12મી માર્ચ, એ ગુજરાતના વરીષ્ઠ લેખક, ચીન્તક અને રૅશનાલીસ્ટ રમણભાઈ પાઠક ‘વાચસ્પતી’ના દેહાવસાનની તીથી છે. એ નીમીત્તે આ વર્ષે અમે, બે ‘ઈ.બુક્સ’ (1) ‘આપણો માંદો સમાજ’ અને (2) ‘વાસ્તુશાસ્ત્ર : વીજ્ઞાન કે અજ્ઞાન’ને લોકાર્પીત કરીએ છીએ. તે સાથે, પ્રા. રમણભાઈના લેખસંગ્રહ ‘વીવેકને વળાંકે’નું સમ્પાદન રૅશનાલીસ્ટ એન. વી. ચાવડાએ કર્યું; તેમાં તેમણે એ પુસ્તકમાં રમણભાઈનો વીશીષ્ટ પરીચય કરાવેલો તે ‘પરીચયલેખ’ પણ લોકાર્પીત કરીએ છીએ..
આ રીતે દીવંગત ર.પા.નું સ્મરણ કરી અમે, ‘અભીવ્યક્તી’ બ્લૉગ અને ‘મણી મારુ પ્રકાશન’ પરીવાર, સ્મરણીય રમણભાઈને હૃદયપુર્વક ભાવાંજલી અર્પીએ છીએ.
‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books પરથી બન્ને ‘ઈ.બુક્સ’ ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને આ વીધી ન ફાવે અને મને પોતાનું પુરું નામ–સરનામું, કૉન્ટેક્ટ નમ્બર સાથે લખશે તેમને હું ‘ઈ.બુક્સ’ ઈ.મેઈલ/વોટ્સએપથી મોકલી આપીશ.
–ગોવીન્દ મારુ
govindmaru@gmail.com
અલગારી રૅશનાલીસ્ટ : પ્રા. રમણ પાઠક
–એન. વી. ચાવડા
ગુજરાતના વરીષ્ઠ અને સુપ્રસીદ્ધ રૅશનાલીસ્ટ પ્રા. રમણ પાઠકના લેખોનો એક સંગ્રહ ‘ઉંઝા–જોડણી’માં પ્રસીદ્ધ થાય એવા હેતુથી એ લેખોના સમ્પાદનકાર્યની જવાબદારી ‘ઉંઝા–જોડણી’ના પ્રખર સમર્થક અને પ્રચારક શ્રી. ઉત્તમભાઈ ગજ્જરે મારા શીરે નાખી, ત્યારે મને ખુબ ગૌરવયુક્ત આનન્દ થયો.
આ લેખસંગ્રહ દ્વારા બે ઉમદા હેતુ એક સાથે સીદ્ધ થતા જણાય છે. એક, ‘ઉંઝા–જોડણી’નો પ્રચાર અને પ્રસાર અને બીજો, જીવનનાં દરેક ક્ષેત્રમાં રૅશનલદૃષ્ટી વીકસાવી તે દ્વારા રૅશનાલીઝમની જીવન જીવવાની એક શ્રેષ્ઠ કળાનો પણ પ્રચાર અને પ્રસાર. રમણભાઈને આ બન્ને ઉમદા હેતુ સાથે અતુટ અને અનન્ય નાતો છે. જેવા તેઓ રૅશનાલીઝમના પ્રખર અને પ્રકાંડ પંડીત છે; તેવા તેઓ ‘ઉંઝા–જોડણી’ના પણ શરુઆતથી જ પ્રબળ અને સક્ષમ પુરસ્કર્તા રહ્યા છે.
આજે તો ગુજરાતમાં અનેક સામયીકો નીયમીત રુપે એક જ ‘ઈ’ અને ‘ઉ’વાળી ‘ઉંઝા–જોડણી’માં પ્રગટ થાય છે. તથા આજ સુધીમાં વીવીધ વીષયોનાં સીત્તેર જેટલાં પુસ્તકો પણ ‘ઉંઝા–જોડણી’માં પ્રગટ થયાં છે, પ્રશંસા પામ્યાં છે અને દર મહીને પ્રગટ થતાં રહે છે. આમ, ધીમે ધીમે પણ લોકમત ‘ઉંઝા–જોડણી’ તરફે થતો જાય છે. 2004માં, ‘ઉંઝા–જોડણી’માં પ્રકાશીત બે પુસ્તકોને ‘ગુજરાતી સાહીત્ય પરીષદે’ પણ પારીતોષીક આપી સન્માન્યાં છે! વીદ્વજ્જનોના સહાનુભુતીભર્યા આ કુણા વલણથી હર્ષ થાય છે. વાચકમીત્રો જોઈ શકશે કે આ પુસ્તક પણ એક જ ‘ઈ’ અને ‘ઉ’વાળી ‘ઉંઝા–જોડણી’માં છપાયેલું છે તે એનું એક વીશીષ્ટ પાસું છે. મુરબ્બી ઉત્તમભાઈ ગજ્જરના સક્રીય સાથ–પ્રયાસને કારણે જ આ શક્ય બન્યું છે, તે માટે તેઓ અનોખા અભીનન્દનના અધીકારી છે.
જોડણીની ચર્ચામાં ચંચુપાત કરવાનું મારું ગજું નહીં; પરન્તુ બન્ને પક્ષ – જોડણી સુધારાવાદીઓ અને નાફેરવાદીઓ – ની દલીલો વાંચ્યા પછી હું પણ ‘ઉંઝા–જોડણી’નો પાક્કો તરફદાર બન્યો છું. મારું એક પુસ્તક ‘વર્ણવ્યવસ્થા : એક ષડયન્ત્ર’, જેની બે આવૃત્તી થઈ ચુકી છે તે પણ ‘ઉંઝા–જોડણી’માં જ પ્રસીદ્ધ કરાવ્યું છે. તે વાંચી એક વાચકમીત્રે ખુશ થઈ મને લખ્યું, ‘ઉંઝા–જોડણી’ને હવેથી ‘ઉમદા જોડણી’ જાહેર કરો!’ ર.પા. તો ‘ઉંઝા–જોડણી’ વૈજ્ઞાનીક હોવાથી એને ‘રૅશનલ જોડણી’ કહે છે.
મારો ઉમળકો અને ઝોક રૅશનાલીઝમ તરફ વીશેષ. મારા સ્વાનુભવને આધારે, આજે હું ખાતરીપુર્વક કહી શકું કે જો રમણ પાઠક નહીં થયા હોત તો ગુજરાતમાં આજે રૅશનાલીઝમને ભાગ્યે જ કોઈ ઓળખતું હોત. સુરતના લોકપ્રીય દૈનીક ‘ગુજરાતમીત્ર’માં છેલ્લાં ત્રીસ વરસથી નીયમીત રીતે પ્રગટ થતી પ્રા. રમણ પાઠકની કટાર ‘રમણભ્રમણ’ વાંચીને જ હું રૅશનાલીસ્ટ બની; ગુરુ, ગ્રંથ અને પંથની ગુલામીમાંથી મુક્ત થઈ; આજે ‘મુક્તાનન્દ’ની જીન્દગી માણી રહ્યો છું. અર્થાત્ ગણેશપુરીવાળા મુક્તાનન્દબાબાની ગુરુગીરીમાંથી મુક્ત થઈને…
પ્રા. રમણ પાઠકે ગુજરાતના મારા જેવા લાખો યુવાનોને રૅશનાલીસ્ટ બનાવ્યા છે. એક અજબ આશ્ચર્ય, આનન્દ અને ગૌરવની વાત એ છે કે, ગુજરાતનાં શહેરો ઉપરાંત ઉંડાણનાં ગામડાઓમાં પણ આંબેડકરવાદી જાગૃત દલીત યુવાનો રમણભાઈ અને તેમના રૅશનાલીઝમથી ખાસ્સા પરીચીત અને પ્રભાવીત છે. તેઓ ર.પા.નું નામ પુરા માન અને આદરથી લે છે. કેટલાક મીત્રો ઘણીવાર કહે છે કે કોઈ બ્રાહ્મણ કદી વર્ણવ્યવસ્થાનો વીરોધી ન હોઈ શકે; પરન્તુ મારા પન્દરેક વરસના તેમની સાથેના અંગત પરીચયને કારણે હું બેધડક કહી શકું કે, ર.પા. જેવા સાચા, પાકા અને પ્રામાણીક રૅશનાલીસ્ટ છે, તેવા જ તેઓ વર્ણવ્યવસ્થાના એકદમ કટુ ટીકાકાર છે. અમારી સભામાં એક વાર તેમણે કહેલું ‘મને તમારા જેવો દલીત ગણી લેજો’ – એ શબ્દો હજીય મારા કાનમાં ગુંજે છે.
જેને મળી નયન ઠરે અને હૃદય પ્રસન્નતાથી ઉભરાઈ જાય એવા રૅશનાલીસ્ટ તો રમણ પાઠક જ. તેઓ જેવું વીચારે છે; તેવું જ બોલે છે, તેવું જ લખે છે અને તેવું જ જીવન પણ જીવે છે. આયુષ્યના આઠ દાયકા પછી અને રૅશનાલીઝમના ત્રણ–ચાર દાયકાના ખેડાણ પછી પણ; જેઓ રેશનાલીઝમનું સાહીત્ય વાંચવા–સમજવામાં રત રહેતા હોય તેમની રૅશનાલીઝમનીષ્ઠા કેવી અનન્ય, અમાપ, અદમ્ય અને અનોખી હશે તે સહેજે સમજી શકાય છે. એટલા માટે તેઓ એવા રૅશનાલીસ્ટ છે કે, જેમના હૃદયમાં સમાજ પ્રત્યે અપરમ્પાર કરુણા ભરી પડી છે. તેમને જો કેટલીક લાચારી ન નડી હોત તો, દેશને એક પ્રચંડ અને સફળ સમાજસુધારક પ્રાપ્ત થયો હોત. વર્ણવ્યવસ્થાવાદી સમાજ પ્રત્યેનો તેમનો આક્રોશ, ‘વર્ણવ્યવસ્થા–એક ષડયન્ત્ર’ નામક મારા પુસ્તકની તેમણે લખેલી મુલ્યવાન પ્રસ્તાવનામાં જોઈ શકાય છે. આવી મર્મભેદી વાણી લખવાનું રમણ પાઠક સીવાય કોનું ગજુ હોઈ શકે?
મેં મારા જીવનમાં રમણભાઈ જેવી સરળ, શાંત, વીનમ્ર, નીર્દમ્ભ, નીર્વૈર, નીર્મળ, નીષ્કપટ અને નીરહંકારી એકે વ્યક્તી જોઈ નથી. એમના મનમાં કોઈના પ્રત્યે દ્વેષ કે વેરભાવ નથી. અલબત્ત, એમની વીચારધારાને લીધે એમના પ્રસંશકો કરતાંય કદાચ વીરોધીઓની સંખ્યા વધારે હશે; છતાં એમના દીલમાં તો તેમના માટેય પ્રેમ જ છે. વાતવાતમાં ક્યારેક તેઓ કહેતા હોય છે કે, હું કદીય મોટા અવાજે બોલ્યો નથી, મેં ઘાંટો પાડ્યો નથી કે કદી કોઈના પર ગુસ્સે થયો નથી.’ કોઈનાય પ્રત્યે રમણભાઈને જરાય દુશ્મનાવટ નથી, બદલાની કોઈ જ ભાવના કદી તેઓ રાખતા નથી. દીલમાં દંશ તો કદીય નહીં. બધી જ પરીસ્થીતીમાં સમાનભાવે તેઓ શાંત રહી, તેનો સહજ સ્વીકાર કરી, હસી નાખે છે. તેઓ કહે છે, આ ટુંકી જીન્દગીમાં છ અબજની માનવજાતને ચાહવા માટે પુરતો સમય નથી, તો કોઈનો ધીક્કાર કે તીરસ્કાર કરવા માટે સમય કાઢવો જ ક્યાંથી?
સ્વાનુભવે હું જોઈ શક્યો છું કે એમને પ્રસીદ્ધી, માન–મોટાઈ કે ધન–સમ્પત્તીની કશી જ પડી નથી. જે ફ્લેટમાં તેઓ રહે છે તેને વીશે તેઓ કહે છે કે, ‘હું એકલો આવડો મોટો ફ્લેટ દબાવીને બેઠો છું. સમાજવ્યવસ્થામાં જો સમાનતાલક્ષી હોય તો આટલી જગ્યા અનેક માણસોને કામ આવે!!’ જો કે સૌ જાણે છે કે આ ફ્લેટ એમની માલીકીનો તો છે જ નહીં! રમણભાઈ પાસે તો ગામમાં ઘરેય નથી અને સીમમાં ખેતરેય નથી, અને વળી બૅન્કમાં શું હશે તે તો બૅન્કવાળા જ જાણે! રમણભાઈએ ધાર્યું હોત તો લલીતનીબંધો, હાસ્યનીબંધો, નવલીકાઓ, નવલકથાઓ આદી સર્જનાત્મક સાહીત્ય રચી તેઓ ધનવાન અને પ્રસીદ્ધ સાહીત્યકાર બની શક્યા હોત; કારણ કે એમની લેખનીનું સામર્થ્ય સબળ છે. એમનાં પચાસ કરતાંય વધારે પુસ્તકો પ્રગટ થયાં છે અનેક પુસ્તકોને તેમની મુલ્યવાન પ્રસ્તાવન પણ પ્રાપ્ત થઈ છે.
નીબંધો, કાવ્યો, નાટકો, વાર્તાઓ, નવલકથાઓ અને વીવેચનગ્રંથો વીશે એમની વીશીષ્ટ અને તલસ્પર્શી વીવેચના જો કદી તમે સાંભળો તો સાહીત્યનાં એ તમામ પાસાંઓ વીશેની તેમની તજ્જ્ઞતા, વીદ્વતા, સજ્જતા જોઈને દંગ થઈ જાઓ! એમના ભાષણ કે સંભાષણમાં પ્રાસાદીકતા સાથે હળવી રમુજ વહેતી રહે અને શ્રોતા મરકતા રહે. આ પણ એમની અનોખી વીશીષ્ટતા છે.
આ ઉમ્મરે પણ સદા સુટેડબુટેડ અને નેકટાઈ સાથે વીહરતા રમણભાઈને કોઈ જુએ તો માની બેસે કે આ માણસ ભારે વરણાગીયો અને ભોગી હશે; પરન્તુ એમના અંગત જીવનમાં ડોકીયું કરનારને અવશ્ય લાગે કે આ તો ત્યાગી અને વીરક્ત પુરુષ છે. એમને ખબર પડે જ કે સામેની વ્યક્તી એમને છેતરી રહી છે, તોય તેઓ ઈરાદાપુર્વક એવી રીતે છેતરાઈ જાય કે સામેની વ્યક્તીને એની જાણ પણ નહીં થાય કે રમણભાઈ એની પોલ જાણી ગયા છે. ઘરે આવી સરોજબહેનને વાત કરે કે પોતે કઈ રીતે જાણીજોઈને છેતરાયા, ત્યારે બન્ને જણાં છેતરાયાનો આનન્દ માણે! ત્યારે આપણને સંત કબીરનો પેલો દોહો યાદ આવી જાય :
કબીરા આપ ઠગાઈયે, ઓર ન ઠગીયે કોઈ;
આપ ઠગે સુખ હોત હૈ, ઓર ઠગે દુ:ખ હોઈ!
ખરેખર, રમણભાઈ કબીર કથીત અવસ્થામાં જીવનાર એક ‘મસ્ત–અલગારી રૅશનાલીસ્ટ’ છે.
સમાજમાં આજે એવો ભ્રમ ફેલાયો છે કે રૅશનાલીઝમ એ ધર્મ અને અધ્યાત્મ, આત્મા અને ઈશ્વરનો વીરોધ કરનારી માત્ર એક ખંડનાત્મક – નાસ્તીકતાવાદી વીચારધારા છે. જ્યારે વાસ્તવમાં રૅશનાલીઝમ એ ગ્રંથીમુક્ત, સુખી અને આનનદમય જીવન જીવવાની એક શ્રેષ્ઠ કલા છે, જે પ્રાચીન ભારતીય જીવનરીતી પણ છે જ. એની પ્રતીતી થાય એ અર્થે જ આ લેખસંગ્રહમાં ધર્મ અને અધ્યાત્મ વીષયક લેખો સાથે સાથે શૈક્ષણીક, સામાજીક, સાંસ્કૃતીક, રાજકીય, આર્થીક, ખગોળવીષયક આદી અનેક વીષયોને આવરી લેતા રમણભાઈના મૌલીક વીચારણા દર્શાવતા વીવીધ લેખો પસંદ કરવામાં આવ્યા છે. લેખો વીશે કશું લખવું ઉચીત નથી. હીરાને પ્રકાશવા અન્ય પ્રકાશની ગરજ નથી. તે પોતે જ પ્રકાશ પાથરી શકે છે. રમણભાઈ કહેતા હોય છે કે, ‘એક આદીવાસી ભુતપ્રેતમાં, એક શીક્ષીત મુક્તાનન્દબાબામાં અને એક શાસ્ત્રજ્ઞ બ્રહ્મમાં માને છે; વાસ્તવમાં આ ત્રણેય વહેમ અને અન્ધશ્રદ્ધાની સમાન માનસીક ભુમીકામાં સ્થીર છે. બ્રહ્મ પણ મોટો ભ્રમ જ છે. આપણાં ધર્મશાસ્ત્રો એટલે કૉમનસૅન્સ વત્તા નૉનસૅન્સ, અર્થાત્ થોડીક સારી–સામાન્ય વાતો અને વધારે તો બુદ્ધીહીન વાતોથી ભરેલાં છે.’ આ લેખો વાંચીને વાચક સ્વયં સમજી શકશે કે, જીવનનાં સર્વ ક્ષેત્રોમાં જો રૅશનાલીઝમ આવી જાય તો પછી ગ્રંથીઓમાંથી કેવી મુક્તી મળે અને તો સમાજ સમજ, સુખ અને આનન્દથી કેવો મહેકી ઉઠે!
હું તો એટલું જ કહી શકું એમ છું કે આ લેખો જીવન જીવવાની સાચી કળા શીખવનારા અદ્ભુત લેખો છે, જે વાંચતાં વાચકને પણ મારી જેમ અદ્ભુત આનન્દ અને જ્ઞાનની પ્રાપ્તી થશે જ. અને એ પણ જાણશે કે શા માટે વાચકો દર શનીવારે ‘ગુજરાતમીત્ર’ની આતુરતાથી રાહ જોતા હોય છે.
રમણભાઈની ઉમ્મર અત્યારે 83 વરસની છે. અશક્ત અને થાકેલા જણાય છે. વય, વયનું કામ કરે જ છે. તેઓ આપણને છોડી ક્યારે જતા રહેશે તે તો કોને ખબર! તેમના અવસાન બાદ હું તેમને મારા હૃદયની ભાવાંજલી અર્પું તો, ત્યારે તો તેઓ ક્યાંથી જ જોઈ શકવાના? પુનર્જન્મમાં તો અમે કોઈ માનતા જ નથી. તેથી આ દ્વારા મારી ભાવાંજલી તેમને તેમના જીવતાં જ પુર્ણ આદર અને પ્રેમથી અર્પણ કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવું છું.
અન્તે, મારા પરમ પ્રેમી, મુરબ્બી મીત્ર શ્રી. ઉત્તમભાઈ ગજ્જરે મને આ લેખસંગ્રહનું સમ્પાદન કરવાની અને મારા પ્રેરણામુર્તી, પથદર્શક, ફ્રેન્ડ, ફીલોસોફર અને ગાઈડ એવા રમણભાઈ વીશે લખવાની જે તક આપી તે બદલ હું તેમનો અન્ત:કરણપુર્વક આભાર માનું છું.
–એન. વી. ચાવડા
લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 63597 46102
અન્ધશ્રદ્ધા, વહેમ, કુરીવાજો વગેરેનાં તાળાં ખોલવા માટે રૅશનાલીસ્ટ ઈન્દુકુમાર જાની દ્વારા સમ્પાદીત પુસ્તક ‘રૅશનાલીઝમ : નવલાં મુક્તીનાં ગાન…’ (પ્રકાશક : ‘નયા માર્ગ ટ્રસ્ટ’, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ – 380 027 ફોન : (079) 2755 7772 પ્રથમ આવૃત્તી : નવેમ્બર 2007, પાન : 80, સહયોગ રાશી : રુપીયા 40/–)માંનો આ 19મો લેખ, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
https://www.facebook.com/100000711431947/posts/2564772490223107/?d=n
LikeLiked by 1 person
આભાર ગોવિંદ ભાઈ અને એન.વી.ચાવડા હું પોતે આજે રેશનલ છું તે રમણ ભાઈના થકી જ છું વાંચનની શરૂઆત રમણભ્રમણ થી શરૂ થયેલી જેમજેમ રમણ ભાઈને વાંચતો ગયો તેમતેમ ( રેશનલ )વાંચનનો નશો વધતો ગયો. તે હજુ અવિરત ચાલુજ છે. આપના થકી આભાર.
LikeLiked by 1 person
મારી બાબતમાં પણ એવું જ જે ભાઈશ્રી પી.એમ. પટેલે કહ્યું છે, જો કે મને રમણભાઈના લેખોનો પરીચય ગોવીન્દભાઈ દ્વારા થયો. આથી હું ગોવીન્દભાઈનો પણ ખુબ આભારી છું. આમ તો સૌ પ્રથમ મારે રમણભાઈને મળવાનું ૧૯૬૬માં થયેલું, અને એમનો એક લેખ હાઈસ્કુલમાં ભણતો ત્યારે ૧૯૫૫-૫૬ આસપાસ વાંચવામાં આવેલો એવું સ્મરણ છે. આ લેખ બદલ પણ ગોવીન્દભાઈ અને ભાઈશ્રી એન.વી. ચાવડાનો આભાર.
LikeLiked by 1 person
ભાઈશ્રી એન.વી. ચાવડાની વાત ‘ગુજરાતમીત્રમા’ર.પા. જેવા સાચા, પાકા અને પ્રામાણીક રૅશનાલીસ્ટની નીયમીત રીતે પ્રગટ થતી કટાર ‘રમણભ્રમણ’ ….તેને પહેલા વાંચી બાકીનુ પેપર ફુરસદે વાંચતા. તેઓ અને સુ શ્રી સરોજબેન સાથે ઘણીવાર ચર્ચાઓ થતી.અમારી દીકરી ચિ યામિનીએ તેઓના સાહીત્યમાંથી એકોક્તી અને નાટક લખ્યા અને ભજવ્યા છે…જે માણતા સુ શ્રી સરવરીબેને ભીની આંખે માણ્યા છે.
અમે પણ સ્મરણીય સરળ, શાંત, વીનમ્ર, નીર્દમ્ભ, નીર્વૈર, નીર્મળ, નીષ્કપટ અને નીરહંકારી રમણભાઈને હૃદયપુર્વક ભાવાંજલી અર્પીએ છીએ.
.
આભાર.
LikeLiked by 1 person