તથાગત અને સેક્યુલર ધર્મ : હું જે જેવું છે, તેવું જ શીખવાડું છું

(ચીત્ર સૌજન્ય :  લેખકશ્રીની ‘ફેસબુક’ પોસ્ટ)

તથાગત અને સેક્યુલર ધર્મ :
હું જે જેવું છે, તેવું જ શીખવાડું છું

–રાજ ગોસ્વામી

સમકાલીન સમયના બ્રીલ્યન્ટ બ્રીટીશ ફીલોસોફર અલેન ડી. બોટોને 2012માં એક પુસ્તક લખ્યું હતું; Religion for Atheists (નાસ્તીકો માટેનો ધર્મ). આમ તો બન્ને શબ્દો – ધર્મ અને નાસ્તીક – પરસ્પર વીરોધી છે; પરન્તુ અલેન ડી. બોટોને આ પુસ્તકમાં સુચન કર્યું હતું કે, ધર્મોએ કરેલા અલૌકીક તાકાતોના દાવા નીહાયત જુઠા છે છતાં; ધર્મોની અમુક બાબતો ધર્મનીરપેક્ષ જીવન અને સમાજ માટે ઉપયોગી છે એટલું જ નહીં, સેક્યુલર અને ધાર્મીક વચ્ચે સદીઓથી (ક્યારેક હીંસક) જંગ ચાલે છે તેનું સમાધાન પણ બની શકે છે.

ગુજરાતીમાં કહેવત છે કે, સુકા ભેગું લીલું બળી જાય. બોટોન કહે છે કે, ધર્મોએ (અથવા તો ધર્મના આપણા અર્થઘટને) ઈતીહાસમાં એટલી મુસીબતો ઉભી કરી કે, એનાથી છેડો ફાડીને સેક્યુલર સમાજ ઉભો કરવાની આપણી ચેષ્ટામાં ધર્મોની સારી બાબતો પણ સળગી ગઈ. આધુનીક સમયમાં જગતની તમામ સંસ્કૃતીઓ આજે આસ્તીકો અને નાસ્તીકો વચ્ચેની લડાઈ ઝેલી રહી છે. ધર્મ, જેણે સંસારના રહસ્યોને પહેલીવાર બુદ્ધીગમ્ય કરવાની કોશીશ કરી તે, શ્રદ્ધાનો વીષય બની ગયો અને એના પ્રતીરોધમાં વીજ્ઞાનના તાર્કીક વીચારે સંસારને મીકેનીકલ પ્રક્રીયા તરીકે ઉકેલી નાખ્યો, એમાં શ્રદ્ધા અને સંશયનો ઝઘડો વધ્યો.

આપણી બાજુ, પુર્વમાં, આ બાબત એટલી જટીલ ના હતી; પરન્તુ પશ્ચીમની આખી વ્યવસ્થા આપણે જેમ જેમ અપનાવતા ગયા તેમ તેમ આપણેય હવે દાઝી રહ્યા છીએ. ઈશુ પુર્વે 500મી સદીમાં લોકોએ તથાગત બુદ્ધને (જેમની આજે જયંતી છે) પુછ્યું હતું કે, તમે શેની શીક્ષા આપો છો, ત્યારે એમણે કહ્યું હતું, હું જે જેવું છે, તેવું જ શીખવાડું છું. સદીઓ પછી જે તાર્કીક અથવા વૈજ્ઞાનીક અભીગમ પેદા થયો તેની બુનીયાદમાં અવલોકન કે પરીક્ષણ જ હતું, જેની બુદ્ધે વાત કરી હતી. સંસાર જેવો છે તેનું નીરીક્ષણ કરીને, તે ડેટાનું વીશ્લેષણ કરીને જ એનો મર્મ સમજી શકાય.

તથાગતે આગળ કહ્યું હતું, “કોઈએ એમની શીક્ષામાં આસ્થા રાખવી ના જોઈએ. હું જે કહું છું તે સાચું છે કે નહીં તે જાતે પારખવું જોઈએ.” ક્ન્ગ્યુર અથવા કન્જુર નામથી ઓળખાતા 108 ભાગના તીબેટીય બૌદ્ધ શાસ્ત્રમાં સૌથી છેલ્લી લાઈનમાં બુદ્ધ કહે છે, બુદ્ધે કહ્યું છે એમ માનીને તમારે મારી વાતનો વીશ્વાસ કરવો ના જોઈએ. ‘અપ્પો દીપો ભવો’ : ખુદનો પ્રકાશ સ્વયં બનો, અને જાતે બધું જુવો.”

તથાગતે કોઈ ઈશ્વર, કોઈ બાહ્ય શક્તી, કોઈ અલોકીક તાકાતનું અસ્તીત્વ નકાર્યું હતું. વાસ્તવમાં ઈશ્વરના નામે જે કુકર્મો અને પાખંડ થતાં હતાં તેની સામેના બંડમાંથી જ તથાગત બુદ્ધનું ચીંતન આવ્યું હતું. એ અર્થમાં બુદ્ધ નાસ્તીક છે અને બૌદ્ધ ધર્મ નહીં; પણ જીવન જીવવાની શૈલી છે. બુદ્ધનું સમગ્ર દર્શન બે જ શબ્દોમાં પુરું થઈ જાય છે; અભ્યાસ અને જાગરુકતા (અપ્પો દીપો ભવો). બુદ્ધ વ્યક્તીને એમનો આશ્રીત, અનુયાયી નથી બનાવતા. એ વ્યક્તીને તમામ બાહ્ય ટેકણ–લાકડીઓથી આઝાદ કરે છે.

બૌદ્ધવાદ, અલેન ડી. બોટોન કહે છે તેવો, પહેલો સેક્યુલર ધર્મ છે. બુદ્ને પરલોકમાં નહીં, માણસના મન–લોકમાં રુચી છે. તમે જો છેલ્લા બે દાયકામાં પ્રગટ થયેલાં મનોવીજ્ઞાન અને ન્યુરોલોજીનાં પુસ્તકો તપાસો તો તમને એ જાણીએ સુખદ આશ્ચર્ય થશે કે 2400 વર્ષ પહેલાં એક માણસે તેની સુક્ષ્મ અન્તર્દૃષ્ટીથી માણસના મનમાં ચાલતી વીચારો, વીકારો અને લાગણીઓની જે પ્રક્રીયાને તપાસી હતી, અને એનો ઉપચાર શોધ્યો હતો તે કેટલી મીલતી–ઝુલતી આવે છે. જેને આજે સંજ્ઞાનત્મક વીજ્ઞાન (કોગ્નીટીવ સાયન્સ) કહે છે તે આ જ : અનુભવ અને જ્ઞાનેદ્રીઓ મારફતે જ્ઞાન મેળવવું અને ચીજોને સમજવાની માનસીક પ્રક્રીયા. પશ્ચીમના બુદ્ધીજીવીઓ અને વૈજ્ઞાનીકો એટલે જ પાછલાં કેટલાંય વર્ષોથી બુદ્ધને બહુ ગમ્ભીરતાથી લઈ રહ્યા છે.

તથાગતના વીજ્ઞાનને ભારતે ગુમાવ્યું છે. પશ્ચીમમાં ઈમાન્યુઅલ કાન્ટ, ડેવીડ હ્યુમ, માર્ટીન હેઈડેગર અને ફ્રેડરીક નીત્શેના (આત્મા–પરમાત્માથી વીપરીત) અસ્તીત્વવાદી ચીંતનથી માણસની નીજતા (privacy) અને અપનાપન (individuality)નું મહત્વ વધ્યું, એનાથી યુરોપનો સમાજ સભ્ય થતો ગયો. સમાજ અને રાજ્ય એ નીજતા અને અપનાપનનો મલાજો જાળવતા થયાં (આપણે ત્યાં આ નથી). તથાગતનું અનંતા એટલે કે અનાત્મા (કોઈ આત્મા નથી)નું દર્શન ભારતને સભ્ય અને સમર્થ બનાવવા સક્ષમ હતું; પરન્તુ આપણે એ ઠીક રીતે સમજ્યા નહીં. ભારતમાં વીજ્ઞાન, સભ્યતા અને સામાન્ય બુદ્ધીના વીકાસમાં સનાતન આત્મા અને એના એક સર્જક (ઈશ્વર)ની કલ્પના અવરોધક બની છે તેનો સૌથી દેખીતો પુરાવો આપણા લોકતન્ત્ર અને રાજનીતીમાં આજે પણ જે ગડબડ ચાલે છે તેમાં છે.

આધુનીક વીજ્ઞાન અને તે પછીની ફીલોસોફી–માનોવીજ્ઞાને એ સાબીત કરી દીધું કે વ્યક્તીત્વ (આત્મા, રુહ, સોલ, સેલ્ફ, સ્વ કે ચેતના) એ કોઈ ઠોસ રચના નથી. વ્યક્તીત્વ એ હજારો ટુકડાઓનો જોડ છે. એ એક સામાજીક–સંસ્કૃતીક કન્સ્ટ્રકટ છે, જેનો પોતાનો કોઈ પાવર નથી. એના ગઠજોડના સેટીંગમાં કમી એ જ મનોરોગ છે. વ્યક્તીત્વના આ કન્સ્ટ્રકટની બુનીયાદ પર જ આધુનીક માનોવીજ્ઞાનનો જન્મ થયો હતો. ભારત આત્મા–પરમાત્માની અન્ધશ્રદ્ધામાં ડુબેલું રહ્યું. આપણને આ હજુ પણ નડી રહ્યું છે.

તથાગતનો આ અભીગમ એમને પરમ્પરાગત ધર્મના ચોખટામાં ફીટ થતાં રોકે છે. 20મી સદીના સૌથી જાજારમાન ભૌતીક વીજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના નામે એક વીધાન ચડેલું છે, જેનો ઉલ્લેખ બુદ્ધ અને વીજ્ઞાન વચ્ચેની સામ્યતાની ચર્ચામાં અવશ્ય થાય છે. આઈન્સ્ટાઈને કહેલું, બૌદ્ધવાદમાં એ જ લક્ષણો છે, જે ભવીષ્યના વૈશ્વીક ધર્મમાં (cosmic religion) હોવાં જોઈએ : એ વ્યક્તીગત ઈશ્વર (personal God)થી આગળ જાય છે, રુઢી અને ધર્મશાસ્ત્રથી બચીને રહ્યો છે, એ નૈસર્ગીક અને અતીન્દ્રીય બન્નેનો સમાવેશ કરે છે. આધુનીક વીજ્ઞાનને જેનો ખપ છે તે બૌદ્ધવાદમાં છે.”

બૌદ્ધવાદનું આ સત્વ, માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ રુઢીવાદ અને કટ્ટરતામાં ખોવાઈ રહ્યું છે. છેક 1927માં મહાત્મા ગાંધીને પણ એનો અનુભવ થયો હતો. એ ત્યારના સીલોન (શ્રીલંકા)માં બૌદ્ધ પરીષદમાં ગયા હતા અને ફરીયાદ કરી હતી કે, “કદાચ તમને ખબર નથી કે મારા મોટા પુત્રએ મારી ઉપર બૌદ્ધ હોવાનો આરોપ લગાવ્યો છે અને મારા અમુક હીન્દુ દેશવાસીઓ પણ એવું કહેતાં અચકાતા નથી કે, હું સનાતની ધર્મની આડમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરું છું. મારા પુત્રના અને હીન્દુ મીત્રોના આરોપ પ્રત્યે મને સહાનુભુતી છે, અને ક્યારેક હું બુદ્ધના અનુયાયી હોવાના આરોપથી ગર્વ મહેસુસ કરું છું. આજે આ સભામાં એ કહેવામાં મને જરાય ખચકાટ નથી કે, મેં બુદ્ધના જીવનમાંથી બહુ પ્રેરણા મેળવી છે.”

તથાગતનો શું અર્થ થાય? એ સંસ્કૃત અને પાલી શબ્દ છે, અને એનો અર્થ અનીશ્ચીત છે. બૌદ્ધ ભાષ્યોમાં એના આઠેક અર્થ કરવામાં આવ્યા છે. એમાંથી સૌથી પ્રચલીત અર્થ છે; એ જેવો આવ્યો હતો (તથા), તેવો જ ચાલ્યો ગયો (ગત). અર્થાત્ ઈતીહાસના બુદ્ધ તો એ પહેલાં આવેલા અને એ પછી આવનારા બુદ્ધ વચ્ચેની જ એક વ્યક્તી હતી. પાછળથી મહાયાન બૌદ્ધવાદમાં તથાગતનો અર્થ દરેક વ્યક્તીમાં છુપાયેલી બુદ્ધ–પ્રકૃતી (બોધીસત્વ), એવો થયો હતો. હું, તમે, આઈન્સ્ટાઈન અને બોધીસત્વ બધા તથાગત જ છીએ. એ જ આપણો ધર્મ અને એ જ આપણું વીજ્ઞાન છે. રાજનીતી પણ એ જ હોવી જોઈએ.

બાય ધ વે, તમે ઔરંગાબાદ પાસે અજંતા–ઈલોરાની ગુફામાં હાથમાં કમળના ફુલ સાથે ઉભેલા બોધીસત્વ પદ્મપાણીનું ચીત્ર જોયું છે? જોજો. હાથ અને કમળની રાજનીતી ભુલી જશો.

–રાજ ગોસ્વામી

લેખક અને પત્રકાર શ્રી. રાજ ગોસ્વામીની ‘ફેસબુક’ પર તા. 29, એપ્રીલ, 2018ના રોજ પ્રગટ થયેલ પોસ્ટમાંથી, લેખકશ્રીના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…

‘ફેસબુક’ પોસ્ટ માટે સ્રોત : https://www.facebook.com/permalink.php?story_fbid=2006102259717823&id=1379939932334062&__tn__=K-R 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારા રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

9 Comments

  1. ખુબ સરસ લેખ આભાર ગોવિંદભાઈ અને રાજગોસ્વામી બંનેનો આભાર દીલથી. રેશનાલીઝમ ( વાસ્તવિકતા ) માટે ફક્ત બુધ્ધ નામ જ પર્યાપ્ત છે.

    Liked by 1 person

  2. ખૂબ સરસ સાહેબ,

    આજે બુદ્ધ પૂર્ણિમા ના દિવસે આપે બુદ્ધ ના દર્શન કરાવ્યા.બહુજ સુંદર રીતે બુદ્ધ નું વિવરણ કર્યું.પરંતુ સાહેબ મારે એક પ્રશ્ન છે કે આપનો આં લેખ વાંચ્યો તેની પહેલા મે બુદ્ધ નો લેખ દિવ્ય ભાસ્કર ની પૂર્તિ ધર્મ દર્શન મા વાંચ્યો.જેમાં મને જાણવા મળ્યું કે બુદ્ધ હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ પ્રમાણે તેઓ ભગવાન વિષ્ણુ ના દશ મા અવતાર હતા??

    શું આં વાત સાચી છે??

    બીજી વાત કે તેઓ જો વિષ્ણું ના દશ મા અવતાર હોઈ તો ભારત ભર ના હિન્દુ લોકોએ બુદ્ધ ના વિચાર અને વૈજ્ઞાનિક અભિગમ ને કેમ અપનાવ્યો??અત્યારે આપડે જોઈએ છીએ યે મુજબ જે દેશ મા બુદ્ધ ને માનવામાં આવે છે અથવા તો બૌદ્ધ ધર્મ પાળે છે તે દેશો ભારત કરતાં ઘણા બધા વિકસિત છે.આધુનિકતા ની દ્રષ્ટીએ પણ ભારત થી ખુબજ આગળ નીકળી ગયા છે જેનું ઉદાહરણ ચાઇના, જાપાન, કોરિયા વગેરે દેશો છે.

    બીજો એક સવાલ કે ભારત દેશ માંથી જ બૌદ્ધ ધર્મ નો ફેલાવો થયો છતાં હિન્દુ માનસ મા કેમ અંધશ્રદ્ધાઓ, કર્મકાંડો બંધ ના થયા??
    શું બુદ્ધ ના મૌલિક વિચારો ને દબાવી દેવામાં આવ્યા હતા પંડિતો દ્વારા.??
    સાહેબ આં હિન્દુ સમાજ કેમ બુદ્ધ ના રસ્તે ના વળ્યો.??

    Like

  3. તથાગત એટલે જેવો છું કેવો છું આમ રેશનલો પણ જેવા છે તેવા સ્વીકારવા બનવું પડશે

    Liked by 1 person

    1. Yes, good article.Though Baudh religion is nearer to Rational as Buddha was advising to follow own thinking with reason,but now this religion is also full of rituals.

      Liked by 1 person

  4. સરસ લેખ. પણ બુદ્ધના નીર્વાણ પછી લોકોએ પોતાની રીતે ઘણી વાતો બુદ્ધના નામે મુકી દીધી છે. બુદ્ધના પુર્વાવતારોની વાતો પણ પ્રચલીત છે.
    બુદ્ધ વીશે ઘણી સરસ સ્પષ્ટતા જાણવા મળી. આભાર ગોવીન્દભાઈ અને રાજ ગોસ્વામીનો.

    Liked by 1 person

  5. શ્રી રાજ ગોસ્વામી અને ગોવિદભાઇઅે આજે બુઘ્ઘનાનામે જન્મેલા બૌઘ્ઘ ઘર્મનો ઉલ્લેખ કરીને ચર્ચાનો ચોરો ખોલ્યો છે.
    પહેલો રેફરન્સ…‘ બ્રિલીયન્ટ બ્રિટિશ ફીલોસોફેર, અેલન ડી. બોટોનના પુસ્તક ” Religion of Atheists ” નો આપ્યો છે. ગુજરાતીમાં કહીઅે તો ‘ નાસ્તીકો માટેનો ઘર્મ ‘
    નાસ્તિક અેટલે…‘ ઇશ્વરના અસ્તિત્વમાં ન માનનાર, ઘર્મમાં શ્રઘ્ઘા ન રાખનાર અથવા ઇશ્વર અને ઘર્મ વગેરેમાં અશ્રઘ્ઘાવાળો.
    ભારત અને દુનિયાના ઘણા દેશો આજે બહુઘર્મી જીવન જીવે છે. તેમાં અેક છે…બૌઘ્ઘ ઘર્મ. તથાગત બુઘ્ઘે આપેલા , ‘ અષટાંગ મઘ્યમના માર્ગોના નિયમો તેમના સાઘકો માટે કહેલાં તેમાં અેક હતો, ‘ મઘ્યમ પ્રતિપદાનો નિયમ.‘ તટસ્થતાનો નિયમ. ‘ અને…‘ હું જે જેવું છે, તેવું જ શીખવું છું.‘
    ટૂંકમાં ‘સત્ય‘ શિખવું છું. સાચાના સાચો, ખોટાને ખોટો, જુઠાને જુઠો, કાળાને કાળો, પીળો તે પીળો, લાલ તે લાલ, ઘાતકી તે ઘાતકી……લોભી તે લોભી….
    દુનિયાના જુદા જુદા ઘર્મોના જન્મદાતાઓ જે જે નિતિ, નિયમો આપી ગયેલાં તે તે નિતિ નિયમો તેમના ફોલોઅર્સ સમયે સમયે બદલતા રહ્યા છે…જુદા જુદા વિચારોના કારણે જુદા જુદા પંથો બનાવે છે…અેટલે કે મૂળ જે ઘર્મ બનેલો તેના ભાગલાઓ પડી ગયા છે.
    બૌઘ્ઘ ઘર્મના પ્રચારાર્થે …બુઘ્ઘમ્ શરણં ગચ્છામી….સંઘં શરણં ગચ્છામી….પૂર્વના દેશોમાં , ચીનમા;….બઘે પ્રસાર પામ્યો અને સમય જતાં જતાં મૂળ નિતિ નિયમો ના ભંગોઅે ઘર્મને લોકોમાં ઓછો સ્વીકાર્ય બનાવી દીઘો….ગાંઘીજીનો દાખલો આ વાત સમજાવે છે..
    સત્ય અે છે કે મૂળ બૌઘ ઘર્મ પણ બીજા ઘર્મોમાં થયેલા ફેરફારોની જેમ જ ફેરફારોવાળો થઇને જીવે છે.
    અપ્પો દીો ભવ:…..તું જ તારો પ્રકાશ બન…તું જ તારો ઉઘ્ઘારક બન….( બૂઘ્ઘના પ્રચારના શબ્દોને માનવા નહિ….તેને તું સાબિત કરીને જ માનજે ) તે હવે ક્યાં ?
    વિજ્ઞાનના આજના સમયમાં આ વિષયે વિચારવું રહે.
    નાસ્તિકની વ્યખ્યા પ્રમાણે જો ભગવાન હોય જ નહિ….તો તે તે ભગવાનોના નામે ચાલતા ઘર્મોમાં તે નાસ્તિકો માનતા નથી….તો ? માનવઘર્મ….જે માનવતામાં માને છે તે…???
    લેખમાં લખ્યુ છે કે ભારત, અંઘશ્રઘ્ઘામાં ડૂબી રહ્યુ છે. સાચી વાત છે….આપણે તેના પરિણામો જોઇ રહ્યા છીઅે.

    લેખ સમજાવતો નથી કે આસ્તિક કે નાસ્તિક ? કયે રસ્તે જવું ??? દરેક વ્યક્તિઅે પોતે નક્કિ કરવાનું રહે છે. Daily Practical life.

    Today we all are living in the year 2020. The year of SCIENCE.

    સમય સમયનું કામ કરે જાય છે….હાલના હાજર ‘ ઘર્મો ‘‘ માં ફેરફારો થતાં દેખાય છે. અંઘશ્રઘ્ઘાથી ચાલતા ઘર્મો શું કરશે તેની વાત કરી શકાય નહિ.
    લેખનું છેલ્લુ વાક્ય પોલીટીક્સથી ભરેલુંછે. અજન્ટા ઇલોરાની ગુફાના ચિત્રના રેફરન્સ સાથે…જે આવા લેખોમાં સ્થાન ન પામે .
    તે ઇચ્છનીય બને છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. Nice article. Hope all are safe and well.
    For many years I am wondering and surprised with a nagging question that all these figures were rationalists of their times, Buddha, Jesus, Kabir and such others also. They were against religious or traditional rituals ( karmkands) and look present day Buddhism. The followers do all kinds of puja and veneration and worship him as God.
    Same in case of Jesus who rebelled against archaic rituals of the contemporary Judaism of that time and now Christian worship is full of rituals more so in Catholic and orthodox sects. The priests have to have special uniforms for different services. Kabir is the most recent one and fought against all the mundane rituals performed by both the Hindus and Muslims. Now his followers venerate him as God. Build temples in his name and do all kinds of rituals which he was totally against like palakhi shobhayatra and samiyu.
    The founders show the path but followers don’t follow. Very sorry state of affairs.

    Liked by 1 person

  7. ‘અપ્પો દીપો ભવો’ : ખુદનો પ્રકાશ સ્વયં બનો, અને જાતે બધું જુવો.” સટિક વાત
    તેમા ભગવાન બુદ્ધના સમયથી નિષ્ઠાવાન આચાર્યોની પરંપરાએ પેઢી-દર-પેઢી આ ધ્યાન-વિધિને એના અક્ષુણ્ણ રૂપમાં જાળવી રાખી છે. આ પરંપરાના વર્તમાન આચાર્ય શ્રી સત્ય નારાયણ ગોયન્કાજી છે. તેઓ મૂળ ભારતીય છે પરંતુ એમનો જન્મ મ્યમાંમાં (બર્મામાં) થયો હતો. એમણે જીવનના પહેલા પિસ્તાલીસ વર્ષ મ્યમાંમાં વિતાવ્યા. ત્યાં એમણે પ્રખ્યાત આચાર્ય સયાજી ઉ બા ખિન, જેઓ એક વરિષ્ઠ સરકારી અફસર હતા, તેઓની પાસેથી વિપશ્યના શીખી. પોતાના આચાર્યના ચરણોમાં ચૌદ વર્ષ વિપશ્યનાના અભ્યાસ કર્યા પછી સયાજી ઉ બા ખિને એમને ૧૯૬૯માં લોકોને વિપશ્યના શીખવવા માટે અધિકૃત કર્યા. એ જ વર્ષે એ ભારત આવ્યા અને એમણે વિપશ્યનાના પ્રચાર-પ્રસારનું કામ શરુ કર્યું. ત્યારથી તેમણે વિભિન્ન સંપ્રદાય અને વિભિન્ન જાતિના લોકોને ભારતમાં અને ભારતની બહાર પૂર્વ અને પશ્ચિમના દેશોમાં વિપશ્યનાનું પ્રશિક્ષણ આપ્યું છે. વિપશ્યનાની વધતી માંગને જોઈને ૧૯૮૨થી શ્રી ગોયન્કાજીએ સહાયક આચાર્યો નિયુક્ત કરવાનું શરુ કર્યું છે.
    સાંપ્રતસમયે વિશ્વમા ઘણા આ સાધનાથી જાતે પરમ કૃપાળુની કૃપા પામી પરમ શાંતી મેળવે છે

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s