માનસીક આઘાતને કારણે શારીરીક રોગના લક્ષણો રુપે શું પ્રગટ થાય? શારીરીક રોગોમાં આપણે આ ચેપ ફેલાવનાર જીવાણુઓ સામે લડવું પડે છે જ્યારે માનસીક રોગોમાં આપણે કોની સાથે લડવું પડે છે? ‘એપીડેમીક સાઈકોજેનીક ઈલનેસ’ અથવા તો ‘સોશીયોજેનીક ઈલનેસ’ તરીકે ઓળખાતા માનસીક રોગમાં એક સાથે અનેક વ્યક્તીઓ (મોટે ભાગે યુવતીઓ) બીમાર પડે છે. આ યુવતીઓ પર ‘નાર્કોએનાલીસીસ’ નામની ચીકીત્સા પદ્ધતી અજમાવી શકાય?
માનસીક રોગો પણ ચેપી હોય?
–ડૉ. મુકુલ ચોકસી
કલકત્તા ટેલીફોન એક્ષચેંજના વડા શ્રી સેનગુપ્તા ગઈ કાલથી ભયંકર માનસીક તનાવમાં આવી પડ્યા છે. તેમના ફોનની ઘંટડીઓ દર અડધી મીનીટના અન્તરે અવીરત રણકતી રહે છે. પરમ દીવસે એક્ષચેંજમાં એક અનીચ્છનીય બનાવ બન્યો, ત્યારથી તે આ ક્ષણ સુધી તેમને એક પળની શાંતી મળી નથી.
નન્દીતા ઠાકુર, એક્ષચેંજની એક જુનીયર ઓપરેટર; પણ ખુબ આકર્ષક, ચંચળ, આખાબોલી, સેન્ટીમેન્ટલ અને પ્રભાવશાળી. વાતની શરુઆત નન્દીતા ઠાકુરથી થઈ. પરમ દીવસે બપોરે ત્રણ વાગ્યાની વાત. ઈન્ફર્મેશન વીભાગની ડ્યુટી પર ફરજ બજાવતી નન્દીતાએ ઓચીંતી ચીસ પાડી કે તેની આસપાસના વાયરો અને મશીનોમાંથી તેને કરંટ લાગે છે. સહુ ભેગા થઈ ગયા. એ વીભાગના અધીકારીએ પોતે ત્યાં બેસીને મશીનો શરુ કરી જોયા; પણ કંઈ કરંટ ન લાગતા તેમણે નન્દીતાને કડક ભાષામાં ઠપકો આપ્યો અને એ સાંભળતા વેંત જ નન્દીતા બેહોશ થઈ ગઈ. તે જાગી ત્યારે તેના ડાબા અંગને લકવો થઈ ગયો હતો. ચારે બાજુ ગભરાટ, હોહા અને દોડધામ મચી ગઈ. તાત્કાલીક નન્દીતાને હૉસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવી.
હવે વાત આટલી જ હોત તો એક્ષચેંજના વડાને ચીંતાનું કોઈ કારણ નહોતું; પણ વાત આટલેથી અટકતી નહોતી. રાત્રે દોઢ વાગે મી. સેનગુપ્તાને સમાચાર મળ્યા કે નન્દીતાની ચાર અંગત સહેલીઓને પણ હાથ–પગ ને ચહેરા પર લકવાની અસર જણાતા તેઓને પણ એ જ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે. બીજે દીવસે સવારથી એક્ષચેંજના ઘણાખરા અધીકારીઓ, કર્મચારીઓ, ઓપરેટરો વગેરે સૌ સેન્ટ મેરી મીશન હૉસ્પીટલના પ્રાંગણમાં ચીંતા અને આતુરતાથી દોડધામ કરતા થઈ ગયા.
એક બાજુ એક્ષચેંજનું કામકાજ ખોરવાતું જતું હતું. બીજી બાજુ ડૉક્ટરો, મી. સેનગુપ્તાને ખાતરી આપતા હતા કે કશું ગમ્ભીર નથી અને છોકરીઓ પર મોટે ભાગે આઘાત તથા લાગણીશીલતાની અસર થઈ છે. આ બધામાંથી જેમતેમ સમય કાઢીને મી. સેનગુપ્તા સાંજે પાંચ વાગે બપોરનું ભોજન લેવા બેસે છે; પણ ત્યાં જ તેમને સમાચાર મળે છે કે બીજી પન્દર ઓપરેટર છોકરીઓ અચાનક બીમાર પડી ગઈ છે. કોઈકને ખેંચ આવતી હતી, તો કોઈકને લકવો થયો હતો. કોઈને દેખાતું બન્ધ થઈ ગયું હતું. તો કોઈનો શ્વાસ ચઢી ગયો હતો. એટલું ઓછું હોય એમ તેમના સહાયક મી. ઘોષે વધુ માહીતી આપતાં કહ્યું, ‘અમૃત બાઝાર’ અને ‘હીન્દુસ્તાન ટાઈમ્સ’ના પત્રકારો તેમને તાત્કાલીક મળવા માંગે છે. હૉસ્પીટલના સંચાલકો હવે વધુ છોકરીઓને દાખલ કરવાની ના પાડે છે. રાત્રે સન્દેશવ્યવહાર ખાતાના પ્રધાન અહીં આવશે ત્યારે મહીલા યુનીયને તેમને ઘેરાવની ધમકી આપી છે અને આ છોકરીઓના વાલીઓ તેમની બીમાર છોકરીઓને માનસીક રોગના વોર્ડમાં સારવાર અપાવવાની ના પાડે છે.
મી. સેનગુપ્તાએ જમવાનું પડતું મુક્યું અને ઝડપથી સુચનાઓ આપવા માંડી, ‘અત્યારે કોઈ પણ કર્મચારીની રજા મંજુર કરવી નહીં. દરમીયાનમાં પોલીસ કમીશ્નરને જાણ કરી દાખલ થયેલી છોકરીઓના સ્ટેટમેન્ટ્સ લેવડાવી દો. મેં આપણા ઈલેક્ટ્રીકલ વીભાગના વડાને બોલાવ્યા છે. કેટલીક છોકરીઓએ લકવો થતાં પહેલા આપણા ઈલેક્ટ્રીક ઉપકરણોમાંથી કરંટ અથવા વાઈબ્રેશન આવતા હોવાની ફરીયાદ કરી છે. એટલા માટે તેમને ઈન્સ્યુલેશન, લીકેજ, શોર્ટ–સરકીટ, વાયરીંગ તથા તમામ કનેક્શન તાત્કાલીક ચેક કરી જવાની સુચના આપવામાં આવી છે.’
પછીના ત્રણ દીવસ મી. સેનગુપ્તા કરતાં ડૉક્ટરો માટે વધુ મુંઝવણભર્યા જણાતા હતા. ઉપરાછાપરી બીમાર પડીને સારવાર માટે આવનાર છોકરીઓની સંખ્યા વધીને 85 ઉપર પહોંચી ગઈ હતી. લોહી, પેશાબ, મગજના એક્સ–રે તથા કમરમાંથી કાઢવામાં આવેલા પાણી વગેરે તમામના રીપોર્ટ નોર્મલ આવતા હતા. એક્ષચેંજના તમામ ઈલેક્ટ્રીકલ ઉપકરણોની તપાસને અન્તે કંઈ જ વાંધાજનક મળ્યું નહોતું. ડૉક્ટરોની એક નીષ્ણાત સમીતીએ સર્વગ્રાહી તપાસ કરીને રીપોર્ટ આપ્યો. તેઓના જણાવ્યા પ્રમાણે જેનો ભય સેવાઈ રહ્યો હતો તે ‘જાપાનીસ એનસેફેલાઈટીસ’નો રોગચાળો હોવાની શક્યતા સહેજ પણ નહોતી. આ ડૉક્ટરોની સલાહથી શહેરના અગ્રણી મનોચીકીત્સકોની બનેલી એક પેનલને નીમવામાં આવી. એક તરફ યુનીયનના અને બીજી તરફ વાલીઓના સતત વીરોધ વચ્ચે પણ સાઈકીઆટ્રીસ્ટોની બનેલી આ પેનલે શક્ય એટલી તમામ છોકરીઓની લાંબી ઝીણવટપુર્વકની મુલાકાતો લીધી અને આખા બનાવનું ‘માસ (સામુહીક) હીસ્ટીરીયા’ના બનાવ તરીકે નીદાન કરવામાં આવ્યું; પરન્તુ ત્યાં સુધીમાં તો કુલ એકસો પાંચ છોકરોના નામો આ રોગના ‘એપીડેમીક (વ્યાપક રોગચાળો)’ની યાદીમાં નોંધાઈ ચુક્યા હતા.
ત્યારબાદ અઠવાડીયા સુધી લોકોને આ ઘટના વીશે વધુ કોઈ માહીતી ન મળી; પરન્તુ બરાબર સાતમે દીવસે સાંજે અચાનક એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી. જેમાં શહેરના નામાંકીત અખબારોના પ્રતીનીધીઓ, એક્ષચેંજના અધીકારીઓ, સાઈકીઆટ્રીસ્ટો, ડૉક્ટરો, સામાજી સ્રી કાર્યકરો વગેરે સહુ મોટી સંખ્યામાં હાજર હતા. સાઈકીઆટ્રીસ્ટ ડૉ. માથુરે તેમના વક્તવ્યની શરુઆત કરતાં જ સહર્ષ જાહેરાત કરી કે ‘માસ હીસ્ટીરીયા’નો ભોગ બનેલી એ તમામ એકસોને પાંચ છોકરીઓ પહેલા જેવી સમ્પુર્ણ સાજી હરતી, ફરતી, ખાતી, પીતી અને બોલતી થઈ ગઈ છે. આ તમામ ઓપરેટરોએ આજે સવારથી તેમની ફરજ બજાવવાની શરુ પણ કરી દીધી છે.
ડૉ. છત્રપતીએ હીસ્ટીરીયા નામના આ રોગ વીશે માહીતી આપતા જણાવ્યું, ‘કેટલાક માણસોના અજાગ્રત મનમાં ઘણી જ મુંઝવણો, વૃત્તીઓ દબાયેલી પડેલી હોય છે. આ વૃત્તીઓ જાતીય અને હીંસાત્મક વલણો ધરાવતી હોવાથી આપણું જાગ્રત મન એને પ્રગટ નથી થવા દેતું. આથી એ વૃત્તીઓ અથવા મુંઝવણો બીજો વેશ પહેરીને શારીરીક રોગના લક્ષણો રુપે આ રીતે પ્રગટ થાય છે.’
પણ હીસ્ટીરીયા વીશે તો એવું સાંભળ્યું છે કે તે એકાદ જણાને થાય છે. આ રીતે સમુહમાં સેંકડો છોકરીઓને એક સાથે થવાનું શું કારણ? પત્રકારોમાંથી પ્રશ્નો પુછાવા શરુ થયા.
‘એમ કરો ને… મને આખી વાત શરુઆતથી કહેવા દો…’ ડો. માથુર બોલ્યા અને તેમણે શરુ કર્યું. ‘તમે જાણતા જ હશો કે કલકત્તાનું ટેલીફોનભવન એ 1957માં બન્ધાયેલું સાત મજલાનું મકાન છે. જેમાં દોઢ હજાર જેટલી મહીલા ઓપરેટરો કામ કરે છે. તમે એ પણ સમજી શકશો કે તેઓનું કાર્ય ખુબ એકધારું અને નીરસ હોય છે. આ એક્ષચેંજમાં ત્રણેક મહીના પહેલા દસ જેટલા નવા, અદ્યતન કોમ્પ્યુટરાઈઝડ ઉપકરણો લાવવામાં આવ્યા હતા. જેનો ઓપરેટરના યુનીયને તીવ્ર વીરોધ કરેલો… કેમ કે આ આધુનીક યન્ત્રસામગ્રીના આવવાથી, ઓછી સજ્જતાને કારણે તેમાંના ઘણાની નોકરી જાય એમ હતું. આ તરફ નન્દીતા ઠાકુર એક એવી છોકરી હતી જે સૌની નેતા જેવી હતી. લગભગ બધા ઉપર તેના વ્યક્તીત્વનો પ્રભાવ હતો. જે દીવસે નન્દીતા ઠાકુરને યન્ત્રોમાંથી વીજળીના મોજા કે કરંટ નીકળતા હોય તેવો અનુભવ થાય છે, તે જ વખતે સાથે સાથે તેનું સૌની હાજરીમાં અપમાન થાય છે. આ બેવડા માનસીક આઘાતથી તે બેહોશ અને લકવાગ્રસ્ત બની જાય છે. માનસીક આઘાતને કારણે આવા શારીરીક રોગના લક્ષણો પ્રગટ થવા એ હીસ્ટીરીયાનું એક વીલક્ષણ ચીહ્ન છે. નન્દીતાને એમ જ થયું.
‘હું એક પ્રશ્ન પુછી શકું?’ એક પત્રકારે વચ્ચેથી જ પુછ્યું’. ‘બાકીની એકસો ચાર ઓપરેટરોનું તો કોઈએ અપમાન નહોતું કર્યું… છતાં તેમને આવું કેમ થયું?’
‘તેના પણ કારણો છે.’ ડૉક્ટર માથુરે કહેવાનું ચાલું રાખ્યું : ‘નન્દીતાથી સહુ પ્રભાવીત હતાં એ આપણે જાણીએ છીએ. આથી તેની વીજળીના મોજાં અને કરંટવાળી વાત સહુએ માની લીધી. બીજું એ કે આપણે જેનાથી પ્રભાવીત હોઈએ છીએ તેના નાનામોટા વર્તનોની અભાનપણે નકલ કરવા ઉત્સુક હોઈએ છીએ. ટુંકમાં નવા યન્ત્રો પ્રત્યે તીરસ્કાર, એક્ષચેંજમાંથી નોકરી જવાનો ડર તથા નન્દીતાનો પ્રભાવ વગેરે કારણોસર છોકરીઓ અભાનપણે નન્દીતા જેવું વર્તન કરી બેઠી.’
એવામાં એક પત્રકારે ઉંચા સાદે પુછ્યું ‘તમે ડૉક્ટરો તથા એક્ષચેંજ અધીકારીઓ છેલ્લા અઠવાડીયાથી અખબારોને કેમ કંઈ જ માહીતી નહોતા આપતા?’
ડૉ. માથુર વીનમ્રતાથી બોલ્યા, ‘એ નીર્ણય અમે દર્દીઓની સારસમ્ભાળ વધુ સારી રીતે થઈ શકે એટલા માટે જ લીધો હતો. કઈ રીતે, એ સમજાવું છું.
‘આ હીસ્ટીરીયા નામની બીમારી દર્દીઓ અભાનપણે અન્ય માણસો પાસેથી સમ્ભાળ, પ્રેમ, કાળજી તથા સારો વ્યવહાર ઝંખતા હોય છે. હવે જો આપણે તેમની બીમારી પ્રત્યે વધુ પડતું ધ્યાન આપીએ તો પોતે સૌની સહાનુભુતીનું કેન્દ્ર બની રહેતા હોવાથી તેમની બીમારી લમ્બાયા જ કરે. અમે સહુ ડૉક્ટરો એમ માનીએ છીએ કે આખા બનાવને વધુ પડતી પ્રસીદ્ધી મળી છે જેને કારણે પ્રજામાં એક અભુતપુર્વ કુતુહુલ તથા સહાનુભુતીનું મોજું જન્મ્યું છે. જેને કારણે કેટલાક દર્દીઓની બીમારી લાંબી ચાલી છે અને કેટલાક નવા દર્દીઓ પણ ઉભા થયા છે.’
ડૉ. ચક્રવર્તીએ માઈક પોતાના હાથમાં લઈ કહ્યું, ‘આ દર્દીઓ કઈ રીતે સાજા થયા એ જાણશો એટલે આ મુદ્દો વધુ સ્પષ્ટ થશે.’ એમ કહીને તેમણે, ડૉક્ટરોએ કરેલી સારવારની વીગતો આપવાની શરુઆત કરી. અમે પહેલું કાર્ય એ કર્યું કે જે દસેક છોકરીઓની હાલત સારી નહોતી તેમને હૉસ્પીટલમાં રહેવા દઈ, બાકીની સૌ છોકરીઓને એક અલાયદી જગ્યાએ રહેવાનો બન્દોબસ્ત કર્યો. ત્યાર બાદ સૌ પ્રથમ નન્દીતા ઠાકુરનો સમ્પર્ક કર્યો. એ છોકરી ખુબ વ્યગ્ર અને વ્યથીત હતી. અમે તેની સાથે કલાકો સુધી વાતચીત કરી તેને ઉંડી સમજ, હુંફ તથા ધીરજ આપ્યા. ત્યાર બાદ ‘નાર્કોએનાલીસીસ’ નામની એક ચીકીત્સા પદ્ધતી અજમાવી જેમાં નસ દ્વારા તેને એક દવા આપવામાં આવી. આમ કરવાથી દર્દી મનમાં પડેલી મુંઝવણો, ગુંચવણો, બન્ધીયાર લાગણીઓનું ‘કેથાર્સીસ’ થાય છે અને દર્દી હળવો બને છે. આ તબક્કે અમે નન્દીતાને જાતજાતના સુચનો આપ્યા અને તેને ખાતરી કરાવી કે તેના હાથ, પગ, જીભ વગેરે બરાબર હલાવી શકે છે. અને તરત જ તેના રોગના લક્ષણો નાટકીય રીતે દુર થઈ ગયા.
‘બીજા તબક્કામાં અમે બાકીની નવ છોકરીઓ ઉપર પણ આ પદ્ધતી અજમાવી કે જેઓ બીલકુલ હલનચલન નહોતી કરી શકતી. તેઓ જ્યારે તન્દ્રાવસ્થામાં પહોંચી ત્યારે નન્દીતાને પણ ત્યાં ઉપસ્થીત રાખવામાં આવી. તે છોકરીઓએ જેવી નન્દીતાને હરતી, ફરતી વાત કરતા જોઈ કે તરત તેઓની બીમારી ગાયબ થઈ ગઈ.’
‘ત્રીજા અને આખરી તબક્કામાં અમે બાકીની છોકરીઓને જાણ કરી કે તેઓની સાથી ઓપરેટરો સાજી થઈ ગઈ છે. આમાંની મોટે ભાગની છોકરીઓ તો કોઈ પણ પ્રકારના ‘નાર્કોએનાલીસીસ’ કે ‘કેથાર્સીસ’ વગર માત્ર ઉપરોક્ત માહીતી મળવાથી જ સારી થઈ ગઈ.’
ત્યાર પછી તો ઘણા સવાલો ચર્ચાયા. ભુતકાળમાં કર્ણાટકમાં છોકરીઓની એક શાળામાં તથા બ્રીટનમાં હૉસ્ટેલમાં આવા બનાવો બનેલા. એક સાથે બસો બાળાઓને હેડકી આવવા માંડેલી. અન્તે સમાપન કરતી વખતે ડૉ. માથુરે બે’ક ખુબ સરસ વાતો કહી. ‘જેમ કમળો, કોલેરા, ટાઈફોઈડ ને મેલેરીયા ચેપી હોય છે તેમ માનસીક રોગ ‘હીસ્ટીરીયા’ પણ અમુક સંજોગોમાં ચેપી થઈ શકે છે. શારીરીક રોગોમાં આપણે આ ચેપ ફેલાવનાર જીવાણુઓ સામે લડવું પડે છે. જ્યારે માનસીક રોગમાં આપણી જ લાગણી કે ઈચ્છાઓ સાથે આપણે લડવાનો વારો આવે છે. અલબત્ત, આવું ભાગ્યે જ બને છે.
માસ હીસ્ટીરીયા
ત્રણેક વર્ષ પુર્વે કલકત્તા ટેલીફોન એક્ષચેંજમાં બનેલ સત્ય ઘટના ઉપર આધારીત આ વાત છે. ‘એપીડેમીક સાઈકોજેનીક ઈલનેસ’ અથવા તો ‘સોશીયોજેનીક ઈલનેસ’ તરીકે ઓળખાતા આ રોગમાં એક સાથે અનેક વ્યક્તીઓ (મોટે ભાગે યુવાન ઉમ્મરની છોકરીઓ) બીમાર પડે છે અને નાટકીય ઢબે સારી પણ થઈ જાય છે.
તાજેતરમાં મંડલ પંચની ભલામણોના અમલીકરણ પશ્ચાત આપણે યુવાન વયના વીદ્યાર્થીઓમાં ‘માસ સ્યુસાઈડ’નો જે ‘એપીડેમીક’ જોયો, તેમાં અને આ માસ હીસ્ટીરીયામાં એક વસ્તુ સરખી છે. વધુ પડતી પ્રસીદ્ધી, જાહેરાત, પુછપરછ તથા પબ્લીસીટીથી આ બન્ને રોગો વધુને વધુ માણસોને થાય છે અને પ્રસીદ્ધી બન્ધ કરી દેવાથી તે કેટલેક અંશે કાબુમાં પણ આવી જાય છે.
આવા રોગો એ દર્શાવે છે કે આપણું અજાગ્રત મન સામાજીક પ્રતીક્રીયાઓની અસરોને કેટલી તીવ્રતાથી ઝીલતું હોય છે! ફૅશનો કેટલી ઝડપથી બદલાઈ જતી હોય છે અને યુદ્ધો કેટલા ઝડપથી ફેલાઈ જતાં હોય છે!
રાજકારણીઓ, જાહેરખબર બનાવનારાઓ વગેરે આનો લાભ લેતા હોય છે. લોકો ઝડપથી બીજાના વર્તનમાંનું કંઈક ને કંઈક ‘આઈડેન્ટીફાય’ કરી લેતા હોય છે. અને જો એકસરખો હેતુ, ‘ચાર્જ્ડ’ વાતાવરણ અને સામુહીક ધોરણે સંડોવાવાનું મળે તો તરત જ લોકો પોતાના અજાગ્રત મનના દોરીસંચાર પ્રમાણે ‘સામુહીક વર્તન’ કરવા માંડતા હોય છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176,મુલ્ય :રુપીયા 50/–)માંનો આ દસમો લેખ, પુસ્તકનાં પાન 74થી 78 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ખુબ સુંદર અને ઉપયોગી માહીતીપ્રદાન લેખ. હાર્દીક અભીનંદન અને આભાર ડૉ. મુકુલભાઈ તથા બ્લૉગર ગોવીન્દભાઈ.
LikeLiked by 2 people
ડો મુકુલ માનસીક તથા જાતીય (સેક્સ) રોગોના નિષ્ણાત ઉપરાંત સારા સાહિત્યકાર કવિ પણ છે.તેથી તેમના લેખો સહજતાથી સમજાય તેવા હોય છે.તેમનો આ લેખ માહિતીપ્રદ અને સરળતાથી સમજાય તેવો છે.ધન્યવાદ
તેઓ જો આ સાથે આયુર્વેદના પણ અભ્યાસુ હોત તો વધુ સારું થાત.મા ગાંડાભાઇએ તેમના બ્લોગ પર દરશાવેલ ઉપચાર અમે ઘણા પર અજમાવેલ અને કોઇ પણ આડ અસર વગર સારા થયા હતા હીસ્ટીરીયા સ્ત્રીઓમાં થતો જાતીય જીવન સાથે સંબંધ ધરાવતો એક રોગ છે.
(૧) ૪ ગ્રામ ખુરાસાની વજનું કપડછાન ચુર્ણ ઘી, માખણ કે મધ સાથે દીવસમાં ચારેક વખત ચાટી ઉપરથી સાકરવાળું દુધ કે ખીર જેવી મીઠી વસ્તુ ધરાઈને ખાવી. હીસ્ટીરીયાનો રોગ આ પ્રયોગથી જડમુળથી મટી શકે છે.
(૨) ખજુરનો થોડા મહીના ખોરાક તરીકે ઉપયોગ કરવાથી સ્ત્રીઓનો હીસ્ટીરીયાનો રોગ મટે છે.
(૩) નારંગીનાં ફુલનો અર્ક પીવાથી સ્નાયુઓની દુર્બળતા અને હીસ્ટીરીયા જેવાં દર્દો દુર થાય છે.
(૪) સીતાફળીનાં પાનને પીસી રસ કાઢી નાકમાં ટીપાં પાડવાથી હીસ્ટીરીયાની મુર્ચ્છા દુર થાય છે.
(૫) લસણ પીસી સુંઘાડવાથી હીસ્ટીરીયાની મુર્ચ્છા મટે છે.
(૬) હીસ્ટીરીયાની ફીટ વખતે કાપેલી ડુંગળી સુંઘાડવાથી ચમત્કારીક ફાયદો કરે છે.
(૭) ડુંગળીના રસનાં ટીપાં નાકમાં પાડવાથી હીસ્ટીરીયા મટે છે.
(૮) દીવસમાં ચારેક વખત (દર ત્રણ કલાકે) ગુગળની ધુણી લેવાથી લાંબા સમયે હીસ્ટીરીયા મટે છે.
એલોપથી દવાઓ અસરકારક હોય છે પણ એકવાર લીધી તો ઘણી ખરી દવાઓ જીવનભર લેવી પડે છે અને આડાસરવાળી હોય છે તો જ્યાં શક્ય હોય ત્યાં બીજી પધ્ધતી પણ ઉપચાર કરવા જોઇએ
LikeLiked by 2 people
સરસ. ગમ્યું. આખો લેખ સરસ રીતે સમજાવ્યો. આવા લેખો હાઇશ્કુલના બાળકોના અભ્યાસમાં સામેલ થવા જોઇઅે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
જાણવા સમજવા જેવો આર્ટિકલ. ધન્યવાદ.
LikeLiked by 1 person
mass hysteria learnt first time- and also reason is to get more care and concern from people around. but its delicate and only expert dr can know the limit of treatment to bring them out of such shocks.
LikeLiked by 2 people