હકીકતમાં ‘ધાર્મીક’ નામની કોઈ લાગણી મનુષ્યમાં ઉદભવતી નથી. જેને ‘ધાર્મીક લાગણી’ તરીકે ખપાવવામાં આવે છે તે કેવળ ધાર્મીક માન્યતા છે. પ્રેમ, તીરસ્કાર, કરુણા, ક્રોધ વગેરે મનુષ્યની પ્રાકૃતીક લાગણીઓ છે; પરન્તુ ઈશ્વર કે ધર્મ તો મનુષ્યએ સર્જેલી વીભાવનાઓ છે. ઈશ્વરમાં માનવું, આ કે તે ઈશ્વરમાં માનવું કે ઈશ્વરમાં ન માનવું તે બધુ જ પુખ્ત વયના મનુષ્યની પસન્દગીને આધીન છે.’ – સુકુમાર ત્રીવેદી (પત્રકાર/ઈકોનોમીસ્ટ)
સામાન્ય માણસ રૅશનલ છે ખરો?
–કીરણ ત્રીવેદી
સરળ, વહેવારુ પરીભાષામાં જેને ‘ડહાપણ’ ગણવામાં આવે છે એવું સામાન્ય ડહાપણ તો કહે છે કે દરેક માણસમાં હોય છે. જો બુદ્ધી અને સમજદારીથી સંવાદ કરવામાં આવે તો વાતનો સારાસાર (શું સારું, શું નહીં) તો એ સમજે જ છે. આ ડહાપણના ગાંગડે અને એડવર્ટાઈઝીંગની વ્યાવસાયીક ડીગ્રીના જોરે કોમ્યુનીકેશનના એક્સપર્ટ થવા નીકળેલા મારા જેવાં કેટલાક ડાહ્યાઓને લાગતું હતું કે, દરેક ગ્રાહક મુળે તો ‘રૅશનલ’ હોય જ છે અને તમે તેને ગમે તેટલો ઈમોશનમાં વહાવીને વસ્તુ વેચવા પ્રયત્ન કરો, વ્યક્તી ખરીદી તો રૅશનલી વીચારીને જ કરે છે. હું સ્પષ્ટ હતો કે ગ્રાહકો આખરે મગજની રૅશનલ ફેકલ્ટીના આધારે પોતાને ખરેખર કામની અને ફાયદાની વસ્તુઓ જ ખરીદવાના. આજે હવે આ બાબતે હું એટલો ચોક્કસ નથી.
એડવર્ટાઈઝીંગ રૅશનલને બદલે ઈમોશનલ રસ્તે વધુ સફળ રહ્યું છે. માર્કેટીંગ પણ ગ્રાહકોની ઈમોશનલ ફેકલ્ટીને ટારગેટ કરીને ગતકડાઓ કરતું રહે છે. અને લોકો લાગણીઓના માર્યા કે ભાવનાઓથી ભોળવાઈને ખોટા નીર્ણયો, ખોટા ખર્ચાઓ કરતા થયા છે. શોપીંગ મૉલ કલ્ચરનો ભોગ અમે એડવર્ટાઈઝીંગ ક્ષેત્રના લોકો પણ બનતા રહીએ છીએ…
તો પછી સામાન્ય માણસ ‘રૅશનલ’ ગણાય ખરો?
માણસની રૅશનલી વીચારવાની શક્તી, બુદ્ધીના વીકાસ સાથે જોડાયેલી ગણવામાં આવે છે; જ્યારે લાગણીઓને માનવીની પ્રાકૃતીક સ્ફુરણા (બેઝીક ઈન્સ્ટીંક્ટ) તરીકે જોવામાં આવે છે. ઉત્ક્રાંતીનો ઈતીહાસ કહે છે કે બુદ્ધી અને લાગણી બન્ને બાયોલોજીકલ ઈવોલ્યુશનના પરીણામો છે. છતાં એટલું તો સ્વીકારવું પડશે કે સામાન્ય માણસ રોજબરોજની જીન્દગીમાં બુદ્ધી કરતાં લાગણીથી વધુ કામ લે છે.
તમે વ્યવહારના મુદ્દે કોઈને રૅશનલી સમજાવી રહ્યા હો અને એ તમારો મુદ્દો સમજી જાય છતાં જાતે એ રીતે વર્તવા તૈયાર ન થાય એવું રૅશનલ વ્યક્તીઓ સાથે વારંવાર બને છે. હકીકતે સામાન્ય માણસ હોંશીયાર વ્યક્તીની દલીલોથી પ્રભાવીત થાય છે. એની પાસે એ જ રીતે તર્ક લડાવવાની શક્તી, અનુભવ કે અભીવ્યક્તી નથી એટલે એ સામાવાળાની વાત તત્પુરતી સ્વીકારી લે છે. પરન્તુ એ જ વીચાર, એ જ તર્કનું અનુસંધાન અન્ય સમાન મુદ્દાઓ સાથે જોડીને પણ જાતે રૅશનલી સમજીવીચારી નથી શકતો.
જ્ઞાતી બહાર પરણવા જઈ રહેલી દીકરીના રુઢીપરસ્ત મા–બાપને રૅશનલ દલીલોથી મનાવી નહીં જ શકાય; પરન્તુ ઈમોશનલ અપીલથી સમજાવી લેવાની શક્યતા રહે છે. (મા–બાપ ઉઠીને સન્તાનને દુ:ખી કરશો? દીકરી છોડી જશે, કદી નહીં પરણે કે આપઘાત કરશે – તો પાપ કોને લાગશે?)
રૅશનલ માઈન્ડ તાર્કીક રીતે, કારણ – પ્રયોજન – અનુભવગત સમજદારીના સહારે વાતને મુલવીને પોતાનો મત નક્કી કરે છે. જ્યારે ઈમોશનલ માઈન્ડ પરમ્પરાગત કે તુરન્ત સ્ફુરીત લાગણીઓના આધારે વર્તે છે. ક્રોધ, હતાશા, ભય, ઈર્ષ્યા, પ્રેમ, આનન્દ જેવા આવેગોને દોરવ્યો દોરવાય છે. માનવીનું બુદ્ધીશાળી મગજ જ્ઞાન, માહીતી, અનુભવો ખ્યાલોને મેળવી, ભોળવી, તારવી, તપાસી, વર્ગીકૃત કરીને નવા–નવા વીચાર (કોન્સેપ્ટ) ઘડવાને સક્ષમ છે. આ પ્રક્રીયાને રીઝનીંગ (તર્કબદ્ધ તારણ) કહીએ છીએ. અને આ રીઝનીંગ માટેનું સાયન્સ તે લોજીક છે.
પણ સામાન્ય માણસને લોજીક કરતાં મેજીક વધારે પ્રભાવીત કરે છે. એટલે જ તેને વાસ્તવીક કરતાં સપનાની દુનીયા વધુ ગમે છે, પુરુષાર્થને બદલે ચમત્કારથી સુખી થવા માગે છે અને પોતાના જ ભાંડુઓના પ્રેમને બદલે પ્રભુની કૃપા ઈચ્છે છે.
લેખના આરમ્ભે સામાન્ય માણસ અને બજારનું સમીકરણ તપાસ્યું છે. વ્યક્તીના રાજકારણ સાથેના સમીકરણમાં પણ બહુ જુદી સ્થીતી નથી. માણસની સામાજીક જીન્દગી પર ખુબ અસર કરનારા આ બે પરીબળો છે, બજાર અને રાજકારણ. બન્ને, માનવીની ‘રૅશનલ’ (બુદ્ધીગમ્ય) પ્રવૃત્તીઓ છે. ધર્મ જેવી ઈરૅશનલ (બુદ્ધીથી બાર ગાઉ છેટી) પ્રવૃત્તી પણ નથી. છતાં તેમાં લોકો સુધી પહોંચવા, તેમને મનાવવા – પટાવવા માટે ઈમોશનલ રસ્તાઓ જ અપનાવાય છે. છેલ્લા દાયકાઓમાં ધર્મ, જ્ઞાતી–જાતીવાદ, કોમવાદ, પ્રાદેશીકતા, દેશાભીમાનના નામે બધાં જ રાજકીય પક્ષોએ સામાન્યજનને વધુને વધુ બુદ્ધુ બનાવ્યો છે, હજુ પણ બનાવી રહ્યા છે.
એટલે જ પ્રશ્ન થાય, કે સામાન્ય માણસ એની વીવેકબુદ્ધી પર ભરોસો કરી શકાય એટલો રૅશનલ છે ખરો?
અને આ પ્રશ્ન રૅશનાલીઝમ એક વીચારસરણી, એક જીવનશૈલી તરીકે વીકસે એ માટે પ્રયત્ન કરતાં દરેક મીત્રોને સાદર છે. વીચાર પ્રસારમાં જે લોકો રૅશનલ નથી તેમના સુધી કરવાની જરુર છે. અને જ રૅશનલ નથી એની સાથે સંવાદ શી રીતે કરવો? રૅશનલી કે ઈમોશનલી?
મારા મતે બન્ને અભીગમ વચ્ચે સમતોલપણું જાળવીને સંવાદની એક જગ્યા બનાવી શકાય. આમ પણ જીવનમાં દરેક મુદ્દે જ્યારે બે વ્યક્તી, બે વીચાર, બે પદ્ધતીઓનો ટકરાવ ઉઠે છે ત્યારે સમતોલન શોધવું જ પડે છે. વાત કે વીચારના મુદ્દે એકથી વધુ વ્યક્તી હોય અને મતમતાંતર હોય ત્યાં કોઈ પણ એક અન્તીમ ઉપર સહમતી સાધવી અસમ્ભવ હોય છે. પહેલાં મધ્યમ માર્ગ અપનાવ્યા પછી ધીમે–ધીમે કોઈ એક છેડા ઉપર સહમીતીની શક્યતા હોય છે. રૅશનાલીઝમને એક ‘ઈઝમ’ તરીકે સ્વીકારીને ‘ઈષ્ટ’ કરવા મેદાને પડેલા કેટલાક ‘રૅશનાલીસ્ટ’ મીત્રોએ પોતાને સમજાયેલ આધી–અધુરી દલીલને બીજા પર થોપવામાં અન્તીમવાદી વલણો દાખવ્યા છે. આ અભીગમને કારણે વીવેકબુદ્ધીવાદ વીચારના પ્રસારને ધક્કો પહોંચ્યો છે એમ કહી શકાય.
રૅશનાલીઝમને સમજાવવામાં ‘ઈશ્વરનો નકાર’ મુદ્દો એટલો અહમ્ બની બેઠો છે કે એ તબક્કે પહોંચાડતા બીજા ઘણાં પગથીયાઓ (ખ્યાલો – મુદ્દાઓ) છે એને ચર્ચામાં સ્થાન જ નથી મળ્યું. ઈશ્વરનો ‘નકાર’ એ તો વીવેકબુદ્ધીવાદ વીચારના સ્વીકારનું પરીણામ હોઈ શકે. એ પોતે એક વીચાર કેવી રીતે હોઈ શકે? પદ્ધતી એકથી સો શીખવવાની હોઈ શકે, સોથી એક નહીં. ‘નકાર’નો ઉંધી ગણતરીનો આ અભીગમ નકારાત્મક પુરવાર થયો છે. ‘તમારી વાત વાહીયાત છે’ એવું કહેવાને બદલે ‘મારી વાત સારી છે’ એમ કહેવું સકારાત્મક છે. વીવેકબુદ્ધી વીજ્ઞાનને માને છે એ વાત સામાન્ય માણસ સાંભળશે, સમજવા પ્રયત્ન કરશે. અને જે વીજ્ઞાનને માનતો થશે એ ઈશ્વરના અસ્તીત્વને જાતે જ સવાલ કરતો થશે. પરન્તુ વીવેકબુદ્ધી ઈશ્વરમાં નથી માનતી, એવી વાતનું સીધું રીજેક્શન આવે છે.
મનની રૅશનલ ફેક્ટરીનો વીકાસ માણસના વ્યક્તી સ્વાતન્ત્ર્ય સાથે જોડાયેલો મુદ્દો છે. જેને આચાર–વીચારનું મોકળું મેદાન મળે છે, કૌટુમ્બીક કે સામાજીક પરમ્પરાના બન્ધનોથી છુટકારો મળે છે; તે વ્યક્તી જ સંશય, સવાલો અને શોધ દ્વારા નવી ખોજ સુધી પહોંચી શકે છે. બાકી આપણી સંસ્કૃતી તો વડીલો, જ્ઞાતીઓ/પંચો, શાહુકારો, પંડીતો કે રાજસત્તા સમક્ષ પરાધીનતાના માનસની જ રહી છે. સ્વતન્ત્ર મીજાજ ધરાવતી વ્યક્તીને અહીં બળવાખોર, બદમાશ તરીકે જોવામાં આવે છે. સમાજના ખુબ મોટા વર્ગને સદીઓથી પુરાણોની પરીકથાઓ, પંડીતોની ધર્મકથાઓ, સામાજીક વડીલોની સુફીયાણી સલાહો અને કુટુમ્બની ગાંડીઘેલી પરમ્પરાઓ જ પીવડાવવમાં આવતી રહી છે. જે વ્યક્તીના વીચાર–સ્વાતન્ત્ર્ય ફરતે આટલો મોટો ઘેરો ઘાલેલો પડેલો છે, જેના મન–બુદ્ધી પર સદીઓના બાવા–જાળા લાગેલા છે એ રૅશનલ કેવી રીતે બને?
પરમ્પરાને નામે પીવડાવી શકાય એવો ખ્યાલ તો આ છે નહીં. જાત–શોધ અને સમજની પછી જ સ્વીકારી શકાય તેવો વ્યક્તીલક્ષી વીચાર છે. વીવેક–બુદ્ધીવાદ વ્યક્તીના સન્દર્ભે એક માનસીક વલણ છે, જીવનશૈલી છે અને સામાજીક સન્દર્ભે એ એક સંસ્કૃતી બની શકે તેમ છે; પણ જે દેશની સંસ્કૃતી ઈશ્વર, ધર્મ, પરમ્પરા, ઉંચ–નીચની વર્ણવ્યવસ્થા અને નાના–મોટાના ભેદભાવ પર ગર્વ કરે છે તેને વીવેકબુદ્ધીવાદની સંસ્કૃતી સુધી લઈ જતાં સુધીમાં કેટલા પડળ ભેદવાના છે એ સમજી શકાય તેમ છે.
પશ્ચીમના વ્યક્તીલક્ષી સમાજમાં, જ્યાં તમારી એક વ્યક્તી તરીકેની, નાગરીક તરીકેની, સર્વોપરીતા સ્વીકારાયેલી છે; ત્યાં જીવન પ્રત્યેનો રૅશનલ અભીગમ વધુ માત્રામાં છે. તેના પરથી પણ કહી શકાય કે રૅશનાલીઝમ વ્યક્તી સ્વાતન્ત્ર્ય સાથે જોડાયેલો મુદ્દો છે. એટલે જ તમારી આસપાસ જે રૅશનલ વ્યક્તીઓ તમે જુઓ છો તે સ્વતન્ત્ર માનસ અને મીજાજ ધરાવતી જુઓ છો.
એ સન્દર્ભે વ્યક્તીસ્વાતન્ત્ર્ય રૅશનાલીઝમના વીકાસ માટેની એક પુર્વશરત સમાન ગણાય. તો આ વીચારનો પ્રસાર ઈચ્છતા લોકોએ વ્યક્તીસ્વાતન્ત્ર્યના વીચારનો પ્રસાર પણ કરવો રહ્યો. એ જ રીતે સમાજ આખો રૅશનલ બને એમ જો ઈચ્છતા હોઈએ તો તેની સમજ અને સ્વીકાર માટેનું સામાજીક વાતાવરણ બનાવવું રહ્યું. અને તે માટે સમાજજીવનને સ્પર્શતા અનેક વીવેકપુર્ણ મુદ્દાઓની સમજ રૅશનાલીસ્ટોએ પણ કેળવવી રહી. (જે મુદ્દાઓ ગુજરાત–મુમ્બઈ રૅશનાલીસ્ટ એસોસીએશનના પ્રથમ અધીવેશનમાં વાજબી રીતે જ ચર્ચાના વીષયો તરીકે સ્વીકારાયા છે.)
શબ્દફેરે પણ મુદ્દાઓ તો આ જ છે :
● માનવીય મુલ્યો અને માનવ અધીકાર માટે માનવવાદ જ ‘માનવધર્મ’ બને.
● બીનસામ્પ્રદાયીક સમાજ કે જેમાં લોકશાહી, ન્યાયીક વ્યવસ્થા અને ગરીબો–વંચીતોની પ્રાથમીકતા હોય.
● જ્ઞાનની સાથે–સાથે વીવેકબુદ્ધીપુર્ણ વીચારશક્તી માટે તથા કળા–સાહીત્ય સંવર્ધન માટે શીક્ષણનું મહત્ત્વ સ્થપાય.
● જાતી, લીંગ, ધર્મ કે રાષ્ટ્રીયતા જેવા મુદ્દે ભેદભાવ કે અસમાનતાથી છુટકારો મળે.
● વસ્તુ, વીચાર, વ્યક્તી, ઘટના કે અજાણ તત્ત્વને જાણવા–સમજવા માટે વૈજ્ઞાનીક અભીગમનો સ્વીકાર થાય.
ટુંકમાં, રૅશનાલીઝમના કાર્યક્ષેત્રમાં આ સૌ મુદ્દાઓનો સમાવેશ થવો ઘટે. આ દરેક ક્ષેત્રોમાં સમર્પણની ભાવનાથી કામ કરતાં અસંખ્ય લોકો ‘રૅશનલ’ છે જ; પરન્તુ ‘રૅશનાલીસ્ટ’ (રૅશનાલીઝમ માટે કાર્ય કરતી વ્યક્તી) નથી. આ મુદ્દાઓના સ્વીકારને વ્યાપકરુપે પ્રસારમાં મુકવાને કારણે આવી રૅશનલ વ્યક્તીઓનો સહકાર પણ આ ઝુમ્બેશને મળતો થશે અને ‘વીવેકબુદ્ધીવાદ’ તથા ‘માનવવાદ’ની વાત વધુને વધુ લોકો સુધી પહોંચતી થશે. આપણો હેતુ પણ લોકો ‘રૅશનલ’ બને એ છે, ‘રૅશનાલીસ્ટ’ બને એ નહીં જ!
માનવી લાગણીશીલ અને સામાજીક પ્રાણી છે. ઉત્ક્રાંતી અને પોતે કરેલી ક્રાંતીના પરીણામ સ્વરુપ મળેલી ‘ગોઠવાયેલી જીન્દગી’ સુખેથી જીવવામાં એને કુટુમ્બ અને સમાજના પ્રેમ તથા સહકારની જરુર પડે જ છે. આ ‘પ્રેમ’ અને ‘સહકાર’ શબ્દને તપાસો. માણસના બાયોલોજીકલ (જૈવીક) ઈવૉલ્યુશનમાં બ્રેઈનની જે બે ફેકલ્ટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તે ‘બુદ્ધી’ અને ‘લાગણી’ના ઉપયોગથી જ માણસે એકબીજા સાથે સુખેથી જીવવા માટે આ પ્રેમ અને સહકારની પદ્ધતી વીકસાવેલી દેખાય છે. પ્રેમ લાગણીની અભીવ્યક્તી છે તો સહકાર બુદ્ધી પ્રેરીત છે. મનોવીજ્ઞાનની એક દલીલ એવી પણ છે કે વ્યક્તીના બ્રેઈનની રૅશનલ અને ઈમોશનલ ફેકલ્ટીઓને તદ્દન જુદી પાડી શકાય તેવી છે જ નહીં. આખરે તો બન્ને એક જ સ્વભાવ અને ઉદ્ગમ સ્થાન ધરાવે છે!
આ દલીલના આધારે હું અન્ડરલાઈન એ કરવા માંગુ છું કે, સામાન્ય માણસ સાથે સંવાદ સાધવામાં આ બન્ને વીભાવનાઓના સમન્વયની જરુર છે જ. વીવેકબુદ્ધીની વાત પ્રેમપુર્વક કરવી પડશે, સામેવાળાની લાગણી સમજવાની તૈયારી પણ રાખવી પડશે. અહીં ‘લાગણી’ એટલે રાજકારણનું રમકડું બની ગયેલી ધાર્મીક લાગણી, સામ્પ્રદાયીક લાગણી વગેરે અભીપ્રેત નથી. એ મુદ્દે પત્રકાર/ઈકોનોમીસ્ટ સુકુમાર ત્રીવેદીની ટીપ્પણી સ્વયંસ્પષ્ટ છે, ‘‘હકીકતમાં ‘ધાર્મીક’ નામની કોઈ લાગણી મનુષ્યમાં ઉદભવતી નથી. જેને ‘ધાર્મીક લાગણી’ તરીકે ખપાવવામાં આવે છે તે કેવળ ધાર્મીક માન્યતા છે. પ્રેમ, તીરસ્કાર, કરુણા, ક્રોધ વગેરે મનુષ્યની પ્રાકૃતીક લાગણીઓ છે; પરન્તુ ઈશ્વર કે ધર્મ તો મનુષ્યએ સર્જેલી વીભાવનાઓ છે. ઈશ્વરમાં માનવું, આ કે તે ઈશ્વરમાં માનવું કે ઈશ્વરમાં ન માનવું તે બધુ જ પુખ્ત વયના મનુષ્યની પસન્દગીને આધીન છે.’’ *
વાત આખરે ઈશ્વરમાં શ્રદ્ધા અને ધાર્મીક જીવનશૈલીને સ્થાને માનવીમાં શ્રદ્ધા અને રૅશનલ જીવનશૈલીના પ્રસારની છે. સામાન્ય માણસ દેખીતો રૅશનલ નથી જ. એટલે જ તે વીવેકપુર્ણ તર્કને બદલે અગમ–નીગમના તરકટમાં ફસાયેલો રહે છે, નવા પડકારોને બદલે પરમ્પરાઓને વળગેલો રહે છે, વ્યક્તીના જ્ઞાન અને આવડતને બદલે ઉમ્મર તથા સ્ટેટસને નમે છે, અધ્યાત્મને વીદ્વતાથી પણ મહાન ગણે છે અને આ–લોકને અવગણીને પરલોકની પુજા કરે છે. આવા ઈરૅશનલ માણસ સાથે રૅશનલ વ્યક્તીઓના સંવાદ માટે બન્નેને સાંકળતી કડી ‘ઈમોશન’ જ છે.
તો એક વ્યહુરચના તરીકે પણ એનો ઉપયોગ શા માટે ન કરવો? ભલે સામાન્ય માણસ ‘રૅશનલ’ ન હોય; છતાં જૈવીક રીતે તેનામાં વીવેકબુદ્ધીની ગુંજાશ તો ભરપુર પડેલી છે જ! ( * ગુજરાતી લેખક મંડળ પ્રકાશીત ‘લેખક અને લેખન’, જુન–2007ના અંકમાં સુકુમારના લેખ ‘અભીવ્યક્તીના સ્વાતંત્ર્ય સામે સતત વધી રહેલું જોખમ’માંથી)
–કીરણ ત્રીવેદી
લેખક–સમ્પર્ક : ઈ–મેઈલ : kirantrivedi.kt@gmail.com ફેસબુક–ટાઈમલાઈન : https://www.facebook.com/kiran.trivedi.77
અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયામાર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 14મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
આ જ વાત હું મારા ભાઈને ફરી ફરી સમજાવું છું…
બહું જ સરસ લેખ…
સૌ રેશનાલીસ્ટ લોકોએ અનિવાર્યપણે અપનાવવા જેવી વાત…
LikeLiked by 2 people
લેખક ખરેખર શું કહેવા માંડે છે તે સમજી શકાય એવું લાગતું નથી.
LikeLiked by 1 person
રેશનાલીઝમ અેટલે….ગુજરાતી કે સંસ્કૃતમાં….બુઘ્ઘિસ્વાતંત્રવાદ….
રેશનલ અેટલે …બુઘ્ઘિવિષયક.
લેખક પોતે રેશનલ અને ઇકોનોમીસ્ટ છે.
સામાન્ય માણસ અને જનમાનસની વાત લઇને આવ્યા છે.
સામાન્ય માણસ અેટલે ઇકોનોમીકલી ગરીબ કે મઘ્યમવર્ગનો માણસ….પૈસાદાર નહિ. લગભગ રોજીંદી આવક ઉપર જીવનારો…કુટુંબ ચલાવનારો માણસ. તેના વિચારો અને તેની દૈનિક જીવન જીવવાની રીત….વિચારવાની રીત….વિચારોને અમલમાં મુકવાની ટેવ. બુઘ્ઘિનો ઉપયોગ કેટલો અને ક્યાં અને કેવી રીતે કરવો ? બુઘ્ઘિજનક આર્ગયુમેંન્ટસ્ કેટલાં અને ક્યાં કરવા તેના વિશે આ લેખમાં ચર્ચા કરવી ….
ભારતીય દરેક માણસના જીન્સ,માં ના પેટમાંથી જ ભગવાનભક્તિ જેવા ગુણો છાપીને જ જન્મે છે.
રેશનલ અને નોન રેશનલને સમજવા માટે પૂર્વ અને પશ્ચિમની દુનિયાનો , જનજીવનનો અભ્યાસ જરુરી બને છે. ( અને બીજા ઘણા ફેક્ટર્સનો અભ્તાસ જરુરી બને છે.) ચોપડીના પાનાઓ પર લખેલા શબ્દો કોઇ જ્ઞાન નહિ આપે. જીવનના દરેક ફીલ્ડમાં અમેરિકા અને યુરોપ રેશનલ જીવન જીવે છે. ભારતની પ્રજા….ગરીબ કે રીચ….ભગવાનભક્તો બનીને મંદિરો, જ્યોતિષો, સાઘુઓ, કહેવાતા સંતો…ભગવાનો…ને પુછવા શિવાય પાણી પણ નહિ પીઅે….
લેખનો ચર્ચાચોરો….ભટકેલો લાગ્યો….
અમૃત હઝારી.
LikeLiked by 3 people
મને તો આ લેખનો સાર એવો જણાયો કે ગળથુથીમાંથી જ જેમને ધાર્મીક, ઈશ્વરની માન્યતાઓ વારસામાં મળી હોય તેમનામાં પણ વીવેકબુદ્ધી-રેશનલ અભીગમ હોય છે, પણ સુપ્ત હોય છે, પણ વારસામાં મળેલ એ માન્યતાઓનો જ છેદ ઉડાડી એમને રેશનાલીઝમની વાત કહેવામાં અવે તો તેનો સ્વીકાર કરવો એમના માટે કદાચ શક્ય નથી. આથી સૌ પ્રથમ એમનો સુપ્ત રેશનલ અભીગમ જાગ્રત કરવાની જરુર છે, પહેલેથી એમની માન્યતાઓનો છેદ ઉડાડી દેવાથી એ લોકો રેશનાલીઝમને સ્વીકારી શકશે નહીં. રેશનલ અભીગમ વૈજ્ઞાનીક હોવાથી એનો સ્વીકાર શક્ય પણ છે.
LikeLiked by 2 people
‘સામાન્ય માણસ સાથે સંવાદ સાધવામાં આ બન્ને વીભાવનાઓના સમન્વયની જરુર છે જ. વીવેકબુદ્ધીની વાત પ્રેમપુર્વક કરવી પડશે, સામેવાળાની લાગણી સમજવાની તૈયારી પણ રાખવી પડશે.”એક વ્યુહરચના તરીકે પણ એનો ઉપયોગ શા માટે ન કરવો? ભલે સામાઆન્ય માણસ ‘રૅશનલ’ ન હોય; છતાં જૈવીક રીતે તેનામાં વીવેકબુદ્ધીની ગુંજાશ તો ભરપુર પડેલી છે જ!’
.
કીરણ ત્રીવેદીની આ વાત ઘણી ગમી
ધન્યવાદ
LikeLiked by 3 people
મિત્ર કિરણ ત્રિવેદીનો લેખ વાંચ્યો – આભાર. એની સાથે સામે બેસીને સંવાદ કરવાની પ્રતીતિ થઇ. એમણે સરસ કામ કર્યું છે. આ લેખ દ્વારા આવા વિષયની છણાવટ કરવી તે સરળ નથી – મુરબ્બી અમૃતભાઈ હઝારી સાથે કેટલાક અંશે સહમત થવાય સાથે સાથે પ્રજ્ઞાજુ ભાઈ ની વાત પણ સમજાય છે. એટલે, મને તો ચર્ચા-ચોરો એવો કઈ અધુરો ના લાગ્યો પરંતુ સમજી શકાય છે કે “તુંડે તુંડે મતિર્ભિન્ન”. આભાર.
LikeLiked by 1 person