ઓબ્સેસીવ કમ્પલ્ઝીવ ડીસઑર્ડર

વારંવાર હાથ ધોવા, વધુ પડતી ચોખ્ખાઈ રાખવી, દરેક ક્રીયા પુરી કરવામાં વાર લાગવી, મનમાં જાતજાતના વીચીત્ર વીચારો આવે છે? એ વીચીત્ર વીચારો બીભત્સ, હીંસાત્મક કે અશ્લીલ પ્રકારના હોય, પોતાને ન ગમતા હોય છતાં પણ લાચાર બની રહેવું પડે છે? આ રોગ અંગે મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી મેળવવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે..

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

ઓબ્સેસીવ કમ્પલ્ઝીવ ડીસઑર્ડર

–ડૉ. મુકુલ ચોકસી

બપોરના ત્રણ વાગ્યા છે. સાઈકીઆટ્રીસ્ટ ડૉ. મહેરાના વેઈટીંગ રુમમાં બેઠી બેઠી વીચારી રહી છું કે સામે બેઠેલા વૃદ્ધને શું તકલીફ હશે? તે આટલા બધા અજાણ્યા માણસોની વચ્ચે રડી રહ્યો છે! અને પેલો ખુણામાં બેઠેલો કીશોર! કેટલી ભોળી લાગે છે તેની આંખો! એ અહીં કેમ આવ્યો હશે? અને આ થોડે જ દુર બેઠેલી સુંદર યુવતી કોનો હાથ પકડીને બેઠી છે? એની બાજુમાં બેઠેલો પુરુષ શું મારી જેમ જ?

અને તરત જ હું આઠેક વર્ષ પુર્વેના ભુતકાળમાં સરી પડી. નીલય અને હું એક જ ઑફીસમાં સાથે કામ કરતાં હતાં. નીલય એકાકી જીવ હતો. એટલે સુધી કે સાથેના સ્ટાફ મેમ્બરો તેને અતડો ગણતા. બરાબર અગીયારને ટકોરે તે ઑફીસમાં પગ મુકે. પાંચ મીનીટ ફાઈલો ગોઠવવામાં કાઢે. બૉસને માપસરનું સ્મીત આપે અને રીસેસનો સમય થાય ત્યાં સુધી નીચે મોઢે કામ કર્યા કરે.

તેની નીયમીતતા અને ચોકસાઈ એવા નમુનેદાર કે રોજ સાંજે સૌના ઠઠ્ઠામશ્કરીનો એક વીષય નીલય અવશ્ય હોય. ‘તેનું ટેબલ દીવાલને કાટખુણે જ ગોઠવાયું હોય,’ તેની ઘડીયાળો પ્રમાણે જ ગ્રીનીચની ઘડીયાળો પોતાનો સ્ટાન્ડર્ડ ટાઈમ મેળવે,’ ‘હલો નીલય! તારી જમણી આંખ ઉપરનો વીસમો વાળ જરા કપાળ પર આવી ગયો છે. હા– હા– હા–’ વગેરે.. વગેરે.

 પરન્તુ મને નીલય ગમતો. ભલે તે દીવસમાં બે વાર જાતે ઈસ્ત્રી કરતો હોય. ભલે તે સાત વર્ષથી એકની એક જ બોલપેન ચલાવતો હોય. મને નીલય ગમતો. કેમ કે તે નવરાશના સમયમાં બીજાઓની જેમ લડી સ્ટાફ મેમ્બર્સને તાક્યા નહોતો કરતો. કેમ કે તે, ‘જરા મદદ કરજો ને, પ્લીઝ! કહીને મારી પાસે વારંવાર દોડી નહોતો આવતો. તે તેના બધાં કામ જાતે જ કરતો અને એટલે જ નીલય મને ગમતો.

પરન્તુ નીલય સાથે નીકટતા કેળવવી અઘરી હતી. ઘણી વાર તો એવું લાગતું કે જાણે તેને જીવતીજાગતી વ્યક્તીઓમાં કોઈ રસ જ નથી પડતો. તે હમ્મેશાં વસ્તુઓમાં ખોવાયેલો રહેતો. બરાબર ચોકસાઈપુર્વક ગડી કરેલો રુમાલ, સ્વચ્છ ધોયેલો પાણીનો ગ્લાસ, ડાઘા વગરનાં વસ્ત્રો, એકેય ઘસરકા વગરના બુટ, માપી માપીને મુકાતાં પગલાં અને ચીપી ચીપીને ઝીણવટપુર્વક બોલાતા શબ્દો… આ જ એનો અસબાબ. આ જ એનું સર્વસ્વ.

પરન્તુ હું એની સાથે આત્મીયતા કેળવવા અંગે મક્કમ હતી. મેં તેને મારી લાગણી જણાવી દીધી હતી અને દોઢ વર્ષની પ્રલમ્બ મથામણ પછી એનામાં એટલી હીમ્મત આવી હતી કે એ મને એની મારા પ્રત્યેની લાગણી જણાવી શકે. હા, એ મથામણ જ હતી. તે વસ્તુઓ, રીતરીવાજો, નીયમો, ટાઈમટેબલો, પ્રણાલીઓ તથા વ્યવસ્થાઓ અંગે જેટલો સ્પષ્ટ, ચોક્કસ તથા સ્વસ્થ હતો તેટલો વ્યક્તીઓ, સમ્બન્ધો અંગે નહોતો. મને એની જાણ ત્યારે જ થઈ જ્યારે તેણે આ શબ્દોમાં તેની લાગણીઓની રજુઆત કરી : જુઓ મીસ… મીસ… સુકૃતી… તમે જાણો જ છો કે… આઈ મીન… તમે કોઈ ગેરસમજ ન કરી લેતા પ્લીઝ… હું એમ કહેવા માંગું છું કે તમે જાણો જ છો કે હું આવી બધી વાતોથી બહુ ટેવાયેલો… આઈ મીન… પરીચીત નથી… આજથી વરસેક પહેલાં તમે જ્યારે મને… આઈ ડોન્ટ ફાઈન્ડ ધ એક્ઝેક્ટ વર્ડ… પણ તમે મને ‘પ્રપોઝ’ કર્યું હતું ને!… નોટ ‘એક્ઝેક્ટલી પ્રપોઝ’ બટ વોટ આઈ મીન ઈઝ… ‘સોર્ટ ઓફ પ્રપોઝ’ કર્યું હતું ને!… ત્યારથી જ હું બહું મુંઝવણમાં છું… મેં નક્કી કર્યું હતું કે આ અંગે મારે તાત્કાલીક નીર્ણય લેવો… બટ યુ સી, ઘણી વાર કેવું બને છે કે…’

અને મેં તેને તે જ ઘડીએ અઘવચ્ચે અટકાવીને કહેલું, ‘ભલે. તમે મોડો નીર્ણય લીધો; પણ સારો નીર્ણય લીધો છે. હું એની જ રાહ જોતી હતી.’

લગ્ન પછીના પહેલાં બેત્રણ વર્ષમાં મને જોવા મળ્યું કે તેનામાં માત્ર નીર્ણયશક્તીનો જ અભાવ નહોતો, બીજી પણ ઘણી બધી વસ્તુઓનો અભાવ હતો. તે પૈસા કમાઈ શકતો; પણ ખર્ચી નહોતો શકતો. ખબર નહીં કોણ જાણે કેમ; પણ તે બધી વસ્તુ ‘ઓન પેપર’ કરવાનો જ આગ્રહ રાખતો. અને તેની જડતા તથા અસહીષ્ણુતાનો આ પહેલાં મને પરીચય જ નહોતો. મારા પીતાજીના મૃત્યુનો પ્રસંગ યાદ આવે છે ને હજુય મને ધ્રુજારી આવી જાય છે. તે ગાળામાં નીલય રજા પર હતો. તેને ડાબા હાથે અકસ્માતમાં ફેક્ચર થયું હતું. વીસ દીવસ પ્લાસ્ટરવાળો હાથ ઝોળીમાં લટકાવીને તે રહ્યો હતો અને એક દીવસ સાંજે અચાનક સમાચાર આવ્યા કે મારા પપ્પા બહુ સીરીયસ છે. નીલય પણ આવવા માટે તૈયાર થઈ ગયો. અમે બહાર નીકળતાં જ હતાં ને અચાનક તે થોભી ગયો. કહે કે મારાથી નહીં આવી શકાય. હું તો હેબતાઈ જ ગઈ, ‘કેમ?’, તો કહે, ‘હું ઘરનો ઉમ્બરો ઓળંગતી વખતે બારસાખ તથા ઉમ્બરોને ડાબા હાથે સ્પર્શું છું પછી જ ઘરની બહાર નીકળું છું; જો મારે અત્યારે બહાર નીકળવું હોય તો આ પ્લાસ્ટર પહેલાં કઢાવવું પડશે.’ અને લાંબી બોલાચાલીને અન્તે એટલું જ થયું; તે બહાર ન નીકળ્યો અને પપ્પા અમારું મોઢું જોયા વીના ચીરવીદાય લઈ મૃત્યુ પામ્યા.

પણ મારી જીન્દગીની ખરી કરુણતા તો છેલ્લા એકાદ વર્ષથી જ શરુ થઈ છે. નીલય એકદમ બદલાઈ ગયેલો લાગે છે. શરુઆતમાં તેણે વારંવાર હાથ ધોવાનું શરુ કર્યું. જે આજે એવી પરાકાષ્ઠાએ પહોંચ્યું છે, જેનો કોઈ જવાબ નથી. દીવસમાં સરેરાશ તે સોથી સવાસો વાર હાથ ધુએ છે. એટલે કે કલાકમાં લગભગ ચાર વાર. મતલબ દર પન્દર મીનીટે એક વાર અને દર પન્દર મીનીટે થતી આ પ્રક્રીયા ત્રણથી ચાર મીનીટ ચાલે છે. કારણ? ‘માણસો અસ્વચ્છ છે; દીવાલો અસ્વચ્છ છે; બારી–બારણાં, વાસણ–કપડાં, ટેબલ–ખુરશી… ઘરની… બહારની, તમામ વસ્તુઓ અસ્વચ્છ છે. તેને હાથ લાગી જાય તો આપણે અસ્વચ્છ ન થઈ જઈએ?’ નીલયનું આ લૉજીક છે. સાંભળવામાં હોરીબલ લાગે પણ જોવામાં કરુણ, વેદનામય છે. બીચારો નીલય. તેના હાથે છાલા પડી ગયા છે, ચામડી ઘોળી પોચી થઈને ઉખડી જવા આવી છે અને તે પાણી ઓછું પડવાથી ઘરમાં નવી ટાંકી મુકાવાની વાત કરે છે.

અને આ તો હજુ તેની વીચીત્રતાનો પહેલો નમુનો છે. તેનો બાકીનો સમય પણ કયાં સુખમાં વીતે છે? અચાનક તેને શું સુઝે છે તે કબાટમાંથી રુમાલ, નેપકીન, પૈસા, દાગીના બધું કાઢીને ગણવા માંડે છે. રાત્રે ઉંઘમાંથી ઝબકીને જાગી જાય છે અને બારણાની સ્ટોપર તપાસી જુએ છે; પાછો ઉંઘવા પડે છે અને એક કમનસીબ ક્ષણે પાછો ઉભો થાય છે… ફરી એ જ બારણા પાસે પાછો જાય છે… એ જ જોવા કે પેલી સ્ટોપર બરાબર બન્ધ તો છે ને?

અને એથીય વધુ વીચીત્રતાઓ… એક પછી એક તેના વર્તનમાં પ્રવેશતી જાય છે. વાત કરતાં કરતાં અચાનક તે ઉભો થાય છે, ગજવામાંથી રુમાલ કાઢે છે, જોરથી મુઠ્ઠી ભીડે છે અને હાશ કહીને ફરી ગજવામાં મુકી દે છે. હું પુછું છું કે નીલય! તું આ બધું શું કરે છે! તો કહે, ‘તને ન સમજાય… સુકૃતી! આપણા સૌના કલ્યાણ માટે જ હું આમ કરું છું… બધા જ બચી જશે. ગભરાતી નહીં… કોઈને મરવા નહીં દઈશ.’

‘ડીંગડોંગ’ – અચાનક બેલ રણકે છે અને મારી વીચારમાળા તુટે છે. સાત વર્ષનો ભુતકાળ વટાવીને હું ફરી સાઈકીઆટ્રીસ્ટ ડૉ. મહેરાના કન્સલ્ટીંગ રુમમાં પ્રવેશી. પેલો ભોળો કીશોર, રુદન કરતો વૃદ્ધ અને સુંદર સ્ત્રી તથા એનો પતી – સહુ ચાલ્યા ગયા છે. તેમની સમસ્યાઓ અને તેના ઉકેલ લઈને. આખો રુમ ખાલી છે, અમારા જીવન જેવો. જેના એક છેડે બેઠા છીએ હું અને હજુય વારંવાર રુમાલ કાઢીને ફરી ગજવામાં મુકતો મારો પતી નીલય.

ડૉ. મહેરાએ પહેલા નીલયને તેમની ચેમ્બરમાં બોલાવ્યો અને વીસેક મીનીટ સુધી વાત કરી; પછી મને બોલાવી. મારે તેમને ઘણું બધું પુછવું હતું. મારે સમજવું હતું કે નીલય આવું શું કામ કરે છે? પરન્તુ તેઓ કંઈ સમજાવે એ પહેલા તો નીલય જ બોલવા માંડ્યો, ‘મને વારંવાર એવો વીચાર આવે છે કે મારાથી હમણાં આસપાસ પડેલી કોઈ વસ્તુ ઉંચકીને છુટ્ટી મારી દેવાશે. પહેલા મને બીક લાગતી હતી કે મારાથી તમને કોઈને ઈજા પહોંચાડી બેસાશે; પણ પછી આવી વૃત્તી વધવા માંડી અને હું જેમતેમ મને રોકતો. એક દીવસ જમતી વખતે બાજુમાં ચપ્પુ પડેલો જોયો અને તરત જ મને એવું થઈ આવ્યું કે મારાથી કોઈને મારી દેવાશે. આ અટકાવવા, જેટલી વાર વીચાર આવ્યો તેટલી વાર મેં હાથમાં પાણીનો ગ્લાસ પકડી રાખ્યો; પછી મેં રસોડામાં આવવા જવાનું અને જમવાનું બન્ધ કરી દીધું. મોટા ભાગનો સમય હું મારા રુમમાં વીતાવવા માંડ્યો; પણ ત્યાં મુકેલી દેવની મુર્તીને જોઈ એક દીવસ મને એવું થયું કે મારાથી તેની ઉપર પણ ઘા કરી બેસાશે. જ્યારે જ્યારે આવો વીચાર આવતો ત્યારે ત્યારે હું મારા હાથ ગજવામાં મુકી દેતો અને જોરથી મુઠ્ઠી ભીડી દેતો, જેથી મારાથી દેવની મુર્તીને ઈજા પહોંચાડવાનું પાપ ન આચરી બેસાય; પણ એક વાર એવી વૃર્તી મને એટલી તીવ્રતાથી થઈ કે છેલ્લે મેં હાથમાં રુમાલ પકડી રાખ્યો, જેથી જો મારાથી ઘા કરી જ બેસાય તોય કોઈને ઈજા તો ન જ પહોંચે.’

ડૉ. મહેરાના કહેવા પ્રમાણે નીલય ‘ઓબ્સેસીવ’ પ્રકારની પર્સનાલીટી ધરાવતો હતો અને તેને ‘ઓબ્સેસીવ કમ્પલ્ઝીવ ડીસઑર્ડર’ નામનો માનસીક રોગ થયો હતો. તેઓએ નીલયને ખાતરી આપી કે ભલે તેને ગમે તેવા બીભત્સ, અશ્લીલ, હીંસાત્મક કે વીચીત્ર વીચારો આવે, તે કદી એવું કરનાર નથી. અલબત્ત, નીલયને આનાથી કેટલી હાશ થઈ હશે તે તો મને ખબર નથી; પણ મને આ સાંભળીને જરુર રાહત થઈ અને એથીય વધુ રાહત તો મને ત્યારે થઈ જ્યારે ડૉક્ટરે પ્રીસ્ક્રીપ્શન આપતી વખતે કહ્યું કે ચીંતા ન કરો બહેન, આ રોગ સારા થઈ શકે એવા રોગોમાંનો એક છે.

ઓબ્સેસીવ કમ્પલ્ઝીવ ડીસઑર્ડર

નીલયને થયેલ આ રોગ એક પ્રકારનો ‘ન્યુરોટીક’ રોગ કહેવાય છે. મનમાં જાતજાતના વીચીત્ર વીચારો આવવા અને પોતે તેને રોકવા અસમર્થ બની રહેવું. એ વીચારો વીચીત્ર, બીભત્સ, હીંસાત્મક કે અશ્લીલ પ્રકારના હોય, પોતાને ન ગમતા હોય છતાં પણ પોતે લાચાર બની રહેવું પડે. આવા ‘ઈન્ટ્રુઝીવ’ વીચારોને ‘ઓબ્સેસીવ થૉટસ્’ કહેવાય છે.

ક્યારેક એવું બને છે કે આવા વીચારો વ્યક્તીને અમુક નીરર્થક ક્રીયાઓ કરવા પ્રેરે. અને જ્યાં સુધી એ ક્રીયા પુરી ન થાય ત્યાં સુધી મનની તાણ ઓછી ન થાય, હાશ ન થાય! વળી ક્યારેક વ્યક્તી તે વીચારોને આવતા અટકાવવા માટે પણ અમુક બીનજરુરી, હાસ્યાસ્પદ, રુઢીગત, અર્થહીન ક્રીયાઓ કરતી જોવા મળે છે. આવી ક્રીયાઓને ‘કમ્પલઝીવ એક્ટ’ કહેવામાં આવે છે.

એવાય કીસ્સાઓ નોંધાયા છે કે ચોખ્ખાઈના આગ્રહી પેશન્ટો, કોઈનેય અડક્યા વગર વર્ષોના વર્ષો વીતાવી દેતા હોય છે. એક સ્ત્રી દર્દીને ચોખ્ખાઈ અને ગન્દકીનું એવું ‘ઓબ્સેશન’ હતું કે તેને દીવસમાં પન્દરેક વાર નહાવા જોઈતું. આ કામ તે તેની પુત્રી પાસે કરાવતી. અને તે દર્દી સ્ત્રીને નવડાવતા નવડાવતા તેની પુત્રી દસ વર્ષની જ ઉમ્મરે કાયમ માટે કમરમાંથી વાંકી ખુંધવાળી થઈ ગઈ (કાઈફોસીસ).

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું  મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક આ મનપાંચમના મેળામાં (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/)માંનો આ ચોથો લેખ, પુસ્તકનાં પાન 35થી 39 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ :  govindmaru@gmail.com

15 Comments

  1. Hello,
    Our World always notices Physical illness and disregards Hidden and/or Mental illness.
    We don’t know who suffers from which illness until it’s made public.
    Very detailed article, thank you for posting.
    Another reason is that there’s stigma attached to this type of behaviour everywhere and we all try to keep it a secret. But why?
    Let’s bring it out and have an open discussion to help and support each other.
    Let’s all try to get rid of these taboos in our society.
    Let’s be human and accept one another as we are!

    Here to more understanding and educating people around us!
    Have a great day!

    Liked by 2 people

  2. આ પ્રકાર ની બીમારીઓ એટલે કે Mental Health problems પર પશ્ચિમી દેશો માં બહુજ મહત્વ અને ધ્યાન દેવામાં આવે છે, અને તેના માટે ખાસ ચિકિત્સા કેન્દ્રો હોય છે, અને સરકાર તેના પર સારી એવી રકમ પણ ખર્ચ કરે છે. ત્રીજી દુનિયા ના દેશો માં પણ આ Mental Health problems ની બીમારીઓ પર મહત્વ આપવું જોઈએ.

    Liked by 2 people

  3. Good article on OCD.This type of symptoms are seen in many persons.Some identify and some not.Immediate actions should be taken for consulting psychiatrist without any fear from any quarters whether it is from society or from own relatives.Timely action may save patient from becoming it chronic.Generally due to social stigma,such patients suffer it permanently.In western countries there is quite visible awareness for mental disease and people
    do not bother about other criticisms and approach to appropriate healthcare personnel.

    Liked by 2 people

  4. ડો. મુકુલ ચોકસીજીનો ખૂબ આભાર. નવી માહિતિ , નવા માનસિક રોગ માટેની આપીને ઉપકૃત કર્યો.
    સુકૃતિઅે ખરી ઘીરજ બતાવી. લગ્નને કેટલાં વરસો વીતિ ગયા હશે ? લગ્નજીવન ? કેસ સુઘર્યો કે નહિ ? ( ફક્ત રોગની જ માહિતી મળી છે.)
    દર્દીની ઉપચાર બાદની પરિસ્થિતિની માહિતિ વાંચનારને પૂર્ણ માહિતિ પુરી પાડતે. આ કેસમાં વાચક ગેસવર્ક કરે તે પણ ના ચાલે. આ રોગ સારા થાય તેમાનો અે છે પરંતું આ પર્ટીક્યુલર કેસમાં શું થયું ?
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. 2012 થી હું ocd સાથે જીવી રહ્યો છું.
    કોઈ પુસ્તક આનો ઈલાજ નથી.આનો ઈલાજ છે પ્રમાણસર મેડિસિન નો ડેલી does અને મેડિટેશન.
    મને સ્વ અનુભવ છે કે ocd એક ભયનકર માનસિક રોગ છે.જ્યારે એનો માનસિક વૈચારિક એટેક સ્ટાર્ટ થાય ત્યારે પીડિત ની જે હાલત હોય તે હું અહી શબ્દ માં વર્ણવી નયી શકું.
    પણ આ માનસિક રોગ નો સચોટ ઈલાજ છે વિપ્સયના.
    અને વિપ્સયના કર્યા પછીજ હું તેને ટેકલ કરી રહ્યો છું.
    આ લોન્ગ ટર્મ માનસિક બીમારી છે.જેને તકલીફ હોય તે પર્સનલી મને મેસેજ કરે મારા અનુભવ નો આધાર તેમને ચોકસ કામ લાગશે.
    Dr ના વશ ની વાત નથી તે ફક્ત મેડિસિન પૂરતા જ હોય છે.

    Liked by 3 people

    1. શ્રી. હસમુખભાઈનો ‘ઓબ્સેસીવ કમ્પલ્ઝીવ ડીસઑર્ડર’ અંગેનો સ્વાઅનુભવ અને ‘વૈચારીક ટીપ્સ’ મેળવવાની જેમને જરુર હોય તેવા દર્દીએ સેલફોન/વોટ્સએપ નમ્બર : +91 96381 92494 અથવા ઈ.મેઈલ : hasmukhnetral01977@gmail.com પર સમ્પર્ક કરવા વીનન્તી છે.
      –ગો. મારુ

      Like

  6. કેમ કે ocd પીડિત ને આત્મ હત્યા કરવા સુધી લયી જાય છે.
    અને મેં ocd સાથે અંતિમ શ્વાસ સુધી પ્રાકૃતિક જીવન જીવ વાનો દ્રઢ સનકલ્પ લીધો છે.
    Ocd થયા પછી મારા માં ઘણા ફેર ફારો પણ થયા છે જે મને કામ પણ લાગી રહ્યા છે.
    Ocd થયા પછી મેં ધીરજ સહનશીલતા ના ગુણ ને કેળવીયા છે.
    Ocd થી ગભરાશો નહિ.

    Liked by 3 people

  7. Ocd ને માત આપી શકાય છે.બસ કેટલીક વૈચારિક tips થી તે શાંત થયી જાય છે.

    Ocd થી પીડિત કોઈ પણ વ્યક્તિ ને અનુરોધ છે કે તે હર હાલ માં જીવ વાની ખેવના પોતાના મન માં બાંધી લે.

    મારા watsup પ્રોફાઈલ નો મેસેજ મેં મારા સ્વ અનુભવ ઉપરથી તે જ રાખ્યો છે કે જી લે હર હાલ મેં.

    ધીરજ હિંમત અને સહનશીલતા ના ગુણ ને સતત કેળવતા રહે.

    Ocd થી જરૂર છુટકારો મળશે.

    જ્યારે પણ ocd નો વૈચારિક અટેક આવે તરત સાવધાન થયી જાવ.મન ને સ્વીકારવાની ટિપ્સ આપો કે હા નેગેટિવિટી આવી ગયી છે જેનો ઈલાજ છે કે વૈચારિક ક્રિયા ને પ્રતિ ક્રિયા બિલકુલ ન આપવી.પોતાના શ્વાસ ઉપર મન ને લયી જાવ.શ્વાસ ને જોતા રહો.જેમ વાદળો આકાશ માંથી પસાર થયી જાય ને પછી સૂરજ ની રોશની આવે છે તેવીજ રીતે વિચારો ની સામે લડો ઝગડો બિલકુલ નહિ.જે કયી વિચારો આવે છે તેને આવ વા દો બસ તેને પ્રતિક્રિયા આપીયા વગર સાંત ચીત થી જોયા કરો.જ્યાં સુધી તેનો સમય હશે ત્યાં સુધી રહેશે પછી તે વિચારો ચાલ્યા જશે કેમ કે પ્રકૃતિ નો અટલ સિદ્ધાંત છે કે કોઈ પણ વિચાર સ્થાયી નથી.

    સો નો ટેનશન and go ahead for a netral life.

    જય હો પ્રકૃતિ ની.

    Liked by 3 people

  8. dr mukul chokasi ,
    many thanks for completely dealing with OCD.
    like this pl deal with other cases as you have done in your book.
    Schizophrenia,bio-polar and other as series for social awareness.
    well hasmukhbhai has boldly declared his problem and got success with medication and meditation.(Vipashyana) now a days similarly inner engineering by Sadguru jaggi vasudevan is also great tool. But again their teacher caution you- as it might help or harm- so this is delicate issue.
    How ever it is said once you learn to make a little distance with mind- you are master of mind.
    “વિચારો ની સામે લડો ઝગડો બિલકુલ નહિ.જે કયી વિચારો આવે છે તેને આવ વા દો બસ તેને પ્રતિક્રિયા આપીયા વગર સાંત ચીત થી જોયા કરો.જ્યાં સુધી તેનો સમય હશે ત્યાં સુધી રહેશે પછી તે વિચારો ચાલ્યા જશે કેમ કે પ્રકૃતિ નો અટલ સિદ્ધાંત છે કે કોઈ પણ વિચાર સ્થાયી નથી”
    again he teaches to live without reaction- respond to this moment.
    And this too will change (Vipasyana) (and all other phylosophy says – this is maya–illusion–so must change. Its not substratum- Sanatan Satya)
    Any way Dr. Mukul bhai can tell that which meditation one should start without harm.

    Liked by 2 people

  9. OCD અંગે ડો. મુકુલ ચોકસી ખૂબ સરસ માહિતી…
    અહીં અમેરીકામા ઘણા ખરા હાથ ધોતા નથી તેથી રોગચાળો ચાલે ત્યારે કેવ રીતે હાથ ધોવા તેનો વધુ પ્રચાર થાય ! અમારા ઘરમા કોક વાર હાથ ધોયા બાદ બીજું સફાઇનું કામ કરતા પીરસવાની વાત આવે ત્યારે હાથ ધોતા અમારા ગ્રાંડ સન ઓલી ઉઠે OCD !એ રીતે જોઇએ તો આપણામાંથી ઘણા ખરાને આ રોગ હોય છે અને મને આ રોગ ગમે છે ! બાકી આ અમારા ડૉ મુકુલ પ્રમાણે હોય તો સવેળા યોગ્ય સારવાર લેવી જોઇએ
    તેમના બધા લેખો આપ મુકશો તો સૌને ખૂબ ગમશે અને રુદન થીરપી ! સહજ સરળ બધા ને મફત લાભ કર્તા !

    Liked by 1 person

  10. I’m saluting Mr. DAFDA’S understanding and creating own remedial measures. Here he has realized that doctors doesn’t have complete cure for OCD. They have relief giving medicine only. His designed control measures has helped patients with OCD. He gave me the answers to my questions. Hearty congratulations to him. Best wishes and regards to him.
    Amrut Hazari.

    Liked by 1 person

  11. સરસ માહિતી hasmukh ભાઈ એ જે હિમ્મત દર્શાવી છે ધન્યવાદ ને પાત્ર છે

    Liked by 1 person

  12. ઓસીડી અંગે શ્રી હસમુખભાઈ નો અભગમ વખાણવા લાયક છે.આવા દરેક દર્દીએ પોતે પોતાના જ ડોક્ટર થવાનું છે.અંતર્યાત્રા એટલે એક પ્રકારની વિચારોને
    બીજી દિશામાં ડાઇવર્ટ કરવાની કળા,વિપશ્યના,પ્રેક્ષા ધ્યાન,લય યોગ અથવા સ્વાસોસ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપોઆપ વિચારો બન્ધ થઈ જશે.
    કોઈપણ વ્યક્તિ તરફ ઈર્ષા,તિરસ્કાર ઓસીડી નું મુખ્ય કારણ હોય છે ઓસીડી થવા માટે કોઈપણ ઓબ્જેક્ટ ની જરૂર હોય છે અને એટલેજ તે વારંવાર
    વિચારોનો હુમલો આવવાનું કારણ બને છે.મનને બીજી દિશામાં વાળવાથી અથવા અમન થવાથી વિચારો બન્ધ થાય છે અને આપોઆપ રાહત અનુભવાય છે.
    કુદરતી હાસ્ય પણ આ રોગનું ઉપચાર છે.હાસ્ય અને વિચાર બન્ને સાથે રહી શકે નહીં।હાસ્ય વખતે મન વિચારશૂન્ય થઈ જાય છે.ધીરજ રાખી પ્રયત્ન કરવાથી
    આ દર્દ માંથી જરૂર મુક્ત થવાય છે.

    Liked by 1 person

Leave a comment