યુવાન સ્ત્રી એવું માનતી થઈ જાય કે કોઈક સ્ટાર, ક્રીકેટર કે સમાજની મોભાદાર વ્યક્તી તેના પ્રેમમાં છે. નવાઈભર્યું તો એ છે કે ‘ઈરોટોમેનીયા’ રોગ મોટેભાગે યુવાન છોકરીઓને જ થતો હોય છે. તેઓની આ માન્યતા એટલી બધી દૃઢ અને પ્રબળ હોય છે કે ગમે તે ભોગે પણ તેઓ તે બદલવા તૈયાર નથી હોતા. આ માનસીક રોગ વીશે વીગતએ જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
ગઝલગાયક જગજીત સીંઘને હું બહું ગમું છું
–ડૉ. મુકુલ ચોકસી
અલબત્ત, વાતની શરુઆત તો એકાદ મહીના પહેલાંથી થઈ હતી; પરન્તુ સૌના ધ્યાનમાં લાવનારો પ્રસંગ આ હતો. એક ખુશ્બુદાર રાત્રે ‘સપ્તર્ષી’ના રસીક શ્રોતાઓથી ‘ગાંધી સ્મૃતી ભવન’ ચીક્કાર ભર્યું હતું. જગજીત સીંઘની એક પછી એક ગઝલો શ્રોતાઓના દીલોદીમાગ પર છવાતી જતી હતી. અને હૉલ દુબારા… દુબારા… બહોત ખુબની દાદથી ગુંજતો હતો.
ચારેક ગઝલો પુરી થઈ હશે. જગજીત સીંઘ જરાક અટક્યા અને પાણી મંગાવ્યું. ગઝલરસીકો નવી ગઝલની પ્રતીક્ષા કરતા હતા. સાજીંદાઓ સાજના સુર મેળવતાં હતાં. એવામાં એક આકર્ષક યુવાન છોકરી શ્રોતાગણમાંથી ઉભી થઈ અને બેફીકરાઈપુર્વક સડસડાટ ચાલતી સીધી સ્ટેજ ઉપર પહોંચી ગઈ. સૌ એકીટશે જોતાં રહી ગયા. એ છોકરી કોઈનીય દરકાર કર્યા વીના સીધી જગજીત સીંઘ પાસે પહોંચી ગઈ અને તેમની પાસે પડેલું માઈક ઉઠાવીને બોલી, ‘‘હવે પછી જગજીતજી મને બેહદ ગમતી એક ગઝલ ગાશે. તમને બધાને એ નવી લાગશે પણ મારે માટે એ ખુબ જુની, ખુબ અંગત છે. એ ગઝલ માત્ર મારે માટે જ રચાઈ છે અને ગવાઈ છે. એના શબ્દો છે :
કીસીકી યાદકી હોતી હૈ ઈસ તરહા આહટ
ઉદાસ રાતને જૈસે બદલ દી હો કરવટ
સીતારે આહ ભરેંગે… ફના હો જાયેંગે
અગર હમ ચાંદ કો પહેના દે આપકા ઘુંઘટ
હું તમને ખાતરી આપું છું કે મારા પ્રત્યેની લાગણી અને મારા માટેના પ્રેમને ખાતર જગજીતજી હવે આ જ ગઝલ ગાશે. તેમણે તેમના જીવનમાં કોઈને આપેલી આ સર્વશ્રેષ્ઠ ભેટ હશે.’’
શ્રોતાજનો સ્તબ્ધ થઈ ગયા. એક મુગ્ધ છોકરીની હીમ્મ્ત પર તેઓ અવાક્ થઈ ગયા. કાર્યક્રમના સંચાલકોને ડર લાગ્યો કે આવો મોટો ગાયક, આ છોકરીની બાલીશતા પર ખીજવાઈને ક્યાંક કાર્યક્રમ બન્ધ ન કરી દે તો સારું! પણ લોકોએ એક બીજો આંચકો અનુભવ્યો. સહેજ પણ ખચકાટ વગર જગજીત સીંઘે તેમના બુલન્દ અવાજમાં કીરવાણીના આલાપ સાથે, છોકરીની ફરમાઈશવાળી ગઝલનો એ જ મીસરો ઉપાડ્યો :
‘કીસીકી યાદ કી હોતી હૈ ઈસ તરહા આહટ ….’
–અને પ્રેક્ષાગારમાં સન્નાટો વ્યાપી ગયો.
એ ક્ષણથી માંડીને જગજીત સીંઘે સુરત છોડ્યું ત્યાં સુધી એ છોકરી તેમની આસપાસ જ ફરતી રહી. તેના મીત્રો તથા સગાંવહાલાંઓને પહેલી વાર ખાતરી થઈ કે વૈશી જરુર જગજીત સીંઘની ખુબ જ નીકટ છે. અત્યાર સુધી સહુ તેને હસી કાઢતા હતા; પરન્તુ આ બનાવ બાદ તેઓને સમજાયું કે વૈશી સાચું બોલતી હતી.
તો આ હતી વૈશાલી જાગીરદાર, યાને કે વૈશી. તેની મા તેના જન્મના એક કલાક બાદ જ મૃત્યુ પામી હતી અને તેના પીતા એક વર્ષ પછી. એક દુરના વીધુર કાકાને ત્યાં ઉછરતી ઉછરતી વૈશી વીસ વર્ષની થઈ હતી. આટલે સુધીની એની જીન્દગીમાં ન ભુલી શકાય એવા ત્રણ પ્રસંગો બન્યા હતા. પહેલો પ્રસંગ બનેલો સોળમે વર્ષે. તેના કાકા ઉર્ફે પાલક પીતાએ તેની ઉપર બળાત્કાર કરેલો. બીજો પ્રસંગ બન્યો અઢારમેં વર્ષે. તેનો પહેલો પ્રેમ જે છોકરા તરફ ઢળ્યો હતો તે છોકરો અન્ય પ્રત્યે ઢળી ગયો.
અને ત્રીજો પ્રસંગ બન્યો વીસમે વર્ષે. પોતાના બન્ધ કમરામાં સુતી સુતી તે જગજીત સીંઘના અવાજને સાંભળતી હતી. ‘કમ અલાઈવ’ના શબ્દો હવામાં તરવરતા હતા : ‘‘કલ ચૌદવી કી રાત થી, શબભર રહા ચર્ચા તેરા’’ …… અને અચાનક તેના રોમરોમમાંથી પડઘા પડ્યા. તેના આત્માના ઉંડાણમાંથી તેણે એ ગઝલનો પ્રત્યુત્તર આપ્યો અને જાણે એક સંવાદ રચાયો. ઓચીંતી તેને ખાતરી થઈ ગઈ કે, જગજીત સીંઘ આ બધુ તેને ઉદ્દેશીને જ ગાઈ રહ્યા છે. અને તે આનન્દથી ચીસ પાડી ઉઠી. બીજે દીવસે તેણે ઘરમાં, કુટુમ્બમાં, મીત્રોમાં, કૉલેજમાં તથા શહેરમાં સૌને જણાવી દીધું કે ગઝલગાયકીના બેતાજ બાદશાહ જગજીત સીંઘ તેના, વૈશાલી જાગીરદારના, ઉર્ફે વૈશીના પ્રેમમાં છે.
ત્યારથી તે આજ સુધીના એના દીવસો અદ્ભુત હતા. રાત્રે તારાઓ ભરેલા આકાશ નીચે તેને જગજીત સીંઘનો અવાજ સમ્ભળાતો. તેને લાગતું કે જગજીત આટલી બધી રેકર્ડો દ્વારા પૃથ્વીને ખુણેથી તેને સમ્બોધી રહ્યા હતા.
પણ લોકો માનતા નહોતા. ઉલટાનું બધા તેને ગાંડી અને ઘેલી કહેતા. લોકો તો ઠીક, તેની ખાસ સહેલી ગરીમા પણ તેની વાત માનવા તૈયાર નહોતી; પણ વૈશી અચલ હતી. એક રાત્રે ગરીમાને તેણે પોતાને ઘરે રોકી પાડી. જમ્યા પછી તેઓ વૈશીના રુમમાં ગયાં. રુમમાં દાખલ થતાં જ ગરીમા દીગ્મુઢ થઈ ગઈ. ચારે દીવાલો ઉપર જગજીત સીંઘની રેકર્ડઝના જેકેટ ચોંટાડેલા હતા અને તેણે ગાયેલી ગઝલો આખીને આખી દીવાલો ઉપર લખાયેલી હતી અને આ તો હજુ શરુઆત હતી.
વૈશીએ તેનો કબાટ ખોલ્યો અને એક ફાઈલ બહાર કાઢી. તેમાં જુદા જુદા ન્યુઝપેપરો અને મેગેઝીનોમાંથી કાપેલા લખાણોના કટીંગ્ઝની થોકડી હતી. ગરીમા અવાચક ભાવે એક્કી બેઠકે બધું વાંચી ગઈ. વચ્ચે વચ્ચે વૈશી તેને સમજાવતી, ‘‘જો ગરીમા! આ ગયા મહીને ‘સન્ડે ઓબ્ઝર્વર’માં જગજીતે આપેલો ઈન્ટરવ્યુ! તેમાં તેણે કહ્યું છે કે, તેના પ્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝખાં સાહેબ છે. હવે તું જ વીચાર! ફૈયાઝખાં સાહેબ તો બાળપણથી જ મારા સૌથી પ્રિય ગાયક છે. તેમની પસન્દગી મારા માટેનો તેમનો પ્રેમ દર્શાવે છે. નહીંતર બન્નેને એક જ ગાયક શું કામ ગમે? અને આ ગયા વખતના ‘વીક્લી’નું કટીંગ જો! જગજીત–ચીત્રા ડીવોર્સ લેવાના છે એ વાતનો તેમણે જાહેરમાં સ્વીકાર કર્યો છે. જગજીતજીના મારા પ્રત્યેના પ્રેમનો આથી વધુ મોટો તો બીજો કયો પુરાવો હોય?’’
‘‘પણ જગજીતજી સીંઘને તું મળી કેટલી વાર? અને તેમણે તને એક્કેય પત્ર લખ્યો છે ખરો?’’ ગરીમાએ અકળાઈને પુછ્યું. વૈશી હસી પડી.
‘‘તું હજુ નાદાન જ છે ગરીમા! જગજીતજીને એક વાર ડીવોર્સ મળી જવા દે; પછી તેઓ પત્ર પણ લખશે અને પ્રેમનો એકરાર તો પત્ર સીવાય પણ થઈ શકે… તેં જોયું નહીં? ભર ઓડીટોરીયમમાં તેમણે માત્ર મારે માટે રચેલી ગઝલ, મારી ફરમાઈશ પર ગાઈ સમ્ભળાવી કે નહીં? અને એથી વધુ મહત્ત્વનું તો એ છે કે ‘સપ્તર્ષી’ આટલા વખતથી પ્રયત્નો કરે છે; છતાં જગજીત સુરત આવવા છેક હમણાં જ કેમ તૈયાર થયા? તું જરા સમજ કે તેઓ માત્ર મારા માટેના પ્રેમને ખાતર જ અહીં સુધી આવવા તૈયાર થયા છે.’’
એક ક્ષણ માટે તો ગરીમા પણ માની ગઈ; પરન્તુ તેને હજુ સમજાતું નહોતું કે આટલો મોટો ગઝલગાયક વૈશી જેવી છોકરીના પ્રેમમાં શી રીતે હોઈ શકે? આટલું ઓછું હોય તેમ છુટા પડતી વખતે વૈશીએ ધડાકો કર્યો : ‘‘હું આવતા અઠવાડીયે જગજીતજીને ત્યાં રહેવા મુમ્બઈ જાઉં છું.’’
વૈશી જાય એ પહેલાં તો ગરીમા મુમ્બઈ પહોંચી ગઈ. તેને વૈશીની સતત ચીંતા થતી હતી; પણ જગજીત સીંઘને મળ્યા બાદ ગરીમાને ખાતરી થઈ ગઈ કે વૈશી કેવળ દીવાસ્વપ્નોમાં જ રાચે છે. મુમ્બઈથી પાછા ફર્યા બાદ તેણે પહેલું કામ મનોચીકીત્સકને મળવાનું કર્યું. તેમની સાથે વૈશીના સમગ્ર જીવન વીશે ખુબ ઉંડાણપુર્વક ચર્ચાઓ કરી અને એ દરમીયાન ગરીમાએ જે કંઈ જાણ્યું તે ખુબ હેરત અને અચમ્બો પમાડે તેવું હતું.
વૈશીને એક માનસીક રોગ થયો હતો. આ રોગ ‘ઈરોટોમેનીયા’ તરીકે ઓળખાય છે. જેમ વૈશીને જગજીત સીંઘ માટે થયું તેમ આ રોગના દર્દીઓને કોઈ ને કોઈ પ્રતીષ્ઠીત વ્યક્તી માટે આવું થાય છે. ‘ઈરોટોમેનીયા’નો ભોગ બનેલો દર્દી એવું માનવા માંડે છે કે સમાજની કોઈ ચોક્કસ મોભાદાર વ્યક્તી તેના પ્રેમમાં છે. નવાઈભર્યું તો એ છે કે આ રોગ મોટેભાગે યુવાન છોકરીઓને જ થતો હોય છે. આવી વ્યક્તીઓ અમીતાભ, ગાવસ્કર કે કપીલદેવ જેવી વ્યક્તીઓ વીશે આવું માનતી હોય છે. અલબત્ત, એમ તો હજારો છોકરીઓ આવા સ્ટારોની ફેન હોય છે; પરન્તુ ‘ઈરોટોમેનીયા’ના દર્દીઓ અમુક રીતે જુદા પડે છે. તેઓના મગજમાં એવું ઠસી ગયું હોય છે કે કોઈક સ્ટાર કે ક્રીકેટર તેમના પ્રેમમાં છે. તેઓની આ માન્યતા એટલી બધી દૃઢ અને પ્રબળ હોય છે કે ગમે તે ભોગે પણ તેઓ તે બદલવા તૈયાર નથી હોતા.
પરદેશમાં મેરોડોના, બેકર, માઈકલ જેક્સન, રીગન, સીલ્વીસ્ટર સ્ટેલન વગેરે જેવાં પ્રખ્યાત રમતવીરો, કલાકારો તથા ગાયકોને આવા અનુભવો વારંવાર થતા હોય છે. આ ‘ઈરોટોમેનીક’ છોકરીઓ ઘણા સ્ટારોને હેરાનપરેશાન કરી મુકે છે.
એટલે સુધી કે તેમની અંગત જીન્દગીમાં પણ ખલેલ પહોંચતી હોય છે. દા.ત.; અમેરીકામાં એક છોકરીને ‘ઈરોટોમેનીયા’ થયો અને તે એવું માનવા માંડી કે ડસ્ટીન હૉફમેન તેના પ્રેમમાં છે. આ છોકરીએ ઓસ્કારના સમારમ્ભમાં ડસ્ટીન હૉફમેન પાસે પ્રેમની કબુલાત કરાવવા તોફાન કર્યું અને છેલ્લે પોલીસે તેને પકડીને પુરી દેવી પડી. ફ્રાંસની એક છોકરીએ તો ચીત્રકાર પીકાસો ઉપર કોર્ટમાં દાવો માંડેલો. તેનું કહેવું હતું કે પીકાસો વર્ષોથી તેના પ્રેમમાં હતો; પણ હવે લગ્નની ના પાડે છે. આથી તેના ભરણપોષણની જવાબદારી પીકાસોની છે.
આ બધું સાંભળીને ગરીમા દીગ્મુઢ થઈ ગઈ. તે વીચારતી હતી કે બીજી બધી જ રીતે વૈશી સમ્પુર્ણ નોર્મલ હતી. તો પછી તેના મગજમાં આવી ખોટી વાત ક્યાંથી ઘુસી ગઈ? ગરીમાએ મનોચીકીત્સકને પુછ્યું, તેમણ કહ્યું : ‘‘આના મુળ ખુબ ઉંડા છે. તેને મા–બાપનો પ્રેમ નથી મળ્યો, સ્વજનોની હુંફ નથી મળી. આટલી સુંદર, ચપળ અને આકર્ષક હોવા છતાં તેને કોઈએ ઉંડાણથી સમજપુર્વક ચાહી નથી. ઉલટું તે કોઈની કામુકતાનો ભોગ બની છે. આવા સંજોગો તો ખાલી પાર્શ્ર્વ–ભુ રચે છે; પણ રોગ કઈ રીતે થાય છે તે મહત્ત્વનું છે. આપણા મનને ઠેસ ન પહોંચે તે માટે આપણું અજાગ્રત મન જાતજાતના ઉપાયો અજમાવતું હોય છે. તેમાંનો પહેલો ઉપાય નકાર. જે ઈચ્છો તેને બહારથી નકારતા હોવ. શાહમૃગ રેતીમાં મોઢું નાખીને વીચારે કે રણમાં કોઈ તોફાન નથી એના જેવું. પોતાને કેન્સર છે એવું જાણ્યા પછી તરત જ, ‘‘એમ તો ઘણા સારા થતા હોય છે’’ એવું વીચારનારા માણસ જેવું. આવા નકારથી આપણે આવનારા આઘાતને દુર ઠલીએ છીએ. વૈશીને જગજીત સીંઘ ખુબ ગમતા હશે; પણ એમને પામવાનું અશક્ય હોવાથી મનને ઠેસ પહોંચે એમ હતું. આથી તેને તેમ ન થાય એ માટે અજાગ્રત મને પહેલાં નકારાત્મક વલણનો ઉપાય અજમાવ્યો. જે મુજબ વૈશીએ પોતે જ પોતાના મનને કહ્યું : ‘‘ના. હું કોઈ જગજીત સીંઘને ચાહતી કે ઓળખતી નથી.’’
પણ વાત આટલેથી અટકતી નથી. કેમ કે મનમાં પેલી છુપી ચાહના તો રહે જ છે. જે વ્યક્ત કરવા બીજા ઉપાય તરીકે વૈશીનું મન એમ વીચારે છે કે હું જગજીતને નથી ચાહતી… આ તો જગજીત મને ચાહે છે. માણસો પોતાની વ્યક્ત ન કરી શકાય એવી ઈચ્છાઓ આ રીતે વ્યક્ત કરતાં હોય છે. વૈશી પોતે જગજીતને ચાહતી હોય પણ એવું કહી શકે એવી સ્થીતીમાં એ નહોતી. આથી એના અજાગ્રત મને આખી વાતનું ઉંધી રીતે ‘પ્રોજેક્શન’ કર્યું. હું જગજીતને ચાહું છું તેના કરતાં જગજીત મને ચાહે છે, એવું માનીને, અનુભવીને પોતે આવું કરે છે એવું વૈશીને ખુદનેય ખબર નથી.
પછી તો ગરીમાએ મનોચીકીત્સક સાથે ઘણી વાતો કરી અને ઘણું ઘણું જાણ્યું. આ ‘ઈરોટોમેનીયા’ ભાગ્યે જ જોવા મળતા રોગોમાંનો એક હતો. તે ક્યારેક પુર્ણ ગાંડપણમાં પણ ફેરવાઈ શકે. આ રોગ દવાથી મટવાની શક્યતા હોય છે. જો આ રોગ ખુબ આગળ વધી જાય તો દર્દીની મનોસ્થીતી કંઈક આવી હોય છે. દર્દી એવું માને છે કે, તેના પ્રેમમાં પડેલો મહાપુરુષ (પછી તે રુઝવેલ્ટ હોય, ચર્ચીલ હોય કે ચાર્લી હોય) તેના વગર અધુરો છે અને દર્દીનો પ્રેમ જીતવા જ તે આખું જગત જીતવા નીકળતો હોય છે.
અને છેલ્લી એક વાત. મનોચીકીત્સકે કહ્યું : ‘‘વૈશીની ઝડપથી સારવાર થવી જોઈએ, નહીં તો કાલે ઉઠીને તે એવું માનતી થઈ જશે કે, જગજીત સીંઘ તેના વગર જીવી નહીં શકે અને આ જ કારણે પોતાની માન્યતાને બદલવાનો ઈનકાર કરશે.’’
ઈરોટોમેનીયા
આ એક જવલ્લે જ જોવા મળતો રોગ છે જેમાં યુવાન સ્ત્રી એવું માનતી થઈ જાય છે કે કોઈ મોટો પ્રતીષ્ઠીત માણસ તેના પ્રેમમાં છે.
દરેક વ્યક્તી કોઈનો ને કોઈનો પ્રેમ ઝંખતી હોય છે; પરન્તુ સૌને તે મળતો નથી. જેઓ બાળપણમાં માતાપીતાથી માંડીને યુવાન વયે સમવયસ્કોનો પ્રેમ નથી મેળવી શક્યા હોતા તેઓ હતપ્રભ થઈ જાય છે. ધીમે ધીમે તેઓને ખાતરી થઈ જાય છે કે પોતે કોઈના પ્રેમને લાયક નથી; પરન્તુ તેમનું જ મન પોતાના આ વલણ સામે બળવો કરી બેસે છે અને મોટા અવાજે જાહેરમાં બુમ પાડીને કહે છે, ‘‘કોણ કહે છે કે હું પ્રેમ પામવાને લાયક નથી? જુઓ, જુઓ! મને શહેરની સૌથી સુખસમ્પન્ન, પ્રતીષ્ઠીત વ્યક્તી પ્રેમ કરે છે!’’
આમ ‘ઈરોટોમેનીયા’ એટલે જાગૃત મને પોતાના અજાગૃત મનમાં ઉદ્ભવેલી ની:સહાય લાચારી સામે લાક્ષણીક; પરન્તુ વીચીત્ર રીતે પોકારેલો બળવો! અથવા બીજા શબ્દોમાં કહીએ તો ‘ઈરોટોમેનીયા’ એટલે દર્દી છોકરીના ‘‘મને કોઈ પ્રેમ કરો’’ શબ્દોવાળા આંતરીક અણજાણ રુદનનું આગવું સ્વરુપ!
જે છોકરી ‘ફેન’ હશે તે એમ કહેશે કે ‘મને આ વ્યક્તી બહુ ગમે છે’; જ્યારે જે છોકરી ‘ઈરોટોમેનીક’ હશે તે એમ કહેશે કે ‘આ વ્યક્તીને હું બહું ગમું છું.’
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176,મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 12મો લેખ, પુસ્તકનાં પાન 88થી 92 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
સરસ મનોવૈજ્ઞાનીક માહીતી જાણવા મળી. હાર્દીક આભાર ગોવીન્દભાઈ અને ડૉ. મુકુલભાઈ.
LikeLiked by 1 person
Thanks Dr. Mukul Choksi for sharing this excellent and informative, interesting article.
I recall a Hindi movie, namely, ” Guddi .” Based on the same subject.
Actress Jaya Bhaduri , a young school going girl developed same mental feeling for a film hero, Dharmendra.
Congratulations to Dr. Mukul Choksi and Govindbhai. This will help awakening today’s young girls.
Thanks.
Amrut Hazari.
LikeLiked by 1 person
ગોવિંદભાઇ,
સાઈકો એનાલિસિસ ઉપર સરસ મજાનો લેખ આપવા બદલ આપ ધન્યવાદ ને પાત્ર છો. આવા પ્રકારના મનોરોગી માં એક તરફી પ્રેમ-માન્યતા હોવી સ્વાભાવિક છે. લેખમાં જણાવેલ દર્દી ને બાળપણ માં પ્રેમ નથી મળ્યો તે તેનું મૂળભૂત કારણ છે. દર્દીએ નાનપણમાંજ માં-બાપ ખોયા અને કાકાએ બળાત્કાર કર્યો તે તેણીના
અર્ધજાગૃત મન ઉપર ના ભૂંસી શકાય તેવી છાપ પાડેલ છે. પ્રેમ ઘણા બધા નેગેટિવ ઉર્મિઓનો ઉત્તમ ઉપચાર છે. તે એક સચોટ ઔષધ છે. આના ઉપરથી માં-બાપોએ પણ શીખ લેવાની જરૂર છે કે પોતાના વયસ્ક સંતાનો સાથે મિત્ર જેવો ઘરોબો કેળવવો જોઈએ જેથી કરીને પુત્ર કે પુત્રી તેમની સમસ્યાનો માતા-પિતા સમક્ષ ખુલ્લા દિલે ચર્ચા કરી શકે. ઘણા માબાપ પોતાના બાળકો સાથે કડકાઈથી વર્તન કરતાંહોય, બાળકો તેમની મુંજવણ બીકના માર્યા રજૂ કરી શકતા નથી અને તેના ગમ્ભીર પરિણામો ભોગવવાનો વારો આવે છે. માટે આ લેખ ઉપરથી મા-બાપોએ પણ દાખલો લેવો જરૂરી છે.
પ્રેમ લાખ દુઃખોની એકજ દવા છે.
LikeLiked by 1 person
આ ખેલ જાગ્રત અને અર્ધ જાગ્રત મન વચ્ચે નો જ છે.
અર્ધ જાગ્રત મન જ્યારે જાગ્રત મન ઉપર હાવી થયી જાય ત્યારે મન ના રોગ ને નિમંત્રણ આપે છે…
LikeLiked by 1 person
ડૉ મુકુલ ચોકસીએ ઈરોટોમેનીયા’જેવા માનસિક રોગ અંગે વિગતવાર સ રસ મહિતી આપી.
ધન્યવાદ.
LikeLiked by 2 people
મેં અત્યાર સુધીમાં ડો. ચોક્સીના બે ત્રણ આર્ટિકલ જ વાંચ્યા છે. એમની માનસિક રોગને સરળ શૈલીની રજુઆત ખુબ ગમે છે; અમે મળ્યા નથી મળવાના નથી. એમના લખાણનો પ્રસંશક બન્યો છું. આઈ હોપ કે એ ઇરોટોમેનીયાનો કોઈ ભાગ બની જાય. આમ પણ મને મારા સુરતી વિદ્વાનો માટે મને વિશિષ્ટ લાગણી છે.
મુકુલભાઈનો આભાર.
LikeLiked by 1 person