‘મહીલા દીન’ 08 March, 2020 નીમીત્તે, લેખક શ્રી. જય વસાવડાનો લેખ : ‘સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!’
આ લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છે! આવો, જયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…
(ચીત્ર સૌજન્ય : લેખકશ્રીનો બ્લૉગ)
સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!
–જય વસાવડા
સ્ત્રી ડરે છે, એકલી રહેવાથી
એ ડરે છે – અન્ધકારથી,
ને દીવસના અજવાળાથી.
પરીચીત – અપરીચીત પડોશીથી
ભરબપોરે વાગતી ડોરબેલથી
અડધી રાત્રે રણકી ઉઠતા ટેલીફોનથી
ને ટેલીગ્રામના નામમાત્રથી…
સ્ત્રી ડરે છે, તેના સુંદર દેખાવથી
રસ્તા પર પસાર થતા પુરુષથી
સાસુ, પતી, પુત્રથી
વાંદા, ઉન્દર, ને ઘરમાં ફરતી ગરોળીથી
સ્ત્રીને જોઈએ છે, સુરક્ષીતતા
ટેકો – ભલે તે કોઈનો પણ હોય,
કુમકુમથી માંડીને કુખ–
એવી તો લાખ વસ્તુઓથી
તે સજાવી લે છે પોતાના સ્ત્રીત્વને
પોતાની શક્તીને બાંધી લેતી
એ તમામ વસ્તુઓનું
તે જીવથીયે વધુ જતન કરે છે.
આકરા અવાજથી
તે શીથીલ બની જાય છે.
બારી બારણા બન્ધ કરી લઈને
પવન, વરસાદ કે સુર્યપ્રકાશ
ઈન્દ્રીયોના દરેક ઉઘાડને તે રોકી લે છે.
સ્ત્રી ડરે છે,
તેના પોતાના મનથી, વીચારથી,
માગણી કરતાં શરીરથી.
સ્ત્રી ડરે છે,
તેના પોતાથી
અન્ત સુધી!
કવીતા મહાજનની એક મર્મવેધક રચનાનો આ ગુજરાતી અનુવાદ મનીષા જોશીએ કર્યો છે. વાત અહીં કેવળ સાહીત્યીક નથી, વાસ્તવીક છે. સ્ત્રીનું સદીઓથી એક ચીત્રણ જ ‘ગભરું અબળા’ એવું થયું છે. મનુ મહારાજ ‘ન સ્ત્રી સ્વાતન્ત્રમર્હતી’ એવું ફરમાન બહાર પાડે કે, મોહમ્મદ સાહેબના અનુયાયીઓ ‘બે નારીની સાક્ષી બરાબર એક નરની સાક્ષી’નો ફતવો ચલાવે, ને મસીહા (જીસસ)ના કેટલાંક શીષ્યો વળી સ્ત્રી સાથેના સમ્બન્ધને જ ‘ઓરીજીનલ સીન’ (પાયાનું પાપ) ગણે – ત્યાં સ્ત્રી પુરુષની કેદમાં અને સમાજની નાગચુડમાં નખશીખ પકડાયેલી અને દબાયેલી રહેતી. ધીરે ધીરે યુરોપમાં રેનેસાં (નવજાગરણ)ની લહેરખીઓ આવી, આધુનીક શીક્ષણે, સ્ત્રીઓને સ્વતન્ત્ર પહેચાન માટે પ્રવૃત્ત કરી. પછી બે પ્રકારનાં આંદોલનો ચાલ્યાં. એક સ્ત્રીઓ તરફ થતા અન્યાય અને અત્યાચારને રોકી સામાજીક–ધાર્મીક કુરીવાજો કે કાયદો હટાવવાની ઝુંબેશ ચાલી. જેમ કે, ભારતમાં વીધવાવીવાહ, પશ્ચીમમાં છુટાછેડા પછી ભરણપોષણ વગેરે. બીજી નારીવાદી ચળવળ ચાલી. મજાકમાં જેને ‘બ્રા–બર્નીંગ’ કહેવામાં આવે છે, એવી આ ક્રાંતીમાં ખાસ્સો કોલાહલ થયો અને થાય છે. આ મથામણનાં હેતુઓ ઉમદા હતા. નારીને પોતાનું આગવું અસ્તીત્વ અને વ્યક્તીત્વ હોય એ વાતનો સ્વીકાર કરી, એને ખુદની મરજી મુજબ જીવવા દેવાની વાત હતી. ઘરકામના ઢસરડા કે જરીપુરાણી માનસીકતા કે પુરુષના ત્રાસના બોજમાંથી આઝાદ કરવાની વાત હતી. સ્ત્રીને પોતાની રીતે પગભર બની પોતાની મરજીથી સુખી કે આનન્દીત થવાની વાત હતી.
પણ ધીરે ધીરે રાજકીય ચળવળોની જેમ નારીવાદ માત્ર નીવેદનોમાં સીમીત થઈ ગયો. છતાંય, ઘણા ફેમીનીસ્ટસ આજે સન્તોષની નીન્દર લે છે કે પહેલાના પ્રમાણમાં સ્ત્રીઓ ખાસ્સી મુક્ત થઈ છે. નોકરી કરે છે, બહાર નીકળે છે. પોતાના સમ્બન્ધોના નીર્ણય જાતે લે છે. લગ્ન પછી પણ કઠપુતળી બનતી નથી. સ્વતન્ત્ર આવક મેળવે છે. સ્વતન્ત્ર રીતે ‘એન્ટરટેઈન’ થવાની એની પાસે ચોઈસ છે. એના કપડાં અને કોસ્મેટીક્સની રેન્જ પણ વધુ વેરાયટીવાળી થઈ છે. ટીવીનું રીમોટ એના હાથમાં છે. યુનીવર્સીટીઝની ડીગ્રીઝ પણ!
સરસ, પણ આમાં ફેમીનીસ્ટસના ફાળા કરતાં સાયન્ટીસ્ટસનો ફાળો વધુ છે. તેનું શું? સ્ત્રીઓ પ્રત્યેનો સામાજીક અભીગમ સ્ત્રીસંસ્થાઓને લીધે થોડોક (રીપીટ, થોડોક) બદલાયો હશે – પણ સ્ત્રીની સ્વતન્ત્રતાની જ વાત કરતા હોઈએ તો એ વીજ્ઞાને અપાવી છે!
બાત હજમ નહીં હુઈ? ચાલો, પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ. નારીમુક્તીની ચળવળ શરુ થઈ ત્યારથી નારીવાદી આંદોલનોનો એક મુદ્દો રહ્યો છે કે – સ્ત્રીને શ્રમવીભાજનના અન્યાયી ભાગરુપે ઘરની ચાર દીવાલોમાં કેદ થઈને રહી જવું પડ્યું છે. ઘરની ‘લક્ષ્મી’ના નામે એની શબ્દોથી પુજા થાય છે; પણ વાસ્તવમાં એ ઘરની ‘દાસી’ બની જાય છે. માત્ર માનસીક અકળામણ જ નહીં. શારીરીક થાક અપાવે એટલું ‘ઘરકામ’ રોજેરોજ નીરન્તર, આજીવન (કે બહુ સાસ ન બને તબ તક!) એણે વેઢારવાનું રહે છે. એક જમાનામાં ખાલી સવારે ઉઠીને કુવેથી પાણી ભરવા જતી પનીહારીઓના ગીતો રચાતા.
કવીઓ તો ‘પાણી ભરવા ગ્યા’તા’, કરીને પનીહારીના રસીક ગીતો લખે… પણ ક્યારેય વીચાર કર્યો છે કે સવારના પહોરમાં સુરજ ઉગે તે પહેલાં ઉઠીને બેડાં કાખ અને માથે લઈ ગામને છેડે આવેલા કુવે જવું, જાડું રાંઢવું (દોરડું) લઈ એને કુવામાં નાંખી વજનદાર વાસણને ઉપર સીંચવું, એ માથે ઉપાડીને પાછું ઘેર આવવું. આટલું કર્યા પછી કંઈ ‘હાશ’ કરીને નીરાંતે આરામ ન કરવાનો હોય – ગામડું હોય તો છાણ–વાસીદું કે દુધ દોહવાનું ચાલું થાય… શહેર હોય તો કપડાં ધોવાના, કામે જતા પુરુષોની તૈયારી કરવાની ચાલુ થાય… અને આ બધા વચ્ચે ચુલો તો સળગી જ જાય!
કલાકારો કે મહીલા મોરચાઓએ આ રોજીન્દી જાત નીચોવી દેતી ઘટમાળ સામે બુમરાણો તો ખુબ કરી… પણ ઉકેલ શું આપ્યો? કેવળ ચીત્કાર, સહાનુભુતી કે બહુ બહુ તો બળવાખોરી? ચાલો, બળવો કરીને સ્ત્રી (પુખ્ત હોય તો) એકલી રહેવા જતી રહી. પછી? પછી કપડાં–રસોઈ–પાણીની કડાકુટ એના માથે નહીં આવે? જસ્ટ ઈમેજીન, ફલશ – ટોઈલેટને બદલે જુના જાજરુ રહ્યા હોત તો કોની માથે સમાજ એનો ભાર નાખત?
આ ઉકેલ વીજ્ઞાને આપ્યો. નળની પાઈપલાઈન્સ આવી! પાણીની મોટર કે ડીપવેલ આવી! ઘેર બેઠાં ફટાફટ પાણી ભરાઈ જાય! (ગેરવહીવટને લીધે પાણી આવે જ નહીં – એ અલગ મુદ્દો થયો!) ચુલા સામે બેસીને રાખ ઉડતી હોય ત્યારે ધમણની જેમ છાતીઓ ફુલાવી ફુંક મારી આગ પેટાવવી પડે – એ વખતે આંખમાંથી પાણી નીકળ્યા વીના રહે જ નહીં! એ આંસુ ટૅકનોલૉજીની શોધથી હવે ઘેર ઘેર પહોંચેલા ગેસના સ્ટવ કે કુકીંગ રેન્જ જેવા ગેસના ચુલાએ આપ્યો. દીવાસળીનું સ્થાન લાઈટરે લીધું. કીચનમાં જઈને જરા મોડર્ન હોમ એપ્લાયન્સીસ તો નીહાળો! એકેએકમાં તમને સ્ત્રીની નીરાંતનો અહેસાસ થશે. તપેલામાં ઉકળતા પાણીમાં શાક બાફવું પડતું અને ગરમ પાણીમાં હાથ નાખીને ચકાસવું પડતું. ત્યાં પ્રેશર કુકરની સીટીઓ નારીનીરાંતની સાઈરનની જેમ વાગવા લાગી!
નોકરી કરતી સ્ત્રીએ ઘેર આવીને ફટાફટ ખાવાનું ગરમ કરવાનું છે? કુછ ફીકર નહીં. બસ, દો મીનટ! માઈક્રોવેવ ઓવનમાં રાખી દો! ચા બનાવવાની છે? ઈન્સ્ટંટ ટીમેકર કે ટીબોક્સ હાજર! ઢોકળાં–ગુલાબજાંબુ બનાવવા છે? ઈન્સ્ટંટ મીક્સ ઈઝ રેડી, મેડમ! આ કશું જ નથી કરવું? બહારથી પીઝાની હોમ ડીલીવરી મંગાવી લો. એ કેવી રીતે ઘેર બેઠા મંગાવશો? નેચરલી, ટેલીફોનથી! એ દેવા માટે ડીલીવરીબોય ચાલીને આવશે? ના, વાન કે સ્કુટર કે બાઈક પર આવશે! સાયન્સે કોમ્યુનીકેશન કે ટ્રાન્સપોર્ટેશનની ક્રાંતી ન કરી હોત તો?
કપડાંને ચોકડીમાં ધોકે ધોકે ધોઈને બાવડાં દુઃખાડવાને બદલે વોશીંગ મશીન આવી ગયા. રોજેરોજ દુધ કે શાકભાજી લેવાની દોડધામમાંથી ‘વેલકમ બ્રેક’ અપાવતા રેફ્રીજરેટર્સ આવી ગયા. ગળણે ગાળીને પાણી ભરવા કે ચોખ્ખાં પીવાના પાણી માટે બે શેરી દુર પદયાત્રા કરવાની જગ્યાએ વોટર પ્યુરીફાયર્સ આવી ગયા. વાંકા વળીને કચરો સાફ કરવાને બદલે વેક્યુમ કીલનર્સ આવી ગયા. ‘રેડી ટુ સર્વ’ ડ્રીન્કસ કે આઈસ્ક્રીમ પેક આવી ગયા. શરબત બનાવવાની મહેનતને સ્થાને સોફ્ટ ડ્રીન્કસ આવ્યા. ચટણી પીસવાના પથ્થરો કે ખાંડણી–દસ્તાની ઉપર મુઠ્ઠીઓ ભીંસવાને બદલે સ્વીચ દાબીને મીક્સર ચાલુ કરવાનું રહ્યું. આંગળા દાબીને જ્યુસ કાઢવાને સ્થાને જ્યુસર આવ્યું. સ્ત્રીને લાડમાં બધાં ‘રસોડાની રાણી’ ભલે કહે. ખરા અર્થમાં એ ‘કીચન ક્વીન’ વૈજ્ઞાનીક આવીષ્કારોથી જ બની છે. આ બધી નાની–નાની લાગતી ક્રીયાઓમાં સાથી પુરુષ (પતી, પીતા કે પુત્ર) મદદ કરે પણ ખરો, અને ન પણ કરે… પણ સાયન્સે તો અનકન્ડીશનલ ‘હેલ્પીંગ હેન્ડ’ લંબાવી જ દીધો છે! હવે વાંદા–મચ્છર મારવા હાથ નહીં, સ્પ્રે કે મોસ્કીટો મેટ ચલાવવી પડે છે!
છોડો રસોડાને… નારીને તો એમાંથી બહાર લઈ આવવી છે ને? ચાલો, સ્ત્રીને આર્થીક રીતે પગભર કરીએ. માત્ર રાહતકાર્યોમાં મળતી મજુરીની જેમ દયાભાવથી નહીં – ખરા અર્થમાં એને પોતાની – પસન્દગી મુજબ જીવવા મળે એવી સારી કમાણી સાથે… તો, એમાં એક જમાનો એવો હતો કે ખાસ પ્રકારના ટેકનીકલ કામો કે મહેનતના, યુદ્ધના કામોની બોલબાલા હતી. આજે વીજ્ઞાનની પ્રગતીને લીધે સ્ત્રી એરકન્ડીશન્ડ ઓફીસમાં બેસી આઈ.ટી. ઈન્ડસ્ટ્રીના સોફટવેર ડેવલપ કરી શકે છે! સાયન્સને લીધે ઉદ્યોગ અને શીક્ષણના કેટકેટલા ક્ષેત્રોના દરવાજા ખુલ્યા જ્યાં સ્ત્રીઓની કર્મચારીઓ તરીકે જરુર પડી! અને એવા રોજીન્દા કામકાજમાં પણ સ્ત્રીને સુરક્ષા અને સગવડતા આપવા વીજ્ઞાન વ્હારે આવ્યું જ! અગાઉની નર્સે કપડું ફાડીને પાટો બાંધવો પડતો, આજે બેન્ડ એઈડ લઈને ચોંટાડવાની રહે છે – એવું જ કંઈક! સ્ત્રીઓની સાથેના વર્તન–વ્યવહારમાં વધુ પારદર્શકતા રાખવી જ પડે એવી ‘સ્ટીંગ ઑપરેશન’ ટાઈપની કેમેરા કે વોઈસ રેકોર્ડરની ભેટ પણ વીજ્ઞાને જ આપી છે ને! જાતીય સતામણીને ઑફીસમાં થતી રોકી, રંગે હાથ ‘ઈન્ડીસન્ટ પ્રપોઝલ મેકર’ને પકડવો હોય, તો એ માટેનું ફોરેન્સીક સાયન્સ પણ ‘સાયન્સ’ જ છે!
બળાત્કાર કે જાતીય શોષણના ગુનાઓની ફરીયાદી સ્ત્રી સીમેન ટેસ્ટ કે ડી.એન.એ. ટેસ્ટ વીના કેટલી પાંગળી થઈ જતી હોત? સ્ત્રીને આવા અપરાધો છતાં પણ પ્રાકૃતીક રીતે સ્વરુપવાન દેખાવું ગમે છે. પહેલાં આમાં પણ એણે પુરુષની રહેમનજર નીચે રહેવું પડતું. વીજ્ઞાને સ્ત્રીને બ્રા આપી છે, ફેશને નહીં! પછી અન્ડરગાર્મેન્ટસનું માર્કેટીંગ ફેશન ઈન્ડસ્ટ્રીએ કર્યું, એ ખરું! લેટેસ્ટ ટૅકનોલૉજીકલ ડેવલપમેન્ટસથી નારીને ત્વચા, આંખ, હોઠ, શરીર, વાળનું સૌંદર્ય વધારવા અને જાળવવામાં (અને એના જોરે જગતને ઝુકાવવામાં) વૈજ્ઞાનીક સહાય મળતી રહી છે. ચામડીના દાગને લીધે અગાઉ વગર વાંકે છોકરીનું ભવીષ્ય અમાસના ચન્દ્ર જેવું થઈ જતું. આજે સીમ્પલ કોસ્મેટીક સર્જરીમાં એનો ઉકેલ છે. બોટોક્સના કરચલી હટાવતા ઈન્જેકશનથી લઈને સીલીકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટસ સુધી નારીની નમણી નજાકતને નીખાર વીજ્ઞાન આપતું રહ્યું છે. કુદરતે અધુરા મુકેલા વળાંકો મઠારતું રહ્યું છે.
મુદ્દો એકદમ ડીબેટેબલ છે; પણ નીર્ણય પુરુષને બદલે સ્ત્રીને સોંપો તો ક્યારેક બળાત્કાર જેવી મજબુરીમાં ગર્ભપાત પણ સ્ત્રી માટે જ આશીર્વાદરુપ બની શકે – કારણ કે, બાળઉછેરની સઘળી જવાબદારી આપણે ત્યાં મા પર જ ઢોળી દેવાય છે. એ સળગતા અંગારાને ન પકડો તો પણ કોન્ડોમ કે બર્થ કંટ્રોલ પીલ્સને લીધે સ્ત્રી કેટલી સુખી થઈ છે! માતૃત્વ અણધાર્યું કે અનીચ્છીનીય આવે ત્યારે બન્ધન અને પીડા બને છે. હવે સ્ત્રી સેક્સ માણી શકે છે; પણ મુમતાઝની જેમ પ્રેમની પાછળ આવતી પ્રસુતીપીડામાં શહીદ થઈ મકબરાના પાત્ર બનવાનો ભય એને સતાવતો નથી. મુશ્કેલ સ્થીતીમાં વીજ્ઞાન પ્રસુતી પણ સીઝેરીયનથી કરીને એનો જીવ બચાવે છે. માસીકસ્ત્રાવને લીધે કામ કર્યા વીના પીંજરે પુરાયેલા પંખીની જેમ ‘ખુણો પાળતી’ સ્ત્રીને સેનેટરી નેપકીને કે બચ્ચાના બાળોતીયાં બદલાવતી થાકેલી માતાને ડાઈપર્સે કેટલી મોકળાશ અપાવી છે – એ તો સ્ત્રીના ખોળીયામાં પ્રવેશ કરો તો જ પુરું સમજી શકો! વીમેન ફીગરને શેપમાં રાખતા જીમ્નેશ્યીમ ડાયેટ પ્લાન્સ પણ સાયન્ટીફીક ગીફ્ટ છે!
… અને સ્ત્રીમુક્તી એટલે સ્ત્રીના સ્વતન્ત્ર નીર્ણયના અધીકાર અને અંગત જીન્દગીના એકાંતનો આદર એવું માનો, તો યાદ રાખજો કે સેલફોન અને ઈન્ટરનેટના જોરે સાયન્સે એ શસ્ત્રો સ્ત્રીને આપ્યા છે, જેની સામે રીવોલ્વર કે તલવાર પણ કંઈ વીસાતમાં નથી. સ્ત્રીને કોઈ કાળે (અને આજે પણ) મીલકત ગણવામાં કોઈને શરમ નથી આવતી! માટે બુરખા કે લાજની નીચે સ્ત્રીને ચાર દીવાલોમાં ચુપ કરી રખાતી. હવે સ્ત્રી કોઈ પણ ખુણેથી જગતના કોઈ પણ ખુણે પળવારમાં ફોન, મેઈલ, ચેટ કે એસએમએસ કરી શકે છે. પોતાના બીઝનેસનો વીસ્તાર કરી શકે છે. મુંઝાય તો મદદ માટે પોકાર કરી શકે છે… અને કોઈનીયે ચોકીદારી છતાં ય મનગમતા સમ્બન્ધો બાંધી શકે છે. અત્યાર સુધી બહાર નીકળવાની મોકળાશને લીધે આ એકાધીકાર પુરુષોનો હતો. સાયન્સે સ્ત્રીને જ્ઞાન જ નથી આપ્યું, પ્રાઈવસી પણ આપી છે! ખરા અર્થમાં આઝાદ એ જ કહેવાય જેની પાસે પોતાનો ટાઈમ અને સ્પેસ હોય! ખુદની મરજીથી ચાલતી ચોઈસ હોય. ઈન્ટરનેટ પર ફેસબુક જેવા નેટવર્ક નારીને સ્વધીન કરે છે.
કોમ્યુનીકેશન ક્રાંતીએ એકલી પડતી સ્ત્રીઓને કમ્પની આપી છે. ટેલીવીઝન, મોબાઈલ કે ઈન્ટરનેટ/કોમ્પ્યુટર માત્ર મનોરંજન નથી એક સથવારો છે. સામી માંગણીઓ મુક્યા વીના મળતો આનન્દ અને તાજગીભર્યો સહારો છે. ગોગલ્સથી શુઝ અને પર્સથી લીપસ્ટીક સુધીની તો વાત આપણે છેડી જ નથી; પણ હજુ યે વીજ્ઞાને નારી મુક્તીની પાંખોમાં પુરેલા પવન અંગે મનડું ડામાડોળ હોય તો જરાક વીચારજો – સીલાઈ મશીન ન શોધાયું હોત તો? આજના ડ્રેસીંગ કેવી રીતે બનત? અને વાહનો ન શોધાયા હોત તો? જેને કામીની નહીં પણ માનુની બનવું છે એવી બાળાઓ શાળા–કૉલેજ કેવી રીતે જાત? ઝાંસીની રાણી ભલે તલવાર ને અશ્વ લઈને ક્રાંતીની ચીંગારી લઈને ચાલી, 21મી સદીની લક્ષ્મીઓ સ્કુટી પર સવાર થઈ સેલફોન કમરે ઝુલાવીને જગતને પડકારવાની છે! 8 માર્ચનો ‘મહીલા દીન’ પસાર થઈ જાય પછી; પણ સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છે!
ઝીંગ થીંગ
“જીન્દગી ઔરતો માટે કેટલી હસીન હોત…
જો મચ્છર લોહીને બદલે ચરબી ચુસી લેતા હોત!”
●સેજલ શાહ, લંડન●
–જય વસાવડા
‘મહીલા દીન’ (08 માર્ચ)ને સમર્પીત લેખ, લેખકશ્રીના બ્લૉગ : ‘planetJV’ ( https://planetjv.wordpress.com/ ) પર તા. 07 માર્ચ, 2013ના રોજ પ્રગટ થયેલ પોસ્ટમાંથી લેખકશ્રી અને ‘planetJV’ બ્લૉગના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. જય વસાવડા, બ્લોકનં– ૯, અક્ષરધામ સોસાયટી, ગોંડલ : 360 311 ફોન : (02825) 22377 સેલફોન : 98254 37373 ઈ–મેઈલ : jayvaz@gmail.com બ્લૉગ : http://planetjv.wordpress.com/
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
શ્રી જય વસાવડાનો લેખ વાંચ્યો…..સ્ત્રીઓની મુક્તિ…..વિજ્ઞાનની દેણ.
માર્ચની તારીખ ૮….મહિલા દિન તરીકે ઉજવાય છે. અેમ પણ કહેવાય કે રોજીંદા દિવસોમાં ,જે સ્વીકારાયુ ન્હોતું…કે સ્વીકારાતુ નથી ,તેને સ્વીકારવા લોકોને જાગૃત કરવાનો ફોર્સફૂલ દિવસ. ( અેક દિન કી ચાંદની…ફીર અંઘેરી રાત…) આ તો ભારતની આઝાદીના દિવસની ઉજવણી જેવી જ વાત થઇ ને ?
સાચા મન અને હૃદયથી સાચો ‘ મહિલા દિન ‘ ક્યારે ઉજવાશે ?
જય ભાઇઅે વિજ્ઞાનની શોઘો દ્વારા ,સ્ત્રીઓની, ૨૦૨૦માં , રોજીંદી જીંદગી જીવવામાં કેટલી મદદ…સમય અને મહેનત બચાવવામાં, મળી છે તેનું વર્ણન મળ્યું.
ટૂંકમાં, વિજ્ઞાનનો ફાળો……સ્ત્રીઓની રોજીંદી ભૌતિક અને શારિરિક જરુરિઆતો માટે….આ લેખ વંચાયો છે..
માનવીને … સ્ત્રી અને પુરુષ ,બન્નેને બે પ્રકારની રોજીંદી જરુરીઆતો હોય છે. ૧. ભૌતિક ૨. માનસિક અથવા ઇમોશનલ.જેમાં હૃદય અને મગજ અગત્યનો ભાગ ભજવે છે.
જ્યારથી ‘ સ્ત્રી અને પુરુષ‘ અેમ માનવ જીવન જીવવાના બે ચક્રોની સમજ માનવીને પડી ત્યારથી બન્નેને પોત પોતાના ‘ રોલ ‘ ની સમજ પણ પડી ગયેલી અને તેને નીભાવતા નિભાવતાં જીવન જીવાતા થયા હતાં. પુરુષ માંસળ અને શક્તિશાળી. સ્ત્રી, નાજુક અને બાળસંભાળની ડયુટી બજાવનાર….ઘરરખ્ખુ રોલમાં જીવનાર.
માનવ મન જેમ જેમ સ્વાર્થી થતું ગયું ત્યારથી ‘ પુરુષપ્રઘાન ‘ બનતું ગયું. તે આજે પણ જાણે અજાણે સર્વોપરી છે. મહિલા દિનની ઉજવણી તો ‘ આઇવોશ ‘ છે. જે કોઇ આઝાદી મળી છે, જેમાં અેજ્યુકેશન અને માનસિક અગ્રતા સ્ત્રીઓઅે સાબિત કરી છે તેને પુરુષપ્રઘાન સમાજે સ્વીકારીને…પુરુષ કરતાં ઓછા પગારે રોરવવાની પ્ઘ્ઘતિ તો અપનાવી દીઘી જ છે.
મનુઅે તો કાયદો બનાવેલો કે સ્ત્રી અને શુદ્રને શિક્ષણ આપવું નહિ. અને આપણે સૌ મનુમહારાજના વારસદારો…..સ્ત્રીને આઝાદી ?????? જીન્સમાં પરોવાયેલા લક્ષણો કેવી રીતે ભૂસી શકાય ?
હવે વિજ્ઞાનની વાત કરીઅે.
કુદરતે…..વિશ્વને બનાવ્યું ત્યારે જે ડીક્ઝાઇન બનાવેલી તેમાં ૧. પુરુષલીંગ અને ૨. સ્ત્રીલીંગ.
બન્નેને પોત પોતના કર્મો શોંપેલાં. હકિકતમાં તો કુદરતે જ્યારે ‘ જીવ ‘ બનાવેલો ત્યારે બન્ને લીંગને જે કર્મો શોંપેલા તે થકી તો મૂળે ફક્ત ત્ર૬ તબ્ક્કાનું જીવન જ આપેલું.
(અ) જ્ન્મ લેવો. ( બ્) બન્ને લીંગે સાથે મળીને પ્રજનન કરીને વંશવેલો વઘારવો અને (ક) મરણશરણ થઇને નાશ પામવું.
આજનું જે જીવન આપણે જીવી રહ્યા છીઅે તે બઘું તો માનવ મગજના સર્જનો છે. અને તે સર્જનો પણ ડાર્વિનના નિયમો ને અનુસરે છે. અેડેડ કાર્યો…..છે…..ઉભા કરેલા કામો છે….
મારે જે કહેવાનું છે તે અે છે કે જે બે લીંગો બનેલા છે તે કુદરતી રીતે ‘ કેમીકલૉ ‘ દ્વારા જુદા કર્મો માટે સર્જાયેલાં છે. . હોરમોન્સ સ્ત્રી અને પુરુષને જુદા માનસિક અને ઇમોશનલ જીવનો જીવવાના આદેશો આપે છે.
પુરુષ કરતાં સ્ત્રી લાગણીઓના સંદર્ભમાં પોચી. તેનું જીવન જન્મથી તે મરણ સુઘી હૃદયની બાબતે જુદું. તેને જે આઝાદી જોઇઅે છે તે છે…..પ્રેમની બાબતે…..હૃદયની બાબતે….
ભૌતિક જરુરીઆતો તે પ્રેમ અને હૃદયની પુર્તિમાં આવી જશે.
આ ભૌતિક જગતને અનુરુપ સફળ જીવન જીવવાની આઝાદી અે તો બીજું પગથીંયું છે.
સ્ત્રી જ્યારે પોતાના મન…મગજ અને હૃદયથી ઓપનલી સ્વીકારશે કે તેને જોઇતી આઝાદી તેને મળી ગઇ ત્યારે ‘ મહિલા દિન ‘‘ ની ઉજવણી સાર્થક બનશે….કુદરતના નિયમોના પાલનની સથે સાથે……..
ભૌતક આઝાદી ??????????????્
અમૃત હઝારી.
LikeLiked by 2 people
“વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે!”
નારી તે નારાયણિ – નારી પાસે આટલી શક્તિ હોવા છતાં શા માટે ભારતમા – ખાસ કરી ને દિલ્હી માં – નારી ને બળાત્કાર નુ નિશાન બનાવવામાં આવે છે? દર રોજ છાપામાં આવા સમાચારો હોય છે. શું વિજ્ઞાન કોઈ ઍવી શોધ કરી શકશે કે તે થકી નારી ને આવા જુલમ થી બચાવી શકાય???
LikeLike
સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી! મા –જય વસાવડાનો સ રસ લેખ
૮ માર્ચ – વિશ્વ મહિલા દિવસ ।
સમાજના બંધારણમાં, વિકાસમાં અને સાતત્યમાં સ્ત્રીનું સ્થાન મહત્વપૂર્ણ છે.લેડીસ ર્ફ્સ્ટ, સ્ત્રી સશક્તિકરણ- સ્ત્રીદાક્ષિણ્ય, સ્ત્રી સમાનતા જેવા અનેક કહેવાતા અભિયાનો વર્ષોથી દુનિયાભરમાં ચાલતા રહે છે. હકીકતમાં સ્ત્રીઓની વિશેષ તરફ્દારી જ તેમને માટે અન્યાયકર્તા છે. સ્ત્રીની વિશિષ્ટતા અને શક્તિનો સ્વીકાર વિજ્ઞાન પણ કરે છે. વિજ્ઞાન હંમેશા શોધ, સંશોધન, તારણો જેવી વિશ્લેષણાત્મક પદ્ધતિ અપનાવે છે સાથે જયારે સામાન્ય સમજ અને રોજબરોજના અનુભવ, નિરીક્ષણથી આ વાત વધુ સમજાય જાય તેવી છે.કેટલીક સ્ત્રીઓ જે પોતાની અને સમાજની ગ્રંથિઓને તોડી શકી છે તે મંગળ તરફ ગતિ કરી રહી છે. મંગળ તરફ ભારતનાં અવકાશી આરોહણમાં સ્ત્રીશક્તિ પણ હતી જ. સાયન્સ એટલે કે વિજ્ઞાનશાખામાં જતી નારીની સંખ્યા હજીય ઓછી જ છે, કારણ કે મુક્ત આકાશમાં એક પગલું ભરતાં હજીય ખચકાટ અનુભવાય છે.
વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીનાં માધ્યમથી પ્રગતી કરી રહ્યું છે, તેમ તેમ તેને સામાજિક વ્યવસ્થા અને સંતુલન માટે આધ્યાત્મિક દ્રષ્ટિકોણની જરૂર પડશે એ અતિક્રમણથી પડતા ડાઘની અસર અને એનાથી મુક્ત થવાનો સરળ ઉપાય અનુભવી જ્ઞાની સિવાય કોણ બતાવી શકે? … મજબૂત થાય અને એમ કરતા કરતા સંપૂર્ણ દોષ મુક્ત થઈ શકે એવી જબરજસ્ત શક્તિ આ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનના વિજ્ઞાનમાં રહેલી છે.
LikeLiked by 1 person
ધન્યવાદ… વીનોદભાઈ 🙏
LikeLike