આખુ જગત દુશ્મન થઈ ગયું છે, સામે થઈ ગયું છે. ધડમાથા વીનાના ખોટા વીચારો મનમાં ઠસી જાય છે. કોઈક અજાણ્યા પ્રકારનો ડર લાગવો, શંકા–કુશંકા થવી વગેરે ‘પેરાનોઈડ સ્કીઝોફ્રેનીયા’ના લક્ષણો છે. આ રોગ વીશેની માહીતી, સમજ અને જાણકારી મેળવવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે..
પેરાનોઈડ સ્કીઝોફ્રેનીયા
–ડૉ. મુકુલ ચોકસી
શનીવારે સાંજે સાત વાગવા આવ્યા હતા. બૉસ શફીભાઈએ આજે મોડે સુધી મને બેસાડી રાખ્યો હતો. મારી સાથેવાળા ઈસ્માઈલભાઈ વહેલા નીકળી ગયા હોવાથી હું એકલો જ લીફ્ટ આગળ આવીને રાહ જોતો ઉભો રહ્યો. મેં બે–ત્રણ વાર બટન દાબ્યું; પણ લીફ્ટ આવી નહીં. આથી મને શંકા–કુશંકા થવા માંડી.
આગલા બે–ત્રણ દીવસથી જ મને મનમાં કંઈક અજબ પ્રકારનું થતું હતું. મને કોઈક અજાણ્યા પ્રકારનો ડર લાગવા માંડ્યો હતો. આમ પણ હું પહેલેથી જ ખુબ શંકાશીલ તો હતો જ. તેમાં છેલ્લા બે દીવસથી તો મને આસપાસની તમામ પ્રવૃત્તીઓમાં કોઈક ને કોઈક પ્રકારના કાવતરાની ગંધ આવવા માંડી હતી. કોણ જાણે કેમ પણ મને એવું થવા માંડ્યું હતું કે મારો કોઈ છુપો દુશ્મન આટલામાં જ ક્યાંક છે અને જે મારી તમામ હીલચાલ ઉપર સતત દેખરેખ રાખી રહ્યો છે. એ દુશ્મનને ઓળખવા અને એની ઉપર નજર રાખવા મેં આંખો ઉપર મોટા કાચવાળા કાળા ગોગલ્સ પહેરવાના શરુ કર્યા હતા.
પાંચ મીનીટ વીતી જવા છતાં લીફ્ટ આવી નહોતી. એવામાં એક માણસ મારા જેવા જ ગોગલ્સ પહેરીને મારી બાજુમાં આવીને ઉભો રહી ગયો. હું ચોંકી ઉઠ્યો. મને થયું કે જરુર કોઈ રમત રમાઈ રહી છે. નહીંતર રોજ બટન દબાવતાની સાથે જ ઉપર આવતી લીફ્ટ આજે આટલું મોડું કેમ કરે છે? અને એ જ સમયે મારા જેવા જ ગોગલ્સ પહેરેલો માણસ મારી બાજુમાં આવીને શા માટે ઉભો રહે? મેં ગભરાઈને લીફ્ટ છોડીને દાદર તરફ જવા માટે પગ ઉપાડ્યા. તો પેલા માણસે પણ તેમ જ કર્યું. મેં ઝડપ વધારી દીધી. લગભગ દોડતાં દોડતાં પગથીયા ઉતરતા ચાર માળ પુરા કર્યા અને પેલા માણસથી પીછો છોડાવ્યો.
નીચે આવ્યો ત્યારે હું જોરથી હાંફતો હતો અને મારું હૃદય ઝડપથી ધડકતું હતું. એક ખુણામાં શ્વાસ લેવા હું રોકાયો. માંડ દસ–વીસ સેકંડ પસાર થઈ હશે ત્યાં પાછળથી કોઈનો મજબુત હાથ મારા ખભા પર પડ્યો અને હું બીકથી ફફડી ઉઠ્યો. મેં પાછળ ફરીને જોયું તો મારો મીત્ર અસલમ હતો; પણ મને લાગ્યું કે એ કંઈક વીચીત્ર રીતે મને જોઈ રહ્યો હતો. મેં ઝડપથી રસ્તો પકડતા કહ્યું. ‘કાલે મળીશું, આવજે;’ પણ તેણે મને રોકવાનો આગ્રહ કર્યો. મને સમજાયું નહીં કે તે કેમ આટલો આગ્રહ કરતો હતો! મેં આસપાસ જોઈને ખાતરી કરી લીધી કે પેલો માણસ મારી પાછળ તો નથી આવ્યો ને!
એવામાં અસલમે પુછ્યું, ‘તું કેમ આટલો અસ્વસ્થ છે? કોઈ તારો પીછો તો નથી કરી રહ્યું ને?’ અને મારે માથે જાણે વીજળી ત્રાટકી. અસલમને કઈ રીતે ખબર પડી કે કોઈ મારો પીછો કરે છે? એણે કઈ રીતે જાણ્યું કે હું અસ્વસ્થ છું? મને એક સાથે હજારો પ્રશ્નો થવા માંડ્યા. અસલમ અહીં શું કરે છે? તે મને કહેતો કેમ નથી કે એને મારું શું કામ છે? અને પછી તો અસલમની ચકળવકળ થતી આંખો, તેનો આગ્રહ અને તેના વર્તનને જોઈને મને બધું જ સમજાવા માંડ્યું.
મને ખાતરી થઈ ગઈ કે મને સપડાવવામાં આવ્યો હતો. હું ટ્રેપ થઈ ગયો હતો. મારા બૉસ શફીભાઈએ તે દીવસે મને જાણી જોઈને મોડો છોડેલો. રોજ મારી સાથે આવતા ક્લાર્ક ઈસ્માઈલભાઈ પણ તે દીવસે જાણી જોઈને જ વહેલા નીકળી ગયા હતા. લીફ્ટમેન પણ મારા ઉતરવાના સમયે જ ઈરાદાપુર્વક ગુમ થઈ ગયેલો. અને એ એકાંતનો લાભ લઈ પેલો ગોગલ્સવાળો માણસ મારી ખુબ નજીક આવી ગયેલો. મને ખાતરી થઈ ગઈ કે તેઓએ અસલમને પણ મારી સામેની સાઝીશમાં ભાગીદાર બનાવ્યો છે.
પણ તેઓ એટલે કોણ? અચાનક મારી વીચારશૃંખલા તુટી ગઈ. હજુ અસલમે મારો હાથ પકડી રાખ્યો હતો. મેં કપાળેથી પરસેવો લુછી ફરી વીચારવાનું શરુ કર્યું. કોણે મારી સામે આવી સાઝીશ કરી હશે? મને લીફ્ટમેનનો ચહેરો યાદ આવ્યો. કોણ હશે તેની પાછળ? અસલમ? પણ તો પછી અસલમની પાછળ કોણ હશે? મેં ગજવામાં રાખેલા મારા હાથની મુઠ્ઠીઓ કચકચાવીને ભીડી દીધી.
અચાનક અસલમે મારા વાંસા પર હાથ મુક્યો અને કહ્યું, ‘તું ખુબ તંગ છે મનસુખ! ચાલ પહેલાં ચાહ પી લઈએ.’ અને એ મને સામેના સ્ટોલ સુધી ઘસડી ગયો. મારા મનમાં વીચારો હજુ અવીરતપણે ચાલુ જ હતા. અસલમને કઈ રીતે ખબર પડી કે હું તંગ છું? શું એ મારા વીચારો પણ જાણી જાય છે? શું એને ખબર હશે કે મારા વીરુદ્ધ થયેલી સાઝીશની મને જાણ થઈ ગઈ છે? તો મારે સાવચેત રહેવું જોઈએ. મેં હાથ ગજવામાંથી બહાર કાઢ્યા અને મુઠ્ઠીઓ ખોલી નાંખી.
‘આઈડીયા.’ અચાનક હું ગણગણ્યો અને મેં રુપીયાનું પરચુરણ કાઢીને બાજુમાં ઉભેલા ફેરીયા સામે ધર્યું. તેણે મારા હાથમાં એક છાપું મુક્યું અને ચાલવા માંડ્યો. મેં છાપું ખોલીને પહોળું કર્યું અને મારા ચહેરા સામે ધરી દીધું. હાશ! હવે અસલમ નહીં જાણી શકે કે હું કેટલો તંગ છું; પણ એવામાં મારી નજર પેલા ફેરીયા પર પડી અને હું ચોંકી ઉઠ્યો. અસલમ પેલા ફેરીયા સાથે કંઈક છુપી મસલત કરતો હતો અને પૈસાની આપ–લે કરતો હતો. ઓહ માય ગોડ! આ ફેરીયો પણ એ લોકોનો જ માણસ નીકળ્યો. એ પણ મારા દુશ્મનોની ટોળીનો જ સાગરીત નીકળ્યો. હું ફરી ભયથી ધ્રુજી ઉઠ્યો અને મેં નજર ત્યાંથી હટાવી છાપામાં નાખી; પણ ત્યાં તો મને એથીય મોટો તીવ્ર આંચકો લાગ્યો.
‘સદ્દામ હુસેનની ચાલમાં ભેરવાઈ ગયેલા બુશ… સદ્દામની ગણતરીઓ ખુબ ઉંડી અને લાંબા ગાળાની છે.’ છાપાની હેડલાઈન પર મારી આંખ ચોંટી ગઈ. ચાલ… ગણતરી… સાઝીશ… મારા મનમાં તાળો મળવા માંડ્યો. અસલમ એ મારો મીત્ર થઈને મને ફસાવે છે. સાથે લીફ્ટમેનનો, બૉસ શફીભાઈનો અને ક્લાર્ક ઈસ્માઈલભાઈનો સાથ લે છે. તેઓ બધા મુસ્લીમો છે. અને તેમની પાછળ કોનો દોરીસંચાર છે તેનો જવાબ મને મળી ગયો છે.
તેમની પાછળ સદ્દામ હુસેન છે. સદ્દામ– બુશને ખતમ કરી નાંખશે. હું બુશનો ટ્રાન્ઝીસ્ટર સાંભળું છું અને એટલે જ સદ્દામ મને પણ ખતમ કરી નાંખશે. આ છાપા દ્વારા તેઓએ મને ચેતવણી આપી દીધી છે કે હું બુશને નહીં છોડું તો મારો અન્ત નક્કી છે. અને મેં જોરથી છાપું દુર ફગાવી દોડવાનું શરુ કર્યું. અસલમે બુમ પાડી, ‘મનસુખ! શું કરે છે તું! તારું મગજ તો ઠકાણે છે ને! ઉભો રહે! ક્યાં જાય છે!’
પણ હું ઉભો રહી શકું એમ નહોતું. મારી જીન્દગીનો સવાલ હતો. સદ્દામ હુસેન ખુબ ચાલાક હતો. તેમણે છાપા દ્વારા મને સન્દેશો મોકલી દીધો હતો. અચાનક મારા કાનમાં એમનો અવાજ આવ્યો. ‘તું નહીં બચી શકે… અમે તને શોધી કાઢ્યો છે… અમારા માણસો ચારે બાજુ ફેલાયેલો છે. તેઓ તને જરુર શોધી કાઢશે…’ અને મેં કાનમાં આંગળીઓ ખોસી દીધી. હું ડરી ગયો હતો. ગભરાટમાં ને ગભરાટમાં દોડતા દોડતા હું એક થાંભલા સાથે અથડાતા બચી ગયો. મેં એ થાંભલા સામે જોયું તો ઉપર ‘ધારા શુદ્ધ તેલ’નું પોસ્ટર હતું. અને ફરી ધડધડાટ વીચારોનો પ્રવાહ મારા મનમાં ચાલુ થઈ ગયો. ધારા… તેલ… તેલીયા રાજાઓ… પેટ્રોલીયમના જથ્થાઓ… અસલમ… કુવૈત… ઈસ્માઈલભાઈ… શફીકભાઈ… ઈરાક… હીન્દુ–મુસ્લીમ… બુશ… સાઝીશ… સદ્દામ હુસેન… ‘બચાવો, બચાવો!’ મારાથી જોરમાં ચીસ પડાઈ ગઈ.
મને લાગ્યું કે લોકો બધા મને ધારીધારીને જોઈ રહ્યાં છે. હું બધાથી અલગ પડી ગયો છું. બધાં જ સામેની છાવણીમાં ચાલ્યા ગયા છે. દુશ્મનો એક થઈ ગયા છે. બધાં જ સદ્દામના માણસો છે. બધાં જ ઈરાકીઓ છે. હું એકમાત્ર ભારતીય નાગરીક રહી ગયો છું. મારું જીવન, ભારતનું ભાવી, ભારતનું સ્વાતંત્ર્ય, ભારતની અખંડીતતા, અસ્મીતા તમામ જોખમમાં છે.
મેં દોડવાનું ચાલુ રાખ્યું. ઘર ક્યારે આવી ગયું તે પણ ખબર ન પડી. હું મારી રુમમાં ભરાઈ ગયો અને બારણા જોરથી બન્ધ કરી દીધા. બહારના અવાજો બન્ધ થયા તો કાનમાં જોરજોરથી પડઘા પડવા માંડ્યા, ‘પકડો… પકડો… એ છટકી ન જવો જોઈએ… એ ભારતીય છે…’ ઈરાકી કાવતરાબાજો મને સંકજામાં લેવા રાડારાડ કરતા હતા. મેં કાનમાં રુના પુમડા ખોસી દીધા.
કંઈ જ સમજ પડતી નહોતી. હું ફરી બહાર આવ્યો. ત્યાં બધા ઘુસપુસ કરતા હતા. મારા ખુનનો પ્લાન નક્કી થઈ ગયો હતો. મારા ભાઈએ મને કહ્યું, ‘મનસુખ ચાલ! પહેલા જમી લે. ચીંતા ન કર. બધું ઠેકાણે આવી જશે.’ અને હું સમજી ગયો. મને ઠેકાણે પાડી દેવામાં આવશે અને કોઈને ખબર પણ ન પડશે. ભાઈ મને પ્રેમથી જમાડશે અને એમાં ઝેર હશે. સારો રસ્તો શોધી કાઢ્યો છે; પછી હીન્દુસ્તાન એ લોકોનું જ થઈ જશે. કુવૈત પછી ભારતનો વારો છે. ‘ના સદ્દામ! હું તને એવું હરગીજ નહીં કરવા દઈશ.’ હું જોરથી ચીસ પાડી ઉઠ્યો.
અને એ મારી આખરી ક્ષણ હતી. સહુ મારી પાસે ધસી આવ્યા. મને પકડી લેવામાં આવ્યો. કોઈએ મારા મોઢામાં ડુચો મારી દીધો તો કોઈએ હાથ–પગ બાંધી દીધા. અચાનક મારા હાથની નસમાં એક તીણી સોય ભોંકાઈ, થોડુંક પ્રવાહી ધકેલાયું અને મેં આઝાદ ભારતના મૃત્યુની ઘડીઓ ગણવા માંડી. ‘એક… બે… ત્રણ… ચાર… પાંચ…’ થોડો તરફડાટ થયો… પછી બધું શાંત થઈ ગયું.
હું જાગ્યો ત્યારે સવાર હતી. કોઈક અજાણ્યા રુમમાં ખાટલા પર મને સુવડાવવામાં આવ્યો હતો. હૉસ્પીટલ જેવું લાગતું હતું. મારું શરીર કળતું હતું. ઝાંખું પાખું યાદ આવતું હતું કે મને ફસાવવામાં આવેલો અને દુશ્મનોએ મારા પર હુમલો કરેલો. કાનમાં હજુ પણ છુટાછવાયા અવાજો આવતા હતા.
દુર ચાર–પાંચ ડૉક્ટરો વાત કરતા હતા, ‘પેરોનોઈડ સ્કીઝોફ્રેનીઆનો કેસ છે’, થોડો એક્યુટ છે’… ‘ખુબ વાયોલન્ટ હતો, સર!’ સગાઓ ભલે કહે છે કે ઓચીંતુ જ થયું; પણ આઈ એમ શ્યોર એને છેલ્લા કેટલાક મહીનાઓથી સીમ્પટમ્પસ હશે જ.’ એના ફેમીલીમાં પણ આવા કેસ નોંધાયા છે’… ‘એસ્કાઝીન કન્ટીન્યુ રાખો, જરુર પડે તો ઈ.સી.ટી આપજો અને ફેમીલી મેમ્બર્સને ખાસ સમજાવજો કે આ રોગ શું છે… અને હવે ચાલો, પહેલા મનસુખભાઈને જ પુછીએ’… ‘પેરોનોઈડ પેશન્ટને શંકા પડે તે રીતે દુર ખુણામાં ઉભા રહીને ધીમેથી વાત ન કરવી જોઈએ. એને વીશ્વાસમાં લઈને, બને એટલા સાચા અને સાહજીક બનીને એની સાથે વર્તવું જોઈએ, ઓ.કે.?’
પેરોનોઈડ સ્કીઝોફ્રેનીયા
તો આ હતા મનસુખભાઈ અને તેમનું આંતરીક જગત. મુળથી જ વધુ પડતો શંકાશીલ સ્વભાવ (પેરોનોઈડ પર્સનાલીટી) ધરાવતા મનસુખભાઈને 35 વર્ષની ઉમ્મરે એક સાંજે અચાનક પ્રોબ્લેમ થઈ જાય છે. તેઓને લાગવા માંડે છે કે આખું જગત તેમનું દુશ્મન થઈ ગયું છે, તેમની સામે થઈ ગયું છે.
‘સ્કીઝોફ્રેનીક બ્રેકડાઉન’ આ રીતે થાય છે. સદ્દામ હુસેનના અવાજો સંભળાય એને ‘ઓડીટરી હેલુસીનેશન’ કહેવાય છે અને ધડમાથા વીનાના ખોટા વીચારો મનમાં ઠસી જાય તેને ‘ડીલ્યુઝન’ કહેવાય છે.
‘સ્કીઝોફ્રેનીયા’ એ વારસાગત રોગ છે. મગજમાં આવેલ ‘ડોપામીન’ નામના રસાયણોમાં ફેરફાર થવાથી તે રોગ થાય છે. શંકાઓ અને કાનમાં પડઘાતા અવાજોને કારણે દર્દી બેબાકળો, ત્રસ્ત કે હીંસાખોર બની શકે છે. ઘણી વાર તેનો હુમલો ઓચીંતો આવે છે, જેમાં મનસુખભાઈ જેવા દર્દીઓને હૉસ્પીટલમાં દાખલ કરીને નસોમાં ‘ન્યુરોપ્લેટીક’ દવાઓનાં ઈંજેક્શનો આપીને ‘કામ ડાઉન’ કરવા પડે છે; પરન્તુ મોટે ભાગે આ રોગ ધીમે ધીમે પ્રગટ થાય છે અને દર્દીના વ્યવહાર, કામધંધા, સામાજીકતા, લાગણી, વીચારો, ભાષા બધા પર અસર કરે છે.
‘પેરોનોઈડ’ એ સ્કીઝોફ્રેનીયાનો એવો પ્રકાર છે જેમાં આવા મનસુખભાઈ જેવા દર્દીઓ ગુસ્સો, તોફાન કરી બેસે છે; પણ તોની ભાષા સમજી શકાય એવી હોય છે. અન્ય પ્રકારોમાં ‘કેટાટોનીક’, ‘હેબેફ્રેનીક’, ‘સીમ્પલ’, ‘રસીડ્યુલ’, ‘અનડીફરન્શીયેટેડ’ વગેરેનો સમાવેશ થાય છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/–)માંનો આ આઠમો લેખ, પુસ્તકનાં પાન 61થી 65 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
‘એને એમ લાગ્યા કરે કે કોઇ મારા મગજના વિચારો ચોરી રહ્યું છે. કોઇ મારી વિરૂદ્ધ કાવતરાં ઘડી રહ્યું છે. મને કોઇક ફસાવી મારશે. જીવનસાથી ચરિત્રહિન છે અને તેને બીજા સાથે આડા કે અવળા સંબંધો છે. માણસને જે રોગ છે તેનું નામ છે સ્કીઝોફ્રેનિયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 24 મેને વર્લ્ડ સ્ક્રીઝોફ્રેનિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વિચારવાયુ કે મનોવિચ્છીન્નતા તરીકે ઓળખાતી અા બીમારીનો’ આ હતા મનસુખભાઈ અને તેમનું આંતરીક જગત. મુળથી જ વધુ પડતો શંકાશીલ સ્વભાવ (પેરોનોઈડ પર્સનાલીટી) ધરાવતા મનસુખભાઈને 35 વર્ષની ઉમ્મરે એક સાંજે અચાનક પ્રોબ્લેમ થઈ જાય છે. તેઓને લાગવા માંડે છે કે આખું જગત તેમનું દુશ્મન થઈ ગયું છે, તેમની સામે થઈ ગયું છે’ આવા મનસુખો અમે જોયા છે તેઓ ને તીરસ્કાર ને બદલે સહાનુભીતિપૂર્વક યોગ્ય સારવારની જરુર છે
ખૂબ જરુરી અભ્યાસપૂર્ણ માહિતી. આવા ડૉ. મુકુલ ચોકસીના વધુ લેખ પ્રગટ કરતા રહો
ધન્યવાદ
LikeLiked by 1 person