પેરાપ્રેક્સીસ : રોજબરોજની નાની નાની ભુલોમાં ઘણી મોટી વાતો છુપાઈ હોય છે

અમેરીકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી. ત્યારે એક ગુજરાતી ન્યુઝ ચેનલના મહીલા પત્રકારનો વીડીયો વાઈરલ થયો. તેમાં તે ટ્રમ્પ–મોદીના મીલન બાબતની ઘટનાનું વર્ણન કરતી વખતે ‘હસ્તધુનન’ ને બદલે ભુલમાં ‘હસ્તમૈથુન’ શબ્દનો પ્રયોગ કરી બેસે છે. આ ઘટનાનું મનોવૈજ્ઞાનીક વીશ્લેષણ કંઈક આમ કરી શકાય…

પેરાપ્રેક્સીસ : રોજબરોજની નાની નાની ભુલોમાં ઘણી મોટી વાતો છુપાઈ હોય છે

(ચીત્ર સૌજન્ય : નેટજગત)

–ડૉ. મુકુલ ચોકસી

એક વૃદ્ધ લેખક નવલકથા લખવા બેઠા છે. નવલકથાનો નાયક એક આક્રોશપુર્ણ યુવાન છે. તે જુસ્સાભેર એક અખબારજોગું નીવેદન પ્રગટાવે છે. તેમાં તે સમાજની જડબેસલાક જ્ઞાતીપ્રથા ઉપર શાબ્દીક પ્રહારો કરે છે. લેખક લખે છે : ‘આ જ્ઞાતીપ્રથાએ જ સમાજનું નીકન્દન કાઢ્યું છે; પણ મને જુઓ, મને કોઈ જ્ઞાતીબાધ નડતો નથી; હું સ્વાતીથી પર છું.

અને આમ એક મુદ્દો ઉપસ્થીત થાય છે. ‘જ્ઞાતી’ને બદલે સ્વાતી લખાઈ જવું. આપણે જેને સામાન્ય સંજોગોમાં ‘સ્લીપ ઑફ પેન’ કહીને પતાવી દઈએ છીએ; પણ શું ખરેખર આ માત્ર ‘સ્લીપ ઑફ પેન’ જ છે કે પછી ‘સ્લીપ ઑફ સમથીંગ એલ્સ?’ એનો જવાબ તો એ લેખક જ આપી શકે. પોતાની નવલકથાના પ્રુફ સુધારતી વખતે આ ભુલ ઉપર એનું ધ્યાન પડે છે અને એ ચોંકી ઉઠે છે. અસ્વસ્થ મને તે ભુલમાં લખાયેલું એ વાક્ય ફરીફીને વાંચે છે : ‘હું સ્વાતીથી પર છું.’ અને તેનું ચીત્ત સડસડાટ પાછળ દોડતું, ત્રીસ વર્ષ પુર્વેના એક જર્જરીત મકાનના દીવાનખંડમાં પહોંચી જાય છે.

સ્વાતી તેને ગમતી હતી. સ્વાતી તેનું સર્વસ્વ હતી. સ્વાતી ઉચ્ચ કુળની હતી અને એટલા માટે જ સ્વાતી એક દીવસ તેને છોડીને ચાલી ગઈ. તેના વીષાદમાં પોતાના અભ્યાસ, નોકરી, લેખન બધું જ બગડતા તેના પીતાએ તેને ટોણો મારેલો. તેનો જવાબ લેખકે વીચારેલો પણ બોલી ન શકાયેલો… અને તે જવાબ આજે આમ આટલાં વર્ષો બાદ પોતાની નવલકથાના, પોતાના જેવું જ જીવન જીવતા પાત્રની પેનમાંથી સરી પડે છે : ‘હું સ્વાતીથી પર છું.’

તો આને કહેવાય છે ‘પેરાપ્રેક્સીસ’. ‘જ્ઞાતી’ને બદલે ભુલમાં ‘સ્વાતી’ લખાઈ જવું. અને તે પણ જ્ઞાતીની મર્યાદાને કારણે સ્વાતી સાથેના સમ્બન્ધો તુટ્યા હોય તેવા સંજોગોમાં. અજાગ્રત મનમાં પડેલી વૃત્તીઓ આમ જીન્દગીમાં જુદા જુદા સમયે, અલગ અલગ રીતે બહાર આવ્યા કરે છે. ક્યારેક ‘સ્લીપ ઑફ પેન’ તરીકે  તો ક્યારેક ‘સ્લીપ ઑફ ટંગ’ તરીકે.

મારો પોતાનો જ એક અનુભવ કહું. દસ વર્ષ પહેલાં વીસમી મેએ મારા જીવનમાં એક દુર્ઘટના બનેલી. મારા એક અંગત મીત્રનું અકાળવયે અકસ્માતમાં અવસાન થયેલું. શરુશરુમાં તો તેના વગર જીવવું ખુબ જ અઘરું લાગતું; પણ પછી ધીમે ધીમે સમય જતાં એ આઘાતમાંથી બહાર નીકળાતું ગયું. હવે ગયા મહીનાની જ વાત છે. મારા અન્ય એક અંગત દોસ્તના લગ્ન એકવીસમી મેના રોજ નક્કી થયા હતા; પરન્તુ હું તેને ત્યાં એક દીવસ વહેલો એટલે કે વીસમી મેના રોજ પહોંચી ગયો. કારણ? કંઈ જ નહીં. મને તારીખ ખોટી યાદ રહી ગઈ હતી. આમ જોતાં આવો બનાવ કંઈ બહુ મહત્ત્વનો ન કહેવાય. કેમ કે રોજબરોજના જીવનમાં બધા માણસો વારંવાર આવી ભુલો કરતાં જ હોય છે; પણ મને ચેન ન પડ્યું. હું વીચારતો જ રહ્યો. એકવીસમી તારીખને બદલે હું વીસમીએ કેમ પહોંચી ગયો! અને થોડી વાર પછી મારા મનમાં ઓચીંતો ઝબકારો થયો. વીસમી મે તો મારા ભુતકાળના જીવનની મહત્ત્વની તારીખ હતી. મેં મારો એક અંગત મીત્ર એ દીવસે ગુમાવ્યો હતો. હું એ પ્રસંગ ને તારીખ બન્ને ભુલી ગયો હતો; પણ આજે આ લગ્નની તારીખ સાચવવામાં મેં જે ભુલ કરી, તે મારા અજાગ્રત મન દ્વારા જાણે હેતુપુર્વક કરવામાં આવી હતી. એ દ્વારા મારા અજાગ્રત ચીત્તે મને યાદ દેવડાવ્યું કે તું ફરી એક વાર કશું ગુમાવી રહ્યો છે, જે વાત સાચી હતી. લગ્ન કરનાર મારો આ મીત્ર તરત જ યુ.એસ.એ. ચાલ્યો જવાનો હતો અને એ રીતે સ્થુળ અર્થમાં હું એને ગુમાવી રહ્યો હતો. આજે ભલે એના લગ્નનો અવસર છે; પણ અન્દરખાને હું વ્યથીત છું અને એ વ્યથા જાણે દસ વર્ષ પહેલાં મને થયેલી વ્યથાના અનુસંધાનમાં જ છે!

આ નાનકડી ભુલ (પેરાપ્રેક્સીસ)નું વીશ્લેષણ આ રીતે કરાય : દસ વર્ષ પહેલાં વીસમી મેએ અવસાન પામનાર મીત્રની સ્મૃતી મારા જાગ્રત મનમાં આજે સહેજ પણ નથી; પણ મારા અજાગ્રત મનમાં એ વાત હજુ એમની એમ જ છે. તે વાતને મારું અજાગ્રત મન બહાર લાવવા પ્રયત્ન કરે છે પણ સફળ થતું નથી; પરન્તુ એને અચાનક મોકો મળી જાય છે. તે મારી પાસે ભુલ કરાવડાવી મને એકવીસમીને બદલે વીસમીએ લગ્નમાં મોકલી આપે છે. તે દ્વારા એ જાણે સાંકેતીક રીતે મને સુચવે છે કે આ મીત્રને પણ હકીકતમાં હું ગુમાવી જ રહ્યો છું, નહીંતર હું એક મીત્રના લગ્નની તારીખ અને બીજા મીત્રની મરણતીથીમાં ગોટાળો શું કામ કરું?

આવા તો અનેક ઉદાહરણો મળે. કોઈક આકર્ષક, મેનીપ્યુલેટીવ, ચબરાક યુવતી ક્યારેક ભુલમાં ‘હું બોડી રીડયુસ કરવા માંગુ છું’ એમ બોલવાને બદલે ‘સીડયુસ’ કરવા માંગુ છું એમ બોલી બેસે તો એ ભુલ, ભુલ નથી હોતી; પણ તે યુવતીના અભાન, અજાગ્રત મનમાં વર્ષોથી સંઘરાયેલી વૃત્તીનું સામાજીક રીતે સહ્ય એવું નીદર્શન હોય છે. આમ, નાની નાની ભુલો (પેરાપ્રેક્સીસ) દ્વારા આપણું અચેતન મન બે વસ્તુઓ એક સાથે સીદ્ધ કરે છે. પહેલું તો એ કે પોતાનામાં ઉંડે ઉંડે ધરબાયેલી અવ્યક્ત વૃત્તીઓ, ઈચ્છાઓ, મુંઝવણો, મથામણો સર્વને વ્યક્ત કરી દે છે. અને બીજું એ એવી રીતે વ્યક્ત કરે છે કે જેથી વ્યક્તી તેને ‘સ્લીપ ઑફ સમથીંગ’ કહીને ‘ભુલ’માં ખપાવી શકે છે. જેથી કરીને ભુલ કરનાર વ્યક્તીને સામાજીક હાની પહોંચતી નથી. આ જ ‘સ્વાતી’ કે ‘સીડકશન’ની વાત ઉપરોક્ત લેખક કે યુવતી બીજી કોઈ રીતે જાહેરમાં વ્યક્ત ન કરી શક્યા હોત અને કરવા જતે તો તેમની માનહાની થઈ હોત.

હવે આપણે આપણી નાની નાની રોજબરોજની અસંખ્ય ભુલો વીશે વીચારીએ અને ‘પેરાપ્રેક્સીસ’નું ફલક કેટલું વીશાળ છે તે સમજીએ. હું તમારું એકાદ નાનકડું કામ કરવાનું વારંવાર ભુલી જાઉં છું. શા માટે? હું એ જાણી જોઈને ટાળતો નથી; છતાં કોણ જાણે કેમ, મારું અચેતન મન મને કામ કરતાં અટકાવે છે. તમારા અને મારા સમ્બન્ધો એવા છે કે મારું જાગ્રત (કોન્સીયશ) મન તમારું એ કામ કરવાની ના પાડી શકે એમ નથી; પણ મારા અચેતન મનમાં તમારા માટે આદર નથી (જેની મને ખુદને પણ જાણ નથી). આ બન્ને પરસ્પર આંતરવીરોધી વલણો સાથે જીવવું હોય તો એક જ રસ્તો છે. હું જાગ્રત રીતે સતત એવો આગ્રહ રાખું કે તમારું કામ હવે કોઈ પણ સંજોગોમાં પુરું કરી જ દઈશ; પણ અચેતન મન, મારા ચીત્તમાંથી એ કામ વારંવાર ભુલાવી દઈને મને તે કામ કરતા રોકી રાખે અને પુરું જ ન કરવા દે.

આમ આપણી નાની અમથી ભુલો, ભુલી જવાની વૃત્તીઓ, ખોટા નામોલ્લેખો, અજાણતામાં બોલાઈ જતા શબ્દો, ચુકી જવાતા પ્રસંગો વગેરે ઘણું ઘણું આપણા અચેતન મને ‘જાણી જોઈને’ કરેલી ભુલો જ હોય છે. જેનાથી આપણે પોતે પણ અન્ધારામાં હોઈએ છીએ.

ગઈ સદીમાં ‘સાઈકોએનાલીસીસ’ની સ્કુલના સ્થાપક સીગ્મંડ ફ્રોઈડે આ વીષયની ખુબ વીસ્તૃત છણાવટ કરી. હવેના જમાનામાં અમુક લોકો આવું માનવા તૈયાર નથી. જે હોય તે, આ ‘પેરાપ્રેક્સીસ’ થતી હોય તોયે આપણે એને અટકાવી શકીએ એમ નથી. કારણ કે, પેરાપ્રેક્સીસ’નું સંચાલન તો અજાગ્રત મનના હાથમાં રહેલું હોય છે.

આ વાંચ્યા પછી તમે એટલું અવશ્ય વીચારજો કે શું તમે કોઈ વ્યક્તીનું નામ વારંવાર ભુલી જાઓ છો? જો એમ હોય તો તમારા અચેતન મનમાં એ નામવાળી વ્યક્તી પ્રત્યે છુપો અણગમો જરુર હશે. અને સાથે સાથે એ પણ યાદ રાખજો કે જો તમે કોઈને ચાહવાનો દમ્ભ કરતાં હશો તો જીન્દગીમાં ક્યારેક એ વ્યક્તીને ‘તારો સ્વભાવ સરસ છે’ એમ કહેવાને બદલે અજાણતામાં ‘તારો અભાવ સરસ છે’ એવું કહી બેસશો.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક મન વીષે માણસ વીષે (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત 395003 ફોન : (0261) 7431449 પાનાં : 157,મુલ્ય :રુપીયા 50/-)માંનો આ સાતમો લેખ, પુસ્તકનાં પાન 64થી 66 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

4 Comments

  1. ડૉ. મુકુલ ચોકસીનો ‘પેરાપ્રેક્સીસ :’ રોજબરોજની નાની નાની ભુલોમાં ઘણી મોટી વાતો છુપાઈ હોય છે અમારો અનુભવાયલો સ રસ લેખ.ત્યારે આને પેરાપ્રેક્સીસ કહે છે તે ખબર ન હતી.તેમના દ્ર્ષ્ટાંતમા…
    ‘જો તમે કોઈને ચાહવાનો દમ્ભ કરતાં હશો તો જીન્દગીમાં ક્યારેક એ વ્યક્તીને ‘તારો સ્વભાવ સરસ છે’ એમ કહેવાને બદલે અજાણતામાં ‘તારો અભાવ સરસ છે’ એવું કહી બેસશો.
    યાદ આવે અમારા એક સ્નેહી ગીત સંધ્યામા
    આવો તો ય સારું ન આવો તો ય સારું
    તમારું મરણ છે તમારાથી પ્યારું!
    ગાયેલું ! અમે તેને સહજ ભુલ માનતા અને ગાન માણતા.
    ઘણા વર્ષો પહેલાની વાત- મારે જાયન્ટસ ક્લબના પ્રમુખ તરીકે શપથ લેવાના હતા.મુખ્ય મહેમાન તરીકે મા ગુણવંત શાહ હતા.મેં ‘I abide by the constitution…’ ઓથ લીધા. ત્યાર બાદના જમણવારમા અમારા સેક્રેટરી આવીને કહે તમે constitution ને બદલે constipation બોલ્યા હતા.
    સારું છે કે આવા સમારંભમા કોઇ આવી વાત પર ધ્યાન આપતા નથી. પણ મને આટલા વર્ષે વિચાર આવે છે કે હું ત્યારે ત્રિફળા લેતી હતી તેથી આવી ભુલ થઇ હશે ?

    Liked by 1 person

  2. સરસ અને માહિતીસભર લેખ. થેન્કસ ડૉક્ટર સાહેબ અને ગોવિંદ મારુ ભાઈ.
    ફિરોજ ખાન, ટોરંટો, કેનેડા.

    Liked by 1 person

Leave a comment