મુળ વગરનો મુકદ્દમો : ‘વીવેકબુદ્ધી’ વીરુદ્ધ વાસ્તુશાસ્ત્ર

મારી ઈચ્છાઓ કેમ પુરી થતી નથી? જ્યોતીષનું નડતર છે? વાસ્તુશાસ્ત્રનું નડતર છે? પીતૃદોષ છે? નસીબ વાકું છે? દેવોનું નડતર છે? કોઈ મેલી વીદ્યા છે? કે પછી યોગ્ય જ્ઞાન અને પુરુષાર્થની ખામી છે? દીશાઓ પોતે જ વ્યવહાર માટેની કલ્પીત વસ્તુ હોય તો તેના આધારે રચાતું શાસ્ત્ર કોઈ વૈજ્ઞાનીક આધાર ધરાવી શકે નહીં તે પણ કલ્પીત છે.

મુળ વગરનો મુકદ્દમો :
‘વીવેકબુદ્ધી’ વીરુદ્ધ વાસ્તુશાસ્ત્ર

–રવજીભાઈ સાવલીયા

મારી ઈચ્છાઓ કેમ પુરી થતી નથી?

જ્યોતીષનું નડતર છે? વાસ્તુશાસ્ત્રનું નડતર છે? પીતૃદોષ છે? નસીબ વાકું છે? દેવોનું નડતર છે? કોઈ મેલી વીદ્યા છે? કે પછી યોગ્ય જ્ઞાન અને પુરુષાર્થની ખામી છે?

સામાન્ય રીતે  મોટા ભાગના લોકોને પોતાના જીવનમાં ઈચ્છીત વસ્તુ કે સંજોગોની પ્રાપ્તી થતી નથી અથવા ધારી ન હોય તેવી આફત આવી પડે ત્યારે હતાશ થઈને ઉપરના કોઈ પણ નડતર બાબતે શંકા કરવા લાગે છે.

મનુષ્યને સદાય શાંતી, સ્થીરતા સાથે પ્રસન્ન જીવન જોઈએ છે. પ્રસન્ન જીવન મેળવવા દરેક મનુષ્ય પોતાના જ્ઞાન માન્યતાને અનુસરીને કથા પ્રમાણે કાર્ય કરે છે. પોતાના પુરુષાર્થથી ઈચ્છીત પરીણામની વારંવાર નીષ્ફળતા મળતા તે હતાશ થાય છે અને મનમાં શંકા થાય છે કે હવે કોઈક પ્રકારનું નડતર છે અને નડતરથી થતી પ્રતીકુળતાનો કોઈક ઉપાય શોધવા પ્રવૃત્ત થાય છે. 80 ટકા જેટલા લોકો પરમ્પરાગત રીતે જ્યોતીષમાં માનતા હોવાથી સૌ પ્રથમ નડતરમાં જ્યોતીષનો આશરો લે છે. પૃથ્વી ઉપર વસતા તમામ ધર્મોના લોકો જ્યોતીષમાં ગાઢ શ્રદ્ધા ધરાવે છે; છતાં નવાઈ જેવું એ છે કે દુનીયાભરના 100 વૈજ્ઞાનીકો એકઠા થઈને એકી સાથે ઘોષણા કરે છે કે જ્યોતીષશાસ્ત્ર એ વીજ્ઞાન નથી અને તેમાં કોઈ તથ્ય નથી. જ્યોતીષશાસ્ત્ર ઘણું પ્રાચીન છે. જે સમયે લોકોને ખુબ જ હાડમારીથી જીવન જીવવું પડતું હતું અને જીવનને સરળ બનાવવાની ટૅકનોલૉજી નહોતી ત્યારે વીષમ પરીસ્થીતીને સહન કરવા તથા સમય પસાર કરવાનો એક કીમીયો હોઈ શકે. જ્યારે મનુષ્યની તકલીફનો કોઈ જ ઉપાય ન સુઝતો હોય ત્યારે કોઈક ગ્રહનું નડતર બતાવીને તેનું યોગ્ય સ્થાન થશે ત્યારે સમસ્યા હલ થશે તેવા Time Passingના કીમીયા સાથે કદાચ આ કલ્પીત શાસ્ત્રનો ઉદભવ થયો હોય. મને એક જ્યોતીષી મળવા આવ્યા, તેમણે ઘણા સુવર્ણચન્દ્રકો મેળવ્યા છે તેવો દાવો કર્યો. મે કહ્યું કે હું જ્યોતીષશાસ્ત્રને વીજ્ઞાન તરીકે સ્વીકારતો નથી; કારણ કે કોઈ પણ બાબત વીજ્ઞાન ક્યારે બને તે સમજાવ્યું. વીજ્ઞાનમાં જો અને તો નથી, તેમાં શ્રદ્ધા રાખવાની હોતી નથી તેમ જ એકને માટે તે સર્વને માટે, ગમે તે વ્યક્તી એક સરખી રીતે અનુભવી શકે, પ્રયોગ કરીને ખાતરી મેળવી શકે, તેમાં કોઈ અપવાદ ન હોય અને તમામ પરીક્ષણોમાં વાસ્તવીકતા જણાય ત્યારે વીજ્ઞાન તરીકે સ્વીકારી શકાય, આટલી વાત કર્યા પછી જ્યોતીષશાસ્ત્રીએ કબુલ્યું કે તો પછી જ્યોતીષ એ શાસ્ત્ર છે પણ વીજ્ઞાન નથી. જ્યોતીષનો આધાર આકાશી પદાર્થો જેવા કે ગ્રહો, ઉપગ્રહો, સુર્ય છે. બાળકના જન્મસમયે આવા અવકાશી પદાર્થોની જે રાશી કે નક્ષત્રમાં સ્થાન હોય તે પ્રમાણે જન્મકુંડળી બને છે અને તેના આધારે બાળકના ભવીષ્યમાં બનનારી ઘટનાક્રમ બતાવવામાં આવે છે. સૌ પ્રથમ બાળકનો જન્મ ક્યારે થયો કહેવાય તે અગત્યનું છે. ગર્ભાશયમાંથી બાળક બહાર આવે તેને જન્મ કહેવાય? ખરેખર સ્ત્રી બીજ અને પુરુષ શુક્રાણુના મીલનથી જે સમયે ફલીનીકરણ થાય તેને બાળકનો જન્મ કહેવાય. તે પછી ગર્ભાશયમાં તેનો માત્ર વીકાસનો તબક્કો છે. કોઈ પણ સ્ત્રી પોતાનો ગર્ભ ક્યારે રહ્યો તે કહી શકે જ નહીં. ગર્ભ ધારણ થયા પછી મહીને માસીકસ્ત્રાવ બન્ધ થયેલો જણાય ત્યારે જ સ્ત્રીને ખબર પડે છે કે પોતે હવે સગર્ભા છે. જન્મકુંડળીમાં બાળકના જન્મનો સમય ખુબ જ અગત્યનો છે. તેના આધારે જ ભવીષ્યકથન થાય છે. બાળકનો ક્યારે જન્મ થયો તેનો કોઈ ચોક્કસ સમય જાણી શકાતો નથી તો જન્મકુંડળી સાચી કેવી રીતે બને? અને તેના આધારે થતું ભવીષ્ય કથન સાચું કેવી રીતે થાય?

જ્યોતીષની બીજી વાત વીચારીએ તો ધારો કે કોઈ વ્યક્તીને ગુરુ ગ્રહનું નડતર છે, પૃથ્વી કરતાં 1000 ગણો મોટો તથા કરોડો માઈલ દુરનો અવકાશી જડ પદાર્થ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તીને નડતર થતો હોય તો મન્ત્રજાપથી તેનું નડતર કેવી રીતે નાબુદ થાય? જેને વીચાર આવતો જ નથી તેવો જડ પદાર્થ આપણા મન્ત્રો સાંભળીને કૃપા કેવી રીતે વરસાવે? આપણા મન્ત્રોચ્ચારનો ધ્વની માત્ર હવામાં પ્રસરી શકે અને પૃથ્વી ઉપર માત્ર પાંચ માઈલ સુધી જ ઘટ્ટ હવા છે બાકીનું ગુરુ સુધીનું કરોડો માઈલનું અન્તર સમ્પુર્ણ શુન્યાવકાશ છે, શુન્યાવકાશમાં ધ્વની હોતો નથી. જ્યોતીષશાસ્ત્રને કોઈ જ વૈજ્ઞાનીક આધાર નથી, એક પણ અંશ સાચો હોય તો  તેને વધારીને 100 ટકા કરી શકાય. હું જ્યોતીષીઓને પુછું છું કે આવતીકાલે મારું શું થશે તે કહેવાનો તમારી પાસે આધાર શું છે? શું ભવીષ્યના જીવનનો કોઈ ચોક્કસ પ્રોગ્રામ પહેલેથી જ નક્કી થઈ જાય છે? જો તેવું હોય તો નવા જ્ઞાનની વૃદ્ધીનો કોઈ અર્થ નથી તેથી શાળા કૉલેજો બન્ધ કરી દેવી જોઈએ.

દુનીયાભરના લોકો પ્રાચીન કાળથી જ્યોતીષશાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે. ઘણી મોટી સંખ્યા લાંબા સમયથી માનતી હોય તેવી શ્રદ્ધાની કાલ્પનીક બાબત સત્ય બની શકે નહીં. ઘણી બધી વ્યક્તી માનતી હોય તેવી ધડ માથા વગરની કલ્પીત બાબતમાં આપણને જલદી શ્રદ્ધા થઈ જાય છે. શ્રદ્ધા એટલે બીજા ઘણા માને છે તેથી મારે માનવું– કોઈ વીવેકબુદ્ધીનના ઉપયોગ વગર માની લેવું. હમણાં થોડા વર્ષોથી જ્યોતીષથી તદ્દન જુદું વાસ્તુશાસ્ત્ર ઉભું થયું છે. વાસ્તુશાસ્ત્ર પણ ઘણું પ્રાચીન છે તેવું તેના કહેવાતા નીષ્ણાતો કહે છે. ચીનમાં પ્રાચીન શાસ્ત્ર ફેંગશુઈને મળતા આવતા આ શાસ્ત્રનો મુખ્ય આધાર મકાનના જુદા જુદા ખંડોની દીશાઓ છે. જ્યારે જ્યોતીષશાસ્ત્રનો આધાર બાળકના જન્મ સમયની આકાશી ગ્રહો, ઉપગ્રહો અને સુર્ય જે તે રાશી નક્ષત્રમાં સ્થાન છે. જે શાસ્ત્રનો આધાર દીશાઓ છે તેને એટલું જ પુછવાનું થાય કે દીશાઓ પોતે જ કલ્પીત અને સ્થળ સાપેક્ષ છે. બ્રહ્માંડમાં કોઈ દીશાઓ નથી. આપણા સ્થળેથી દેખાતા પુર્વ દીશાનું સ્થળથી આગળ ગયા પછી તે પશ્ચીમ દીશાનું બની જાય. કોઈ પણ સ્થળ ક્યાં છે તેને દર્શાવવા એક બીજાના સન્દર્ભમાં કહી શકાય તેથી દીશાઓ પોતે જ વ્યવહાર માટેની કલ્પીત વસ્તુ હોય તો તેના આધારે રચાતું શાસ્ત્ર કોઈ વૈજ્ઞાનીક આધાર ધરાવી શકે નહીં તે પણ કલ્પીત છે. ધારો કે કોઈ મકાનનું રસોડું, સંડાસ, બેડરુમ, બારી વગેરે ખોટી દીશામાં છે તો તે આપણી ઈચ્છા પુર્તી માટે કેવી રીતે બાધક થાય તે સમજાતું નથી, શું તેનાથી આપણું જ્ઞાન લુપ્ત થઈ જાય છે? આ શાસ્ત્રના નીષ્ણાતો મકાનો, ઑફીસો તોડાવીને વાસ્તુશાસ્ત્રના નીયમો પ્રમાણે ફેરફાર કરે છે. આપણા નડતર નીષ્ફળતાઓ માટે આપણા જ્ઞાનની ખામી, આપણા પુરુષાર્થની ખામી અથવા પુરુષાર્થ કરવાના ખોટા સમયની પસન્દગી અથવા ખોટા પ્રદેશની ખામી જવાબદાર નથી? આટલું વીચારીએ તો ખ્યાલ આવશે કે આપણી પોતાની કોઈ ખામી જોવા આપણે તૈયાર નથી; કારણ કે સ્વભાવે આપણે અહંકારી માનસ ધરાવીએ છીએ. આપણામાં કોઈ દોષ હોય જ નહીં તેથી આપણી નીષ્ફળતાઓ તપાસવામાં આપણો અહંકાર આડે આવે છે તેથી બીજા કોઈના માર્ગદર્શન માટે ફાંફા મારે છે. આપણી બરકત ન થવા પાછળ ઓછામાં ઓછા છ નડતરની માન્યતા છે. તેમાંથી અત્યારે કયું નડતર છે તે શોધવું શક્ય નથી. જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર, પીતૃનડતર, નસીબ વાંકું (પુર્વે કરેલાં કર્મોના વીપરીત ફળનું નડતર), દેવદેવીનું નડતર, મેલીવીદ્યાનું નડતર. આ પૈકી આપણા ખરાબ સંજોગો કયા નડતરથી છે તે કેવી રીતે શોધવું? ધારો કે આપણે પ્રથમ કોઈ કર્મકાંડી પાસે જઈએ તો તે પીતૃનડતર છે તેમ કહેશે. છ પૈકી બીજું નડતર નહીં કહે અને કહે તો ગ્રાહક જતું રહે. જ્યોતીષી પાસે જાય તો કહેશે ગ્રહોનું નડતર છે. તાન્ત્રીક કહેશે કે મેલીવીદ્યાનું નડતર છે. બધા પોતપોતાના વ્યવસાય માટે અનુકુળતાનું નડતર બતાવશે; પરન્તુ મેડીકલ સાયન્સના ડૉક્ટર દર્દીના રોગ પ્રમાણે બીજાનો વીષય હોય તો મોકલી આપે તેવું આમાં બનતું નથી. તેથી આ બધા જ નડતરની વાત તદ્દન જુઠી અને બનાવટી છે. પીતૃનડતરની વાત ખુબ જ પ્રચલીત છે. આપણા પીતૃ મરી ગયા પછી આપણને નડવા શા માટે આવે? એક બાજુ પુનર્જન્મનો સીદ્ધાંત છે, બીજી બાજુ નડતરની માન્યતા છે. ધારો કે હું અહીં આ જન્મમાં 50 વર્ષનો છું. પુર્વેના મારા જીવનના સન્તાનોને મારે નડવા જવું હોય તો તેના નામ–સરનામા જોઈએ ને? અત્યારે હયાત છ અબજ માનવીમાંથી એક પણ વ્યક્તી એવી નથી કે તેને પુર્વજન્મના સન્તાનોની સ્મૃતી કે સરનામાં હોય. તો પછી તેનું શુભ કે અશુભ કરવા ક્યાં જવું? છતાં એવી દૃઢ માન્યતા ઘર કરી ગઈ છે. પીતૃ નડતર માટે કર્મકાંડની વીધી કરી પૈસા ખર્ચો એટલે પીતૃનડતર જતું રહે. પીતૃઓ સમજી જાય કે હવે બસ થયું. કોઈનું સન્તાન કે સ્વજન કોઈ અકસ્માતે મરી જાય તો તેને માટે બેદરકારી, આપણી ભુલ, વ્યવસ્થાની ખામી શોધવાને બદલે નસીબ વાંકુ અથવા અન્ય કોઈ બીજી સત્તાનાં કારણો ધરી દેવામાં આવે છે. આવી માન્યતાવાળો સમાજ તેની તમામ ક્ષેત્રની સામાજીક ટૅકનોલૉજી વ્યવસ્થા બરાબર ગોઠવી શકે નહીં, જે દેશમાં આવા નડતરની માન્યતાઓ નથી; પણ માનવ દ્વારા થતી સામાજીક વ્યવસ્થાની ખામીને કારણભુત માને છે. તેઓ સારી વ્યવસ્થા ગોઠવી શક્યા છે. જ્યોતીષ જેવા વીષયો માનવીને પોતાના યોગ્ય જ્ઞાન અને પુરુષાર્થથી વંચીત કરે છે. કારણ કે, તેની સારી કે ખરાબ સ્થીતી જ્ઞાન–પુરુષાર્થની ખામી નહીં પણ ગ્રહોની વીપરીત સ્થીતી છે. તેથી તેને હરતાં ફરતાં ગ્રહો યોગ્ય સ્થાને આવે તેની રાહ જોવાની હોય છે. પોતાની ખામી શોધવાની કોઈ તસ્દી લેતા નથી. વૈજ્ઞાનીકોએ બનાવેલું પ્રથમ વીમાન 50 ફુટ ઉડીને પડી ગયું તો વૈજ્ઞાનીક આપણા છ નડતર પૈકી કયા નડતરની તપાસ કરે? તેણે પોતાના જ્ઞાનની ખામી શોધવાની હોય. જ્ઞાનને સુધારીને બનાવેલું વીમાન આજે સાત સમુદ્રો પાર કરી જાય છે. છમાંથી એકેય નડતર આવતું નથી. વીમાનમાં અતી અલ્પમાત્રામાં અકસ્માત થાય છે તેમાં પણ યાન્ત્રીક ખામી સીવાય બીજું નડતર નથી હોતું અને તેમાં જ્ઞાન સમૃદ્ધીનો બરાબર ઉપયોગ કરી યોગ્ય જ્ઞાન–પુરુષાર્થ યોગ્ય સમય અને પ્રદેશની પસન્દગી કરીએ તો આપણી ઈચ્છા મુજબનું પરીણામ ઘણું ખરું મેળવી શકાય. વીજ્ઞાનના આ નીયમો છે. આ બધું બરાબર કર્યા પછી પણ કોઈક ઈચ્છીત પરીણામ ન મળે તો તે માટે સામાજીક કારણ હોય અને તે લાંબી પ્રતીક્રીયારુપ અવરોધક બની શકે પણ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આપણા હાથની જે વાત છે તેને બરાબર સમજવું જોઈએ. આગળ જણાવ્યા તેવા છ નડતર નીવારણ કરનારાએ ક્યારેય કોઈ વ્યક્તીને પોતાની ‘વીવેકબુદ્ધી’નો ઉપયોગ કરીને જ્ઞાન–પુરુષાર્થને મઠારવાનું કહ્યું નથી.

–રવજીભાઈ સાવલીયા

લેખક–સમ્પર્ક : આપસુઝથી થયેલા વૈજ્ઞાનીક અને ઉદ્યોગપતી એવા સ્મરણીય રવજીભાઈ સાવલીયા હવે આપણી વચ્ચે નથી.

રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’(પ્રકાશક : સ્મરણીય જમનાદાસ કોટેચા (હવે આપણી વચ્ચે નથી) પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/-)ની પ્રસ્તાવના’નાં પૃષ્ઠ ક્રમાંક : 13થી 17 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

8 Comments

 1. સ્નેહીશ્રી રવજીભાઇ સાવલીયાનો લેખ વિગતે લખાયેલો છે અને કરોડો લોકોને શિક્ષિત કરવા માટે સમજાવવાની ભાષામાં લખાયેલો છે.
  હજારો વરસોથી ઘણા સમાજના હીતેચ્છુઓએ આવા પ્રયત્નો જીવ આપીને પણ કરેલાના દાખલાઓ છે. આવા પ્રયત્નો કરવામાં સામાજીક કાર્યકર બે દુશ્મનો ઉભા કરે છે. એક જ્યોતિષ અને બીજો પેલો અંઘશ્રઘ્ઘાળુ. એકને પૈસાને ગુમાવવાનો ગુસ્સો અને બીજાને મનની શાંતિ મેળવવમાં અને તેને માટે એની શ્રઘ્ઘાને તોડવાનો પ્રયત્ન માનીને. સમાજ સુઘારકોએ જીવ ગુમાવ્યાના દાખલાઓ આપણી સમક્ષ છે.. કહેવાયુ છે કે…” Never underestimate the power of stupid people in large group.” What they do is…” They will drag you to their level and beat to the end.”

  વાસ્તુશાસ્ત્રની વાત જોઇએ. પૈસાવાળાઓને આ ચાળાઓ કરવા ગમે…શ્રઘ્ઘાના લીબાસમાં. ગરીબોને તો જે મળ્યું તેને સ્વર્ગ માનીને સ્વીકારવું જ રહે. એક જીવતો જોયેલો દાખલો આપુ.
  વલસાડમાં મારા બાળપણ અને યુવાનીના વરસોમાં એક બાળસ્મશાન કાર્યરત જોયેલું. નાના બાળકો… તરતના મરેલાં જન્મેલાં બાળકોને હિન્દુ રીવાજ પ્રમાડે દાટવાનું રહેતું. આ સ્મશાન તેને માટે હતું. ઘણા વરસો બાદ …. ૬૦… ૭૦ વરસો બાદ, તે જગ્યાની નજીકથી પસાર થયો …. અને જોયું તો…. તે જગ્યાે કે જ્યાં હજારો કે લાખો બાળકો દટાયેલાં હશે ત્યાં ચાર…પાંચ માળના અપાર્ટમેંટસ્ બંઘાયેલાં હતાં અને ત્યાં દુકાનો કાર્યરત હતી…બાળકો રમતા હતાં. ત્યાં રહેનારને કદાચ ખબર પણ નહિ હોય કે તેઓ બાળસ્મશાનની જમીન ઉપર જીવન જીવી રહ્યા છે.
  હવે મોટા સ્કેલનો આજ પ્રકારનો દાખલો સમજીએ. આપણી પૃથ્વિને જન્મીયાને કરોડો વરસો થઇ ગયા હશે…કદાચ અબજો. પૃથ્વિ ઉપર જ્યારથી જીવ ફરતો અને ચરતો થયો ત્યારથી પૃથ્વિની એક એક ઇંચ જગ્યા સ્મશાન નહિ બન્યુ હોય. ઇવન માનવ જ્યારથી પૃથ્વિ ઉપર ચાલતો થયો ત્યારથી પૃથ્વિની એક એક સેન્ટીમીટર જગ્યા માનવ સ્મશાન બની નહિ હોય. ટૂંકમાં આપણે સૌ સ્મશાનભૂમિ ઉપર જીવીએ છીએ… તે જમીનમાં ઉગેલા ઘાન્યો ખાઇઅે છીઅે…. જીવન જીવીઅે છીઅે….. પૈસાદાર કે ગરીબ…. વાસ્તુશાસ્ત્રીની સલાહ લઇને જીવવાવાળા કે કોઇપણ સલાહ લીઘા વિના…..
  દરેક માણસને ચાર ગ્રહો નડતા હોય છે…. સંગ્રહ , આગ્રહ, પરિગ્રહ… અને… પુર્વગ્રહ…

  સંત કબીર કેટલી સરસ વાત સમજાવી ગયાને પણ…હજારો વરસો થઇ ગયા…તેમણે આપેલી એક સમજ…..
  ‘ માટી કા એક નાગ બનાકે, પૂજે લોગ લુગાયા !
  જીંદા નાગ જબ ઘરમે નીંકલે, લે લાઠી ઘમકાયા !!
  જીંદા બાપ કોઇ ના પૂજે , મરે બાદ પુજવાયા!
  મુઠ્ઠી ભર ચાવલ લેકે , કૌવે કો બાપ બનાયા!!

  અને આપણા ગુજરાતી…અખાજીને કેમ ભુલાય ?……
  એક મુરખને એવી ટેવ, પત્થર એટલાં પૂજે દેવ,
  પાણી દેખી કરે સ્નાન, તુલસી તોડે પાન,
  એ અખા વઘુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 2. મુળ વગરનો મુકદ્દમો :‘વીવેકબુદ્ધી’ વીરુદ્ધ વાસ્તુશાસ્ત્ર અંગે મા રવજીભાઈ સાવલીયાએ-‘ ૧00 વૈજ્ઞાનીકો એકઠા થઈને એકી સાથે ઘોષણા કરે છે કે જ્યોતીષશાસ્ત્ર એ વીજ્ઞાન નથી અને તેમાં કોઈ તથ્ય નથી’ વાત સાથે અનેક દ્રુષ્ટાંતો સાથે અભ્યાસપૂર્ણ ચર્ચા કરી તેમા’મેડીકલ સાયન્સના ડૉક્ટર દર્દીના રોગ પ્રમાણે બીજાનો વીષય હોય તો મોકલી આપે તેવું આમાં બનતું નથી’વાતે છેતરપીંડી કરનારા ડૉક્ટરોનું વિષવર્તુળ નો અનુભવ ઘણાને થયો છે અને અમેરીકામા તો મૃત્યુના કારણમા ત્રીજા ભાગે તબીબોની બેદરકારી આવે છે ! તેવું વૈજ્ઞાનીકો ધનની લાલચમા ખોટી શોધના અનેક દાખલાઓ છે.આવા લોકો તમારી ચારેબાજુ ફેલાયેલા છે સંતોને નામે ઠગોથી ઘણા છેતરાતા હોય છે તેવું જ્યોતિષનાં નામે લેભાગુ લોકોએ હાટડાં ખોલ્યા છે તેથી આ અંગે રાષ્ટ્રીય જ્યોતિષ પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમા જયોતિષ આચાર્ય ડો. ચંદ્રેશભાઇ પંડયા, નવસારીથી જયંતિભાઇ લાડ, પ્રશાંતભાઇ વૈદ્ય, રમેશભાઇ શૂકલ, ડો. લાખાણી, ડો. હરીન્દ્ર વ્યાસ સહિ‌તનાં જયોતિષ શાસ્ત્રનાં તજ્જ્ઞો હાજર રહ્યા હતા.આ જયોતિષ શાસ્ત્રનાં તજજ્ઞોએ હસ્તરેખા, જન્માક્ષર, આંકડાશાસ્ત્ર, ટેરોટકાર્ડ, ગ્રહ અને ભવિષ્ય અંગે સાચુ જ્ઞાન આપ્યુ હતુ.આ પરિસંવાદમાં જ્યોતિષ અને વિજ્ઞાનનો સમન્વય, જયોતિષનાં આધારે ખોવાયેલી વસ્તુ કેવી રીતે મળવવી, જીવનમાં અસર કરતા ગ્રહ, કુંડળીમાં શુભ – અશુભ યોગની અસર વગેરે વિશે વિસ્તૃત માહીતી આપી હતી. તેમજ આ પરિસંવાદમાં તજજ્ઞોએ સમાજમાં જયોતિષનાં નામે ખોટા વિચારો ફેલાવતા લેભાગુ લોકોથી બચવા જણાવ્યુ હતુ અમને અને અમારા સ્નેહીઓને તજજ્ઞ જયોતિષના સારા અનુભવ છે.જ્યોતીષશાસ્ત્ર ખોટું નથી

  Liked by 1 person

 3. ખૂબ જ સરસ લેખ અને સચોટ દલીલો… મારે આવી દલીલો સગા સબંધી જોડે બહું થાય… અને એ લોકો મને નાસ્તિક કહીને વાત ટૂંકાવી નાખે કારણકે એમની પાસે મારા સવાલો ના જવાબ ન હોય એટલે… મજા આવી ગઈ લેખ વાંચી ને… બધાની સાથે શેર કરીશ હું આ.

  Liked by 1 person

 4. જ્યોતીસ શાસ્ત્ર અને વિજ્ઞાન બન્ને પોતપોતાની જગ્યાએ સ્વતંત્ર શાસ્ત્ર છે અહીં ઉત્તર અમેરિકા-કેનેડામાં પણ જ્યોતિષીઓની ભરપૂર જાહેરાત આવે છે આદેશનાઆ લોકો માં ભણતરનું પ્રમાણ ઉંચુ હોવા છતાં જ્યતિષીઓ નો ધન્ધો ધમધોકાર ચાલે છે.કદાચ પ્લેસીબો ઇફેક્ટ ને લીધે પણ લોકો એમ માનતા
  હશે કે અમુક અમુક વિધિથી તેમના પ્રશ્નો ઉકેલાઈ ગયા અને તેનું શ્રેય જ્યોતિષને આપતા હશે.

  Liked by 1 person

 5. ” હું જ્યોતીષીઓને પુછું છું કે આવતીકાલે મારું શું થશે તે કહેવાનો તમારી પાસે આધાર શું છે? ”

  –રવજીભાઈ સાવલીયા

  કોઈ પણ જ્યોતીષીને પૂછી જુઓ ” પહેલા એ બતાવ કે આવતી કાલે તારું શું થશે? તું અહીં જ્યોતીષીની દુકાન ખોલી ને બેઠો છે તો આજે તને કેટલી આવક થશે? ” પછી જુઓ શું જવાબ મળે છે?

  પંડિતો, બાબાઓ, પીરો, મુલ્લાઓ વગેરે ની સાથે જ્યોતીષીઓ પણ લાઈન માં લાગેલા છે, અન્ધશ્રદ્ધાળુઓ પાસેથી પૈસા ઓકાવવા માટે.

  ઝૂકતી હે દુનિયા ઝૂકાને વાલા ચાહિયે.

  Liked by 1 person

 6. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..ગોવીન્દ મારુ

  Thanks Sir, for your promise and so we should take care of it by reading it. Your articles like “pearl” (Vinela Moti) we should pick it up.
  very true article.
  Thanks again.
  Dinesh

  Liked by 1 person

 7. મન હી છાવ
  મન હી ધૂપ

  પ્રકૃતિ એ મન ને પ્રાકૃતિક બનાવ્યુ છે.પણ કેટલાક મુઠીભર અપ્રાકૃતિક તત્વો એ આ પ્રકૃતિમય મન માં વિકૃતિઓ નાખી દીધી.મન્ગલ અમન્ગલ શુભ અશુભ પાપ પુણ્ય સ્વર્ગ નર્ગ આત્મા પરમાત્મા ગ્રહ દોષ સર્પ દોષ વાસ્તુ શાસ્ત્ર ધાર્મિક શાસ્ત્ર જન્નત હૂર વગેરે વગેરે અસનખ્ય અપ્રાકૃતિક વિચારો ધર્મ ના ઠેકેદારો એ એક સ્ક્રિપ્ટ બનાવી ને જન માનસ માં ઘુસાડ્યા.પરિણામ એ આવ્યુ કે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો ની જડ ને શાસન પ્રશાસન માં શોધવા ને બદલે ધર્મ ના આડમ્બર માં શોધવા લાગીયા. અને દેશ દુર્ગતિ તરફ ધસી ગયો.

  વૈજ્ઞાનિક જન માનસ બનાવ વુ એ માનવ કલ્યાણ કારી માર્ગ છે.જે પૃથ્વી પર રહેતા તમામ માનવ નું કર્તવ્ય છે.ધર્મ ના પાંખનડી ની ચુંગાલમાંથી નીકળી ને જ તાર્કિક પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક માનવ સમૂહ નું નિર્માણ શકય છે.

  Liked by 1 person

 8. milan kotecha Wed, Nov 27, 10:09 PM

  to me

  Respected Govindbhai

  I read a article about Vastu shastra k Faltu Shastra (Laxmidas Khatau) Published by my father
  Jamnadas Kotecha. Became Very much pleased. Congratulations. I have xerox copies of my father’s articles published in “Phulchhab” (Rajkot) in the year 1986 to 1988. Mantra – Tantra – Chamtkar ne padkar. Colum was very popular articles are so relevant today. If you want to publish in your Blog or as e-book I will send you Please send your mob no. & address.

  Milan Jamnadas Kotecha

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s