શું મૃત્યુ પછી કહેવાતો આત્મા યા તત્ત્વ કહેવાતા સ્વર્ગમાં યા નર્કમાં જશે યા પ્રેતાત્મા તરીકે ભટકી યા પુનર્જન્મ લેશે? માન્યતા પ્રમાણે આત્મા હોય તો પુનર્જન્મના આત્માનું શરીરમાં વીભાજન થાય? સર્વ ધર્મો મૃત્યુ પછીના જીવન અંગે અવધારણા બાંધે છે તે માનવા અંગે યોગ્ય કારણો યા પુરતા પુરાવા છે? ગતજન્મની સ્મૃતી પ્રાપ્ત કરતાં બાળકોની વાતોમાં તથ્ય છે? ક્રાયોજીનીક્સની નવી પદ્ધતી દ્વારા મૃત્યુ બાદ અનેક વર્ષો બાદ પુન:સજીવન શક્ય છે?
શું મૃત્યુ પછી જીવન છે ખરું?
–ડો. અબ્રાહમ ટી. કોવુર
મારી જીવનચેતના મારા દેહના કોઈ એક ખાસ બીંદુમાં સમાયેલી છે તેવું હું માનતો નથી. મારા શરીરના દરેક જીવન્ત કોષમાં જીવનક્રીયાઓ ધબકતી રહી છે અને તેનું પોષણ, અન્દર ચાલતી ઓક્સીડેટરી રાસાયણીક ક્રીયાને કારણે થાય છે. આ રાસાયણીક ક્રીયા મારી શ્વસનક્રીયા અને રુધીરાભીસરણની ક્રીયાને કારણે ચાલે છે. સળગતી મીણબત્તીના હાઈડ્રોકાર્બન પદાર્થો પ્રાણવાયુ સાથે સંયોજાઈ બળવાનું શરુ કરે ત્યારે ગરમી અને પ્રકાશ જે રીતે ઉત્પન્ન થાય છે તેનાથી આ ક્રીયા કોઈ રીતે જુદી નથી. મીણબત્તી બુઝાવી દેવામાં આવે ત્યારે ગરમી અને પ્રકાશ મીણબત્તીથી નોખાં પડી જતાં નથી. ફરી મીણબત્તી સળગાવતાં એ ક્રીયા ફરી શરુ થાય છે.
આમ રાસાયણીક ક્રીયા દ્વારા શક્તી ઉત્પન્ન કરવાની જ આ પ્રક્રીયા છે. આમ જ્યારે શ્વસન અને રુધીરાભીસરણની ક્રીયાઓ બન્ધ થવાના પરીણામે શરીર મૃત્યુ પામે ત્યારે તેમાંથી કશું નીકળતું નથી. જો કોઈ નવીન ટેક્નીકનો ઉપયોગ કરી શરીરની લુપ્ત ક્રીયાઓ ફરી ચાલુ કરવામાં આવે તો એમ ના કહેવાય કે બહાર નીકળી ગયેલ આત્મા ફરી શરીરમાં પ્રવેશ્યો છે.
મારું મૃત્યુ કોઈ ચોક્કસ સમયે એકાએક થવાનું નથી. મારી મરવાની ક્રીયા લગભગ 70 વર્ષ પહેલાં શરુ થઈ ગઈ ગણાય. મેં મારું જીવન મારી માતાના પરોપજીવી તરીકે શરુ કર્યું, એટલે કે તેના શરીરમાંથી મેં મારું પોષણ મેળવ્યું; આ પરોપજીવી જીવનનો અન્ત આવ્યો તે સમયે ડુંટી–નાભીને જોડતી નળી અને તે દ્વારા ગર્ભને પોષણ પુરું પાડતું અંગ–પ્લેસેન્ટા ગુમાવતા મારા શરીરનો 1/8 ભાગ નાશ પામ્યો. મારા જન્મદીનથી આજ સુધી હું નાશ પામવાની અને વીકસવાની ક્રીયા સાથોસાથ કરતો રહ્યો છું. દરરોજ મારા દેહમાં ઘણા કોષ ઘસાઈને નાશ પામે છે. આવા મૃતકોષો–હજામતથી દુર કરેલા વાળ, ફાટી ગયેલી ચામડી, વધેલા નખ, તુટી જતા દાંત અને પ્રસ્વેદ તથા મુત્ર વેળા નીકળતા કચરા વાટે મારા શરીરની બહાર નીકળતા રહે છે.
મારું શરીર સીત્તેર વર્ષ જુનું છે. અકસ્માતથી પડેલા ઘા–ઘસરકા, બેક્ટેરીયા કે વીષાણુના ચેપ, શારીરીક–માનસીક કાર્યબોજ, સુર્યના અલ્ટ્રા–વાયોલેટ અને ઈન્ફ્રા–રેડ કીરણોની હાજરી, વીજ્ઞાન પ્રયોગશાળામાં કામ કરતી વેળા રોજેરોજ કોસ્ટીક તેજાબી રસાયણો સાથે પડતો પનારો, તેજાના મસાલાથી તમતમતો ખોરાક વગેરે કાર્યો મારા સીત્તેર વર્ષના વૃદ્ધ દેહના મોટા ભાગને મારી નાંખવામાં, ક્ષીણ કરવામાં જવાબદાર છે.
એક ઑપરેશન કરીને મારા દેહનો એક ભાગ અલગ કરી દેવામાં આવ્યો હતો. ચાલીસ વર્ષ પુર્વે મારા શરીરમાંથી એક નાનકડો કોષ છુટો પડીને બીજા એક દેહના બીજા કોષ સાથે સંયોજાયો હતો અને મારા શરીરની બહાર તેનો વીકાસ ચાલુ થયો હતો. હજુ આજે પણ એ કોષ અનેક કોષમાં વીભાજીત થઈ – ડૉ. એરીસ કોવુર તરીકે શરીર ધરાવી વીકસી રહ્યો છે.
મારી યુવાનીના દીવસોમાં મારા શરીરમાં નવા કોષના જન્મનો દર, મૃત્યુ પામતા કોષ કરતાં વધુ હતો. આથી મારો વીકાસ થતો રહ્યો, વજન વધતું રહ્યું અને ચાલીસમાં વર્ષે મારું વજન ત્યાર સુધીમાં સૌથી વધુ 185 પાઉન્ડ થયું; પછી મારા શરીરમાં કોષોનો જન્મ અને મૃત્યુનો દર કેટલાંક વર્ષ સ્થીર રહ્યાં ત્યારે મારું વજન એટલું જ રહ્યું. ત્યાર બાદ કોષના જન્મ કરતાં મૃત્યુસંખ્યા વધતી રહી. તે એટલી હદે કે અત્યારે મારું વજન 125 પાઉન્ડ છે. અત્યાર સુધી મરીને ફેંકાઈ ગયેલા મારા કોષોનું વજન કરીએ તો લાખો પાઉન્ડ થાય. આ ક્રીયા નવા કોષનો જન્મ થવા જરુરી છે. વીભાજન માટે આવા કોઈ કોષ બાકી નહીં રહે ત્યાં સુધી કોષના જીવન–મૃત્યની આ ક્રીયા ચાલુ રહેશે. મારા દેહના સર્વ કોષના મૃત્યુ પછી પણ મારી આંખોના કોર્નીઆ કોઈક અજાણ્યા ભાગ્યશાળીની આંખોમાં જીવ્યા કરશે.
કોષના સતત જીવન–મૃત્યુની પ્રક્રીયામાં મારા હાલના 125 પાઉન્ડ વજનના દેહનું મૃત્યુ મહત્ત્વની ઘટના બનશે. કેમ કે મારા મનની કર્મભુમી, મારું મગજ, કાર્ય કરતું બન્ધ થશે અને મારા વ્યક્તીત્વનો અન્ત આવશે.
મારો છેલ્લો શ્વાસ, હાલના શ્વાસ કરતાં કોઈ રીતે જુદો નહીં હોય. મારા છેલ્લા ઉચ્છ્વાસમાં પણ આજની જેમ હું માત્ર કાર્બન ડાયોક્સાઈડ અને વરાળ જ બહાર કાઢીશ.
મારા મૃત્યુ પછી, મારો કહી શકાય એવો આત્મા યા તત્ત્વ વીહરશે યા હું સ્વર્ગમાં કે નર્કમાં જઈશ યા પ્રેતાત્મા તરીકે ભટકી યા પુનર્જન્મ લઈશ એવું કંઈ પણ હું માનતો નથી.
જો આત્મા જેવું તત્ત્વ ખરેખર હોય તો આટલા વર્ષોમાં, મરણશીલ થઈ મારા દેહથી છુટા પડેલા હજારો કોષમાં, તેનો મોટો ભાગ નાશ પામ્યો હોવો જોઈએ અને મારા 125 પાઉન્ડના દેહના મૃત્યુ બાદ પણ મારી આંખના નેત્રમણીનું દાન મેળવનાર વ્યક્તીમાં મારા આત્માનો થોડોક ભાગ જીવતો પણ રહેવો જોઈએ.
હું એક અવીભાજ્ય શરીર–અવસ્થા ધરાવતું માનવપ્રાણી છું, કારણ કે ખાસ્સી એવી ઉત્ક્રાંતી પામેલા પ્રાણી તરીકે, હું, એક જ કેન્દ્રથી નીયમન થતું હોય તેવા જ્ઞાનતન્તુ, શ્વસન અને રુધીરાભીસરણ તન્ત્ર ધરાવું છું. ઘણા છોડ અને નીમ્ન કોટીનાં પ્રાણીઓમાં હોય છે તેમ મારી શરીર–અવસ્થા પણ વીભાજીત હતી, જ્યારે હું મારી માતાના ઉદરમાં ગર્ભ તરીકે હતો અને મારા શારીરીક કાર્યો હાલની જેમ કે એક જ કેન્દ્રના આદેશથી સંચાલીત ન હતાં. ત્યારે ગર્ભ–અવસ્થામાં સર્જીત પ્રથમ કોષ એકના બદલે બે ભાગમાં વીભાજીત થયો હોત તો અમે બે જોડીયા ભાઈ હોત. માન્યતા પ્રમાણે આત્મા હોય તો પુનર્જન્મના આત્માનું બે શરીરમાં વીભાજન થયું હોત?
ઉપર કથીત રજુઆત સુસંગત અને તર્કબદ્ધ હોવાં છતાં આત્મા અને પુનર્જન્મ અંગે ગળથુથીથી શીક્ષણ પામેલા માણસો તેનો સ્વીકાર નહીં કરે; કારણ કે ‘ધર્મ’ જે કરે છે તેનાથી આ સદન્તર વીરુદ્ધ છે. આમ સર્વ ધર્મો મૃત્યુ પછીના જીવન અંગે અવધારણા બાંધે છે; છતાં તે માનવા અંગે મારી પાસે કોઈ યોગ્ય કારણો યા પુરતા પુરાવા નથી. કોઈ કહે છે આ શરીરનું જીવન અને શાશ્વત–જીવન એ બે જુદાં છે. શાશ્વત–જીવન એ સ્થળ–સમયના બન્ધનથી પર છે અને તે ત્યાં સુધી ગતીમાં રહે છે જ્યાં એક એવો તબક્કો આવે કે તે જીવનની પણ જરુરત ન રહે.
મને એ સમજ નથી પડતી કે જીવન નાશ પામે છે તે પછી શાશ્વત ક્યાંથી રહે? જીવન એકકોષી જીવમાં હોય કે પછી બહુ–કોષી જીવમાં હોય, તે સરખું જ છે. એક છોડ, જન્તુ અને માનવીનાં જે જીવન–તત્ત્વ છે તેમાં કોઈ ફેર નથી. જે ફેર છે, તે તેનામાં રહેલા મગજ તત્ત્વોનો, માનવ–વીકાસનો છે. એક બટાટાના છોડમાં મગજ હોતું નથી, એક જન્તુમાં બહુ પ્રાથમીક કક્ષામાં મગજ–કાર્ય થતું હોય છે અને માનવીમાં મગજ ખુબ વીકસીત અવસ્થામાં છે.
સમય એવો આવ્યો છે કે માનવી પોતાની જાતની, વધુ બુદ્ધીશાળી વ્યક્તીઓના જન્મ માટે જનીનશાસ્ત્રના વધતા જ્ઞાનનો ઉપયોગ કરી શકશે. હું એવો સમય જોઈ શકું છું કે જ્યારે સરકારો પોતાની પ્રજાની પ્રજનનશક્તીના ઉપયોગના સ્વાતન્ત્ર્ય ઉપર નીયન્ત્રણો મુકશે. યુગલોને જાતીય સુખનો અધીકાર તો છે જ; પરન્તુ અનીચ્છીત ગુણવત્તાવાળાં, શક્તીહીન, ઓછી બુદ્ધીવાળાં બાળકો પેદા કરવા પર ત્યારે કદાચ અંકુશ આવશે.
ખાસ પસન્દ કરાયેલ સ્ત્રીઓને કૃત્રીમ ગર્ભધાન વડે, ખાસ પસન્દગી અનુસારનાં બાળકોને જન્મ આપવા વીર્યબેંકોની સ્થાપના પણ કદાચ થાય. (અમેરીકામાં નોબલ વીર્યબેંક સ્થપાઈ છે.) આમ પુનર્જન્મમાં માનનારા, કર્મ અનુસાર જન્મચક્રમાં માનનારા, આ રીતના પસન્દગીકૃત જન્મ કરાવવાની માનવશક્તી માટે શું કહેશે? શું આ રીતે જન્મેલા બાળકો ગતજન્મના કર્મ અનુસાર ફરી માનવ–જન્મ પામશે?
પ્રૉફેસર ઈયાન સ્ટીવન્સન, પ્રૉફેસર એચ. એન. બેનરજી જેવા એમ માને છે કે પુનર્જન્મ પહેલા દેહનાં ચહેરાની રેખાઓ, ઘાનાં નીશાન વગેરે પણ ગતજન્મની જેમ જ આવેલા હોય છે. જો આ સાચું હોય તો નેત્રદાન સંસ્થાઓ માટે મોટી મુશ્કેલી સર્જાશે, કેમ કે આવતા જન્મમાં અન્ધ જન્મવાના ભયે લોકો ચક્ષુદાન કરતાં બન્ધ થઈ જશે. પોતાના ગતજન્મની સ્મૃતી પ્રાપ્ત કરતાં બાળકોની વાતો નીર્ભેળ વાતો જ છે. જેઓએ આવી વાતો અંગે ઉંડાણમાં ઉતરીને તપાસ કરી છે તેમને આવી વાતોમાં વણાયેલ અસત્ય અને છેતરપીંડી તથા ખોટી પ્રસીદ્ધીની જાણ થઈ જાય છે.
ક્રાયોજીનીક્સની નવી પદ્ધતી દ્વારા મૃત્યુ બાદ તરત જ શરીરને ઉંડા ઠારબીંદુવાળી પેટીમાં મુકી અનેક વર્ષો બાદ પુન:સજીવન કરવાનું શક્ય બનવાની સમ્ભાવના છે. શું તે વખતે છુટો પડેલો આત્મા ફરી પાછો શરીરમાં દાખલ થશે? એ આત્મા ક્યાંક પુનર્જન્મ પામ્યો હશે તો તે દેહ છોડી, જુના દેહમાં પાછો ફરશે? શું જાળવેલા દેહોમાં મગજ સદીઓ સુધી જીવન્ત રહેશે?
જેમ ઈંધણ વીના અગ્ની હોતો નથી તેમ શરીર અને જ્ઞાનતન્તુઓ વીના જીવન અને મગજ હોતાં નથી. મૃત્યુ એ જીવનનો અન્ત છે. કહેવાતો આત્મા એ જીવન અને મગજ બન્નેનો સમન્વય છે. દેહ વીના જીવન શક્ય ન હોવાથી શાશ્વત જીવનની વાતો યા અમર આત્માની વાતો અર્થહીન છે. ગૌતમ બુદ્ધ આ સત્ય જાણતા હતા અને પચ્ચીસસો વર્ષ પહેલાં તેમણે ‘અનાત્મ’નો સીદ્ધાંત પ્રચલીત કર્યો હતો.
–ડો. અબ્રાહમ ટી. કોવુર
અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ આઠમો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
(ડો. કોવુર કૃત ‘એ લોકો તમને છેતરે છે’નું એક પ્રકરણ. અનુવાદ : મનોજ ઓઝા, પ્રકાશક : ‘હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ સોસાયટી’, 2/21, મ્યુનીસીપલ શોપીંગ સેન્ટર, તળાવ રોડ, ગોધરા. ત્રીજી આવૃત્તી : 1998)
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
આત્મા ના અસ્તિત્વ વિષે મોટા ભાગના લોકો સ્વીકારે છે. પણ આત્માના અસ્તિત્વ અંગે કોઈ પુરાવા આપવા તૈયાર નથી. આતો શ્રદ્ધાનો વિષય છે તેમ કહીને દલીલ કરવાનું ટાળે છે. તથાગત્ ગૌતમ બુદ્ધ દ્વારા સૌપ્રથમ આત્માના અસ્તિત્વનો ઈન્કાર થયો; છતાં કેટલાક બૌદ્ધ પંથો પુનર્જન્મ માં માને છે.
LikeLiked by 1 person
ડો. કુવરનો એકે એક શબ્દ સત્ય છે. વિજ્ઞાન પાસે જે જ્ઞાન છે તે સાબિત થયેલું જ્ઞાન છે. તેમણે બહુ જ સાદા શબ્દોમાં માનવ જીવનની જીવન પઘ્ઘતિ સમજાવી છે. ઢોંગી બાવાઓ અને કહેવાતા ( દુનિયાના દરેક ) ઘરમોના જ્ઞાનને અમાન્ય કહીને તેને પણ સમજાવ્યું છે.
Osho said, ” The real question is not whether life exists after death ? The real question is whether you are alive before death? ”
Hat’s off to Dr. Kuver.
Amrut Hazari.
LikeLiked by 1 person
શું મૃત્યુ પછી જીવન છે ખરું? –ડો. અબ્રાહમ ટી. કોવુરનો ચિંતન પ્રેરક અભ્યાસુ લેખ બે વાર વાંચ્યો. ‘દેહ વીના જીવન શક્ય ન હોવાથી શાશ્વત જીવનની વાતો યા અમર આત્માની વાતો અર્થહીન છે. ‘ ‘ગૌતમ બુદ્ધ આ સત્ય જાણતા હતા અને પચ્ચીસસો વર્ષ પહેલાં તેમણે ‘અનાત્મ’નો સીદ્ધાંત પ્રચલીત કર્યો હતો.’ ચિંતન મનન કરવા જેવી વાત The rebirth doctrine in Buddhism, sometimes referred to as metempsychosis, asserts that rebirth does not necessarily take place as another human being, but as an existence in one of the six realms called Bhavachakra.
મનોવિજ્ઞાાન ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન કરનારા મૂર્ધન્ય મનોવિજ્ઞાાની કાર્લ ગુસ્તાવ જુંગ ને સ્વયં મરણોત્તર જીવનની અનુભૂતિ થઇ હતી.સર વિલિયમ બેરેટે એમના પુસ્તક ‘ધ બુક ઑફ લિવિંગ ડેડ’માં થેનેટોલોજીને લગતી એક ઘટના રજૂ કરી છે.એ રીતે હરમાન ફિફેલનું ‘મિનિંગ ઓફ ડેથ’ અને રોબર્ટ કેસ્ટેનબોમ તથા રુથ એઇસેનબર્ગનું ‘સાઇકોલોજી ઓફ ડેથ’ નામના પુસ્તકો પણ થેનેટોલોજીના ક્ષેત્રે પ્રસિદ્ધ છે. એન ન્યૂમેનનું ‘ધ ગુડ ડેથ’ અને જોઆના બેન્સ્ટિનનું ‘ડેથ-એ ગ્રેવસાઇડ કમ્પેનિયન’ પણ વાંચવા જેવા પુસ્તકો છે.ધર્મ ગ્રંથો અનુસાર એવી માન્યતા છે કે મુક્તિ માત્ર માનવ જન્મમાં જ મળે છે
તો આપણા સંતો જેને જુટ્ટુ બોલવાનું કારણ નથી દાદા ભગવાન-‘કશો જ સમય નહીં. અહીંયાં પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઈમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. નહીં તો એ અહીંથી જાય જ નહીં, એટલે માણસ મર્યા પછી એ આત્મા અહીંથી સીધો જ બીજી યોનિમાં જાય છે. એટલે આગળ શું થશે, એની કોઈ ચિંતા કરવા જેવી નથી. કારણ કે મર્યા પછી બીજી યોનિ પ્રાપ્ત થઈ જાય છે જ અને એ યોનિમાં ત્યાં પેઠો કે તરત જ જમવા કરવાનું બધું મળે છે.
આ અંગે ચર્ચા વખતે અમે કહેતા કે આને માટે પહેલા તો મરવું પડે!
LikeLiked by 1 person
Ananth K. Hegde क्या आप भगवान बन गए क्या???
LikeLike
મને ડૉ. કોવુરનો આ લેખ ખુબ ગમ્યો. મારા વીચારો પણ હવે આ મુજબના થયા છે. પહેલાં મને પુનર્જન્મ હશે એમ લાગતું હતું, પણ જે રીતે ડૉ. કોવુરે સમાજાવ્યું છે તેમ એ માત્ર કલ્પના અને મારા ખ્યાલ મુજબ કદાચ એમાં માનનારાઓની એષણા હોવાની શક્યતા વધુ છે. આ જીવનમાં જે વાસનાઓ સંતોષવાની રહી ગઈ હોય તેના કારણે આ પુર્જન્મની માન્યતા કદાચ હશે. હાર્દીક આભાર ગોવીન્દભાઈ તથા ડૉ. કોવુરનો.
LikeLiked by 1 person
“Abraham Thomas Kovoor was an Indian professor and rationalist who gained prominence after retirement for his campaign to expose as frauds various Indian and Sri Lankan “god-men” and so-called paranormal phenomena”
he was my favorite since good old days – perhaps that is how seed of rationalism were sown.
very good example of candle-
“મારા શરીરના દરેક જીવન્ત કોષમાં જીવનક્રીયાઓ ધબકતી રહી છે અને તેનું પોષણ, અન્દર ચાલતી ઓક્સીડેટરી રાસાયણીક ક્રીયાને કારણે થાય છે. આ રાસાયણીક ક્રીયા મારી શ્વસનક્રીયા અને રુધીરાભીસરણની ક્રીયાને કારણે ચાલે છે. સળગતી મીણબત્તીના હાઈડ્રોકાર્બન પદાર્થો પ્રાણવાયુ સાથે સંયોજાઈ બળવાનું શરુ કરે ત્યારે ગરમી અને પ્રકાશ જે રીતે ઉત્પન્ન થાય છે તેનાથી આ ક્રીયા કોઈ રીતે જુદી નથી. મીણબત્તી બુઝાવી દેવામાં આવે ત્યારે ગરમી અને પ્રકાશ મીણબત્તીથી નોખાં પડી જતાં નથી. ફરી મીણબત્તી સળગાવતાં એ ક્રીયા ફરી શરુ થાય છે.”
this article is worth reading again and again as all examples are unique.
i am circulating as pdf in media
LikeLiked by 2 people
There is no proof of man living with past life memory
Very nice article.
Thanks
LikeLiked by 1 person
સરસ
LikeLiked by 1 person
તાર્કિક પોસ્ટ
ધર્મ ના આડમ્બર માંથી બહાર નીકળી ને જન્મ અને મૃત્યુ ની વચ્ચે કેવું જીવન જીવવું એજ મહત્વ નું છે.
ધર્મ ના ઠેકેદારો એ પુનર્જન્મ નું કાલ્પનિક રમકડું મગજ ને પકડાવી દીધું છે.જે ધર્મ ના ઠેકેદારો ની કાલ્પનિક માર્કેટિંગ સ્ટ્રેટેજી છે.
LikeLiked by 1 person
Well written. Congratulations!
LikeLiked by 1 person