તા. 30 જુલાઈ, 1997ના રોજ સ્મરણીય રમણ પાઠક ‘વાચસ્પતી’ના ભાતીગળ જીવનનાં 75 વર્ષ પુરાં થયાં હતાં. ત્યારે રૅશનાલીઝમની વીચારધારાને વેગ મળે તે માટે ર.પા.ના સુમારે બારસો જેટલા લેખોમાંથી 75 વર્ષની વયના આંકડા સાથે મેળ બેસે તે રીતે 75 લેખોનો એક સંગ્રહ પ્રગટ કરવાનું નક્કી થયું. આમ, ર.પા.ની પુરી વીચારછબી ઉપસે તેવી યોજનાના ભાગરુપે ‘મધુપર્ક’ પુસ્તકનું 1997માં પ્રકાશન થયું. ‘મધુપર્ક’ના સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી આ પુસ્તકની લેખમાળા આજથી સાદર…
વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :
રૅશનાલીઝમની બાળપોથી – 01
–રમણ પાઠક (વાચસ્પતી)
પાંચ–દસ હજાર વર્ષ પુર્વે, માનવજાતના પુર્વજનું મગજ, આજના જેટલું જ પુર્ણ વીકસીત હોવા છતાંય, જ્ઞાનપ્રાપ્તીનાં સાધનો તેની પાસે ખુબ ટાંચાં હતાં. અર્થાત્ કુતુહલ/જીજ્ઞાસા આજના જેટલાં જ; પરન્તુ સત્ય પામવાની ક્ષમતા ઘણી ઓછી. પરીણામે કપોળ કલ્પનાઓનો આધાર તેણે નછુટકે જ લેવો પડે અને તે લીધો. સર્વપ્રથમ તો આવડું મોટું સુવીરાટ વીશ્વ શા માટે તથા કેવી રીતે ચાલે અને ચાલ્યા કરે? એ પ્રશ્ન તેને માટે તીવ્ર મુંઝવણ જન્માવનારો બની રહ્યો. ત્યારે પૃથ્વી પરના પોતાના સાવ પ્રાથમીક અનુભવોનો દાખલો લઈને, તેણે એક પ્રખર શક્તીશાળી સંચાલક તત્ત્વની કલ્પના કરી. અર્થાત્ માનવીના આદીમ સમાજમાં, જેવી સમાજવ્યવસ્થા તથા ગૃહવ્યવસ્થા હતી; એનો સંચાલક તે પોતે જ હતો અને એના અનુભવ–જગતમાં કશું પણ ચલાવ્યા વીના, તેની મેળે ચાલતું નહીં. એથી તે એવી કલ્પના તો કરવા જ અસમર્થ હતો કે, આ વીશ્વ એના પોતાના અન્ધ નીયમોને વશ, પોતાની મેળે જ ચાલ્યા કરે છે એ કલ્પવું આદીમ માનવો, યા એમના વારસદારો, જેઓ અન્યથા સારા એવા સુધરેલા હોવા છતાંય, તેમને માટે અસમ્ભવીત હતું. આથી તેણે વીશ્વના સંચાલકની કલ્પના કરી.
બીજી હકીકત એ કે તેના પ્રાથમીક યા વીકસીત સંસારમાં એક પણ પદાર્થ કે ક્રીયા હેતુવીહીન, જરુરીયાત વીનાની તે રાખતો કે કરતો નહીં તો પછી આવું વીરાટ વીશ્વ કેવળ નીર્હેતુક હોય – એમ કલ્પવું; એ તેની ચીત્તશક્તીની બહારની વસ્તુ હતી. આથી તેના નાનકડા મગજને કસીને, તેણે તારવ્યું કે આ વીશ્વની આવી રચના માનવપ્રાણીના લાભાર્થે જ પેલા સર્જનહારે પ્રયોજી છે. વળી, પાર્થીવ જગતમાં, કેટલાક પદાર્થો ગતીરહીત, લાગણીરહીત એવા જડ હતા; જ્યારે અન્ય અમુક પદાર્થો સ્વેચ્છાએ ગતી કરી શકતા અને સુખદુ:ખાદીનો અનુભવ કરતા. આ સ્પષ્ટ ભેદનું રહસ્ય છેક વીસમી સદી સુધી માનવીને સમજાયેલું નહીં; તો પાંચદસ હજાર વર્ષ પુર્વે તો એની પાસે એવાં કોઈ શક્તીસાધનો જ નહીં કે જે વડે તે યથાર્થ સમજી શકે. પરીણામે તેણે એક ચેતનાની કલ્પના કરવી પડી; જેને તેણે જડ પ્રકૃતીથી ભીન્ન ગણી લીધી આ અસીમ વીશ્વનું સંચાલન કરનાર પણ કોઈ ચેતનતત્ત્વ હોવું જોઈએ એવી એક કલ્પના અને બીજી, તે સજીવ તત્ત્વમાં ગતી, વૃત્તી તથા લાગણી પ્રેરતું પણ કોઈ ચેતનતત્ત્વ છે એવી કલ્પના આદીમ માનવને આવી અને આ બન્ને ચેતનાઓ એકસરખી જ પ્રતીત થઈ; કારણ કે એ અકળ રીતે રહસ્યમય હતી. તેણે પોતાની પ્રાથમીક કલ્પનાશક્તીથી એવું તારણ કાઢ્યું કે, આ વૈશ્વીક ચેતના મુળભુત રીતે એક જ હોવી જોઈએ અને પૃથ્વીના સજીવમાં દેખાતું ચૈતન્ય તે પેલી વીરાટ, પ્રકાંડ વીશ્વચેતનાનો જ એક અંશ હોવો જોઈએ, આમ માનવચીત્તમાં આત્મા–પરમાત્માની કલ્પના પ્રગટી.
જડ અને ચેતન એ બે ભીન્નભીન્ન પદાર્થો છે એવો ખ્યાલ આદીમ માનવને આવે એ આમ સાવ સ્વાભાવીક હતું અને એમાં ચેતન તે ઉચ્ચતર તત્ત્વ હોવું જોઈએ એમ પણ સ્વાભાવીક રીતે જ કલ્પાય; કારણ કે ચૈતન્ય વીના તમામ પદાર્થો કેવળ અર્થહીન બની રહેતા. આમ પ્રકૃતી અને પુરુષ એવા બે સ્પષ્ટ વીભાગો પર આધારીત તત્ત્વવીચાર – ફીલસુફીનો ઉદભવ થયો. શાસ્ત્રો એને અન્ધ–પંગુ ન્યાય પણ કહે છે. અર્થાત્ પ્રકૃતીની મદદ વીના પુરુષ (એટલે કે દેહ વીના આત્મા) સ્વયં કશુ જ કરી શકતો નથી; એ જ રીતે પુરુષ અર્થાત્ ચૈતન્ય વીનાની પ્રકૃતી સ્વેચ્છાએ, ચોક્કસ હેતુવાળું કોઈ પણ કાર્ય કરવા અસમર્થ જ રહે છે અને છતાં પ્રકૃતી એના પોતાના નીયમો અનુસાર તો વળી કાર્ય કરતી જ રહે છે; પણ એનામાં આવશ્યક – અનાવશ્યકનો કે સારા–નરસાનો વીવેક નથી હોતો. જેમ કે, નદી વહે, વરસાદ પડે, રેલ આવે, વીજ ત્રાટકે, સહ્ય–અસહ્ય ગરમી–ઠંડી વરસે, સમુદ્રમાં ભરતીઓટ ચાલ્યા કરે, જેનો લાભ મનુષ્ય અવશ્ય ઉઠાવી શકે; પરન્તુ તે માનવીના લાભાર્થે જ છે એવું પુરી પ્રતીતીપુર્વક સીદ્ધ ના થાય; કારણ કે ઘણીય વાર તે માનવીને ગમ્ભીર હાની પણ કરી જાય. આમ પ્રકૃતી અન્ધ છે ને પુરુષ પંગુ છે એવો સીદ્ધાંત આદીમ મનીષીઓએ તારવ્યો. એ છે, શાસ્ત્રોક્ત અન્ધ–પંગુ ન્યાય; જે શબ્દભેદે કે અલ્પ તર્કભેદે સંસારભરના તત્ત્વવીચારમાં પ્રવર્તે છે. દા.ત.; ફ્રી વીલ–માનવીની મુક્ત કાર્યેચ્છાનો સીદ્ધાંત વગેરે.
આદીમ માનવસમાજનો આપણો ત્રીજો વારસો ઠાકોરશાહી કે રાજાશાહીમાંથી ઉતરી આવેલો છે. આદીમ માનવે સમાજ તો રચ્યો; પરન્તુ એનું યોગ્ય તથા ચુસ્ત સંચાલન કેવી રીતે કરવું? – એ પ્રશ્ન તત્કાળ ઉદભવે જ. આથી પોતાનામાંના કોઈ એકને કે ગણતર મનુષ્યોને સમાજે એનું સંચાલન કરવાનું કાર્ય સોંપ્યું. સ્વાભાવીક રીતે જ આવો એક માણસ કે થોડા માણસો અન્યની અપેક્ષાએ વધુ શક્તીશાળી હોવા જોઈએ. એથી સમાજે એવાની જ પસન્દગી કરી. વળી, જે થોડા માણસોએ સમાજ–સંચાલનનું કાર્ય સંભાળ્યું; તેઓમાં પણ એક સૌથી વધુ શક્તીશાળી તો હોય જ, એટલે તે સર્વોપરી સત્તાધીશ બન્યો અને સમાજે અનીવાર્યતયા જ તેનો સ્વીકાર કરવો પડ્યો. આમ રાજાશાહી અસ્તીત્વમાં આવી. અને રાજા હમ્મેશાં સારો જ હોય, સમાજનું હીત જ કરનારો હોય એવું તો બને જ નહીં; કારણ કે રાજાને પોતાને પણ પોતાનું હીત–અહીત, તેના ગમા–અણગમા, સમજ–ગેરસમજ, પ્રસન્નતા–ક્રોધ ઈત્યાદી હોય જ. પરીણામે રાજાને ન ગમતું એવું કોઈ આચરે અને જો તે ક્રોધે ભરાય; તો તેમ કરનાર વ્યક્તી–વ્યક્તીઓને તે નાનીમોટી સજો કરે. આ જોઈને આમ જનસમુહે એમ સ્વીકારી લીધું કે રાજાને ખુશ રાખવા પ્રસંગોપાત તેની પ્રશસ્તી કરવી અને એને યથાશક્તી ભેટસોગાદ ધરતાં રહેવું; જેથી તેની કૃપાનો લાભ મળે. બરાબર આ જ વૃત્તી તથા આવશ્યકતામાંથી ભક્તીમાર્ગનો ઉદભવ થયો. આમ માનવસમાજના એક જ પ્રકારના વીકાસને પરીણામે અને પ્રકૃતીના નીયમવશ આ જ પ્રકારનો વીકાસ સર્વત્ર થાય અને થયો જ; એથી જગતભરમાં આત્મા, પરમાત્મા, ભક્તી–પુજા આદી વીચાર–કાર્ય કે પંથ એકસરખાં પ્રચલીત બન્યાં. લોકો પુછે છે કે, જો ઈશ્વર કેવળ કલ્પના હોય, તો એવી કલ્પના સમગ્ર માનવજાતને એકસરખી જ કેમ આવી? તો એનું કારણ ઉપર જણાવ્યું તે જ છે. પછી તો નાનામોટા રાજ્યોની જેમ જ, નાનામોટા પંથોય અસ્તીત્વમાં આવ્યા અને રાજાઓ પરસ્પર ઝઘડે, તેમ આ પંથોય એકબીજા સાથે લડતા રહ્યા; જે આજેય વધુ ખુનખારપણાથી લડ્યા જ કરે છે; કારણ કે ભૌતીક સાધનસામગ્રીનો જેટલો ઝડપી વીકાસ થયો; એટલી ઝડપે માનવીની વીવેકબુદ્ધી વીકસી નહીં; જેનું કારણ વળી એ કે, સ્વભાવથી જ મનુષ્ય રુઢીચુસ્ત પ્રાણી છે અને વારસામાં મળેલા, બાલ્યાવસ્થામાં પડલા સંસ્કાર વજ્રલેપ બની રહે છે. પરીણામે આજેય, વૈજ્ઞાનીક સત્યોની આટઆટલી શોધો પછી પણ માણસ આત્મા, પરમાત્મા, ભક્તી, કર્મફળ, શ્રદ્ધા, વૈશ્વીક ચેતના, તેના અકળ દીવ્ય હેતુઓ વગેરે મીથ્યા માન્યતાઓમાં અટવાયા કરે છે; જેણે સંસારમાં હાહાકાર પ્રવર્તાવ્યો છે; સુખના મોટા ભાગનાં દ્વાર રોકી લીધાં છે અને દુ:ખદર્દ, વેદના–યાતના, હીંસા–અન્યાયના ભસ્માસુરને છોડી મુક્યો છે.
છેલ્લે, કર્મફળની માન્યતાનું મુળ પણ તપાસી લઈએ : એ પણ રાજાશાહી વ્યવસ્થાની નીપજ જ છે. સમાજમાં ખરાબ કાર્યો કરનારને રાજા સજા કરતો; પરન્તુ શાસક કે તેના માણસો સર્વત્ર તો પહોંચી જઈ શકે નહીં. એટલે ચોરીછુપીથી થતા અપરાધો કેવી રીતે રોકવા? સમાજના ધુરન્ધરોએ એ માટે ઈશ્વરદંડનો સીદ્ધાંત પ્રવર્તાવ્યો કે ‘ભાઈ, ચોરીછુપીથી ખરાબ કર્મ કરશો, તો કદાચ રાજાના દંડમાંથી છટકી જઈ શકશો, જુઠ બોલીને, અન્યાય આચરીને પણ રાજદંડમાંથી છટકી શકાય; પરન્તુ ઈશ્વર તો સર્વવ્યાપી છે; તે બધું જ જુએ છે; સર્વજ્ઞ છે એથી સત્ય જાણે છે. માટે રાજદંડમાંથી ભલે છટકો; પણ પરમેશ્વરની સજામાંથી તો કદી નહીં બચી શકો.’ આવા ડર–ધમકીથી થોડા અપકૃત્યો જરુર અટક્યાં પણ હશે.
પરન્તુ અહીં ખરાબ યા અપકૃત્ય તે કેવળ સમાજના સન્દર્ભે જ, મતલબ કે સમાજવ્યવસ્થામાં ખલેલ ઉભી કરે એવાં કૃત્યો તે પાપ. જેમ કે, ચોરી, લુંટ, ખુન, વ્યભીચાર વગેરે; જેમાંનાં કેટલાક તો અમુક સમાજમાં જ અપકૃત્ય ગણાતાં હોય; જ્યારે વળી બીજા સમાજમાં તે નીર્દોષ યા સુકૃત્ય પણ ગણાતું હોય; જેમ કે માંસાહાર, મદીરાસેવન, પરસ્ત્રીગમન વગેરે. કેટલાક એવાય ધાર્મીક પંથો છે કે જેમાં પરસ્ત્રી સાથે મૈથુન એક ધાર્મીક વીધી ગણાય છે; જેમ કે શાકત મત કે તન્ત્રમાર્ગ. એટલે કે કહેવાતાં અપકૃત્ય બધાં જ ખરેખર સાર્વત્રીક પાપ ન પણ હોય; ઘણાં સમાજ–સાપેક્ષ તથા કાલ–સાપેક્ષ પણ સમ્ભવે. હીંસા કરવા બદલ એક જૈનને ઈશ્વર સજા કરે, મતલબ કે તેને માટે એ પાપકૃત્ય ગણાય; પરન્તુ એથી બીલકુલ ઉલટી રીતે, અન્ય ધર્મોમાં ચોક્કસ ધાર્મીક વીધી પ્રસંગે, હીંસા એટલે માંસાહાર પુણ્ય ગણાય. પ્રાચીન આર્યો પણ ધાર્મીક યજ્ઞકાર્યમાં પ્રાણીઓની બલી અર્પતા. અરે શુદ્રો પર ત્રાસ ગુજારવો એ પણ પુણ્ય લેખાતું! પણ સાપેક્ષતાની ચર્ચા હાલ મુલતવી રાખી, કર્મફળની જ આગળ ચર્ચા કરીએ તો, આદીમ સમાજમાં, સમાજની દૃષ્ટીએ પાપ કહેવાય એવા વીવીધ કૃત્યો કરનારા પણ જ્યારે સુખી હોય અને હોઈ શકે. આજે પણ એવું જ છે; કારણ કે પ્રકૃતીના નીયમો આનાથી સાવ ભીન્ન જ છે. હવે આવું જોઈ, કેટલાક લોકો ફરીયાદ કરતા હશે કે ‘તમે કહો છો કે ઈશ્વર દુષ્ટને દંડે છે; પરન્તુ ફલાણો તો, ભરપુર દુષ્ટતા આચર્યા પછી પણ સુખી જ છે, એનું શુ?’ ધુરંધરો પાસે આવા પ્રશ્નોનો કોઈ સત્ય તથા વૈજ્ઞાનીક જવાબ તો હતો જ નહીં, હોઈ શકે પણ નહીં. એથી તેઓ કાલ્પનીક જવાબ આપી મુકતા કે ‘ભલે ને, આજે તે સુખી છે; પણ અન્તકાળે યા આવતા જન્મે તો તેણે પાપનની સજા ભોગવવી જ પડશે.’ આમ કર્મફળનો કપોળકલ્પીત ‘સીદ્ધાંત’ અસ્તીત્વમાં આવ્યો; સાથે સાથેજ ‘પુનર્જન્મનો સીદ્ધાંત’ પણ જન્મ્યો!
–રમણ પાઠક (વાચસ્પતી)
સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક વીષય’ના પ્રથમ પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 17થી 20 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.
સમ્પાદક સમ્પર્ક :
(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન | વહોટ્સ એપ : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com
(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને
(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ખુબ સુંદર વૈજ્ઞાનીક રીતે આપેલી સમજુતી. હાર્દીક આભાર ગોવીન્દભાઈ આ માહીતી ઉપલબ્ધ કરાવવા માટે. રમણભાઈ મારા હંમેશાં પ્રીય લેખક રહ્યા છે.
LikeLiked by 1 person
સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
કોરોનાનો જન્મ થઇ ચૂક્યો છે. વિજ્ઞાનીઓ તે કોરોનાની ક્રુરતા વિષે સમાજને, દેશને સજાગ કરવાની , મૃત્યુથી દૂર રહેવાની સલાહ, વોર્નીંગ આપે છે. સરકાર પણ અેટલી જ મહેનત કરે છે. પરંતું વિક્રમ સંવંત ૨૦૭૫ના મેડીકલ, ટેકનીકલ જ્ઞાનથી મજબુત અેવા વૈજ્ઞાનિક સમયમાં સાબિત થયેલાં જ્ઞાનનો સદ્ઉપયોગ કરવાની ના પાડે અને જૂના સાબિતિ વિનાના રસ્તે દોડે તો તેને શું કહેવું ? મોતને જ આમંત્રણ આપવાનું કે આહ્ વાન આપવાનું જ બને ને. હવન કરીને ‘ કોરોના જા જા જા…‘ ગાવાથી તો કોરોના વઘુ વકર્યો. દિવસમાં ઘણી ઘણી વખત સાબુથી હાથ ઘૂઓ, સોશીયલ ડીસ્ટંસીગ રાખો, ઘરમાં જ રહો. કોરોનાનુ ‘ ઇનક્યુબેશન પીરીયડ ૧૪ દિવસનો જ છે. ૧૪ દિવસ પછી તે મરણ પામે છે. આ પ્રકારના વાયરસથી બચવાના અને વાયરસને દૂર રાખવાના સચોટ નિયમો આપ્યા છતાં તેને અવગણીને ગૌમૂત્રની સારવાર શરુ કરી….ઘરમાં જ રહેવાની તાકીદ કરી તો મજનુઓ ફરવા નિકળ્યા…..
ટૂકમાં દેશની હાડમારીમાં મોટો વઘારો થયો. બીજા અેક ઘર્મના થોડા જુદા વિચારવાળાઓઅે બીજો મોટો પ્રશ્ન ઉભો કર્યો.
આ નવિન સમાચાર લખવાનું કારણ અે છે કે પરમ પૂજ્ય રમણભાઇ પાઠકે લખેલો આજનો લેખ ફક્ત લેખ નહિ પરંતું મહાજ્ઞાન છે જે માનવસેવાનો સર્વોત્તમ લેખ છે. પરંતું કોરોના વિષે જે રીતે ભારતીય પ્રજાઅે પોતાના લક્ષણ બતાવ્યા તે જ રીતે ભણેલાં ,ગણેલાં પોતાને પૂર્ણ ઘાર્મિક માનીને જૂના વિચારોની ડોલી ખભે નાંખીને ચાલતી પ્રજાના આજે પણ તેવા જ છે.
કોરોના વાઇરસનો દાખલો પ.પૂ. રમણભાઇના આજના લેખને સાબિત કરતો લેખ છે . તેને સંદર્ભમાં રાખીને આ લેખ વાંવાની વિનંતિ કરું છું.
પોતાની જાતને છેતરીને, સચ્ચાઇને સંતાડીને, ખોટી વાતની ઘજા ફરકાનારને શું કહેવું. ?
માંદગી આવે કે તરત બે ચોઇસ ગુજરાતમાં છે…ખરેખર તો ત્રણ ચોઇસ. ૧. અેલોપથીના ડોક્ટર પાસે જવું. ૨ . આયુર્વેદના પ્રક્ટીશનર પાસે જવું અને ૩. ભગત ભૂઆ કે મંત્રો જપનાર પાસે જવું.
સાબિત થયેલું જ્ઞાન પહેલાં નંબરનું છે. પરંતું કહેવત છે કે અજ્ઞાન માણસને ત્ર્ણ જગ્યાઅે ખરડાવે છે.
હવે પરમ પૂજ્ય રમણભાઇના લેખ વિષે. તેમના લેખને પૂર્તિ આપતી સચ્ચાઇઓ શરુઆતમાં આપી જ દીઘી છે.
તેમના લેખનો અેક અેક શબ્દ જ્ઞાન છે. જેને જોઇતું હોય તે લે અને પોતાના જીવનમાં ઉતારે ; જો પોતાની જાતને છેતરીને જીવવું નહિ હોય તો.
સચ્ચાઇ અે છે કે ‘ તૂં જ તારો મારણહાર છે અને તૂં જ તારો તારણહાર છે.‘
હે ! માનવી….તારે સમયની સાથે અને અે સમયના સંપૂર્ણ જ્ઞાનના પોતાના જીવનમાં ઉપયોગની સાથે જીવવું છે તે તારે જ નક્કિ કરવાનું છે.
પરમ પૂજ્ય શ્રી રમણભાઇને પ્રણામ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સરળ રીતે આપેલી વૈજ્ઞાનીક સમજુતી.અમે નસીબદાર હતા કે આવી વાતો તેમની સાથે ચર્ચા કરી સમજેલી. કેટલીક વાતો પર મતભેદ રહેતા પણ કોઇ પણ વખત મનભેદ ન હતા.
LikeLiked by 1 person
મારી કોમેંટ….મારા વિચારો કેમ ડીલીટ કરી નંખાયા ?
અમૃત હઝારી.
LikeLike
વહાલા અમૃતભાઈ,
‘સ્વામી સચ્ચીદાનંદજીનું પુસ્તક ‘અઘોગતીનું મુળ : વર્ણવ્યવસ્થા‘ના રેફરન્સ સાથેના તમારા વીચારો કશે ગુમ થયા નથી. રૅશનાલીસ્ટ એન. વી. ચાવડા સાહેબનો લેખ “શાસ્ત્રોને શ્રદ્ધાથી નહીં ‘વીવેકબુદ્ધી’થી અનુસરો”માં તા. 31 માર્ચ, 2020ના રોજ સવારે 7.38 કલાકે અને ફરી એ જ તારીખે સવારે 8.50 કલાકે પણ તમે કૉમેન્ટ લખી હતી. ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર બન્ને કૉમેન્ટ અકબન્ધ જ છે. સત્યને લોકો સુધી પહોંચાડવાની તમારી મહેનત વીફળ નથી થઈ.
સ્રોત : https://govindmaru.com/2020/03/30/n-v-chavda-15/
ધન્યવાદ.
–ગોવીન્દ મારુ
LikeLike
રશનાલીઝમની બાલપોથીમાં રમણભાઈ સાહેબે દશ હજાર વર્ષથી લઇને આજ સુધીનું આદિમ માનવથી લઈ ને આજના મનુષ્ય સુધી નું ખુબજ સરસ અને સુંદર રીતે વિવરણ કર્યું છે.રમણ ભાઈ સાહેબ ને મારા સો સો સલામ છે.આજે મે અભિવ્યક્તિ એપ્લિકેશન ડાઉનલોડ કરી ને મેં પહેલો આ લેખ વાંચી ને ખુબજ સુંદર તર્ક સંગત જાણવા મળ્યું.તે પહેલાં મે વેબ સાઈટ ના માધ્યમ થી બીજો અન્ય લેખ પણ વાંચેલો.ખુબજ સરસ એપ્લિકેશન છે. ખુબજ સરસ આર્ટિકલ પણ છે.
ફરી વાર ખૂબ ખૂબ ધન્યવાદ🌹
LikeLiked by 1 person