રૅશનાલીઝમની બાળપોથી – 02

સ્વમાની, આત્મગૌરવવાળો મનુષ્ય કદાપી આધ્યાત્મીકતાને શરણે જતો નથી. બીજી રીતે કહીએ તો, આધ્યાત્મવાદી વ્યક્તીઓ આત્મગૌરવ વીહોણી, અન્ય દ્વારા હંકારાતી જમાત છે; જેમાં માનવપણાને કે માનવગૌરવને કોઈ સ્થાન નથી. જો ખરેખર આપણે એક માનવી તરીકેના ગૌરવથી જીવવું હોય તો, કોઈનાય વીચાર કે મત સમક્ષ શરણાગતી સ્વીકાર્યા વીના જ આપણી વીવેકશક્તીને આધારે જીવન ઘડવું જોઈશે. [………………]

વીભાગ : 01 રૅશનાલીઝમ સૈદ્ધાંતીક :

રૅશનાલીઝમની બાળપોથી – 02

–રમણ પાઠક (વાચસ્પતી)

(‘મધુપર્ક પુસ્તકનો પ્રથમ લેખ માટે સ્રોત : https://govindmaru.com/2020/04/03/raman-pathak-43/ )

A mystic is a man who treats his feelings as tools of cognition. Faith is the equation of feeling with knowledge… Faith is the commitment of One’s Conscionsness to beliefs for which one has no sensory evidence or rational proof. …Nathaniel Branden

જે વ્યક્તી જ્ઞાનપ્રાપ્તીના સાધન તરીકે લાગણીનો વીનીયોગ કરે તે માણસને ‘મીસ્ટીક’ કહેવાય. શ્રદ્ધા એ લાગણીને જ્ઞાનની બરાબર ગણવાનું વલણ છે. જે માન્યતાઓ માટે કોઈ ઈન્દ્રીયગોચર અનુભવ કે વીવેકબુદ્ધીપુત (રૅશનલ) પુરાવો ન હોય એવી માન્યતાને આત્મસાત કરી લેવી એને શ્રદ્ધા કહે છે.

‘મીસ્ટીક’ શબ્દનો એક અર્થ, જે વ્યક્તીને લાગુ પડે છે તે, ઓક્સફર્ડ ડીકશનેરી નીચે પ્રમાણે આપે છે : મીસ્ટીક એક એવો માણસ છે કે જે ધ્યાન તથા શરણાગતી દ્વારા દીવ્ય તત્ત્વ સાથે એકત્વ સાધવા માંગે છે અથવા તો જે ન સમજાય તેવાં સત્યોમાં પોતાની આધ્યાત્મીક ધારણા રુપે માને છે. આ વ્યાખ્યા અનુસાર, આપણે કહી શકીએ કે, આપણા તમામ સાધુસંતો, યોગીઓ, મહર્ષીઓ, બાબાઓ–બાપાઓ, સ્વામીઓ બધા જ ‘મીસ્ટીક્સ’ કહેવાય; જેઓ ચેતનાની, દીવ્ય જીવનની, આત્મજ્ઞાનની, જીવનના અલૌકીક હેતુઓની, સમાધીની, પરમ ચૈતન્ય સાથેના અનુસંધાનની અને એ સર્વ દ્વારા મળનારા આધ્યાત્મીક લાભોની વાતો કરે છે. આ સર્વના પાયામાં સ્વગત ધુન–લાગણીમાંથી ઉદભવેલ કપોળકલ્પનાઓ જ રહેલી છે; પરીણામે પ્રત્યેકનું સત્ય ભીન્ન ભીન્ન હોય છે અને એ જ એકમેવ સત્ય એવો તેઓ આગ્રહ રાખે છે. વાસ્તવમાં એક જ પદાર્થના ચોકકસ પાસા અંગે બે કે વધુ જુદાં જુદાં સત્યો એક સાથે પ્રવર્તી શકે જ નહીં; કાં તો એમાંનું એક સાચું હોય યા બધાં જ જુઠાં હોય – એ તર્કશાસ્ત્રનો નીયમ છે; પરન્તુ આ બધા ગુરુઓ–ગૉડમૅનોને સત્યમાં રસ જ નથી, બલકે અસત્યમાં છે. આપણા એક પ્રગતીશીલ વીચારક શ્રી. ચીનુભાઈ ગી. શાહ સાધુ–સંતોની પ્રવૃત્તીઓની આલોચના કરતાં લખે છે કે, ‘હજારો સાલ પછી પણ માનવજાત ચમત્કારો વેંઢારતી બંધ થશે તેવું હું કલ્પી શકતો નથી… ધાર્મીક પંથવાળાઓને તો એ (ચમત્કારમાં માન્યતા) સોનાનાં ઈંડાં આપતી મુરઘીને જ મારી નાંખે એવા એ બુદ્ધુ પણ નથી; માટે ચાલુ રહેશે, લોભીયા અને લાલચુઓની આ સહીયારી બાગાયત ચાલુ જ રહેશે… પણ હું એમ પુછું છું કે, ધારો કે તમે સર્વસત્તાધીશ; સર્વજ્ઞ, સર્વવ્યાપી તરીકે ઓળખો છો એમાં તમારી શ્રદ્ધા શું ડગી ગઈ છે કે જેથી તેના ચપરાશીઓ (સાધુબાવાઓ) પાસે જઈ, તેમના દ્વારા ન્યાય માગી રહ્યા છો? (‘સ્વસ્થ માનવ’)

જે લોકો શ્રદ્ધાવાન છે, પોતાના હીત માટે કોઈ દૈવી તત્ત્વ પર આધાર રાખે છે એવી વ્યક્તીઓ સ્વમાન–વીહોણી કહેવાય; એમ બ્રેન્ડન લખે છે.

અર્થાત્ સ્વમાનવીહોણી એ અર્થમાં કે એમને પોતાની બુદ્ધી–વીવેકશક્તીમાં શ્રદ્ધા નથી. પુર્ણ જાગ્રત વીવેકબુદ્ધીવાળો પુરુષ કદાપી કોઈને ગુરુ માને નહીં. તે સ્વમાની હોય અને પોતાની બુદ્ધીશક્તીમાં પુરો વીશ્વાસ ધરાવતો હોય. વીવેકબુદ્ધી (રીઝન) મનુષ્યની એક એવી માનસીક શક્તી છે કે જેની મદદથી તે પોતાને ઈન્દ્રીયો દ્વારા પ્રાપ્ત થયેલ સામગ્રીને ઓળખી શકે છે તથા તેનું વર્ગીકરણ કરી શકે છે. વીવેકબુદ્ધી દ્વારા જ મનુષ્યની સમજશક્તી તથા જ્ઞાન સતત વીકસતાં રહે છે. તમારી મન: શક્તીને પુરી કામે લગાડો; તો જ ભ્રમણાઓથી મુક્ત થઈને, તમે સત્યરુપ વાસ્તવીકતાનાં દર્શન કરી શકશો. તમારી ચીદ્–જાગૃતીને કદાપી શીથીલ થવા દેશો નહીં. મન તથા ઈન્દ્રીયોને મુક્તપણે વીશ્વમાં વીહરવા દો! ધ્યાન, જપ, તપ, શ્રદ્ધા તમારી ચીદ્શક્તીને કુંઠીત કરી નાંખે છે, જેથી પછી તમે ભ્રમણાઓમાં રાચવા લાગો છો. બ્રેન્ડેન લખે છે કે, મુક્ત ચીત્ત, સુસંકલીત ચીદ્શક્તી વીચારમય ચીત્ત એ જ તંદુરસ્ત મનનો પુરાવો છે; જ્યારે જે ચીત્ત બન્ધનગ્રસ્ત હોય; વાસ્તવીકતાને અવગણવાનું વલણ ધરાવતું હોય; દ્વીધાગ્રસ્ત તથા આંતરીક રીતે છીન્નભીન્ન હોય એ ચીત્ત રોગીષ્ઠ ગણાય.

મનુષ્ય સ્વમાન ક્યારે પ્રાપ્ત કરી શકે? જ્યારે ઐહીક વાસ્તવીકતા પર અંકુશ મેળવીને તે પોતાના જીવનનો પુરો સ્વામી બની ચુક્યો હોય. જે માણસ ઐહીક વાસ્તવીકતાથી પર એવો કોઈ પ્રદેશ છે – એમ માનતો હોય; જે અલૌકીક, ચમત્કારીક, કાર્ય–કારણ ન્યાયથી પર એવી દૈવી અથવા તો ભુત–પ્રેતની સૃષ્ટીમાં શ્રદ્ધા સેવી, એથી ડરી ડરીને ચાલતો હોય; એ અજ્ઞાત તથા અજ્ઞેયની ચીંતા કરતો સતત ફરતો હોય; એવો પુરુષ કદાપી પોતાના ઐહીક જીવન પર સમ્પુર્ણ અંકુશ ધરાવતો એવો પોતાની જાતનો સ્વામી નથી બની શકતો; પરીણામે તેનું સ્વમાન નષ્ટ થઈ જાય છે. મીસ્ટીકો જેને ઈતર વાસ્તવીકતા કહે છે – એમાં શ્રદ્ધા રાખવાથી, મનુષ્ય ઐહીક જીવન માટે નાકામીયાબ બની જાય છે. માણસ જંગલમાં, ગુફામાં કે વૃક્ષ પર લાચાર આશ્રય લેતો મટીને, આ પૃથ્વીપટે મેદાનમાં આવ્યો અને પૃથ્વીનો ચહેરો પલટી નાખીને એને વસવાટલાયક બનાવી, પોતે તેનો સમ્રાટ બની રહ્યો; તે કોઈ પરાત્પર દૈવી તત્ત્વ, અદૃષ્ટ તથા અકળ, અવ્યાખ્યેય અને અવાસ્તવીક એવા તત્ત્વમાં શ્રદ્ધા સેવી તથા એનું ધ્યાન ધરીને નથી બન્યો; પરન્તુ આત્મગૌરવથી ઐહીક વાસ્તવીકતાઓને સ્વીકારીને એનો સબળ–સફળ સામનો કરવાથી બની શક્યો છે.

પ્રત્યેક માનવી જ્યારે જન્મ લે છે; ત્યારે તેની પાસે અમુક વારસાગત ખ્યાલો હોય છે. પછી એની ઈન્દ્રીયો દ્વારા તે જે કંઈ પદાર્થો ગોચરીભુત કરે છે; એને આધારે તેનું વીચારચીંતન શરુ થાય છે અને એમ તે નવા નવા ખ્યાલો પ્રાપ્ત કરતો જાય છે. હવે જો મનુષ્ય પોતાના આવા વીચારચીંતનના ચાલક બળ તરીકે તર્ક તથા વીવેકને સ્વીકારે, તો એનાં ખ્યાલો તથા જ્ઞાન સત્યમુલક બની રહેવાનાં, જેનો પુરાવો એ કે, તેની વીચારસમૃદ્ધીમાં ક્યાંય પરસ્પર વીરોધી ખ્યાલો પ્રવર્તી શકે જ નહીં; પરન્તુ જો મનુષ્યના ચીત્તમાં એવો કોઈ વીસંગત ખ્યાલ પ્રવેશ્યો હોય કે જેનો વાસ્તવીકતા સાથે મેળ ન મળતો હોય, તર્કવીવેકથી જે સત્ય સાબીત ન થતો હોય અને સૌથી ભયંકર તો તે કે પ્રસ્તુત ખ્યાલ તે વ્યક્તીની પોતાની જ વાસ્તવીક જીવન વીશેની અનુભવસીદ્ધ સમજ સાથે સંઘર્ષમાં આવતો હોય; ત્યારે એથી ઉક્ત વ્યક્તીની સુગ્રથીત વીચારશક્તીનો ભાંગીને ભુક્કો થઈ જાય છે; તેની સર્વ પ્રતીતીઓનું ઉન્મુલન થઈ જાય છે અને પછી કોઈ પણ બાબતે સુનીશ્ચીત નીર્ણય ધારણ કરવાની તેની શક્તી નષ્ટ થઈ જાય છે. ચીત્તશક્તીને બાળીને ભસ્મ કરી નાખતું શોર્ટ–સરકીટ તે આ જ.

હવે વીચારો કે જે સમાજમાં સુનીશ્ચીત, વૈજ્ઞાનીક, તર્કબદ્ધ, વીવેકપુત વીચારચીંતન વીનાની, ભસ્મ થયેલ ચીત્તશક્તીવાળી જંગી પામર બહુમતીનું વર્ચસ્વ પ્રવર્તતું હોય એ સમાજની બદહાલત કેવી હોય? જવાબ માટે આપણા સમાજની દયાજનક અવદશાનું નીરીક્ષણ કરો!

આપણા સમાજની વ્યક્તીઓ છીન્નભીન્ન છે; કારણ કે અમુક બાબતે એ વાસ્તવીકતાથી દોરવાય છે; જ્યારે વળી અન્ય બાબતે તે શ્રદ્ધાનો આધાર લે છે; પરન્તુ આ પ્રમાણે, પોતાના જ ચીત્તને વૈજ્ઞાનીક–તાર્કીક અને અવૈજ્ઞાનીક–અતાર્કીક એમ બે ટુકડામાં વીભક્ત કરી રાખવાથી મનુષ્ય કદાપી રૅશનલ બની શકે નહીં; કારણ કે શ્રદ્ધાને એક નાનકડી માત્રામાં પણ જો તમારા ચીત્તમાં પ્રવેશવા દેશો; તો એ પેલા આરબના ઉંટની જેમ વધુને વધુ પ્રદેશો સર કરતી જ જશે. તમારી વીવેકબુદ્ધીના એક અંશની પણ શરણાગતી અંતે સમ્પુર્ણ શરણાગતી જ સીદ્ધ થવાની. મતલબ કે, મનુષ્યના ચીત્તમાં તર્કવીવેક કાં તો સર્વોપરીરુપે પ્રવર્તી શકે અથવા તો મુદ્દલે પ્રવર્તે જ નહીં. એનો અર્થ એ જ કે, મનુષ્યની રૅશનાલીટી – વીવેકબુદ્ધીવાદી અભીગમ સદાય સમ્પુર્ણ–ટોટલ જ હોવો ઘટે.

સમ્પ્રદાયો તમારી પાસે શું માંગી લે છે એ ખરેખર સમજવાની જરુર છે. ‘તમે તમારા ચીત્તને સમ્પુર્ણપણે અમારા શરણે ધરી દો’ એ જ તેની માંગ છે; જે મીસ્ટીક્સની ફોજ દ્વારા તેઓ ઉઘરાવતા હોય છે; પછી તમે સુખી થાઓ કે દુ:ખી – એની તેઓને લેશમાત્ર પરવા હોતી નથી; કારણ કે ‘સુખ શું?’ એની વ્યાખ્યા પણ એ લોકો જ તમારે માટે પ્રસ્તુત કરતા હોય છે અને વીચારશક્તીની શરણાગતીને પરીણામે, એ જ વ્યાખ્યા સ્વીકારી લેવા તમે મજબુર બનો છો. સ્વમાની, આત્મગૌરવવાળો મનુષ્ય કદાપી આધ્યાત્મીકતાને શરણે જતો નથી. બીજી રીતે કહીએ તો, આધ્યાત્મવાદી વ્યક્તીઓ આત્મગૌરવ વીહોણી, અન્ય દ્વારા હંકારાતી જમાત છે; જેમાં માનવપણાને કે માનવગૌરવને કોઈ સ્થાન નથી. જો ખરેખર આપણે એક માનવી તરીકેના ગૌરવથી જીવવું હોય તો, કોઈનાય વીચાર કે મત સમક્ષ શરણાગતી સ્વીકાર્યા વીના જ આપણી વીવેકશક્તીને આધારે જીવન ઘડવું જોઈશે.

જવા દો, જીજ્ઞાસુએ આઈન રેન્ડનાં ચીંતનાત્મક પુસ્તકો વાંચવાં. એક મીત્રે કટાક્ષ કર્યો કે, ‘શું તમારા આ લેખો બાળકો માટે જ છે?’ મેં જવાબ આપ્યો, આ દેશમાં ઉમ્મરલાયક તથા ‘સુશીક્ષીત’ એવાં પુખ્ત વયનાં બાળકોની પ્રચંડ બહુમતી છે!

‘આસ્તીકોને મોઢે ફીણ લાવી દે એવો
અત્યન્ત જટીલ પ્રશ્ન છે : ભગવાન હોય તો
તે દેખાતો કેમ નથી? આ સવાલના ઉકેલમાં
ખુદ ભગવાન પણ એમની કોઈ મદદ કરી શકતો નથી…
વીજ્ઞાન મને હમ્મેશાં ખુબ ડાહ્યા, ઠરેલ અને
તેજસ્વી વીદ્યાર્થી જેવું લાગ્યું છે.
વીજ્ઞાન પ્રયોગમાં માને છે,
પ્રચારમાં નથી માનતું…
આમ છતાં આજે ઘણી એવી ઘટનાઓ બને છે
જેનાં કારણો આપી શકાતાં નથી;
પણ એને બહુ બહુ તો
વણશોધાયેલાં રહસ્યો ગણાવી શકાય.
તેમ છતાં, પ્રકૃતીનાં એટલાં બધાં રહસ્યો
માણસે આજે હસ્તગત કરી લીધાં છે કે,
ભગવાનને હવે ભોંય ભારે પડવા લાગી છે.
(આવાં અનેક રહસ્યો વીશેની
આસ્તીકોની સાંપ્રદાયીક માન્યતાઓને
વીજ્ઞાને સાવ અસત્ય સાબીત કરી દીધી છે.)
હવે એ માનવી સમક્ષ એવો ખુલલો પડી ચુક્યો છે કે,
એનાં જ દર્શન કરવા નીકળેલા ભક્તોની ભરેલી આખી બસ
ખાઈમાં ઉથલી પડે છે; ત્યારે એ લાચાર બનીને જોઈ રહે છે.
અરે, વર્ષોથી ભરપુર શ્રદ્ધાપુર્વક એની પુજા કરતી
કોઈ સ્ત્રી ઉપર મન્દીરમાં જ
ભગવાનની આંખ સામે જ બળાત્કાર થાય છે;
છતાં તે જરાય અટકાવી શકતો નથી…’

દીનેશ પાંચાલ
સેલફોન : 94281 60508
.મેઈલ : dineshpanchal.249@gmail.com
બ્લોગ
: dineshpanchalblog.wordpress.com

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર રમણભ્રમણ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા200/) તે પુસ્તક ‘મધુપર્ક’ના ‘રૅશનાલીઝમ સૈદ્ધાંતીક’ વીભાગના દ્વીતીય પ્રકરણનાં પૃષ્ઠ ક્રમાંક : 21થી 24 ઉપરથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના ના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક (વાચસ્પતી) હવે આપણી વચ્ચે નથી.

સમ્પાદક–સમ્પર્ક : 

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન :  95580 62711 .મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, .મેલ : yasindalal@gmail.com  અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ મેઈલ : govindmaru@gmail.com

 

 

4 Comments

 1. Very, very nice article. Read please re read again to understand the depth of what he wants to say. Nothing left for me to add anything!
  Real rationalistic view and a very good definition.
  Thank you for publishing this.

  Liked by 1 person

 2. પૂ. શ્રી રમણભાઇ પાઠકે લખેલો આ લેખ, આમજ વાંચી જવાથી મનમાં ઉતરે અને મૂળેથી સમજાય તે શક્ય નથી.
  અેકે અેક શબ્દ તેના સંદર્ભમાં અપાયેલા અર્થને સમજવા માટે ઘણીવાર વાંચવો પડે.
  સત્ય સમાયેલું છે. શહામૃગનિતીથી વાંચવો જોઇઅે નહિ….
  દસ કે વીસ વખત વાંચીઅે તો મગજ અને હૃદયમાં સમાય.
  સાથે સાથે લેખક શ્રી દીનેશ પાંચાલની કવિતા પણ અેટલી જ જીવનમાં ઉતારી શકાય તેવી સાચી સમજ પીરસે છે.
  પૂ. રમણભાઇને પ્રણામ.
  દીનેશભાઇને અભિનંદન.
  ગોવિંદભાઇને અભિનંદન.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. શ્રી રમણભાઇ પાઠકે લખેલા લેખ પ્રમાણે પોતે જીવીને બતાવ્યું હતુ .
  ‘જો ખરેખર આપણે એક માનવી તરીકેના ગૌરવથી જીવવું હોય તો, કોઈનાય વીચાર કે મત સમક્ષ શરણાગતી સ્વીકાર્યા વીના જ આપણી વીવેકશક્તીને આધારે જીવન ઘડવું જોઈશે.’ આ વાત સામાન્ય માણસો માટૅ નથી તે અન્ય નાના મોટા પ્રશ્નોમા અંટવાઇ માનસીક રોગોનો ભોગ બનશે.
  ઘણા ખરા-‘આપણા તમામ સાધુસંતો, યોગીઓ, મહર્ષીઓ, બાબાઓ–બાપાઓ, સ્વામીઓ બધા જ ‘મીસ્ટીક્સ’ કહેવાય; જેઓ ચેતનાની, દીવ્ય જીવનની, આત્મજ્ઞાનની, જીવનના અલૌકીક હેતુઓની, સમાધીની, પરમ ચૈતન્ય સાથેના અનુસંધાનની અને એ સર્વ દ્વારા મળનારા આધ્યાત્મીક લાભોની વાતો કરે છે. ‘વાતમા ઢૉંગી ધુતારા પોતાના સ્વાર્થી હેતુને લીધે તમામ સાધુસંતો બદનામ થાય છે અને રેશનલ વાત કરતાની વાત સફળ થતી નથી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s