કેટલાકને અહીં દલીલ કરવાનું મન થશે કે, તમે નાસ્તીક છો તેથી શ્રદ્ધાનો વીરોધ કરો છો, ‘વીવેકબુદ્ધી’ની હીમાયત કરો છો અને ધર્મગ્રન્થોમાં વીરોધાભાસ શોધો છો. પરન્તુ મીત્રો, હું મારા મન્તવ્યોના સમર્થનમાં અહીં કેટલાક અતી મોટા ગજાના આસ્તીક વીદ્વાનોના મારા જેવા જ મન્તવ્યો ટાંકીને તમારા સંશયનું સમાધાન કરવા માંગું છું. […………………..]
શાસ્ત્રોને શ્રદ્ધાથી નહીં ‘વીવેકબુદ્ધી’થી અનુસરો
–એન. વી. ચાવડા
‘બુદ્ધીને નેવે મુકીને વર્તે એ હીન્દુ’ એવી હીન્દુની વ્યાખ્યા કોઈ હીન્દુ સ્વીકારી શકે નહીં. બલકે પ્રત્યેક હીન્દુ બુદ્ધીને અનુસરવાની વાતને જ પ્રાધાન્ય આપશે. બુદ્ધીનો અર્થ અહીં ‘વીવેકબુદ્ધી’ લેવાનો છે. બુદ્ધી બે પ્રકારની હોય છે. દુર્બુદ્ધી અને સદબુદ્ધી. આ સદબુદ્ધી તે જ વીવેકબુદ્ધી. ‘વીવેકબુદ્ધીને અનુસરે તે હીન્દુ’ એવી હીન્દુની વ્યાખ્યા પ્રત્યેક હીન્દુને સ્વીકાર્ય હોય શકે છે.
પરન્તુ કેટલાક હીન્દુ ધર્મગુરુઓ અને વીદ્વાનો કહે છે કે હીન્દુ ધર્મગ્રન્થોમાં લખાયેલી બાબતોને કોઈ પણ પ્રકારની શંકા ઉઠાવ્યા વીના પુર્ણ શ્રદ્ધાથી સત્ય તરીકે સ્વીકારીને તેને અનુસરે તેને જ હીન્દુ કહેવાય. તેઓ પોતાની આ માન્યતાના સમર્થનમાં ‘તસ્માત્ શાસ્ત્રં પ્રમાણમ્’. ‘સંશયાત્મા વીનશ્યતી’ અને ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્’ જેવા શાસ્ત્રોક્ત વીધાનો ટાંકે છે.
આ ધર્મગુરુઓ અને વીદ્વાનો ‘તસ્માત્ શાસ્ત્રં પ્રમાણમ્’ કહે છે; પરન્તુ હીન્દુ શાસ્ત્રો તો અનેક છે અને તેમાં પરસ્પર વીરોધાભાસી અને ભીન્ન વાતો લખી હોય તો કોને અનુસરવું? ઉદાહરણ તરીકે વેદોમાં કોઈ પણ કાર્યની સફળતા, સુખ–શાંતીની પ્રાપ્તી અને મોક્ષની કામના માટે યજ્ઞો કરવાની હીમાયત કરવામાં આવી છે. ત્યારે ઉપનીષદો અને ગીતામાં આવા સકામ યજ્ઞોને નીષ્ફળ ગણી તેનો વીરોધ કરવામાં આવ્યો છે. તો આ બે પરસ્પર વીરોધી વીચારધારામાં સત્ય શું તે શ્રદ્ધા દ્વારા નહીં; પરન્તુ ‘સંશય’ દ્વારા પ્રશ્નો ઉઠાવી ‘વીવેકબુદ્ધી’ વડે જ નક્કી થઈ શકે. આ વીષયમાં એક સામાજીક વહેવારનું ઉદાહરણ લઈ તેને સમજવાની કોશીશ કરીએ. કૃષ્ણના બહુપત્નીત્વ અને રામના એક પત્નીત્વના વર્તનમાં આપણે કોને અનુસરવું? સ્પષ્ટ છે કે આપણે રામને અનુસરવું જોઈએ. કૃષ્ણ રામ કરતાં આધુનીક હોવા છતાં આપણે કૃષ્ણને બદલે રામને અનુસરવાનો કેમ આગ્રહ રાખીએ છીએ? તેનું કારણ એ છે કે આજના સમયમાં આપણી વીવેકબુદ્ધીને રામને અનુસરવું યોગ્ય લાગે છે. કેટલાક ધર્મગુરુઓને અને કથાકારોને મેં કહેતા સાંભળ્યા છે કે ‘કૃષ્ણને પુજો અને રામને અનુસરો’ હવે મહાભારત કે રામાયણમાં આવું વીધાન ક્યાંય કરવામાં આવ્યું નથી; છતાંય ધર્મગુરુઓ આવું વીધાન શેને આધારે કરતાં હશે? સ્પષ્ટ છે કે આવું વીધાન ધર્મગુરુઓ વીવેકબુદ્ધીને આધારે કરે છે. ભવીષ્યમાં કોઈ કારણોસર પરીસ્થીતી બદલાય તો માણસને કૃષ્ણનું અનુસરણ કરવાનો પ્રસંગ આવી શકે છે.
ધર્મશાસ્ત્રો કહે છે કે રામે પીતાની આજ્ઞાનું પાલન કર્યું; પરન્તુ પ્રહલાદે પીતાની આજ્ઞાનું પાલન ન કર્યું; છતાં તે ઈશ્વરનો મહાન ભક્ત ગણાયો છે. ધર્મશાસ્ત્રોના આ પ્રસંગો પણ આપણને શીખવે છે કે પીતાની આજ્ઞાનું પાલન વીવેકબુદ્ધીનો ઉપયોગ કરીને કરવું જોઈએ. વળી, કેટલીક બાબતોમાં આજે આપણે રામને અનુસરી શકીએ એમ નથી. ઉદાહરણ તરીકે આજે વડાપ્રધાનની પત્નીનું આતન્કવાદીઓ અપહરણ કરી જાય અને તે ફરી ઘરે પાછી ફરે તો પત્નીની અગ્ની પરીક્ષા લેવાનું વડાપ્રધાન કે પ્રજા માન્ય રાખશે નહીં. એ જ રીતે આજે પછાતવર્ગની કોઈ વ્યક્તી વીદ્યાભ્યાસ કરે તો આવા જ કારણસર રામે તપસ્વી શમ્બુકની હત્યા કરી હતી, એનું અનુસરણ આજે કોઈ કરશે નહીં. તાત્પર્ય એ જ કે શાસ્ત્રોને મનુષ્યે શ્રદ્ધાથી નહીં; પરન્તુ ‘વીવેકબુદ્ધી’થી અનુસરવાના છે.
આપણાં ધર્મગ્રન્થો અને તેમાંયે ખાસ કરીને ગીતા વીષે એમ કહેવામાં આવે છે કે, ગીતાને જેટલી વાર વાંચો એટલી પ્રત્યેક વાર તમને તેના પ્રત્યેક શ્લોકનો અર્થ જુદો જુદો સમજાય અને પ્રત્યેક યુગને બન્ધબેસતો લાગે. હવે વીચાર કરો કે આવું ક્યારે બની શકે? અર્થાત્ આવું ત્યારે જ બની શકે જ્યારે તમે પ્રત્યેક શ્લોકને શ્રદ્ધાથી સ્વીકારી લેવાને બદલે તમારી વીવેકબુદ્ધીનો ઉપયોગ કરી પ્રત્યેક શ્લોક ઉપર ચીન્તન–મનન કરો.
આપણાં કોઈ ધર્મગ્રન્થમાં લખવામાં આવ્યું હશે તેથી જ આપણાં અનેક ધર્મગુરુઓ કહે છે કે શ્રદ્ધાથી દરેક કાર્ય સીદ્ધ થઈ શકે છે. શ્રદ્ધાથી પહાડોને પણ હટાવી શકાય છે અને જળને સ્થાને સ્થળ તથા સ્થળને સ્થાને જળ ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે ગીતાના અઢારમાં અધ્યાયના 13 અને 14માં શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે, સમસ્ત કર્મોને સીદ્ધ કરનારા પાંચ કારણો છે. (1) દેશ–કાળ, (2) કર્તા, (3) વીવીધ સાધન, (4) વીવીધ ક્રીયા, (5) દૈવ. અહીં જોઈ શકાય છે કે કાર્યસીદ્ધી માટે ખુદ ગીતામાં જ જુદી જુદી જગ્યાએ પરસ્પર વીરોધી મન્તવ્યો રજુ કરવામાં આવ્યા છે. હવે એમાં સત્ય શું તે તો આપણી ‘વીવેકબુદ્ધી’એ જ નક્કી કરવું પડશે ને?
ગીતાનો જો તમે વીવેકબુદ્ધીપુર્વક અભ્યાસ કરશો તો તમને અનેક જગ્યાએ વીરોધાભાસી વાતો માલુમ પડશે. ગીતાના પાંચમાં અધ્યાયનો શ્લોક જુઓ ‘પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે, કર્મોના ફળને સર્જતો નથી; પરન્તુ સ્વભાવરુપ પ્રકૃતી જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે’ જ્યારે અધ્યાય : 18-61નું આનાથી વીરોધાભાસી કહેવાય એવું વીધાન જુઓ ‘હે અર્જુન ઈશ્વર સર્વના હૃદયમાં સ્થીત છે, એ ગોળ ચકકર પર બેઠેલા લોકોને એનો ચલાવનારો ઘુમાવે છે એમ માયાને સહારે પ્રાણીઓને ઘુમાવે છે.’ અર્થાત્ એક શ્લોકમાં ઈશ્વર કશું કરતો નથી એવું વીધાન છે. જ્યારે અન્ય શ્લોકમાં બધું જ ઈશ્વર કરે છે એમ કહીને જબરો વીરોધાભાસ અને ગુંચવાડો ઉભો કર્યો છે.
કેટલાકને અહીં દલીલ કરવાનું મન થશે કે, તમે નાસ્તીક છો તેથી શ્રદ્ધાનો વીરોધ કરો છો, વીવેકબુદ્ધીની હીમાયત કરો છો અને ધર્મગ્રન્થોમાં વીરોધાભાસ શોધો છો. પરન્તુ મીત્રો, હું મારા મન્તવ્યોના સમર્થનમાં અહીં કેટલાક અતી મોટા ગજાના આસ્તીક વીદ્વાનોના મારા જેવા જ મન્તવ્યો ટાંકીને તમારા સંશયનું સમાધાન કરવા માંગું છું.
‘વીશ્વ હીન્દુ સમાચાર’ના મે, 1992ના અંકમાં ‘શ્રી વીવેક’ નામના વીદ્વાન લેખક ‘શું બધાં ધર્મો સમાન ઉપદેશ આપે છે?’ શીર્ષકસ્થ લેખમાં લખે છે…
‘ધર્મશાસ્ત્રોના આદેશની વાત હોય ત્યારે એક વાત ધ્યાનમાં રહેવી જોઈએ અને તે એ કે, મુસ્લીમો અને ખ્રીસ્તીઓની જેમ હીન્દુઓ ‘લકીરના ફકીર’ ક્યારેય નહોતા અને આજે પણ નથી. અર્થાત્ ખ્રીસ્તીઓ જેમ એકમાત્ર બાઈબલને અને મુસ્લીમો જેમ એકમાત્ર કુરાનને જડતાપુર્વક અનસરે છે એ રીતે આંખો મીંચીને કોઈ એક જ ધર્મશાસ્ત્રને અનુસરવાનું વલણ હીન્દુઓમાં ક્યારેય હતું નહીં અને આજે પણ નથી. વળી, ઈતીહાસની સાક્ષીએ જોઈ શકાય છે કે, હીન્દુઓ અસંખ્ય ધર્મશાસ્ત્રોમાં લખેલી જાતજાતની વાતોનો અમલ કરવાને બદલે પોતાની વીવેકબુદ્ધી પ્રમાણે જ વર્તતાં આવ્યા છે. ઘણાં ધર્મશાસ્ત્રો હોય અને એમાં પરસ્પર વીરોધી વાતો લખેલી હોય ત્યારે એ ધર્મશાસ્ત્રોને અનુસાર પ્રજાએ, સ્વાભાવીક રીતે જ પોતાની વીવેકબુદ્ધી પ્રમાણે જ વર્તવું પડે. એ સીવાય બીજો માર્ગ રહેતો નથી.’
(‘વીશ્વ હીન્દુ સમાચાર’ના મે, 1992, પાન : 08માંથી સાભાર)
સન્ત વીનોબાજી આપણાં ધર્મશાસ્ત્રોના મહાન જ્ઞાતા અને આસ્તીક વીદ્વાન સાધુ–મહાત્મા હતાં. તેઓ લખે છે ‘જેને આપણે ધર્મગ્રન્થો કહીએ છીએ, તે પુરેપુરા ધર્મ વીચારથી ભરેલાં છે એવું નથી. આપણે એમ નહીં કહી શકીએ કે, મહાભારતમાં જે કંઈ લખ્યું છે, તે બધો ધર્મ વીચાર છે. એ જ હાલત મનુસ્મૃતી, કુરાન, બાઈબલ અને બીજા ધર્મગ્રન્થોની છે. વાસ્તવમાં આપણી વૃત્તી સાર ગ્રહણ કરી લેવાની હોવી જોઈએ. કોઈ પણ ગ્રન્થને પ્રમાણ માનીને ચાલવાની વાત ખોટી છે.’
(‘બૈઠ પથ્થરકી નાવ’ {સમ્પાદક : ઈન્દુકુમાર જાની}માંથી સાભાર)
પ્રબુદ્ધ આસ્તીક સાક્ષર શ્રી. દીનકર જોષીએ એકવાર ‘જન્મભુમી’ની તેમની કટારમાં એવા મતલબનું લખેલું કે ‘ભાગવત, હરીવંશ અને મહાભારતમાં કૃષ્ણચરીત્રમાં અનેક ભીન્નતાઓ અને વીરોધાભાસો જોવા મળે છે.’
સ્વામી વીવેકાનન્દજીને પણ આપણાં ધર્મગ્રન્થોમાંથી આવું જ જ્ઞાન થયું હતું. તેઓ લખે છે :
‘આપણી ફરજ તો સત્ય શું છે તેની ખાતરી કરીને જ તેને સ્વીકારવાની છે. સત્ય સીવાયના પરમ્પરાગત વહેમો કે શ્રદ્ધાની એવી સખત પક્કડ છે કે, માણસને એ આકરા બન્ધનમાં જકડી રાખે છે. આ પક્કડ એવી સખત હોય છે કે, જીસસ ક્રાઈસ્ટ અને મહમ્મદ પયગમ્બર અને બીજા મહાત્માઓ પણ આવા અનેક વહેમોમાં માનતા અને તેને દુર કરી શક્યા નહોતા. તમારે દૃષ્ટી કેવળ સત્ય ઉપર સ્થીર કરી રાખવી જોઈએ અને વહેમોનો સદન્તર ત્યાગ કરવો જોઈએ… પ્રાચીનકાળમાં ઐતીહાસીક સંશોધન કરીને સત્ય મેળવવા માટે બહુ ઓછું વલણ જોવામાં આવે છે. તેથી કોઈ પણ જાતની હકીકત કે, પુરાવાના આધાર વગર ગમે તે વ્યક્તી પોતાને યોગ્ય લાગે તે કહી શકતી. પ્રાચીનકાળમાં લોકોને ભૌગોલીક જ્ઞાન પણ હતું નહીં. કલ્પનાના ઘોડા પુરપાટમાં દોડતા અને તેથી ક્ષીરસાગર, ધૃતસાગર તથા દધીસાગરની કલ્પનાભરી બેહુદી વાતો સાંભળવામાં આવે છે. પુરાણમાં કોઈ હજાર વર્ષ તો કોઈ દસ હજાર વર્ષની આવરદાવાળાં છે. આપણે એમાંથી કોનું માનશું? તેથી કૃષ્ણની બાબતમાં સાચો નીર્ણય મેળવવો લગભગ અશક્ય છે.’
(સ્વામી વીવેકાનંદ, ભાગ : 6 પાન : 144-145)
સ્વામી વીવેકાનંદજી એક મહાન રાષ્ટ્રભક્ત તેમ જ હીન્દુધર્મના મહાન પ્રેમી અને પ્રચારક હતા. દેશ–વીદેશમાં તેમણે હીન્દુધર્મનો ડંકો વગાડેલો. તેઓ મહાન ઈશ્વરભક્ત અને યોગીપુરુષ હતા. તેમના ઉપરોક્ત શબ્દો આપણી આંખ ઉઘાડનારા છે. આપણી અનેક ભ્રામક માન્યતાઓના એનાથી ચુરેચુરા થઈ જાય છે અને આપણી ‘વીવેકબુદ્ધી’ જાગૃત થઈ જાય છે.
સુરતના સુપુત, પ્રબુદ્ધ સારસ્વત અને મહાન વીવેચક ડૉ. વીષ્ણુપ્રસાદ ત્રીવેદી લખે છે ‘મહાભારત અને રામાયણ એથીક છે. તેમને શાસ્ત્ર સમ્મત મહાકાવ્ય કહેવા કરતાં, બૃહત કથા–કાવ્ય કહેવાં જોઈએ. રામની કથા મુળે કુટુમ્બ કથા છે. તે કુટુમ્બ ક્લેશમાંથી ઉદભવે છે… રામને માનવ જ ગણવા જોઈએ. વીષ્ણુના અવતાર નહીં. સત્યનીષ્ઠ, કરુણામય, વીપુલ પરાક્રમ, લોકાનુરાગી મહામાનવ ગણવા જોઈએ; પણ દેવાધીદેવ નહીં… દ્વીતીય ત્યાગની કથા રામાયણના કરુણને વધુ તીક્ષ્ણ કરવા કવીએ પાછળથી ઉમેરી હશે. જો કે એમ ની:શંક ન કહી શકાય. ઉમેરા તો થયા છે. ક્ષેપકો પણ છે. પહેલા અને સાતમાં ખંડમાં ઉમેરા ઘણાં થયા છે અને તે રામ વીષ્ણુના અવતાર ગણાયા પછીના છે. એટલે રામચરીત્રને ઓળખવામાં અને કાવ્યને વીલોકવામાં સાવધાન રહેવાનું આવશ્યક છે.’
(‘દ્રુમપર્ણ’, પાન : 407થી 414)
‘વીશ્વહીન્દુ સમાચાર’ કે જે માત્ર હીન્દુઓનું જ જવાબદાર અને ભરોસાપાત્ર મુખપત્ર છે. તેમાં લેખ લખનાર શ્રી. વીવેક પોતાના ટુંકા મન્તવ્યમાં ધર્મશાસ્ત્રોને અનુસરવા માટે ‘વીવેકબુદ્ધી’નો ઉપયોગ કરવાનું બે વખત સુચન ભારપુર્વક કર્યું છે. સન્ત વીનોબાજીએ ધર્મગ્રન્થોમાંથી સાર ગ્રહણ કરી લેવાની વાત કરી છે તો સ્વામી વીવેકાનંદજીએ પણ પરમ્પરા અને શ્રદ્ધાનો ત્યાગ કરી સત્ય શોધીને તેને અનુસરવાની હીમાયત કરી છે. જ્યારે ડૉ. વીષ્ણુપ્રસાદ ત્રીવેદી જેવા ધુરન્ધર ધર્માનુરાગી પુરુષે પણ ધર્મશાસ્ત્રોને વીલોકવામાં સાવધાની રાખવાની ભલામણ કરી છે. જેનાથી સીદ્ધ થાય છે કે હીન્દુઓએ ધર્મશાસ્ત્રોને અનુસરવામાં ‘તસ્માત શાસ્ત્ર પ્રમાણમ્’, ‘સંશયાત્મા વીનશ્યતી’ અને ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્’ જેવા સુત્રોને આંખ મીંચીને વળગી રહેવામાં જરાય ડહાપણ નથી જ; પરન્તુ ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં તેણે પોતાની ‘વીવેકબુદ્ધી’ને અનુસરવાનું છે.
માત્ર હીન્દુધર્મના ધર્મગ્રન્થો પુરતી આ વાત નથી. સન્ત વીનોબાજી અને સ્વામી વીવેકાનંદજીએ દરેક ધર્મના ધર્મગ્રન્થો અને ગ્રન્થકર્તાઓ કે ધર્મસંસ્થાપકો પ્રત્યે સ્પષ્ટ અંગુલીનીર્દેશ કરેલો જ છે. કોઈ વ્યક્તી ગમે એવી તપસ્વી કે વીદ્વાન હોય તો પણ તે પુર્ણ હોઈ શકે નહીં. તેણે પણ પોતાના હઠાગ્રહો, મતાગ્રહો અને પુર્વગ્રહો હોઈ શકે છે. તેથી કોઈ પણ ધર્મ કે ધર્મગ્રન્થ ઈશ્વરકૃત અને પુર્ણ હોઈ શકે નહીં. દરેક ધર્મના અનુયાયીઓએ આ સત્ય સ્વીકારીને ચાલવું જોઈએ.
શ્રદ્ધા અને શાસ્ત્રપ્રમાણના હીમાયતીઓ ધર્મશાસ્ત્રો માંહેની વીરોધાભાસી વાતોનો સામનો કરી શકતા નથી ત્યારે ‘પરમ્પરા એ જ સત્ય’ એવી નવી બનાવટી દલીલ શોધી કાઢે છે. આ લોકોને આપણે પુછી શકીએ કે ‘પરમ્પરા એ જ સત્ય’ એવું કયા ધર્મગ્રન્થમાં લખેલું છે? આપણાં દેશમાં તો અનેક પરસ્પર વીરોધી પરમ્પરાઓ ચાલી રહી છે. રામ અને કૃષ્ણને ભજનારા છે તેમ દુર્યોધન અને રાવણના મન્દીરોમાં દુર્યોધન અને રાવણની પણ પુજા–આરતી થાય છે અને તેમની બાધા–આખડી રાખવાથી કાર્યો સફળ થાય છે એવી પણ લોકમાન્યતાઓ પ્રચલીત છે. આસ્તીક અને નાસ્તીક બન્ને પરમ્પરાઓ પણ આપણા દેશમાં આજે વીદ્યમાન છે. એ સંજોગોમાં સત્ય શું હોઈ શકે તે ‘વીવેકબુદ્ધી’ વડે જ નક્કી થઈ શકે. વાસ્તવમાં આજના યુગની પ્રબળ અને અતી આવશ્યક માગ છે કે, અનર્થકારી પરમ્પરાઓનો ત્યાગ કરો. ગુરુ, ગ્રન્થ અને પન્થની માન્યતાઓને ‘વીવેકબુદ્ધી’ની એરણે ચકાસીને જ સ્વીકારો. જે પોતાની ‘વીવેકબુદ્ધી’ને જ અનુસરે તેને જ હીન્દુ કહેવાય એવી હીન્દુની વ્યાખ્યા અપનાવો અને માનસીક સ્વાતન્ત્ર્યના યુગમાં પ્રવેશ કરો.
–એન. વી. ચાવડા
ભાઈ ચાવડા પોતે તો હતા એક આસ્તીક, શ્રદ્ધાળુ, ભક્ત, યોગ ઉપાસક, ભજન–કીર્તન, પાઠ–પુજા, ધ્યાન, ગાયત્રી મન્ત્રજાપ, ગુરુભક્તી આદીમાં પુર્ણશ્રદ્ધાયુક્ત આસ્થા ધરાવનારા અને ગણેશપુરીના મુક્તાનન્દ બાબાના અનુયાયી. પરન્તુ આયુષ્યના 45મે વરસે અનેક અનુભવ, ગહન અભ્યાસ, ચીન્તન–મનન અને સંશોધનને અન્તે આસ્તીકમાંથી નાસ્તીક થયેલા. એવા આ નીવૃત્ત શીક્ષક, વીદ્વાન, ચીન્તક, અને લેખક એન. વી. ચાવડાના પુસ્તક ‘દીશા અને દશા’ (પ્રકાશક : સ્મરણીય જમનાદાસ કોટેચા (હવે આપણી વચ્ચે નથી) પ્રથમ આવૃત્તી : 2002; પાનાં : 112 મુલ્ય : રુપીયા 50/)નો ચોથો લેખનાં પૃષ્ઠ ક્રમાંક : 25થી 31 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત ફોન : (02622) 247 088 સેલફોન : 97248 08239
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
શાસ્ત્રોને શ્રદ્ધાથી નહીં ‘વીવેકબુદ્ધી’થી અનુસરો શ્રી–એન. વી. ચાવડાનો અભ્યાસુ લેખ
‘ધર્મશાસ્ત્રોના આદેશની વાત હોય ત્યારે એક વાત ધ્યાનમાં રહેવી જોઈએ અને તે એ કે, મુસ્લીમો અને ખ્રીસ્તીઓની જેમ હીન્દુઓ ‘લકીરના ફકીર’ ક્યારેય નહોતા અને આજે પણ નથી’ તેના અનુસંધાનમા ખુબ સુંદર વાત- સન્ત વીનોબાજીએ ધર્મગ્રન્થોમાંથી સાર ગ્રહણ કરી લેવાની વાત કરી છે તો સ્વામી વીવેકાનંદજીએ પણ પરમ્પરા અને શ્રદ્ધાનો ત્યાગ કરી સત્ય શોધીને તેને અનુસરવાની હીમાયત કરી છે. જ્યારે ડૉ. વીષ્ણુપ્રસાદ ત્રીવેદી જેવા ધુરન્ધર ધર્માનુરાગી પુરુષે પણ ધર્મશાસ્ત્રોને વીલોકવામાં સાવધાની રાખવાની ભલામણ કરી છે. જેનાથી સીદ્ધ થાય છે કે હીન્દુઓએ ધર્મશાસ્ત્રોને અનુસરવામાં ‘તસ્માત શાસ્ત્ર પ્રમાણમ્’, ‘સંશયાત્મા વીનશ્યતી’ અને ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્’ જેવા સુત્રોને આંખ મીંચીને વળગી રહેવામાં જરાય ડહાપણ નથી જ; પરન્તુ ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં તેણે પોતાની ‘વીવેકબુદ્ધી’ને અનુસરવાનું છે. આવું વિવેક ચુડામણીમા
जगत्सूष्टि स्थित्यवसानतोप्यनुमितं सर्वाश्रयं सर्वगम्।
इन्दोपेन्द्रमरुद्रणप्रमृतिमिर्नित्यं त्द्ददब्जेर्चितं वन्देशेष फलप्रदं श्रुतिशिरोवाक्यैकवेद्यं शिवम्।। આ મંગલાચરણ પછી શંકરાચાર્ય મહારાજ ગુરુને પ્રણામ કરતા શ્લોકો લખે છે, એ પછીના ભાગમાં બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને વૈદિક ધર્મપરાયણ બનવું એ કેટલું કઠીન છે, તેમાં પણ આ વિષયના વિદ્વાન બનવું કેટલું દુર્લભ અને અંતે વિદ્વાન હોવા છતાં તેને આત્મસાત કરીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો તે કેટલું દુર્લભ છે, એ વાતનું નિરૂપણ કર્યું છે. ગ્રંથના અન્ય ભાગોમાં વેદાંતનું દર્શન કરાવવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ શ્લોક વાક્ય બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ પણ આ ગ્રંથનું જ એક વાક્ય છે.
વિવેક ચૂડામણિની શરુઆત બ્રહ્મનિષ્ઠના મહત્વથી થાય છે અને અંતિમ ભાગમાં અનુબંધ ચતુષ્ટ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. વચ્ચેના અન્ય વિભાગોમાં મુખ્યત્વે જ્ઞાનોપલબ્ધિનો ઉપાય, એ માટેનો અધિકારી વ્યક્તિ કેવો હોય, ગુરુ, ઉપદેશ, પ્રશ્ન નિરુપણ, શિષ્ય, સ્વ-પ્રયત્ન, આત્મજ્ઞાનનું મહત્વ, સ્થૂળ શરીર, દસ ઇન્દ્રીય, અંત:કરણ, પંચપ્રાણ, સૂક્ષ્મ શરીર, અહંકાર, પ્રેમ, માયા, ત્રણે ગુણ, આત્મ અને અનાત્મ વચ્ચ્ચેનો ભેદ, આન્નમય-પ્રાણમય અને જ્ઞાનમય કોશ, મુક્તિ કેવી રીતે થાય્?, આત્સ્વરુપ વિશે પ્રશ્નો, બ્રહ્મ, વાસના, યોગવિદ્યા, આત્મજ્ઞાનનું ફળ, જીવનમુક્તના લક્ષણો વગેરે અધ્યાત્મિક ગૂઢ વિષયો પર વર્ણન કર્યું છે. જેને વેદાંતનો સાર માનવામાં આવે છે.આમ વિવેકબુધ્ધિથી ન સમજતાઓને ‘તસ્માત્ શાસ્ત્રં પ્રમાણમ્’. ‘સંશયાત્મા વીનશ્યતી’ અને ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ્’ જેવા શાસ્ત્રોક્ત વીધાનો ટાંક વાનું જરુરી છે.
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આદરણીય વલીભાઈ,
આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘શાસ્ત્રોને શ્રદ્ધાથી નહીં ‘વીવેકબુદ્ધી’થી અનુસરો’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
–ગોવીન્દ મારુ
LikeLike
શ્રી અેન.વી. ચાવડાનો અભ્યાસુ લેખ ખૂબ ગમ્યો. હાર્દિક અભિનંદન.
તેમણે ૨૧મી સદીના હિન્દુઓની આંખ , કાન અને મગજ ખોલી નાખે અવી ‘ વિવેકબુઘ્ઘિ ‘ વાપરવાની વાત લખી છે. આજના પોતાને હિન્દુ કહેવડાવનારને કદાચ ખબર નહિ હોય કે હિન્દુઓનો પોતાનો કોઇ પણ ‘ ઘર્મગ્રંથ ‘ નથી. મુસ્લીમોનો કુરાન, ખ્રિસ્તીઓનું બાઇબલ. ગીતા હિન્દુઓનો ઘર્મગ્રંથ નથી. દરેક કથાકારો…કથા જ કરે છે. કથા અટલે વાર્તા. કથા કરીને કમાણી કરી પેટીયુ રળવાનું કર્મ તે કથાકારો કરે છે. બે કથાકારો પોતાના બેકગ્રાઉંડ પ્રમાણે દરેક શ્લોકનું ઇન્ટરપ્રીટેશન કરે છે. આજે આપણા રોજીંદા જીવનમાં ઉતારી શકાશે ? ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જે વાતો ચાવડા સાહેબે લખી છે તે અેક લાખ ટકા, મારા વિચારો પ્રમાણે સાચી છે. મહાભારત કે રામાયણ તો કથાસંગ્રહો છે. તેમાની કોઇપણ વાત આજના સમયને અનુરુપ નથી. તે વાર્તાને કોઇપણ રેફરન્સમાં આપણા જીવનમાં વાપરી શકાય તેમ નથી….વિવેકબુઘ્ઘિથી વિચારી જોઇઅે…સવાલ પૂછીઅે..જેમ વેસ્ટર્ન દુનિયા છોકરાઓને શીખવે છે….કોઇપણ વાત…પુસ્તકમાં લખેલી વાત પણ, વ્હાય , હુ, વ્હેર .વોટ..જો તમને જવાબ મળે તે જો તમને યોગ્ય લાગે કન્વીન્સીંગ લાગે તો જ માનો.
મેં પણ આ વિષય ઉપર મારા લેખો બનાવેલા છે. ખૂબ લંબાણથી ચર્ચા કરી શકાય તેમ છે. ચાવડા સાહેબે જે વાત લખી છે તે સત્ય છે. દરેક શ્લોકનું ઇન્ટરપ્રીટેશન દરેક વાચકના પોતાના અભ્યાસના બેકગ્રાઉન્ડ ઉપર આઘાર રાખે છે. હું અેક, બે દાખલાઓ ટાંકીશ…….સવાલો સાથે…..સત્ય શોઘવા માટે…..કોઇઅે કહેલું અંઘશ્રઘ્ઘાથી માની લેવાનું ટાળીને…..( પહેલા વિચારવાનું રહેશે કે આ વાત આપણા આજના દૈનિક જીવનમાં કેટલી બંઘબેસતી આવે છે. શું આપણે તે કહેલા નિયમોને આજે પાળિને જીવી શકીશું )
ભગવદ્ ગીતા.
કર્મયોગ.
અઘ્યાય : ૩ : શ્લોક : ૮ થી ૧૪.
શ્લોક ૧૧ : દેવાન્ભાવયતાનેન………ગુજરાતી : યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ષ્ટ કરો અને પછી તે દેવો તમને સંતુષ્ટ કરશે. આમ અેક બીજાને સંતુષ્ટ કરતાં તમે પરમ કલ્યાણને પામશો. દરેક સંસ્કૃત જાણકાર આ શ્લોકને જુદી રીતે મૂલવશે. મારો હસવાને માટેનો સવાલ છે…કે શું આ શ્લોક લાંચ રુશવત શીખવે છે ? તમે સાહેબને ખુશ કરો પછી સાહેબ તમને ખુશ કરશે. આમ તમે બન્ને કલ્યાણને પામશો.
શ્લોક: ૧૨ :ઇષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતા:
…………….ભુક્તે સ્તેન અેવ સ:
ગુજરાતતી : યજ્ઞ વડે સંતુષ્ટ થયેલાં દેવો તમને ઇચ્છિત ભોગો આપશે. પણ તેમણે આપેલા ભોગો તેમને સમર્પ્યા વગર જે પોતે જ ભોગવે છે તે નિશ્ચય ચોર છે.
હસવાના મુડમાં સવાલ : આ શું , બીઝનેસ નો પહેલો નિયમ બને છે ? આજના જમાના માટે ?
ટૂકમાં શ્રી ચાવડા સાહેબની રીસર્ચને ખૂબ માનથી સ્વીકારું છું..
પોતાની જાતને છેતરીને અંઘશ્રઘ્ઘામાં અટવાઇ જવાનું ટાળવું જોઇઅે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Superb…
LikeLiked by 1 person
મિત્રો,
મેં લંબાઇથી મારા વિચારો લખ્યા હતાં પરંતું ભૂલથી ડીલીટ થઇ ગયા. હવે ટૂંમાં લખું છું.
રેફરન્સ :. સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક : અઘોગતિનું મૂળ : વર્ણવ્યવસ્થા.
સામે શ્રીમદ્ ભગવદ્ ગીતા : અઘ્યાય ૪ : શ્લોક : ૧૩ : અને તે શલોકની ઉપર નીચેના શ્લોકો. સાથે વઘુ રેફરન્સમાટે : અઘ્યાય : ૯ : શ્લોક : ૩૨ : અને અઘ્યાય : ૧૮ :.
ગુજરાતી : કૃષ્ણ ઉવાચ : ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
વિક્રમ સંવત ૨૦૭૫ના વરસમાં વર્ણવ્યવસ્થાઅે જે શોર મચાવ્યો છે તેના વિષયે આપણે સૌ વિવેકબુઘ્ઘિથી વિચાીઅે. સત્યને આજના સામાજીક અને કૌટુંબિક જીવનમાં વણી જોઇઅે. વિચારવાનું છે કે આજે ૨૦૨૦ના વરસમાં આપણે તીર કામથા સાથે કુરુક્ષેત્રના મેદાનમાં નથી.
વિવેકબુઘ્ઘિ હંમેશા સત્યની ખોજ માટે વપરાતી હોય છે. કૃષ્ણની વર્ણવ્યવસ્થા કયા વિચારોના સંદર્ભમાં બનાવાઇ હશે અને કહેવાતા હિન્દુઓ કયા અર્થમાં વાપરી રહ્યા છે તે બે વચ્ચે સત્ય …પોતાની જાતને છેતરવા વિના ‘ સત્ય ‘ ને શોઘીઅે.
આભાર.
અમૃત હઝારી.
LikeLike