ચુસ્ત ત્રીકોણ (પરમ્પરા, સંસ્કૃતી, ધર્મ)

સંસ્કૃતી, પરમ્પરા કે પછી ધાર્મીકતા/આધ્યાત્મીકતાના નામે આપણે કેટલાય બીનજરુરી ટાયફાઓ કરીએ છીએ. ‘તાર્કીક’ બનવાના સીલેબસમાં સામેલ કરવા યોગ્ય આ લેખ તર્કશીલ એવાં ‘અભીવ્યક્તી’ પરીવાર માટે પ્રસ્તુત છે…

ચુસ્ત ત્રીકોણ
(પરમ્પરા, સંસ્કૃતી અને ધર્મ)

જુઓ મીત્રો, આપણે ત્યાં દરેક ક્ષેત્રમાં પરમ્પરા, સંસ્કૃતી અને ધર્મ એકબીજા સાથે ખુબ મજબુતાઈથી જોડાયેલા છે. બીજા દેશોમાં એવું નથી. એટલે મોટાભાગે મીત્રોને એવું લાગે છે કે તમે દરેક વાતમાં ધર્મને વચમાં લાવો છો… મજબુરી છે. ખુબ જ બુદ્ધીશાળી ગણાતા લોકો પણ મુર્ખાઈ કહી શકાય તરવી પરમ્પરાઓનું પાલન કરતા હોય છે. કારણ કે, તે પરમ્પરાઓ ધર્મ સાથે જોડાયેલી હોય છે. ભારતીય કળાજગત, સ્થાપત્ય (મન્દીર–સ્થાપત્ય) પર ધર્મની પુર્ણ સત્તા છે. પુજા, પ્રાર્થના અને દીપ પ્રગટાવીને આપણે ત્યાં નૃત્ય કે અન્ય કોઈ પણ કાર્યક્રમો શરુ થાય છે. પ્રભુના ભજનથી આપણું સાહીત્ય શરુ થાય છે. આપણું મોટાભાગનું સાહીત્ય રાધા–કૃષ્ણના કાલ્પનીક પ્રેમ વીષે છે. સૌથી વધારે કવીતાઓ, ભજનો એક ટીનેજર પણ ના કહી શકાય બાળક કહી શકાય તેવા છોકરા અને પુખ્ત પરણેલી રાધા વચ્ચેના પ્યાર અને સેક્સ શૃંગારની વાતોથી ભરપુર છે. આજે મોટાભાગનું સાહીત્ય રામાયણ અને મહાભારત ઉપર રચાય છે. દરેક સાક્ષરનો પ્રીય વીષય રામાયણ અને મહાભારત. આપણી નવરાશની તમામ પ્રવૃત્તીઓ ધાર્મીક હોય છે. બહુ ઓછા લોકો જુજ કહી શકાય તેવા નવરાશે સંગીત, સાહીત્ય, આરોગ્ય, સ્વચ્છતા વીષયક પ્રવૃત્તીઓ કરતા હશે. ભારતમાં કરવા જેવા અઢળક કામો છે. બાગ–બગીચા, વૃક્ષનો ઉછેર, સ્વચ્છતા શીખવવી, નીરક્ષરને અક્ષર જ્ઞાન આપવું, રમત–ગમત, શરીરશૌષ્ઠવ કેળવવું, ટ્રૅકીંગ, કુદરત સાથે તાદાત્મ્ય કેળવવું, વાઈલ્ડ કે નેચર ફોટોગ્રાફી, કરવા જેવું અંતહીન કેટકેટલું છે?

અરે આપણા મકાનો, બીલ્ડીંગ અને માણસોના નામ પણ સંતો, ભગવાન અને પૌરાણીક પાત્રોના નામ પરથી રાખીએ છીએ. મારું નામ જુઓ ભુપેન્દ્રસીંહ, ભુપ એટલે રાજા, રાજાઓમાં ઈન્દ્ર સમાન, પાછું લટકામાં સીંહ. ઘરમાં બધાં નામ એવા જ છે. ઉત્તર પ્રદેશમાં દર ચોથા નામની શરુઆત અને અંત ‘રામ’ના નામથી થાય છે, રામખીલાવન, રામપીલાવન, રામસુલાવન. ફુલનદેવી પર બલાત્કાર કરનાર ડાકુટોળીના મુખીયા બે ભાઈઓ હતા. એકનું નામ શ્રીરામ અને બીજાનું નામ લાલારામ. જીસસ ઉપર બહુ ઓછા લોકોના નામ હોય છે. આ એક જાતની અતી છે. રોજબરોજના દુન્યવી જીવચક્રમાં જરુરી નથી કે દરેક વાત આધ્યાત્મીક દ્રષ્ટીકોણથી મુલવવી પડે. કોઈ એક હીન્દુને ખોતરો તમને એક ફીલોસોફર મળી આવશે, બેને ખોતરો ત્રણ થીઓસોફીસ્ટ મળી આવશે. હીન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ બધાના તાણાવાણાઓ એવા ગુંથેલા છે કે તમે સંસ્કૃતી, પરમ્પરા અને ધર્મોની ચર્ચા કદી અલગઅલગ કરી ના શકો. અહીં જીવનનું કેન્દ્ર ફક્ત અને ફક્ત ધર્મ છે. માટે જ્યારે કશું નવું સુધારવું હોય કે નવી સુધારણા લાવવી હોય તો કોઈ મહાઉલ્કાપાત કે ભુકમ્પ જેવું ધર્મમાં થાય તો જ શક્ય બને. મતલબ ધર્મની જાળ એટલી મજબુત છે કે કશું નવું કરવું અશક્ય થઈ જાય છે. મહાવીર અને બુદ્ધે એવો ઉલ્કાપાત કરેલો ત્યારે થોડો સુધારો આવ્યો, પશુઓના બલીદાન બંધ થયા; પણ ફુલોના બલીદાન હજુ ચાલુ જ છે. ગુલાબના છોડ પર ગુલાબ ત્રણ દીવસ તાજું રહેતું હોય છે, પથ્થર પર એક જ દીવસમાં ભોંય ભેગું. હું એક વાર બરોડાથી એક સુંદર સફેદ અને અન્દરથી આછું ઓરેન્જ હોય તેવા ગુલાબની ખાસ જાત માણસા (જીલ્લો : ગાંધીનગર)માં લાવેલો. સામાન્ય ગુલાબ કરતા ખુબ મોટું ફુલ બેસતું. એના છોડ પર ગુલાબના ફુલ એક અઠવાડીયા સુધી તાજા રહેતાં. મેં એને તોડવાની મનાઈ ફરમાવેલી; પણ વહેલી સવારે ઝાંપો ખોલીને કોઈ ચોરી જતું. ચોર પકડવા હું અડધી રાતથી જાગતો બેસી રહેલો. એક ધાર્મીક બહેન છાનીમાની અંદર પ્રવેશી. મેં એને પડકારી કે સ્ત્રી છો માટે જવા દઉં છું, તો કહે ભગવાનને ચડાવવા લઈ જાઉં છું. મેં કહ્યું ફરી આવતાં નહીં, બબડતી બબડતી ચાલી ગઈ.

સાવ પાગલપન જેવા કે મુરખા જેવા રીવાજોના બચાવ કરનારા પણ મળી આવશે. પરમ્પરાગત રીવાજોને દ્રઢ રીતે પકડી રાખવામાં એક્કો. બુદ્ધીશાળી માણસ પણ જુઓ કાગડાને શીરો અને ખીર નાખી આવશે શ્રાદ્ધ સમયે. શું પુર્વજો કાગડા રુપે જન્મ લેવાના હતા? કોઈ કારણ કે વજુદ તો હોવું જોઈએને? જુઓ એક માણસ સવારે સુર્યને પાણી ચડાવી રહ્યો છે. નાનક ઉંધા ફરીને જળ ચડાવતા. કોઈએ પુછ્યું તો કહે એટલે દુર સુર્યને પહોંચે તો મારા ખેતર તો નજીક છે. અરે નોબલ પ્રાઈઝ જીતનારા વૈજ્ઞાનીક સી. વી. રામન પણ ગ્રહણ પછી સ્નાન કરતા એવું મેં વાંચેલું છે. એમને તો ખબર હોય કે ગ્રહણ કેમ થાય છે? ‘રાહુ–સુર્ય’ને કોઈ ગળી જતો નથી; છતાં શા માટે મોસ્ટ ઈન્ટેલીજન્ટ લોકો પણ સાવ સ્ટુપીડ રીવાજો પાળતા હશે? ધર્મોએ બક્ષેલી પવીત્રતા, હેબીટ અને સામાજીક બહીષ્કારનો ભય બુદ્ધીને તાળું મારી દેતો હોય છે. જુઓ હનુમાનજીની મુર્તીને તેલ ચડાવવું સાવ સ્ટુપીડ નથી લાગતું? એક નાની પીત્તળની મુર્તી અને ઉપર પંખા ફરતા હોય, કેમ? કે ઉનાળો છે. ગંદા નાળાં જેવી નદીમાંથી આચમન? આખું વરસ ભુખી રહેતી ગાયો ઉતરાણના દીવસે ધરાઈને મરી જતી હશે. અને સાપ બીચારાં નાગપંચમીને દીવસે દુધ પીને દેવલોક પામે છે. કેટલા? આશરે 85,000. આપણે તો મુર્ખાં, નેચર કીલર, કેમ કે પરમ્પરા. અને જો સાપ દેખાઈ ગયો તો લાકડીઓ ખાઈ પુરો. એક સમયે કોઈ રીવાજ સારો હોય; પણ હજારો વર્ષ પછી એની જરુર ના હોય છતાં પકડી રાખવાનો. એ રીવાજ ધર્મના દોરે બાંધેલો હોય છે માટે છુટતો નથી. મૃત્યુ પાછળ એવા કેટલાય ક્રીયાકાંડો છે જેની હવે જરુર નથી.

ધર્મ એક પ્રાથમીક પ્રશ્ન છે. બધા જાણે રોજરોજનાં હવામાનનાં વરતારાના જેમ વાતો કરશે પણ ધર્મ માટે કશું નહી કરે. ધર્મ શું છે? કોણ જાણે? ધર્મ ડ્યુટી છે; પણ કોઈ ફરજ નીભાવતું નથી. સરકારી કચેરીઓમાં કોઈ નીષ્ઠા વડે ફરજ બજાવતું નથી, કામ કરતું નથી. આપણે નીતીમત્તાની પ્રતીજ્ઞાઓ લઈએ છીએ; પણ ધર્મ અને પરમ્પરામાં નીતીમત્તા ગુંચવાઈ ગઈ છે. આપણા શ્રેષ્ઠ કૌભાંડ કરનારા બધા ધાર્મીક છે. જેશીકૃષ્ણ અને જય જીનેન્દ્ર કહ્યાં વગર ઘરમાંથી ડગલું બહાર ના ભરનારા આખી ને આખી બેંકો ખાઈ જાય છે. ખરેખર આપણો ધર્મ શું છે, તે જ આપણે જાણતાં નથી. પુજા પાઠ, મન્દીર અને ગુરુઓની સ્વાર્થી વૃત્તીઓમાં ધર્મ અટવાઈ ગયો છે. એક મહીનામાં આપી શકાય તેવા ચુકાદા 30 વર્ષે ધાર્મીક ન્યાયાધીશો આપે છે. આપણાં ગણેશોત્સવ ઉજવનારા મોટાભાગના ગુંડાઓ છે. આપણા બાવાઓ મોટાભાગના ક્રીમીનલ્સ છે. ધર્મ ખુદ અટવાઈ ગયો છે. આપણે નીતી, સદાચાર સાથે ધર્મ અને જુનવાણી ઘરેડ બાબતે દુવીધામાં છીએ. કહેવાતો ધાર્મીક માણસ સદાચારી ના હોય તો ચાલી જાય છે; પણ સદાચારી ધાર્મીક ન હોય તો નાસ્તીકનું લેબલ ખાઈને વગોવાઈ જવાનો. થોડા પૈસા ભેગાં થાય તો સીધું મન્દીર દેખાશે. દાન તો માલામાલ એવા ગુરુને આપો. ગરીબો એમના કર્મની સજા ભોગવી રહ્યા છે. 26 વર્ષનો છોકરડો Mark Zuckerberg હાવર્ડ યુનીનો ડ્રૉપઆઉટ વીદ્યાર્થી અને ‘ફેસબુક’નો માલીક સૌથી નાનો બીલીયોનર છે. એક બીનસત્તાવાર સમાચાર મુજબ આશરે તે ત્રણેક બીલીયન ડોલર્સ(તેની અડધી મીલકત) ચેરીટીમાં આપી દેવાનો છે. ક્યાં જશે આ પૈસા? કોઈ મન્દીર કે ચર્ચમાં નહીં. સમાજના કલ્યાણ અને રીસર્ચ ફાઉન્ડેશનમાં જવાના. આપણો ઉદ્યોગપતી કમાશે તો સીધો તીરુપતી બાલાજી કે શ્રીનાથજી જવાનો. બીલ ગેટ્સ અને Mark Zuckerberg સહીયારા ચેરીટી કરે છે. એકલાં અમેરીકા નહીં; દુનીયાભરમાં એમના રુપીયા જરુરતમંદો માટે વપરાતાં હોય છે. હવે તો વળી કુરીવાજો અને પરમ્પરા પાછળ વૈજ્ઞાનીક કારણો શોધી કઢાય છે. આપણી જુની પરમ્પરાઓને બચાવી લેવા કટીબદ્ધ હોઈએ છીએ ભલે અંદરખાને સહમત ના હોઈએ. ઉલટાના ગર્વ અનુભવીએ છીએ. બીજે ક્યાંય આટલો ધર્મ, પરમ્પરા અને સંસ્કૃતીનો ચુસ્ત ત્રીકોણ જોવા નહી મળે.

–ભુપેન્દ્રસીંહ રાઓલ

‘ફેસબુક’ના ‘અપના અડ્ડા’ (https://www.facebook.com/groups/apnaaddagujarati/) ગ્રુપમાં તા. 19, માર્ચ, 2020ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી,  લેખકના, ‘ફેસબુક’ના અને ‘અપના અડ્ડા’ ગ્રુપના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. ભુપેન્દ્રસીંહ રાઓલ, સાઉથ એબીંગટન, પેન્સીલવેનીયા (યુએસએ) સેલફોન : +1 570 885 3399 ઈ.મેલ : brsinh@live.com  વેબસાઈટ : http://raolji.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ મેઈલ :  govindmaru@gmail.com

 

8 Comments

  1. ચુસ્ત ત્રીકોણ (પરમ્પરા, સંસ્કૃતી, ધર્મ)મા ભુપેન્દ્રસીંહ રાઓલનો એક તરફી લેખ
    કલા વસ્ત્રો, માન્યતાઓ, મુલ્યો, વર્તન અને ભૌતિક આદતો વગેરે લોકોની જીવનશૈલી છે જેને સંસ્કૃતિ તરીકે ગણવામાં આવે છે. એવું કહી શકાય કે સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે વધુ સંબંધ ધરાવે છે અને સંસ્કૃતિ મુક્ત કળા સાથે વધુ સંબંધ ધરાવે છે પરંતુ બેશકપણે બંને એકબીજાની ખૂબ નીકટ છે અને સામાન્યપણે સમાંતર રીતે જ આગળ વધે છે. સંસ્કૃતિને સામાન્ય રીતે ખેતીવાડી અને શહેરી સંસ્કૃતિના જટીલ જોડાણ તરીકે ઓળખાવવામાં આવે છે.
    સિવિલાઈઝેશન શબ્દ It is the sum total of all progress made by man in every sphere of action and from every point of view in so far as the progress helps towards the spiritual perfecting of individuals as the progress of all progress
    આવા મહાન ધર્મ અથવા તો એની અભિવ્યક્તિ કરનારી સાંસ્કૃતિક પરંપરા માટે ખરેખર ગૌરવ લેવા જેવું છે. એ ધર્મ કે સંસ્કૃતિના વારસાને માટે કોઈપણ પ્રજા ગૌરવ અથવા આદરભાવની અધિકારિણી બની શકે છે.ધર્મ, સંસ્કૃતિ, રાષ્ટ્રીયતા, સદાચાર અને કરુણા એ પ્રત્યેક દેશવાસીના હૃદયમાં છે

    Liked by 1 person

  2. શ્રી ભુપેન્દરસિંહજી, ( બાપુ)
    ચુસ્ત ત્રીકોણની નાડી તમે ઢીલી પાડી. હાર્દિક અભિનંદન.
    ખૂબ જ સુંદર સમજ આપતો આર્ટીકલ. બદલાતા સમયની સાથે શા માટે ત્રિકોણના ત્રણે કોણાને નવી વ્યાખ્યા આપીને જીવનમાં અમલમાં મુકવી જ રહી. ચુસ્તતા વિનાશને રસ્તે દોરી જાય છે.
    સમયની સાથે ચાલનાર જ પ્રગતિ કરી શકે. વિક્રમ સંવતનું પાંચાંગ શરુ થયાને ૨૦૭૫ વરસો થયા. તે અગાઉ કેવું કેલેન્ડર હતાં ?
    આશ્ચર્યની વાત એ કહેવાય છે કે, ‘રાવણને સળગાવતા પહેલાં આપણે જ તેને બનાવીએ છીએ. ‘
    બાપુનો આજનો લેખ વિક્રમ સંવત ૨૦૭૫ ના વરસમાં લખાયેલો છે. ( અંગ્રેજી વરસ : ૨૦૨૦ )….કેટલાં જુગો બદલાઇ ગયા. કેટલી સંસ્કૃતિઓ બદલાઇ ગઇ…હિન્દુઓનો જેને ‘ઘર્મ’ કહેવાય છે તે આજે ૨૦૭૫ના વરસમાં કેટ કેટલાં મોઢા બદલીને …આજે વૈશ્વિક બનીને આપણને જોગવે છે અને ભોગવે છે ? ગાંઘીજીને ઇન્ગલેંડ જવા માટે ન્યાત બહાર મુકેલાં. આપણે બઘા આજે અમેરિકામાં જીવન જીવીએ છીએ. પરન્યાતના છોકરાઓ પરણે છે. બીઝનેસવાળા રોજે વિમાનમાં પ્રવાસ કરે છે. બઘુ જ સ્વીકાર્ય બની ગયુ છે. હિન્દુ સંસ્કૃતિ ક્યાં ગઇ ?
    ‘ઇશ્વર બદલી ના શક્યો કોઇ માણસને આજ સુઘી…..અને સેંકડો ઇશ્વર બદલી નાંખ્યા માણસોઅે આજ સુઘી’ અને…..સાહેબ, એકવાર ભગવાન અને માણસનો ભેટો થયો, બન્ને જણના મનમાં એક સરખો જ વિચાર આવ્યો…..‘મને બનાવવાવાળો મળ્યો ખરો…‘
    Culture is not static for any group of people. (સંસ્કૃતિ હંમેશાં બદલાતી રહે છે, તે કદાપિ સ્થિર નથી )
    જુના પુસ્તકો જેવા કે રામાયણ અને મહાભારત….કદાચ, હાં, કદાચ કોઇકને માટે રેફરન્સ બુક બને. બાકી નવા જમાનાના વૈજ્ઞાનિક સંશોઘનના ઉપયોગ કરનારના સવાલોના જવાબો આ પુસ્તકો નહિ આપી શકે. તેમને શું સાંભળવા મળે ?…ભગવાનના આખ્યાનોમાં સવાલો ના પુછાય….જે કહેવાય તે જ માની લેવાનું…
    અખા ભગતે વરસો પહેલાં કહેલું પણ આજ સુઘી કોઇના મગજની બારી ખુલી હોય તેવું લાગતું નથી….‘એક મુરખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ……….પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન…..એ અખા વઘુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
    સમયની સાથે હંમેશાં સંસ્કૃતિ બદલાતી રહી છે…..ઘોતીયું ભૂતકાળ બની ગયુ છે….પેન્ટ શર્ટ હાજરાજૂર છે. સ્ત્રીઓ નોકરી કરે છે. બાળલગ્નો નથી થતાં. વિઘવાવિવાહ થાય છે. સમયની સાથે કર્મ અને ઘર્મ પણ બદલાયા છે. સંસ્કૃતિ પણ.
    એક સરસ વાત કરીને વિરમીશ.
    એક વડીલ તેના ઘરની પછવાડેના કુવાનું ખારું પાણી જ પીવે…..
    બાજુના પાડોશીના કુવાનું મીઠું પાણી નહિ…….. કારણ કે……..
    તે જે કુવાનું ખારું પાણી પીવે છે તે કુવો તેના પિતાશ્રીએ ખોદાવેલો છે.
    વિશાળ મન અને મગજના ૨૦૭૫ના વરસમાં બનીએ અને વૈશ્વિક પણ બનીએ…… નાદાં હૈ જો બૈઠ કિનારે પૂછે રાહ વતનકી … ચલના જીવન કી કહાણી રુકના મૌત કી નીશાની…. enor Roosvelt said, ” A mature person is one who does NOT think only in ABSOLUTES.”
    GREAT ARTICLE, BHUPENDRASINHJI.
    Amrut Hazari.

    Liked by 1 person

  3. સરસ આર્ટીકલ. હાર્દીક આભાર ભુપેન્દ્રસિંહભાઈ અને ગોવીન્દભાઈ.
    આપણા પ્રખર વૈજ્ઞાનીકો પણ ધર્મની અર્થહીન રુઢીઓમાં જકડાયેલા જોવામાં આવે છે તેનાં કારણો ઘણાં હોઈ શકે. એમાંનું એક કારણ બહુ જ શરુઆતમાં, જ્યારે બાલમાનસ સાવ કોરું હોય છે ત્યારે એના પર પડેલી છાપ દુર કરવી અત્યંત બુદ્ધીશાળી માટે પણ જો સભાન પ્રયત્ન કરવામાં ન આવે તો મુશ્કેલ બને છે એ હોઈ શકે. હા, શરુઆતથી જ જો શાળામાં યોગ્ય પ્રકારનું શીક્ષણ આપવામાં આવે તો કંઈક ફેરફારની આશા ખરી. પણ આપણા દેશમાં એ આશા રાખવી નકામી છે, કેમ કે જેમના હાથમાં શીક્ષણનો કંટ્રોલ છે અને કદાચ રહેશે – રાજકારણીઓ – તેમનો કદાચ આમાં છુપો સ્વાર્થ છે.

    Liked by 1 person

  4. આદરણીય ભુપેન્દ્રસિંહજીઃ
    ખુબ જ માર્મિક અને વિચાર માંગી લે તેવો લેખ છે. હા,ભુતકાળ મા મંદીરો ની તાતી જરુર હતી પરંતુ આજે તે મંદિરો ના બહુ બહુ તો જિર્ણોધ્ધાર ની જરુર છે. નવા નવા ભવ્ય અને અતિભવ્ય મંદિરો ઉભા કરવાની જરુર નથી. હવે તમારા શ્રાધ્ધ મા કાગડા ને ખીર કે શિરો આપવા ના સંદર્ભ મા જણાવુ તો પુ. ભાઈ શ્રી (રમેશભાઈ ઓઝા) એ તેમના તતવદર્શન માસિક (તત્વ દર્શન સેપ્તેમ્બેર ૨૦૧૯, પાન નંબર ૩૦) એ સુંદર સમઝણ પુર્વક ની છણાવટ કરી છે. મથાળુ છે ” શ્રાધ્ધ કર્મવિધિ મા કાગડાને ભોજન શા માતે કરાવાય છે? આ વાંચીને તમે જાતે અનુમાન બાંધી શકશો. એક વસ્તુ ની ચોખવટ્ટ કરુ કે હું રમેશભાઈ ઓઝા ને એક પ્રખર સંસ્ક્રુતિ ના રખેવાળ તરીકે જ માનુ છુ. હું એમનો શિષ્ય નથી. પરંપરા, ધર્મ, અને સંસ્ક્રુતિ મા ભારત મા તો બદલાવ લાવવાનુ શક્ય નથી પણ અમેરિકા જેવા વિક્સિત દેશ મા પણ ાશક્ય તો નહી પન બહુ મુશ્કેલ છે કારણકે આપણી મુળભુત વિચારસરણી મા ફેર્ફાર કરવાની જરુર છે એટલા માતે શરુઆત મા મે મંદિર નો ઉલ્લેખ કર્યો. કહેવાતા ધર્મગુરુઓ ના રાફડા ને આપણે રોકી શકીએ તો ઘણો ફેરફાર થઈ શકે.

    Liked by 1 person

  5. આ ૨૧ મી સદીમાં પણ અત્યારે કરોડો માનવીઓ એવા છે, જે પોતાના બાપદાદાઓનું જ અનુસરણ કરે છે, એટલે કે આંધળું અનુસરણ. અને તેના જ કારણે કુમળી વયના બાળકોમાં પણ એ જ બાપદાદાઓ ના રિવાજો મગજમાં બેસી જાય છે, અને આ રીતે આ આંધળું અનુસરણ પેઢી દર પેઢી ચાલતું રહે છે.
    આ આંધળું અનુસરણ હિંદુઓ પૂરતું નથી, પરંતુ બીજા ધર્મોને પણ લાગુ પડે છે. મુસ્લિમોમાં આંધળા અનુસરણની એ પરિસ્તિથી છે કે તેમના ધર્મશાસ્ત્રમાં ત્રણ જગ્યાએ સાફ સાફ લખેલ છે કે “બાપદાદાઓનું અનુસરણ ના કરો”, પરંતુ પરિસ્તિથી “ભેંસ આગળ ભાગવત” જેવી છે. તાજિયા બનાવવા, તાજિયાના જુલુસો કાઢવા, ધમાલ લેવી, દરગાહો પર ચાદરો ચઢાવવી વગેરે આ આંધળા અનુસરણના નમૂનાઓ છે.

    Liked by 1 person

    1. અબ્બાસભાઈઃ
      તમારી ટિપ્પણી વાંચી. મોટાભાગના કહેવાતા બુધ્ધી જન્ય લોકો પોતાની બુધ્ધી ગિરવે મુકીને નાહકનું અનુસરણ કરતા હોય છે અને તેમા સાથ પુરનારા અથવા ચડાવનારા તેમના ધર્મગુર્રુઓ, અને બાવાઓ જ હોય છે. આ ચુંગાલમાથી બહાર નિકળવુ મુશ્કેલ છે.

      Liked by 1 person

  6. Excellent article.
    Our current CULTURE is a mixture of orthodox TRADITION and misdirected ancient RELIGION.
    The combined influence of that harmful triplet holds us back from thinking properly, so we don’t use
    our common sense in daily life.
    Very nice presentation. Useful thoughts illustrated with effective examples.
    Congratulations to Shri Bhupendra Sinh. — From: Subodh Shah — USA.

    Liked by 1 person

Leave a comment