કોઈ વૈજ્ઞાનીક આધાર મળતો ન હોવા છતાં ભુતનું અસ્તીત્વ હોવાની માન્યતા આટલી મજબુત, આટલી વ્યાપક હોવા પાછળનું કારણ શું? શું સામાન્ય માણસની બુદ્ધીમાં બેસે એના કરતા જરા ઉપલા લેવલનું આ વીજ્ઞાન છે? ચાલો, આપણે ‘ભુતકથા’ પાછળનું વૈજ્ઞાનીક તથ્ય સમજીએ…
(ચીત્ર સૌજન્ય : લેખકની એફબી ટાઈમલાઈન)
ભુતકથા – 2
ભ્રાંતીને ‘ભુત’ માની લેવાની ભુલ?
–જ્વલંત નાયક
(‘ભુતકથા–1’ માટે સ્ત્રોત : https://govindmaru.com/2019/12/20/jwalant-naik/ )
‘ભુત’નું અસ્તીત્વ હોવા વીષે મહાન વૈજ્ઞાનીક આઈન્સ્ટાઈનની થીયરીનો આધાર આપીને પોતાનો (કુ)તર્ક રજુ કરનાર લોકોની વાત વૈજ્ઞાનીક દ્રષ્ટીએ કેટલી પોકળ સાબીત થાય છે, એ આપણે ગત સપ્તાહે જોયું; પરન્તુ તમારી આજુબાજુ અનેક લોકો એવા જડી આવશે, જેમને ભુત અથવા ‘પેરાનોર્મલ એક્ટીવીટી’નો પ્રત્યક્ષ અનુભવ થયો હોય! શું એ બધા ખોટું બોલતા હશે? કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે પોતાનું મહત્ત્વ વધે એ માટે થઈને જાતજાતના મરીમસાલા ભભરાવેલા કીસ્સા કહેતા ફરે છે. જેમ કે, “તમને ખબર છે, એ રાત્રે મેં કબ્રસ્તાન પાસે એવો માણસ જોયો, જેના પગના પંજા ઉંધા હતા!” આવી વાતો પાછળનો મુળ હેતુ પોતાની બહાદુરી સાબીત કરવાનો અથવા લોકોનું ધ્યાન ખેંચવાનો (એટેન્શન સીકીંગ) રહેતો હોય છે. પરન્તુ એ સીવાય પણ અમુક લોકોને એવાય અનુભવ થાય છે કે ‘કશુંક’ જોયા પછી થોડો સમય મુંગા–મન્તર થઈ જાય કે માંદા પડી જાય. તો શું આ પ્રકારના લોકો ખોટું બોલતા હશે? જી ના. આવા લોકો જરાય ખોટું નથી બોલતા. એમને ખરેખર આવો – ‘પેરાનોર્મલ’ કહી શકાય એવો અનુભવ કર્યો જ હોય છે! તેમ છતાં, આવા અનુભવો પાછળનું કારણ જરા જુદું હોય છે.
વીગતે સમજીએ :
ઘણા લોકો બહુ મક્કમતાપુર્વક એવો દાવો કરે છે કે એમણે વાસ્તવમાં ‘ભુત’ જોયું છે. કેટલાકને તો વારંવાર આવા અનુભવો થયા હોય છે. અને કેટલાકે તો વળી ભુત સાથે વાત–ચીત કરી હોવાનાય અનેક દાખલા મળી આવશે. ઉપર જણાવ્યું તેમ, જો આ લોકો એટેન્શન સીકર્સ ન હોય, તો પુરી શક્યતા છે કે તેઓ થોડા સમય માટે પેદા થતી ભ્રાંતી (Hallucinations)નો ભોગ બન્યા હોય! ભ્રાંતી એટલે એવી અવસ્થા, જ્યાં ભોગ બનનાર વ્યક્તીને એવું કશુંક દેખાય, સંભળાય અથવા સ્પર્શે… જેનું વાસ્તવમાં કોઈ અસ્તીત્વ જ ન હોય! ટુંકમાં, તમારી પાંચેય ઈન્દ્રીયો પૈકીની કોઈ એક અથવા એકથી વધુ ઈન્દ્રીયો, કોઈ પણ જાતના બાહ્ય–વાસ્તવીક કારણ વીના કશુંક અનુભવે, એ અવસ્થાને હેલ્યુસીનેશન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણસોને આ પ્રકારની પરીસ્થીતી ઝટ સમજાતી નથી. પરીણામે જ્યારે કોઈ ભ્રાંતીનો શીકાર બને, ત્યારે સામાન્ય બુદ્ધી અને કાચી સમજણ ધરાવતો માણસ તરત જ એ ભ્રાન્તીને ‘ભુત’ માની લેવાની ભુલ કરી બેસે છે; પરન્તુ જો વૈજ્ઞાનીક દૃષ્ટીએ વીચારવામાં આવે, તો આ ભ્રાંતી માટે જવાબદાર બાયો–કેમીકલ પ્રોસેસ સમજી શકાશે.
ભુતને સગી આંખે જોવાનો અનુભવ :
બીજી કોઈ પણ અનુભુતી કરતા ‘દ્રશ્ય’ની અનુભુતી સવીશેષ અસર છોડી જાય છે. સગી આંખે જે જોયું હોય, એ સ્વાભાવીક રીતે જ વધુ અસરકારક નીવડે. એટલે નરી આંખે ભુત અથવા તો એ પ્રકારની કોઈ એક્ટીવીટી જોનારા લોકો હેબતાઈ જાય છે. ક્યારેક ચોક્કસ રીતે પડતો પ્રકાશ અથવા કોઈ ‘વ્યક્તી’ની હાજરી જણાઈ આવતી હોય છે. આ માટે સાયકોલોજીકલ, ન્યુરોલોજીકલ અથવા ઓપ્થોલ્મોલૉજીકલ (દ્રશ્યક્ષમતાને લગતા) કારણો જવાબદાર હોય શકે છે. ઘણીવાર મગજના કોઈ ચોક્કસ હીસ્સાને કોઈક કારણોસર નુકસાન પહોંચે કે ભુતકાળની કોઈ ઘટના મગજ પર ઉંડી છાપ છોડી ગઈ હોય, તો વીઝ્યુઅલ હેલ્યુસીનેશન થવાની સમ્ભાવના પુરેપુરી. કોઈકને અચાનક વીજળીક ઝડપે ઝબકી ગયેલો પ્રકાશ દેખાયાનો આભાસ થાય છે, તો કોઈકને અચોક્કસ આકાર ધરાવતો કોઈ પદાર્થ–આકૃતીની હલનચલન દેખાય છે. ઘણી વાર રેલવે સ્ટેશન કે કૉલેજ કમ્પાઉન્ડ જેવા જાહેર સ્થળોએ પોતાનું પ્રીય પાત્ર અચાનક દેખાયું હોવાનો ભ્રમ પણ ઘણાને થયો જ હશે. એનું મુખ્ય કારણ પેલા પાત્રની તમારા મગજમાં પડેલી ઉંડી છાપ હોય છે. એમાંય જો વર્ષોથી સાથે રહ્યા હોય અને ઈમોશનલી એકબીજા સાથે બહુ એટેચ હોય, એવા પાત્રો પૈકીના એકનું મૃત્યુ થાય, તો એવા સંજોગોમાં વીઝ્યુઅલ હેલ્યુસીનેશન થવાના ચાન્સીસ ખુબ વધી જાય! ‘વીઝ્યુઅલ કોર્ટેક્સ’ તરીકે ઓળખાતા મસ્તીષ્કના ખાસ હીસ્સામાં કંઈક ગરબડ ઉભી થાય ત્યારે આ પ્રકારના હેલ્યુસીનેશન પેદા થાય છે. અપુરતી ઉંઘ, સ્ક્રીઝોફેનીયાની અસર, કોઈક પ્રકારના ડ્રગની અસર કે પછી પાર્કીન્સન ડીઝીસની અસરને લીધે આવી ગરબડ ઉભી થઈ શકે છે. કોઈક વાર ખામીયુક્ત ન્યુરોટ્રાન્સમીટર (ચેતાચેતાપ્રેષકો) પણ વીઝ્યુઅલ હેલ્યુસીનેશન માટે જવાબદાર હોય છે. તજજ્ઞોના માનવા મુજબ જો આ રીતે વારંવાર તમે આભાસી દ્રશ્યો જોતા હોવ, તો ઝડપથી નીષ્ણાંત ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. કેમકે ખોટું નીદાન કે ખોટી ટ્રીટમેન્ટને કારણે આ પ્રકારના કેસ વકરી જતા હોય છે. અને લોકોમાં એવી છાપ પડે છે કે અગોચર શક્તીએ વારંવાર ‘દર્શન’ આપીને સાજાસમા માણસને પાગલ બનાવી મુક્યો!
પોતે જ હવામાં ઉડતા હોવાનો અનુભવ :
કેટલાક નબળા મનના માણસોને અન્ધારી રાત્રે ઉડતા ચામાચીડીયામાં પણ પ્રેતાત્મા ઉડતા દેખાતા હોય છે. આવા માણસો લાંબે ગાળે હાસ્યાસ્પદ ઠરતા હોય છે; પરન્તુ કેટલાક માણસોને કોઈક અગોચર શક્તીના પ્રભાવને કારણે તેઓ પોતે જ અધ્ધર ઉંચકાઈને હવામાં તરતા હોય એવો અનુભવ થયાની વાતો પણ સાંભળવા મળતી હોય છે. આવા કીસ્સાઓમાં પણ એ લોકો સાચું બોલતા હોય એવી શક્યતા છે જ. આવી ઘટનાઓ પાછળ ‘પ્રોપ્રાયોસેપ્ટીવ હેલ્યુસીનેશન’ જવાબદાર હોય છે. આ પ્રકારના હેલ્યુસીનેશનમાં વ્યક્તીને એવો અનુભવ થાય છે કે જાણે તે પોતાના જ શરીરમાંથી બહાર નીકળીને હવામાં તરી–ઉડી રહી છે. આને ‘આઉટ ઓફ બોડી’ એક્સપીરીયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને માટે ડ્રગનાં ઓવરડોઝની સાથે જ પૃથ્વીના જી–ફોર્સ (એટલે કે ગુરુત્વાકર્ષણ બળ આધારીત વેલ્યુ)ને પણ જવાબદાર ગણવામાં આવે છે. ઘણીવાર પ્લેનના પાઈલટ્સ કે અવકાશયાત્રીઓ પણ આવી પરીસ્થીતીનો ભોગ બને છે.
હેલ્યુસીનેશન અને ભુતનાં અસ્તીત્વ વીષે આખું પુસ્તક લખી શકાય. જો કે હેલ્યુસીનેશન વીશેની આટલી ચર્ચા બાદ ‘ભુતનાં અસ્તીત્વ’ વીશેની ઘણી સ્પષ્ટતા આવી ગઈ હશે. આ સીરીઝનાં છેલ્લા હપ્તામાં ભુત સાથે વાતો કરનાર વ્યક્તીઓનું રહસ્ય વીશે 14 ફેબ્રુઆરી, 2020ના રોજ જાણીશું.
(ક્રમશ:)
–જ્વલંત નાયક
‘દીવ્ય ભાસ્કર’ દૈનીક, સુરતની ‘રસરંગ’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સીમ્પલ સાયન્સ’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખકના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક :
શ્રી. જ્વલંત નાયક, સેલફોન : +91 98256 48420 ઈ.મેઈલ : jwalantmax@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in
આભાર, અભિવ્યક્તિ .
અા વિષય ઉપર લગભગ ૧૨ આર્ટીકલ છાપવા માટે….છેલ્લા પાંચ વરસોમાં.
અભણ પ્રજાને ભૂત નડે. ભારતમાં ભણેલાઓને ભૂત વઘુ નડે.
આ બઘું વિજ્ઞાને સાબિત કરેલું છે. પરંતું ‘ ભૂત ‘ હજી આપણા મગજમાંથી બહાર ગયો નથી. આટલી શીખમાણ ઝાંપા સુઘી જ ગઇં.
અભિવ્યક્તિનાં દરેક વાચકે ‘ ભૂત ‘ વિષયને પચાવી દીઘો હશે જ. ‘ હેલ્યુસીનેશન ‘.. ભૂતથી .ભ્રમિત થયેલાઓ ????
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
‘પેરાનોર્મલ એક્ટીવીટી’ . ભ્રાંતી (Hallucinations) ‘પ્રોપ્રાયોસેપ્ટીવ હેલ્યુસીનેશન’ અંગે માનસિક રોગોની અભ્યાસપુર્ણ માહિતી બદલ મા જ્વલંત નાયકને ધન્યવાદ
અને આવા માનસિક રોગીને નીષ્ણાંત ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઇએ ત્યારે દરેક ક્ષેત્રમા હોય તેમ આમા પણ ઠગો હોય છે જેઓ ઠગી કમાણી કરતા હોય છે તેઓને ઉઘાડા પાડવા જોઇએ
બીજી તરફ જુઠુ બોલવાનુ કારણ નથી તેવા સંતો જેને એકસ્ટ્રાસેન્સરી પરસેપશન થી અને વૈજ્ઞાનીકો જેઓએ આવા માનસિક રોગો સિવાય સાબિત કર્યું છે તેઓને પણ આ બાબતે ચર્ચામા લેવા જોઇએ.
LikeLiked by 1 person
નાના હતાં ત્યારે અચાનક કોઇ પાછળથી આવીને એમ કહે કે ‘ભૂત આવ્યું’ ત્યારે જે શરીરમાં એક પ્રકારની ધ્રુજારી આવી જતી એ ખરેખર ખોટી અફ્વાઓ અને માન્યતાને કારણે મનમાં ભૂત વિશેની ઘર કરી ગયેલ માત્ર ડર કે વહેમ જ હતો, જેને આજે હશી કાઢીએ છીએ જ્યારે કોઇ અચાનક એમ કહે કે ‘ભૂત આવ્યું’…
આમ પણ અગોચર ઘટનાઓ ને જેમ હવા મળે તેમ વધુ ફેલાય છે.
ભૂતનો ભડકો = મસાણમાં અથવા બીજી ભેજવાળી જગ્યાએ રાતે થતો ભડકો. ભૂતના ભડકા શ્મશાનમાં દેખાય છે, તે વાસ્તવિક રીતે ફોસ્ફરસ છે.-પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા.
આભાર…
LikeLiked by 2 people