કોઈ વૈજ્ઞાનીક આધાર મળતો ન હોવા છતાં ભુતનું અસ્તીત્વ હોવાની માન્યતા મજબુત, આટલી વ્યાપક હોવા પાછળનું કારણ શું? શું સામાન્ય માણસની બુદ્ધીમાં બેસે એના કરતા જરા ઉપલા લેવલનું આ વીજ્ઞાન છે? ચાલો, આપણે ‘ભુતકથાઓ’ પાછળનું વૈજ્ઞાનીક તથ્ય સમજીએ..
(ચીત્ર સૌજન્ય : લેખકની એફબી ટાઈમલાઈન)
ભુતકથા – 1
શું આઈન્સ્ટાઈનની થીયરી ભુતનું સમર્થન કરે છે?
–જ્વલંત નાયક
વીજ્ઞાનમાં માનનારા લોકો સમજે છે કે ભુત જેવું કશું હોતું નથી, તેમ છતાં અડધી રાત્રે સ્મશાનમાં એકલા જતા એમનેય ડર તો લાગે જ! એકલા ભારતીયો જ અન્ધશ્રધ્ધાળુ નથી; પણ વીશ્વની દરેક પ્રજા ભુત–પીશાચ–ચુડેલ વગેરેમાં વીશ્વાસ કરે છે. યુરોપ–અમેરીકામાં જેટલા ‘હોન્ટેડ હાઉસ’ આવેલા છે, એનું લાંબુલચક લીસ્ટ જોશો તો આ વાત સમજાશે. વીશ્વ સાહીત્યમાં પૌરાણીક ગ્રંથોથી માંડીને શેક્સપીયરના ‘મેકબેથ’ જેવા નાટકો સુધી ભુતોની વાતો–વાર્તાઓ વાંચવા મળશે. સાંપ્રત સાહીત્યમાં પણ ‘ભુતકથાઓ’નો તોટો નથી!
કોઈ વૈજ્ઞાનીક આધાર મળતો ન હોવા છતાં ભુતનું અસ્તીત્વ હોવાની માન્યતા આટલી મજબુત, આટલી વ્યાપક હોવા પાછળનું કારણ શું? મુખ્ય કારણ એ છે કે સામાન્ય માણસની બુદ્ધીમાં બેસે એના કરતા જરા ઉપલા લેવલનું આ વીજ્ઞાન છે. ચાલો, આપણે ‘ભુતકથાઓ’ પાછળનું વૈજ્ઞાનીક તથ્ય સમજીએ.
કોઈ દલીલ કે વાદ–વીવાદ દરમીયાન જો તમારે સામેવાળાની માન્યતાઓનો ભુક્કો બોલાવી દેવો હોય, તો એના સૌથી મજબુત તર્કને પોતાની ફેવરમાં કરી લેવો જોઈએ. ભુતના અસ્તીત્વના સમર્થકો પણ આ જ નીયમને અનુસરીને આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનીકની થીયરીઝને જ પોતાની દલીલ તરીકે રજુ કરે છે, અને ખુબીની વાત એ છે કે એમની આ ‘વૈજ્ઞાનીક આધાર’ ધરાવતી દલીલ તમનેય પહેલી નજરે સાચી લાગશે, વાંચો :
આઈન્સ્ટાઈને આપેલા ઉર્જાના નીયમ મુજબ ઉર્જાનું સર્જન કે વીનાશ શક્ય નથી. આપણે માત્ર ઉર્જાનું એક સ્વરુપમાંથી બીજા સ્વરુપમાં રુપાંતર કરી શકીએ છીએ, એનું સર્જન કે વીનાશ કરી શકતા નથી. હવે આપણા શરીરમાં પણ ઘણી બધી ઉર્જા અનેક સ્વરુપે સંગ્રહાયેલી છે. દાખલા તરીકે આપણું હૃદય ધબકે છે અને આખા શરીરમાં લોહીનું પરીભ્રમણ થાય છે, એ આખી પ્રક્રીયા ઉર્જા વીના તો શક્ય જ નથી ને! આપણે સામાન્ય બોલચાલની ભાષામાં આ ઉર્જાને ‘ચેતના’ તરીકે ઓળખીએ છીએ. આ ચેતનાને કારણે જ આપણું શરીર સામાન્ય હુંફાળું હોય છે, આપણા શ્વાસ ચાલે છે અને આપણું ચેતાતન્ત્ર કાર્યરત હોય છે. મનુષ્ય જ્યારે મૃત્યુ પામે ત્યારે – આઈન્સ્ટાઈનના નીયમ મુજબ – આ ચેતનાનો નાશ થતો નથી; પરન્તુ આ ચેતના શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેના પરીણામે શરીર ઠંડું અને જડ–સ્વરુપ થઈ જાય છે, શરીરમાં ચાલતી તમામ જૈવીક પ્રક્રીયાઓ બન્ધ પડી જાય છે. આ મૃત્યુની સાદી સમજ છે. અહીં સામાન્ય માણસોને એવો પ્રશ્ન જરુર થાય, કે શરીરની બહાર નીકળી ગયેલી પેલી ચેતના (એટલે કે ઉર્જા) આખરે ગઈ ક્યાં? અધ્યાત્મીક રીતે જોઈએ તો સદગતીને પામેલ જીવ ‘બ્રહ્મલીન થયો’ એમ કહેવાય છે. (દરેક ધર્મશાસ્ત્રમાં આ અંગે જુદી જુદી વીભાવનાઓ છે) અર્થાત્ મૃત્યુ પામનાર વ્યક્તીની ચેતના, સૃષ્ટીની પરમ ચેતના સાથે એકરુપ થઈ ગઈ પણ જેની દુર્ગતી થઈ હોય, એની ચેતના ક્યાં જાય? ‘જાણકારો’ને મતે આ પ્રકારની ચેતના અતૃપ્ત અવસ્થામાં ભટકતી રહે છે, જેને આપણે ‘ભુત’ કહીએ છીએ!
છે ને મજેદાર તર્ક?! તમને વૈજ્ઞાનીક રીતે વીચારતા પણ આ વાત સાચી જ લાગશે. આઈન્સ્ટાઈનની થીયરી સાચી હોવા વીષે તો બે–મત નથી જ. તો પછી મૃત્યુ બાદ શરીરની ચેતના ગઈ ક્યાં, એ વીચારવું જ રહ્યું, ખરુને?! વળી આજકાલના આધુનીક ગણાતા ઘોસ્ટ બસ્ટર્સ ન્યુક્લીયર ઈન્ડસ્ટ્રીઝમાં રેડીયોએક્ટીવેશન માપવા માટે વપરાતા ‘ગીગર મ્યુલર કાઉન્ટર’ (જીએમ કાઉન્ટર) જેવા ટચુકડા ઉપકરણો સાથે લઈને ફરે છે. હોન્ટેડ પ્લેસ તરીકે ઓળખાતા ભુતીયા સ્થળોએ આ પ્રકારના સાધનો વડે ચોક્કસ પ્રકારની રેડીયો એક્ટીવ ઉર્જાની હાજરીની ભાળ મેળવવામાં આવે છે. જેથી એ સ્થળે કોઈ ખાસ પ્રકારની ‘ચેતના’ હાજર છે કે નહીં, એ જાણી શકાય! હવે આવા સંજોગોમાં જીએમ કાઉન્ટર જેવું વૈજ્ઞાનીક ઉપકરણ કોઈક પ્રકારની સન્દીગ્ધ એક્ટીવીટી નોંધે, તો તમારે એ માનવું તો પડે જ ને?! જી ના, જરાય નહીં! હવે આ ‘વૈજ્ઞાનીક આધાર ધરાવતા ધુપ્પલ’ પાછળનો વૈજ્ઞાનીક તર્ક સમજીએ :
પહેલી વાત, આજ સુધી આવા ઘોસ્ટ હન્ટર્સને નક્કર પુરાવા મળ્યાનું વીજ્ઞાને સ્વીકાર્યું નથી. કેટલાક સ્થળોએ મેગ્નેટીક ફીલ્ડની હાજરી હોય, તો એ કોઈ અતૃપ્ત આત્માને કારણે જ હશે, એવું માની લેવાને કોઈ જ કારણ નથી! આ માટે એક કરતા વધુ કારણો–પરીસ્થીતી જવાબદાર હોઈ શકે છે. હવે વાત આઈન્સ્ટાઈનની થીયરી બાબતે.
મનુષ્ય કે પછી બીજો કોઈ પણ સજીવ મૃત્યુ પામે, ત્યાર બાદ એની સઘળી ઉર્જા બીજે ક્યાંય ‘ભટકવા’ને બદલે સીધી વાતાવરણમાં ભળી જાય છે. મૃત્યુ બાદ શરીર ઠંડું પડી જાય છે, કારણકે ઉર્જાનો મોટો હીસ્સો શરીરમાંથી ઉષ્મા સ્વરુપે મુક્ત થઈને વાતાવરણમાં ભળી જાય છે. વળી જો કોઈ મૃત શરીરને દાટવામાં આવે અથવા રઝળતું છોડી દેવામાં આવે, તો કુદરતના સફાઈ કામદારો તરીકે જાણીતા સુક્ષ્મજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. દાટવામાં આવેલા શરીરો વીઘટન પામીને ભુમીમાં ભળે છે. જમીનમાં શોષાયેલા એ તત્ત્વો ફરી એક વાર વનસ્પતી દ્વારા શોષાઈને જૈવ–ચક્રમાં ફરતા રહે છે. ટુંકમાં, મૃત્યુ બાદ શરીરમાંથી વીવીધ સ્વરુપે છુટી પડેલી તમામ ઉર્જા સ્વરુપ બદલીને જૈવ–ચક્રમાં જ રહે છે. આમ આઈન્સ્ટાઈનની થીયરી પણ સાચી ઠરે છે, અને શરીરમાંથી છુટી પડેલી ચેતના જ ‘ભુત’ તરીકે પ્રકટવાની વાતનો પણ છેદ ઉડી જાય છે!
આમ, આઈન્સ્ટાઈનની થીયરી ભુતની માન્યતા આધાર આપે છે, એ માન્યતા સાવ ખોટી સાબીત થાય છે; પરન્તુ હજીય એવી ઘણી બાબતો છે, જે શંકા પેદા કરે છે. એમના વીશે 20જાન્યુઆરી, 2020ના રોજ જાણીશું.
(ક્રમશ:)
–જ્વલંત નાયક
‘દીવ્ય ભાસ્કર’ દૈનીક, સુરતની ‘રસરંગ’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સીમ્પલ સાયન્સ’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખકના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. જ્વલંત નાયક, સેલફોન : +91 98256 48420 ઈ.મેઈલ : jwalantmax@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
સરસ માહીતી. આ પ્રકારની જાણકારી મને પહેલી વાર જ મળી, છતાં મને એવું લાગતું હતું કે મૃત્યુ સમયે મનુષ્યની ચેતના ભૌતીક શરીર છોડીને સમગ્ર ચેતનામાં વીલીન થઈ જાય છે. એ ક્યાંય જતી નથી કે એનું કોઈ સ્વતંત્ર અસ્તીત્વ હોતું નથી. વીજ્ઞાનમાં એ તો ભણવામાં આવ્યું જ હતું કે ભૌતીક તત્ત્વોનો નાશ થતો નથી,માત્ર એમાં પરીવર્તન થાય છે. એ જ રીતે ઉર્જાનો પણ નાશ થતો નથી, પરીવર્તન થાય છે. એ બાબત તો સામાન્ય પ્રયોગ કરીને પણ દરેક જણ
સમજી શકે. જેમ કે વીજળીનું ગરમીમાં પરીવર્તન અને ગરમીનું વીજળીમાં. તે જ રીતે અન્ય ઉર્જાઓનું.
હાર્દીક આભાર ગોવીન્દભાઈ તથા જ્વલંત નાયક આપનો.
LikeLiked by 1 person
very learned article as on youtube many channels are describing a lot about past life regression, LBL= life between life, Ghost world(due to unsatisfied and intense emotional binding),and spirit world.
even in america some dr. studied and found back recording of a lady 85 births, and other american dr- 2500 cases.
so this learned article is myth buster. thx to jayavant naik and waiting for next part and as usual to all efforts to awaken our awareness to our dear Govind bhai Maru.
LikeLiked by 1 person
શું આઈન્સ્ટાઈનની થીયરી ભુતનું સમર્થન કરે છે? શ્રી –જ્વલંત નાયકનો વૈજ્ઞાનીકની થીયરીઝની ચર્ચા સાથે અભ્યાસપૂર્ણ લેખ અને અંતમા ‘આમ, આઈન્સ્ટાઈનની થીયરી ભુતની માન્યતા આધાર આપે છે, એ માન્યતા સાવ ખોટી સાબીત થાય છે’ આમેય આઈન્સ્ટાઈનની An Indian researcher has claimed Einstein’s mass-energy equation (E=mc^2) to be inadequate
ભુત પ્રેત વિશે આપણને ઘણી વાર સાંભળવા મળે છે ઘણા લોકો નથી માનતા ઘણા લોકો માને છે એતો પોતપોતાની માન્યતા ની વાત છે પણ મારી દ્રષ્ટિએ હું માનું છું ત્યાં સુધી જો ઈશ્વર છે તો શેતાન પણ છે સારંગપુરના મંદિરમાં મેં ઘણી બેનો જેમને ભૂત વળગ્યું હોય એને ધુણતી જોઈ છે.સારંગપુરના હનુમાનજીનું મ્ન્ત્રેલું પાણી એના ઉપર છાંટે એટલે એ ધુણતી બેન ભૂત જતું રહેતા ઉભી થઈને માથે ઓઢી લે.આ એક ન સમજાય એવી નજરે જોએલી વાત છે.
તો આ વાત અમને રેશનલ લાગે છે કે મૃત્યુ સમયે મનુષ્યની ચેતના ભૌતીક શરીર છોડીને સમગ્ર ચેતનામાં વીલીન થઈ જાય છે.
LikeLiked by 1 person
મિત્રો,,
જ્વલંત નાયકે જ્વલંત ચર્ચા કરવા જ્વલંત રીતે આઇન્સટાઇનને અને ભૂતને અેક સ્ટેજ ઉપર બેસાડી દીઘા.
E=MC2 જેવા સમજવાને મુસ્કેલ અેવા સમીકરણને તેમણે સહજતાથી ,ભૂત, પ્રેત, ડાકણ, ના સાઇકોલોજીના માનીલીઘેલા ( જે નથી ) અને જેની હયાતી હજી સુઘી સાબિત થઇ નથી,) અસ્તીત્વ ઘરાવતા જે નથી તેની સાથે લોજીકલ આરર્ગ્યુમેંટ કરીને પોતાને વિજ્ઞાનસિઘ્ઘ બતાવવાનો પ્રયત્ન કર્યો. .
બે જુદા જુદા વિષયો જેને અેક બીજા સાથે કોઇ નાહ્વા નીચોવવાનો સંબંઘ નથી તેને લગ્નગ્રંથીઅે બાંઘવાની કોશીષ કરી.
કોઇ સાચા ભૌતિકશાસ્ત્રના ( ફીઝીક્સ )વૈજ્ઞાનિકને આ પ્રયત્નનો ઉલ્લેખ માત્ર કરશો નહિ તેવી મારી વિનંતિ છે.
ભાઇશ્રી ગોવિંદભાઇ, બીજા ભલે ને છાપે, આપણે કોઇ સિઘ્ઘ હોય તેનો અભિપ્રાય લેવો જોઇઅે. મારા વિચારો સ્વામી સચ્ચિદાનંદજીની સલાહ લેવી જોઇઅે તેા છે. તેઓ પાસે વિજ્ઞાન અને ભૂત વિજ્ઞાનનું નોલેજ ઘણું સારું હોઇ શકે.
બીજી વાત વિચારકોના વિચારો…કોમેંટસ્…
મારા વિચારોની પણ ચકાસણી થવી જોઇઅે.
ાાઆભાર.
LikeLiked by 1 person
એનર્જી અને મેટર બંને અલગ અલગ નથી.એમ શરીર થી ભિન્ન જીવન નું અસ્તિત્વ નથી.જ્યાં જીવન છે ગમે તેટલું સૂક્ષ્મ બેકટેરિયા હોય પણ એને બોડી તો હોય જ છે અને એનર્જી પણ મેટર માં જ સમાહિત હોય છે મેટર થી અલગ એનર્જી નું અસ્તિત્વ નથી બંને એક જ છે.ગરમ પાણી થોડી વાર પડ્યું રહે ગરમ કરવાનું ચાલુ ન રહે એટલે એ ઠંડુ પડી જાય એની ઊર્જા સામુહિક ઉર્જામાં ભળી જાય.એમ મૃત્યુ સમયે શરીર એની નવી ચાલક ઉર્જા પેદા કરવાનું બંધ કરી દે છે પછી ઠંડુ પડી જાય બીજું કાંઈ નથી.
LikeLiked by 1 person