કોઈ પણ દેશ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો હોય તો જ તે મજબુત બની શકે? આપણા દેશમાં થતાં હજારો વીશ્વશાંતી યજ્ઞો, કથા–પારાયણ વગેરેથી કોઈ નક્કર ફાયદો થયો? શું મન્ત્રતન્ત્રથી વીજળી પેદા કરી શકો ખરાં…? આપણે વીજ્ઞાન અને ટૅક્નોલૉજીથી જેટલા સુખી થયા છીએ તેટલા ધર્મગ્રન્થો, વેદ, ઉપનીષદો કે મન્દીરોથી સુખી થયા છીએ ખરાં?
મન્ત્ર, તન્ત્ર અને ટૅકનોલૉજી
– દીનેશ પાંચાલ
હમણાં પ્લેટોનું એક વીધાન વાંચવા મળ્યું. પ્લેટોએ કહેલું : “કોઈ પણ દેશ ઈશ્વરમાં શ્રદ્ધા ન ધરાવતો હોય તો તે મજબુત બની શકે નહીં…!” આ વાત સાથે સમ્મત થવાય એવું નથી. સત્ય એ છે કે કોઈ પણ દેશ તેના નેતાઓની ઈમાનદારીથી અને ચારીત્ર્યવાન પ્રજાથી ઉંચો આવી શકે. પ્રગતી માટે એકલી શ્રદ્ધા ન ચાલે… બુદ્ધીપુર્વકનો શ્રમ જરુરી ગણાય. આપણા દેશમાં આજપર્યંત હજારોની સંખ્યામાં વીશ્વશાંતી યજ્ઞો થયાં છે. કથા પારાયણ યજ્ઞો વગેરે હમ્મેશાં થતાં રહે છે; પણ તેનો કોઈ નક્કર ફાયદો થયો ખરો…? શું આપણે એવું કહી શકવાની સ્થીતીમાં છીએ ખરાં કે અમે સૌ ભારતીઓએ આઝાદી પછી એકધારુ ભગવાનને ભજવાનું ચાલુ રાખ્યું તેથી અમે આટલા બધાં બંધો બાંધી શક્યા. આટલા ઉપગ્રહો છોડી શક્યા… આટલા ઉદ્યોગો સ્થાપી શક્યાં. પશ્ચીમના દેશો સાથે આપણી સરખામણી કરીએ છીએ ત્યારે ક્ષણે ક્ષણે એવી પ્રતીતી થાય છે કે મોડા માડાય આપણે વીજ્ઞાન અને ટૅક્નોલૉજીથી જેટલા સુખી થઈ શક્યા છીએ તેટલા ધર્મગ્રન્થો, વેદ, ઉપનીષદો કે મન્દીરોથી નથી થઈ શક્યા. ધર્મગ્રંથો અને મન્દીરો માણસને થોડીક શાંતી આપે છે. વીજ્ઞાન અને ટૅક્નોલૉજી સુખ, શાંતી અને સમૃદ્ધી આપીને જ અટકતાં નથી, તે અલ્લાદીનના જાદુઈ ચીરાગની જેમ વીજળીથી એ.સી.ની ઠંડક પણ આપે છે અને શીયાળામાં હીટરથી ગરમી પણ આપે છે. કહો જોઉં તમે મન્ત્રતન્ત્રથી વીજળી પેદા કરી શકો ખરા…?? મન્દીર એટલે રીઝલ્ટ પહેલાની લોટરીની ટીકીટ… અને મૉલ એટલે લોટરી લાગ્યા પછીની ટીકીટ…! મન્દીર વીના માણસ જીવી શકે; પરન્તુ ધરતી પર અગર ભગવાન અવતરે તો મૉલ વીના તેને પણ જીવવાનું ભારે પડી જાય…!”
દોસ્તો, શ્રદ્ધા કાગળના ફુલ જેવી છે. તે શોભા આપે છે પણ સુગન્ધ નથી આપતી. જીવનને સુખથી શણગારવું હોય તો અન્તરના ઓરડામાં જ્ઞાન, વીજ્ઞાન અને બુદ્ધીનો બલ્બ સળગાવવો પડે. ઈલેક્ટ્રીક ટમટમીયું ન ચાલે… શ્રદ્ધા ફેઈસ પૌડર જેવી છે. જેના ચહેરા પર લાગે તેનો ચહેરો થોડા સમય માટે ઉજળો દેખાય. જ્યારે પરીશ્રમ પ્લાસ્ટીક સર્જરી જેવો ગણાય. તેનાથી માણસની નક્કર પ્રગતી થાય છે.
દોસ્તો, જીવનમાં શ્રદ્ધાનો થોડોક ફાયદો થાય છે; પણ શ્રમ વીનાની કોરી શ્રદ્ધા એકડા વીનાના સો મીંડા જેવી છે. આપણી પ્રજાની માનસીક્તા એવી છે કે લોકો ચીક્કાર દારુ પીએ છે અને મોરારજી દેસાઈની દારુબન્ધીના ચાર મોઢે વખાણ કરે છે. આપણો દેશ સૌથી મોટો ધાર્મીક દેશ છે. અહીં મન્દીર કરતાં દેવોની સંખ્યા વધારે છે. શ્રદ્ધા કરતાં અન્ધશ્રદ્ધાનું ક્ષેત્રફળ મોટું છે. ટોટલ હીસાબ કાઢીએ તો એક દેવને ભાગે એક સેન્ટીમીટર જેટલું મન્દીર આવે. શ્રદ્ધા તીડના ટોળાંની જેમ સમગ્ર દેશમાં છવાઈ ગયેલી જોવા મળે છે. હાલત એવી થઈ છે કે શ્રદ્ધાના અતી વીશાળ ક્ષેત્રફળને કારણે દેશના દેવાની જેમ તે ચીંતાનો વીષય બની ગઈ છે. વીકલાંગ દીકરાને આખા કુટુમ્બે પોષવો પડે તેમ શ્રદ્ધાનું માથા દીઠ દેવું નાસ્તીકોએ પણ વેઠવું પડે છે. નાસ્તીકની પાડોશમાં રાત્રે બે વાગ્યા સુધી મોટેથી ભજનો ગવાતા હોય તો એ ભજનો તેને માટે શ્રદ્ધા દ્વારા થતા સામુહીક બળાત્કાર જેવા બની રહે છે. (ઉંઘનો ‘હપ્તો’ ચુકવીને તેણે પણ શ્રદ્ધાની ‘ભાઈગીરી’ સહન કરી લેવી પડે છે) વીરોધ કરવા ગયા તો નુકસાન થયા વીના ના રહે. બચુભાઈ કહે છે : “હું હોળી સળગાવવાનો પ્રખર વીરોધી છું… પણ મહોલ્લામાંથી હોળીનો ફાળો ઉઘરાવવા દશ બાર જુવાનીયાઓ આવે ત્યારે તેમને ફાળો આપી દેવો પડે છે. તેઓ મારું ઘર સળગાવે તેના કરતાં ભલે હોળી સળગાવતા…!”
દોસ્તો, જરા એ વીચારો, શ્રદ્ધાનું જ મહત્ત્વ હોત તો દેવોની કૃપાથી આપણો ધર્મપ્રધાન દેશ ક્યારનો અમેરીકા જેવો વીકસીત દેશ બની જવો જોઈતો હતો. (અને એ રીતે જોતાં અમેરીકાનો તો વીકાસ જ ન થવો જોઈએ) રૅશનાલીઝમ માણસને આજ શીખવે છે. નીરક્ષીરનો ન્યાય કરો ને જે સાચું અને સાત્વીક છે તેનો સ્વીકાર કરો. સત્ય કે નીતીની વીરુદ્ધની વાત ખુદ ભગવાન કહે તોય ન માનો. (ઝુંપડપટ્ટીનો પીંડક પત્નીને ઘરમાંથી કાઢી મુકે તો તેના તે દુષ્કૃત્યને રામતુલ્ય ન ગણાવી શકાય) યુધીષ્ઠીરે ભલે દ્રૌપદીને દાવ પર લગાડી હતી પણ કોઈ સટ્ટાખોર આજે એવું પરાક્રમ કરે તો જીવનના મહાભારતમાં તે હણાયો જ સમજો. સત્ય, ન્યાય અને રૅશનાલીઝમનો ‘ધરમકાંટો’ ન્યાત, જાત, ધરમ કે ઈશ્વર અલ્લાહના ભેદભાવ વીના જે ન્યાય આપે છે તે સત્યનીષ્ઠ અને વૈશ્વીક ન્યાય હોય છે. ગાંધીજી ખુન કરી બેસે તેથી તેમને માફ ન કરી શકાય અને મોરારજી દેસાઈ દારુ પીવાનું ચાલુ કરે તેથી દારુ પવીત્ર ન બની જાય. (ઝેરમાં ગંગાજળ નાખો તેથી ઝેર પવીત્ર બની જતું નથી; છતાં ઘણાં લોકો બીયર પર ગંગાજળ છાંટ્યા પછી તે પીએ છે) હજારો આશ્રમો અને દેશવીદેશોમાં લાખો અનુયાયીઓ ધરાવતા કોઈ પાખંડી ધર્મગુરુ બાળકો પર તાન્ત્રીક વીદ્યા અજમાવી તેનો બલી ચઢાવતો હોય તો તેને શી રીતે માફ કરી શકાય? શંકરાચાર્ય સતીપ્રથાને ટેકો આપે તેથી સતીપ્રથા આવકારદાયક બની જતી નથી. સ્ત્રીનું મુખારવીન્દ સૃષ્ટીની શ્રેષ્ઠ કલાકૃતી ગણાય. સ્ત્રી બહેન છે… મા છે… દીકરી છે… સંસારલક્ષ્મી છે. કહેવાતા ભગવાન અને દેવોને પણ સ્ત્રી વીના ચાલ્યું નથી. એનું મોઢું ન જોવાનો ધર્મ પાળનારને તેમની માતાઓ શી રીતે માફ કરી શકે? મધર ટેરેસા કુટુમ્બનીયોજનનો વીરોધ કરતાં હતાં તેમની માનવસેવાને લાખો સલામ… પણ તેમના ભુલભરેલા વીચારો તો બેશક નાકામ…!
વર્ષોપુર્વે કથાકાર મોરારીબાપુએ કડવું સત્ય ઉચ્ચારેલું : “લોકોનો વધુ પડતો પુજ્યભાવ અગ્નીસમાન છે…!” અમને અહીં ઉમેરવાનું મન થાય છે કે સન્તો, કથાકારો કે ગુરુઓ પ્રત્યેનો અતીરેકભર્યો પુજ્યભાવ તેમને ઘમંડી બનવાની શક્યતા પુરી પાડે છે. અબ્રાહમ લીંકને કહેલું : “માણસની પ્રામાણીક્તાની પરીક્ષા કરવી હોય તો તેને પૈસા આપો, પણ તેના ચારીત્ર્યની કસોટી કરવી હોય તો તેને સત્તા આપો…!” ગુરુઓ માટે અહીં એટલું ઉમેરી શકાય : ‘માણસના ગુરુપણાની પરીક્ષા કરવી હોય તો તેને અનુયાયીઓના ટોળાથી અલગ કરી દો…!’ અનુયાયીઓ વીના જીવવાનું ગુરુઓના સ્વભાવમાં હોતું નથી. અનુયાયી વીનાનો ગુરુ એટલે પાણી વીના તરફડતી માછલી…! તેઓ ધર્મ કે ઈશ્વર વીના જીવી શકે પણ ચરણસ્પર્શ કરનારા ચેલાઓ વીના તેમનો જીવ ગુંગળાય છે. દોસ્તો, વીદ્વાનો કહે છે : ‘સાચા ગુરુનું ગુરુપદ તેના જ્ઞાનથી શોભે છે; પણ ચેલાચાહક ગુરુઓની પ્રતીષ્ઠા તેની તપસ્યા વડે નહીં, તેના ચેલાઓની સંખ્યાથી મપાતી હોય છે. જેના ચેલાઓ વધારે તે ગુરુ મહાન..! બોલો, મેરા ભારત મહાન…!!’
ધુપછાંવ
દેશની 125 કરોડ વસતીમાંથી સો કરોડ શ્રદ્ધાળુઓ હશે. તેઓ આખું વર્ષ માળા ફેરવે છે. એવી અનુત્પાદક પ્રવૃત્તી કરવાને બદલે માળાના મણકાની સંખ્યા જેટલા સદ્કર્મો એક વર્ષમાં કરે તો ભગવાનના અવતર્યા વીના દેશનો ઉદ્ધાર થઈ શકે. લેકીન વો દીન કહાં…?
–દીનેશ પાંચાલ
‘ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 12 ફેબ્રુઆરી, 2017ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવનસરીતાના તીરે’માંથી, લેખકના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન : 02637 242 098 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
“દેશની 125 કરોડ વસતીમાંથી સો કરોડ શ્રદ્ધાળુઓ હશે। તેઓ આખું વર્ષ માળા ફેરવે છે। ” –દીનેશ પાંચાલ
सत्य तो इ छे के મન્ત્ર, તન્ત્ર तथा वज़ीफ़ा, तावीज थकी आ जगत मां एक करोड़ पाखण्डिओ नूं गुजरान चाले छे. अने आनूं कारण आ कहेवाता शरदधालुो ज छे.
LikeLiked by 1 person
अदभूत लेख 🙏🌹🌹
LikeLiked by 1 person
લેખની શરુઆતમાં થોડી સરખામણી લખી હતી. તે ભાગ અેટલો અસરકારક નથી જેટલો તે પછીના ફકરાઓમાં. અંઘશ્રઘ્ઘા જ દેશ ચલાવે છે. ભણતર કે વિજ્ઞાન નહિ……વિજ્ઞાનની નવી શોઘો જ્યારે સમાજમાં પ્રેક્ટીકલ બનીને વપરાસ માટે આવે છે ત્યારે વગર વિચાર્યે વાપરવા માંડે છે….અઘશ્રઘ્ઘાને પકડી રાખીને. આ પરિસ્થિતિનો લાભ સાઘુડાઓ , કથાકારો…ભક્તો, પોતાના અંગત સ્વાર્થને પામવા વાપરતા હોય છે.
આ બઘી જ હકીકતો ‘અભીવ્યક્તિ‘ માં વારંવાર ચર્ચાઇ ગઇ છે. સબ્જેક્ટ જૂનો થઇ ગયો છે…..કોઇપણ બેનીફીટ વિના.
અેક જોડકણા જેવું ગીત, પરંતું વિચાળોના વંટોળ જગાવતું ગીત…સાચી રાહ બતાવતું ગીત..‘ ઘર્મ અને વિજ્ઞાન ‘ શ્રી ખીમજીભાઇ કચ્છીઅે લખેલું છે. તેમનું સરનામું…….
A-38, Jalaram society ved Road, SURAT. 395004.
શરુઆત આ શબ્દોથી કરી છે….
અંઘશ્રઘ્ઘા છે આંઘળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રઘ્ઘા છે અવળચંડી, વેવલાપણાના વાવેતર કરે.
યુરોપે અટપટા યંત્રો શોઘી ફીટ કર્યા ફેક્ટરીમાં;
આપણે સિઘ્ઘિયંત્રો બનાવી ફીટ કર્યા ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી ગોઠવી દીઘા અંતરિક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીઘા અંગુઠીમાં,
જાપાન વિજાણું યંત્રો થકી સમૃઘ્ઘ બન્યું જગમાં,
આપણે વૈભવલક્ષ્મીના વ્રતો કરી ગરીબી રાખી ઘરમાં….
……………..
………………અને છેલ્લી કડી……
લસણ, ડુંગળી બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેંક ખાવા છતાં પાપ ના લાગે આ દેશમાં.
આખું કાવ્ય…અછાંદસ..કાવ્ય ભલભલાને જગાડે તેવું છે..પરંતું (પેલા દેવની) ભાંગ પીને બેઠેલાઓ ?????????????
અમૃત હઝારી.
LikeLiked by 2 people
ગાંધીજી અને મોરારજી દેસાઈનો ઉલ્લેખ મારી દૃષ્ટીએ યોગ્ય નથી. જે હકીકત અકલ્પીત છે તે મુકવી કેટલું ઉચીત ગણાય?
LikeLiked by 1 person
મા. દીનેશ પાંચાલ જેવા વિદ્વાન રેશનાલીટે પાખંડી ધર્મગુરુ ના અંધશ્રધ્ધાના તાર્કીક દ્રુષ્ટાંતો સાથે ગાંધીજી અને મોરારજી દેસાઈ, શંકરાચાર્ય, મધર ટેરેસા જેવાની ટીકા યોગ્ય લાગતી નથી.’ સત્ય, ન્યાય અને રૅશનાલીઝમનો ‘ધરમકાંટો’ ન્યાત, જાત, ધરમ કે ઈશ્વર અલ્લાહના ભેદભાવ વીના જે ન્યાય આપે છે તે સત્યનીષ્ઠ અને વૈશ્વીક ન્યાય હોય છે. ‘આ અંગે ચિંતન કરશે તો સમજાશે કે આ તારણ સત્યથી વેગળું છે
LikeLiked by 1 person