‘હું મારા બૉસ મી. જોન્સનની હત્યા કરવાનો છું’

‘પર્સીક્યુટરી’ વીચારો ધરાવતા કેઈસમાં સાઈકીઆટ્રીસ્ટોને ‘મેડીકોલીગલ’ પ્રશ્નો ઉપસ્થીત થાય છે.  સાઈકીઆટ્રીસ્ટોને ત્યારે કેવી તકલીફો પડતી હોય છે તેનું નીરુપણ કરતો પ્રસંગ પ્રસ્તુત છે.

હું મારા બૉસ મી. જોન્સનની હત્યા કરવાનો છું

–ડૉ. મુકુલ ચોકસી

ફ્લોરીડાના શાંત વીસ્તારમાં સાઈકીઆટ્રીની પ્રેકટીસ કરી રહેલા યુવાન ડૉક્ટર જેકબની કન્સલટીંગ ચેમ્બરમાં મંગળવારે સાંજે એક વીચીત્ર બનાવ બન્યો. અન્ધારું થવા આવ્યું હતું અને ડૉક્ટર જેકબ ઉઠવાની તૈયારીમાં હતા. એવામાં એક સશક્ત દેખાતો યુવાન કૅબીનમાં દાખલ થઈ ગયો. એણે એનું નામ ‘સેમ’ કહ્યું. તેણે ડૉક્ટર જેકબને વીનન્તી કરી કે તેઓ તેની વાત સાંભળે અને તેને મદદ કરે.

ડૉક્ટર જેકબ સંવેદનશીલ, ગભરાટીયા અને જરા ઉતાવળીયા સ્વભાવના હતા. આ સમયે પેશન્ટ જોવાની તેમની સહેજેય ઈચ્છા નહોતી; છતાં તેમણે સેમને બેસાડ્યો અને તેની તકલીફ જાણવવા કહ્યું. સેમ ખુબ જ અસ્તવ્યસ્ત અને ગભરાયેલો જણાતો હતો. તેની આંખો ચકળવકળ થતી હતી. ઉતાવળમાં તેણે વાત કરવાની શરુઆત કરી, ‘જુઓ ડૉક્ટર! હું ખુબ જ વ્યથીત, પીડીત માણસ છું. હું બધાથી ત્યજાયેલો છું. કોઈ મને પોતાનું નથી ગણતું. મારી જીન્દગી વ્યર્થ, નીરર્થક વહી ગઈ છે. હું જીવનનાં તમામ ક્ષેત્રોમાં સરેઆમ નીષ્ફળ નીવડ્યો છું. લોકોએ મને છેતર્યો છે, હેરાન કર્યો છે, પીડ્યો છે. મને બહુ બીક લાગે છે. હું સપનામાં ચોંકી ઉઠું છું. ભયથી થરથરી ઉઠું છું. કોઈ આવી જશે તો? મને કોઈ ઘેરી લેશે તો? મારું શરીર પાણી પાણી થઈ જાય છે. નસો ફાટફાટ થઈ ઉઠે છે. ક્યાંય કોઈ આઘાર નથી. ક્યાંય આશરો નથી.’

આટલું બોલીને સેમ શ્વાસ લેવા ક્ષણેક રોકાયો. ડૉ. જેકબ તેની તંગ ભૃકુટીઓનું, તેની ધ્રુજેલી વાણીનું, તેની ભીડાયેલી મુઠ્ઠીઓનું અને તેના ચહેરાઓની ઉશ્કેરાયેલી રેખાઓનું નીરીક્ષણ કરી રહ્યા હતા. તેઓ મનોમન વીચારતા હતા કે આ યુવાનને કયો રોગ હશે? તે પોતાને નીરાધાર, લાચાર, એકલવાયો સમજે છે અને હાથના આંગળા એકમેકમાં પરોવી નીસાસા નાખે છે. શું તેને ‘એજીટેટેડ ડીપ્રેશન’ હશે? કે પછી આ ચહેરાની તંગ રેખાઓ ધ્રુજારી, અને ચોંકી ઉઠવાની વાતને ‘એન્કઝાઈટી’ સમજવી?

પણ ડૉ. જેકબ આગળ કશુંય વીચારે કે પૃચ્છા કરે તે પહેલાં જ તેમની સામે બેઠેલા યુવાન દર્દી સેમની વાક્ધારા આગળ વધી. ‘તમે મારી વાત માનતા નથી ડૉક્ટર સાહેબ; પણ હું સાચો છું. હું ખુબ ત્રસ્ત અને પરેશાન છું. જે દીવસથી મારી જોબ ગઈ છે તે દીવસથી મારી યાતનાઓનો પાર નથી. અને હા! મારી જોબ ગઈ નથી, છીનવાઈ ગઈ છે. હું નીર્દોષ હતો. મારી સાથેના ક્લાર્કોએ ગોટાળા કર્યા હતા. મને કોઈ જ વાતની ખબર નહોતી. તેઓ પૈસા ખાઈ ગયા અને મારું નામ દઈ દેવામાં આવ્યું. મારો બૉસ પણ આ સાઝીશમાં સામેલ હતો. મી. જોન્સન. એનું તો હું ગળું દાબી દઈશ. ડૉક્ટર! જો મારા પત્ની, બાળકોને કંઈ પણ થયું છે તો હું મી. જોન્સનનું ખુન કરી નાખીશ. હું તેને નહીં જીવવા દઈશ. હું તેને ખરાબમાં ખરાબ રીતે મારીશ. ડૉક્ટર! તેને કોઈ નહીં બચાવી શકે!’

આટલું બોલતામાં તો સેમને ગળે ડુમો ભરાઈ આવ્યો. તેની આંખો લાલ થઈ આવી અને શ્વાસ ઝડપભેર ચાલવા માંડ્યો. તે ટેબલ પર મુઠ્ઠી પછાડીને ઉભો થવા ગયો કે તરત જ ડૉ. જેકબે તેનો હાથ પકડી લીધો; પછી હળવેકથી તેને બેસાડ્યો, પાણી પીવડાવ્યું અને સાંત્વન આપતા કહ્યું, “તમે જરા સ્વસ્થ થાવ મી. સેમ! આપણે તમારા પ્રશ્નને સમજવા ઉકેલવા બધા જ પ્રયત્નો કરીશું; પણ એમાં તમારો સમ્પુર્ણ સાથ, સહકાર જોઈશે. તમે આમ બેકાબુ બનીને આવેશમય રીતે વર્તો તે ન ચાલે. મને તમારા કુટુમ્બ વીશે જરા વીસ્તૃત માહીતી પુરી પાડશો, પ્લીઝ?”

ડૉ. જેકબે સેમના ઉશ્કેરાટને શાંત પાડવા આવું કહ્યું તો ખરું; પણ તેમના મનમાં જુદાં જ સમીકરણો આકાર લઈ રહ્યાં હતાં. ‘સેમ માને છે કે બધા તેને હેરાન કરે છે. તેને લાગે છે કે તેની સામે કોઈએ મોટી સાઝીશ કરી છે. તે વીચારે છે કે તેની સાથેના માણસોએ પૈસા ખાઈને સેમને ફસાવી દીધો છે. તે એવુંય માને છે કે તેના બૉસ પણ તેની સામેના કાવતરામાં સામેલ હતા. આ બધું શું બતાવે છે? શું સેમનું થીન્કીંગ ‘પેરેનોઈડ’ પ્રકારનું તો નથી ને? જો આવું ખરેખર ન બન્યું હોય તો સેમના આવા ‘પર્સીક્યુટરી’ વીચારો સુચવે છે કે તેને ‘પેરોનોઈડ ડીસઑર્ડર’ કે ‘સ્કીઝોફ્રેનીયા’ પણ થયો હોઈ શકે. તકલીફ એ છે કે આ વાતમાં રહેલાં સત્ય/અસત્યની ખાતરી કરવા સેમનું કોઈ કુટુમ્બીજન અહીં હાજર નથી.’

પરન્તુ ડૉક્ટરની વીચારધારા આગળ વધે તે પહેલાં જ એક અવાજ થયો અને ડૉક્ટર ચોંક્યા. એ સેમના ડુસકાંનો અવાજ હતો. જી, હા! તે ગળગળો થઈને રડવા માંડ્યો હતો. ‘મેં ભુલ કરી છે ડૉક્ટર! મારો જ વાંક હતો. મારે તેમની પર વીશ્વાસ જ નહોતો મુકવો જોઈતો. કંઈ નહીં. તેમને મારવાથીય શું ફરક પડવાનો છે? સૉરી ડૉક્ટર! હું જરા ગુસ્સામાં બોલી ગયો. મને માફ કરી દેજો.’

તે રાત્રે સેમના ગયા પછી ડૉક્ટર જેકબ મોડે સુધી તેમની ચેમ્બરમાં બેસી રહ્યા. સીગારેટનું એક આખું પેક ખલાસ થયું ત્યાં સુધી તેમણે વીચાર્યા કર્યું. મહત્ત્વની વાત એ હતી કે તેમના વીચારો તેમની ટ્રીટમેન્ટ અંગેના નહોતા. તેમને પ્રશ્ન એ મુંઝવતો હતો કે સેમ જો ખરેખર તેના બોલ્યા પ્રમાણેનું વર્તન કરી બેસે તો? કોઈક આવેશાત્મક ક્ષણે તે સાચે જ બેકાબુ બની જઈને પોતાના બૉસનું ગળું દાબી દે અથવા ખુન કરી બેસે તો? આવી શક્યતા કેટલી? જો એકાદ ટકોય શક્યતા હોય તો પોલીસને, કોર્ટને કે પછી મી. જોન્સનને આ જણાવવાની પોતાની જવાબદારી ખરી કે નહીં? ધારો કે પોતે કોઈને ન જણાવે અને સેમ ખરેખર હીંસા આચરી બેસે, તો તેના થેરાપીસ્ટ તરીકે પોતે કસુરવાર ઠરે ખરા?

ડૉ. જેકબને તરત કેલીફોર્નીયામાં 1976માં બનેલો, આખા યુનાઈટેડ સ્ટેઈટ્સમાં સનસનાટી મચાવી દેનાર ‘તારાસોફ’ કેસનો કીસ્સો યાદ આવી ગયો. ‘તારાસોફ’ નામની એક વીદ્યાર્થીની હતી. ‘પોદાર’ નામના એક દર્દીએ એક દીવસે તેના સાઈકીઆટ્રીસ્ટને કહ્યું કે પોતે તારાસોફનું ખુન કરવા માંગે છે. તેના આ વીધાનથી ચોંકી ઉઠેલા તેના મનોચીકીત્સકે પોલીસને આ અંગે જાણ કરી. પોલીસે મી. પોદાર સાથે વાતચીત કરી; પણ પોદારનો પોલીસ રેકર્ડ ચોખ્ખો હતો અને તે ખુન કરી શકે એવો ન જણાતા પોલીસે કોઈ પગલાં ન લીધાં. આ દરમીયાન પોદાર રજા પર ઉતરી ગયો ને બીજે ફરવા ચાલ્યો ગયો. ધીમે ધીમે આખી વાત ભુલાઈ જવા આવી.

પણ બન્યું એવું કે ત્રણ મહીનાની રજા પછી પોદાર પાછો ફર્યો અને પાછાં ફરતાં તરત જ તેણે કુ. તારાસોફની હત્યા કરી નાખી. કુ. તારાસોફ ખુબ જ પ્રતીભાશાળી અને લોકપ્રીય હોવાથી કેલીફોર્નીયા યુનીવર્સીટીમાં અને શીક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો; પણ એથીય વધુ ચકચાર તો કાયદાના, પોલીસના, ન્યાયના, તબીબોના અને મનોચીકીત્સકોના જગતમાં જાગી. કુ. તારાસોફની હત્યાના બે દીવસમાં જ એટલું શોધી કઢાયં કે તેના હત્યારા વીદ્યાર્થી મી. પોદારને કુ. તારાસોફ પ્રત્યે કોઈ જ વેર, ઈર્ષા કે લગાવ નહોતાં. તેઓ બન્ને એકમેકને ક્યારેય મળ્યાં સુદ્ધાં નહોતાં. વળી, પોદારે હત્યા પછી કે પહેલા કોઈ જ ઉઠાંતરી, ચોરી, બળાત્કાર કે લુંટફાટ કર્યા નહોતાં. આ માહીતીથી મામલો ગુંચવાઈ ગયો.

પણ સૌને મોટો આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે ત્રીજે દીવસે ત્યાંના લોકલ પોલીસ રેકર્ડમાંથી એવું મળી આવ્યું કે મી. પોદારે ત્રણ મહીના પહેલાં પણ કુ. તારાસોફની હત્યા કરવાનો વીચાર વ્યક્ત કરેલો. તે વખતે મી. પોદાર ડૉ. ગોલ્ડીંગ નામના સાઈકીઆટ્રીસ્ટ પાસે માનસીક રોગ માટેની સારવાર લઈ રહ્યો હતો. ડૉ. ગોલ્ડીંગે આ સમ્ભવીત હત્યા અટકાવવા પોલીસને દરમીયાનગીરી કરવા સુચવેલું; પણ પોલીસ નીષ્ક્રીય રહી અને હત્યા થઈને જ રહી. આ માહીતીના આધારે કુ. તારાસોફના સ્વજનોએ કેલીફોર્નીયાની વડી અદાલતમાં અપીલ કરી અને એક સનસનાટીભર્યા કેસની શરુઆત થઈ.

1976ના અંતમાં આ કેસ પુરો થયો ત્યારે કેલીફોર્નીયાની સર્વોચ્ચ અદાલતે આપેલા અભુતપુર્વ ચુકાદામાં નીચે મુજબના બે ધારાધોરણો પણ નક્કી થયા. ‘તારાસોફ–1’ નામના હોલ્ડીંગમાં જણાવાયું કે દર્દી સાથેના કહેવાતા ‘ખાસ’ સમ્બન્ધોને કારણે તેના થેરાસપીસ્ટની એવી ફરજ થઈ પડે છે કે તેના દર્દીના સમ્ભવીત ‘વીક્ટીમ’ (ભોગ બનનાર)ને ચેતવણી આપવી. ‘તારાસોફ–2’ નામના હોલ્ડીંગમાં જણાવ્યું કે આવા શક્ય ‘વીક્ટીમ’ને રક્ષણ આપવા માટેનાં પગલા લેવાની પણ થેરાપીસ્ટની ફરજ છે.

બીજે દીવસે ડૉ. જેકોબે બાકીના બધાં કામો પડતા મુકી મી. જોન્સનું સરનામું શોધવામાં સમય વીતાવ્યો. સેમના બૉસ અને પ્રાઈવેટ ફાઈનાન્સર્સ લીમીટેડના માલીકે મી. જોન્સનનો સમ્પર્ક કરતા તેમને ખાસો એવો સમય લાગ્યો. તેમ છતાંય ડૉ. જેકબને પોલીસને વચ્ચે લાવવાને બદલે સીધું મી. જોન્સનને જ ચેતવણી આપવાનું મુનાસીબ લાગ્યું. પોતાનો કોઈ દર્દી (સેમ) કોઈ ત્રીજી વ્યક્તીની હત્યા કરી ન બેસે તે માટે તે અન્ય વ્યક્તી (સેમના બૉસ, મી. જોન્સન)ને પોતે ચેતવવા પડે એવો તેમના અનુભવક્ષેત્રનો આ પહેલો જ પ્રસંગ હતો.

અને તે જ દીવસથી તેઓ ઉપર આવી પડનારી મુશ્કેલીઓના શ્રી ગણેશ થયા. મી. જોન્સને પોલીસ પ્રોટેક્શન માટે કરેલી અરજી ઉપર સહીસીક્કા કરવા તેમણે જવું પડ્યું અને પોતાનું નીવેદન આપવું પડ્યું. એટલું જ નહીં, સાત દીવસ પછી તેમણે સેમને ‘ફોલોઅપ’ માટે બોલાવેલો; તો તે દીવસે સેમને બદલે સેમના વકીલની લેખીતમાં નોટીસ આવી પહોંચી. ડૉ. જેકબ વધુ મુંઝવણમાં મુકાઈ ગયા.

સેમના વકીલે મોકલેલ નોટીસમાં ડૉ. જેકબ ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેઓ તેમના દર્દી તથા તેના રોગ અંગેની ગુપ્તતા (કોન્ફીડેન્શીયાલીટી) જાળવવામાં નીષ્ફળ નીવડ્યા હતા. દરેક દર્દીને એવો હક હોય છે કે તેના નામ, સરનામા અને તેના રોગ અંગેની તમામ માહીતીઓ ડૉક્ટર પુરતી જ સીમીત રહે. માત્ર દર્દી છુટ આપે તેવા સ્વજનોને જ ડૉક્ટર જણાવી શકે. ડૉક્ટર બહુ બહુ તો સારવારના ભાગરુપે કોઈ ડૉક્ટરની સલાહ લેવા માટે ગુપ્તતાનો નીયમ તોડી શકે; પણ એ સીવાય બીજી કોઈ પણ વ્યક્તીને જો દર્દીના રોગ કે સારવાર અંગે જણાવવું હોય તો પહેલાં દર્દીની મંજુરી મેળવવી પડે, નહીં તો ‘બ્રીચ ઑફ કોન્ફીડેન્શીયાલીટી’ થયો કહેવાય.

ડૉ. જેકબનો આખો દીવસ ખુબ અસ્વસ્થતાપુર્વક વીત્યો. છેવટે સાંજે તેમણે શહેરના સૌથી સીનીયર સાઈકીઆટ્રીસ્ટનો સમ્પર્ક કર્યો અને તેમની પાસેથી જે જાણવા મળ્યું તેનો સાર કંઈક આવો હતો.

સાઈકીઆટ્રીના પ્રોફેશનમાં આવી ક્ષણો ઘણી વાર આવે છે કે જેમાં આપણે શું કરવું તે અંગેના કોઈ સ્પષ્ટ નીતીનીયમો નથી હોતાં. સાઈકીઆટ્રીસ્ટે તેના દર્દીએ કરેલી વાત ઉપરથી નક્કી કરવાનું હોય છે કે તે આવી હીંસા ખરેખર આચરે એવી શક્યતા કેટલી છે! ત્યારબાદ પોતાના સ્ટેટના કાયદા પ્રમાણે નીર્ણય લેવાનો હોય છે. જે સ્ટેટમાં ‘કયા સંજોગોમાં કોન્ફીડેન્શીયાલીટી બ્રીચ કરી શકાય’ એ અંગેની ચોક્કસ ભેદરેખાઓ અસ્તીત્વમાં ન હોય ત્યાં ઓરેગોન, કોલોરોડો કે મેસેચ્યુસેટસના કાયદાને આધારે વર્તવાનું હોય છે; પણ મુશ્કેલી તો એ વાતની છે કે કાયદો જે ભાષામાં જવાબ માગે છે (દા.ત.; આ વ્યક્તી ખુન કરશે કે નહીં!) તે ભાષામાં જવાબ આપવો શક્ય નથી હોતો. કેમ કે આપણો વીષય ‘ક્લીનીકલ’ છે, જેમાં ‘હા’ કે ‘ના’ કરતાં ‘શક્ય છે કે’ની ભાષા જ વધુ પ્રસ્તુત નીવડે છે.

ફોરેન્સીક સાઈકીઆટ્રી

પોતાનું વીલ બનાવતો માણસ, તે બનાવી શકે એટલી સાઉન્ડ મનોસ્થીતી ધરાવે છે કે નહીં? ખુન કરનાર માણસને પોતે સમજી વીચારીને ખુન કર્યું છે કે પોતાના પાગલપણાને કારણે? આવા અનેક પ્રશ્નો જે શાખાએ વીચારવા પડે છે તેનું નામ છે ‘ફોરેન્સીક સાઈકીઆટ્રી’.

કાયદાની ભાષામાં મનને જુદી રીતે સમજવામાં આવે છે. માણસ ક્યાં તો ડાહ્યો (સેઈન) હોય અથવા ગાંડો (ઈન્સેઈન). જો સેઈન માણસ ખુન કરે તો તે સજાને પાત્ર ઠરે. અને ગાંડો માણસ એવું કરે તો તે ખુન માટે તેને સજા ન કરી શકાય; પણ માનસીક રોગોનું શાસ્ત્ર મન જેટલું જ સંકુલ અને કોમ્પ્લેક્ષ છે.

માણસોને એવા એવા રોગો થાય છે કે જેને કારણે ‘ક્રીમીનલ લાયેબીલીટી’ની વ્યાખ્યાઓને વારંવાર સુધારવી પડે છે. ‘પેરાનોઈડ ડીસઑર્ડર’ નામના એક રોગમાં વ્યક્તી એવી ખોટી માન્યતા બાંધી બેસે છે કે ફલાણો માણસ તેનો દુશ્મન છે અને તેને હેરાન કરે છે. હવે જો આ ‘પેરોનાઈડ ડીસઑર્ડર’નો દર્દી પેલા ફલાણા માણસનું ખુન કરી બેસે તો તેને સેઈન ગણવો કે ઈન્સેઈન? કેમ કે બાકીના બીજા બધા જ માણસો, સમાજ વગેરે સાથેનો તેનો વ્યવહાર તદ્દન સાદો અને નોર્મલ હોય છે.

એ જ રીતે ખુનો કરનારા, મારામારી, લુંટફાટ કરનારા સારા એવા ગુનેગારો માનસરોગશાસ્ત્રીની ભાષામાં ‘એન્ટીસોશીયલ પર્સનાલીટી ડીસઑર્ડર’ નામના રોગના રોગી હોય છે. અને મનોરોગી ગણાતા હોવા છતાંય તેમની અસામાજીક પ્રવૃત્તીઓ માટે તેમને જવાબદાર ગણવા જ પડતા હોય છે.

પ્રસ્તુત પ્રસંગમાં સાઈકીઆટ્રીસ્ટોને આવા ‘મેડીકોલીગલ’ પ્રશ્નો ઉપસ્થીત થવાથી કેવી તકલીફો પડતી હોય છે તેનું નીરુપણ છે.

–ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176, મુલ્ય : રુપીયા 50/-)માંનો આ 15મો લેખ, પુસ્તકનાં પાન 105થી 111 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેલ : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેલ : govindmaru@gmail.com

 

 

4 Comments

  1. પેરાનોઈડ ડીસઑર્ડર’ નામના એક રોગમાં વ્યક્તી એવી ખોટી માન્યતા બાંધી બેસે છે કે ફલાણો માણસ તેનો દુશ્મન છે અને તેને હેરાન કરે છે. હવે જો આ ‘પેરોનાઈડ ડીસઑર્ડર’નો દર્દી પેલા ફલાણા માણસનું ખુન કરી બેસે તો તેને સેઈન ગણવો કે ઈન્સેઈન? કેમ કે બાકીના બીજા બધા જ માણસો, સમાજ વગેરે સાથેનો તેનો વ્યવહાર તદ્દન સાદો અને નોર્મલ હોય છે.
    પૅરનાઇડ (લોકો નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરે છે તેવો વહેમ) સ્કિઝોફ્રેનિઆઃ વ્યક્તિ એક કે વધારે ભ્રમણા પહેલેથી જ ધરાવતા હોય અથવા ઘણાને શ્રવણની ભ્રમણા હોય છે, પરંતુ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ સ્કિઝોફ્રેનિઆના લક્ષણો હોતા નથી.
    ડૉ. મુકુલ ચોકસીએ ખુનો કરનારા, મારામારી, લુંટફાટ કરનારા સારા એવા ગુનેગારો માનસરોગશાસ્ત્રીની ભાષામાં ‘એન્ટીસોશીયલ પર્સનાલીટી ડીસઑર્ડર’ નામના રોગ અંગે સરળ ભાષામા સમજાવ્યુ અને સાઈકીઆટ્રીસ્ટોને આવા ‘મેડીકોલીગલ’ પ્રશ્નો ઉપસ્થીત થવાથી કેવી તકલીફો પડતી હોય છે તેનું સુંદર નીરુપણ બદલ આભાર

    Liked by 3 people

  2. ડો. મુકુલ ચોકસીને હાર્દિક અભિનંદન. સરસ અને સાદી ભાષામાં માનવજીવનનો મનોવૈજ્ઞાનિક પ્રશ્ન સમજાવ્યો છે. આર્ટીકલ ગમ્યો.
    નીચે મુજબના પ્રશ્નો થયા.
    ૧.બીજા પેરેગ્રાફમાં : ડો. જેકબ : સંવેદનશીલ, ગભરાટીયા અને જરા ઉતાવળઅ સ્વભાવના ? અેક સીકાયટરીસ્ટ સ્થીર , શાંત સ્વભાવના હોય ને ?
    ૨. ડો. જેકબ…વિચારમાં…આખુ પેકેટ સીગારેટનું પી જાય છે. શું અેક સીકાયટરીસ્ટ સીગારેટ ઉપર અવલંબે ?
    મારા મનના સવાલો છે…ખરા કે ખોટા કોઇપણ હોઇ શકે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s