ભારત પાસે દુનીયાને આપવા જેવુ ઘણું હતું. એમાંથી ભારતે કેટલું આપ્યું છે અને દુનીયાએ કેટલું લીધું કે અપનાવ્યું છે એના પર એક નજર કરીએ…
ભારતે દુનીયાને કેટલું આપ્યું છે?
– મુરજી ગડા
ભારત પાસે દુનીયાને આપવા જેવુ ઘણું હતું. એમાંથી ભારતે કેટલું આપ્યું છે અને દુનીયાએ કેટલું લીધું કે અપનાવ્યું છે એના પર એક નજર કરીએ.
1. સમસ્ત દુનીયામાં પ્રસરી ગયેલી દશાંશ પદ્ધતીના મુળમાં રહેલ ‘શુન્ય’ એ ભારતની દુનીયાને મળેલી પહેલી ભેટ ગણાય છે. આદીમાનવ પોતાના વીચાર શબ્દોમાં જણાવતો થયો, એટલે કે ભાષાની રચના થઈ એની સાથે ગણતરી પણ શરુ થઈ હતી. એના માટે એણે પોતાની આંગળીઓનો ઉપયોગ કરે છે.
ગણતરી માટે આંગળીઓનો ઉપયોગ કરવો એટલો સ્વાભાવીક છે કે મોટા ભાગની પ્રાચીન સંસ્કૃતીઓમાં સ્વતન્ત્રપણે દસના ગુણાંકવાળી પદ્ધતી શરુ થઈ હશે. ભારત, સુમેર, મીસર, ગ્રીસ અને ચીનની સંસ્કૃતીઓનો આમાં સમાવેશ થાય છે. આ લેખકની જાણ પ્રમાણે એમાં માત્ર બે અપવાદ હતા. મધ્ય અમેરીકાની મયન સંસ્કૃતીએ વીસના ગુણાંકવાળી તેમ જ રોમનોએ પાંચના ગુણાંકવાળી પદ્ધતી અપનાવી હતી. એ પણ આંગળીઓની સંખ્યા આધારીત છે. રોમનો કદાચ એક જ હાથનો ઉપયોગ કરતા હશે. જો માણસના હાથને ચાર કે છ આંગળીઓ હોત તો આઠ કે બારના ગુણાંકમાં અંકશાસ્ત્ર રચાયું હોત.
આ બધી પદ્ધતીઓમાં શુન્યના ઉપયોગ વગર આગળ વધવામાં અગવડ થતી અને મોટી રકમો ખુબ જટીલ બનતી. શુન્ય ઉપરાંત રકમના દરેક આંકડાના સ્થાન મુજબ એની કીમ્મત આંકવાની ભારતની પ્રથા સૌથી સરળ હતી. સમયાંતરે અને સ્વાભાવીકપણે બધાએ તે અપનાવી. જે પણ હોય, આજે ભારતને ‘શુન્ય’ના આવીષ્કારનો યશ મળે છે.
2. પ્રાચીન ભારતને પુર્વમાં આવેલા દેશો કરતાં પશ્ચીમમાં આવેલા નજીકના દેશો સાથે વધારે સમ્પર્ક હતો; છતાંય ભારતીય સંસ્કૃતી ત્યાં ફેલાઈ કે જળવાઈ શકી નહીં. જ્યારે પુર્વમાં આવેલ મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશીયા, કમ્બોડીયા, ઈન્ડોનેશીયા વગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતી ફેલાઈ અને જળવાઈ રહી છે. એનું એક કારણ એ છે કે આ પ્રદેશમાં પોતાની સંસ્કૃતી ખીલી નહોતી. જ્યારે પશ્ચીમમાં આવેલ પર્શીયન સામ્રાજ્યની પોતાની સબળ સંસ્કૃતી હતી. ત્યાં ભારતીય સંસ્કૃતીની જે પણ અસર થઈ હશે તે ઈસ્લામના ઉદય અને ફેલાવા સાથે ઓછી થતી ગઈ.
પુર્વના દેશો પર ભારત ઉપરાંત ચીનની પ્રાચીન સંસ્કૃતીની પણ ઘણી અસર છે. એટલે જ ઘણા સમય માટે આ પ્રદેશ ઈન્ડોચાયના કહેવાતો હતો. ભારતની દક્ષીણ–પુર્વ એશીયાને મળેલી આ ભેટ છે.
3. ચીને ભારત પાસેથી માત્ર એક જ ગણનાપાત્ર બાબત અપનાવી છે. એ છે બૌદ્ધ ધર્મ. અશોકના સમય સુધી બૌદ્ધ ધર્મ પુર્વ ભારત પુરતો જ સીમીત હતો. સમ્રાટ અશોકે પોતાના ખાસ માણસોને ભારત બહાર બધી દીશાઓમાં મોકલી બૌદ્ધ ધર્મને ફેલાવ્યો હતો. પછીથી તે દક્ષીણ પુર્વના દેશો અને તીબેટ થઈ તે પુરા ચીનમાં ફેલાઈ ગયો. ત્યાં એને એટલો આવકાર મળ્યો કે ચીનના જ્ઞાનપીપાસુઓ કેટલીય યાતના વેઠી મુળ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા ભારત આવતા હતા. ભારતે ચીન તેમ જ દક્ષીણ–પુર્વના દેશોને આપેલ આ મહત્ત્વની ભેટ છે.
4. મોટાભાગની દુનીયામાં ફેલાયેલી બુદ્ધીશાળીઓની ગણાતી એકાકી ઘરેલું (Indoor) રમત શતરંજ ભારતે સમસ્ત દુનીયાને આપેલી ભેટ છે. પ્રાચીન ભારતમાં રમાતી શતરંજ થોડા જુદા પ્રકારની હતી. આજે દુનીયામાં પ્રચલીત છે તે શતરંજ ભારત તેમ જ પર્શીયાની (આજનું ઈરાન) પુરાણી રમતનું હાયબ્રીડ સ્વરુપ છે.
આ બધી પ્રાચીન યુગમાં ભારતે અન્ય દેશોને આપેલી ભેટ હતી. મધ્ય યુગમાં ભારતની સમૃદ્ધીથી આકર્ષાઈ ઉત્તર પશ્ચીમના માર્ગે ઘણા વીદેશીઓના ધાડાં આવ્યાં. એમાંથી કેટલાક લુંટીને પાછાં જતાં રહ્યાં જ્યારે કેટલાક રાજ કરવા અહીં જ રોકાયા. એમનામાંથી મોટાભાગના અલગ અલગ મુસ્લીમ રાજ્યોના સુબા હતા. જે અહીં રહી ગયા તે પોતાની સંસ્કૃતી સાથે લાવ્યા હતા. એટલા પ્રમાણમાં ભારતીય સંસ્કૃતી પર એમની અસર થઈ છે.
હવે મધ્ય યુગ અને અર્વાચીન યુગમાં ભારતે દુનીયાને શું આપ્યું તે જોઈએ :
5. ઉત્તર ભારતમાં મોગલોના શાસનકાળ દરમીયાન ઉર્દુ ભાષાનો ઉદય થયો. ઉર્દુ ભાષાએ હીન્દી અને ફારસી ભાષાનું મીશ્રણ છે. આજે તે અમુક પ્રદેશોની મુખ્ય ભાષા છે. ઉર્દુ ભાષાનો ઉદય ભારતમાં થયો હોવાથી આ પ્રદેશોને મળેલી એ ભારતની ભેટ ગણાય.
ઉર્દુ ઉપરાંત તમીલ ભાષા પુર્વના દેશોમાં મર્યાદીત સ્વરુપે ફેલાઈ હતી. સંસ્કૃત, હીન્દી કે અન્ય કોઈ ભાષા ભારત બહાર ખાસ ગઈ નથી.
6. આજ અરસામાં તાજમહેલ બંધાયો હતો. એક ઈમારત હોવાથી એ ભારત બહાર જઈ ન શકે; છતાં એ ખુબ પ્રખ્યાત થયો છે. અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે કે એને સમસ્ત માનવજાતીની અમાનત ગણવી રહી. તાજમહેલ ઉપરાંત ભારતમાં અન્ય ઘણી સુંદર જગ્યાઓ છે; પણ એમનું જરુરી માર્કેટીંગ થયું ન હોવાને લીધે અત્યારે માત્ર તાજમહેલને ભારતે સમસ્ત દુનીયાને આપેલી ભેટ ગણવી રહી.
7. ભારતની એક આગવી ભેટ છે રાજસત્તા સામે અહીંસક અસહકારનો ગાંધીવાદ અને ગાંધીજી પોતે. વીદેશી ઘણી વ્યક્તીઓ એમનાથી પ્રભાવીત થઈ, એમના સીદ્ધાંતોને અમલમાં મુક્યા છે. આવા થોડા નોંધપાત્ર નામ છે : અમેરીકાના કાળા લોકોના સમાન હક માટે લડનાર માર્ટીન લ્યુથર કીંગ, સામ્યવાદી સરકાર સામે થનાર પોલંડના લેક્ વલેસા, દક્ષીણ આફ્રીકાના ક્રાંતીકારી નેતા નેલ્સન મંડેલા વગેરે.
એક વ્યક્તી તરીકેની ગાંધીજીની અન્ય કેટલીય બાબતો દુનીયા માટે એક આદર્શરુપ બની છે. ગાંધી અને ગાંધીવાદ ભારતે સમસ્ત દુનીયાને આપેલી ભેટ છે.
8. ભારતની આસપાસના એશીયાના દેશોમાં બોલીવુડના ચીત્રો અને સંગીત સારા પ્રમાણમાં આવકારાય છે. આ દેશોને મનોરંજન ક્ષેત્રે મળેલી આ ભારતની ભેટ/યોગદાન છે.
60-70-80ના દાયકામાં રશીયામાં પણ ભારતીય ચલચીત્રોની માંગ હતી. રશીયાની પોતાની ફીલ્મ ઈન્ડસ્ટ્રી ખાસ વીકસી નહોતી. અને અમેરીકા સાથેની હરીફાઈને લીધે હોલીવુડને ત્યાં આવતાં અટકાવાતું હતું. હવે એ બાધ નથી રહ્યો એટલે હોલીવુડની સ્પર્ધામાં બોલીવુડના ચીત્રોની માંગ ઓછી થઈ હોવાનું જાણવા મળે છે.
9. પ્રાચીન ભારતની યોગવીદ્યા તેમ જ આયુર્વેદ ઠેઠ હમણાં વીદેશમાં જવા લાગ્યા છે. હજી પણ સાવ નાના પાયે ફેલાતી આ જ્ઞાનશાખાઓમાં જે અપનાવે એમના માટે ભેટ છે.
10. સંસ્કૃતી સાથે શબ્દો અને ખાવાની વાનગીઓ પણ ફેલાય છે; કારણ કે વાનગીઓ સંસ્કૃતીનો ભાગ છે. બહાર ગયેલી વાનગીઓમાં સ્થાનીક પસન્દગી પ્રમાણે જરુરી ફેરફાર થવાથી એમને ઓળખવી અઘરી પડે છે. ચુપકીદીથી ફેલાતી અને એકબીજાને અપાતી વાનગીઓ અને શબ્દો વૈશ્વીક ભેટ છે.
સત્તરમી અને અઢારમી સદીમાં યુરોપના દેશોને કેરળના તેજાના પુરા પાડી એમના ભોજનને સ્વાદીષ્ટ બનાવ્યું એને યોગદાન ગણાય. આ ઉપરાંત વીકસીત દેશોને 90ના દાયકાથી આઈ.ટી. નીષ્ણાત યુવાનો તેમ જ અખાતના દેશોને સસ્તા દરે કારીગરો પુરા પાડ્યા એ પણ વૈશ્વીક પ્રગતીમાં એક પ્રકારનું યોગદાન ગણાય.
એક વ્યક્તીની જાણ અને યાદશક્તીની આ નોંધ માત્ર છે. આ યાદી સમ્પુર્ણ હોવાનો કોઈ દાવો કરવામાં આવતો નથી. કોઈ વાચક પાસે ઘણી વધારે માહીતી હોઈ શકે છે. આ યાદીમાંની થોડી વૈશ્વીક સ્તરની ભેટ છે, થોડી કોઈ ખાસ પ્રદેશને મળેલી છે તેમ જ કેટલીક ભેટ ગણાય કે નહીં તે પણ ચર્ચાસ્પદ છે.
ભેટ ન હોય તો પણ વૈશ્વીક પ્રગતીમાં આપેલું તે યોગદાન તો જરુર કહેવાય. આ યાદીની એક નોંધપાત્ર વાત એ છે કે એમાં ક્યાંય પણ કોઈ વૈજ્ઞાનીક સીદ્ધીની વાત નથી; કારણ કે એવી કોઈ સીદ્ધી બીજા કોઈને અપાયાના પ્રમાણભુત પુરાવા નથી.
ભારત પાસે આપવા જેવું ઘણું હતું. એના પ્રમાણમાં ભારતે દુનીયાને સાવ ઓછું આપ્યું છે તેમ જ દુનીયાએ પણ ઓછું અપનાવ્યું છે. આની પાછળ જે પણ કારણ હોય, એક મુખ્ય કારણ માર્કેટીંગનો અભાવ લાગે છે.
લુંટના હેતુથી, વેપારના હેતુથી તેમ જ આજીવીકાના હેતુથી લોકો પહેલેથી વીદેશ જતા હતા. માત્ર જ્ઞાન મેળવવાના હેતુથી વીદેશ જનાર માનવી જુદી માટીના હોય છે. મધ્ય યુગમાં ઘણા એકલદોકલ વીદેશીઓ જ્ઞાન મેળવવા ભારતમાં આવ્યા હોવાની નોંધ છે. એમાથી ગુપ્તકાળમાં આવેલ ફા–હીયાને, સાતમી સદીમાં આવનાર ચીનના હ્યુ–એન–ત્સંગ, 973માં આવનાર પર્શીયાના બરુની તેમ જ 1321માં આવનાર ફ્રેન્ચ સાધુ જોરડાન્સ જાણીતા છે. ભારત વીશેનું જોરડાન્સનું પુસ્તક મીરાલ્બીયા, લેન્ડ ઓફ મારવલસ (અજાયબ ભુમી) પ્રખ્યાત છે.
જ્યારે મધ્ય યુગમાં જ્ઞાન મેળવવા કે આપવા ભારતમાંથી વીદેશ જનારની નોંધ ક્યાંય પણ વાંચવામાં કે જાણવામાં આવી નથી. એ પાછળનાં કારણો શું હશે!
એકમાત્ર સ્વામી વીવેકાનંદ હીન્દુ ધર્મ અને સંસ્કૃતીની રજુઆત માટે 1893માં અમેરીકા ગયા હોવાનું જાણમાં છે. વર્તમાનમાં ઘણા ધર્મપુરુષો પ્રવાસાર્થે/પ્રચારાર્થે પશ્ચીમના દેશોમાં જાય છે. કેટલાક ત્યાં સ્થાયી પણ થયા છે. એમની પ્રવૃત્તીઓ વીશે વધુ લખવું ઉચીત નથી.
ભારતમાંથી ઉચ્ચ અભ્યાસાર્થે વીદેશ જવાની શરુઆત અંગ્રેજી શાસન દરમીયાન થઈ છે. આપણી આઝાદીના લડવૈયા/ઘડવૈયા બધા વીદેશમાં કાયદો, વ્યવસ્થા, ન્યાયતન્ત્ર, આઝાદી વગેરે ભણી આવ્યા હતા. એમની લડત અને સફળતા પાછળ આ તાલીમનો ઘણો ફાળો હતો. (પશ્ચીમની ભારતને મળેલી આ અગત્યની ભેટ છે.)
આઝાદી પછી ભણવા તેમ જ કમાવવા વીદેશ ગયેલ અને પછી ત્યાં જ સ્થાયી થયેલ લાખો સફળ ભારતીયોનો સમાજ અલગ લેખનો દાવેદાર છે. એમને અહીં ન સમાવાય.
આપણે જો તટસ્થ અને ન્યાયી બનવું હોય તો ભારતે દુનીયા પાસેથી શું મેળવ્યું અને અપનાવ્યું છે એની પણ યાદી બનાવવી જોઈએ. આ યાદીમાં બટેટા, ટમેટા, ચા, પોશાક વગેરેથી અણુવીદ્યા સુધીનું ઘણું આવે છે.
માનવ સંસ્કૃતીના વીકાસમાં અન્ય દેશોએ આપેલ ફાળો જાણવો હોય તો ઘણી વધુ યાદીઓ બનાવવી પડે. એનાથી એમના યોગદાનનો પણ ખ્યાલ આવે. કદાચ તે આપણને નમ્ર બનાવે.
(લેખ લખાયો : સપ્ટેમ્બર, 2008)
–મુરજી ગડા
લેખક અને પ્રકાશક : શ્રી. મુરજી ગડાનું પુસ્તક ‘માન્યતાની બીજી બાજુ’ પ્રથમ આવૃત્તી : સપ્ટેમ્બર, 2015; પાનાં : 80,મુલ્ય : ની:શુલ્ક)માંનો આ તેરમો લેખ, પુસ્તકનાં પાન 76થી 80 ઉપરથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક–વ–પ્રકાશક–સમ્પર્ક : શ્રી. મુરજી ગડા, 1, શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 સેલફોન : 972 679 9009 ઈ.મેલ : mggada@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
Inspiring and thorough presentation! Thanks to Murji Gada & Govind Maru.
LikeLiked by 1 person
સ્નેહી મુરજીભાઇ,
હેપી મઘર્સ ડે.
આ સેલીબ્રેશન અને માતાની વંદના, અમેરીકન રીતે આજે ભારતે પણ અપનાવી લીઘી છે. ૨૦૨૦નું વર્ષ હવે દેશોના વાડાઓ છોડીને વૈશ્વિક બની ગયુ છે. રોજીંદા જીવનના કેટ કેટલાઅે રીત રીવાજો અને જુદી જુદી સંસ્કૃતિઓને થોડે મોટે ભાગે સ્વીકાર થવા માંડયો છે. અે વખત આંતરજ્ઞાતિ લગ્ન પણ મંજુર નહિ રાખતી ભારતીય સંસ્કૃતિમાં આંતરદેશી…વિદેશી લગ્નો પણ સ્વીકારવામાં આવે છે. અેટલે કે ચૂસ્ત સંસ્કૃતિ હવે ઢીલ મુકતી થઇ છે..
તમારો લેખ શોર્ટ અને સ્વીટ છે. મઝા આવી.
ગુજરાતી સાહિત્યમાં, અંગ્રેજોના રાજ દરમ્યાન અને પછી..અંગ્રેજી શબ્દો સ્વીકારાયા છે. રોજીંદી બોલીમાં કે સાહિત્યના લખાણમાં તે શબ્દો જાણે ભારતીય અથવા ગુજરાતી જ હોય તે રીતે વાપરવામાં આવી રહ્યા ંે.ભદ્રમ ભદ્ર પુસ્તક આ વિષય ઉપર જ લખાયુ હતું. આજનું ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો અથવા તે અંગ્રેજી શબ્દોના અપભ્રંશ શબ્દો તરીકે વણાઇ ગયેલાં છે. આ રીતે ભારત આજે વૈશ્વિક બની રહ્યુ છે….સીમાના વાડાઓને ઓળંગીને.
ખુબ સરસ આર્ટીકલ. વઘુ માહિતિઓથી પુષ્ટ બનાવી શકાય.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
A VERY GOOD INFORMATIVE ARTICLE COVERING MAJOR POINTS.
THANKS TO THE WRITER & YOU, Shri Govindbhai.
LikeLiked by 1 person
એક ભુલી ન શકાય એવા યોગદાનની લે-વહેંચ પોષક બાબત પણ ગણી શકાય ?
ભારતના સમાજમાંથી રત્રી્ ઓ ચાલુ ચીલા-ઘરેલુ રિવાજોમાં થી બહાર નીકળતી જાય છે
પશ્ચિમનો સમાજ હોંશથી અપનાવતો થયો છે
LikeLiked by 1 person
.
મા મુરજી ગડાનો ‘ભારતેદુનીયાને કેટલું આપ્યું છે?’
.
અભ્યાસપુર્ણ પ્રેરણાદાયી લેખ
.
ધન્યવાદ
LikeLiked by 1 person