વાસ્તુશાસ્ત્રની અન્ધમાન્યતાઓ

વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન નથી એમ ચોક્કસપણે જણાયા પછી આ અવીદ્યાના સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ, કલ્પનાથી વધારે કંઈ નથી એમ સાબીત થઈ જાય છે. હવે આ કહેવાતા શાસ્ત્રની અન્ધમાન્યતાઓ ઉપર વીસ્તૃત ચર્ચા કરીએ…

પ્રકરણ–3

વાસ્તુશાસ્ત્રની અન્ધમાન્યતાઓ

–લક્ષ્મીદાસ ખટાઉ

(આ પુસ્તીકાના દ્વીતીય લેખ https://govindmaru.com/2019/12/06/khatau/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન નથી એમ ચોક્કસપણે જણાયા પછી આ અવીદ્યાના સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ, કલ્પનાથી વધારે કંઈ નથી એમ સાબીત થઈ જાય છે. હવે આ કહેવાતા શાસ્ત્રની અન્ધમાન્યતાઓ ઉપર વીસ્તૃત ચર્ચા કરીએ.

વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમારા ઘરમાં રસોડું અગ્ની દીશામાં હોય તો તમારા સમસ્ત કુટુમ્બ માટે હીતકારી છે. અગર જો તે યોગ્ય દીશામાં ન હોય તો તમારા સમસ્ત કુટુમ્બની સુખ, શાંતી, સમૃદ્ધી અને આરોગ્ય ઉપર ખતરો ઉભો થાય, આધી, વ્યાધી, ઉપાધી વધે છે. જો દરેક ઘરમાં રસોડું અગ્ની દીશામાં શક્ય ન હોય તો છેવટે રસોડામાં ચુલો અગ્ની દીશામાં મુકવાથી પણ લાભ થાય. સમસ્ત કુટુમ્બના બધા સભ્યોના સુખ, શાંતી, સમૃદ્ધી અને આરોગ્ય માટે તો અનેક પરીબળો કામ કરતા હોય છે. રસોડું અગ્ની દીશામાં હોય તો સુખ, શાંતી વગેરે જળવાઈ રહે અને ન હોય તો ન જળવાય એમ કહેવા માટે કોઈ વૈજ્ઞાનીક આધાર ખરો?

તે જ પ્રમાણે ઘરમાં બાથરુમ, પાણીની ટાંકી, ઘરમાં પાણીનું માટલું કે ફીલ્ટર, આંગણામાં કુવો પણ નૈઋત્ય દીશામાં હોય તો સમસ્ત કુટુમ્બ માટે કલ્યાણકારી બને અને તેમ ન હોય તો હાનીકારક બને. વાસ્તુશાસ્ત્રના બધા સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ પ્રમાણે તમારા ઘરની રચના કરશો, રાચરચીલું ગોઠવશો તો પણ આધી, વ્યાધી અને ઉપાધી તો આવવાની. જેઓ પુર્વજન્મ અને કર્મફળના સીદ્ધાંતમાં, જ્યોતીષશાસ્ત્રના ગ્રહો અને નક્ષત્રના પ્રભાવમાં, હસ્તરેખાઓ કે પ્રારબ્ધમાં માને છે તેમને કોઈ ઉસ્તાદ વાસ્તુશાસ્ત્રી ભેટી ગયો તો તેમને કહેશે કે વાસ્તુશાસ્ત્ર તો એક દૈવી, ચમત્કારીક વીદ્યા છે. તમારા પુર્વજન્મના કર્મ, જન્મકુંડલી, હસ્તરેખાઓ કે પ્રારબ્ધમાં જે કંઈ લખાયું હોય તેને ભુંસી નાખવાની શક્તી વાસ્તુશાસ્ત્રી પાસે છે. જેઓ ભગવાન અને પ્રારબ્ધમાં માને છે તેઓ તો સારી રીતે જાણે છે કે પ્રારબ્ધમાં લખાયું હોય તેમાં તો ખુદ ભગવાન પણ ફેરફાર કરી શકે નહીં. એક અતી શેખીખોર ફેંગશુઈશાસ્ત્રીએ પોતાની કટારમાં લખ્યું છે કે તેને કોઈએ પુછ્યું કે શું તમે પ્રારબ્ધ બદલાવી શકો છો? આ પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું કે અવશ્ય; પરન્તુ જો તમે ફેંગશુઈની મદદ લો તો, તદ્દન પગ માથા વગરનો અને અશક્ય દાવો કરવા માટે પણ અનૈતીક હીમ્મ્ત અને બેશરમી જોઈએ છે અને તે વાસ્તુ–ફેંગશુઈવાળાઓ પાસે જેટલા પ્રમાણમાં છે તેટલી બીજા કોઈ પાસે જોવા નહીં મળે.

ભાગ્યવીધાતા, પ્રારબ્ધની દેવીના મનુષ્યના અવતાર સમા વાસ્તુ–ફેંગશુઈવાળા કહેશે કે તમારી આધી, વ્યાધી માટે કર્મ, ગ્રહો કે પ્રારબ્ધ જવાબદાર નથી; પણ તમારા ઘર, ઑફીસ અને કારખાનાનો નકશો તથા તેમાં ગોઠવાયેલ રાચરચીલું જવાબદાર છે. વાસ્તુશાસ્ત્રીને તમારાં ઘર ઑફીસ કે કારખાનું તપાસવા દો અને તે તપાસ પછી વાસ્તુશાસ્ત્રી કહે તે પ્રમાણે મકાનના નકશામાં કે રાચરચીલાની ગોઠવણમાં વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ ફેરફાર કરશો એટલે તમારી બધી આધી, વ્યાધી, ઉપાધીઓ દુર થઈ જશે. તમારા કુટુમ્બમાં સુખ, શાંતી, સમૃદ્ધી અને આરોગ્ય જળવાશે અને વધશે. તે માટે તમારે વાસ્તુશાસ્ત્રીને તમારા ગજા પ્રમાણે કન્સલ્ટીંગ ફી આપો એટલે પછી તમને લીલાલહેર. તમને તો તે પછી લીલાલહેર થાય કે ન થાય; પણ વાસ્તુશાસ્ત્રીનું બેંક બેલન્સ તો જરુર વધી જશે. અજાણતા ઘરમાં વીંછી પ્રવેશી જાય અને તમારી નજરે ચડી જાય તો તમે તેને સાણસીથી પકડી બહાર ફેંકી શકો છો; પણ ભુલેચુકે તમે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્રીને પ્રવેશ કરવા આપશો તો તે પોતાની વાચાળતાથી આ શાસ્ત્ર વીશે અગડંબગડં વાતો કરીને એવો તો તમને ભરમાવી દેશે કે પછી તેને વીંછીની જેમ સાણસીથી પકડીને બહાર ફેંકી નહીં શકાય. એ તો તમારે ગળે જ ફાંસો નાખશે.

પાણીના માટલા કે ચુલા ઘરમાં યોગ્ય દીશામાં મુકાયેલ હોય કે ન હોય તે મુજબ તમારા સમસ્ત કુટુમ્બનું પ્રારબ્ધ ઘડાય અથવા તેમાં કલ્યાણકારી ફેરફાર કરી શકાય, આ વાત એટલી હદ સુધી હાસ્યાસ્પદ અને તર્કહીન છે કે સામાન્ય બુદ્ધીવાળાને સમજાવવાની પણ જરુર ન રહે.  ગરજવાનને અને અન્ધશ્રદ્ધાળુને અક્કલ હોતી નથી અને તેનો લાભ આ લફંગાઓ ઉઠાવે છે. પાણીનાં માટલાં અને ચુલો જે ઘરમાં એક જ દીશામાં કે બાજુ બાજુમાં મુકવામાં આવેલ હોય છતાં પણ તે ઘરના સુખ, શાંતી, આધી, વ્યાધીની માત્રા અન્ય ઘરોમાં રહેતાં કુટુમ્બો જેટલી જ સામાન્ય હોય છે. વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ ચુલો અને માટલા યોગ્ય દીશામાં મુકાયેલ હોય તે ઘરમાં સુખ, શાંતી વધારે રહેશે અને આધી વ્યાધી ઓછી રહેશે એવી બાંયધરી તો વાસ્તુશાસ્ત્રીનો ગુરુ પણ ન આપી શકે.

બીજી અનેક અન્ધમાન્યતાઓથી ભરપુર આ અવીદ્યાની એક અન્ધમાન્યતા સવાઈ છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમારા ઘરમાં સંડાસ કઈ દીશામાં છે અને તમે કઈ દીશામાં મોઢું રાખીને લઘુશંકા, દીર્ઘશંકા કરો છો, તેનો પ્રભાવ તમારા સમસ્ત કુટુમ્બના સુખ, શાંતી, સમૃદ્ધી અને આરોગ્ય ઉપર પડે છે તથાસ્તુ.. સાંભળી છે આથી વધારે હાસ્યાસ્પદ વાત? આવી માન્યતા ધરાવતા શાસ્ત્રને આ લોકો સમ્પુર્ણ વીજ્ઞાનમાં ખપાવવા પ્રયાસ કરે છે.

ઘરમાં શયનખંડ અયોગ્ય દીશામાં હોય અથવા શયનખંડમાં દમ્પતી અયોગ્ય દીશામાં માથું અને પગ રાખીને શયન કરતાં હોય તો પતી–પત્ની વચ્ચે મનમેળ થતો નથી, વીખવાદ ઉભો થાય, સન્તાન પ્રાપ્તી થતી નથી એવું વાસ્તુશાસ્ત્રી કહે છે. મનમેળ ન હોય, વીખવાદ હોય કે સન્તાન પ્રાપ્તી થતી ન હોય તે માટેના કારણો તો મનોવૈજ્ઞાનીક હોય અથવા પ્રજનન તન્ત્રમાં રહેલ ક્ષતીના કારણો હોય શકે. હવે જો આવા દમ્પતીને કોઈ વાસ્તુશાસ્ત્રી ભેટી ગયો હોય તો કહેશે કે ફીકર ન કરો, મનદુ:ખ, વીખવાદ માટે કોઈ વડીલ, ધર્મગુરુ, સ્વામી, મનોવૈજ્ઞાનીકના માર્ગદર્શનની જરુર નથી અને સન્તાન પ્રાપ્તી માટે કોઈ ડૉક્ટરની સલાહ લેવાની જરુર નથી. વાસ્તુશાસ્ત્રની સલાહ અને સુચન મુજબ યોગ્ય દીશામાં શયનખંડ હોય તેવા કમરાને શયનખંડ બનાવો અથવા શયનખંડમાં યોગ્ય દીશામાં પલંગ ગોઠવો એટલે પછી મનમેળ થઈ જશે અને સન્તાન પ્રાપ્તી પણ થઈ જશે. કઈ દીશામાં પતી–પત્ની માથું રાખીને શયન કરે છે તેને ગર્ભધારણ સાથે સમ્બન્ધ છે. જો આ વાત સાચી હોય તો વીશ્વમાં વધતી જતી જનસંખ્યાની સમસ્યા ઉકેલવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા તથા બધા દેશોના રાજ્ય શાશકોને વાસ્તુશાસ્ત્રના આ અદભુત નીયમની જાણ કરવી જોઈએ કે વસ્તી નીયન્ત્રણ વાસ્તુશાસ્ત્રમાં તદ્દન સરળ અને મફ્ત ઉકેલ છે. સન્તતી નીયમન માટે કોન્ડોમ્સ, ગોળીઓ કે ઑપરેશનને બદલે ગર્ભધારણ ન થાય તે માટે યોગ્ય દીશા કઈ છે તે વીશ્વભરમાં બધાને જણાવી દેવામાં આવે એટલે વીશ્વની વધતી જતી જનસંખ્યાની સમસ્યા ઉકેલાઈ જાય. ખરેખર વાસ્તુશાસ્ત્રીઓને નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ તેવી આ શોધ છે. જો તેઓ આ વાત સાબીત કરી બતાવે તો! પણ તેઓ કહે છે કે તેમને આવા પુરસ્કારોની પડી નથી. તેઓ તો સમાજસેવા કરે છે અને બદલામાં લોકો મેવા આપે છે તે આરોગે છે.

વાસ્તુ વ્યાવસાયીકોના ગ્રાહકો મોટે ભાગે ભોળા શ્રીમન્ત લોકો હોય છે. ગરીબ, મધ્યમવર્ગને વાસ્તુ ન પોષાય એટલે ફેંગશુઈવાળા ગરીબ અને મધ્યમવર્ગને મુર્ખ બનાવી કમાણી કરે છે. જો કોઈ ઘર વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બન્ધાયું ન હોય કે તેની સજાવટ પણ તે પ્રમાણે ન હોય અને આ શાસ્ત્રના સીદ્ધાંતો, નીયમો મુજબ ફેરફાર કરવા હોય તો રસોડું હોય ત્યાં બાથરુમ અને બાથરુમને સ્થાને સ્ટોરરુમ વગેરે ફેરફાર કરવા પડે. મુમ્બઈ જેવા શહેરમાં તો બાથરુમનો દરવાજો બદલવો હોય તો પણ સહેજે હજાર રુપીયા (આ પુસ્તીકા બે દાયકા પહેલા પ્રકાશીત થઈ હતી. જેથી જે તે ખર્ચના રુપીયાનો દર બે દાયકા જુનો ગણવો.) ખર્ચ આવી જાય તો પછી આ ઘરમાં તોડફોડ કરીને ધરખમ ફેરફાર કરવા માટે તો એક–બે લાખ રુપીયા  પુરા ન થાય. એક વાર વાસ્તુશાસ્ત્રી કોઈ ભોળા શ્રીમન્તને ઘરમાં ફેરફાર કરાવવા સમજાવી શકે પછી વાસ્તુશાસ્ત્રી, બીલ્ડીંગ રીપેરીંગ કરનાર, રીનોવેશન કરનાર, ઈન્ટીરીયર ડેકોરેટર્સ સાથે મળીને તે શ્રીમન્તને ખંખેરી લે. વાસ્તુશાસ્ત્રીની સુચના મુજબ ફેરફાર કરાવ્યા પછી તેની આધી, વ્યાધી, ઉપાધીમાં યોગાનુયોગ ઘટાડો થાય તો યશ વાસ્તુશાસ્ત્રીને મળે અને તેમ ન થાય તો પોતે મુર્ખ બન્યો છે તે કયા મોઢે બીજાને કહે? તે ઉપરાંત ઘરની સજાવટ માટે શુભ ઉર્જાવાળા–સંકેતવાળા લાફીંગ બુદ્ધ, મોંઘાદાટ ચીત્રો, ઈલેક્ટ્રીક ફુવારાઓ, પીરામીડ, પેન્ડ્યુલ્સ, ડ્રેગન વગેરે ઘરમાં વસાવવાની ભલામણ કરવામાં આવે છે. જેની એકની કીમ્મત રુપીયા 100/-થી પાંચ હજાર રુપીયા હોય છે. ખાસ કરીને ફેંગશુઈવાળા આવી ચીજો વેચે છે.

એક વહેમીલી નારીને એક વાસ્તુશાસ્ત્રી ભેટી ગયો અને કહ્યું કે તેની બધી આધી, વ્યાધી, ઉપાધીનું મુળ વાસ્તુશાસ્ત્રના નીયમો વીરુદ્ધની તેણીના ઘરની બાંધણી છે એટલે તેણીએ પોતાનું જુનું ઘર વેચીને, અને વાસ્તુશાસ્ત્રીની સલાહ મુજબ નવું ઘર ખરીદ્યું. આ સોદામાં વાસ્તુશાસ્ત્રી વચોટીયો બનીને આ વહેમીલી નારી તથા એસ્ટેટએજન્ટ બન્ને પાસેથી કેટલી રકમ મેળવી હશે? તેનું અનુમાન કરો. મુમ્બઈ જેવા શહેરમાં સીને નટીને રહેવા યોગ્ય ઘરની કીમ્મત પાંચ દસ કરોડથી ઓછી ન હોય તો ફક્ત એક ટકો કમીશન મળે તો પાંચથી દસ લાખ રુપીયા વાસ્તુશાસ્ત્રીને કમીશન તરીકે અપાયા હશે. અખબારમાં આવેલા અહેવાલ મુજબ એક વાસ્તુશાસ્ત્રી પોતાની સુચના મુજબ ઘરના ચણતરમાં ફેરફાર થતાં હતાં, ત્યારે જાતતપાસ કરવા તે ત્યાં ગયો ત્યારે છત તેના માથા ઉપર પડી અને મરી ગયો. પોતાનું ઘર જ વાસ્તુશાસ્ત્રીના નીયમ મુજબ નહીં હોય નહીંતર આવી દુર્ઘટના તેના જીવનમાં ન બનત. બધા વાસ્તુશાસ્ત્રીઓ પોતાની આધી, વ્યાધી અને ઉપાધી પણ ટાળી શકતા નથી, તે બીજાઓની કેવી રીતે ટાળી શકે?

(ક્રમશ:)

– લક્ષ્મીદાસ ખટાઉ

રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક ‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’ (પ્રકાશક : માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર – 363020. પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/)નું  પ્રકરણ : 03નાં પૃષ્ઠ ક્રમાંક : 23થી 27 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

10 Comments

  1. આજે જ એક ક્વોટેશન વાંચવા મળ્યું: Until you make the unconscious conscious, it will direct your life and you will call it fate. – James Clear જ્યાં સુધી તમે તમારા અજાગ્રત મનને ઉજાગર નહીં કરશો ત્યાં સુધી એ તમારા જીવનને દોરતું રહેશે અને તમે એને દુર્ભાગ્ય કહેશો.
    સરસ લેખ ગોવીન્દભાઈ. હાર્દીક આભાર આપનો તથા એના લેખક શ્રી. લક્ષ્મીદાસ ખટાઉનો.

    Liked by 1 person

  2. Thank you for sharing this post, much appreciated.

    In my view…
    My Active Mind tells me:
    Whatever you believe , turns into your thoughts
    Your thoughts evoke your words
    Those words turn into actions-Karm
    Your actions become your habit
    Your habit become your values
    Finally, your values become your Destiny.

    So it’s a mind’s game. Actually, You are the Boss! Why listen and trust others?
    Everyone has a hidden Agenda of making money so please don’t fall into this Vastushastra or Feng Shui trap.

    Wake up from this Blind-Faith sleep.
    Believe in yourself!

    Liked by 2 people

    1. વહાલા ડૉ. સુધીરભાઈ,
      આ પુસ્તક અપ્રાપ્ય છે. માર્ચ મહીનામાં લેખમાળા પુરી થયેથી તેની ‘ઈ.બુક’ 📙 પ્રકાશીત કરવામાં આવશે. ‘અભીવ્યકતી’ પર આ અગાઉ ‘વાસ્તુશાસ્ત્ર’ અંગે પ્રગટ થયેલા નીચે જણાવેલ લેખોનો પણ ‘ઈ.બુક’માં સમાવેશ કરવામાં આવશે.
      (1) વાસ્તુશાસ્ત્ર : વીજ્ઞાન કે અજ્ઞાન?
      https://govindmaru.com/2010/04/30/v-italiya-2/
      (2) વાસ્તુશાસ્ત્રીઓનું ડાઈનીંગ ટેબલ પર પણ આક્રમણ!
      https://govindmaru.com/2016/03/25/suryakant-shah-2/
      (3) ‘વાસ્તુ’શાસ્ત્ર કરતાં ‘વસ્તુ’શાસ્ત્ર વધુ મહત્ત્વનું છે!
      https://govindmaru.com/2014/04/11/rohit-shah-8/
      (4) વાસ્તુશાસ્ત્રથી નહીં; વસ્તુશાસ્ત્રથી સુખ મળી શકે
      https://govindmaru.com/2011/12/01/dinesh-panchal-19/
      (5) વહેમ અને ખર્ચના ખાડામાં ઉતારતું આ વાસ્તુશાસ્ત્ર
      https://govindmaru.com/2015/10/23/dr-nanak-bhatt/
      (6) એક બંગલા બને ન્યારા…
      https://govindmaru.com/2011/04/22/harnish-jani-3/
      (7) લેભાગુ વાસ્તુશાસ્ત્રીથી બચવું બહુ જરુરી! –નગીનદાસ સંઘવી
      https://govindmaru.com/2019/09/20/nagindas-sanghavi-5/

      ધન્યવાદ… 🙏

      Like

  3. –લક્ષ્મીદાસ ખટાઉનો વાસ્તુશાસ્ત્રની અન્ધમાન્યતાઓ સરસ લેખ
    મા ગાંડાભા ઇની આ વાત ‘જ્યાં સુધી તમે તમારા અજાગ્રત મનને ઉજાગર નહીં કરશો ત્યાં સુધી એ તમારા જીવનને દોરતું રહેશે અને તમે એને દુર્ભાગ્ય કહેશો.’
    ચિંતન કરવા જેવી વાત

    Liked by 2 people

  4. veru true all:”અજાણતા ઘરમાં વીંછી પ્રવેશી જાય અને તમારી નજરે ચડી જાય તો તમે તેને સાણસીથી પકડી બહાર ફેંકી શકો છો; પણ ભુલેચુકે તમે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્રીને પ્રવેશ કરવા આપશો તો તે પોતાની વાચાળતાથી આ શાસ્ત્ર વીશે અગડંબગડં વાતો કરીને એવો તો તમને ભરમાવી દેશે કે પછી તેને વીંછીની જેમ સાણસીથી પકડીને બહાર ફેંકી નહીં શકાય. એ તો તમારે ગળે જ ફાંસો નાખશે.”

    Liked by 1 person

  5. નમસ્તે ગોવિંદભાઇ તથા લક્ષ્મીદાસજી,
    આજનો લેખ ‘વાસ્તુ શાસ્ત્ર’ફાલતુ કે સાચુ? એના પર થોડુ મારુ મંથન ને માન્યતા રજુ કરુ છું.
    પ્રથમ તો જે તે જ્યોતિષને પુછવાનું કે ધરતીકંપ,પુર,દાવાનળ કે હિમપ્રપાત જેવા કુદરતી પ્રકોપમાં ગરીબના કુબા ને શ્રીમંતના મહેલો કોઇ દેખીતા પક્ષપાત વિના ઢળી પડે,તણાઇ જાય, કે ડટાઇ જાય.ને એમા જ્યાેતિષીનું ઘર પણ આવી જાય. તો એણે પોતાનું ઘર બનાવતા પહેલા મુહુર્ત કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન નહિ કર્યુ હોય?
    ખરેખર વિવાહ સમયે જે કુંડલી મેળવવામાં આવે છે એ કેટલી સાચી છે એ પણ કયારેક શંકા સ્પદ હોય છે. હજારો માઇલ અવકાશમાં વિચરતા ગ્રહોને કયા નવરાશ છે માણસને નડવાની. ખરેખર
    માણસને ગ્રહો નહિ પણ પુર્વગ્રહો નડે છે. લગ્નજીવનમાં સફળ થવા પ્રથમતો વરકન્યાની શારીરિક તપાસ એટલે કે તંદુરસ્તી, કોઇ ચેપી રોગ છે કે કેમ, મા કે બાપ બનવાની ક્ષમતા, લોહીનુ ગ્રુપ, વગેરેતપાસવાની જરુર છે. જેથી ભવિષ્યમાં આવનારી શારીરિક હાલત ને ભાવિ પેઢીની તંદુરસ્તી માટે ચિંતા નરહે. પરદેશમાં વરકન્યાનું શારીરિક તંદુરસ્તીનું સરકારમાન્ય સર્ટી.જરુરી છે.
    બીજી વાત એ કે ગ્રહો કરતા ઘરના સભ્યોમાં મનમેળ હોય. પરસ્પરને સમજવાની ને એકબીજાને ખુબી ને ખામી સાથે સ્વીકારી લેવાની સમજણ હોય એ વધારે જરુરી છે.
    હવે આપણા પરંપરાગત સ્વભાવ કહો કે સંસ્કૃતિ આપણે વિચારમાં આળસુ કે પરાવલંબી છીએ. કોઇ પણ મુશ્કેલીમાં વિચારપુર્વક માર્ગ કાઢવાને બદલે જપ,તપ,ઉપવાસ, યજ્ઞ,આરતી ને પુજા
    જેવા સહેલા રસ્તા અપનાવીએ છીએ. વાસ્તુશાસ્ત્રમાં પણ આપણી જરુરિયાત પ્રમાણે મકાન બનાવવાને બદલે જે માણસને એમા રહેવાનું ય નથી કે કોઇ નિસ્બત નથીએને આપણે આપણા માટે
    શું સારુ ને શું ખરાબ એવી સલાહ માગીએ છીએ.એ પણ મફત નહિ!સાામાન્ય સમજની વાત છે કે મકાનમાં હવાઉજાસ વધારે મહત્વના હોય એટલે સુર્યનો તડકો વધારે મળે એ રીતે બારીબારણા
    હોય એ સમજી શકાય. બાકી તો મકાનના બાંધકામમાં લાકડા આખા ને બદલે ફાંટવાળા હોય, સિમેંટ કરતા રેતી વધારે હોય, ખીલાની જગ્યાએ સ્ક્રુ વાપર્યા હોય, દિવાલો નિયમ પ્રમાણે જાડી નહોય.ઇંટો પાકી ન વાપરી હોય તો વાસ્તુશાસ્ત્રી તો શું પણ સામાન્ય માણસ પણ એ મકાનનું ભવિષ્ય ભાખી શકે.
    આપણે આપણા વૈચારીક આળસનું મુલ્ય ચુકવીએ છીએ.આળસુ હોય ત્યા ધુતારા ભુખે નમરે. નવી કહેવત
    ગોવિંદભાઇ, આજે કોમેન્ટ લખવામાં ગુગલમહારાજ હઠે ચડ્યા છે એટલે ઇમેઇલ કરીછે.
    – વિમળાબેન હિરપરા

    Like

  6. સારો લેખ …પણ કોઈ વૈજ્ઞાનિક દલીલ….પુરાવા વગર નો…..ફેંગશુઈ ને ચીન માં કેમ પ્રતિબંધ મૂક્યો…..તે પણ જણાવ્યું નથી….તો કૈંક લોજિક સમજાત….

    Like

Leave a comment