ભારતમાં વૈજ્ઞાનીક મીજાજ નથી

આપણે ભારતમાં વીજ્ઞાનશીક્ષણ, અવકાશવીજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આત્મનીર્ભર થવા ઉપરાંત આજે તો ઉપગ્રહો અવકાશમાં છોડવા માટે ઘણી નામના મેળવી છે. તો શું ભારત હવે વીજ્ઞાનમય બન્યું છે? ભારતની પ્રજામાં વૈજ્ઞાનીક અભીગમ વીકસ્યો છે? શું આપણે એવો દાવો કરી શકીએ કે ભારતમાં વૈજ્ઞાનીક અભીગમ અને વૈજ્ઞાનીક મીજાજ સ્વીકૃતી પામશે?

વીક્રમ સારાભાઈ
(1919-1971)

હોમી ભાભા
(1909-1966)

15

અનુબોધ

ભારતમાં વૈજ્ઞાનીક મીજાજ નથી

–ડૉ. બી. એ. પરીખ

ભારતમાં આદીકાળથી આજદીન સુધી કદી વીજ્ઞાનની, જ્ઞાનપ્રાપ્તીની વૈજ્ઞાનીક મીજાજ તેમ જ પદ્ધતીસર સાધના કરવામાં આવી નથી. તેનું પ્રથમ કારણ એ છે કે ભારતની પ્રજાની માનસીકતા પરમ્પરાગત રીતે અધ્યાત્મવાદી, તત્ત્વચીન્તનવાદી, વાસ્તવીકતા પ્રત્યે ઉપેક્ષા કરનારી રહી છે. હા, ભારતમાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં વીદ્વાન, ચીંતક, ઋષીમુનીઓ, ધર્મવેત્તાઓ થઈ ગયા. આ તમામે અઢળક સાહીત્ય આપ્યું; પરન્તુ આ તમામ સાહીત્યના જ્ઞાનમાં ધર્મ, આધ્યાત્મ જ કેન્દ્ર સ્થાને છે. ભારતનું શ્રેષ્ઠ પ્રદાન પ્રદર્શન તત્ત્વજ્ઞાનમાં જ રહ્યું છે. ધર્મના, તત્ત્વદર્શનના ગ્રન્થો ‘શાસ્ત્ર’ વીશે કહેવાતા વીદ્વાનો વચ્ચે વાદ–વીવાદ શાસ્ત્રાર્થ થતા; પરન્તુ તે કેવળ શાબ્દીક વાદ–વીવાદ જ. આ તમામમાં કેન્દ્ર વીષય તો તત્ત્વજ્ઞાન, ધર્મ, આધ્યાત્મ જ. વીશ્વમાં પ્રકૃતીની ખોજ તે બાબતે નવું નવું સંશોધન એ બધું તો સાવ અસ્પર્શ્ય જ હતું. એક કીસ્સો નોંધાયેલો છે કે મોગલ બાદશાહ જહાંગીરના દરબારમાં ઈંગ્લૅન્ડથી એલચી તરીકે ટોમસ રો આવ્યા હતા. આ ટોમસ રોએ જહાંગીરના દરબારમાં કહ્યું કે, ‘અમારા ઈંગ્લૅન્ડમાં આઈઝેક ન્યુટન નામના માણસે ખાસ નવો સીદ્ધાંત ‘ગુરુત્વાકર્ષણ’ શોધ્યો છે અને ગણીતની મદદથી આ સીદ્ધાંત યથાર્થ સાબીત કર્યો છે.’ વળી તેણે આ મોગલ દરબારમાં દુનીયાનો એટલાસ રચાયો છે તે વીશે માહીતી આપી. આ સાંભળીને જહાંગીરે પોતાના દરબારમાં વીદ્વાન પંડીતોને પુછ્યું કે, ‘આ શું છે?’ પંડીતોએ તરત જવાબ શોધ્યો કે, ‘આ બધું નર્યો બકવાસ છે.’ આ આપણા વીદ્વાન પંડીતો જેમને અઢારમી સદીમાં ભારતની બહાર દુનીયા છે તેનો ઝાઝો ખયાલ ન હતો. હા, ભારતમાં ધર્મગ્રન્થો, વેદ વગેરેમાં ‘વીજ્ઞાન’ કહી શકાય એવા કેટલાક પ્રાસંગીક, છુટાછવાયા ઉલ્લેખો છે તેની આપણે નોંધ લીધી છે; પરન્તુ આ વીદ્વાનોની કલ્પનાઓ, માન્યતાઓ તો પદ્ધતીસર વીચાર, ખોજ કર્યા પછી તારવેલાં તથ્યો નથી; પરન્તુ આકસ્મીક રીતે થયેલાં નીરીક્ષણો, અનુભવો વીશે વીચાર, ચીન્તન કર્યા પછી તારવેલાં અનુમાનો, તુક્કાઓ, કલ્પનાનો વ્યાપાર છે. આમ કહેવાનું કારણ એ કે આવાં કથનો રજુ કર્યા પછી તેવું વીધાન કરવા પાછળની ભુમીકા પણ સમજાવવામાં આવતી નથી. વળી આ કથનોની સચ્ચાઈ, યથાર્થતાની કસોટી, પરીક્ષણ, ભુમીકા પણ સમજાવાતી નથી. વળી આ કથનોની સચ્ચાઈ તપાસવાની, યથાર્થતાની કસોટી, પરીક્ષણ પણ કરાયાં નથી. વળી આગળ કોઈ વધારે વીચાર ખણખોદ થઈ નથી. આર્યભટ્ટ જેવા કેટલાક વીદ્વાનોનું ખગોળ, ગણીતમાં મૌલીક પ્રદાન છે; પરન્તુ આ વીદ્વાનોએ આપેલાં સુત્રો, માહીતીને તપાસી, પરીક્ષણ કરી સૈદ્ધાંતીક રુપમાં રજુ કરવાના પ્રયાસો થયા નથી. તેમ જ ત્યાર પછીની પેઢી પણ આગળ વધી નથી.

આપણે સૌ જાણીએ છીએ. ભારતના ધર્મગુરુઓ આંધળી ધર્મઘેલછાવાળા હતા. આવા વાતાવરણમાં તેમ જ અજ્ઞાન, વહેમ, અન્ધશ્રદ્ધાના અન્ધારામાં જીવતી પ્રજામાં ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણો સીવાય કોઈ પણ નાગરીક ભણેલો ન હતો. ભારત તો અજ્ઞાન તેમ જ પરમ્પરા, રુઢી, વહેમના વાતાવરણમાં જ જીવતું હતું અને કમનસીબે આ પરીસ્થીતીમાં આજે ઝાઝો સુધારો થયો નથી. અંગ્રેજ શાસકોનો આભાર માનવો જોઈએ કે 19મી સદીના મધ્યભાગથી ભારતમાં ઔપચારીક રીતે શાળાગત શીક્ષણની શરુઆત થઈ અને સમાજમાં ધર્મ, સંસ્કૃતીના પ્રભાવ નીચે પ્રવર્તમાન ક્રુર, અવીચારી, અન્યાયકારી પ્રથાઓ સામે સુધારા, લડતનો આરમ્ભ થયો. આમાં રાજા રામમોહનરાય, નર્મદ જેવા સમાજ સુધારકોને પ્રોત્સાહન મળ્યું. 1947માં ભારતની સ્વાતન્ત્ર્ય પ્રાપ્તી સમયના ગાળામાં ભારતના સાક્ષરતાનો આંક 12 ટકા હતો. તે હવે 74.04 ટકા છે. જે વીશ્વમાં સાક્ષરતા આંક 86.3 કરતાં ઘણો નીચો છે.

1947માં સ્વતન્ત્ર ભારતમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વૈજ્ઞાનીક મીજાજ અને સુઝ ધરાવતા પ્રગતીશીલ, ઉદારમતવાદી હતા. જવાહરલાલ નહેરુએ સ્પષ્ટ રીતે પોતાની વેદના પ્રગટ કરી છે કે વૈજ્ઞાનીક મીજાજ (Scientific Temper) એવું લક્ષણ છે કે જે ભારતીયોમાં જોવા મળતું નથી. નહેરુએ બહુ જ પ્રયત્નપુર્વક દીર્ઘદૃષ્ટી વાપરીને આપણા બંધારણમાં વૈજ્ઞાનીક મીજાજનો વીકાસ અને પ્રચાર એક મહત્ત્વના કાર્ય, ફરજ તરીકે સામેલ કરાવ્યું છે. ભારતના વહીવટમાં વીવીધ ખાતાઓ, વીભાગોમાં એક વીભાગ વીજ્ઞાન–ટૅકનોલૉજીના શીક્ષણ, સંશોધન તેમ જ પ્રચાર માટે પણ શરુ કર્યો. નહેરુએ દેશની જુદી જુદી અનેક ગમ્ભીર સમસ્યાઓ, પ્રશ્નો વીશે વૈજ્ઞાનીક સંશોધનને પ્રોત્સાહન આપવા વૈજ્ઞાનીક પ્રયોગશાળાઓ, વીજ્ઞાન અકાદમીઓ શરુ કરી, વીજ્ઞાનનો અભ્યાસ શાળા તેમ જ કૉલેજોમાં દાખલ કર્યો. ઈંગ્લેન્ડ, અમેરીકાની પ્રસીદ્ધ યુનીવર્સીટીઓમાં વીજ્ઞાન શીક્ષણ મેળવી ભારતમાં વીજ્ઞાનના અભ્યાસ તેમ જ સંશોધન માટે શીક્ષકોને પ્રોત્સાહીત કર્યા. આજે અનેક યુનીવર્સીટોમાં વીજ્ઞાનની વીવીધ શાખાઓમાં ઉચ્ચ શીક્ષણ તેમ જ સંશોધનની સુવીધાઓ છે અને હજારો સ્નાતકો એમાંથી બહાર નીકળે છે. વીશ્વમાં થતી નવી નવી શોધો, ટૅકલનોલૉજીનો ઉપયોગ આજે ઘરઘરમાં થઈ ગયો છે. અને નાનાં બાળકો પણ મોબાઈલ ફોનનો કુશળતાપુર્વક ઉપયોગ કરી શકે છે. સી.વી. રામન (1930) ભારતના વીજ્ઞાની તરીકે નોબેલ પારીતોષીક મેળવનાર સૌપ્રથમ વીજ્ઞાની હતા. અલબત્ત, ત્યાર પછી ચન્દ્રશેખર, હરગોવીન્દ ખુરાના, વેંકટરામન રામક્રીષ્નન વગેરેને નોબેલ પારીતોષીક મળ્યા છે. આ વીદ્વાનો ભારતીય મુળના તો ખરા; પરન્તુ તેમણે સંશોધન તો અમેરીકામાં જ કર્યું હતું. એવી ટીકા થાય છે કે આ વ્યક્તીઓ જો ભારતમાં જ રહી હોત તો તેમણે અધ્યાપક તરીકે ઉચ્ચ સ્થાન મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હોત. તેમના સંશોધનને પુરતું પ્રોત્સાહન કે મદદ ન જ મળ્યાં હોત. ભારતમાં વીજ્ઞાનશીક્ષણ ક્ષેત્રે આટલી પ્રગતી છતાં છેલ્લાં 87 વર્ષોથી ભારતમાં રહી, કામ કરતા કોઈ વીજ્ઞાનીને નોબેલ પારીતોષીક પ્રાપ્ત થયું નથી.

આપણે ભારતમાં વીજ્ઞાનશીક્ષણ, અવકાશવીજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આત્મનીર્ભર થવા ઉપરાંત આજે તો ઉપગ્રહો અવકાશમાં છોડવા માટે ઘણી નામના મેળવી છે. તો શું ભારત હવે વીજ્ઞાનમય બન્યું છે? ભારતની પ્રજામાં વૈજ્ઞાનીક અભીગમ વીકસ્યો છે? એવો દાવો કરી શકીએ? ના, ના અને ના, જરા પણ નહીં. ભારતમાં વીજ્ઞાનશીક્ષણનો ખુબ પ્રચાર, વીકાસ થયો છે; પરન્તુ સમગ્રપણે ભારતમાં 1947માં જવાહરલાલ નહેરુએ વૈજ્ઞાનીક મીજાજ, વૈજ્ઞાનીક અભીગમ વીકસાવવાની જે મનીષા પ્રગટ કરી હતી તે અભીગમ આજે 70 વર્ષ પછી પણ ક્યાંય દુર છે. ભારતની પ્રજા ધર્મઘેલછાભરી, અધ્યાત્મવાદી, વહેમ, અન્ધશ્રદ્ધામાં રાચતી પરમ્પરાવાદી, રુઢીગ્રસ્ત માનસીકતાવાળી અને આજે હીન્દુવાદમાં રાચનારી જ છે. અવૈજ્ઞાનીક મનોદશા, અવૈજ્ઞાનીક મીજાજ આજે એટલા જ પ્રભાવીત છે. ભારતની 130 કરોડની વસતીમાંથી માત્ર બે-પાંચ ટકા લોકો વૈજ્ઞાનીક મીજાજ, વૈજ્ઞાનીક અભીગમ અને રૅશનાલીઝમ તરફ વળ્યા છે.

કરુણતા એ છે કે વીજ્ઞાનના નીષ્ણાત શીક્ષકો છે. વીજ્ઞાનમાં સંશોધન કરી નામના મેળવનાર, વીજ્ઞાનીઓ છે; પરન્તુ મોટાભાગના આ વીદ્વાનોએ વીજ્ઞાન માત્ર એક વીષય તરીકે જ પચાવ્યું છે, જેમ બીજો કોઈ વીષય ભણે તેમ. વીજ્ઞાનમાં તાલીમ, શીક્ષણ, અધ્યાપન સંશોધન કર્યા; પણ જીવન વ્યવહાર, વીચારસરણીમાં, જીવનમાં તમામ પાસાંઓ પરત્વે જે વૈજ્ઞાનીક અભીગમ, વૈજ્ઞાનીક મીજાજ પ્રગટવો જોઈએ તે પ્રગટતો નથી જ નથી.

ભારતીય માનસ વૈજ્ઞાનીકતા તરફ નહીં ઝુકવાનું પ્રમુખ અવરોધક કારણ છે તે ધાર્મીકતા, આધ્યાત્મ અને ઈશ્વરી, દૈવી, અપાર્થીવ તત્ત્વમાં શ્રદ્ધા. ધર્મ અને અધ્યાત્મ ભારતીય નાગરીકના વ્યક્તીત્વ, જીવન અને વીચાર ક્રીયાનું અભીન્ન અંગ છે કે વીજ્ઞાનમાં તાલીમ અને વ્યવસાય છતાં તેમાં પરીવર્તન આવતું નથી એ એક મોટી કમનસીબી છે. ભારતીય માનસ સંકુચીત ધાર્મીક વૈચારીક વર્તુળમાં જ ઘેરાયેલું રહે છે.

વૈજ્ઞાનીક મીજાજ–અભીગમનો અર્થ કેટલાક ઈશ્વરનો ઈન્કાર એવો કરે છે અને ભારતમાં ધર્મઘેલી પ્રજાને એવો અર્થ અત્યન્ત વાંધાજનક જ લાગે. વાસ્તવમાં વૈજ્ઞાનીક મીજાજ એટલે પ્રાકૃતીક નહીં, એવા અલૌકીક, અપાર્થીવ, દૈવી કહેવાય, જેને કારણ કાર્ય સમ્બન્ધથી સમજાવી ન શકાય એવી ઘટનાઓ, સીદ્ધાંતો, માન્યતાઓનો સદન્તર ઈન્કાર થાય છે. વૈજ્ઞાનીક મીજાજ એટલે કોઈ વીદ્વાનનું કથન કે ધર્મગ્ન્થોના આદેશો શીરોમાન્ય ગણી વીના સંકોચે વીવાદ, શંકા કર્યા વગર સ્વીકારી ન લેવા તે. અલબત્ત આજે કેટલાક માણસો ‘નાસ્તીકતા’ના અર્થમાં ઈશ્વર અને દૈવી તત્ત્વ, મુર્તીનો સ્વીકાર કરતા નથી; પરન્તુ કોઈ પરમ શક્તી છે, જે આ સમગ્ર સૃષ્ટીની વ્યવસ્થા પાછળ છે એવા તત્ત્વનો ઈન્કાર નથી કરી શકતા. આવી મનોદશા ધરાવતા માણસો અર્થહીન કર્મકાંડો, પ્રાર્થના, પુજા, મન્દીર, ધર્મસ્થાનની યાત્રા, મુર્તીપુજા, જાતજાતની આધાર વગરની માન્યતાઓ વહેમોનો ઈન્કાર કરે છે અને વસ્તુલક્ષીતા, વાસ્તવીકતાનો આદર, સ્વીકાર કરે છે. કેટલેક અંશે આવી માનસીકતા તે વૈજ્ઞાનીક મીજાજ નહીં; પરન્તુ તે તરફનું વલણ છે એ રીતે સ્વીકારી શકાય.

પરન્તુ કમનસીબી એ છે કે આજે ભારતમાં ધર્મઘેલછા એટલા તીવ્ર, વીપુલ પ્રમાણમાં જીવન ઉપર છવાઈ ગઈ છે કે જાતજાતના તહેવારો ભારે જોરશોર ભપકાથી ઉજવાય છે. યેનકેન પ્રકારે જાતજાતના પ્રસંગે યાત્રાઓ થાય છે બાબા, બાપુ, માતાજીઓની પુજા થાય છે કથા, પારાયણો યોજાય છે. જથ્થાબન્ધ રુપમાં યાત્રાઓ થાય છે. એવો આંકડો મુકાય છે કે ભારત સરકારનું જે વાર્ષીક અન્દાજપત્ર છે તેના કરતાં ભારતમાં મન્દીરોની આવકનો સરવાળો ક્યાંય વધી જાય છે. ચારે બાજુ ગરીબી, અભાવ, નીરક્ષરતા, ગન્દકી, ગુંડાગીરી, બળાત્કારનું વાતાવરણ છે. તેની સામે લડવાને બદલે ધરમના નામે નાણાં ખરચવામાં જરાય સંકોચ થતો નથી. વધારે કરુણતા તો એ છે કે ‘ઈસરો’ (ISRO) જેવી વીશ્વ વીખ્યાત વીજ્ઞાન સંસ્થાએ મંગળયાન અવકાશમાં મુકવા માટે મુહુર્ત કાઢ્યું હતું. અને તે પહેલાં આ અભીયાનની સફળતા માટે ઈસરોના વડા વીજ્ઞાની પોતાના સાથી વીજ્ઞાનીઓ સાથે શ્રી બાલાજીને મંગળયાનની પ્રતીકૃતીની ભેટ ધરવા અને પ્રાર્થના કરવા ગયા હતા. આપણા દેશમાં ધર્મગુરુઓ અઢળક સમ્પત્તી દાનમાં મેળવે છે. જો ધારે તો આ સમપત્તીનો ઉપયોગ શીક્ષણના વીકાસ, વૈજ્ઞાનીકતાના પ્રચાર માટે કરી શકે; પરન્તુ આ ધર્મગુરુઓની બંધીયાર સંકુચીત રુચીને આ સુઝતું નથી. સ્વામીનારાયણ સમ્પ્રદાયે વીશ્વમાં 500થી વધારે ભવ્ય મન્દીરો બાંધવાનો રેકોર્ડ બનાવ્યો છે. મન્દીરોને બદલે આટલી જ શાળાઓ, વીજ્ઞાન સંસ્થાઓ બાંધી હોત તો? ટોચના વીજ્ઞાનીઓ, નેતાઓ આવી માનસીકતા ધરાવતા હોય તે દેશમાં વૈજ્ઞાનીક મીજાજ ક્યારે પ્રસરશે? તેનું ભાવી અકળ અન્ધકારમય છે.

ભારતમાં તમામ વીજ્ઞાનોની છત્રી રુપ મંડળ તરીકે ‘ઈન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસીએશન’ છે. તેનું 102મું વાર્ષીક સમ્મેલન 2014માં મળ્યું. ત્યારે આ વીજ્ઞાન મંડળની કાર્યસુચીમાં ‘જ્યોતીષ’ વીશે ચર્ચા કરવાનો કાર્યક્મ આમે જ કરવામાં આવ્યો હતો. હવે જો ટોચની વીજ્ઞાન સંસ્થા જ્યોતીષ જેવા ‘કૃતક વીજ્ઞાન’નું સમર્થન કરે તે તો આ દેશમાં વીજ્ઞાનનો વીનીપાત જ કહેવાય. ભારત સરકારની આજની હીન્દુવાદી સરકારે દેશની યુનીવર્સીટીઓમાં જ્યોતીષ, વાસ્તુ તેમ જ ધાર્મીક કર્મકાંડોનો અભ્યાસ દાખલ કરી તેમાં ડીગ્રી આપવાનો આદેશ આપ્યો છે. દેશની ઉચ્ચ વીજ્ઞાન સંશોધન અકાદમીઓ તેમ જ કેળવણી સંસ્થાનોમાં હીન્દુવાદી, ધાર્મીક માનસ ધરાવતા વીદ્વાનોની જ નીમણુક થાય તેવા આગ્રહો રખાય છે. 2014-15માં ‘ઈન્ડીયન સાયન્સ કોંગ્રેસ’ના અધીવેશનમાં ઉદ્ધાટન વ્યાખ્યાન આપતી વેળા આપણા વડાપ્રધાને પુરા વીશ્વાસથી કહ્યું હતું કે, ‘ભારત દેશે પુરાણા કાળમાં આજના વીજ્ઞાનને ટક્કર મારે તેવી અપુર્વ સીદ્ધીઓ મેળવી હતી. આજે જે કંઈ નવી શોધો ટૅકનોલૉજી છે એ બધું આપણા દેશ ભારતમાં હતું જ.’ કમનસીબી એ છે કે કોઈ વીજ્ઞાનીએ દેશના ઉચ્ચ કોટીના અધીકારી–નેતાના આ વીધાનોનો પડકાર કર્યો નથી. ભારતની આ સુઘડ કહેવાય તેવી અન્ધશ્રદ્ધ, મીથ્યાભીમાનનું દેશના સર્વોચ્ચ નેતાના મુખેથી સમર્થન થાય તે આ દેશની પુજાની બન્ધીયાર માનસીકતા, વૈચારીક અન્ધાપાનો પ્રત્યક્ષ પુરાવો છે. વૈજ્ઞાનીક મીજાજના પ્રખર સમર્થક અને પ્રચારક એવા એક વીજ્ઞાની ડૉ. ભાર્ગવે ‘Society for scientific Temper’ નામના મંડળની સ્થાપના કરી અને તેમાં વીજ્ઞાનીઓને નીચેનાં વીધાન વાંચી તેનો તે સ્વીકાર કરે છે એવું બતાવવા સહી મેળવવાનું અભીયાન આદર્યુ છે. વીધાન આ પ્રમાણે છે :

‘I believe that knowledge can be acquired only through human endavour and not by revelation and that all problems can be and must be in fact in terms of man’s moral and intellectual resolves without invoking super natural power’

કમનસીબી જુઓ કે આપણા ભારત દેશના કોઈ જાણીતા વીજ્ઞાનીઓ આ પ્રતીજ્ઞાપત્ર ઉપર સહી કરવા તૈયાર થયા નહીં. પ્રૉફેસસી.એન.આર. રાવ ‘ભારતરત્ન’નું બહુમાન પામેલા અવકાશ વીજ્ઞાનીએ હતાશાનો સુર કાઢ્યો છે કે “ભારતમાં વીજ્ઞાન, ટૅકનોલૉજીમાં પ્રવીણતા, તેજસ્વીતાનો ઉપયોગ માત્ર ધન્ધાકીય હેતુ અર્થે, નાણાં કમાવા માટે થાય છે. વૈજ્ઞાનીક મીજાજ, વૈજ્ઞાનીક અભીગમ એવી બાબત છે કે જે કદી આપણા દેશમાં સ્વીકૃતી પ્રચાર પામશે નહીં.”

સુરતની 1979-80માં સ્થપાયેલી સત્યશોધક સભા પ્રજામાં વહેમ, અન્ધશ્રદ્ધાનું ઉન્મુલન થાય. યુવકો, વીદ્યાર્થોમાં વૈજ્ઞાનીક અભીગમ, વૈજ્ઞાનીક રીતે વીચારવાનું માનસ પ્રગટે તે દીશામાં કાર્યક્રમો આપવાનું, સાહીત્ય પ્રગટ કરવાનું, અન્ધશ્રદ્ધા સામે પડકારો ફેંકવાનું કાર્ય કરે છે, જેની વ્યાપકપણે નોંધ લેવાઈ છે. ‘દેવાર્પણ, દેવવાદ’ની દૃષ્ટીએ ગીતામાં બોધ આપ્યો છે કે, ‘સંશયાત્મા વીનસ્પતી’. ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્’ એ દૃષ્ટીકોણનો અમે વીરોધ, પ્રતીકાર કરીએ છીએ. જેને વૈજ્ઞાનીક અભીગમ કહીએ છીએ તે છે ‘શંકા કરો, તપાસ કરો’ કોઈના કથનો, વેદ વાક્ય પણ શ્રદ્ધાથી સ્વીકારી ન લો, એ અભીગમ સરેરાશ ભારતીય માટે આજે પણ સહજ નથી. ભારતમાં વીજ્ઞાન હતું, વૈજ્ઞાનીક શોધો થઈ હતી તેવા આંધળા, મીથ્યાભીમાનમાં રાચવાને બદલે વાસ્તવીક અર્થમાં વીજ્ઞાન–વૈજ્ઞાનીક જ્ઞાન, વૈજ્ઞાનીક અભીગમ શું તે સમજીએ અને વૈજ્ઞાનીક મીજાજ જીવનમાં વીકસાવીએ.

(સમાપ્ત)

–ડૉ. બી. એ. પરીખ

લેખક ડૉ. બી. એ. પરીખનું  વૈજ્ઞાનીક વલણ ધરાવતું પુસ્તક ‘વીજ્ઞાનવીકાસ અને ભારતમાં વીજ્ઞાન’ (પ્રકાશક : સાહીત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત – 395 001 ફોન નંબર : (0261) 259 7882/ 259 2563 –મેઈલ : sahityasangamnjk@gmail.com પાનાં : 80,મુલ્ય :રુપીયા 80/)માંનો આ 14મો અને અન્તીમ લેખ, પુસ્તકનાં પાન 74થી 79 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સંપર્ક : ડૉ. બી. એ. પરીખ, 154, સર્જન સોસાયટી, પાર્લે પોઈન્ટ, સુરત – 395 007 સેલફોન : 99241 25201 મેઈલ : bhanuprasadparikh@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00  અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

6 Comments

  1. Respected Parikh Saheb, Like your article, which is a part of the small booklet. It is very true and sad that most of the Indian scientists have no scientific temperament nor attitude. The glaring example is of former and late president Dr. Abdul Kalam, who was kind of devotee of late Pramukh Swami of BAPS.
    as long as I am on line,would like to point out one factual mistake that Sir Isaac Newton was born in 1643 while Jahangir died in 1627, and Sir Tomas Rowe came to his court in early 1600, before even Newton was born.

    Liked by 1 person

  2. ખુબ સરસ લેખ ગોવિંદભાઈ અને બી. એ. પરીખ આભાર. ભારત ૧૯૪૭ માં ફક્ત ભૌગોલીક રીતે આઝાદ થયું , માનસીક રીતે ગુલામ જ રહ્યું. જે દુખદ બાબત છે. જે દેશમાં ફક્ત ને ફક્ત વોટબેંક માટે અંધશ્રધ્ધાને સરકારી પ્રોત્સાહન મળતું હોય તે દેશમાં પ્રજામાં વૈજ્ઞાનીક અભીગમ કેળવવો સદીઓ નો સમય માંગતી સમસ્યા છે.

    Liked by 1 person

  3. Shri Dineshbhai,
    Thank you for pointing out the discrepancy of dates of Newton and Jehangir. However I have borrowed this statement from a book written for development of Science. I will be check it.
    Thank you.
    B.A.Parikh

    Liked by 1 person

  4. અદ્દભૂત લેખ.પરીખ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s