ડૉ. કોવુરનો જન્મદીવસ અને નીર્વાણદીવસને અનુલક્ષીને રૅશનાલીસ્ટ અબ્દુલભાઈ વકાનીએ ગુજરાત–સૌરાષ્ટ્ર અને મુમ્બઈના અખબારો–સાપ્તાહીકોમાં અખબારી નીવેદનો છપાવી, જ્યોતીષીઓ જોગ એક ખુબ જ બુદ્ધીગમ્ય પડકાર મુક્યો. તેઓએ 484 જાણીતાં જ્યોતીષીઓને અંગત પત્રો લખીને ઈતીહાસમાં કદી ન બન્યું હોય એવું કરીને લાખો–કરોડો લોકોને આશ્ચર્યચકીત કર્યાં હતા. તે, તેમ જ લેખક જમનાદાસ કોટેચાએ જ્યોતીષીઓની આગાહીઓ વીષે દાખલા–દલીલો સહીત કરેલ ચર્ચા પ્રસ્તુત છે.
1
જ્યોતીષીઓની ખોટી પડેલી આગાહીઓની હોળી
–જમનાદાસ કોટેચા
તા. 7-07-1995ના દીવસે મારા નાના દીકરા મીલનના લગ્ન રાજકોટમાં હતા. આ લગ્નપ્રસંગે રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ, પ્રફુલ્લ ઘોરેચા, અનીરુદ્ધ શુક્લ, વીરેન્દ્ર મજેઠીયા, પોપટલાલ શાહના દીકરા ભરતભાઈ તેમ જ તેમના મીત્ર પ્રો. રાવ સાથે અમે સોઢાગંઠા હૉલમાં બેઠા હતા. સહજરીતે જ્યોતીષીઓ વીષેની ચર્ચા નીકળી. જ્યોતીષીઓ વીષેનો મારો અભીપ્રાય વર્ષોથી ખુબ જ સ્પષ્ટ રહ્યો છે. મારી કેટલીક દલીલો મીત્રોને ઉગ્ર અને આક્રમક લાગી. મારી સ્પષ્ટ વાત એટલી જ કે, જે લોકો જ્યોતીષીઓની તરફેણમાં હોય તે ભલે હોય; પરન્તુ તરફેણમાં રહેવા માટેના સ્પષ્ટ કારણો તે લોકો પાસે હોવા જોઈએ.
મેં એક ખુબ જ મજાની વાત કરી : “કોઈ માણસ, કોઈ જ્યોતીષી પાસે એવું પણ જોવરાવવા જરુર જાય કે, તમે મારા જન્માક્ષર, જન્મકુંડળી, કપાળ કે હાથની રેખા કે જે પણ જોતા હો તે રીતે જોઈને કહો કે, મારે પરદેશ જવાનો યોગ છે કે નથી?”
જ્યોતીષી જવાબમાં શું કહેશે? ‘હા’ છે અથવા તો ‘નથી’! હવે વીચારો. જ્યોતીષીની આ વાતથી – તેના આ જવાબથી સાબીત શું થયું? તેના ‘હા’ કહ્યા પછી તે સાચો તો ત્યારે પડ્યો કહેવાય કે, તમારા પગ પરદેશની ધરતી ઉપર પડવા પામે! ને એ તો જ્યારે બનવા પામે ત્યારે ખરું! મેં સજ્જડ દલીલ આપતા કહ્યું : “એને બદલે એમ કરીએ, આપણે દસ જણને જ્યોતીષી પાસે લઈ જઈએ અને પુછીએ કે મહાશય, અમને એવું જણાવો કે, આ દસમાંથી એવા કોણ છે કે જેને પરદેશ જવાનો યોગ બીલકુલ નથી.”
જેને પરદેશ જવાનો યોગ નથી એવું એ મહાશય કહે, તેને આપણે પરદેશ મોકલી આપીએ. જો આપણે તેમ કરીએ તો એ જ્યોતીષી સાચો પડ્યો ન કહેવાય, એવું સ્પષ્ટ પણે સાબીત થઈ ચુક્યું કહેવાશે.
રજનીકુમાર પંડ્યા આવી ચર્ચાઓ વખતે મને ચકાસવાના જ મુડમાં હોય. તેમણે હસતાં હસતાં કહ્યું : “એથી કાંઈ જ્યોતીષીની તમારી કસોટી તમે પાર પાડી દીધી એવું કહેવાય? તેના ભાગ્યમાં તો જ્યોતીષીના કહેવા મુજબ જ પરદેશ જવાનું હતું જ ક્યાં? તમે તેને પરદેશ મોકલી આપો તો તેને ‘બળપ્રયોગ’ કહેવાય!”
વીરેન્દ્રભાઈ મજીઠીયા પણ અમારી ચર્ચામાં સામેલ હતા. મારે ત્યારે જવાબમાં કહેવાનું હતું કે, “મારે જો જ્યોતીષ જોવરાવવું હોય તો હું તેના પછી તુરત જ તેની પાસે એ જોવરાવું કે, હું આ કીસ્સામાં બળપ્રયોગ કરવાનો છું કે નથી કરવાનો? – એ જ્યોતીષ જોઈ આપો!”
મારે એ જોવું છે કે મારા પ્રશ્નનો જવાબ જે આપે તે સાચો પાડી બતાવવાની તાકાત દુનીયાના કયાં જ્યોતીષી પાસે છે..!!
હવે ઠોસ ઉદાહરણ ઉપર આવીએ :
કેલીફોર્નીયાના મહાન ભવીષ્યવેત્તા ડૉક્ટર મોન્ટગોમેરી હતા. જો કે મહાન અને ભવીષ્યવેત્તાના બીરુદો આપનાર જે લેખક છે તેની તો આપણે દયા જ ખાવાની રહી. લેખકે આ ભવીષ્યવેત્તાની તરફેણ કરીને જે દાખલો ગણવાની મથામણ કરી છે તેમને આપણે સાચું સમજીને કેવા ચીથરેહાલ બનાવી દીધા છે તે તો આખી વાત વાંચ્યા પછી સ્પષ્ટ પણે સમજાઈ જશે. લેખકનું નામ છે : ‘ચમત્કાર કેમ થાય છે’ એ પુસ્તક લખનાર રજનીકાન્ત પટેલ.
લેખકે લખ્યું છે : આ ભવીષ્યવેત્તા મોન્ટગોમેરીએ જ્હોન એફ. કેનેડી, ચર્ચીલ, રોબર્ટ કેનેડી અને બીજા અનેક જાણીતા નેતાઓ તથા અભીનેતાઓના જીવન અંગેની સચોટ આગાહીઓ કરેલી.
મોન્ટગોમેરીએ જાણીતી અભીનેત્રી શેરોનટેટનું ખુન થવાનું છે એવી આગાહી કરતો પત્ર એ વીસ્તારના એક જવાબદાર નાગરીકને લખ્યો હતો અને આગાહી કરવાની સાથે આ થનાર ખુનને અટકાવવાની વીનન્તી પણ એ પત્રમાં કરી હતી.
હવે બન્યું એવું કે, જવાબદાર વ્યક્તીને જ્યોતીષીનો પત્ર મોડો મળ્યો અને તેથી તે નાગરીક પોતાની જવાબદારી અદા કરવાનું ચુકી ગયો. પરીણામ એ આવ્યું કે શેરોનટેટનું કમકમાટી ઉપજાવે એ રીતે ખુન થઈ ગયું.
હવે આપણે આ બનાવ વીષે ચર્ચા કરીએ :
‘ખુન થવાનું છે’ એવી આગાહી કરવી અને તેને અટકાવવા માટે વીનન્તી કરવી એ બન્ને વાતો સ્વયં રીતે વીરોધાભાસી છે. આગાહીનું મુલ્ય તો જ ટકી શકે, જો તેણે પત્રમાં એમ લખ્યું હોય કે, ‘તમે ગમે તેટલો જાપ્તો રાખશો તો પણ ખુન તો થઈને જ રહેવાનું છે’ હવે પત્ર મોડો મળે છે. એ મુદ્દાનો વીચાર કરીએ.
જો કે ‘ભીતરના ભેદ’ ઉકેલવાનો અત્યારે કોઈ પ્રશ્ન આવતો નથી. આ જ્યોતીષીની બદમાસી હોય કે ન હોય; પરન્તુ તુરત જ મગજમાં આવીને વસી જાય છે. પત્ર મોડો મળ્યો એટલે કે ખુન થઈ ગયા પછી મળ્યો. તેથી વાતનું મુલ્ય કાણી કોડીથી જરા પણ વધારે રહેવા પામતું નથી.
આપણે તો લેખકના વીચારો અને લેખકની રજુઆતની આગળ – પાછળ આપણી ચર્ચા લમ્બાવીએ.
પત્ર ખુન થયા પહેલાં જ મળી ગયો હોત અને વીનન્તીનો સ્વીકાર કરીને જો ખુન થતું અટકાવાયું હોય તો પછી ‘ખુન થવાનું છે’ એવી આગાહી એટલે શું? ખુન તો થતું નથી તો પછી ‘ખુન થવાનું છે.’ એ આગાહીનું મુલ્ય શું?
‘થનાર ખુન અટકાવી શકાશે કે નહીં?’ એ એક વાત થઈ. હવે બીજી વાત એ કે, ‘જો અટકાવી શકાશે, તો ‘થનાર ખુન’ એમ કહેવાય કેમ?’ અને જો નહીં જ અટકાવવી શકાય તો તેને અટકાવવા માટે વીનન્તી કરવાનું શા માટે હોય?
હવે આ મોન્ટગોમેરી માટે પ્રશંસા કરતાં લેખક રજનીકાંત પટેલે તો એટલી હદ સુધી લખ્યું છે કે, ‘મોન્ટગોમેરીની આગાહીની વીશીષ્ટ ખાસીયત એ છે કે તેઓ બનાવની તારીખ અને સમય સહીતની આગાહી કરતા હોય છે.’
જે જવાબદાર નાગરીક ઉપર મોન્ટગોમેરીએ પત્ર લખ્યો તે પત્ર તેને સમયસર મળી જશે કે ખુન થઈ ગયા પછી મળશે એટલા ભવીષ્ય પુરતો તે નીશ્ચીત ન હતો– એ તો સાબીત થઈ જ જાય છે. તેણે સમયસર જ પત્ર મળી જશે એવી ગણતરીથી તેને મોકલ્યો હોય એટલું તો સમજી જ શકાશે. કેમ કે તો જ તેણે પત્રમાં ખુનને અટકાવવા વીનન્તી કરી હોય. જ્યારે એ પત્ર સમયસર મળ્યો જ નથી, એટલે આ જ્યોતીષીની સીદ્ધી અને શક્તીના બારેય વહાણ ડુબી જાય છે. જો કે આ બનાવમાં જે ‘સત્ય’ વાત હોય તે શોધી કાઢવાનું ગજું કદાચ લેખકમાં નથી જ નથી. અને જો છે તો તેમણે બરાબર સમજ્યાં છતાં જ્યોતીષીની ભાટાઈ કરવાનું પસન્દ રાખ્યું હોય!
આમાં માત્ર અને માત્ર એટલું જ બન્યું હોય કે, શેરોનટેટનું ખુન થઈ ચુક્યા પછી આ ભવીષ્યવેત્તાએ નાગરીકને સાધી લીધો અને બની ચુકેલા આ કમકમાટીભર્યા બનાવનો પોતાની આગાહી કરવાની શક્તી તરીકે ઉપયોગ કરી લીધો. ચોર અને ચોરના ભાઈ ઘંટીચોર ભેગા થાય અને તેમાં આવા લેખક જનતાના માનસ પ્રદુષણના પાપે ચડે અને જે બનવા પામે એ જ આ કીસ્સામાં બનવા પામ્યું છે.
કોઈ ભવીષ્યવેત્તા એમ કહે કે, ‘તમે આ રસ્તે જશો તો તમને સામે એક હાથી મળશે.’ તમે એ રસ્તે ચાલવા માંડો અને તમને ખરેખર રસ્તામાં હાથી મળે તો પછી તમે તો એમ જ કહો ને કે ભવીષ્યવેત્તાની આગાહી સો ટકા સાચી પડી .
હું જો કોઈ ભવીષ્યવેત્તા પાસેથી આવી આગાહી સાંભળું તો એની આગાહીની સચ્ચાઈની ચકાસણી કરવા એ રસ્તે ચાલવા ન માંડું; પરન્તુ હું તેને સામે એ પ્રશ્ન પુછી લઉં : “તમે એ આગાહી કરો કે, હું એ રસ્તે જવાનો છું કે નહીં!”
વાત સો ટકા સાફ છે. ‘તમે જશો તો…’ એટલે કે જવાની ક્રીયા બનવાની છે કે નથી બનવાની એ પ્રશ્ને એ નીશ્ચીત નથી. હવે જો એ પ્રશ્ને એ પોતે પણ નીશ્ચીત ન હોય ત્યાં ‘હાથી મળશે…’ એવી એની વાતથી અભીભુત થવાય નહીં; કારણ કે સચોટ આગહીમાં ‘જો’ અને ‘તો’ને ક્યાંય તસુભારનું પણ સ્થાન હોઈ શકે નહીં.
દલસુખભાઈ એક સરસ દાખલો આપે છે – ભીમ અને કૃષ્ણ બેઠાં હતાં. કૃષ્ણ કેવા સર્વજ્ઞ અને અંતર્યામી છે તેની કસોટી કરવાના આશયે ભીમે એક ચકલું પકડીને મુઠ્ઠીમાં બન્ધ કરી દીધું અને પછી કૃષ્ણને પુછ્યું : “ભગવાન, તમે અંતર્યામી છો. મને એક વાતનો જવાબ આપો કે મારી મુઠ્ઠીમાં જે ચકલું છે તેનું ભવીષ્ય શું છે? હું તેને જીવતું જવા દેવાનો છું કે મારી નાંખવાનો છું!”
ભીમનો ઈરાદો સ્પષ્ટ હતો કે જો કૃષ્ણ ‘જીવતું’ – એમ કહેશે તો પોતે તેને હથેળીમાં દબાવીને મારી નાખશે અને ‘મરેલું’ એમ કહેશે તો મુઠ્ઠી ખોલી ને ઉડાડી મુકશે.
વાત કૃષ્ણના કે ભીમના જીવનમાં બની હોય એવું માનીને ચાલવાની જરુર નથી. સમજવાની માત્ર એટલી જ વાત છે કે આવા જ્યારે જ્યારે પણ પ્રસંગો ઉભા થતા હોય; ત્યારે કોઈ જ ભવીષ્યવેત્તાનું જ્ઞાન કામ લાગી શકતું નથી.
એક અતીશ્રદ્ધાળુ એવા શ્રીમંતે પરદેશ જવા એરની ટીકીટ ખરીદતા પહેલાં તેનાં એક કાયમી અને સ્થાયી જ્યોતીષીને ફોન કરીને પુછી જોયું. પેલાએ કહ્યું : “તે દીવસનો યોગ તમારા માટે અનુકુળ નથી; જશો તો મૃત્યુ થશે.”
શ્રીમન્તને જ્યોતીષી ઉપર ભારે શ્રદ્ધા. તેણે પ્રવાસ મોકુફ રાખ્યો. જોગાનુજોગ જે પ્લેનમાં જવાનું તે વીચારતા હતા તેને અકસ્માત થયો અને બધા ઉતારુઓ મૃત્યુ પામ્યા.
પેલા શ્રીમન્તને તો જાણે આ જ્યોતીષીએ નવો અવતાર આપી દીધો લાગ્યો. પરીણામ એ આવ્યું કે દસેક વર્ષમાં આ શ્રીમન્તની અરધી મીલ્કત પેલા જ્યોતીષીને ત્યાં ચાલી ગઈ.
હવે આપણે વીચારીએ.
જ્યોતીષીનો જવાબ કેટલો બધો સુચક છે? તે કહે છે : “જો જશો તો મૃત્યુ થશે!” માટે મૃત્યુ થવાનું છે એવી કોઈ આગાહી તેમણે કરી નથી. તમે જવાનો છો કે જવાનું મોકુફ રાખવાના છો – એવી પણ આગાહી તેણે કરી નથી. તો આવી આગાહી જ જ્યાં તેણે કરી નથી ત્યાં આગાહી સાચી પડવાનો સવાલ જ ક્યાં ઉભો થાય છે?
આપણે એક ઠોસમુદ્દા અને પડકારની વાત ઉપર આવીએ.
રજનીકાન્ત પટેલ એમ કહે છે કે મોન્ટગોમેરી બનનાર બનાવની તારીખ અને સમય સુદ્ધાં કહી આપે છે. અમે કહીએ છીએ કે તમે આવો કોઈ પણ જ્યોતીષી પૃથ્વીના પટ ઉપરથી શોધી લાવો.
બાળકને સ્કુલે બેસાડવું હોય ત્યારે તમને એક ફોર્મ આપવામાં આવે. આ ફોર્મમાં બાળકનું નામ, માતાનું નામ, પીતાનું નામ, બાળકની જન્મ તારીખ અને જન્મસ્થળ વગેરે વીગતો ભરવાની હોય છે.
કસોટી અને પરીક્ષણ માટે આપણે કોઈ મહીલાને પસન્દ કરીએ કે જે મહીલા ગર્ભવતી હોય, એટલે કે અમુક સમય પછી માતૃત્વ પામવાની હોય. તેને જે બાળક જન્મવાનું હોય એ બાળકને સ્કુલે બેસાડવાનું જે ફોર્મ ભરવાનું હોય એ ફોર્મમાં ઉપરોક્ત વીગતો લખીને મને આજથી ભરીને કોઈ આપે અને તે સાચું પાડી બતાવે તો અમે તેને રુપીયા વીસ લાખ ઈનામ તરીકે આપવાની તૈયારી બતાવીએ છીએ. આવા ભવીષ્યવેત્તાઓનો ભેટો જે કરાવી આપે તેને પણ અમે રુપીયા એક લાખ વધારાના આપીએ; જો પેલો ભવીષ્યવેત્તા રુપીયા વીસ લાખ મેળવવાપાત્ર ઠરે તો.
આ પુસ્તકમાં જ્યોતીષીઓની આગાહીઓ વીષે ભરપુર વીગતો સાથે હું લખવાનો છું. માત્ર માન્યતાઓ, ધારણાઓ અને શક્યતાઓ એ આપણી વાત નથી. અમે જે કહીએ છીએ તે બધી નક્કર વીગતો છે. નક્કર વાતો છે. નકકર પડકારો છે.
અંકલેશ્વરના રૅશનાલીસ્ટ અબ્દુલભાઈ વકાનીએ જ્યોતીષીઓ જોગ એક ખુબ જ બુદ્ધીગમ્ય પડકાર વહેતો મુક્યો હતો જેની વીગતે વાત કરીએ.
જ્યોતીષ અને જ્યોતીષીઓ પ્રત્યે સમાજના મોટાભાગના વર્ગને મોટો અહોભાવ રહ્યો છે. જેમાં ડૉક્ટરો, વકીલો, ન્યાયમુર્તીઓ સુદ્ધાંનો સમાવેશ થાય છે. એવા કેટલાક લોકો જ્યોતીષીઓ પ્રત્યે કોઈને કોઈ રીતે આકર્ષાતા રહેતા હોય છે. જે આપણે સૌ જાણીએ છીએ. અંકલેશ્વરના વકાનીએ જ્યોતીષીઓ માટે એક અવનવું, અનોખું અને ભારતભરના ઈતીહાસમાં આજસુધી કદી ન બન્યું હોય એવું ઐતીહાસીક આયોજન કરીને સૌને આશ્ચર્યચકીત કરી દીધા.
તા. 10 એપ્રીલે ડૉક્ટર કોવુરનો જન્મદીવસ અને તા. 18 સપ્ટેમ્બરે તેમનો નીર્વાણદીવસ છે. આ યાદગાર દીવસોને અનુલક્ષીને એટલે કે તા. 10-04-1991થી 18-09-1991 સુધીના એ 162 દીવસો દરમીયાન કોઈ એક ચોક્કસ દીવસે અને ચોક્કસ જગ્યાએ જ્યોતીષીઓની ખોટી પડેલી આગાહીઓના સાહીત્યનું કે જેમાં જ્યોતીષને લગતાં બોગસ પુસ્તકો, ધતીંગ, ખોટી પડેલી આગાહીઓ, ઘડીકાઢેલી જન્મકુંડળીઓ, લેખીત વર્તારાઓ, જુઠા ફળાદેશો, અટકળીયા આધારે માંડેલી આગાહીઓના છાપાના કટીંગો વગેરે જે મળે તે ભેગું કરીને તેની જાહેરમાં હોળી કરવાનું આયોજન કર્યું.
તા. 10-04-1991થી શરુ કરીને છેક 31 જુલાઈ સુધી તેમણે જ્યોતીષીઓ પાસે આ તારીખ અને સ્થળ વીષે જો તેઓ અગાઉથી આગાહી કરીને અગાઉથી સાચું કહી શકવાના હોય તો તેમને માટે જાહેર અખબારી નીવેદનો છપાવ્યે રાખ્યાં.
જ્યોતીષીઓની ખોટી પડેલી આગાહીઓની જાહેરમાં હોળી કરવાના આયોજન સાથે પહેલાં તેમણે શું કર્યું તેની વાત પર આવીએ.
પોતે જે તારીખ અને સ્થળ નક્કી કર્યું છે તેને એક કાગળમાં અગાઉથી લખી, તે કાગળને કવરમાં મુક્યું. આ કવરને સીલ કરીને તેના ઉપર આમન્ત્રીતોની સહીઓ લઈને તે કાગળવાળું કવર એક પેટીમાં મુકી દીધું. આ પેટીને તાળું મારી, તેની ચાવી અન્ય કોઈ એક વ્યક્તીને આપી રાખી; પછી આ પેટીને અંકલેશ્વરની બેંકના લોકરમાં મુક્યું. તે લોકરની ચાવી ગામના એક પ્રતીષ્ઠીત વકીલને આપી દીધી. અબ્દુલભાઈએ જાહેરમાં હોળીનો કાર્યક્રમની તારીખ અને સ્થળ અગાઉથી નક્કી કરેલ તે વીગત માત્ર તેમના સીવાય કોઈ જાણતું ન હતું. તેમની પત્ની ફરીદાબહેન સુદ્ધાં નહીં.
તા. 31-07-1991 સુધી તેમણે અખબારી નીવેદનો છપાવ્યે રાખ્યાં. તેમાં તેમણે જણાવેલ કે, કોઈ જ્યોતીષી મારી નક્કી કરેલ તારીખ અને સ્થળ વીશે તદ્દન સાચી આગાહી કરીને સફળ પુરવાર થશે તેને હું ઈનામમાં રુપીયા એક લાખ રોકડા અને અંકલેશ્વર ખાતે આવેલ મારું ચાર માળનું ‘કોવુર હાઉસ’ના નામે ઓળખાતું મકાન ભેટ તરીકે આપીશ.
તા. 12-08-1991ના દીવસે બોટાદ પાસેના કુંડલી ગામે આ જાહેર હોળીનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ જગ્યાએ તે દીવસે ગુજરાતભરના અસંખ્ય રૅશનાલીસ્ટોની હાજરીમાં જ્યોતીષને લગતાં અનેક ખોટા પડેલા વર્તારાઓને, જુઠા ફળાદેશોને, અટકળીયા આધારે માંડેલી આગાહીઓના છાપાના કટીંગોને હોળી કરીને બાળવામાં આવ્યા. આ કાર્યક્રમના સમાચાર રાજકોટ, અમદાવાદ અને મુમ્બઈના લગભગ તમામે તમામ દૈનીકોમાં અને ઘણામાં તો ફોટાઓ સાથે છપાયા હતા.
સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેઈનમાં બોટાદની પહેલાં કુંડલી નામનું સ્ટેશન આવે છે. આ સ્ટેશન ઉપર જ આ પ્રોગ્રામ વકાનીએ પાર પાડ્યો હતો.
આ પ્રસંગે વકાનીએ જણાવેલ :
“મારા આટલા બધાં પ્રયાસો પછી પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ્યોતીષીઓએ મને આગાહીઓ મોકલી હતી. ગુજરાત–સૌરાષ્ટ્ર અને મુમ્બઈના અખબારો તેમ જ સાપ્તાહીકો દ્વારા મેં મારા આયોજનની વાત લાખો અને કરોડો લોકો સુધી પહોંચાડી છે. છેલ્લા વીસ વરસના પંચાગો જોઈને તેમ જ ગુજરાતના તમામે તમામ જાણીતા જ્યોતીષીઓને અને જાણીતા દૈનીકોમાં છપાયેલી જ્યોતીષીઓની જાહેરખબરના આધારે 484 જ્યોતીષીઓને ભાગ લેવા મેં પત્રથી આમન્ત્રણ આપ્યું હતું. આ આયોજનમાં મેં કોઈ એન્ટ્રી ફી રાખી ન હતી. કોઈની પાસેથી ડીપોઝીટ પણ લીધી ન હતી કે જેથી કરીને કોઈએ તેમની ભેરેલી ડીપોઝીટ ગુમાવવી પડે. આ આયોજનમાં ભાગ લેવા માટે જ્યોતીષીએ ફક્ત પત્ર લખવાનો પોસ્ટેજ ખર્ચ સીવાય કશું ગુમાવવાનું ન હતું. જ્યારે મારાપક્ષે મારી આટઆટલી સમ્પત્તી સાચા પુરવાર થનાર જ્યોતીષી માટે મેં હોડમાં મુકી હતી. આટલા બધા જ્યોતીષીઓને સામટા અંગત પત્રો દ્વારા આમન્ત્રણ આપ્યા છતાં આંગળીના વેઢે ગણી શકાય એટલી આગાહીઓ મને મળી, જેમાંથી એક પણ આગાહી સાચી પડી નથી.”
જ્યોતીષીઓની આગાહીઓ વીષે એકવાર મેં સરસ વાત લખી હતી :
મેં એમ લખેલ કે, ખોટી ઘડીયાળ પણ ચોવીસ કલાકમાં બે વખત સાચો ટાઈમ બતાવે છે. ઘડીયાળ સ્વયં રીતે ખોટી છે એ હકીકત; તેના કાંટા તેની જગ્યાએ સ્થીર પડ્યા છે તે પણ હકીકત. હવે, ઘડીયાળ ખોટી હોવાનું તમે જાણતા ન હો તો જે સમય ઉપર કાંટા સ્થીર રહે છે. તે સમયે તમે ઘડીયાળમાં જુઓ ત્યારે તમને તે સમયે ઘડીયાળ સાચી લાગે તેમાં ઘડીયાળનો દોષ નથી; પરન્તુ તેને સાચી લાગવા માટેની તમારી અજ્ઞાનતા કે અજ્ઞાતતા દોષીત ઠરે. જ્યોતીષનું પણ એવું જ છે. તમે જ્યાં સુધી ઘડીયાળની ચકાસણી કરી ન હોય તેમ તમને સાચી લાગેલી આગાહીઓની ચકાસણી બૌદ્ધીક રીતે અને તર્કપુર્ણ રીતે ન કરો ત્યાં સુધી આવી બધી આગાહીઓ તમને સાચી હોવાના ભ્રમમાં ફસાવી શકે.
રાજકોટનું લોકપ્રીય અને માતબર અને રૅશનલ અખબાર ‘ફુલછાબ’ કદી જ્યોતીષ વીષયની આગાહીઓ કે વર્તારા છાપતું નથી. લગભગ મોટાભાગના દૈનીકોમાં અઠવાડીક ભવીષ્યની કૉલમો આવતી હોય છે; જ્યારે ‘ફુલછાબ’માં આવી કોઈ કૉલમ આવતી નથી. લોકોને અન્ધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોના નામે ચાલતા ધતીંગ અને પાખંડથી ચેતવવા ખુબ જ સચોટ તન્ત્રીલેખો ‘ફુલછાબ’માં અવારનવાર આવતાં હોય છે. ‘ફુલછાબ’ના તન્ત્રીશ્રી હરસુખભાઈ સંઘાણીએ મને ખાસ રુબરુ બોલાવીને મારી સાથે ચર્ચા–વીચારણા કરીને મારી એક કૉલમ ‘મન્ત્ર–તન્ત્ર ચમત્કારને પડકાર’ શરુ કરાવી. તે કૉલમ ત્રણ ચાર વરસ સુધી ખુબ જ સુંદર રીતે ચાલી અને લોકપ્રીય નીવડી.
જ્યોતીષીઓની હવાઈ કીલ્લા જેવી વાતો ઉપર વ્યંગ કરવા ખાતર ‘ફુલછાબ’માં એક આગાહી છપાઈ હતી તેની વાત કરીએ.
તા. 31-12-1972ના દીવસે અમેરીકાના જ્યોતીષીની એક આગાહી તેમાં છપાઈ હતી જે આગાહીમાં દસ વરસ પછી જે બનાવ બનવાનો છે તેનો તારીખ સાથે ચીતાર આપવામાં આવેલ હતો.
આ અમેરીકન આર્નોલ્ડ કુલ હેલરે એવી આગાહી કરેલ હતી કે, તા. 10-07-1982નો દીવસ સૌથી છેલ્લામાં છેલ્લો દીવસ હશે અને તે તારીખે આ દુનીયાનો સમ્પુર્ણ નાશ થઈ જશે.
આજે 1996માં હું આ પુસ્તક લખીને બહાર પાડી રહ્યો છું. તમે સૌ વહાલા વાચકમીત્રો મારું આ પુસ્તક વાંચી રહ્યા છો એટલે જાણે એટલું તો નક્કી જ ને કે તા. 10-07-1982નો દીવસ એ તદ્દન છેલ્લો દીવસ ન હતો અને દુનીયા નાશ પણ પામી ન હતી. આપણે આ દુનીયામાં જીવતાં જાગતાં બેઠાં છીએ.
–જમનાદાસ કોટેચા
અસત્યો–ધતીંગો–ફરેબો સામે આજીવન ઝઝુમેલા સ્મરણીય જમનાદાસ કોટેચાએ સંખ્યાબન્ધ જ્યોતીષીઓની આગાહીઓ વીષે લખેલ પુસ્તક ‘કપટ કુંડલી’ [પ્રકાશક : ‘માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર’, જોરાવરનગર. ત્રીજી આવૃત્તી : 2002; પાનાં : 224 મુલ્ય : રુપીયા 100/)ના ‘કપટ કુંડલી’ : ભાગ–2ના પ્રથમ લેખનાં પૃષ્ઠ ક્રમાંક : 108થી 117 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે)], લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, જમનાદાસ કોટેચા (હવે આપણી વચ્ચે નથી)
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
સ્નેહીશ્રી જમનાદાસભાઇ,
લોકોની આંખ ખોલવાના તમારા, Logic અેટલે કે તર્કશાસ્ત્ર…..” The science and art of reasoning” ના જ્ઞાનના ઉપયોગને સલામ….તમને પણ હૂદયપૂર્વકના સલામ…..
મને લાગે છે કે ….જાણે અજાણે પેલા જ્યોતિષો પણ લોજીકનો ઉપયોગ કરીને…..જ્ઞાન વિનાના બુઘ્ઘુઓની અંઘશ્રઘ્ઘાનો પોતાને માટે ઉપયોગ અને તેના અંઘશ્રઘ્ઘાળુ ઘરાકોનો દૂરઉપયોગ કરે છે. અહિં પોતાને જ્યોતિષ કહેવડાવનારા ‘ લાભ લેનારા ‘ અને પોતાને ઘરાક અેટલે કે ( અંઘ )શ્રઘ્ઘાળુ કહેવડાવનારા બન્નેમાં ‘ ઘરાક ‘ પોતપોતાના લોજીક વાપરીને લાભ લેનારા કે ગુમાવનારા સાબિત થાય છે.
અેક હિન્દી ફિલ્મ જોઇ હતી….‘ મુન્નાભાઇ લગે રહો ‘ ફિલ્મનો છેલ્લો સીન છે….મુન્નાભાઇ…સંજય દત્ત…..લગ્નના મંડપમાં જ્યોતિષને રીવોલ્વર બતાવીને કહે છે…‘ હવે તું તારું ભાવિ શું છે તે મને કહે ‘ જવતો રહેશે કે મરવાનો છે ? અને જ્યોતિષના હોશ કોશ ઊડી જાય છે.
હવે વાત કરીઅે પ્રેક્ટીકલ……જ્યાં સુઘી અંઘશ્રઘ્ઘાળું…ભણેલો કે અભણ, પૈસાવાળો કે ગરીબ, રાજા કે મહારાણી ( જૂના જમાનાના.) અને બીજા બઘા…….પોતાના ભાવિની ચિતાથી ગ્રસ્ટ હશે , ત્યાં સુઘી , (જ્યાં અને ત્યાં ની વાત આવી ), ભાવિ જાણનારનો ઘંઘો ચાલવાનો…ખૂબ જોરમાં ચાલવાનો….માણસ દુનિયાના કઇ પણ ખૂણામાં વસતો હોય….ફક્ત….જંગલમાં જન્મીને જંગલમાં જ મરતાં હતાં તેઓમાં અેક પણ જ્યુતિષ જન્મીયો કે જીવતો ન્હોતો તે હું છાતી ઠોકીને કહી શકું.
શ્રી અબ્દુલભાઇ વકાણીનો જીવનમંત્ર પણ સલામને પાત્ર……
” Never underestimate the power of stupid people, in large group.”
AND
The best way to predict the future is to create yourself ” ( Here you see the word…” Predict ” used. )
That is THE TRUTH……
Thanks.
Amrut Hazari.
LikeLiked by 1 person
સરસ
LikeLiked by 1 person
જ્યોતીષીઓની ખોટી પડેલી આગાહીઓની હોળી મા જમનાદાસ કોટેચાનો તર્કબધ્ધ સરસ લેખ
જ્યોતિષ અંગે કહેવાતી વાતે- સામાન્યરીતે જનતા જે સ્વીકારે છે એ ફાઈનલ થઈ જાય છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે, એ લીટી આપણે સતત ગાતા રહ્યા હતા. અહીં અર્થ એવો અભિપ્રેત છે કે ઈશ્વરને પણ ખબર નથી કે સવારે શું થવાનું છે. સંસ્કૃતજ્ઞો આ વાક્યનો જુદો અર્થ સમજાવે છે. ન જાને, જાનકીનાથ, પ્રભાતે કિમ ભવિષ્યતિ ! હે જાનકીનાથ ! હે પ્રભુ, હું જાણતો નથી કે સવારે શું થવાનું છે? અહીં ઈશ્વર તો સર્વજ્ઞ છે, પણ હું સ્વયં અજ્ઞ છું, મને ખબર નથી કે કાલે સવારે શું થવાનું છે.
આર. કલ્વર અને ફિલિપ આયાના બંને વૈજ્ઞાનિક સંશોધકો છે. તેઓએ જ્યોતિષીઓએ ભાખેલી ખાસ ૩,૦૦૦થી વધારે માહિતીઓની તપાસ કરી છે. તેઓનું કહેવું છે કે એમાંથી ફક્ત ૧૦ ટકા જ સાચી પડી છે. જ્યારે કે સારો જાણકાર હોય એવો કોઈ પણ સંશોધક એના કરતાં વધારે સારું ભવિષ્ય ભાખી શકે.
જો જ્યોતિષ ના મહત્વ ની વાત કરીએ તો આ ભાગ દોડ થી ભરેલી દુનિયા માં દરેક વ્યક્તિ કોઈ ના કોઈ સમસ્યા થી રૂબરૂ થયી રહ્યો છે. કોઈ વ્યક્તિ પોતાની પારિવારિક સમસ્યા થી હેરાન છે તો કોઈક વ્યક્તિ નું પ્રેમ તેના થી નારાજ થયી ગયુ છે. કોઈ જાતક ને નોકરી નથી મળી રહી તો કોઈ જાતક પોતાના વિવાહ માં વિલમ્બ થી હેરાન છે. આવા માં લોકો ની સમસ્ત સમસ્યાઓ નું નિકાલ જ્યોતિષ ના જ્ઞાન થી કરી શકાય છે. જ્યોતિષ વિધા થી ના કેવળ તમને ભવિષ્ય ની માહિતી મળે છે પરંતુ આમાં સમસ્યા ના નિવારણ માટે જોયોતીષીય ઉપાયો પણ જણાવા માં આવે છે. જો તમે આ ઉપાયો ને વિધિ પૂર્વક અપનાવો છો તો તમારી સમસ્યા નું સમાધાન થયી જાય છે. આમ સામાન્ય જનતા ને શ્રધ્ધા છે.
આમા સમન્વયની વાતે…પરમ રેશનાલીસ્ટ શ્રી ગોએન્કાજી કહે છે તેમ પ્રજ્ઞા એ ચક્ષુ છે અને શ્રદ્ધા એ ચરણ છે. જ્ઞાન હોય, પણા વ્યક્તિને પોતાનામાં શ્રદ્ધા ન હોય, આ કાર્ય કરી શકીશ કે નહીં ? એવી અવઢવમાં રહેતો હોય તો આગળ ન વધી શકે અને ફક્ત કરી શકીશ એવી શ્રદ્ધા હોય અને જ્ઞાન હોય તો કોઈક જુદા રસ્તે જ ફંટાય જાય. જ્ઞાન વગરની શ્રદ્ધાને ‘અંધશ્રદ્ધા’ કહી શકાય.
LikeLiked by 1 person