અઢાર વર્ષના રાહુલ જેકીશનદાસ લખપતીની લાશ શહેરથી પાંચેક કીલોમીટર દુર આવેલ એક ફાર્મહાઉસના અવાવરૂ ઓરડામાંથી મળી આવી ત્યારે અફવાઓનું બજાર ગરમ થઈ ગયું. સૌના મનમાં એક જ પ્રશ્ન ઘુમરાતો હતો. રાહુલની આત્મહત્યા માટે કોણ જવાબદાર હતું? નીર્મમ પીતા? લાચાર માતા? સંવેદનશીલ સંધ્યા? અસહાય, અજાણ મીત્રો? કે પછી ….?
એન્ડોજીનસ ડીપ્રેશન?
–ડૉ. મુકુલ ચોકસી
અફવાઓને કોઈ સીમાડા નથી હોતા. શહેરના ટેક્ષટાઈલ ઉદ્યોગના સૌથી મોટા વેપારી શ્રીયુત જેકીસનદાસનો એકનો એક યુવાન દીકરો રાહુલ ગુમ થયાના ચોવીસ કલાકમાં તો શહેર આખામાં એ વાત પવનવેગે ફેલાઈ ગઈ. આખી વેપારી આલમમાં ખળભળાટ મચી ગયો. કેમ કે જેકીશનદાસ ટેક્ષટાઈલ ઉપરાંત કન્સ્ટ્રકશન, લીઝીંગ, એક્સપોર્ટ વગેરે ક્ષેત્રોમાં પણ સારા એવા રોકાણો, શાખ, વગ અને ટર્નઓવર ધરાવતા હતા.
23મી ઓક્ટોબરની મધરાતે અઢાર વર્ષના રાહુલ જેકીશનદાસ લખપતીની લાશ શહેરથી પાંચેક કીલોમીટર દુર આવેલ એક ફાર્મહાઉસના અવાવરૂ ઓરડામાંથી મળી આવી ત્યારે અફવાઓનું બજાર ઓર ગરમ થઈ ગયું. કેમ કે એ ફાર્મહાઉસ અને આસપાસની જમીનના માલીક જેકીશનદાસ પોતે જ હતા. પુરતી કાળજીને અભાવે એ ફાર્મહાઉસ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યજાયેલી, બન્ધીયાર હાલતમાં પડી રહ્યું હતું.
લાશ મળી આવતાની સાથે જ રાહુલનું પૈસાની લાલચે કદાચ અપહરણ કરાયું હોવાની શંકા નીર્મુળ થઈ ગઈ અને બપોર સુધીમાં તો પોસ્ટમોર્ટમનો રીપોર્ટ પણ આવી ગયો. તેમાં જણાવ્યા પ્રમાણે મૃત્યુ ઝેરી દવા પી જવાને કારણે થયું હતું. પોલીસ રીપોર્ટ પ્રમાણે પણ રાહુલના શરીરે અન્ય કોઈ પ્રકારના જખમ કે ઝપાઝપી અથવા મારામારીના ઘાવ કે નીશાન નહોતા. એનો અર્થ એમ કે રાહુલે આત્મહત્યા કરી હતી. અને ફરી પાછા શહેર આખામાં અટકળોના, શંકા–કુશંકાના, ધારણાઓના અને અફવાઓના ઘોડાઓ બેલગામ દોડવા માંડ્યા.
હજુ ગયે જ અઠવાડીયે રાહુલનું બારમા ધોરણનું પરીણામ જાહેર થયું હતું. તે સતત બીજી વાર નીષ્ફળ નીવડ્યો હતો. રીઝલ્ટના બીજે જ દીવસે ‘મીત્રને મળવા મુમ્બઈ જાઉં છું’ કહીને ચાલ્યો ગયો હતો. તે પરમ દીવસે જ તો હજુ પાછો ફર્યો. ત્યાર બાદ એક દીવસ ઘરે વીતાવ્યા બાદ તે ફરી ગુમ થઈ ગયો. આ વખતે તો તે કંઈ જ કહ્યા વગર ચાલ્યો ગયો હતો અને ચોવીસ કલાકમાં જ તેની લાશ મળી આવી. તેના મમ્મી કલાવતીબહેનનું રુદન કેમેય કરી ઓછું થતું નહોતું. તેમણે જેકીશનદાસને ઘણી વાર કહ્યું હતું કે, રાહુલ એક ચોપડીય ન ભણે તો તેને કંઈ વાંધો આવવાનો નથી; પણ જેકીશનદાસ તેને ટોકવાનું, વઢવાનું ચાલુ રાખ્યું અને પરીણામ આટલું કરુણાજનક આવ્યું. કલાવતીબહેન ખાધાપીધા વગર સુનમુન બેસી રહેતા. તેમને કોઈનું સાંત્વન કામ ન લાગ્યું. લાખોની મુડી–મીલકત તેમની પાસે પડ્યા હતા અને તેને વાપરનારો એકનો એક દીકરો તેમને છોડીને ચાલ્યો ગયો હતો.
પણ તેમના વલોપાત પાછળ બીજું પણ એક કારણ હતું. બે’ક મહીના પહેલા રાહુલના પર્સમાંથી એક છોકરીનો ફોટો મળી આવ્યો હતો. તેની સાથે રાહુલને ઉદ્દેશીને લખાયેલી એક ચીઠ્ઠી પણ હતી. કલાવતીબહેને રાહુલને એકાંતમાં બોલાવીને કહ્યું હતું, ‘કોણ છે આ છોકરી? તું હમણા તારા અભ્યાસમાં પુરતું ધ્યાન આપ અને આવા કામો કરવાના છોડ!’ રાહુલે તેમને સમજાવવાનો યત્ન કર્યો હતો કે તે છોકરી સારા કુટુમ્બની છે અને તેઓ બન્ને વચ્ચે ખુબ મૈત્રીપુર્ણ આત્મીય સમ્બન્ધો છે; પરન્તુ કલાવતીબહેન માન્યા નહોતા. તેમણે અન્તે રાહુલને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી. ‘જો દીકરા! તું તારા પપ્પાનો સ્વભાવ જાણતો નથી. તેઓ તને જેટલા લાડ લડાવે છે તેટલા જ તેઓ કડક પણ છે. તારા આવા ધન્ધા તેઓ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેશે. પોતાની પ્રતીષ્ઠાને ભોગે તેઓ કંઈ નહીં કરે; આથી તું સાનમાં સમજી જઈ આ રસ્તેથી પાછો વળી જા.’ ત્યાર બાદ રાહુલે ઘરમાં બધા સાથે બોલવા–ચાલવાનું, ખાવા–પીવાનું તથા ફરવા જવાનું ઓછું કરી નાખ્યું હતું. કલાવતીબહેનને એમ હતું કે, રાહુલ રીસાઈ ગયો છે આથી તેમણે બહુ ધ્યાન આપ્યું નહોતું અને હવે આજે તેની આત્મહત્યા પછી તેમને સમજાયું હતું કે તેમણે રાહુલની વાત ન માનીને મોટી ભુલ કરી હતી. ઘરમાં તેમના સીવાય બીજા કોઈને રાહુલના આવા સમ્બન્ધો અંગે ખબર નહોતી. કલાવતીબહેને પોતે જ પોતાની જાતને આશ્વાસન, સાંત્વન આપવાના હતા અને પોતે એકલાએ જ પશ્ચાતાપ કરવાનો હતો.
જેકીશનદાસની માનસીક હાલત કંઈક જુદી જ હતી. તેઓ જમાનાના ખાધેલ માણસ હતા. પોતાના દીકરાએ આત્મહત્યા કરવી પડી એ તેમને મન શરમજનક ઘટના હતી. તેઓને લાગ્યું કે આમા પોતાનો પરાજય હતો. એક તરફ તેમને રાહુલની મા પ્રત્યે ભારોભાર ગુસ્સો હતો. તેઓ જાણતા હતા કે રાહુલ કોઈ ગરીબ બ્રાહ્મણપુત્રી સંધ્યા સાથે વધારે પડતો સમય ગાળતો હતો. તેઓ એ પણ જાણતા હતા કે મા–દીકરા વચ્ચે આ અંગે થોડી ઉગ્ર ટપાટપી થઈ ગઈ છે. તેઓએ નક્કી કર્યું હતું કે રાહુલ તેઓની સમ્મતી માંગે પછી જ તેને વારવો. રાહુલની ઉમ્મરના છોકરાઓ બહુ પ્રત્યાઘાતી હોય છે અને થોડા કમઅક્કલ. આથી જ્યાં સુધી તે અને તેની મા મળી–સમજીને આવા પ્રશ્નો ઉકેલે અને પોતાનો કીમતી સમય ન વેડફે ત્યાં સુધી સારું.
જેકીસનદાસને યાદ આવ્યું કે વીસેક વર્ષ પહેલા રાહુલની માએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો. કાયર. નમાલા માણસો… તેમણે વીચાર્યું… દીકરો પણ એની મા જેવો જ નીકળ્યો. બીચારો! પણ આજની રાત્રે જેકીસનદાસને ઉંઘ નહોતી આવતી તેનું કારણ બીજું જ હતું. તેમના માણસો એવી માહીતી લાવ્યા કે રાહુલ છેલ્લા કેટલાક સમયથી ડ્રીંક્સ લેતો હતો. જો રાહુલે તેના પીતાનો બીઝનેસ સફળતાપુર્વક સમ્ભાળી લીધો હોત અને સાથે સાથે તે ડ્રીંક્સ લેવાનું શીખ્યો હોત તો એ વાત પર જેકીસનદાસે ગર્વ લીધો હોત; પણ અત્યારે તેમને રાહુલ પર ગુસ્સો આવ્યો. તેમને મૃત છોકરા ઉપર પણ ગુસ્સો આવી શકતો હતો. એથી વધુ ગુસ્સો એમને પોતાની જાત ઉપર આવ્યો. રાહુલની કાળજી ન લઈ શકવા બદલ નહીં; પણ એની આદતોથી પોતે અજાણ રહી ગયા તે કારણે. તેની આત્મહત્યાના ચોથે દીવસે એક મોટો વીસ્ફોટ થયો. જેમતેમ થાળે પડવા આવેલી વાતે ફરી આખા વાતાવરણને ડહોળી નાંખ્યું. એક સ્થાનીક અખબારના અન્તીમ પૃષ્ઠ પર સચીત્ર વીગતો સાથે રાહુલના મૃત્યુનો વીસ્તૃત અહેવાલ છપાયો હતો. જેનું મથાળું હતું, ‘શહેરના શ્રીમન્ત વેપારીના એકના એક નબીરાનું ખુનને આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ : એક હરીફ ધનવાન પેઢીના માલીકનો હાથ હોવાની સેવાતી શંકા’ એ અહેવાલમાં જણાવ્યું હતું કે રાહુલ તેના મૃત્યુ પહેલા કોઈક અજાણ્યા માણસો સાથે દેખાયો હતો; પછી તે એકલો એકલો બહાવરા જેવી દશામાં શહેરના મેઈન રોડ ઉપર આંટા મારતો નજરે ચડ્યો હતો. તેને નજરે જોનારાઓનું કહેવું હતું કે તે ખુબ અસ્વસ્થ, ગભરાયેલો અને મુંઝાયેલો હોય એવું જણાતું હતું.
અખબારી અહેવાલો પ્રસીદ્ધ થયા તે જ દીવસે સાંજે શહેરના છેવાડે એક સાદા મકાનના દીવાનખંડમાં રાહુલના બે–ત્રણ અંગત મીત્રો ચીંતાયુક્ત દશામાં એકઠા થયા. તેઓ બધા જ મુંઝાયેલા હતા. તેમાના એક નીરજે વાતની શરુઆત કરી, ‘આપણે ગમે તે રીતે સંધ્યાને શોધીને બોલાવવી પડશે. તાત્કાલીક!’ પરન્તુ તે ક્યાં ગઈ છે તે કોઈ જાણતું નથી. તેના મા–બાપ પણ અહીં નથી રહેતા. તેમને છેક દીલ્હી ટેલીગ્રામ કરીને બોલાવી શકાય; પણ તેનો શો અર્થ? તેઓને રાહુલના અને સંધ્યાના સમ્બન્ધો વીશે કંઈ જ ખબર નહીં હોય,’ અતુલે કહ્યું. અર્પીતા, રાહુલ અને સંધ્યાની એકમાત્ર કોમન ફ્રેન્ડ હતી. અર્પીતા ઝીણી આંખે કંઈક વીચારતી હતી. અચાનક તે ઉભી થઈ ગઈ ને બોલી, ‘ચાલો, આપણે સંધ્યાના રુમ પર જઈએ. અત્યારે રવીવારની સાંજે ત્યાં પુરતું એકાંત હશે. આપણે એક તાળું તોડવું પડશે એટલું જ!’ અને એક કલાક બાદ તેઓ ત્રણેય ઠાકરસી ગર્લ્સ હૉસ્ટલના ત્રીજા માળે આવેલી મીસ સંધ્યાના રુમમાં હતા. પછીના અડધા જ કલાકમાં તેઓએ રુમની એકેએક વસ્તુઓ જોઈ–તપાસી લીધી હતી અને જે કંઈ હાથ લાગ્યું તે જોઈને ત્રણેય મીત્રો આઘાતથી દીગ્મુઢ થઈ ગયા હતા. નીચે ફર્શ ઉપર એક ચીઠ્ઠી પડેલી હતી જે રાહુલે તેના મૃત્યુને દીવસે સવારે જ લખી હતી. તેમાં તેણે સંધ્યાને આજીજીભરી વીનન્તી કરી હતી કે તેને એકલો છોડી દેવામાં આવે. એ ચીઠ્ઠીમાં તેણે વીસેક વખત સંધ્યાની માફી માંગી હતી અને પોતે પોતાના ગુનાનો એકરાર કર્યો હતો. ચીઠ્ઠી વાંચતા વાંચતા નીરજ, અર્પીતા વગેરેને એ ન સમજાયું કે રાહુલે શું ગુનો કે પાપ કર્યા હતા અને તે આટલો બધો નીરાશપુર્ણ, લાચાર કેમ થઈ ગયો હતો. રાહુલે અન્દર એવું પણ લખ્યું હતું કે તે હવે પછી ડૉ. અગ્નીહોત્રીને મળવા જવાનો નથી. તેણે સંધ્યાને એવી પણ વીનન્તી કરી હતી કે તે પોતાને વારંવાર ડૉ. અગ્નીહોત્રી પાસે ન ઘસડી જાય તો સારું. આ ચીઠ્ઠીમાંની બધી જ ન સમજાય અથવા અધુરી સમજાય એવી માહીતીઓનો અર્થ, છેવટે ડ્રોઅર તોડતા મળી આવેલી સંધ્યાની અંગત ડાયરીમાંથી સૌને સમજાયો. ત્રણે મીત્રોએ છેલ્લા બે મહીના દરમીયાન સંધ્યાએ લખેલી એ ડાયરી ઉંચે શ્વાસે વાંચી અને રાહુલની જીન્દગીનો સીલસીલાબન્ધ ઈતીહાસ તેમને જાણવા મળ્યો.
અઢાર વર્ષની કુ. સંધ્યા પ્રધાન જબલપુરની વતની હતી અને તેના પીતા તથા કુટુમ્બ દીલ્હીમાં સ્થાયી થયા હતા. છ મહીના પહેલા સીતાર શીખતી વખતે તે રાહુલના પરીચયમાં આવી હતી. રાહુલ સરોદ શીખવા આવતો હતો અને સંધ્યાને ગમી જાય તેટલો સંવેદનશીલ અને એકાકી હતો. ત્રણ મહીનાના સહવાસ પછી તેઓને ખબર પડી કે તેઓ પ્રેમમાં હતાં અને એકબીજા વગર વધુ એકલા પડી જતાં હતાં. સાંજે દરીયાકીનારે આછા અન્ધકારમાં તેઓ નજાકત–સલામતઅલીના કંઠથી પુરીયા–ધનાશ્રી સાંભળતા અને વીચારતા કે આપણા પીતાશ્રીઓને આટલા બધા પૈસા વડે પણ આટલી મઝા ક્યારેય આવી હશે ખરી!
બે મહીના પહેલા તેઓ વચ્ચે પહેલીવાર બોલાચાલી થઈ, જ્યારે રાહુલે અચાનક સરોદ વગાડવાનું બન્ધ કરી દીધું. સંધ્યાની ડાયરીમાં લખાયેલી વીગતો પ્રમાણે રાહુલ તેના પપ્પાથી ખુબ નારાજ હતો. તે ફરીયાદ કરતો કે તેમને કોઈની કંઈ પડેલી નથી. તે મમ્મી પર ખુબ ડીપેન્ડન્ટ થઈ ગયો હતો. એ જ ગાળામાં રાહુલની ઉંઘ ખુબ ઓછી થઈ ગઈ હતી. તે મળસ્કે ચાર વાગે ઉઠી જઈ લોબીમાં આંટા માર્યા કરતો. તેણે ખોરાક પણ ખુબ ઓછો કરી નાખ્યો હતો. સંધ્યા કંઈ પણ પુછતી તો તે એક જ જવાબ આપતો. ‘એનો શું અર્થ છે? છેવટે તો બધું નકામું જ ને?’ અને ભણવાનું તો તેણે સદન્તર જ બન્ધ કરી દીધુ હતું.
દોઢ મહીના પહેલા જ્યારે રાહુલે ડ્રીંક્સ લેવાની ચેષ્ટા કરી ત્યારે સંધ્યા તેને પહેલી વાર રાહુલની અનીચ્છા હોવા છતાં; પણ ડૉ. અગ્નીહોત્રી પાસે લઈ ગઈ. ડૉ. અગ્નીહોત્રી સાઈકીઆટ્રીસ્ટ હતા અને સંધ્યાના પરીચીત હતા. તેમણે સંધ્યાને કહ્યું કે, રાહુલને ‘એન્ડોજીનસ’ પ્રકારનું ‘મેજર ડીપ્રેશન’ છે. તેમણે સંધ્યાને પુછ્યું હતું કે રાહુલના મમ્મી કલાવતીબહેને આત્મહત્યાનો પ્રયત્ન ક્યારે અને કયા સંજોગોમાં કર્યો હતો તે જાણવું જોઈએ. તેમણે રાહુલ માટે ‘પ્રોથાયાડીન’ નામની દવા લખી આપી હતી અને તેના મારા–પીતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ત્યાર પછીનો લગાતાર એક મહીનો રાહુલ માટે સારો ગયો હતો. સંધ્યાને પણ ખાતરી થતી ગઈ હતી કે, ધીમે ધીમે રાહુલ ફરી બીલકુલ પહેલા જેવો થઈ જશે. તે ફરી વાંચી શકશે. સરોદ વગાડી શકશે અને તેની સાથે સાંજે દરીયાકીનારે બેસીને નજાકત–સલામતઅલીના ધ્રુજારીભર્યા કંઠમાં…
પણ એવામાં બેત્રણ ઘટનાઓ એકસાથે બની. રાહુલ પરીક્ષામાં અસફળ રહ્યો તે અંગે પપ્પા સાથે તેનો ઝઘડો થઈ ગયો અને તેણે દવા લેવાની બન્ધ કરી દીધી. તે ડૉક્ટરને મળવા પણ નહીં ગયો. સંધ્યા સાથે પણ ફરીથી તે નાનીનાની વાતમાં રીસાઈ જવા લાગ્યો. તે ખુબ ચીડીયો થઈ ગયો અને અસલામતીની ભાવનાથી પીડાવા માંડ્યો.
તેના મૃત્યુને આગલે દીવસે તેણે સંધ્યાના રુમ પર તેની હાજરીમાં ચીક્કાર ડ્રીંક્સ લીધું અને હોશ ગુમાવીને બેફામ વર્તન કર્યું. સંધ્યાએ ગભરાઈ જઈને તેને રુમ પર આવવાની ના પાડી દીધી અને ડૉક્ટરને ત્યાં આવવા માટે દબાણ કર્યું; પણ રાહુલ જ્યારે ન માન્યો ત્યારે સંધ્યા બીકની મારી રજા મુકીને રાતોરાત ભાગી ગઈ. તેની ડાયરીના છેલ્લા પાના પર લખેલું હતું. ‘મને રાહુલનો ડર લાગે છે. તે કંઈક કરી બેસશે. આજે હું ડૉક્ટરને બોલાવી લાવીશ અને તેની મમ્મીને જાણ કરીશ. જો રાહુલ મારી સાથે ફરી વાર આવું વર્તન કરવા પ્રયત્ન કરશે તો હું ક્યાંક ભાગી જઈશ અને રાહુલ સાથે ફરી ક્યારેય ન બોલીશ.’
ત્રણે મીત્રો સંધ્યાની ડાયરી બન્ધ કરી, અવાક થઈને બેસી રહ્યા. સૌના મનમાં એક જ પ્રશ્ન ઘુમરાતો હતો. રાહુલની આત્મહત્યા માટે કોણ જવાબદાર હતું? નીર્મમ પીતા? લાચાર માતા? સંવેદનશીલ સંધ્યા? અસહાય, અજાણ મીત્રો? કે પછી ‘એન્ડોજીનસ ડીપ્રેશન’?
એન્ડોજીનસ ડીપ્રેશન
ઘણા બધા કીસ્સાઓમાં આવું જ બને છે. આત્મહત્યા કરનારની લાશ મળી આવે છે અને ધારણાઓ, અફવાઓના વાવાઝોડામાં સત્ય ક્યાંય દુર ફંગોળાઈ જાય છે. છાપાવાળાઓ કહે છે કે દહેજ માટેના દબાણ અને ત્રાસથી આત્મહત્યા થઈ. લોકો માને છે કે પત્ની સાથે ફાવતું નહોતું એટલા માટે પતીએ આત્મહત્યા કરવી પડી. રાહુલની માતા જેવી સ્ત્રી માને છે કે તેમણે પુત્રને ઠપકો આપ્યો એટલે તેણે આત્મહત્યા કરવી પડી અને સાચું કારણ આમાનું એકેય નથી.
સત્ય એ હોય છે કે રાહુલની જેમ આત્મહત્યા કરનાર ઘણી બધી વ્યક્તીઓ તેમને થયેલ ‘એન્ડોજીનસ ડીપ્રેશન’ કારણે આત્મહત્યા કરી બેસતા હોય છે. તેઓના માતા–પીતા કે ભાઈ–બહેનમાંથી પણ કોઈકે આવું કર્યું હોય છે. તેઓએ ઓચીંતી દવાઓ બન્ધ કરી દીધી હોય છે. તેમની નજીકની વ્યક્તીઓ તેમને આધાર આપવામાં નીષ્ફળ ગઈ હોય છે અને તેઓ ડ્રીંક્સ કે ડ્રગના બન્ધાણી બની ગયા હોય છે.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/–)માંનો આ 11મો લેખ, પુસ્તકનાં પાન 80થી 85 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
મુકુલભાઈ, આ એન્ડોજીનસ ડિપ્રેશન જેનેટિક કે બાયોલોજીકલ ડિપ્રેશન હોઈ શકે? જો એ જેનેટિક હોય તો વાર્તાના પાત્ર રાજુલના માતાપિતાએ ક્લિનિકલ સાઈક્રિઆસ્ટિકનો સંપર્ક સાધવો જોઈએ? એક મનમાં ઊઠેલો પ્રશ્ન,
LikeLiked by 1 person
મુકુલભાઈ, આપના લેખો વાંચવા ગમે છે. ઘણું રસપ્રદ જાણવાનું મળે છે. આભાર.
પ્રવીણ શાસ્ત્રી,
LikeLiked by 1 person
ડૉ. મુકુલ ચોકસીનો આ લેખ આજના સમાજના દરેક વર્ગમાં બનતી કોમન ઘટનાઓમાંની એક છે. એમાં આત્મહત્યા માટેનાં ધારણાઓને આધારે જે કારણો જણાવ્યા તે વાસ્તવિક કારણોથી કેટલા ખોટાં હોય છે તે જાણવા મળ્યું. ખુબ સરસ…!
આત્મહત્યા માટે ઘણાંબધા કારણો જવાબદાર હોય છે. મા-બાપનાં સંસ્કાર, કેળવણી, દેખરેખ, ટોર્ચરીંગ, ખોટી આદતો, લોભ-લાલસા, દેવું, અને કહેવાતા આધુનિક યુગમાં અન્ય બીજાથી ક્યાંક પાછ્ળ પડી જવાનો ડર વગેરે…
ફરીથી આભાર શ્રી ગોવીન્દ મારુ અને લેખકનો.
LikeLiked by 2 people
સરસ જીવનોપયોગી માહીતી. અમુક સમસ્યામાં દવા બંધ કરી દેવાથી મૃત્યુ પણ સંભવી શકે. જોકે જીવનયાત્રા સીધી રેખામાં નથી હોતી. આભાર મુકુલભાઈ અને ગોવીન્દભાઈ.
LikeLiked by 1 person
It is a very nice and informative article. Life is full of unknowns. We should accept and love our children.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
એન્ડોજીનસ ડીપ્રેશન? અંગે –ડૉ. મુકુલ ચોકસીનો અભ્યાસપુર્ણ લેખ ધન્યવાદ્
LikeLiked by 1 person
Friends,
The word is spelt as, ” Endogenous “.
Endo. =..from within
genous = born..
અંદરથી જન્મેલું….( બહારની અસરથી નહિ..)…ડીપ્રેશન અેટલે…ગમગીની…ઉદાસીનતા.
જીનેટીક પણ હોઇ શકે….
ડો. મુકુલ ચોકસીનો લેખ માહિતિસભર છે. રોગના શબ્દોનો અર્થ સમજીને વાંચીઅે તો વઘુ સમજ પડે.
મુકુલભાઇનો હાર્દિક આભાર. ગોવિદભાઇનો પણ.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person