વારાણસીના સ્વામી રામદાસજી વીકૃત, દમ્ભી કે પાખંડી હતા?

સ્વામી રામદાસજીની કુટીરમાં તેમની સેવા–સુશ્રુષાનું કાર્ય કરતા આશ્રમવાસી બે બહેનોમાંથી કલ્યાણીબહેન ગુમ થયા અને નીર્મળાબહેને નદીમાં ડુબીને આપઘાત કર્યો. કલ્યાણીબહેનના આશ્રમત્યાગ અને નીર્મલાબહેનની આત્મહત્યા માટે સ્વામીજી જવાબદાર હતા? સ્વામીજીના નીકટતમ અન્તેવાસી એક ડૉક્ટરે સ્વામીજીની શોકસભા ગોઠવી. તેમાં સ્વામીજી કેવા હતા અને તેમનાં અપકૃત્યો માટે કોણ જવાબદાર હતા તે અંગે ડૉક્ટરે શું કહ્યું?

વારાણસીના સ્વામી રામદાસજી
વીકૃત, દમ્ભી કે પાખંડી હતા?

 –ડૉ. મુકુલ ચોકસી

વારાણસીમાં નદી તટે સ્વામી રામદાસજીનો આશ્રમ હતો. હજારો ભાવીક–ભક્તોનું એ તીર્થધામ હતું. નાનકડી એક કુટીરમાં વૃદ્ધ રામદાસજી રહેતા. વર્ષમાં નવેક મહીના સુધી તેઓ એકલા અટુલા સમાધીમાં જ લીન રહેતા અને જ્યારે તેઓ જનસમુદાયને દર્શન આપતા ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના અનેક શીષ્યો, ધાર્મીકજનો તથા પુણ્યવાંચ્છુ ભાવીકો તેમના દર્શને આવતા. અન્ય સમ્પ્રદાયના સાધુ–સંતોમાં પણ રામદાસજીની ખ્યાતી એક સરળ અને નીર્મળ આધ્યાત્મીક ગુરુ તરીકે વ્યાપેલી હતી.

પણ બરાબર એક વર્ષ પહેલાં તેમની અને આશ્રમની પ્રતીષ્ઠાને જબરદસ્ત આંચકો પહોંચાડતો એક પ્રસંગ બની ગયો. અને ત્યારથી રામદાસજીનો આશ્રમ લાગલગાટ શંકા, કુશંકા, આક્ષેપો અને વીવાદનું કેન્દ્ર બની ગયો. રામદાસજીની કુટીરમાં તેમની સેવા–સુશ્રુષાનું કાર્ય કલ્યાણીબહેન અને નીર્મળાબહેનને સોંપાયું હતું. તેઓ બન્ને દસેક વર્ષથી ઘરબારનો ત્યાગ કરીને અહીં જ રામદાસજીની નીશ્રામાં સાધ્વીઓ જેવું જીવન ગાળતી હતી. આશ્રમના નાનાં મોટાં તમામ કામો તેઓ જ સંભાળતી હતી. સૌ ભક્તોને પણ તેઓમાં અતુટ વીશ્વાસ હતો અને આથી જ તેઓએ રામદાસજીની સેવાચાકરીનો બધો ભાર કલ્યાણીબહેન અને નીર્મળાબહેન પર છોડ્યો હતો.

આશ્રમમાં ધમાલ મચી ગઈ તે દીવસ શીવરાત્રીનો હતો. આશ્રમમાં એ નીમીત્તે ઉત્સવ હતો. બાજુમાં જ આવેલા નાના તપોવનમાં સહુ ભોજનની તૈયારીમાં વ્યસ્ત હતા. એવામાં આશ્રમની કુટીરમાંથી એક ચીસ સંભળાઈ અને કલ્યાણીબહેન દોડતાં દોડતાં બહાર આવ્યાં. તેઓ હાફતાં હતાં અને તેમનું શરીર પરસેવે રેબઝેબ નીતરતું હતું. ભક્તોની ભીડ સ્તબ્ધ બનીને તેમની સામે જોઈ રહી. સહુ તેમને ઘેરી વળ્યા અને જાતજાતના પ્રશ્નો માંડ્યા; પણ કલ્યાણીબહેનને ગળે ડુમો ભરાઈ આવ્યો હતો. તેઓ એક પણ શબ્દ બોલી ન શક્યા અને થોડી સેકંડ પછી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. થોડી વાર પછી તેઓ તપોવન છોડીને બહાર નીકળ્યા અને અન્ધકારમાં ચાલતા ચાલતા દુર નદીના તટની વનરાઈમાં અદૃશ્ય થઈ ગયાં. તે દીવસ પછી કલ્યાણીબહેન ક્યારેય આશ્રમમાં પાછા ન ફર્યાં અને આશ્રમવાસીઓની સઘન શોધખોળનું પણ કોઈ પરીણામ ન આવ્યું.

બરાબર એક મહીના પછી બીજો ધડાકો થયો. શનીવારની રાત્રે ભજન–આરતી પુરા થયા પછી સૌને ખબર પડી કે નીર્મળાબહેન દેખાતાં નથી. આમતેમ તપાસ પછી પણ કોઈ પત્તો ન લાગ્યો. છેવટે આખી રાતની દોડાદોડ બાદ બીજે દીવસે નદીના પાણીમાંથી એમનું શબ તરતું મળી આવ્યું અને બધા આઘાતથી થીજી ગયા.

પણ આ તો હજુ શરુઆત હતી. આ બનાવને ત્રણેક દીવસ માંડ થયા હશે અને એવામાં અચાનક છાપાઓએ મોટો હોબાળો મચાવી દીધો. અખબારોમાં રોજ રોજ આવા મથાળાઓ ચમકવા માંડ્યા : ‘રામદાસજીના આશ્રમમાંથી એક કાર્યકર બહેન ગુમ અને બીજી બહેનનું અપમૃત્યુ. નદીમાં ડુબીને આપઘાત કરતી આશ્રમવાસી મહીલા. હજારો નીર્દોષ ભક્તોના વીશ્વાસનો ભંગ કરતા રામદાસજી. તેમણે ઉક્ત બે સ્ત્રીઓની છેડતી કરી હોવાની શંકા.’ આ વીવાદ અને આક્ષેપબાજીમાં પડવાનો સ્વામીજીએ ઈન્કાર કરી દીધો. બીજી તરફ આશ્રમ તરફ આદર તથા શ્રદ્ધાની નજરે જોનારાઓએ રામદાસજીના બચાવ માટેની લડતનો જોરશોરથી પ્રારમ્ભ કર્યો. તેઓ એમ માનતા હતા કે અમુક વીરોધીઓએ રામદાસજીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે.

એવામાં એક દીવસ આશ્રમ છોડીને ભાગી જનાર કલ્યાણીબહેનની એક સનસનાટીભરી મુલાકાત છાપામાં છપાઈ. એમાં કલ્યાણીબહેને એવો એકરાર કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી સ્વામી રામદાસજી તેમની સામે ખરાબ નજરે જોતાં હતા. એકાંતમાં મળવાનો તથા બાજુમાં બેસવાનો આગ્રહ રાખતા હતા. તેઓ સહન ન કરી શકવાથી આશ્રમ છોડીને ભાગી ગયા. લોકોમાં ધીમે ધીમે એવી વાતો પણ ચર્ચાવા માંડી કે સ્વામીજીએ આવી જ ચેષ્ટા નીર્મલાબહેન સાથે પણ કરી હતી. તેથી તેઓ ગર્ભવતી બન્યા હતા. એટલે જ તેમણે નદીમાં ડુબીને આતમહત્યા કરી.

આ બધા સમય દરમીયાન રામદાસજીની સાથે એક ડૉક્ટર રહેતા હતા. જેઓ પચીસેક વર્ષથી સ્વામીજીના સમ્પર્કમાં હતા. તેમણે સ્વામીજીના વ્યક્તીત્વની ઉંચાઈ તથા ઉષ્મા જોયાં હતાં. એટલે જ તેઓ પોતાનો ધીકતો વ્યવસાય છોડીને સ્વામીજી સાથે આધ્યાત્મ, યોગ અને જ્ઞાનમાર્ગના અભ્યાસ માટે જોડાયા હતા. છેલ્લા મહીના દરમીયાન સ્વામીજીના ચારીત્ર્ય પર છાંટા ઉડાડવાની થતી પ્રવૃત્તીથી તેઓ ખુબ વ્યથીત થતા હતા; પણ તેઓ લાચાર હતા કેમ કે સ્વામીજી પોતે તેમની સાથે આ અંગે કોઈ ચર્ચા કરવા રાજી નહોતા.

વળી ડૉક્ટરની મુંઝવણ એટલા માટે વધી જતી હતી કે તેમને પોતાને પણ સ્વામીજીની કેટલીક અગમ્ય હરકતોનો હમણાં હમણાં પહેલી વાર પરીચય થયો હતો. દાખલા તરીકે સ્વામીજી વાત કરતા કરતા અચાનક અકારણ નીમ્ન કક્ષાની હલકી મજાક કરતા શીખ્યા હતા. તેઓ આ પહેલાં આવું ક્યારેય નહોતા કરતા. વળી હમણાં હમણાથી તો સમાધીની સ્થીતીમાં પણ તો ક્યારેક પેશાબ કરી દેતા. તેઓ પોતાનાં વસ્ત્રો, આસન, બોલવાચાલવા વગેરે વીશે બેફીકર બની ગયા હતા.

આ બધું હોવા છતાં, અનેક લોકો તથા ઘણા આશ્રમવાસીઓ સ્વામીજીની નીયત પર શંકા કરતા થયા હોવા છતાં; પણ કોણ જાણે કેમ ડૉક્ટરને સ્વામીજી દોષીત હોવાની હજુ ખાતરી થતી નહોતી. તેમણે સત્ય શું છે તે શોધી કાઢવાનો મનોમન સંકલ્પ કર્યો અને ત્યાં સુધી મૌન જાળવવાનો નીર્ધાર કર્યો. તેમણે મોટા ભાગનો સમય સ્વામીજી સાથે વીતાવવાનું શરુ કર્યું. તેઓ સ્વામીજીને સમજવા માંગતા હતા. વળી સાથે જ તેમણે ધર્મગ્રંથોનો અને તબીબી પુસ્તકોનો વીશદ્ અભ્યાસ શરુ કર્યો. પોતે જેના તત્ત્વજ્ઞાનને અને જીવનદર્શનને ઉંડે સુધી પચાવ્યું હતું તેવા સ્વામીજી આવી હરકતો શું કામ કરે એ તેમણે શોધી કાઢવું હતું. કાશ! આજે નીર્મળાબહેન કે કલ્યાણીબહેન હોત તો તેમના મનનો પ્રશ્ન ક્યારનોય ઉકેલાઈ ગયો હોત.

પણ સામાજીક ઉહાપોહ શાંત પડે તે પહેલાં તો આખા વારાણસીને હચમચાવી મુકે એવો બીજો એક બનાવ બન્યો અને ફરી આક્ષેપો, અફવાઓ, ખુલાસાઓ, ધારણાઓથી અખબારોના પાનાઓ ભરાવા માંડ્યા. એક સાંજે સ્વામીજીનો મૃતદેહ ગંગાના પાણી પર તરતો મળી આવ્યો અને ડૉક્ટર કે જેઓ તેમના નીકટતમ અન્તેવાસી હતા તેઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા. અત્યાર સુધી તેમણે જેમ તેમ પોલીસને આશ્રમથી અળગી રાખી હતી પણ હવે તે શક્ય નહોતું. પોલીસને શંકા હતી કે સ્વામીજીનું શબ પણ આ જ રીતે, નીર્મળાબહેનના શબની જેમ જ નદીમાંથી મળી આવ્યું હોવાથી કોઈક મેલી રમત રમાઈ હોવી જોઈએ.

પરન્તુ ડૉક્ટરનું મન બીજે કશે દોડતું હતું. તેમને છેલ્લા મહીનાઓમાં બનેલી આશ્રમની તમામ ઘટનાઓનો ભેદ ખુલતો હોય એવું લાગવા માંડ્યું. તેમના મનમાં અચાનક તાળો મળવા માંડ્યો હતો. એકાએક તેમણે પોલીસનો વીરોધ કરવાને બદલે તેમને સહકાર આપવાનું નક્કી કર્યું. તે એટલે સુધી કે અન્ય ભક્તોની નારાજગી હોવા છતાં આશ્રમની તલાશી લેવામાં આવી ત્યારે પણ ડૉક્ટરે તેનો વીરોધ ન કર્યો. બલકે તેમણે સ્વામીજીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની સામેથી માંગણી કરી. અને જ્યારે પોસ્ટમોર્ટમનો રીપોર્ટ તેમની ધારણા મુજબ જ આવ્યો ત્યારે તેમની આંખોમાં ઝળઝળીયાં આવી ગયાં. ડૉક્ટરે તરત જ શોકસભા ગોઠવી. જેમાં હાજર રહેવા શહેરના તમામ અગ્રણી નાગરીકો, પત્રકારો, અનુયાયીઓ વગેરે સર્વને વીનન્તી કરી.

તાત્કાલીક ગોઠવાયેલી આ શોકસભા વારાણસીના ઈતીહાસની એક અવીસ્મરણીય સભા બની રહી. લોકો સમક્ષ ડૉક્ટરે ભીની આંખે જે વાત કરી તેનો સાર આ હતો : ‘આજે આ વીશાળ જનમેદની સમક્ષ હું સ્વામી રામદાસજીના શીષ્ય તરીકે ઉભો નથી થયો; પણ એક ડૉક્ટર તરીકે ઉભો થયો છું. આશા છે કે હું જે કહેવાનો છું તે સમજવા આપ પ્રયત્ન કરશો. છેલ્લાં કેટલાક સમયથી સ્વામી રામદાસજીનું વર્તન બદલાઈ ગયું હતું એ સાચી વાત છે. મને કહેતા દુ:ખ થાય છે કે કલ્યાણીબહેનના આશ્રમત્યાગ અને નીર્મલાબહેનની આત્મહત્યા માટે સ્વામીજી જ જવાબદાર હતા; પરન્તુ તેમણે શું અને કેમ કર્યું તે કોઈ જાણતું નથી. આપણે સ્વામીજીને વીકૃત, દમ્ભી તથા પાખંડી કહીને પતાવી દીધું; પરન્તુ હકીકત કંઈક જુદી જ છે. આજે પોસ્ટમોર્ટમના રીપોર્ટને આધારે હું ખાતરીપુર્વક કહી શકું છું કે સ્વામીજી વીકૃત, દમ્ભી કે પાખંડી નહોતા. તેઓને મગજના કેન્સરની ગાંઠ (બ્રેઈન ટ્યુમર) થઈ હતી. બ્રેઈન ટ્યુમરના મોટે ભાગના દર્દીઓને લકવો, ખેંચ, ચક્કર, ઉલટીઓ વગેરે થતા હોય છે; પણ સ્વામીજીને આ ગાંઠ મગજમાં એવી જગ્યાએ થઈ હતી કે જેને કારણે તેમનો સ્વભાવ બદલાઈ ગયો. તેમની નૈતીક વર્તુણુંક કથળી ગઈ, તેમને ગમે તેમ બોલવા, વર્તવાની આદત પડી ગઈ અને જાતીય ઈચ્છાઓ પરનો તેમનો કાબુ ચાલ્યો ગયો. તેમની હોશીયારી, સમજશક્તી વગેરે પણ ઘટી ગયા હતા.

જે ખરેખરા ધુર્ત કે પાખંડી હોય છે તેમને બદલી શકાતા નથી હોતા, જ્યારે આમાં તો તેમ થઈ શકે એમ હતું. જો સ્વામીજીના મગજની ગાંઠનું વહેલું નીદાન થઈ શક્યું હોત તો તેમનો જાન અને સ્વભાવ બન્ને બચાવી શકાયા હોત. આટલું કહ્યા પછી હું અટકું છું અને સ્વામીજી કેવા હતા અને તેમનાં અપકૃત્યો માટે તેઓ કેટલે અંશે જવાબદાર હતા તે નક્કી કરવાનું હું આપના પર છોડું છું. એમના આશ્રમને અહીં રહેવા દેવો કે દુર કરવો એ હવે આપના હાથમાં છે.’

બ્રેઈન ટ્યુમર

‘બ્રેઈન ટ્યુમર’ અથવા ‘મગજની ગાંઠ’ ઘણી વાર મોટી ઉમ્મરે થતી હોય છે. ડૉક્ટરો માટે પણ જે મોટો પ્રશ્ન ઉભો કરી શકે છે તેવી આ ‘બ્રેઈન ટ્યુમર’ ક્યારેક મગજના સૌથી અગળના ભાગમાં (પ્રીફ્રન્ટલ લોબમાં) થાય છે. અને તે વખતે દુર્ભાગ્યે કોઈક કીસ્સામાં રામદાસજી જેવું બની જવાથી સાચું નીદાન ચુકી જવાય છે.

મોટે ભાગે ‘બ્રેઈન ટ્યુમર’ થનાર દર્દીને ખેંચ આવે છે, ઉલટીઓ થાય છે, ચક્કર આવે છે, બેભાન થઈ જવાના અને લકવાના એટેક આવે છે. જેમાં ‘કેટસ્કેન’ કે ‘એમ.આર.આઈ.’ જેવા મશીનોથી લેવાતા આધુનીક એક્સ–રેથી તરત જ નીદાન થઈ શકે છે. પરન્તુ જેમ રામદાસજીના કીસ્સામાં બન્યું તેમ કોઈક વાર દર્દીમાં ઉપરના લક્ષણોમાંથી કંઈ જ જોવા મળતું નથી અને કેવળ માનસીક રોગના ચીહ્નો જ જોવા મળે છે. દર્દી સુનમુન, મુઢ બની જાય છે, તે મુર્ખાઈભર્યા હલકા પ્રકારના કટાક્ષો કરવા માંડે છે. તેની સમજશક્તી ઓછી થઈ જાય છે. તેને ક્યાં કેમ વર્તવું તેનું ભાન રહેતું નથી. તે કપડામાં ઉત્સર્જન કરી દે છે અને તેનું નૈતીક વર્તન કથળી જાય છે. સમયસર નીદાન અને સર્જીકલ સારવારથી દર્દી બચી શકે છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ડૉ. મુકુલ ચોકસીનું  મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/)માંનો આ નવમો લેખ, પુસ્તકનાં પાન 67થી 71 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ :  govindmaru@gmail.com

12 Comments

  1. મિત્રો,
    ડો. મુકુલ ચોકસીનો લેખ તેઓ પોતે સાયકોલોજીના પ્રેક્ટીશનર હોવાના રેફરન્સમાં લખાયો છે. સરસ રીતે પગથીયાં અનુસાર સમજાવવામાં આવ્યો છે.
    પોસ્ટમોર્ટમ કરાવ્યુ તેમાં મગજની ગાંઠ મળી. તે રામદાસજી મહારાજના મૃત્યુ બાદ.
    કલ્યાણીબેન અને નિર્મળાબેનના મૃત્યું પછી ડોક્ટરે રામદાસજીના જીવનનો અભ્યાસ શરું કર્યો.
    અને તેવા સમયે રામદાસજી મહારાજે આપઘાત કરેલો મળ્યો.
    રામદાસજીને શાની સમજ પડી…તેમના કય્ા કૃત્યોની સમજ પડી કે તેમણે આપઘાત કરવો પડયો. ?
    નિર્મળાબેનની પ્રગનન્સી ? કે અલોપ થઇ ગયેલા કલ્યાણીબેને ફરી પાછા સમાજમાં આવ્યા બાદ લોકોને સાચી વત કરી હતી કે રામદાસજીઅે તેમની સાથે કેવાં કર્મો કર્યા હતાં કે તેમને પોતાની આબરુ બચાવવા ભાગી જવું પડેલું ?
    ટેસ્ટોસ્ટેરોન ની તાકાત કે શક્તિ સામે દુનિયાની કોઇપણ શક્તિ કામ ના આવે તે બઘા ડોક્ટરો અને સામાન્ય લોકો પણ જાણે જ છે. ( તે જ રીતે સ્ત્રીઓમાં પ્રોજેસ્ટેરોન, અેઇસ્ટરોન…હોરમોન્સ અેટલાંજ શક્તિશાળી કર્મો કરવાં સર્જાયેલા હોય છે. )
    રામદાસના મગજમાં ટયુમર ?
    તો રામદાસજીને આપઘાત કરવાનું જ્ઞાન કે ફરજ કેવી રીતે ઉપજે ?
    રામદાસજીના આશ્રમ જેવા ભારતમાં જેટલાં પણ આશ્રમો ચાલે છે તે દરેકનો સી.આઇ.ડી દ્વારા સંશોઘન કરાવવું જોઇઅે. તદ્ન સાચી વાત જાહેરમાં આવશે.
    અત્યાર સુઘી કમાયેલી ઇજ્જત જ્યારે કાયદે ચઢે છે કે લોકોમાં છતી ભાય છે ત્યારે કોઇ અંગત માણસે તે ઇજ્જત બચાવવા માટે પ્રયત્નો કરવા જ પડે. અને તેવું થતું જ હોય છે..
    ચાલો ઘારી લઇઅે કે ડોક્ટરે રામદાસજીની અને તેમના આશ્રમની ઇજ્જત સાચવવાની કોશીશ કરી……
    સોથી મોટૂં સત્ય અે છે કે સેક્ષ હોરમોન્સની અસરની સામે દુનિયાની કોઇપણ શક્તિ હારી જ જાય છે……મેનકાની સામે ………કોણ ટકી શકેલું ?
    અને રામદાસજીને તો સેવા કરવા માટે બે બે સ્ત્રીઓ કાયમ નજીક સાથે ને સાથે રહેતી હતી…..અને પ્રસંગ આખો અે ત્રણ વચ્ચે જ બન્યો. બે સેવા કરનારી સ્ત્ર્ીઓ અને અેક સ્વામીજી…..
    રીપોર્ટ, મને લાગે છે કે ફક્ત ઇજ્જત બચાવવા માટે નો જ છે.
    ભારત આવા પ્રસંગો માટે જાણીતું પણ છે જ…..
    આ વિચારો મારા છે….દરેકને પોતાના હોઇ શકે છે. …..
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. સારી વાત કહેવાય કે આ પ્રકારની મહા ભયંકર બીમારી થઈ જાય છે.
    સાચો માણસ પણ ફસાઈ જાય. હેરાન પરેશાન થઈ જાય. શરમજનક સ્થિતિએ આવતા મૃત્યુ સ્વિકારે.
    ડૉ. સાહેબે કરેલી છાનબીન સરાહનીય છે. પણ આમા બે મહિલાઓ જાન ગુમાવી બેસી.

    Liked by 1 person

  3. ભારત ના 90%સ્વામીઓ ઢોંગી, ચાલબાજઅને માફિયાઓ હશે….સ્વામી નો વેશ ધારણ કર્યો એટલે એમને જાણે ગમે તે કામ કરવા નું લાયસન્સ મળી ગયું….!!!

    Liked by 1 person

  4. મિત્રો,
    મારા વિચારોમાં અેક વાત રહી ગઇ હતી…
    નિર્મળાબેનનું પોસ્ટમોર્ટમ કેમ ન્હોતું કર્યું ? તેઓ પણ નદીના પાણી ઉપર તરતા મળેલાં જેમ તે બાદ રામદાસ સ્વામીજી મળેલાં ?
    ઘણા સમાચારો વાંચ્યા છે જેમાં ભગવાન બની બેઠેલાં પાખંડીઓ નાની નાની કુંવારિકાઓને પોતાની સેવા કરવાવાળી બનાવીને સેવાનું ફળ પણ આપી દેતા હોય છે. અભણ અને અંઘશ્રઘ્ઘાળું મા બાપ પણ દિકરીઓને મોકલતા હોય છે.
    સૌરભ શાહ નું પુસ્તક ‘ મહારાજ ‘ આવા અેક ઘાર્મિક પક્ષનું સત્ય બહાર પાડે છે. જરુરથી વાંચજો.
    ભારતને મેજોરીટી સાઘુડાઓ અને અંઘશ્રઘ્ઘાળુંઓ મેલું બનાવીને જીવતા હોય છે…..અને તેઓ ભારતને પવિત્ર કહાવે છે.
    ખૂબ લખાય તેમ છે….જ્યાં અેક ડોક્ટર પોતે પોતાની પ્રેક્ટીસ છોડીને આંઘળો ભક્ત બની બેસે તેને શું કહેવું ?

    અમૃત હઝારી.

    Liked by 1 person

  5. I don’t want to make any comments regarding the article because I haven’t got much knowledge about this subject.
    However, I do have some questions :
    1. Why did those two ladies give their lives?
    2. Why did the Doctor not intervene ? I thought he was a professional person.
    3. The police should have investigated further . Why didn’t they?
    4. Why do people,follow the Blind Faith? Should they not think for themselves ?
    5. It’s not fair on the vulnerable people who believe in their Religion. Why do these Sadhus take advantage of them?

    It’s very sad and these incidents take place all over the World.
    I rest my case !

    Liked by 1 person

  6. પણ આ બાવા પાસે જવું શામાટે જોઈએ?
    મોક્ષ/ગોલોક/પરલોકની કલ્પના પાછળ આ લોક બગાડવાની જરુર શી? લોકો લાલચના કારણે દુ:ખી થાય છે; તેનું આ ઉદાહરણ છે.

    Liked by 1 person

  7. લોભિયા હોય ત્યાં સુધી આ તો ચાલવાનું છે.યુગોથી દરેક ગુરુની ગાદી લગભગ બહેનો જ ચલાવે છે.
    હા, એક સૂચન સારું છે- દરેક ગુરુ ઉપર જાસુસી કરવી જોઈએ.

    Liked by 2 people

  8. ડૉ. મુકુલ ચોકસી જેવા નિષ્ણાતની કલમે ‘બ્રેઈન ટ્યુમર’ અંગે નવી માહિતી જાણવા મળી.તેઓએ જણાવ્યું કે રામદાસજીના કીસ્સામાં બન્યું તેમ કોઈક વાર દર્દીમાં ઉપરના લક્ષણોમાંથી કંઈ જ જોવા મળતું નથી અને કેવળ માનસીક રોગના ચીહ્નો જ જોવા મળે છે. દર્દી સુનમુન, મુઢ બની જાય છે, તે મુર્ખાઈભર્યા હલકા પ્રકારના કટાક્ષો કરવા માંડે છે. તેની સમજશક્તી ઓછી થઈ જાય છે. તેને ક્યાં કેમ વર્તવું તેનું ભાન રહેતું નથી. તે કપડામાં ઉત્સર્જન કરી દે છે અને તેનું નૈતીક વર્તન કથળી જાય છે. સમયસર નીદાન અને સર્જીકલ સારવારથી દર્દી બચી શકે છે.’આવા કેસમા ઘણા સારવાર કરવાના વિચારને બદલે સંતોને ધુતારા બાવાની કક્ષામા મૂકી દઇ વધુ પડતો ઉહાપોહ કરે છે.
    મધર ટેરેસાનો બીજો ચમત્કારની વાત કરીએ તો બ્રાઝીલના એક બ્રેઈન ટ્યુમર પીડિત વ્યક્તિનો ઈલાજ થયો છે. આ અંગે ઈટાલીયન કેથોલિકના એક અખબારમાં માહિતી આપવામાં આવી હતી.ત્યાર બાદ તેમને સંતની પદવી મળી હતી.તો કેટલા લોકોએ સેવા તરફ જોવાને બદલે ધુતારા પ્હય તેવો તેવો પ્રચાર કર્યો હતો.હાલ બ્રેઇન ટ્યુમરવાળી અમારા સુરતની શ્રુચિ વડાલીયા ચર્ચામા છે. એને પર્યાવરણ પ્રત્યે ઘણો પ્રેમ છે. કેન્સરની બીમારીથી પીડિત આ યુવતી એક ગજબનું કામ કરી રહી છે. મળેલી જાણકારી અનુસાર તે ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી બીજા લોકોને કેન્સર ન થાય એટલા માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. અને પર્યાવરણને બચાવવા માટે શ્રુચિ ૨ વર્ષમાં ૧૧00 વૃક્ષ ઉગાડી ચૂકી છે.
    દર વર્ષે ૮ જુનના રોજ વિશ્વ મગજ ગાંઠ દિવસ મનાવવામાં આવે છે.જે સમાજમાં જાગરૂકતા લાવવા અને મગજમાં ગાંઠ અંગેની સમજ લોકોને આપવા અને સારવાર માટે મદદ કરે છે
    આનંદકુમાર બ્રેઈન ટ્યુમર સામે લડી રહ્યા છે. તેઓએ મુંબઈનાં બાળકોને મળવા માટે કાંદિવલી વિસ્તારમાં આવેલી ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલ કૅમ્બ્રિજમાં આવ્યા હતા. આ તબક્કે તેમણે બાળકોને આગળ વધવા માટે ચાર સૂત્રી કાર્યક્રમ અજમાવવાનું જણાવ્યું હતું.

    ફોનમાંથી નીકળતા રેડિયો ફિકવન્સી રેડીએશન ને કારણે કે ન્સર, બ્રેઈન ટ્યુમર જેવા રોગ થવાનું પ્રમાણ વધી ગયા છે ત્યારે તે અટકાવવાના પ્રયત્ન કરવા જોઇએ

    Liked by 2 people

  9. This is a medico-psycho-legal case.Doctor who remained with Swamiji for pretty long time should have sensed regarding change in behaviour of Swamiji and should have taken immediately corrective actions.Also there is an established rule that when a suspicious death takes place,postmortem is a must.Here we do not know whether it was done for the lady whose body was found in the river,or if done,results were not made known.
    Here,we have discussed several incidents of such Swamijis,Fraudulent so called self proclaimed guruji,stillhow ever if people do not understand then they are supposed to face grave consequences.This is happening since long and I appreciate gesture of shri Govindbhai for bringing such incidents to the notice of general public.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s