આ જવાબ સાચો નથી : ‘ભગવાનની લીલા!’

આપણા વીદ્વાનોને સંશોધન કરવા લાખો રુપીયાના પગારો અને કરોડો રુપીયાની બધી જ સગવડો આપવામાં આવે છે; છતાં કેમ પરીણામ નથી દેખાતું? અમેરીકાની એકલી એક જ યુનીવર્સીટી– ‘હાર્વર્ડ યુનીવર્સીટી’માંથી ત્રીસેક જેટલાને નૉબેલ ઈનામો મળ્યાં છે અને આપણી બધી જ કહેવાતી ઉચ્ચ સંસ્થાઓમાંથી કોઈ વીશ્વની પહેલી સોમાં પણ નથી? એમ કેમ? તો પણ મીયાં ફુસકી કહેશે – આપણે તો શ્રેષ્ઠ જ છીએ! આપણે કોણ, ખબર છે? ધાર્મીક બચ્ચા!

આ જવાબ સાચો નથી :
‘ભગવાનની લીલા!’

– હરેશ ધોળકીયા

આપણા રાજનેતાઓને, શીક્ષણમાં કામ કરતા વીદ્વાનોને કે શૈક્ષણીક સંસ્થાઓના વડાઓને કેમ એ વીચાર નથી આવતો (આમ તો શરમ નથી આવતી એમ લખવું જોઈએ) કે નૉબેલના ઈનામો કેમ પશ્ચીમના લોકોને, તેમાં પણ ખાસ કરી અમેરીકાના લોકોને, જ જાય છે? આટલા વર્ષોમાં, બે ચાર અપવાદ બાદ કરતાં, કોઈ પણ ભારતીયોને કેમ કોઈ પણ ક્ષેત્રમાં નૉબેલ કે એવાં આંતરરાષ્ટ્રીય ઈનામો નથી મળતાં? આ વીદ્વાનોને સંશોધન કરવા લાખો રુપીયાના પગારો આપવામાં આવે છે. બધી જ સગવડો આપવામાં આવે છે; છતાં કેમ પરીણામ શુન્ય? અને જે ક્ષેત્રોમાં ભારત આગળ દેખાય છે, અવકાશ કે અણુમાં, તેમાં પણ પશ્ચીમે કરેલ શોધોનો જ ઉપયોગ કરીને સીદ્ધી મેળવાય છે. કોઈ મૌલીક શોધ નથી કરાતી? કરોડો રુપીયા શીક્ષણ પાછળ, સંશોધન પાછળ ખર્ચાય છે (કરોડો ગરીબોનાં બાળકોના મોમાંથી દુધ છીનવીને?) છતાં કેમ પરીણામ નથી દેખાતું? અમેરીકાની એકલી એક જ યુનીવર્સીટી– ‘હાર્વર્ડ યુનીવર્સીટી’માંથી ત્રીસેક જેટલાને નૉબેલ ઈનામો મળ્યાં છે અને આપણી બધી જ કહેવાતી ઉચ્ચ સંસ્થાઓમાંથી કોઈ વીશ્વની પહેલી સોમાં પણ નથી? એમ કેમ?

ચાલો એમ માનીલોએ કે નેતાઓને તો ચુંટણી સીવાય કશું ન દેખાય. તેમને આવા ઉત્તમ વીચારો ન આવે. તેમની તાકાત નથી પણ કેળવણીકારોને? સંસ્કૃતી ઝનુનીઓને પણ માફ કરીએ કે તેઓ તો ભ્રમણામાં છે કે આપણી સંસ્કૃતી વીશ્વમાં શ્રેષ્ઠ છે; પણ શીક્ષીતો, વીદ્વાનો તો જાણે છે કે આપણો દેશ પહેલા સોમાં પણ નથી આવતો – એકે બાબતમાં, સીવાય કે વસતી વધારવામાં! એમ કેમ? કોઈ જીનેટીકલ ખામી છે?

કારણ એ છે કે આપણા ઘરોમાં કે શૈક્ષણીક સંસ્થાઓમાં ક્યાંય એવું શીક્ષણ જ નથી અપાતું કે નવું કેમ વીચારવું? આઉટ ઓફ બોક્ષ કેમ વીચારવું! ભવીષ્યની કેમ કલ્પના કરવી! વીઝનરી કેમ થવું! આપણા વડીલો તો એક જ બાબત શીખવે છે કે બસ, માબાપને ભુલશો નહીં! ઘરમાં કોઈ જ તાલીમ અપાતી નથી. બાળકોને ક્યારેય વીચારતા નથી શીખવાતું. નવા વીચાર કરવાનો પ્રયાસ કરે તો પણ બેસાડી દેવામાં આવે છે. ઘર, કુટુમ્બ, જ્ઞાતી અને ધર્મ સીવાય કોઈ જ બાબતનો વીચાર કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. માત્ર ભુતકાળ તરફ જ જોતા શીખવાય છે. આ જ સ્થીતી શાળા–કૉલેજોમાં છે. નીમણુંક વખતે બૌદ્ધીક શ્રેષ્ઠત્વ નથી જોવાતું. કેવળ ગુણ કે જાતી જ જોવાય છે. ક્યાંય સંશોધન બાબતે પ્રેરણા જ નથી. જેમને સંશોધન કરવું હોય છે તેમને ફરજીયાત અમેરીકા જવું પડે છે. પરીણામે બાળકને ક્યારેય નવું નવું વીચારવાની, કામ કરવાની, સાહસ કરવાની ઈચ્છા જ નથી થતી. ઈચ્છા થાય તો તક નથી મળતી. પરીણામે હજારો બાળકો પ્રતીભાશાળી હોવા છતાં સરાસરી થઈ જીવ્યા કરે છે અને મરી જાય છે. કરુણ બાબત એ છે કે, ખરેખર ઉત્તમ લોકોનો દેશ ગરીબ અને પછાત અને સરાસરી રહ્યા કરે છે.

બહારના, ખાસ કરી પશ્ચીમના દેશો, જેને આપણે ભૌતીકવાદી અને ભોગવાદી કહી વખોડ્યા કરીએ છીએ (વસતી આપણી સતત વધે છે છતાં!), તેમના બાળકોને બાળપણથી જ આ બધું શીખવાય છે. ત્યાંની શૈક્ષણીક કે સંશોધન સંસ્થાઓમાં કેવળ ને કેવળ શ્રેષ્ઠત્વનો જ આગ્રહ રખાય છે. વીદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન અપાય છે માટે તેઓ આગળ રહે છે. શોધો તેઓ કરે છે. આપણે જલસાથી તેનો ઉપયોગ કરતાં કરતાં તેમને જ ગાળો આપીએ છીએ. શું ખરેખર શ્રેષ્ઠ છીએ આપણે?

એક વક્તાને સાંભળવાની તક મળી હતી. ઉત્તમ વીજ્ઞાની છે. વીજ્ઞાનમાં સુંદર કામ કરે છે તે. તેમણે પશ્ચીમની ખાસીયતોમાં આ વાતને ઉજાગર કરી હતી. તેમણે ઈઝરાયલનો એક દાખલો આપ્યો હતો : આપણે ગાયના ઝનુની ભક્તો છીએ. તેને દૈવી માનીએ છીએ; પણ તેના વીશે સંશોધન કેટલું કરીએ છીએ? તેની ઉત્પાદકતા વધારવા શું કરીએ છીએ? તેનું વૈજ્ઞાનીક રીતે કેટલું ધ્યાન રાખીએ છીએ? આ વક્તાએ તે બાબતે વાત કરી ઈઝરાયલની. તેમણે કહ્યું કે ભારતની ગાયનું દૈનીક દુધનું ઉત્પાદન સરાસરી બેથી ત્રણ લીટર છે. તે વધારવા ખાસ કોઈ પ્રયાસ થતો નથી. તે પોતે પણ ઈઝરાયેલ ગયા હતા. ત્યાં ગાયને દોવાતી જોઈ. તેમને નવાઈ લાગી કે મશીન દોહતું હતું. પુછતાં જવાબ મળ્યો કે ગાય સરાસરી ચાલીસ લીટર દુધ આપે છે. તે તો હતપ્રભ થઈ ગયા. ભારતની ગાયોમાં તો તેત્રીસ કરોડ દેવતા વસે છે તો પણ આટલું દુધ કેમ નથી આપતી અને આ માંસ ખાનારાને કેમ આપે છે? પણ તે વીજ્ઞાની હતા. તપાસ કરી. તો આ માહીતી મળી.

ત્યાં પણ ગાયોનું દુધનું ઉત્પાદન નીચું હતું. વીજ્ઞાનીઓને વીચાર આવ્યો કે ગમે તેમ કરીને દુધનું ઉત્પાદન વધવું જ જોઈએ. તેમણે ખેતીવાડી કૉલેજોનો સમ્પર્ક કર્યો. તેના વીજ્ઞાનીઓને વાત કરી. તેમને પડકાર ફેંક્યો. તેમને આ દુધ વધારવાનો પ્રોજેક્ટ સોંપ્યો. ચાર વીદ્યાર્થી સંશોધકોને આ કામ સોંપ્યું. આ ચાર જણા ગાય સામે બેસી ગયા. ગાય સામે એમ.આર.આઈ. અનેક મશીનો રાખી દીધાં. ગાયના પેટમાં ઘાસ કઈ રીતે દુધમાં ફેરવાય છે તે જોવા લાગ્યા. પાછળ જ પડી ગયા. એકાદ વર્ષ તપાસ કરતાં રહ્યા. પછી ખ્યાલ આવ્યો કે પેટમાં એક ચોક્કસ જગ્યાએ ઘાસ દુધમાં ફેરવાય છે. તે પ્રક્રીયાનો ઉંડાણથી અભ્યાસ કર્યો. પછી ‘ત્યાં’ એવું શું કરી શકાય કે દુધનું ઉત્પાદન વધે. તેના પ્રયોગો શરુ કર્યા. પુષ્કળ સમય ગયો; પણ એક દીવસ આવ્યો કે તેઓ ઉત્પાદન વધારતા વધારતા ચાલીસ લીટરે પહોંચી ગયા. ત્યારે તેમને શાંતી થઈ. આ દુધ એટલું છે કે કોઈ વ્યક્તી તો તેને દોહી જ ન શકે. એટલે ત્રણ ત્રણ મશીનો લગાવે છે. ત્યારે આ દુધ દોહવાય છે; પણ દુધ વધારીને જ રહ્યા. આપણા ભક્તોને કે વૈજ્ઞાનીઓને આવા વીચારો આવે? આપણી ખેતીવાડી કૉલેજો આવા પ્રોજેક્ટો લઈ શકે? આપણી સરકાર તેને પ્રોત્સાહન આપે ખરી? કદાચ કોઈને વીચાર આવે તો વહીવટ તે કરવાની પરવાનગી આપે? બીજા કોઈ આગળ વધી જાય તે તેમને પોષાય ખરું?

તેમણે એક બીજો દાખલો પણ આપ્યો. એક અમેરીકન બાળકે અકસ્માતે એક વીડીયો નેશનલ જ્યોગ્રાફી પર જોયો. તેમાં એક દરીયાઈ પ્રાણી દોડતું હતું અને એક શીકારી પ્રાણી તેની પાછળ પડ્યું હતું. એક પળ એવી આવી કે શીકારી પ્રાણી આ જીવને ખાઈ જશે; પણ તે પળે અચાનક દરીયાઈ પ્રાણી ઉભું રહી ગયું અને તેણે પોતાનો પગ કાપી શીકારીને આપી દીધો. બસ! વીડીયો પુરો થઈ ગયો. વીદ્યાર્થીને વીચાર આવ્યો કે પછી તે પગ કપાયેલા પ્રાણીનું શું થયું? તેણે તેના શીક્ષકને એ વીડીયો બતાવ્યો અને સવાલ પુછ્યો. શીક્ષકે એવો જવાબ ન આપ્યો કે ભગવાનની મરજી! તેણે તપાસ કરી. જવાબ ન મળતા બન્ને નેશનલ જ્યોગ્રાફીની કચેરીમાં ગયા. વાત કરી. તેમણે પણ આ વીડીયો જોયો. પછી કહે કે આટલો જ વીડીયો ઉતારાયો છે. આગળ નથી. પણ એમ કેમ ચાલે? પછી પેલા પ્રાણીનું શું થયું? કચેરીએ વીડીયો ઉતારનારનું સરનામું આપ્યું. ત્યાં ગયા. તેણે પણ હાથ ઉંચા કર્યા કે તેણે આટલો જ વીડીયો ઉતાર્યો હતો. છોકરો શાંત ન થયો. તેણે નેશનલ જ્યોગ્રાફી સાથે વાત કરી. તેમને પણ રસ પડ્યો. નેશનલ જ્યોગ્રાફીએ છોકરા અને શીક્ષકને એ પ્રોજેક્ટ સોંપ્યો. શાળામાંથી ખાસ રજા અપાવડાવી. તે બન્ને એ સ્થળે બેસી ગયા. આવો બનાવ બને તેની રાહ જોવા લાગ્યા. છ–સાત મહીના પછી ફરી એવો જ બનાવ બન્યો. (બોલો, કુદરતની લીલા કહેવાય ને!) એવી જ ઘટના બની. ફરી તેણે પગ કાપીને આપી દીધો; પણ છોકરાએ વીડીયો ત્યાં ન અટકાવ્યો. તેણે તે પ્રાણીની તપાસ કરી તો તે એક પથ્થર નીચે છુપાઈ ગયું હતું. છોકરાએ વીડીયો ચાલુ રાખ્યો. સમય જતાં જોયું તો તેને ફરી પગ ઉગી આવ્યો અને તે બહાર નીકળ્યું. છોકરો અને શીક્ષક હવે સન્તુષ્ટ થયા. હવે સમગ્ર ચીત્ર જાહેર થયું. સમગ્ર પ્રોજેક્ટના પૈસા નેશનલ જ્યોગ્રાફીએ આપ્યા હતા.

આ છોકરો અમેરીકન હતો. તે ઘરે જઈ બેસી ન રહ્યો. તેને નવો વીચાર આવ્યો કે એકને જો પગ ઉગી શકે છે તો બધા પ્રાણીઓને ન ઉગી શકે? તે શક્ય છે? વક્તાએ કહ્યું કે તેણે આ નવો પ્રોજેક્ટ લીધો અને તેના પાછળ પડ્યો છે. પગ કે હાથ કપાઈ જાય તો તેને ફરી કેમ ઉગાડી શકાય?

આ આપણે ત્યાં શક્ય છે? આપણો કોઈ વીદ્યાર્થી આ જુએ અને કદાચે વીચારે તો બધા કહે– મુકને, એમાં માકર્સ વધશે તારા? એમાંથી પૈસા મળશે આપણને? આ બધી ભગવાનની લીલા છે. એ તો એમ જ હોય! અને તેને બેસાડી દેશે. આમ તો સોમાંથી નવ્વાણું વીદ્યાર્થીને વીચાર જ નહીં આવે; પણ આવે તો આવા ધાર્મીક જવાબો મળે.

આપણે કદાચ છાતી ફુલાવીને કહીશું કે સુનીતા વીલીયમ્સ કે નોબેલ વીજેતા વેંકટ રામકૃષ્ણન્ આપણા જ દેશના છે ને? હા, પણ તેઓ અમેરીકામાં ગયા માટે તેમને સીદ્ધી મળી છે. ભારતમાં હોત તો? અવકાશમાં પતંગ ઉડાડ્યા હોત. ફીઝીક્સના ડીન બન્યા હોત; પણ નોબેલ પારીતોષીક?

તો પણ મીયાં ફુસકી કહેશે – આપણે તો શ્રેષ્ઠ જ છીએ! આપણે કોણ, ખબર છે? ધાર્મીક બચ્ચા!

– હરેશ ધોળકીયા

લેખક સમ્પર્ક :  શ્રી. હરેશ ધોળકીયા, ન્યુ મીન્ટ રોડ, ભુજ – 370 001 (કચ્છ) ફોન : (02832) 227 946 મેઈલ : dholakiahc@gmail.com

વંચીતલક્ષી વીકાસવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજ રચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’(નયા માર્ગ, ખેત ભવન, હરીજન આશ્રમની પાસે, અમદાવાદ380 027)ના 01 જુલાઈ, 2019ના અંકના પાન 11 અને 12 ઉપરથી, લેખક, અનુવાદકના અને ‘નયા માર્ગ’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

8 Comments

  1. The problem is with our outdated Values and Ideals ( “Moolyo” ane “Aadarsho” in Gujarati).
    Our Culture (upbringing) gives us wrong Values. It kills the talents within us. And we don’t even know it.
    Many many examples can be given.

    Excellent article. Hearty Congratulations to Shri Haresh Dholakia.
    Please continue to write. — Subodh Shah —USA.

    Liked by 2 people

  2. શ્રી હરીશભાઈના લેખ અંગે.
    Mon, Nov 4, 10:36 PM (11 hours ago)
    Kavyendu Bhachech
    to me
    વાત તો સાચી છે કે ભારતમા આવિશ્કાર થતા નથી. એના કારણોમા એના કારણોમાં ભગવાન હોવા, ન હોવા એવું નથી પરંતુ વર્ષો જૂનું ગુલામી માનસ વધારે કારણભૂત હોવાનું માનુ છું આ ગુલામી અમેરિકામાં પણ અશ્વેત આફ્રિકાનો જે એક સમયે ગુલામ હતા તેઓ પણ અમેરિકામાં એનેક તક હોવા છતાં કંઈ કરી શકતા નથી ગુલામી ની અવસ્થાને કારણે આગળ વધવાની નવું વિચારવાની ક્ષમતા ગુમાવી દીધી છે. દેશમાં ઈન્ટરનેટ ના મામલે ખૂબ તક હોવા છતાં કોઈ નવી શોધ થઈ શકી નથી એનું કારણ ગુલામી માનસ છે. જેને કારણે નવું વિચારવાની શક્તિ ગુમાવી દીધી છે. પરિણામે થોડી પ્રસિધ્ધિ થોડી આર્થિક સધ્ધરતા સંતોષ આપે છે અને નવા વિચાર માટે નજીકના લાભ છોડવા તૈયાર નથી. સુખના માપદંડ ફક્ત આર્થિક માપદંડ જ રહ્યા છે. પરિણામે ભ્રષ્ટાચાર પણ શિષ્ટાચાર બની ગયો છે.

    Like

  3. વિશ્વની ટોપ 200 વિશ્વ વિધાલયમાં ભારતની એક પણ વિશ્વ વિધાલય નથી. અને ભારતના અક્કલમઠા નેતા ભારતને વિશ્વગુરુ બનાવવાની રાડો પાડે છે. આ રાડો એક પ્રોપગેંડા માત્ર છે.

    Liked by 1 person

  4. “ઘરમાં કોઈ જ તાલીમ અપાતી નથી. બાળકોને ક્યારેય વીચારતા નથી શીખવાતું. નવા વીચાર કરવાનો પ્રયાસ કરે તો પણ બેસાડી દેવામાં આવે છે. ઘર, કુટુમ્બ, જ્ઞાતી અને ધર્મ સીવાય કોઈ જ બાબતનો વીચાર કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે.” – હરેશ ધોળકીયા

    આનું મુખ્ય કારણ ધાર્મિક પાખંડી ઓ જ છે. ડગલે અને પગલે તેઓ વૈજ્ઞાનિક શોધો નો ઉપયોગ કરે છે. હાથ માં મોબાઈલ, મોંઘા વિદેશના ચશમા, મોંઘી દાટ ઇન્પોર્ટેડ ઘડિયાળ, ઇન્પોર્ટેડ ગાડી માં સફર કરવી વગેરે નો ઉપયૉગ તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ વિજ્ઞાન ને એક કોરે મૂકી ને ધર્મ ની વાતો કરી ને પોતાની વટ જાળવી રાખે છે અને ભોળા ભક્તો દ્રારા તેમનું ગુજરાન ચાલે છે

    Liked by 1 person

  5. પ્રથમ શ્રી હરેશ ઘોળકીઆજીને હાર્દિક અભિનંદન આપું.
    તેમના આ લેખને પ્રથમ ગુજરાતીઓના ઘરે ઘરે પહોંચતો કરવાની શક્યતાઓ જોઉં. કારણ કે અે ગુજરાતી ભાષામાં લખાયો છે. જેટલાને પોતાની અને પોતાના કુટુંબના બાળકોની આંખ ઉઘાડવાનું કર્મ કરવાનું મળે…. તે જ આ લેખનું ફળ.
    લેખનો શબ્દે શબ્દ વાગોળીને પચાવવા જેવો છે….અને તે કરવા માટે ઇઝરાઇલનો ગાયના દૂધનો દાખલો કહયો છે તે કર્મ જેને વિજ્ઞાનમાં વઘુ રસ લઇને સાચો વૈજ્ઞાનિક બનવું છે તેણે કરવા જેવું છે.
    આ લેખની પુષ્ટીમાં ડો. હરગોવિંદ ખુરાનાનો દાખલો સમજ આપનાર છે. ડો. ખુરાના પોતાના અભ્યાસ બાદ દેશદાઝની લાગણીમાં દેશસેવા કરવા ભારત આવ્યા હતાં….પોલીટીકસ અને હેરાનગતીઅે તેમને જે રીસર્ચ કરવી હતી તે કરવા નહિ દીઘી….અને તેઓ ભારત છોડીને પરત થયા..અને રીસર્ચ કરી…નોબેલ પ્રાઇઝ મેળવ્યું.
    હજારો વરસો પહેલાં લખાયેલાં કહેવાતા પુસ્તકોમાંથી કાંઇક શોઘવાના કર્મો ભારતમાં મહાન દેખાય છે. ગીતાના અઘ્યાય: ૪ના શ્લોક ૧૩માં કહ્યુ છે કે ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ( કૃષ્ણઅે ) ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે……અહિંથી ભારતે વર્ણવ્યવસ્થાને પોતાનો ઘર્મ માન્યો અને તે આજે પણ જીવાય છે. બીજું અઘ્યાય: ૩ : ના શ્લોક: ૩૫: નો અભ્યાસ જરુરથી કરવા જેવો છે.
    ભારતથી અમેરિકા ગયેલાં ભારતીય વૈજ્ઞાનીકોઅે ત્યાં માટું ઈનામ જીત્યાનો આનંદ ભારતીયો ઘૂમઘામથી કરે છે. નાસામાં વડોદરાના અેક વૈજ્ઞાનીક છે તેમનું નામ છે….ડો. કમલેશ. લુલ્લા. ( તેમણે હજી ભારતીયતા છોડી નથી….દેશદાઝમાં ) . અવકાશમાં જતાં પહેલાં હરઅેક અવકાશયાત્રીને અમના હાથ નીચે ટ્રેનીંગ લઇને જ આગળ જવાનું રહે છે. ( જાણે છે કોઇ ડો. લુલ્લાને ? ) જ્હોન ગ્લેન જ્યારે ૭૭ વરસની ઉમરે બીજી વાર અવકાશમાં ગયા ત્યારે પણ તેમને ડો. લુલલાના હાથ નીચે ટ્રેનીંગ લેવી પડેલી. ડો. લુલ્લાના હાથ નીચે તાલીમ લઇને જ્યારે સરીતા વિલીયમ્સ અવકાશમાં ગયા ત્યારે ડો. લુલ્લાે તેમને વિનંતિ કરીને અવકાશમાંથી વડોદરાનું વિહંગાવલોકનના ફોટા મંગાવ્યા હતાં. હજી સુઘી તેમણે અમેરિકાની સીટીઝનશિપ લીઘી નથી. તેમનું જીવનસૂત્ર્ છે….. જીવનભર વિદ્યાર્થી બની રહો….કાંઇક નવું કરો અને નવું કરવાનું ચાલુ રાખો. તેઓ અેક કવિ પણ છે….તેમનું અેક નાનું કાવ્ય…ઉપગ્રહમાં તરતા અવકાશયાત્રીને માટે….પોતાને માટે..જ્યારે તેઓ સ્પેશ શટલમાં હશે ત્યારે…
    ..‘તારો બની ગગનમાં,
    તરતો રહીશ હું….
    ભોમથી બ્રહ્માંડમાં ….
    વિસ્તરતો રહીશ હું. ‘
    તેમણે પોતાના મુક્તકને નામ આપ્યું છે…‘વતનની ઘૂળ.’
    આવા મહાન વૈજ્ઞાનીકની સાથે ન્યુ જર્સીમાં મને બે દિવસ સાથે રહેવાનો લાભ મળ્યો હતો. આ સમય હતો સપ્ટેમ્બર ૨૦૧૨નો. ડો. લુલ્લાને નામની નથી ખેવના…તેમને છે કામની ખેવના. આવા જ ભારતની ઘરતી ઉપર અભ્યાસ કરીને જ્યારે ભારત તેમને વઘુ સંશોઘન માટે મદદરુપ નથી થાય તેવું લાગે ત્યારે અમેરિકા તરફ નજર દોડાવે છે….અમેરિકા તેમની શક્તિને પાળી પોષીને મોટી કરે છે.
    હરીશભાઇઅે ઇઝરાઇલનો જે દાખલો ( દૂધ ઉત્પાદનનો.) તેવો જ દાખલો તેમનો…..બીજો છે ….. રેતીમાં ગ્રીનરીનો…..શાકભાજી…વૃક્ષોને ઉગાડવાનો…વડાપ્રઘાન આલ્ડા મેયરના સમયનો…..
    ભારતીયો નિર્જીવ પત્થરની મૂર્તીઓમાં પ્રભુના દર્શન કરે છે . કુદરતે જીવતા જાગતા અને પ્રાણિ જગતને મીનીટે મીનીટે જીવ આપનાર વનસ્પતિ જગતને અવગણતું કરી દીઘું છે. પ્રાણિ જગત જે જે ઝેરી કચરો શરીરમાંથી રોજે બહાર ફેંકે છે તે કચરાને… કાર્બન ડાયોક્ષાઇડને અને મળ મૂત્રને , વનસ્પતિ પોતે વાપરીને પ્રાણિને જીવન આપનાર ઓક્ષીજન આપે છે…મળમૂત્રને વાપરીને પોતે ….પ્રાણિ જગતને ખોરાક પુરો પાડે છે… વેજીટેરીઅન બનાવે છે….ફળો તો વનસ્પતિના ગર્ભાશયો…બીજ ના જન્મના વાહકો….જેના વિના પ્રાણિ જગત જીવી ના શકે. .
    મંદિરના નિર્જીવ દેવો કરતાં અેટલીસ્ટ….માનવોની દૈનિક જીંદગીને તંદુરસ્તી બક્ષતા વૃક્ષોને…ફળો…ભાજીલાલા આપનાર…ખોરાક અને ઓક્ષીજન આપનાર વનસ્પતિને પૂજો…તેમનું રક્ષણ કરો….તેમના કુટુંબોને માટા કરો…તેમની પૂજા કરો….હંમેશને માટે..ફક્ત વરસમાં અેક દિવસ માટે નહિ……ભારતનો વૈજ્ઞાનિક ઉદ્ધાર ત્યારે જ થશે જ્યારે સત્યનું તેના માનવીને જ્ઞાન થશે…ઓનેસ્ટી સાથે……મંદિરમાં સંગ્રહાયેલા અબજો સાચા જ્ઞાનના સંશોઘનમાં વાપરો………આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. મિત્રો,
    લખતાં લખતાં થોડી ભૂલો…સ્પેલીંગની કે બીજી…રહી ગઇ છે તે સુઘારીને વાંચવા વિનંતિ છે. અને……
    વર્ણવ્યવસ્થાની જે વાત કરી…તેમાં ઉમેરવાનું રહી ગયુ હતું….
    સ્વામી સચ્ચિદાનંદજીનું અેક પુસ્તક છે જેને વાંચવાની ભલામણ કરું છું….
    ‘ અઘોગતિનું મૂળ….વર્ણવ્યવસ્થા. ‘
    આભાર.
    અમુત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s