ફેંગશુઈશાસ્ત્રના ગપગોળા

ફેંગશુઈની વ્યાખ્યા શું છે? ફેંગશુઈમાં ગપગોળા ફેંકવામાં આવ્યા છે? ફેંગશુઈની ઉર્જા, પ્રારબ્ધની દેવી એ કંઈ માયાવી બલા છે? તમારો શ્વાસ થમ્ભી જાય, આઈન્સ્ટાઈનને પણ ચક્કર આવી જાય તેવા ‘ફેંકશું’ વીજ્ઞાનનો ગજબનો નીયમ શું છે? ભારતમાં અશાંતી, અરાજકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર વધતા જાય છે તેનો વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં ઉકેલ શક્ય બને?

પ્રકરણ6

ફેંગશુઈશાસ્ત્રના ગપગોળા

–લક્ષ્મીદાસ ખટાઉ

(આ પુસ્તીકાના પાંચમો લેખ https://govindmaru.com/2020/02/17/khatau-5/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

અરેબીયન નાઈટ્સની વાર્તાઓમાં વાંચવા મળે તેવા ગપગોળા ફેંગશુઈ નહીં; પણ ‘ફેંકશું’ નામે કહેવાતા વીજ્ઞાનમાં ગપગોળા ફેંકવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અને કેટલાક ઉંટવૈદા ઉપચારોમાં ધડમાથાં વગરનાં સીદ્ધાંતો, નીયમો અને માન્યતાઓ છે તથા તેની વૈજ્ઞાનીકતા અને સચોટતા માટે ફક્ત અતીશયોક્તીભર્યા નહીં; પણ હળાહળ જુઠા દાવા કરવામાં આવે છે. તેનાથી અનેક ઘણા વધારે અતીશયોક્તીભર્યા અને હળાહળ જુઠા દાવા ફેંગશુઈના પ્રચારકો કરે છે.

આ શાસ્ત્ર ઉપરનું સાહીત્ય વાંચતા તો જણાય છે કે આ ચીનીશાસ્ત્ર તો અન્ધમાન્યતાઓમાં વાસ્તુશાસ્ત્ર કરતાં ચારગણું ચડીયાતું છે અથવા તો ફેંગશુઈશાસ્ત્રીઓ વાસ્તુશાસ્ત્રી કરતાં ચાર ગણા ચાલાક છે. અસલ ફેંગશુઈશાસ્ત્રમાં પણ જે સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ ન હોય તેવા તદ્દન ઉપજાવી કાઢેલા સીદ્ધાંતો, નીયમો, માન્યતાઓ અને તેની સચોટતા પ્રસ્તુત કરે છે. ફેંગશુઈની કેટલીક અન્ધમાન્યતાઓ તથા વૈજ્ઞાનીક સચોટતાની ડંફાસના કેટલાક દૃષ્ટાંતો ફેંગશુઈ ઉપર પ્રસીદ્ધ થયેલ સાહીત્ય ઉપરથી ટાંકવામાં આવ્યા છે.

(1) ફેંગશુઈશાસ્ત્ર કહે છે કે તમારા ઘરમાં ચોક્કસ જગાએ માછલીઘર હોવું જોઈએ; પણ તમે કદાચ માંસાહારી હોઈ શકો છો. આવા લોકોને ઘરમાં માછલીઘર રાખવું પસન્દ ન હોય તો તેને બદલે પાણીમાં તરતી માછલીનું ચીત્ર ભીંત ઉપર ટીંગાડી શકે છે અને તેથી પણ તમને ચોક્કસ લાભ થશે. આ છે ત્રણ હજાર વર્ષ પહેલાંના પુરાણા કહેવાતા વીજ્ઞાનનો પ્રથમ નીયમ, માન્યતા. આ તો એના જેવી વાત થઈ કે તમને કાજુ, બદામ ખરીદવા પોસાતા ન હોય તો કાજુ, બદામનું ચીત્ર ભીંત ઉપર ટીંગાડી રાખો તો તમારા સમસ્ત કુટુમ્બને કાજુ, બદામ ખાવા જેટલું જ પોષણ મળશે.

(2) ફેંગશુઈમાં વાસ્તુશાસ્ત્રની જેમ ઘરમાં સંડાસ યોગ્ય દીશામાં હોવું જોઈએ તેવી માન્યતા છે; પણ ફેંગશુઈશાસ્ત્ર જરા માન્યતાને વધારે જોરદાર બનાવવા કહે છે કે ઘરમાં ટોઈલેટ યોગ્ય દીશામાં હોવું જોઈએ તે માટે કારણ એ છે કે ‘ટોઈલેટ ઉર્જા’નો નીકાલ કરે છે. આ કારણે ઘરમાં ટોઈલેટનું યોગ્ય કે અયોગ્ય સ્થાન તમારા સમસ્ત કુટુમ્બ ઉપર શુભ–અશુભ પાડી શકે છે. ‘ટોઈલેટ ઉર્જા’ જેવો શબ્દપ્રયોગ ભાગ્યે જ કોઈએ સાંભળ્યો હશે. ફેંગશુઈ કહે છે કે ટોઈલેટની ઉર્જા ફ્લશ સીસ્ટમવાળી ટોઈલેટની પાઈપમાંથી બહાર નીકળી જાય છે એ વાત ખોટી છે. આ કહેવાતા વીજ્ઞાનની ઉર્જા તો બાબરા–ભુત જેવી છે. યોગ્ય દીશામાં ટોઈલેટ હોય અને યોગ્ય દીશામાં મોઢું રાખીને મળ–મુત્ર વીસર્જન કરો તો જ આ બાબરા–ભુતને ટોઈલેટની પાઈપ મારફતે બહાર ધકેલી દેવાય. જો તે પ્રમાણે ન થાય તો આ બાબરો–ભુત ઘરમાં તમારો મહેમાન બનીને રહે.

(3) ફેંગશુઈની ઉર્જા પણ વીજ્ઞાનની ઉર્જા કરતાં કોઈ જુદા પ્રકારની માયા છે. ગુરુત્વાકર્ષણ, ઈલેક્ટ્રોમેગ્નેટીક ઉર્જા તથા અણુના ગર્ભમાં રહેલી ઉર્જાઓ તો પ્રાકૃતીક પરીબળો છે અને જડ છે; પણ ફેંગશુઈની ઉર્જા તો મનુષ્ય દેહધારી હાથ, પગ, ધડ, માથું, આંખ, કાન ધરાવતી કોઈ દેવી હોય તેવું જણાય છે. ફેંગશુઈશાસ્ત્ર કહે છે કે તમારા ઘરના દરવાજા ઉપર તમારા નામની તકતી નહીં હોય તો આ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે. જો શુભ ઉર્જા નામ વાંચીને ઘરમાં પ્રવેશ કરતી હોય તો અશુભ ઉર્જા પણ તકતી ઉપર નામ વાંચીને ઘરમાં પ્રવેશી ન જાય? આવા તર્કબદ્ધ સવાલને ફરેબી વીજ્ઞાનમાં સ્થાન ન હોય. આ ઉર્જાની દેવી તો પોસ્ટમેનની જેમ દરવાજા ઉપર તકતી વાંચીને પ્રારબ્ધની ડીલીવરી કરે. તમારા ઘરનાં પ્રવેશદ્વાર પાસે ગંદકી હશે તો પણ શુભ ઉર્જાની દેવી નાક બન્ધ કરીને પાછી ફરી જશે. ઘરમાં પ્રવેશ કરતાં જ બુટ રાખવાનો સ્ટેન્ડ હશે તો પણ ઉર્જાદેવી ઘરમાં પ્રવેશ નહીં કરે. યુરોપ, અમેરીકા તથા ભારતમાં પણ મોટા શહેરોના બધા ઘરો ઉપર તકતી મુકવામાં આવતી નથી, ફક્ત ઘર નમ્બર જ લખાય છે; છતાં પણ આ ઘરોમાં રહેતાં કુટુમ્બો સુખી, સમૃદ્ધ અને આરોગ્યવાન હોય છે.

ઘરમાં પ્રવેશ કરવા માટે બે દરવાજા હોય તો ઉર્જાદેવી મુંઝવણમાં પડી જાય કે ક્યા દરવાજામાંથી પ્રવેશ કરવો અને તે કારણે પાછી ફરી જાય. ઘરનો દરવાજો અર્ધો ખુલ્લો રહેતો હોય, દરવાજા આગળ ખાલી પેટી, સાઈકલ પ્રકારના કોઈ પદાર્થનો અવરોધ રહેતો હોય તો પણ ઉર્જાદેવી માથું ફેરવીને ચાલી જશે. ઘરની આગળ તેમ જ પાછળ એમ બે સામસામા દરવાજા હશે તો પ્રારબ્ધની દેવી પવનની જેમ, એક દરવાજામાંથી પ્રવેશ કરીને બીજા દરવાજેથી બહાર નીકળી જશે. ઘરના દરવાજાના મીજાગરા Hinges ચુંચું અવાજ કરતા હશે તો પણ પ્રારબ્ધની દેવી ઘરમાં પ્રવેશ નહીં કરે. આ બધી માન્યતાઓ તો લફંગાઓએ ભોળા, વહેમીલા લોકોને શંકામાં નાખીને, ઘરની રચનામાં ફેરફાર કરાવીને પૈસા કમાવાની તરકીબ છે.

ફેંગશુઈની ઉર્જા, પ્રારબ્ધની દેવી એ કંઈ માયાવી બલા છે? તેની વ્યાખ્યા શું છે તે પણ સમજાતું નથી. સુર્યનો પ્રકાશ, પવનરુપી પ્રાકૃતીક ઉર્જાઓને ઘરમાં પ્રવેશ કરવા માટે નામની તકતી વાંચવી પડતી નથી. દરવાજો અર્ધો ખુલ્લો હોય કે દરવાજા પાસે ગંદકી હોય કે અવરોધ હોય, મીજાગરો ચુંચું અવાજ કરતો હોય તો પણ સુર્યનો પ્રકાશ અને હવા તો ઘરમાં પ્રવેશે છે. રેડીયો તરંગોની ઉર્જા તો ઘરની દીવાલોમાંથી પણ પસાર થઈને ઘરમાં પ્રવેશી જાય છે; પણ ફેંગશુઈની ઉર્જા તો બહુ સંવેદનશીલ, ઘરમાં પ્રવેશ કરતી વખતે જરા ક્ષતી દેખાય તો રીસાઈ જાય!

(4) તમારો શ્વાસ થમ્ભી જાય, આઈન્સ્ટાઈનને પણ ચક્કર આવી જાય તેવા ‘ફેંકશું’ વીજ્ઞાનનો એક નીયમ તો ખરેખર ગજબનો છે. ફેંગશુઈ કહે છે કે અમુક તારા star કોઈ એક ઘર કે ફ્લેટના ચોક્કસ સ્થાનમાં આવે ત્યારે તે ઘરમાં ચોરી થશે. ચોર પ્રવેશી ન જાય તેવા એલાર્મ પણ તે વખતે કામ નહીં આવે; પણ ગભરાવાની જરુર નથી. તે તારાનાં કીરણોથી પણ વધારે પ્રભાવશાળી ઉપાયો આ શાસ્ત્રમાં છે. જે તમને ચોરીમાંથી કાયમ માટે બચાવી શકે. બુદ્ધી અને તર્કને વાટીને ચટણી કરી નાંખવાની જ વાત છે ને! લાખો પ્રકાશવર્ષો દુરનો તારો કંઈ વાંકગુનો વગર એક ઘર ઉપર અશુભ કીરણો ફેંકે અને ચોરને ફક્ત તે ઘરમાં જ ચોરી કરવા પ્રેરણા અને માર્ગદર્શન આપે કે અમુક દીવસે ફલાણા ઘરમાં ચોરી કરજે.

તારાઓનાં કીરણો તો પૃથ્વી ઉપર બધા પ્રદેશોમાં સમાન માત્રામાં પ્રસરી જાય છે; પણ ફેંગશુઈના કહેવાતા વીજ્ઞાન મુજબ તો તારાઓ પાસે લેસર સીસ્ટમ છે એટલે કે જે ઘરમાં કે ફ્લેટમાં ચોરી કરાવવા તારાને વીચાર આવે તે જ ઘર ઉપર જ તેનાં કીરણો કેન્દ્રીત કરે અને આજુબાજુનાં ઘરો ચોરીમાંથી બચી જાય! આઠ–દસ મજલાવાળા મકાનના બીજા માળના ચાર ફ્લેટોમાંથી એક ફ્લેટમાં ચોરી થાય ત્યારે તારાનાં કીરણો ઉપરના આઠ માળાઓને છોડીને તેની નીચેના ફ્લેટ ઉપર કેવી રીતે પ્રવેશ કરતાં હશે? અને ફક્ત એક જ ફ્લેટના રહેવાસીઓએ તારાનું શું બગાડ્યું હશે કે ફક્ત એક જ ઘર ઉપર તારો પોતાના અશુભ કીરણો કેન્દ્રીત કરે? ફરી તર્કબદ્ધ પ્રશ્ન પુછ્યોને? ભલા માણસ, ફરેબીવીજ્ઞાન અને ઠગવીદ્યામાં આવા તર્કબદ્ધ પ્રશ્નો પુછવાની મનાઈ છે. ઠગ તો આ બધું સમજતા હોય છે; પણ કબુલ નહીં કરે અને મુર્ખાઓ અને અન્ધશ્રદ્ધાળુઓને સમજાવવા એટલે ભીંતમાં માથું કુટવા બરાબર છે.

(5) જીવનની કોઈ પણ આધી, વ્યાધી, ઉપાધી એવી નહીં હોય જેનો ઉપાય આ ઠગ વીદ્યામાં ન હોય, ફલાણા ભાઈ કે બહેનને ફલાણી સમસ્યા હતી તેમનું સાચું કે ખોટું નામ આપીને તેની સમસ્યા વાસ્તુશાસ્ત્રી કે ફેંગશુઈશાસ્ત્રીએ ચપટી વગાડતાં દુર કરી તેવાં દૃષ્ટાંતો આ લોકો આપે છે. કોણ તપાસ કરવા જવાનું હોય છે કે ફલાણા નામનો કોઈ માણસ છે કે નહીં અને હોય તો પણ તેની સમસ્યા ખરેખર આ ઠગોએ દુર કરી હોય.

વર્ષો જુના કોર્ટના લફરામાં ફસાયા છો અને તેમાંથી બચવું હોય તો ફેંગશુઈ કન્સલ્ટન્ટની સલાહ લો અને માનો યા ન માનો પણ થોડા દીવસોમાં જ કાં તો પ્રતીપક્ષવાળા સમાધાન કરવા તમને પગે પડતા આવશે અથવા કોર્ટ તમારી તરફેણમાં ચુકાદો આપી દેશે અને તે પણ ઘરમાં ફેંગશુઈ મુજબ ફેરફાર કરાવવાથી!

(6) ઘરમાં પતી–પત્ની વચ્ચે કે અન્ય કુટુમ્બીજનો વચ્ચે મનમેળ નથી અથવા અન્ય સમસ્યાઓ છે તો આ અન્ધમાન્યતાઓ ભરી અવીદ્યાઓમાં એક તદ્દન સરળ ઉપાય છે. તમારા ઘરમાં નકામી ચીજો, ભંગાર હોય તે વેચી કાઢો અથવા ફેંકી દો અને તમારી પચાસ ટકા સમસ્યાઓ ઉકેલાઈ જશે. બાકીની પચાસ ટકા સમસ્યાઓ માટે શાસ્ત્રીની સલાહ લેશો એટલે તે પણ ઉકેલાઈ જશે. પતી–પત્ની અને કુટુમ્બીજનો વચ્ચે મનમેળ થઈ જશે.

(7) ચોરીથી બચવું છે? વેપારમાં નુકસાની જાય છે? દુશ્મનોથી બચવું છે? પરીક્ષા, ધન્ધો, નોકરી, ચુંટણીમાં સફળતા મેળવવી છે? યુનીવર્સીટીની ડીગ્રી મેળવ્યા પછી નોકરી નથી મળતી? ઘરમાં બીમારી રહે છે? પ્રતીષ્ઠા મેળવવી છે? ચપટી વગાડીને આ ઠગ લોકો તમારી મનોકામના પુરી કરી આપશે. ટુંકમાં એવી કોઈ પણ આધી, વ્યાધી, ઉપાધી નથી જનો ઉકેલ આ પ્રારબ્ધના દેવતાઓ પાસે ન હોય. આવો, અમારી પાસે થોડીક દક્ષીણા આપો એટલે સુખ, શાંતી, સમૃદ્ધી, આરોગ્ય તમારાં ચરણ ચુમતાં આવશે.

(8) આ ઠગ લોકોની મહત્ત્વાકાંક્ષા તો આકાશ ચુમતી હોય છે. શ્રીમન્ત વેપારીઓ, ઉદ્યોગપતીઓ અને અન્ય લોકોને ભરમાવીને પૈસા કમાય છે તેથી સંતોષ થતો નથી. આજે શ્રીમન્તોનો બીજો પણ એક નવો વર્ગ ઉભો થયો છે જેમની પાસે પૈસાની રેલમછેલ છે. આ લોકો છે રાજકારણીઓ, સીને નટનટીઓ અને સ્પોર્ટસમેન.

અખબારોમાં આવતા અહેવાલો મુજબ કેટલાય રાજકારણીઓ, સીને નટનટીઓ અને સ્પોર્ટસમેનો આ લોકોની જાળમાં ફસાય છે. ખાસ કરીને પ્રધાનો, સંસદસભ્યો, પોતાના માટે સરકારી મકાન મળે તેમાં વાસ્તુ–ફેંગશુઈ મુજબ રચના અને સરસામાનની ગોઠવણ હોય તેવી ઈચ્છા વ્યક્ત કરે છે અને તેમ કરવા માટે આ લોકોને ગાંઠના પૈસા તો વાપરવાના હોતા નથી. સરકારી પૈસે આ બધું થાય અને છેવટે એ બોજો તો પ્રજા ઉપર પડે.

અંતે માની પણ ન શકાય તેવા બે દાવા આ ચાલાક લોકોએ કર્યા છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી ભારતમાં સ્થાયી સરકાર રચાતી નથી. અશાંતી, અરાજકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર વધતા જાય છે. તેનો ઉકેલ પણ વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં છે! કેવી રીતે એ શક્ય બને? ફળદ્રુપ ભેજું હોય તો બધું શક્ય બને. તેઓ કહે છે કે ભારતીય સંસદભવન વાસ્તુ–ફેંગશુઈના નીયમો મુજબ થયું નથી એટલે દેશ સમક્ષ આ બધી વીકટ સમસ્યાઓ ઉભી થાય છે. જો સંસદગૃહમાં આ શાસ્ત્રોના સીદ્ધાંતો, નીયમો, માન્યતા મુજબ યોગ્ય ફેરફાર કરવામાં આવે તો ભારત દેશ સુખ, શાંતી અને સમૃદ્ધીથી છલકાઈ જાય. આપણા રાજકર્તાઓ પાસે પણ ખાસ વૈજ્ઞાનીક અભીગમ નથી. વાતવાતમાં જ્યોતીષીઓ પાસે દોડી જાય છે. કોઈ ચાલાક વાસ્તુ–ફેંગશુઈવાળાની ઓળખાણ વડાપ્રધાન કે કેબીનેટના કોઈ પ્રધાન સુધી પહોંચતી હોત તો તે આ વાત તેઓને ગળે ઉતારી દે તો નવાઈ નહીં. એક વાસ્તુશાસ્ત્રીએ તો અખબાર મારફતે આ વીષય પર પોતાના મંતવ્યો પણ વ્યક્ત કર્યા છે; પણ હજી સુધી કોઈ મોટાગજાના રાજકર્તાને શીશામાં ઉતારી શક્યો નથી. કારણ કે, સંસદના બન્ને ગૃહોમાં આ શાસ્ત્રો મુજબ ફેરફાર કરાવવા ઠરાવ પસાર કરવો એ કંઈ સહેલી વાત નથી; પણ ભવીષ્યમાં એવો કોઈ પ્રસ્તાવ પાર્લામેન્ટમાં આવે તો નવાઈ ન પામતા.

માની ન શકાય તેવો વાસ્તુશાસ્ત્રીઓનો બીજો દાવો તો ખરેખર દાદ માગી લે છે! તેઓ કહે છે કે વાસ્તુશાસ્ત્રના આ નીયમો ફક્ત મનુષ્યોને જ લાગુ પડતા નથી; પણ ખુદ ઈશ્વર અને અન્ય દેવ–દેવીઓને પણ લાગુ પડે છે! જો મન્દીરનું ચણતર વાસ્તુશાસ્ત્રના નીયમ મુજબ નહીં હોય તો તે મન્દીરના દેવલા માટે સમસ્યાઓ ઉભી થશે. ભક્તજનની સંખ્યા વધશે નહીં. આવક ઓછી રહેશે. પુજારી, ટ્રસ્ટીઓ વચ્ચે વીખવાદ થશે વગેરે વગેરે. એક અખબારમાં પ્રસીદ્ધ થયેલા લેખ મુજબ મુમ્બઈના જુહુ વીસ્તારનું એક મન્દીર વાસ્તુશાસ્ત્રના નીયમો મુજબ બંધાયું નથી એટલે આ મન્દીર માટે કેટલીય સમસ્યાઓ પેદા થાય છે. મન્દીરના પુજારીઓ, અન્તેવાસીઓ વચ્ચે ખટપટ થાય છે, ઝઘડા થાય છે અને અખબારોમાં અવારનવાર આ મન્દીર વીશે અશોભનીય અહેવાલો આવે છે તેનું કારણ એમ જણાવવામાં આવ્યું છે કે મન્દીરનું જનરેટર તથા સ્ટોરહાઉસ અયોગ્ય દીશામાં છે. ભગવાનની મુર્તી પણ અયોગ્ય દીશામાં મોઢું રાખીને પ્રસ્થાપીત કરવામાં આવી છે! આ ઠગ લોકો તો ભગવાનને પણ છોડે એવા નથી.

વાસ્તુશાસ્ત્રીઓ, બીલ્ડરો, ઈન્ટીરીયડેકોરેટર્સ તથા ચીજવસ્તુ, માલસામાન બનાવનારા અને વેચનારા તો ધંધાદારીઓ છે. અર્થશાસ્ત્રના નીયમ મુજબ જેની માંગ હોય તેના માટે પુરવઠો પેદા થાય. ફરક માત્ર એટલો છે કે અહીં વાસ્તુશાસ્ત્રીઓ કૃત્રીમ રીતે ભોળા લોકોને ભરમાવીને માંગ પેદા કરે છે અને પછી પુરવઠો પુરો પાડે છે. આ લોકો ધન્ધાદારીઓ છે અન્ય ધન્ધાદારીઓની જેમ પાપી પેટ ભરવા નીતી, અનીતી ઉપર આંખ મીંચામણા કરે તો તે મનુષ્ય સહજ ગણાય. આ લોકો દોષીત ગણાય તેથી વધારે દોષીત તો આ ઠગોને અને ઠગવીદ્યાઓને પ્રોત્સાહન અને પ્રતીષ્ઠા આપનારા અખબારો, પત્રકારો, સમાજસેવા સંસ્થાઓ છે. તેમના સહકાર વગર આ ઠગવીદ્યાઓ બહુ ફુલીફાલી ન શકે.

વાસ્તુશાસ્ત્રના પુસ્તકોની વીદેશોમાં માંગ હોય તેથી વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનીક અને જનહીતકારી બની જતો નથી. અન્ધશ્રદ્ધાળુઓ અને મુર્ખાઓ ફક્ત ભારતમાં જ છે એવું નથી. યુરોપ, અમેરીકામાં પણ અન્ધશ્રદ્ધાળુઓ અને મુર્ખાઓ હોય છે. લંડનના એક અખબારના અહેવાલ મુજબ 70 ટકા લોકો જ્યોતીષમાં માને છે. ભુત–પ્રેત, ઉડતી રકાબીઓ, પ્રેતાત્માને બોલાવવાના ધતીંગ, ટેલીપથી, ક્લેરવાયન્સ, એબ્રટ્રાસેન્સેસરી પરશેપ્શન વગેરેના નામે ત્યાં પણ ખુબ ધતીંગ અને છેતરપીંડી ચાલે છે… યુરોપ, અમેરીકામાં તો હેરોઈન જેવા નશાકારક ડ્રગ્સની માંગ પણ વધારે હોય છે. તેથી શું આ કેફી પદાર્થો જનહીતકારી બની જાય છે? ત્યાં તો સેક્સી તથા પોનોગ્રાફી સાહીત્ય, ફીલ્મોની માંગ પણ વધારે હોય છે તો તેથી શું આવા સાહીત્ય, ફીલ્મો જનહીતકારી બની જાય છે? વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈ લોકપ્રીય બને તેથી પણ તે વૈજ્ઞાનીક કે લોકહીતકારી છે એમ સાબીત થતું નથી. એમ તો જ્યોતીષશાસ્ત્રની લોકપ્રીયતા તો વાસ્તુશાસ્ત્ર કરતાં અનેક ગણી વધારે છે; પણ તેથી જ્યોતીષશાસ્ત્ર વૈજ્ઞાનીક છે એમ સાબીત થતું નથી.

(‘વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર?’ પુસ્તીકાની લેખમાળા સમાપ્ત.. વાચકમીત્રો તરફથી આ પુસ્તીકા મેળવવા માટે ઉઘરાણી થઈ; પરન્તુ તે આઉટ ઓફ પ્રીન્ટ છે. તેથી ‘વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ’ અંગે ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર  પ્રગટ થયેલા તેર લેખોનો સંગ્રહ/ઈ.બુક ‘વાસ્તુશાસ્ત્ર : વીજ્ઞાન કે અજ્ઞાન’ પ્રગટ કરવામાં આવી છે. ‘અભીવ્યક્તી’ના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ https://govindmaru.com/e-books  પર ડાઉનલોડ કરવાની સુવીધા છે. –ગોવીન્દ મારુ)

– લક્ષ્મીદાસ ખટાઉ

રૅશનાલીસ્ટ લક્ષ્મીદાસ ખટાઉના પુસ્તક વાસ્તુશાસ્ત્ર કે ફાલતુશાસ્ત્ર? (પ્રકાશક : માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર, જોરાવરનગર –363020. પ્રથમ આવૃત્તી : 2000; પાનાં : 40 મુલ્ય : રુપીયા 15/)નું  પ્રકરણ : 06નાં પૃષ્ઠ ક્રમાંક : 34થી 40 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

6 Comments

 1. ફેંગશુઈ પણ જ્યોતિ શાસ્ત્ર, હસ્તરેખા તથા હિન્દુ અને મુસ્લિમ ધર્મ માં ઘુસી ગયેલ “મુશ્કિલો ભગાવવાની દૈવી (રૂહાની) રીતો” નું બાઈ પ્રોડકટ છે. ગુજરાતી ની કહેવત “લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે” અનુસાર લોભિયાઓ અને અંધ શ્રદ્ધાળુઓ થકી આવા લેભાગુઓ નો ધંધો ચાલી રહ્યો છે.

  Liked by 1 person

 2. To the interested persons I request and recommend to read the following monographs in Gujarati published by Satya sodhak Sabha.
  (1) Jyotish is not a science
  (2) New superstitions; Fengsui and Vastu

  Liked by 1 person

 3. .
  ‘ફેંગશુઈશાસ્ત્રના ગપગોળા’ શ્ર્રી લક્ષ્મીદાસ ખટાઉનો વાસ્તુશાસ્ત્ર અને કેટલાક ઉંટવૈદા ઉપચારોમાં ધડમાથાં વગરનાં સીદ્ધાંતો, નીયમો અને માન્યતાઓ છે તથા તેની વૈજ્ઞાનીકતા અને સચોટતા માટે ફક્ત અતીશયોક્તીભર્યા નહીં; પણ હળાહળ જુઠા દાવા કરવામાં આવે છે. તેનાથી અનેક ઘણા વધારે અતીશયોક્તીભર્યા અને હળાહળ જુઠા દાવા ફેંગશુઈના પ્રચારકો કરે છે. ઉજાગર કરતો સ રસ લેખ
  ફેંગશુઈશાસ્ત્ર વિદ્વાનો દ્વારા સંશોધન કરી રચવામા આવેલુ શાસ્ત્ર છે પણ ત્યારબાદ તેમા ઠગો દ્વારા કમાણીનું શાસ્ત્ર બનાવતા હળાહળ જુઠા દાવા જાણવામા આવ્યા છે.

  Liked by 1 person

 4. ભારતીય જ્યોતીષશાસ્ત્ર કહેવાય કે લગભગ ૫૦૦૦ વરસો જુનું કહેવાય…સાચુ જુઠુ તેનો વાહક જાણે.
  ચાઇનીસ ફેંગશુઇશાસ્ત્ર પણ કદાચ અેટલું જ જુનું હોઇ શકે.
  જો અેવું હોય તો તે શાસ્ત્રમાં ટોઇલેટ કોણે બનાવ્યું ?
  કહેતે ભી દિવાને…સુનતે ભી દિવાને.
  ફેંગશુઇશાસ્ત્ર ચીનમાં બનાવેલું……તો ચીનાઓ માટે જ હોય. દુનિયાના બીજા દેશોમાં કેવી રીતે વપરાય ?
  લક્ષ્મીદાસજી આ શાસ્ત્રના વાહકોને જુઠા, લુચ્ચા, ઠગ… વિ વિ ઉપનામોથી સંબોઘે છે. શા માટે ?
  તેઓ તો પંકાયેલાં વેપારીઓ છે. તેમને લોકોને ઉલ્લુ બનવતાં સારી રીતે આવડે છે.
  શ્રી લક્ષ્મીદાસજીના મત મુજબ ૭૦ ટકા લોકો આ કે આવા જ બીજા અંઘશ્રઘ્ઘાના વેપારમાં માને છે.
  કેટલાઓ વરસોથી ? આ અંઘશ્રઘ્ઘાઓ પુરજોશમાં વેચાય છે અને તેનાં ખરીદારો હાજર હોય છે.
  સુઘારકોની પીપુડી કેટલી સફળ થઇ ? સુઘારકોને તે પીપુડી પોતાને ખાવા મળી હશે કે કેમ ?
  જેને પોતાના પગ ઉપર જ કુહાડી મારવી હોય તેને મારવા દો….ઘાનું દર્દ જ્યારે નહિ સહન થાય ત્યારે અક્કલ આવે તો સારું .
  સુઘારકો કરતાં અંઘશ્રઘ્ઘાળુઓની સંખ્યા માટી છે.
  સુઘારકોને બેસ્ટ ઓફ લક.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

  1. >‘કાન્તિ ભટ્ટ ની કલમે’ બ્લૉગ પર ‘ફેગશુઈશાસ્ત્રના ગપગોળા ’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s