‘મન્ચાઉસન’ અથવા ‘હૉસ્પીટલ એડીક્ટસ’ અથવા ‘પોલીસર્જીકલ’ પેશન્ટ કોને કહેવાય? ‘મન્ચાઉસન સીન્ડ્રોમ’ અથવા તો ‘ફેક્ટીશીયસ ઈલનેસ’ તરીકે ઓળખાતી માનસીક બીમારીના કેટલા પ્રકાર છે? આ બીમારીના ઈલાજની જાણકારી મેળવવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
કોઈ જાણીજોઈને, વગર કારણે
પોતાના પેટનું ઑપરેશન કરાવે?
–ડૉ. મુકુલ ચોકસી
શનીવાર, 25 માર્ચ, 1989. શહેરની મધ્યમાં આવેલ મૅડીકલ ઍસોસીયેશનના હૉલમાં લેક્ચર હજુ હમણાં જ પુરું થયું. આમન્ત્રીત ડૉક્ટરે પોતાનું પ્રસંશનીય વક્તવ્ય આપ્યું; પરન્તુ તે સમયે ત્યાં ઉપસ્થીત રહેલા શહેરના ખ્યાતનામ સર્જન ડૉ. જાની ખુબ અસ્વસ્થ જણાતા હતા. લેક્ચર બાદ સહુ ડીનરમાં પરોવાયા ત્યાં સુધી ડૉ. જાની એક ખુણામાં ઉભા રહ્યા અને તેમને એ પણ ખ્યાલ ન રહ્યો કે તેમને મોટે અવાજે કોઈ બોલાવી રહ્યું હતું.
‘શું વાત છે ડૉ. જાની? તમે કેમ ખોવાયેલા, મુંઝાયેલા લાગો છો? હું તમને કંઈ મદદ કરી શકું એમ હોય તો…’ કહીને ડૉ. મહેતાએ તેમનો ધીરગમ્ભીર હાથ ડૉ. જાનીના ખભા ઉપર મુક્યો. તેઓ બન્ને હૉલથી થોડે દુર દાદર નીચેના ઝાંખા પ્રકાશમાં ઉભા રહ્યા. ‘તમે નહીં માનો મહેતા, હું નીવૃત્ત થઈ જવાનું વીચારું છું. હું સર્જરી ભુલી જતો હોઉં એવું લાગે છે.’ આટલું કહીને ડૉ. જાનીએ રુમાલથી કપાળ પરનો પરસેવો લુછ્યો; પણ ડૉ. મહેતા સ્વસ્થતાપુર્વક ઉભા હતા. તેમણે સાંભળવાનું ચાલુ રાખ્યું. ‘હું કીડનીમાંથી એક ઈંચ મોટો સ્ટોન પણ નથી કાઢી શકતો, જેને લીધે મારા પેશન્ટ આગળ મારું માથું શરમથી ઝુકી જાય છે. ડૉ. મહેતા! કહો, હું શું કરું?
‘ક્યારની વાત છે?’ ડૉ. મહેતાએ શાંતીથી પુછ્યું. ‘ત્રણ દીવસ પહેલાની. જુવાન પેશન્ટ. જમણી કીડનીમાં સ્ટોન. તે પોતે લેબોરેટરી ટૅકનીશીયન હતો અને જાતે જ એક્સ–રે પડાવી લાવેલો. મેં તરત જ તારીખ નક્કી કરીને પરમ દીવશે ઑપરેશન કર્યું; પણ મને ખબર નથી પડતી કે હું ક્યાં ખોટો પડ્યો, મહેતા! પોણો કલાક બાદ પણ હું એક સ્ટોન ન શોધી શક્યો. મે ફરી એક્સ–રે પણ તપાસ્યા.’
ડૉ. મહેતા સ્વસ્થતા જાળવીને બોલ્યા, ‘પછી?’
‘પછી શું?’ ઑપરેશન બન્ધ કરી ટાંકા મારી દીધા. બીજે દીવસે પેશન્ટે લડાઈ કરી, કહે કે મને સ્ટોન બતાવો. એક તો એના કોઈ સગાંવહાલાં નહોતાં. મેં એને સમજાવવા ખુબ પ્રયત્નો કર્યા; પણ તે તો ગુસ્સામાં ગમે તેમ બોલવા માંડ્યો અને આજે સાંજે સાત વાગે જોઉં તો પેશન્ટ ગુમ! એ મારી રજા લીધા વગર જ હૉસ્પીટલ છોડીને ભાગી ગયો.’ ડૉ. જાની અટક્યા ને બોલ્યા. ‘તમે તો જાણો છો મહેતા, મને પૈસાની પરવા નથી; પણ આ નીષ્ફળતાથી સર્જન તરીકેનો મારો આત્મવીશ્વાસ તુટી ગયો છે.
ડૉ. મહેતાએ ડૉ. જાનીને ખભે મૈત્રીપુર્ણ હાથ મુકીને કહ્યું, ‘ચીંતા ન કરો, ડૉક્ટર! તમે એક સારા સર્જન છો એ વાત હજીય એટલી જ સાચી છે. આ કીસ્સો તમારે વહેલી તકે ભુલી જવો જોઈએ.’ અને તેઓએ હૉલ તરફ જવા કદમ ઉપાડ્યા તે પહેલાં ડૉ. મહેતાએ અમસ્તો જ પ્રશ્ન પુછ્યો : ‘શું નામ કહ્યું તમે એ પેશન્ટનું?’
‘મી. જોગલેકર. મરાઠી હતો. ત્રીસેકની આસપાસનો પરીણીત હશે. કહેતો હતો કે તેનું કુટુમ્બ નાગપુર નજીકના કોઈ ગામમાં છે. અહીં તો એકલો જ રહે છે અને વ્યવસાયે લેબોરેટરી ટૅકનીશીયન છે.’ જાની અટક્યા.
મહેતાએ શાંતચીત્તે પુછ્યું, ‘એણે એક્ષ–રે ક્યાં પડાવેલો?’
‘એસ. જી. હૉસ્પીટલમાં. એક્સ–રેની ક્વોલીટી પણ સારી હતી.’ જાની બોલ્યા, અને તેઓ ચાલતા ચાલતા હૉલની ગીરદીમાં આવી પહોંચ્યા હતા. ટોળટપ્પા–મજાક અને ડીનર બાદ તેઓ સૌ વીખરાયા, ત્યારે રાત્રીના સાડાદસ થયા હતા અને ડૉ. જાની સીવાય સૌ કોઈ પોતપોતાની નમણી મોટરકારો અને પોતાના સ્થુળ શરીરોથી સન્તુષ્ટ જણાતા હતા.
ડૉ. મહેતા ઉર્ફે પ્રશાંત એસ. મહેતા, શહેરના અગ્રણી ફીઝીશ્યનોમાંના એક હતા. ઉંચો, ગૌર, સશક્ત દેહ અને આકર્ષક પ્રભાવશાળી વ્યક્તીત્વના સ્વામી. મનુષ્ય અને રોગોની અનેકાનેક જટીલતાનો તમેને વ્યાપક અનુભવ. આથી જ અન્ય બ્રાંચના નીષ્ણાત ડૉક્ટરો પણ તેમના અભીપ્રાયને મુલ્યવાન ગણે. અને ડૉ. મહેતાને દરેક પ્રોબ્લેમને ઉંડે સુધી સમજવાની તથા ધીરજથી ઉકેલવાની ટેવ. જો કે આજની રાત્રે ડૉ. જાનીના પ્રોબ્લેમથી તેઓ થોડાક વ્યથીત થયા હતા. આટલા સક્ષમ સર્જનને મોઢે નીવૃત્તીની વાત ઠીક નહોતી જણાતી. મોડી રાત સુધી વીચાર્યા બાદ છેવટે એટલું નકકી કરીને તેમણે ઉંઘ લીધી કે સવારે એસ. જી. હૉસ્પીટલના રેડીયોલૉજીસ્ટ સાથે વાત કરીશ. કદાચ સ્ટોન ન હોય અને નીદાન જ ખોટું થયું હોય. અથવા કદાચ આર્ટીફેક્ટને (એક્સ–રે પરના કૃત્રીમ ડાઘાને) પણ ભુલથી સ્ટોન માની લેવાયો હોય. અથવા કોઈ બીજા જ પેશન્ટનો એક્ષ–રે ભુલમાં જોગલેકરને આપી દેવાયો હોય.
અને સવારે નવ વાગે એસ. જી. હૉસ્પીટલના મુખ્ય રેડીયોલોજીસ્ટ ડૉ. મલ્હોત્રાનો ફોન રણક્યો. ‘ગુડમોર્નીંગ ડૉ. મલ્હોત્રા!’
‘ડૉ. મહેતા બોલું છું. તમારું એક તાકીદનું કામ પડ્યું છે.’
ડૉ. મલ્હોત્રાને સહેજે નવાઈ ન લાગી કેમ કે ડૉ. મહેતાને આ રીતે ઘણીવાર એકસ–રેને લગતા અનેક પ્રશ્નો વીશે ફોન પર પુછવાની ટેવ હતી.
‘તમે જરાક એટલું યાદ કરીને કહેશો ડૉ. મલ્હોત્રા, કે ગયે અઠવાડીયે તમે જે એક જમણી કીડનીના સ્ટોનનું રીપોર્ટીંગ કરેલું તે…’
‘જરા થોભશો ડૉ. મહેતા?’ ડૉક્ટર મલ્હોત્રાએ તેમને અડધેથી જ અટકાવીને કહ્યું : ‘મેં છેલ્લા પન્દરેક દીવસમાં જમણી કીડનીના સ્ટોનનું એકેય રીપોર્ટીંગ કર્યું જ નથી. તમે મને કહી શકશો કે તમે ચોક્કસપણે શું જાણવા ઈચ્છો છો?’
ડૉ. મહેતા ગુંચવણભર્યા અવાજમાં બોલ્યા ‘તમારા છેલ્લા એકાદ મહીનાના રેકર્ડઝમાં કોઈ મી. જોગલેકર નામના પેશન્ટનું નામ હશે. તેના એક્સ–રેના રીપોર્ટમાં શું હતું તે કહેશો. પ્લીઝ?’
અને એક મીનીટ પછી ડૉ. મલ્હોત્રાએ જે માહીતી આપી તે સાંભળીને ડૉ. મહેતા ચોંકી ઉઠ્યા. તેમના કહેવા પ્રમાણે મી. જોગલેકર નામના કોઈ પેશન્ટ છેલ્લા મહીનામાં તેમની હૉસ્પીટલમાંથી કોઈ પ્રકારનો એક્સ–રે પડાવ્યો જ નહોતો. ફોન મુકાયા બાદ ડૉ. મહેતાના મનમાં ઝડપથી વીચારો દોડવા માંડ્યા. તેઓ અચાનક ખુબ કાર્યરત બની ગયા. તે રાત તેમણે તેમની લાયબ્રેરીમાં જુદા જુદા પુસ્તકો ઉથલાવવામાં ગાળી. બીજે દીવસે સવારે તેમણે સાઈકીઆટ્રીસ્ટ મીત્ર ડૉ. ભાર્ગવ સાથે એક ટુંકી મુલાકાત કરી. અને સાંજ પડતા સુધીમાં તો તેઓ શહેરના ઘણા ખરા જાણીતા સર્જનો સાથે ફોન ઉપર વાત કરી ચુક્યા હતા. તે સૌને તેમણે એટલું જ કહ્યું હતું કે કોઈ માણસ પેટ ઉપર તાજેતરમાં થયેલ ઓપરેશનના ટાંકા કઢાવવા આવે તો મને જણાવજો. અને ત્રીજે જ દીવસે તેમની દોડધામ, જહેમત અને વીચારશીલતાનું પરીણામ તેમણે મેળવ્યું. આખરે સમગ્ર પ્રશ્નને ઉકેલવામાં તેઓ સફળ થયા હતા. અને તે કઈ રીતે બન્યું તે જાણવા–સમજવા માટે બીજા દીવસની સાંજે તેમણે ડૉ. જાની તથા ડૉ. ભાર્ગવને ડીનર પર બોલાવ્યા.
તેઓ આવ્યા ત્યારે ડૉ. મહેતા કોઈ ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટ જેવા જણાતા હતા. તેમના હાથમાં કેટલીક છબીઓ, દસ્તાવેજો, લોહી તથા પેશાબના રીપોર્ટસની ફાઈલ હતી. ડીનર પુરું થયા પછી તેમણે તરત પેલી ફાઈલ ખોલી અને મુળ મુદ્દાની વાત શરુ કરી. ‘ડૉ. જાની! તમે સાઈકીઆટ્રીસ્ટ ડૉક્ટર ભાર્ગવને તો ઓળખતા જ હશો. તમારો કીડની સ્ટોનનો પેશન્ટ મી. જોગલેકર અત્યારે એમની પાસે સારવાર લઈ રહ્યો છે.’ આ સાંભળી ડૉ. જાની ચોંકી ઉઠ્યા. તેઓ અસમંજસમાં મુકાઈ ગયા. તે વાત ભુલવાની તેમણે ખુબ કોશીષ કરી હતી જે વાત તેમને ફરી યાદ દેવડાવવામાં આવી હતી. તેઓ અચકાતા સ્વરમાં બોલ્યા, ‘તમારી ટ્રીટમેન્ટ? શા માટે?’ ડૉ. ભાર્ગવે ધીમેથી કહ્યું : ‘મન્ચાઉસન સીન્ડ્રોમ’ અથવા તો ‘ફેક્ટીશીયસ ઈલનેસ’ તરીકે ઓળખાતી એક માનસીક બીમારીના ઈલાજ માટે.’
ડૉ. મહેતાએ તેમને અટકાવતા કહ્યું : ડૉ. ભાર્ગવ! તમને જો વાંધો ન હોય તો આખી વાત જરા વીસ્તરાથી કહો ને!’ અને ડૉ. ભાર્ગવે કહેવાનું શરુ કર્યું :
‘આમ તો આ રોગ 1951માં ડૉ. રીચાર્ડ આશરે શોધ્યો; પરન્તુ એ પહેલાંના ડૉક્ટરોને પણ આવા અનુભવો થતા. આ રોગના દર્દીઓની લાક્ષણીકતા એ હોય છે કે તેઓ જાણી જોઈને, હાથે કરીને પોતાને કોઈ જાણીતો રોગ થયો છે એવું દેખાડે, પુરવાર કરવા પ્રયત્ન કરે અને તે માટેની તમામ સારવાર કરાવવાનો આગ્રહ રાખે. પોતાના આ ‘જાતે ઉભા કરેલા’ રોગોને પુરવાર કરવા માટે તેઓ જાતજાતની યુક્તીઓ અજમાવતા જોવા મળે છે. દા.ત.; આ તમારો જ દર્દી જોગલેકર લો. તેણે પોતાને કીડનીમાં પથરી છે એવું પુરવાર કરવા એસ. જી. હૉસ્પીટલના જુના સંગ્રહમાંથી સ્ટોનવાળા બીજા જ કોઈ દર્દીનો એક્સ–રે ઉઠાવી લીધો અને તપાસ માટે આપેલા પેશાબના નમુનામાં, પોતાની જ આંગળી કાપીને કાઢેલા લોહીના ટીપાં ઉમેર્યા. આ તો ઠીક છે; પણ અમુક દર્દીઓ તો લોહીવાળો પેશાબ અથવા લોહીવાળી ઉલટી થાય એટલા માટે બ્લીડીંગ કરાવે એવી ‘એન્ટીકોએગ્યુલન્ટ’ તરીકે ઓળખાતી દવાઓ પણ ખાતા હોય છે.’
‘તમે કહો છો તેમ જ થયું છે. મેં એસ. જી. હૉસ્પીટલના રેડીયોલૉજીસ્ટ પાસેથી ખાતરી કરી છે. અને લોહીના રીપોર્ટ અંગે તો દર્દી પોતે જ લેબોરેટરી ટેકનીશીયન છે આથી ગમે તે કરી શકે.’ ડૉ. મહેતાએ ઉમેર્યું. ‘તે સાચું છે. આ પ્રકારના ઘણાખરા દર્દીઓ પેરામેડીકલ માણસો; જેવા કે ટૅકનીશીયન, નર્સીંગ સ્ટાફ, લેબોરેટરી આસીસ્ટન્ટ વગેરેમાંથી જ હોય છે, અને તમે જોયું ને મહેતા! મી. જોગલેકરના શરીર પર ભુતકાળમાં થયેલ ઓપરેશનોના ઘાના ડાઘ છે. તેની બેગમાં જાતજાતના ડૉક્ટરોના પ્રીસ્ક્રીપ્શન્સ, તપાસના રીપોર્ટસ તથા અનેક દવાઓ–ઈંજેક્શનોના ખાલી ખોખાંઓ છે. વળી તેમની સાથે કોઈ સગુંવહાલું પણ નથી. આથી તેઓ જલદી પકડાતા નથી અને પકડાઈ જવાની અણી પર હોય ત્યારે ડૉક્ટર સાથે ઝગડીને ભાગી જતા હોય છે.’
‘પણ તેઓ આવું શું કામ કરે છે?’ ડૉ. જાનીએ પુછ્યું. ‘આપણે જાણીએ છીએ કે અકસ્માત વગેરેમાં વળતર મેળવવા અમુક દર્દીઓ ખોટા પુરાવા ઉભા કરતા હોય છે. તેવા દર્દીઓ શરીરમાં જુદી જુદી જગ્યાએ દુખાવા, અશક્તીની બનાવટી ફરીયાદો કરતા હોય છે; પણ તેમાંનું કોઈ આ રીતે ઓપરેશન કરાવવા તૈયાર નથી થતું.
‘એ સાચું છે અને એટલે જ વળતર મેળવવા માંગતા દર્દીઓને ‘મેલીંગરીંગ (જુઠું બોલનાર) અથવા ‘કમ્પેનસેશન ન્યુરોસીસ’ના દર્દીઓ કહેવાય છે. જ્યારે આપણા મી. જોગલેકર જેવા દર્દીઓને ‘મન્ચાઉસન’ અથવા ‘હૉસ્પીટલ એડીક્ટસ’ અથવા ‘પોલીસર્જીકલ’ પેશન્ટ કહેવાય છે’, ડૉ. ભાર્ગવે ફોડ પાડ્યો; ‘પણ કોઈ સામે ચાલીને શું કામ પોતાનું પેટ ચીરાવે? અને તેય આટલા પૈસા ખર્ચીને?’ ડૉ. જાનીના સ્વરમાં આશ્ચરય હતું.
‘એ જ તો મુદ્દો છે કે જેને લીધે અમારા જેવા મનોચીકીત્સકોએ વચ્ચે આવવું પડે છે…’ ડૉ. ભાર્ગવ ખુબ જ સાહજીકતાથી બોલતા હતા. ‘આવા દર્દીઓ તેમની બાલ્યાવસ્થામાં તરછોડાયેલા હોવાની અને મા–બાપની બેકાળજીનો ભોગ બન્યા હોવાની સમ્ભાવના હોય છે. તેઓ જુએ છે કે, બીમાર માણસો લોકોના પ્રેમ તથા સહાનુભુતી મેળવતા હોય છે. આથી તેઓની કોઈ પણ ભોગે બીમાર પડવાની વૃત્તી પ્રબળ બને છે. વળી જો દર્દી પોતે લઘુતાગ્રંથી, લાચારી અથવા નીરાધારપણાની લાગણીથી પીડાતો હોય તો તે આવો બીમારીનો સ્વાંગ રચી એક પ્રકારની માનસીક પરીસ્થીતી ઉભી કરી દે જેમાં તે જુએ કે ડૉક્ટરો જેવા કે ડૉ. જાની; પણ મારો રોગ મટાડી નથી શકતા અને લાચાર બની જાય છે. આમ અન્ય સમર્થ માણસોને લાચાર હાલતમાં જોવાથી તેઓ પોતે લાચાર હોવાની પીડાને સહેજ વાર માટે દુર કરી શકે છે.’
ડૉ. મહેતા સાંભળતા વીચારી રહ્યા હતા કે માણસનું મન કેવું વીચીત્ર હોય છે? તેમણે પુછ્યું : ‘એટલે કે માનસીક પીડા ટાળવા માણસ આટઆટલી શારીરીક યાતના સહન કરવા પણ તૈયાર થાય છે. એમ જ ને?’ ડૉ. ભાર્ગવે જાણે તેમનું વાક્ય પુરું કરતા હોય એમ કહ્યું, ‘હા, આ સ્વપીડનની એવી પ્રવૃત્તી છે જે ડૉક્ટરો દ્વારા કરાવવામાં આવે છે. ડૉ. મહેતા, તમે જો બધા સર્જનોને સમયસર ચેતવ્યા ન હોત તો દર્દી ગમે ત્યાં જઈને, ટાંકા કઢાવીને વીદાય લેતે. અને થોડા સમય પછી નવા શહેરમાં નવા ડૉક્ટર પાસે કોઈ નવો જ રોગ લઈને જતે.’
ડૉક્ટર જાનીએ સીગરેટ સળગાવી. તેઓ પહેલા કરતાં સ્વસ્થ જણાતા હતા. ‘એક છેલ્લો પ્રશ્ન ડૉ. ભાર્ગવ’ કહીને તેમણે હળવા સ્વરે પુછી લીધું : ‘આની સારવાર તો કરશો પણ આ પ્રકારના દર્દીઓને કારણે અમને થતા પ્રોબ્લેમથી બચવા અમારે શું કરવું?’ ડૉક્ટર ભાર્ગવ મુખ પર સ્મીત સાથે બોલ્યા : ‘અમેરીકામાં આવા દર્દીઓના નામની યાદી ત્યાંની આરોગ્યની સંસ્થાઓએ તૈયાર કરી છે. એ યાદી દરેક મોટી હૉસ્પીટલોને મોકલવામાં આવે છે. જેમ જેમ આ રોગના નવા દર્દીઓ ઓળખાતા જાય, તેમ તેમ તેઓને આ યાદીમાં સમાવવામાં આવે છે. તમે ઈચ્છો તો આપણા શહેર કે રાજ્ય માટે યાદી તૈયાર કરવાનું કામ ઉપાડી શકો.’
ત્યાં ડૉક્ટર મહેતા વચ્ચેથી બોલ્યા : ‘એ કામ ડૉ. જાની જેવા ઉચ્ચ કોટીના સર્જનનું નથી. એ કામ તો મારા જેવા ઈન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટનું છે.’
મન્ચાઉસન સીન્ડ્રોમ
મી. જોગલેકર જેવા પેશન્ટો આપણને ભાગ્યે જ જોવા મળતા હોય છે અને તેને વીશે આપણે ભાગ્યે જ કશું સાંભળ્યું હોય છે. આવા દર્દીઓ એકલા, તરછોડાયેલા, વીચીત્ર સ્વભાવવાળા, સમજી ન શકાય એવા હોય છે.
‘ફેક્ટીશીયસ ડીસઑર્ડર’ બે પ્રકારના હોય છે. એકનું નામ ‘ફેક્ટીશીયસ ડીસઑર્ડર વીથ ફીઝીકલ સીમ્પટમ્પ્સ’ છે. જેમાં દર્દી પેટનો દુખાવો, લોહી નીકળવું, સોજા, ઝાડા–ઉલટી વગેરે લક્ષણો ઉભા કરીને ડૉક્ટરો પાસે જાય છે. બીજા પ્રકારને ‘ફેક્ટીશીયસ ડીસઑર્ડર વીથ સાઈકોલૉજીકલ સીમ્પટમ્પ્સ’ કહેવાય છે. જેમાં દર્દી ભાન ભુલી જવું, ચીંતામાં ડુબી જવું, આપઘાતના વીચારો આવવા, યાદશક્તી ક્ષીણ થઈ જવી… વગેરે પ્રકારના માનસીક લક્ષણો લઈને ડૉક્ટરો પાસે જાય છે.
આ દર્દીઓ જુઠું બોલતા હોય છે; પરન્તુ તેમ કરવામાં તેમને કોઈ આર્થીક, સામાજીક કે ‘મટીરીયલ’ લાભ નથી હોતા. તેમને જુઠું બોલીને પોતાની જાતને રોગીષ્ઠ તરીકે વ્યક્ત કરવામાં ‘સાઈકોલૉજીકલ ગેઈન’ થતાં હોય છે.
આ દર્દીઓની સારવાર કરવી ખુબ અઘરી હોય છે. દર્દીઓ સાથે ખુબ આત્મીય, ઘનીષ્ટ, અંગત અને સમજપુર્વકના સંવેદનશીલ સમ્બન્ધો બાંધવા પડતા હોય છે. તેમના ક્રોધ, વીચીત્રતાઓને સ્વીકારવાની તૈયારી રાખવી પડતી હોય છે અને તેમને ખાતરી કરાવવી પડતી હોય છે કે આપણો અહમ્ પોષવા, આપણા ‘સ્વ’ને, નીજત્વને ટકાવવા આવી જાતને નુકશાનકારક પ્રવૃત્તીઓ કરવાની જરુર નથી હોતી.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ પહેલો લેખ, પુસ્તકનાં પાન 16થી 21 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક-સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ગ્રેટ…..
હ્યુમન સાયકોલોજીનું એક નવું ચેપ્ટર ખુલ્યુ અને એક સાયકોલોજીના સબ્જેક્ટનું પ્રકરણ ભણવાનું દરેક વાચકને મળ્યુ. શિક્ષક… પ્રોફેસર… ડો. મુકુલ ચોકસી.
ફીક્ટીશીયસ ડીસઓર્ડર કે ઇલનેસ અને મન્યાઉસન સીન્દ્રોમ નામની મેન્ટલ ઇલનેસ વિષે સરસ, સરળ ગુજરાતી ભાષામાં, ગુજરાતી વાચકો માટે જ્ઞાનપરબ ખોલ્યું.
અને ગોવિંદભાઇએ પ્રસાદ તરીકે વહેંચ્યું.
ડો. મુકુલે તેમના લખાણમાં એ શબ્દ વાર્યો છે.. ‘સ્વપીડન’
આપણા કહેવાતા ઘર્મોમાં સ્વર્ગ મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે સાઘુઓ કે કથાકારો… આ … ‘સ્વપીડન’ ની વાતો કરતાં હોય છે. ભૂખા રહેવું… ઉપવાસો કરવા, જેવા જુદા જુદા કર્મો આચરવા… મુસ્લીમોમાં તાજીયાના દિવસે રસ્તા ઉપર જાહેરમાં પોતાની જાત ઉપર સ્વપીડન કરનારા ભક્તો જોવા મળે છે.
શું આ કર્મો પણ ચર્ચામાં આવેલાં માનસિક રોગોના જ રીપ્રેઝન્ટેટીવો છે ?
ડો. ચોકસીને વિનંતિ કે આ પ્રશ્ન ઉપર સમજ આપે.
ડોં. મુકુલ ચોકસીને મારી ટૂંકી ઓળખ આપુ… ડો. કિશોર મોદી મારા બનેવી થાય. અને મુકુલભાઇના ફાઘર, મનહરલાલ ચોકસીના કવિઓના સર્કલના જૂના મિત્ર. ડો. દિલીપ મોદી પણ તે જ સર્કલના.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
આખો લેખ મનનીય છે. મનોવિજ્ઞાનીની કલમથી લખાયેલા આ લેખમાં ધર્મ, કથાકારોને કે કોઈ પ્રણાલિકાઓને વચમાં લાવવાની મને જરૂર નથી જણાતી. મૂળ વાત તે એ છે કે માણસના મનને સમજવું અતિ દુષ્કર છે. ડો. જાની જેવા નિષ્ણાત સર્જ્યન પણ ગુંચવાઈ ગયા અને જાત પરનો આત્મવિશ્વાસ ગુમાવીને નિવૃત્તિનો વિચાર કરવા મંડ્યા. કેટલીક ઘટનાઓ એવી વિચિત્ર જ હોય છે કે તે બુદ્ધિમાનોની બુદ્ધિને પણ ચકરાવામાં નાંખી દેતી હોય છે. +++ સ્વપીડન વૃત્તિને આગળ કરીને આદરણીય હજારી સાહેબે જે વાત લખી તે બાબતે હું જુદો અભિપ્રાય ધરાવું છું. તપ એ સ્વપીડન પ્રવૃત્તિ નથી. તપ વિશે મારી સીધી સાદી સમજણ એ છે કે કોઈ ઉદાત્ત હેતુ માટે, ઉજળા ભવિષ્યના નિર્માણ માટે, સગવડોને લાત મારીને જાણી જોઈને અગવડ ભોગવવી તેનું નામ તપ. પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્યના ઘડતર માટે દરેક મા બાપ તપ કરે છે. પોતાના સુખનો કે સગવડનો વિચાર પડતો મૂકીને તે જાણી જોઈને આપદા સહન કરે છે. ++++ ઉપવાસ કરવા એ પણ મનને કેળવવાનો પ્રયોગ જ છે. ભૂખ લાગી છે, ભાવતી વાનગી તૈયાર છે, મોંમાં લાળ ટપકે છે. થાળ આપણે માટે જ પિરસાયો છે, છતાં જમવું નથી. માણસને ભૂખ જ ન હોય કે ખાવાનું જ મળતું ન હોય અથવા ભાવતી વાનગી ન હોય અને ભૂખ્યો રહે એ ઉપવાસ નથી! ભૂખમરો જુદો અને ઉપવાસ જુદો. ++++ જે વાત સ્વાદેન્દ્રિયને લાગુ પડે તે જ વાત દરેક કર્મેન્દ્રિયને લાગુ પડે. એની સાથે ધર્મશાસ્ત્રોએ એ વ્રતની ફળશ્રૂતિ જોડી દીધી તેથી અનર્થ સર્જાયો છે. સ્વર્ગ નરક, પાપ પૂણ્યની લાલચ કે ડર દેખાડ્યો છે તે કદાચ જે તે જમાનાની જરૂરિયાત હશે. એ ફળશ્રૂતિ ન હોત તો કદાચ માણસ એવા વ્રત કરતે પણ નહિ કારણ કે લાલો લાભ વગર લોટે નહિ એ વાત તે લોકો સારી રીતે સમજી ચૂકેલ હશે. વ્રતને હું વેક્સિનેશન સાથે સરખાવું છું. રોગ ન હોય તો પણ રોગના જંતુ નિરોગીના શરીરમાં દાખલ કરીને તેનામાં રોગપ્રતિકાર શક્તિ ઊભી કરવી. આને આપણે સ્વપીડન નથી કહેતા. જાણી જોઈને પેટ ચોળીને શૂળ શા માટે ઊભું કરવું- એવી દલીલો નથી કરતા. પડશે તેવા દેવાશે એવું ડહાપણ પણ નથી કરતા. બસ, તે જ રીતે સગવડને સ્વેચ્છાએ લાત મારનાર માણસ પણ જ્યારે ખરેખર અગવડ આવે કે પ્રલોભનો આવે ત્યારે ધ્યેયચ્યૂત ન થવા જેટલી મક્કમતા એ રીતે પ્રાપ્ત કરતો હોય છે.
LikeLike
સ્નેહી શ્રી પરભુભાઇ અને ગોવિંદભાઇ,
સરસ.
પરભુભાઇઅે પોતાના બેકગ્રાઉન્ડના વિચારોને તેમના અભિપ્રાયમાં લખ્યા છે. ગમ્યા.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
મનોવિજ્ઞાની ડૉ મુકુલ ચોકસીની ‘‘મન્ચાઉસન સીન્ડ્રોમ’ અથવા તો ‘ફેક્ટીશીયસ ઈલનેસ’ અંગે સ રસ અગત્યની માહિતી.
આપણા સમાજમા સાધારણ ચિહ્નોવાળા આવા વ્યક્તિઓ જોવામા આવે છે અને સામાન્ય સમજાવટથી સીન્ડ્રોમ સુધી પહોંચતો નથી.કેટલીકવાર ડૉકટરો સાધારણ માંદગીવાળા દર્દીઓને બીવડાવી પેટનુ ઓપરેશન કરી કીડની જેવા અગત્યના અવયવની ચોરી કરે છે તો કેટલાકને ગભરાવી હ્રુદયના ઓપરેશન માટે સમજાવી બેભાન થાય ત્યારે છાતીના ભાગ પર કામો મુકી ટાંકા મારી હ્રુદયના મોટા ઓપરેશનનો ચાર્જ લે છે…આ બધુ ડૉકટરોએ જ બહાર પાડેલુ છે પણ તેને કેવો સિન્ડ્રોમ કહે છે તે ખબર નથી !
LikeLiked by 1 person