધન્ધો સારી રીતે ચાલતો નથી. ફક્ત ધન્ધામાં આડ અસર રહે છે, લાગે છે, પણ કેમ કહી શકું કે આ જ વ્યક્તી છે, કેવી રીતે મારી ઉપર અસર કરે છે, તેનું માલુમ પડતું નથી. કોઈ સ્ત્રી છે. વીધવા છે. એની જ બીલ્ડીંગમાં મારું હીરાનું કારખાનું ચાલે છે. મારું કોઈ પણ કામ પાર પડતું નથી.

‘અકથીત દર્દ’ના આ દર્દીઓ અવૈજ્ઞાનીકતાને કારણે તબીબોને ખોટા માને છે અને ભગત–પીરને સાચા માને છે. ઘટનાનું સાચું કારણ બતાવનારા ક્ષમતા ધરાવતા નીષ્ણાતો આ દર્દીઓની આસપાસ જ હોય છે. ત્યારે એમની વાતો સમજવાને બદલે તેઓ પીઠ ફેરવી દે છે. આ દર્દીઓએ સાચા કારણો શોધવાનો શ્રમ જ કરવો નથી.

જુઓ :–

બેચેની, ગભરાટ : ડૉક્ટરના રીપોર્ટ ખોટા આવે, આ એક તરંગ છે. એમને કોઈએ વીર મારી એટલે એમના શરીરમાં અને ઘરમાં તકલીફો વધી તેવું તો માને છે!

વાંચો : કમરના ભાગમાં દુ:ખાવો રહે છે. (ભગત–પીરને ત્યાં છાતીમાં બળતરાવાળી અને કમર–પેઢાના દુખાવાવાળી મહીલાઓ મોટા પ્રમાણમાં આવતી દેખાય છે) ઉંઘ ઘણી જ ઓછી આવે, જીવ મુંઝાયા કરે. હાથે–પગે વંથ આવે, થાકને થાક લાગે, શરીરમાં અશક્તી વધારે છે, કોઈ જાતનું ચેન પડે નહીં. ભુખ લાગે નહીં, શરીરમાં લોહી ચુસાઈ ગયેલું બતાવે છે. તા. 19-03-2000ના રોજ બપોરે ચઢતા વીર મારેલા છે, જેના લઈને દીવસે દીવસે વધવા માંડેલું બતાવે છે. દવા–દારુ કરવા છતાં પણ ફેર પડે નહીં. વાર તહેવારો સારા જાય નહીં. ઘરમાં પૈસાની ખેંચ રહે છે. માંદગીઓ ચાલ્યા કરે છે.

અવૈજ્ઞાનીકતાનો આ એક સારો નમુનો છે. ફરીયાદણના શરીરની અનેક ફરીયાદો, ઘરમાં પૈસાની ખેંચ, અન્યોની માંદગીઓ જેવી પ્રત્યેક ઘટનાનાં અલગ અલગ કારણો જ હોય. આ હકીકત સમજવાનો આ અને એના જેવા અનેક દર્દીઓ ઈનકાર કરે છે. આટલી બધી ઘટનાઓનાં સાચાં ઢગલેબન્ધ કારણો શોધવા સમજવા માટે એણે કેટલી બધી માનસીક કસરત કરવી પડે! અર્થશાસ્ત્રના સીદ્ધાંતનો ‘ઓછામા–ઓછા પ્રયત્નો’વાળો ભાગ અહીં કામે લાગે છે. એ બાઈને તા. 19-03-2000ના રોજ બપોરે કશું ચઢતા (શું ચઢતા? – તે સ્પષ્ટ થતું નથી.) કોઈએ વીર માર્યો (વીર શું છે? – તે સ્પષ્ટ થતું નથી.) તેથી આ બધી ઘટનાઓ બની! બધી ઘટનાઓનું કોઈ એક જ અસ્પષ્ટ કારણ એષણાઓનું પ્રેરકબળ અપ્રતીમ છે, આ એક દર્દીને જુઓ, એણે જે ત્રણ એષણાઓ પ્રગટાવી છે તેનાથી વીશેષ શું જોઈએ? (1) ધન્ધો હીરાનો સારી રીતે ચાલતો થાય. પગાર સારો આવતો થાય તેમ કરીને આપવાનું છે. (2) સારા ઘરમાંની છોકરી સાથે લગ્ન વીવાહ થાય ને છોકરી પોતાનું ઘર કરીને મારી સાથે રહે ને બાળ–બચ્ચાંવાળા થઈ જાય તેમ કરવાનું છે. (3) મારું પોતાનું મકાન છે, મકાનમાં કંઈ પણ આડ અસર હોય તો તે દુર થાય.

આમ, સમસ્યા પ્રતીકુળ પરીસ્થીતી અને એષણાના આ ઉદાહરણો સ્પષ્ટ કરે છે કે માણસો સાચાં કારણો શોધવાનો શ્રમ કરવા માંગતા નથી. અને એષણાઓને મનોપ્રદેશમાં અલ્લડ છોકરીની જેમ રખડતી મુકી દે છે. આ બધાના મુળમાં અર્થશાસ્ત્રમાંના પ્રબોધેલા સીદ્ધાંતની ગેરસમજ છે. સમજુ સભ્યો ધરાવતો સમાજ, વૈજ્ઞાનીક અભીગમ ધરાવતા લોકો અને ઓછામાં ઓછા પ્રયત્નો માટે બૌદ્ધીકતામાં માનતા લોકો આ વળાંક પર જુદા પડી જાય છે. અવૈજ્ઞાનીકતામાં માનનાર અને ‘અકથીત રોગ’થી પીડાતા દર્દીઓ અનેક ઘટનાના મુળમાં એક કારણને રીતસર ‘શોધી’ કાઢે છે કે ઉપજાવી કાઢે છે, તેમ એની અનેક સમસ્યાઓ, પરીસ્થીતી અને એષણાઓને માટે એક જ ઉપાયને ‘શોધી’ કાઢે છે અથવા તો ‘પેદા’ કરે છે. જેમ ભક્તો ભગવાનને પેદા કરે છે, તેમ આ ‘અકથીત રોગ’ના દર્દીઓ ક્યાં તો ભગત–પીરને શોધી કાઢે છે અથવા તો બીલકુલ ક્ષમતાવીહોણા કોઈના પગ પકડીને એક ભગત–પીરને ‘પેદા’ કરી દે છે! ત્યારબાદ એના બધા જ પ્રશ્નોનો એક જ ઉપાય એને મળી જાય છે. તે ભગત–પીરને સાધી એ જે માંગે તે અને ઘણીવાર તો એનાથી પણ વધારે અર્પણ કરીને ઉપાયને મેળવી લેવો. વાસ્તવમાં કશુ જ મહત્તમ પ્રદાન મળતું નથી; છતાં તે નહીં મળ્યાનો આનન્દ અનેકગણો હોય છે! અર્થશાસ્ત્રના સીદ્ધાંતો વાસ્તવીકતાને કેન્દ્રમાં રાખે છે. એ જ સીદ્ધાંતો અવૈજ્ઞાનીકતાવાળા માટે ભ્રમણાનાં કેન્દ્ર બને છે. આમ જુદી જુદી સમસ્યાઓના જુદાં જુદાં કારણ હોય તે સાદી સમજ અને હકીકત આધારીત મુદ્દાને અવૈજ્ઞાનીકતામાં માનનારા સ્વીકારતા નથી. જ્યારે કોઈ દેશને આપણે અવીકસીત કહીએ છીએ ત્યારે ત્યાંનાં પર્વતો, જમીનો અને નદીઓ અવીકસીત નથી હોતાં. અવીકસીત જો કોઈ હોય તો ત્યાનાં લોકો અવીકસીત હોય છે. લોકોની અવીકસીતતા દેશની અવીકસીતતા તરીકે અર્થશાસ્ત્રમાં ઓળખાય છે. પ્રજા અજ્ઞાન હોય અને અવીકસીત રહે તો સમય જતાં એમને જ્ઞાન–કૌશલ આપીને વીકસીત કરી શકાય. ઘણા દેશોના આર્થીક વીકાસમાં આ પ્રમાણે બન્યું છે. બીજી બાજુ જે દેશના લોકો સમસ્યા, પ્રતીકુળતા અને એષણા સમ્બન્ધીત ઉકેલો જાણતા હોવા છતાં તે અજમાવે નહીં અને સ્વયંભુ જળાની જેમ અવૈજ્ઞાનીકતાને ચોંટી રહે તે દેશોનો આર્થીક વીકાસ સમ્ભવીત નથી. ભગતના ચોપડા વાંચતા સમજાય છે કે તે એની પાસે અવૈજ્ઞાનીકતાના અભીગમને લઈને આવેલા 771 માણસોમાંથી ઓછામાં ઓછા સાઠ ટકા માણસો જાણતા હતા કે કોઈ પણ એક ઘટના બનવાનાં પોતીકા કારણ હોય છે, તેમ જ બધી સમસ્યાનો એક ઉકેલ હોય જ નહીં. આવા સમજુ અને અણસમજુ માણસો ભગત–પીર પાસે જાય ત્યારે તે દેશના આર્થીક વીકાસને આકાશ કુસુમવત્ જ ગણવો પડે. ઉંઘતો હોય તેને જગાડી શકાય; પણ જાગતાને જગાડી શકાતો નથી! જ્ઞાત પ્રજા જ્ઞાનને આગ્રહપુર્વક વળગી રહે તો તે તેનો આર્થીક વીકાસ સમ્ભવીત નથી.

ઉપાયો – સીદ્ધીનું નાણાકીય અર્થશાસ્ત્ર

‘અકથીત દર્દ’ની માંગ બાજુને તપાસ્યા બાદ પુરવઠાની બાજુને તપાસીએ. અર્થશાસ્ત્રમાં નૉબેલ ઈનામ મેળવનાર અમર્ત્ય સેનનો જાણીતો વીચાર છે કે ‘જેની માંગ હોય તેનો પુરવઠો હોય જ’. માંગ એક એવું ચુંબકીય તત્ત્વ છે કે જે પૃથ્વીના પેટાળમાંથી પણ પુરવઠાને ખેંચી કાઢે. સેનના મત પ્રમાણે બજારમાં માંગ આગળ ચાલે છે અને પુરવઠો પાછળ ઘસડાય છે. બજારમાં કોઈ ચીજને–સેવાને દાખલ કરવી હોય તો તેની માંગ પહેલા ઉભી કરવી જોઈએ. આથી વીજ્ઞાન અને ટૅકનોલૉજીની મદદથી માનવજાતને ઉપકારી અનેક ચીજ સેવા પેદા થઈ શકે એવી શક્યતા હોવા છતાં શીક્ષણ અને બજારક્રીયા દ્વારા એની માંગ પહેલા ઉભી કરવી પડે છે. બીજી બાજુ માનવજાતને નુકસાનકારક હોવા છતાં તમાકુ, ચરસ વગેરેની માંગ હોવાથી અને પ્રતીબન્ધની વચ્ચેથી પણ પુરવઠો એનો માર્ગ કાઢી લે છે અને માંગને સન્તોષે છે! આમ આ સમગ્ર અવૈજ્ઞાનીકતાના મુળમાં જવાબદાર છે ‘અકથીત રોગ’ના દર્દીઓ જે ભગત–પીરની માંગ ઉભી કરે છે. એ લોકો માંગ ઉભી કરે છે તેથી જ ભગત–પીર પેદા થાય છે! માંગ શબ્દ સુચવે છે કે વળતર ચુકવીને ગ્રાહક ઈચ્છાઓને સન્તોષવા માંગે છે. આનન્દવા માંગે છે. આથી પુરવઠો પુરો પાડનારને ખાતરી છે કે તેનાં માલ–સેવાના બદલામાં વળતર મળશે. નફો, વેતન કે મહેનતાણા, પુરસ્કાર કે ભેટ, ભાડુ, વ્યાજ વગેરેના નામે તે મળશે. અર્થશાસ્ત્રનાં સીદ્ધાંત પ્રમાણે ભગત–પીરને સન્તોષકારક વળતર મળે છે અને એના ગ્રાહકો તે વળતર આપશે તેથી ભગત–પીર પેદા થાય છે અને ધન્ધામાં ટકે છે. ગ્રાહકોના સહકાર થકી વીકસે છે. માંગને ઓછી કરવા માટે ભગત–પીરના કારસ્તાન અને અક્ષમતા ખુલ્લા પાડવાના છે, એ અર્થશાસ્ત્રીય સમજ કોઈ પણ પર્દાફાશ કરનાર જાગૃત નાગરીક પાસે હોવી જોઈએ.

ભગત–પીરનો ધન્ધો એવો છે કે એમાં ઉધારી ચાલતી નથી. ભગત–પીર માત્ર રોકડામાં – નાણામાં જ વળતર મેળવે છે, એવું કહી શકાય નહીં, બીનનાણાકીય સ્વરુપે પણ તે વળતર મેળવે છે. એને મળતાં ચાદર, ધોતીયાં, સાડી, જીન્સ, અનાજ, ફળફળાદી, ઘી વગેરેના ખરીદનારા નક્કી થઈ ગયા હોય છે. હવન માટે ‘પરીશીષ્ટ – 1’ ( https://govindmaru.com/2019/07/22/suryakant-shah-10 ) પ્રમાણેના સામાનની રકમ આઠ–દસ હજાર રુપીયા સુધી પહોંચતી. હવનની સામગ્રી સાથે મળતી અન્ય ભેટ સોગાદો, ‘જોવાની’, ‘કરવાની’ અલગ રોકડ ફી આ બધું એટલું બધું લાભદાયી છે કે માંગ પ્રમાણે ગામડે–ગામડે અને શેરી–શેરીએ ભગત–પીર–ભુવા–સાધુ–બાવા–મૌલવીના પુરવઠા મળે જ. ભગત–પીરના પક્ષે કોઈ કસબની જરુર નથી. કોઈ શીક્ષણની જરુર નથી. ધન્ધો કરતી વખતે એમણે કોઈ કાર્યશીલ મુડી રોવાની જરુર નથી. એમના ગ્રાહકો તરફથી મળતી રોકડ એમનો ચોખ્ખો નફો બની જાય છે. એમનું સમગ્ર નાણાકીય અર્થશાસ્ત્ર સો ટકા રોકડાની તરલતાનું હોય છે. એમણે કોઈ રોકાણ કરવાનું નથી. વ્યાજ ચુકવવાનું નથી, ઘસારો ગણવાનો નથી. એમનું ‘વકરા ખાતું’ સીધું જ ‘નફા–નુકસાન ખાતા’ની જમા બાજુ પર તબદીલ થઈ જતું હોય છે. આ ભગતે રુપીયા 70થી 1500ની વચ્ચે રોકડ ફી વસુલી લીધી છે. રુપીયા પાંચસોની સરેરાશ ગણીએ અને 771 ચોપડે નોંધાયેલા ગ્રાહકો છે, તેમાંથી 71ને મફતીયા ગણીએ તો બાકીના 700 ફીવાળા ગણાય. આ હીસાબે ભગતને એકલી રોકડ વાર્ષીક આવક રુપીયા સાડા ત્રણ લાખની થાય. બીનરોકડ આવક, કદાચ રોકડ આવકથી વધારે થાય છે; છતાં એના હસ્તકની ચીજો સેકન્ડ–હેન્ડ–જુની ગણી વેપારીઓ ખરીદી જાય તો પણ એને બીજા રુપીયા બે લાખ તો મળે જ. એની વાર્ષીક આવક રુપીયા સાડા પાંચ લાખની થાય. માની લઈએ કે ગ્રાહકને ત્યાં વીઝીટ અને બીજાં કામકાજ માટે એને વાર્ષીક રુપીયા પચાસ હાજરનો ખર્ચ થાય તો પણ એની ચોખ્ખી વાર્ષીક આવક રુપીયા પાંચ લાખની તો થાય જ.

આ અન્દાજ ઘણો ઓછો છે; છતાં વર્ષે રુપીયા પાંચ લાખની ચોખ્ખી કમાણી કરતો આ ભગત અને તના કેવા અન્ય ભગતો–પીરો એટલા મુફલીસ દેખાવાનો ઢોંગ કરે છે કે જેને પરીણામે એમણે આવકવેરો તો ભરવાનો હોતો જ નથી! આમ ભગત–પીરનું નાણાકીય અર્થશાસ્ત્ર સીધું જ હાથ પરની રોકડનું અર્થશાસ્ત્ર બની જાય છે! તા. 10/09/2001ના રોજ સુરતની ‘સત્યશોધક સભા’એ આ ભગતની પોલ ઉઘાડી ત્યારે એના ફ્લેટમાં ચાલીસ હજારની રોકડ, એંસી સાડીઓ(ભગતના ઘરમાં એક પણ મહીલા દેખાતી નહોતી), વીસેક જીન્સ, દશેક મણ અનાજ–કઠોળ, વીવીધ જાતનાં અનેક ફળ અને સુકોમેવો મળ્યા હતાં. આમ, એમની આવક બીન–ખેતી વીષયક હોવા છતાં આ લોકો ભાગ્યે જ આવકવેરો ભરે છે. એમના નાણાકીય અર્થશાસ્ત્રમાં કૌટુમ્બીક ખર્ચા સીવાય રોકડની જાવક થતી નથી. આમ, ઉપચારો–સીદ્ધીનું ભગતનુ અર્થશાસ્ત્ર સુચવે છે કે આ ધન્ધામાં બરકત જ બતકત છે!

પ્રા. સુર્યકાન્ત શાહ

પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક આપણો માંદો સમા (પ્રકાશક : સત્યશોધક સભા, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી, ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/)માંનો આ 8મો લેખ, પુસ્તકનાં પાન 45થી 50 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક-સમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

 

5 Comments

 1. ” ભગત–પીરનો ધન્ધો એવો છે કે એમાં ઉધારી ચાલતી નથી. ભગત–પીર માત્ર રોકડામાં – નાણામાં જ વળતર મેળવે છે, એવું કહી શકાય નહીં, બીનનાણાકીય સ્વરુપે પણ તે વળતર મેળવે છે. ”
  –પ્રા. સુર્યકાન્ત શાહ

  ખરી રીતે જોતા આ ભગત પીર નો ધંધો એક ઉદ્યોગ બની ગયેલ છે. જ્યાં સુધી અન્ધશ્રદ્ધાળુઓ નું અસ્તિત્વ હશે ત્યાં સુધી આ ઉદ્યોગ ધમધોકાર ધંધો કરતો રહેશે. જરૂરત છે એક મોટી ક્રાંતિ ની. સત્ય શોધક સભા જેવા સંગઠનો દરેક દેશ માં હોવા જોઈએ..

  Liked by 1 person

 2. જે દેશનો રાજકારણી પરદેશમાં જઈને દેશની મશ્કરીરુપ વર્તન કરે અને લોકો તેની વાહવાહ કરે, તેના આવા વર્તનનો બચાવ કરે તે દેશમાંથી ભગત-પીર-ભુવાની માંગ જતી રહે એ અપેક્ષા વધુ પડતી છે.

  Liked by 1 person

 3. આ ‘અકથીત રોગ’ના લાચાર દર્દીઓ એ જેવી રીતે ક્ષમતાવીહોણી “ઢબૂડી“ ને ‘પેદા’ કરી દીધી છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s