સાઈકીઆટ્રીસ્ટ પણ એક માણસ છે

1982માં અમેરીકામાં ‘લવસીક’ નામની બહુચર્ચીત ફીલ્મમાં ‘કાઉન્ટરટ્રાન્સફરન્સ’ની વાત રજુ થઈ, જેમાં સાઈકીઆટ્રીસ્ટ (ડડલે મુર) તેની પેશન્ટ (એલીઝાબેથ)ના પ્રેમમાં પડે છે. ‘સાઈકોથેરાપી’ દરમીયાન દર્દીઓ અને ડૉક્ટરોના આવા એકમેક પ્રત્યેના તમામ પ્રકારના ભાવો ક્યારેક થેરાપીને સહાયરુપ બને છે; પરન્તુ ઘણે ભાગે તેને અવરોધે છે. આથી સૌથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ ‘થેરાપ્યુટીક સેટઅપ’માં આવા તમામ ભાવોને ઓળખવા, જાણવા, સમજવા તથા ઉકેલવાનું ખુબ મહત્ત્વનું બની જાય છે.

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

સાઈકીઆટ્રીસ્ટ પણ એક માણસ છે

–ડૉ. મુકુલ ચોકસી

સોમવારે સાંજે સાત વાગે તો કોની એપોઈન્ટમેન્ટ મળે? લોસ એન્જેલસની આ બીઝી સાંજે કયો સાઈકીઆટ્રીસ્ટ કે સાઈકોથેરાપીસ્ટ ફ્રી હોય? ડૉ. ફીરોઝ પોતાની ઈઝીચેરમાં ગુંગળામણ અનુભવતા બેઠા હતા. તેઓ અન્દરથી એકદમ ભાંગી પડ્યા હતા. ત્યાં અચાનક એમને એક નામ યાદ આવ્યું : ‘ડૉ. બેનરજી’, અને તેમના મનમાં આશાનું એક કીરણ ચમક્યું.

ડૉ. બેનરજી મુળ ભારતીય બંગાળીબાબુ હતા અને છેલ્લા વીસેક વર્ષથી યુનાઈટેડ સ્ટેઈટ્સમાં પ્રેક્ટીસ કરતા હતા. ડૉ. બેનરજી ભલે ઉમ્મરમાં પ્રૌઢ હતા પણ ડૉ. ફીરોઝ સાથે તેઓ એક સમવયસ્કની જેમ વર્તતા અને એટલે જ આજે પોતાની જીન્દગીના એક નાજુક તથા ગમ્ભીર તબક્કે ડૉ. ફીરોઝને– ડૉ. બેનરજી યાદ આવ્યા. તેમણે અધીરાઈપુર્વક ડૉ. બેનરજીનો ફોન નમ્બર ઘુમાવ્યો, અને સામે છેડેથી એક સ્વસ્થ અવાજ આવ્યો.

હલો’

સોમવારની એ રાત્રે રોયલ–પાર્ક એવન્યુના એક કોર્નરમાં ડીનર લેતા લેતા ડૉ. ફીરોઝે ડૉ. બેનરજીની મદદ માંગતા વાતની શરુઆત કરી, ‘આઈ એમ ઈન એ ડીપ ટ્રબલ ડૉક્ટર! પ્લીઝ હેલ્પ મી! પ્લીઝ સેવ માય કરીયર! અ થીન્ગ વીચ શુડ નેવર હેપન ટુ અસ, હેઝ હેપન્ડ ટુ મી. ઍન્ડ આઈ એમ લોસ્ટ!’ ડૉ. બેનરજીએ તેમને શાંતીથી સાંભળ્યા અને ચુપ રહેવાનું પસન્દ કર્યું. એમની મૈત્રીપુર્ણ, ઉસ્માસભર દૃષ્ટીના સહારે ડૉ. ફીરોઝે આછા, અચકાતા અવાજે વાત કરવાની શરુઆત કરી :

‘એકાદ વર્ષ પહેલાની વાત હશે. મીસીસ ડેઈઝીના હસબન્ડ જ્યોર્જ લુકાસના આકસ્મીક મૃત્યુના સાતમે દીવસે મને બોલાવવામાં આવ્યો. ઈનફેક્ટ, ડેઈઝી, સ્વ. જ્યોર્જ તથા આખા લુકાસ ફેમીલીને હું સારી રીતે ઓળખતો હતો. વાત એમ હતી કે જ્યોર્જના મૃત્યુ પછી ડેઈઝી ખાતી, પીતી અને બોલતી બન્ધ થઈ ગઈ હતી. તે સહેજે રડી પણ નહોતી. આખો દીવસ નાહ્યા, ધોયા વગર શુષ્ક આંખે તે બાલ્કનીમાં બેસી રહેતી. તેણે તેની પર્સનલ કેર, જોબ વર્ક, સોશીયલ કોન્ટેક્ટ અને રુટીન એક્ટીવીટી બધું જ છોડી દીધું હતું. મને એક સાઈકીઆટ્રીસ્ટ તરીકે, ડેઈઝીની સારવાર તથા સારસમ્ભાળ અર્થે બોલાવવામાં આવ્યો હતો.

હું ડેઈઝીના એપાર્ટમેન્ટ પર ગયો ત્યારે ઢળતી સાંજનો સમય હતો. તે બાલ્કનીમાં શુન્યમનસ્ક વદને બેઠી હતી. તેના ચહેરા પર કોઈ પણ પ્રકારના ભાવ નહોતા; ઉદાસી કે દુ:ખનાય નહીં. તે એકદમ નીર્જીવ જણાતી હતી.

વેલ! ઈટ વોઝ એન ‘એક્યુટ ગ્રીફ રીએક્શન’ ઍન્ડ શી હેડ વીડ્રોન હરસેલ્ફ ફ્રોમ ઓલ કાઈન્ડ ઓફ સોશીયલ એક્ટીવીઝ! ઍન્ડ એઝ યુ નો, આપણે આ પ્રકારની પરીસ્થીતીમાં એન્ટીડીપ્રેશન્ટ ડ્રગ્ઝ બને ત્યાં સુધી આપતા નથી. મેં તે દીવસે તો ડેઈઝીની એક મીત્ર પાસેથી કેવળ માહીતીઓ જ એકઠી કરી અને બીજે દીવસે બન્નેને ક્લીનીક પર બોલાવ્યા.

તે દીવસથી મેં ડેઈઝી ઉપર વધારે ધ્યાન આપવાનું શરુ કર્યું, જેની એને જરુર હતી. હું તે બોલતી થાય અથવા રહે તે માટેના તમામ પ્રયત્નો કરતો. અને જે દીવસે તે જરા જેટલુંય બોલી શકતી તે દીવસે એને પણ સારું લાગતું. હું એને એવી તકો પુરી પાડતો જેથી એ પોતાની ફીલીંગ્ઝ સંવેદનો, આવેગો, લાગણીઓ વગેરે વ્યક્ત કરી શકે અને હળવાશ અનુભવી શકે. આ પ્રકારનું વેન્ટીલેશન એને ખુબ ઉપયોગી નીવડ્યું. ધીમે ધીમે તે ભુતકાળના એવા પ્રસંગો યાદ કરીને રડતી થઈ, જેમાં તેણે તેના પતી જ્યોર્જને છેતર્યા હોય. જે વાતનું ગીલ્ટ ડેઈઝીને ત્યારે નહોતું થયું તે હવે બમણી માત્રામાં થવા લાગ્યું. તે ક્યારેક જ્યોર્જ પ્રત્યેની તેની તીવ્ર રોષની લાગણી પણ પ્રગટ કરતી.

‘ઈમોશનલ કેર્થાસીસ’થી દસેક દીવસમાં જ તેના વર્તનમાં ફરક જણાવા માંડ્યો. તેણે પોતાની કાળજી લેવાનું ફરીથી શરુ કર્યું. તેણે ખાવાપીવાનું શરુ કર્યું અને પોતાના ઉંઘ, આરામ તથા કામ પર નીયમીતપણે ધ્યાન આપવાનું શરુ કર્યું. આ સમયગાળામાં હું તેને માટે જે કંઈ કરતો હતો તે એ હતું, જે કોઈ પણ ઉષ્માસભર માણસ પોતાના નીકટના સ્વજન માટે મુશ્કેલીના સમયમાં કરવા ચાહે, અને કરે પણ ખરો.

જીન્દગીની સાદી સીધી પ્રેમાળ વાતો. ‘આજે તું કોને મળશે ડઈઝી? ઓહ નો! નો! નેવર! ઘરે બેસી રહેવાની વાત જ નહીં. તને યાદ છે, તે કેટલાય મહીનાઓથી શોપીંગ નથી કર્યું! ઍન્ડ યુ ડુ લાઈક સ્વીમીંગ, ઈઝન્ટ ઈટ? ધેન વાય ડોન્ચ યુ થીન્ક ઓફ સ્ટાર્ટીંગ ઈટ અગેઈન? ઉંહુ! થાકનું બહાનું નહીં ચાલે.. તું શારીરીક રીતે પુરતી સશક્ત છે… ડેઈઝી! તારા ભુતકાળના દીવસોની કેટકેટલી વાતો તેં કેટકેટલી વાર કરી છે, ખરું ને! એ સમયે એ વાતો જરુરી હતી… હવે બીજું ઘણું બધું એનાથી વધારે જરુરી છે : તારું જીન્દગીમાં પુન: સરસ રીતે ગોઠવાઈ જવું. તારું જીવન પ્રત્યે અભીમુખ થવું વગેરે. વેન્ટીલેશન પુરું થયું.. હવે એડેપ્ટેશન અને એક્ચ્યુઅલ લીવીંગનો વારો.’

પણ ખબર નહીં કેમ, ડેઈઝી ટ્રીટમેન્ટના આ નવા તબક્કામાં બરાબર પ્રવેશી નહોતી શકતી. મેં આ ગાળામાં આમેય એના ઉપર ધ્યાન આપવાનું સહેજ ઓછું કર્યું હતું. કેમ કે તેની સ્થીતીમાં શરુઆતમાં જે નોંધપાત્ર સુધારો દેખાયો તેનાથી હું સન્તુષ્ટ હતો; પણ જ્યારે જ્યારે એકડેએકથી નવી ઈન્ડીપેન્ડન્ટ જીન્દગી જીવવાની શરુઆત કરવાની વાત આવતી કે તરત ડેઈઝી તરફથી કોઈક ને કોઈક પ્રકારના અન્તરાયો આવતા. હું એવું માનતો હતો કે હવે મારો રોલ પુરો થવા આવ્યો છે. ડેઈઝીને, તેની ઉપર આવી પડેલા અણધાર્યા આઘાતને કારણે જે ટુંકા ગાળા માટેની સપોર્ટીવ સાઈકોથેરાપીની જરુર હતી તે મેં પુરી પાડી હતી. અને એટલે જ હવે મારે થેરાપી/ટ્રીટમેન્ટ બન્ધ કરવી હતી.

અને મને નીમીત્ત પણ મળી ગયું. ઓક્ટોબરના અન્તમાં ડેઈઝીના હસબન્ડના મૃત્યુને છ મહીના પુરા થવા આવ્યા હતા. એ જ ગાળામાં મારે એક એકેડેમીક પ્રોગ્રામ અર્થે ઝુરીચ જવાનું હતું. મેં ડેઈઝીને બોલાવીને કહ્યું, ‘હું દોઢ–બે મહીના માટે સ્વીટ્ઝરલૅન્ડ જાઉં છું. સ્ટડી માટે. આમ પણ મારે હવે સેશન્સ કન્ટીન્યુ કરવાની જરુર નથી; છતાં તારા પ્રોગ્રેસની તું મને જાણ કરતી રહેજે. તને એક–બે કામ સોંપતો જાઉં છું.’ ડેઈઝીએ ચુપ રહીને જોયા કર્યું. તેના ચહેરા પર કંઈક અજબ પ્રકારના ભાવો હતા. તે ઓચીંતી ઉભી થઈ અને ‘સારું, જે સોંપશો તે પતાવી દઈશ’ કહીને જતી રહી. હું જોતો જ રહી ગયો. મને થયું કે તેને રોકું; પરન્તુ મને તેના ઉદ્દંડ જણાતા વર્તનની ભીતર રહેલી તેની ભાવુક સંવેદનશીલતા સ્પષ્ટ રીતે દેખાઈ, તેની અર્થચ્છાયાઓ સહીત સમજાઈ અને હું ધ્રુજી ઉઠ્યો. ઓ ગૉડ! તેને હજુય મારા આધારની જરુર છે!

સ્વીટ્ઝરલેન્ડમાં બે મહીના રહીને હું સ્ટેઈટ્સ પાછો ફર્યો ત્યારે વાતાવરણમાં ક્રીસમીસની ઉજવણીની તૈયારીઓનો તરવરાટ હતો. મેં મીત્રો સાથે નાનકડો ગેટ–ટુ ગેધર પ્રસંગ યોજ્યો; પણ તેમાં નીમન્ત્રેલા તમામ મહેમાનો આવ્યા અને એક માત્ર ડેઈઝી જ ન આવી. ત્યારે મને ખાતરી થઈ ગઈ કે તે હજીય મારા ઉપર રોષે ભરાયેલી છે, અને એ રોષ તે મારા ઉપર ઈમોશનલી ડીપેન્ડન્ટ થઈ ગઈ હતી તેનું પરીણામ છે. મને જાતજાતના વીચારો આવવા માંડ્યા. પેશન્ટને તેના થેરાપીસ્ટ પ્રત્યે પોઝીટીવ ફીલીંગ્ઝ (ટ્રાન્સફરન્સ) થઈ શકે છે તેમાં આટલું બધું પઝેશન અને ડીપેન્ડન્સ હોય એ ઠીક ન કહેવાય; પરન્તુ ડેઈઝીને આવું થયું એની જવાબદારી છેવટે તો મારી જ ને! હું ડેઈઝીના કેસમાં ખુબ મહેનત કરીને પણ ગમે તે રીતે તેને સ્વતન્ત્ર જીન્દગી જીવતા શીખવાડીશ. તે જે રીતે તેના ભુતકાળની અસરમાંથી બહાર નીકળી ગઈ છે, તે જ રીતે તેના આ મારા પ્રત્યેના બીનજરુરી લગાવમાંથી પણ બહાર નીકળી જશે.

અને મેં ડેઈઝીને નીયમીત મળવાનું શરુ કરીને તે માટે રીતસરના પ્રયત્નો શરુ કર્યા. ડેઈઝી બીજી રીતે પરીપકવ અને સમજદાર હોવાથી તેની સાથે તમામ સ્તરે વાતચીત શક્ય હતી. મેં તેને ધીમે ધીમે સમજ આપવી શરુ કરી કે એની જીન્દગીમાં આઘાતની ક્ષણોમાં મેં એને નાની બાળકીની જેમ સાચવી હતી. આથી એ જ લાગણી ને લગાવ એને પોતાના થેરાપીસ્ટ માટે ટ્રાન્સફરન્સ રુપે થઈ શકે; પણ આવી લાગણીઓને સમજપુર્વક ઉકેલવી અને નીવારવી શક્ય હોય છે. મે ડેઈઝીને તેના પોતાના જ વ્યક્તીત્વના પણ તેનાથી અજાણ એવા પાસાઓનો પરીચય કરાવ્યો.

તે પોતે પોતાની લાગણીઓને આળખે, સમજે અને ચકાસે એવો આગ્રહ રાખ્યો. મેં તેને બતાવ્યું કે તે સ્વયં પરીપુર્ણ છે. તે જેનાથી ઉપકૃત થઈ હોય અથવા જેના માટે આભારવશ હોય તેને આ રીતે સર્વસ્વ સમર્પી દે એને બદલે પોતાના જીવનમાં સ્થીરતા આવે પછી યોગ્ય પાત્ર શોધે તે વધુ આવકારદાયક ગણાય.

મારી અત્યાર સુધીની મહેનત–સફળતા એમાં હતી કે ડેઈઝી મારા પ્રયત્નોને પરીણામે ધીમે ધીમે મારા પ્રત્યેની લાગણીઓના ભારમાંથી બહાર નીકળીને સ્વતન્ત્ર થઈ ગઈ અને છેલ્લા તબક્કે તેના જ એક નજીકના મીત્ર જ્હૉન સાથે ખુબ નીકટતા કેળવી શકી. હું ખુશ હતો. કેમ કે ડેઈઝી અને જ્હૉન એકમેકની નજીક આવી રહ્યા હતા. જ્હૉન ડેઈઝીની ખુબ કાળજી લેતો હતો મને ખાતરી થઈ ગઈ કે આ તબક્કે હું કાયમ માટેય જો ઝુરીચ ચાલ્યો જાઉં તો પણ ડેઈઝી ભાંગી પડે એમ નથી; અને મજાકમાં ક્યારેક એ વાત હું ડેઈઝીને કહેતો પણ ખરો.

ડીનર પુરું થવા આવ્યું હતું. આજુબાજુ ઉંડી ખામોશી હતી; પરન્તુ આગળનું વાક્ય બોલતા અચાનક ડૉ. ફીરોઝને ગળે ડુમો ભરાઈ આવ્યો. તેમની આંખોના ખુણા ભીના થઈ ગયા. તેમનો અવાજ ધીમો અચકાતો હતો.

‘એ ટ્રેજેડી બીગીન્સ ફ્રોમ હીયર… ડૉક્ટર! પછીના સોમવારે ડેઈઝી મને મળવા ન આવી… ફોન પર પણ ન મળી… મંગળવારે મળી તો કહે કે સમય નથી મળતો. આથી ઝડપથી ઉઠીને ચાલી ગઈ… તે મારાથી સમ્પુર્ણ મુક્ત થઈ ગઈ હતી. મેં જ તેને એવું સુચવ્યું, સમજાવ્યું અને શીખવાડ્યું હોવા છતાં કોણ જાણે કેમ પણ તે મને મળી ન શકી તે મારાથી સહન જ ન થઈ શક્યું એટલું જ નહીં, મને ડેઈઝી ઉપર ગુસ્સો આવવા માંડ્યો. હું હઠાગ્રહી બનવા લાગ્યો. હું મારા વર્તન વીશે વીચારવા માંડ્યો છું અને સાચું કહું ડૉક્ટર! હું તેના વગર અસ્વસ્થ થઈ જાઉં છું. હું તેના વગર રહી શકતો નથી.’ આટલું કહીને ડૉ. ફીરોઝ નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

ડૉ. બેનરજીએ તેમનો હાથ પકડ્યો અને સાંત્વન આપ્યું. ‘ટેઈક ઈટ ઈઝી ડૉ. ફીરોઝ! તમારા પોતાના અંગત જીવનમાં શુન્યાવકાશથી હું માહીતગાર છું. તમે સાઈકીઆટ્રીસ્ટ ભલે હશો; પણ એથીય પહેલા તો એક માણસ છો એ નહીં ભુલો. એ માણસ જે પોતાની શક્તીઓ અને નબળાઈઓ જાણે છે અને સ્વીકારે છે. હવે આપણા ‘પ્રોફેશનલ એથીક્સ’ની વાત કરીએ તો મને વીશ્વાસ છે કે તમે આપમેળે જ આ લાગણીવશ અવસ્થામાંથી બહાર આવશો. ડેઈઝી જે પ્રક્રીયામાંથી પસાર થઈ તેમાંથી જ તમારે પણ પસાર થવાનું છે. અને સદભાગ્યે તમને એની ખબર છે. હું તમને કંઈ પણ હેલ્પ કરી શકું એમ હોઉં તો કહો ડૉક્ટર! આઈ એમ વીથ યુ.’

ટ્રાન્સ્ફરન્સ

‘સાઈકોથેરાપી’ દરમીયાન ઘણી વાર આવું બનતું હોય છે. દર્દીને ડૉક્ટર માટે જરુરથી વધારે આદર, પ્રેમ, લગાવ, ખેંચાણ થાય. જેને ‘પોઝીટીવ ટ્રાન્સફરન્સ’ કહેવાય છે. અલબત્ત, આને સમજવાથી અને તેના ઉકેલ તથા નીવારણથી થેરાપીમાં મદદ થતી હોય છે; પરન્તુ ક્યારેક તે અન્તરાયરુપ પણ બની રહે છે. આ જ રીતે દર્દીને તેના થેરાપીસ્ટ પ્રત્યે ગુસ્સો, અકળામણ, અણગમો, અરુચી જેવા ભાવો ઉત્પન્ન થઈ શકે છે, જેને ‘નેગેટીવ ટ્રાન્સફરન્સ’ કહેવાય છે.

પરન્તુ ડૉ. ફીરોઝને તેની ક્લાયન્ટ ડેઈઝી માટે જે ખેંચાણ, અનુકંપા, તીવ્ર ભાવાવેશ, કુણી લાગણીઓ જન્મ્યા તે થેરાપીના સન્દર્ભમાં બીનજરુરી હતા. આવી સંવેદનશીલ અવસ્થાને પોઝીટીવ કાઉન્ટરટ્રાન્સફરન્સ’ કહેવાય છે. જો થેરાપીસ્ટનું આંતર્જગત ઉંડી આંતર્સુઝ, ઑથેન્ટીક અનુભુતીઓ તથા દર્દી અને પ્રોફેશન પ્રત્યેની જવાબદારીઓથી સજ્જ હોય તો આ ‘કાઉન્ટરટ્રાન્સફરન્સ’ સમજપુર્વક ઓગાળી શકાતો હોય છે.

વળી ક્યારેક અધુરી માહીતી આપતા, સમજી ન શકાય એવી ફરીયાદો કરતા, ગમે તે સમયે ડૉક્ટરોને બોલાવતા, સમય ન જાળવતા તથા નીયમીત દવા ન કરતા દર્દીઓ પ્રત્યે ડૉક્ટરોને રોષ, ક્રોધ, તીરસ્કાર, દ્વીધા, ચીડ જેવા ભાવો જન્મતા હોય છે. આને ‘નેગેટીવ કાઉન્ટરટ્રાન્સફરન્સ’ કહેવાય છે.

દર્દીઓ અને ડૉક્ટરોના આવા એકમેક પ્રત્યેના તમામ પ્રકારના ભાવો ક્યારેક થેરાપીને સહાયરુપ બને છે; પરન્તુ ઘણે ભાગે તેને અવરોધે છે. આથી સૌથી મહત્ત્વની વાત એ છે કે સાઈકોથેરાપી જ શું કામ – કોઈ પણ ‘થેરાપ્યુટીક સેટઅપ’માં આવા તમામ ભાવોને ઓળખવા, જાણવા, સમજવા તથા ઉકેલવાનું ખુબ મહત્ત્વનું બની જાય છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત395003 ફોન : (0261) 7431449 પાનાં : 176,મુલ્ય :રુપીયા 50/)માંનો આ 13મો લેખ, પુસ્તકનાં પાન 94થી 98 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, અંગત 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

4 Comments

 1. સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસી પાસે ઘણી નવી માહિતી જાણી…જેવી કે
  ‘ હું તેને માટે જે કંઈ કરતો હતો તે એ હતું, જે કોઈ પણ ઉષ્માસભર માણસ પોતાના નીકટના સ્વજન માટે મુશ્કેલીના સમયમાં કરવા ચાહે, અને કરે પણ ખરો.
  ‘દર્દીને ડૉક્ટર માટે જરુરથી વધારે આદર, પ્રેમ, લગાવ, ખેંચાણ થાય. જેને ‘પોઝીટીવ ટ્રાન્સફરન્સ’ કહેવાય છે.’
  ‘કોઈ પણ ‘થેરાપ્યુટીક સેટઅપ’માં આવા તમામ ભાવોને ઓળખવા, જાણવા, સમજવા તથા ઉકેલવાનું ખુબ મહત્ત્વનું બની જાય છે.’
  કોઇ પણ વ્યાધીમા આ વાતો ખૂબ જરુરી…ઘણીવાર તબિબ ન હોય તેવા પણ આ વાતે દર્દીને મફત રાહત પહોંચાડે છે અને ખોટા ખર્ચામાંથી બચાવે છે તો કેટલાક રેશનાલીસ્ટો તેવાને ઊંટવૈદ તરીકે વર્ણવી અંધશ્રધ્ધામા ગણાવે છે !

  Liked by 1 person

 2. yes this is very deep case of psychological behavior, which happens rarely and again its very difficult for dr to come out of it step by step like her/his patient. And ass said that happens because dr is also Human being like us-having all feelings and cell memories which is stronger than logical mind.

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s