ચાલો, ગુરુજીનો પ્રથમ છીંક દીન ઉજવીએ

સાંસારીક મોહમાયા, દુન્યવી વળગણોનો ત્યાગ કરી દીધો હોવાનો દાવો કરનારા ઘણા લોકોને કયો મોટો મોહ હોય છે? પોતાનું મુળ નામ પણ પાછળ છોડી દેનારા ઘણા લોકો નવા નામની આગળ પાછળ વીશેષણોની લાંબીલચક પુંછડી લગાડવાની લાલસા શા માટે કરે છે? કેટલાક ગુરુજીઓ માટે ઈમ્પ્રેસીવ વીશેષણો અને ઉજવણીના નીમીત્ત શોધવાનું કામ કોણ કરે છે?

ચાલો, ગુરુજીનો પ્રથમ છીંક દીન ઉજવીએ

વર્ષા પાઠક

…‘કોઈ પગે પડવા આવે, એ મને જરાય ગમતું નથી; પણ શું કરું, લોકો માનતા નથી. ના પાડું તો એમની લાગણી દુભાય….’

એકથી વધુ ધર્મગુરુઓ અને કથાકારોને મોઢેથી મેં આ શબ્દો સાંભળ્યા છે. આ એ જ લોકો છે, જેમના માટે એવું કહેવાતું રહે છે કે, બાપુના એક આદેશથી સેંકડો લોકોએ તમાકુનું વ્યાસન છોડી દીધું… ગુરુજીએ માત્ર એક વાર કહ્યું, અને પુણ્યકાર્ય માટે કરોડોનું દાન એકઠું થઈ ગયું… મહારાજનો પડ્યો બોલ ઝીલવા ભક્તો તત્પર રહે છે વગેરે વગેરે…

વાતનો કંઈ મેળ પડે છે? કહ્યાગરો ભક્ત બાબાજીની એક વાત, એમાંય બહુ અઘરી વાત માને, ગુટખાનું દાયકાઓ જુનું વ્યાસન ત્યાગી દે; પણ પરમ પુજ્ય વ્યક્તી તરફથી એમના ચરણસ્પર્શ કરવાની સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવે, તો પાછો એ જ ભાવીક બગાવત કરે. ગળે ઉતરે છે? અહી મારો અંગત અભીપ્રાય એ છે કે, જે લોકોએ સાંસારીક મોહમાયા, દુન્યવી વળગણોનો ત્યાગ કરી દીધો હોવાનો દાવો થાય છે, એમને પણ આ એક મોટો મોહ તો રહે જ છે કે, બધાં આવીને મને પગે લાગે. હવે, કોઈ ને આવું ગમતું હોય તો એમાં જો કે કઈ ખોટું નથી. તમે પગે લાગો, હું આશીર્વાદ આપું, એ ગેમમાં બન્ને વ્યક્તીને મજા આવતી હોય તો ત્રીજીએ શું કામ વાંધો લેવો જોઈએ? પણ, તો પછી કોઈ મહાત્માએ ‘મને આવું ગમતું નથી પણ ભક્તો માનતા નથી…’ વાળો ઢોંગી દાવો કરવાનો નહીં.

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહેવાય છે કે, એ બહુ સ્માર્ટ છે. કોઈ વીવાદાસ્પદ મુદ્દા પર એમણે કઈ કહેવું હોય તો પોતે બોલે નહીં, પણ પક્ષનાં મ્હોફાટ કાર્યકર્તાઓને છુટો દોર આપી રાખે. મુસીબત ઉભી થાય તો સાહેબ કહી શકે કે, અમે તો બોયાય નથી ને ચાયાય નથી. એમના જ પક્ષવાળા એમને છોટે સરદાર તરીકે જાહેરમાં બીરદાવે, તોયે સાહેબ કોઈને અટકાવે નહીં, બોલે જ નહીં. ધારોકે કાલ ઉઠીને આ બાબતમાં એમને કોઈ પુછે તો પીએમ હાથ ઉંચા કરી શકે કે લોકો આવું કહેતા હોય તો હું એમને કઈ રીતે અટકાવી શકું? અફકોર્સ, રાજકારણમાં આવું ચાલ્યા કરે, બધાં મોટા નેતાઓ ખુદને પરમ પુજ્ય, પ્રાતઃસ્મરણીય વ્યક્તી તરીકે પ્રોજેક્ટ કરવાની ટ્રાય કરે; પણ, એ જમાત ક્યારેય પોતાને વૈરાગી ગણાવવાનો દમ્ભ તો નથી કરતી ને? બીજી તરફ કથીત ધર્મગુરુઓ આવું કરે છે. ચરણસ્પર્શ તો નાની વાત થઈ; પણ આ પ.પુ.ધ.ધુ.ઓ, એમની પ્રશંસા કરતી મોટી મોટી જાહેરખબરો છાપામાં છપાય, લાખો કરોડોના ખર્ચે સન્માન સમારોહ યોજાય, ત્યારે કોઈને રોકતા નથી, ઉંચા આસને બેસીને તમાશો જુએ છે, માણે છે અને નીર્મોહી હોવાની એક્ટીંગ કરે છે. સંસારીજનો લગ્ન જેવા પ્રસંગે, પોતે કમાયેલા રુપીયા પાણીની જેમ વાપરે ત્યારે ઘણીવાર એમની ટીકા થાય છે; પણ કથીત સાધુસંતોને તો કંઈ કહેવાય નહીં. કહો તો જવાબ મળે કે આ તો ભક્તોનો ભાવ છે.

અને ભક્તોના ભાવનો તો પાર નથી. ‘અમારા ગુરુજી તમારા ગુરુ કરતા વધુ મોટા, મહાન છે, અને અમારી ભક્તી તમારા કરતા વધુ ચઢીયાતી છે’ આ પુરવાર કરવા માટે જે સ્પર્ધા થાય છે, એમાં છેલ્લા થોડા સમયથી ભારે ઉછાળો આવ્યો છે. શીષ્યો કોઈ ને કોઈ મોકો ગોતતા રહે. પોતાના ગુરુજીનો જન્મદીન અને નીર્વાણ દીન તો સહુ ઉજવે; પણ આપણે કુછ હટકે કરવું જોઈએ, એવું માનતા કોઈ સ્માર્ટ ભક્તે, એક દીવસ, બાબાજીના સંસારત્યાગનો અવસર ગોતી કાઢ્યો, અને પછી બધા મંડી પડ્યા. હેપ્પી બર્થડેની જેમ હેપ્પી હોમલીવીંગ ડે (અલબત આવા શબ્દોમાં નહીં)ની મસમોટી જાહેરખબરો હવે છપાવા માંડી છે. ભક્તોનું બજેટ મોટું હોય ત્યારે જાહેરખબર મોટી અને પછી મોટો સન્માન સમારમ્ભ પણ યોજાય.

વાત અહીં પુરી થતી નથી. સમારમ્ભની અમુકતમુક વીધીમાં ભાગ લેનાર માટે ભોજનની વ્યવસ્થા રાખવાની પ્રથા તો જુની, વેરી કૉમન થઈ ગઈ, એટલે હવે એમને રીટર્ન ગીફ્ટ જેવી વસ્તુઓ મળશે એવી જાહેરાત પણ ખુલ્લેઆમ કરી દેવાય છે. બીજા શબ્દોમાં કહો તો ક્રાઉડ ભેગું કરવા માટેની પેરવીઓ માત્ર પોલીટીશીયન્સ કે એમના ટેકેદારો નથી કરતા. અને હા, સંસારીજનો પોતાના કાર્યક્રમોની વેલ્યુ વધારવા માટે એમાં મોટા, જાણીતા લોકોને હાજર રહેવાનું આમન્ત્રણ આપે, એમ આવા સન્તસન્માન સમારોહનીની રોનક વધારવા માટે વીઆઈપી ને નોતરા અપાય. શાણાં રાજકારણીઓ એમાં હાજર રહીને ફોટા પડાવે, જે બીજે દીવસે છાપામાં છપાય એવા પેંતરા બધા કરે. અને હા આ બાબતે કંઈ ટીકાટીપ્પણ થાય તો અનુયાયીઓ દોડીને ટીકાકારને ખોખરા કરી નાખે, ગુરુજીને પુછો તો કહે હેં, આવું થયું? મને તો ખબર જ નથી. ચાલો, એક વાર ખબર નહોતી, એવું માની લો; પણ દર વખતે? ભક્તોને એ કહી ના શકે કે, ગુરુની ટીકા સહન કરી લ્યો? પણ કહેવું હોય તો ને…

સંસારનો ત્યાગ કરનારા ઘણા લોકો પોતાનું મુળ નામ પણ પાછળ છોડી દે છે; પરન્તુ પછી નવા નામની આગળ પાછળ વીશેષણોની લાંબીલચક પુંછડી લગાડવાની લાલસા કેમ જતી નહીં હોય, આ પ્રશ્ન આજ પહેલા પણ મેં આપણી આ કૉલમમાં પુછેલો, એનો ઉત્તર નથી મળ્યો પણ પુંછડીની લમ્બાઈ જરુર વધી રહી છે. હવે માત્ર પ.પુ.ધ.ધુ., એટલેકે પરમપુજ્ય ધર્મધુરંધરથી કામ નહીં ચાલે. એમાય કોમ્પીટીશન.

મને ઘણીવાર સવાલ થાય કે ગુરુજી માટે આવા ઈમ્પ્રેસીવ વીશેષણો અને ઉજવણીના નીમીત્ત શોધવાનું કામ કોણ કરતું હશે? કોઈ સ્પેશીયલ કમીટી આ માટે નીમાતી હશે? ગ્રીટીંગ કાર્ડ્સ બનાવતી હોલમાર્ક જેવી કમ્પનીઓ પોતાનું વેચાણ વધારવા માટે જાતજાતના દીવસોને ભાતભાતના નામ આપે છે. મધર્સ ડે, ડોક્ટર્સ ડે, નર્સીસ ડે વગેરે. એમની મદદ લેવાતી હશે? અને સહુથી મોટો પ્રશ્ન તો ઉભો જ રહ્યો કે, બાબાજીને બધું આ ગમતું હશે? અને ગમતું હોય તો પછી મારા તમારા જેવા લોકોને એ બધી મોહમાયા, ભૌતીક લાલસાઓ છોડી દેવાની શીખામણો શું કામ આપતા હશે?

ઘણા વર્ષો પહેલાની વાત છે. મારા જેવાને તો સાંભળીને પણ ચક્કર આવી જાય એટલા લાંબા ઉપવાસ કરનારા એક સાધુ મહારાજને મળવા હું ગયેલી. એમણે એ પહેલા પણ આવા ઉપવાસ કરેલા. ત્યાં હાજર રહેલા એમના એક શીષ્યે, ભાવવીભોર અવાજે મને કહ્યું, ‘………..જી ગીની’સનો અત્યાર સુધીનો રેકોર્ડ તોડવાના છે.’ આવું સાંભળીને મને એ દીવસે જે વીચાર આવેલા, એ તમને અત્યારે આવે છે?

(આ લેખમાં કોઈ ધર્મગુરુ કે સમ્પ્રદાયની વાત કરવામાં આવી નથી એટલે કોઈએ બન્ધબેસતી પાઘડી પહેરવી નહીં. લેખનો હેતુ માત્ર આંધળી ગુરુભક્તી સામે વાચકોને સજાગ કરવાનો છે.)

વર્ષા પાઠક

‘દીવ્ય ભાસ્કર’, દૈનીક, સુરતની તારીખ 21 જાન્યુઆરી, 2015ની ‘કળશ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર આપણી વાતમાંથી.. લેખીકા બહેનના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક : વર્ષા પાઠકઈ.મેઈલ : viji59@msn.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

7 Comments

 1. श्रद्धालु को ईश्वर आगे होने से अगर काम न हुआ, तो भाग्य को दोष देनेकी सुविधा है, नास्तिक को सिर्फ आत्मविश्वास पैदा करना ही होगा ।

  Liked by 2 people

 2. વર્ષાબેને આ લેખ લખી નાંખ્યો અને નીચે નોંઘ લખી…………‘ આ લેખમાં કોઇ ઘર્મગુરુ કે સંપ્રદાયની વાત કરવામાં આવી નથી અેટલે કોઇઅે બન્ઘબેસતી પાઘડિ પહેરવી નહીં. લેખનો હેતુ માત્ર આંઘળી ગુરુભક્તિ સામે વાચકોને સજાગ કરવાનો છે. ‘
  ખૂબ જ ઘ્યાનપૂર્વક લેખનું વાંચન વાચકને કહેશે કે આ નોંઘ તેના લેખને અનુસરતી નથી.. હું વઘુ વિગતો નહિં લખું. વાચકો અને લેખક જાતે વિચારે.
  મારા વિચારો….ફક્ત મારા વિચારો…..
  ગુરુઓ જન્મતા નથી…પોતે બની બેસતા નથી….તેઓ સ્માર્ટ હોય છે….લોકો તેમને સાથ આપે છે…જન્મ આપે છે…….લોકો તેમને આંઘળો સાથ આપીને પોતાની જાતને ‘ મુરખ ‘ સાબિત કરતા હોય છે.
  અરે જો વાત જ કરવી હોય તો આજના કે પાછલા જમાનાના આમુક લેખકો કે સાહિત્યકારો પણ પોલીટીક્સ રમીને પોતાની જાતને ‘ ઉપર ‘ લાવવાની કોશીષ કરતા રહેતા હોય છે. ફિલ્મના અેક્ટરો પણ.
  લેખકે પોલીટીશીયનોમાંના અેક જ પોલીટીશીયનનું ( કદાચ તેમને નહિ ગમતા હોય તેના સ્વરુપે…) નામ લખીને તેના ગુણો ગાયા….જ્યાં તેમણે ન્યુટરલ રહીને પોતાનો સંદેશો આપવો જોઇઅે…કોઇ અેક પર્ટીક્યુલરના નામ સાથે નહિ.
  અહિ તેઓ પોતાની નોંઘને અવગણે છે.
  જમાનાપૂર્વેથી…જ્યાં સુઘી નજર મારી જાય છે ત્યાં સુઘીના સમય સુઘી…માનવ સમાજનો આ અેક જીનેટીક ગુણ છે. લેખકો પણ આમાંથી બાકાત નથી.
  હાલમાં અેક મેડીકલ હોસ્પીટલના મુખ્ય આવકાર ટેબલ ઉપર વાંચેલું યાદ આવે છે. કોણ આ સુંદર ક્વોટને અનુસરે છે ?

  ” The greatest challenge in life is discovering who you are ? The second greatest is being happy with what you find.”
  લેખ સારો બનાવ્યો છે પરંતું કોઇનું પરસનલ નામ લઇને બનાવેલો ફકરો ખુબ ખોટો બનાવેલો છે. પોલીટીશીયનના આખા ગ્રુપ માટે લખ્યો હોત તો ન્યાયી બન્યો હોત. લેખકે પોતાની ગમતી કે અઅણગમતી વ્યક્તિને નામે છાપી છે. ટોટલી અન્યાયી .
  આ મારા વિચાર છે.
  અમૃત હઝારી.

  Liked by 2 people

  1. વર્ષા પાઠકનો લેખ વાચ્યો . અમૃતભાઈ હઝારી સાહેબ આપે બહુજ સુંદર કોમ્મેટ “કોઇનું પરસનલ નામ લઇને બનાવેલો ફકરો ખુબ ખોટો બનાવેલો છે. પોલીટીશીયનના આખા ગ્રુપ માટે લખ્યો હોત તો ન્યાયી બન્યો હોત. લેખકે પોતાની ગમતી કે અઅણગમતી વ્યક્તિને નામે છાપી છે. ટોટલી અન્યાયી”
   મારા મતે એવું લાગે છે કે આ લેખ જૈન ગુરુઓને લાગુ થાય છે એવું લાગે છે. ગુરુઓ શિખામણ આપે એમાં ગેરવ્યાજબી શું? વર્ષાબેન તમે ભક્તોને સમજદાર છે એવું સમજજો. ગેર સમાજ કરશો નહિ. ભક્તો ગુરુજનોને ભાવથીજ ફક્ત વંદન કરતા હોય છે. પગે પડતા હોય છે. ગુરુજી આશિર્વાદ આપે તે ફળે પણ . ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે “શ્રદ્ધા પરમ દુલ્લહા” શ્રદ્ધા પરમ દુર્લ્લભ છે. વધતે શું કહું.. જય જીનેન્દ્રા.

   Liked by 2 people

 3. I just read…” Man is, basically & psychologically a STATUS SEEKING ANIMAL. ”
  This is THE nature of a live man. In my comment I have mentioned.
  Amrut Hazari.

  Liked by 2 people

 4. સુ.શ્રી વર્ષાજીએ સંતોના વેષમા ઠગો અંગે લોક જાગરણનું સ રસ કામ કર્યું.
  સાથે રાજકારણમા કહેવાતા બુધ્ધિશાળીની વાત-‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કહેવાય છે કે, એ બહુ સ્માર્ટ છે. મુસીબત ઉભી થાય તો સાહેબ કહી શકે કે, અમે તો બોયાય નથી ને ચાયાય નથી. એમના જ પક્ષવાળા એમને છોટે સરદાર તરીકે જાહેરમાં બીરદાવે, તોયે સાહેબ કોઈને અટકાવે નહીં, બોલે જ નહીં. ધારોકે કાલ ઉઠીને આ બાબતમાં એમને કોઈ પુછે તો પીએમ હાથ ઉંચા કરી શકે કે લોકો આવું કહેતા હોય તો હું એમને કઈ રીતે અટકાવી શકું? અફકોર્સ, રાજકારણમાં આવું ચાલ્યા કરે, બધાં મોટા નેતાઓ ખુદને પરમ પુજ્ય, પ્રાતઃસ્મરણીય વ્યક્તી તરીકે પ્રોજેક્ટ કરવાની ટ્રાય કરે; પણ, એ જમાત ક્યારેય પોતાને વૈરાગી ગણાવવાનો દમ્ભ તો નથી કરતી ને? ‘
  અહીં વ્યક્તિનો નહીં, તેની નીતિનો તાર્કિક વિરોધ કરવાનો આપણને અધિકાર છે. વ્યક્તિવિરોધી નહીં, નીતિવિરોધી બનો. તમારાથી અલગ માનસિકતા ધરાવતા વ્યક્તિના પણ સારા ગુણોની પ્રશંસા કરવી તેનું નામ ખેલદિલી .
  વિવિધ દેશોમાં લોકો સાથે વ્યવહાર કરવામાં માનવીય પાસાંનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે, મઘ્ય ચીનમાં કર્મચારીને જાહેરમાં ખખડાવવાનો રિવાજ સ્વીકાર્ય છે, તેનાથી પ્રોડકિટવિટી વધતી દેખાઇ છે અને ત્યાં લીડરશિપ માટે તેને ગુણ ગણાય છે. કોરિયામાં કર્મચારીઓ પ્રત્યે તેનો લીડર પિતૃભાવ રાખે તે યોગ્ય ગણાય છે. રશિયા, આરબ અમિરાત, લેટિન અમેરિકન દેશો વગેરેમાં લીડર આપખુદ સરમુખત્યાર જેવો હોય તે બાબત કલ્ચરલી સ્વીકારાઇ ગઇ છે. પણ, ભારતમાં માનવીય વ્યવહારનું ઘણું મહત્વ છે. સફળ લીડર માનવીય વ્યવહાર કરનાર હોવાના કારણે જો સફળતા મેળવતા હોય તો તમે શું માનવીય વ્યવહાર નથી કરતા? સફળ માસણો જે કામ કરે છે તે પૂરા દિલથી, પૂરા જુસ્સાથી, પૂરા જોમથી કરે છે.કહેવાતા પ્રબુધ્ધ લોકો તેવા લોકો માત્ર સત્તા ખાતર જ આ દેશના હિતવિરોધીઓ તરીકે ઉભરી આવ્યા છે,આ સ્ક્રિજોફેનિયા એ બુધ્ધિશાળી અને મહત્વકાંક્ષીદેશના બધા કહેવાતાં ધર્મનિરપેક્ષ નેતા મોદી પર આક્રમણ કરવા ગુજરાતમાં દોડી આવ્યાં હતાં. તેનું પરિણામ આપણે બધા જાણીએ છીએ હવે ક્યાં સુધી ક્યારેક ધર્મ તો ક્યારેક જાતિને આધારે તૃષ્ટિકરણની નીતિ અપનાવીને મુત્સદીગીરીનું રાજકારણ આ દેશ રમ્યા કરશે? અત્યારે બુદ્ધુ ગાંધીવાદીઓ પણ મોદી સ્ટાઇલના કૂર્તા પહેરીને મોદીની જ કૂથલી કરીને પોતાને બુદ્ધિશાળી ગણાવે છે!
  તેઓ જેવા બુદ્ધિવાદી સામાન્ય માનવી આવા ઠગો અને અલગ માનસિકતા ધરાવતા વ્યક્તિ તરફ નફરતની નજરે જોતો થાય છે. એ અસહિષ્ણુ બને છે, વક્રદર્શી બને છે, ને અન્તે શૂન્યવાદી બનીને નરી નિરાશા ફેલાવે છે
  .

  Liked by 1 person

 5. વર્ષા પાઠકજીનો લેખ ખરેખર ખુબ સરસ છે. ધન્યવાદ.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s