એમ.એલ.એ., મન્ત્રી, સીનેસ્ટારો, સંગીતકાર, જીલ્લા પંચાયતના પ્રમુખ, ડી.એસ.પી., ન્યાયાધીશો અને કેટલાય આઈ.એ.એસ. ઑફીસરોની લોકપ્રીયતા, નામના તથા સામાજીક પ્રતીષ્ઠાનો લાભ લેનાર જ્યોતીષી શ્રી. કે. એચ. પાઠકે કઈ આગાહી કરી? તેમની આગાહી માત્ર બનાવટ, તરકટ અને ધુતારવેડા હોવાનું તેમ જ આવા ભ્રષ્ટ અને ધૃષ્ટ પ્રચારથી લોકોને પાઠક છેતરતો હોવાનું કોણે કબુલ્યું?
2
છે ને, આ સદીનો ચમત્કાર!
–જમનાદાસ કોટેચા
(‘કપટ કુંડલી’ પુસ્તકનો પ્રથમ લેખ માટે સ્રોત : https://govindmaru.com/2020/05/04/j-kotecha/ )
એક સફેદ એમ્બેસેડર વઢવાણના જ્યોતીષી પાઠકજીના ઘર પાસે આવીને ઉભી રહી. તે એમ્બેસેડરમાંથી પાંત્રીસેક વરસની ખુબસુરત, લાવણ્યમયી, આધુનીક મહીલા રુવાબભેર ઉતરી. આ મહીલાનો ઠસ્સો ખુબ જ પ્રભાવશાળી હતો. ઘરની બહાર ઉભેલા એક નાનકડા છોકરાને જ્યોતીષી પાઠક વીષે પુછતાં જ પાઠકજી ઘરમાંથી બહાર આવ્યા. આ મદભરી મહીલાને જોઈ અંજાતા બોલી ઉઠ્યા : “પધારો… પધારો…” પાઠકજી પોતડી અને બાંય વગરના ગંજીફરાકમાં હોઈ બહેનને રુમમાં બેસાડતાં બોલ્યા : “જરાવાર બેસો, હું અન્દર જઈ, કપડાં બદલીને આવું.”
પરન્તુ, આ લલનાને જાણે બેસવું પણ પોસાતું ન હોય એમ બોલી ઉઠી : “રહેવા દો, એવી કોઈ જરુર નથી. મારો પત્ર તમને કાંદીવલીથી મળી ગયો હશે.”
પાઠકે જવાબ આપ્યો : “હાજી, મળી ગયો છે.”
પાઠકનો જવાબ મળતાં જ આ જાજરમાન મહીલાએ પોતાની જન્મકુંડલી પાઠકને પકડાવતાં કહ્યું : “જુઓ, પત્રમાં મેં બધું લખ્યું જ છે. હું ગઈકાલે અહીં સુરેન્દ્રનગર આવી છું. આજે સાંજ પછી અમે રાજકોટ, વીરપુર, જુનાગઢ, વેરાવળ વગેરે જવા નીકળી જવાના છીએ. હવે તમે જન્મકુંડલી જરા જોઈ – તપાસી લો.”
આવેલ બહેનનું નામ : ઈન્દુમતી મણીયાર. પોતે આફ્રીકામાં નૈરોબી ખાતે રહે. ખુબ જ સમૃદ્ધ. મુમ્બઈમાં કાંદીવલી આવ્યા બાદ તેમને સૌરાષ્ટ્રની સફરે નીકળવાનું હતું. તેથી કાંદીવલીથી જ તેમણે પાઠક ઉપર પોતે સંતાન અંગે માર્ગદર્શન મેળવવા થોડા દીવસોમાં વઢવાણ ખાતે મળવા માગે છે, એવો લખેલ પત્ર પાઠકને મળી ગયો હતો. જેથી આ બહેનને વધુ વાત કરવાની જરુર હતી નહીં.
પાઠકજીએ કુંડલી ઉપર જુદા જુદા કાચ રાખી જુદા જુદા એંગલોથી જોઈ તપાસી કોરા કાગળ ઉપર આડાઅવળા લીટા તાણ્યા. અનાયાસે વીચાર કરવા મળી ગયેલા તે સમય દરમીયાન આ બહેનની રીતભાત, રુપરાશી, વર્તુણંક તથા ગાડીમાં પડેલું મોટુંમસ ઈમ્પોર્ટેડ ટેપરેકપર્ડર વીગેરે બધું આંખ સામે તરવરવા લાગ્યું. આખરે બધું જોઈ તપાસી પાઠક બોલ્યા : “જુઓ – બહેન, તમને કેટલાક જ્યોતીષીઓએ તથા ડૉક્ટરોએ નીરાશ કર્યા છે; પરન્તુ તમે યોગ્ય વખતે જ યોગ્ય વ્યક્તી પાસે આવી પહોંચ્યા છો. જ્યોતીષની ભાષામાં હું વાત કરતો નથી, કેમ કે કદાચ તમે તે બધું સમજી પણ ન શકો; પરન્તુ નીવારણ ચોકકસ છે જ અને પરીણામ પણ ચોકકસ છે. તમારા ખોળે બાબો રમતો થઈ જશે. લગભગ અઢારસોનો ખર્ચ થશે.”
“પૈસાની ચીંતા છોડો. મારે પરીણામથી મતલબ છે. મારા પતી પણ મારી સાથે આવેલા છે. તેઓ સુરેન્દ્રનગરમાં છે. અમે બન્ને રાજકોટ જતાં પહેલાં ફરીથી સાથે આવી જઈશું પછી ફાઈનલ…”
પાઠકજીના હાથમાંથી જન્મકુંડલી હળવેથી ઝુંટવી લેતાં ઉભા થતાં ફરીથી ઈન્દુબહેન બોલ્યા : “સરું, હવે અમે બન્ને તમને સાંજે મળીએ છીએ.”
જાણે ઈન્દુમતીના તેવર બદલાઈ ગયા હતા. પાઠકજીના પ્રતીભાવની બીલકુલ દરકાર કર્યા વગર કુંડલી પર્સમાં મુકી બહાર જવા કદમ ઉપાડ્યા. પાઠકજી બહેનને ગાડી સુધી વળાવવા પોતડી અને ગંજીભેર નીકળી પડ્યા! ઈન્દુબહેને ચાવી લગાડી ગાડી સ્ટાર્ટ કરી, જતાં જતાં એટલું બોલ્યા : “જુઓ, પાઠકજી તમે બીલકુલ ચોંકશો નહીં! મારે બારવર્ષ અને નવવર્ષના એમ બે બાબાઓ છે માટે હવે સાંજે તમે રાહ જોશો નહીં.” ધુળ ઉડાડતી મારતી ઝડપે એમ્બેસેડર ખુદ હંકારીને ઉપડી ગયા.
કહેવાની જરુર નથી કે પાઠકજી મોં વકાસીને બાધાની જેમ જોતા રહ્યા!
આ રહસ્યમયી અને ભેદભરી જાજરમાન મહીલા વીષે જાણવાની તમને પણ તાલાવેલી લાગી હશે ખરું ને?
ઈન્દુબહેન આફ્રીકાથી આવ્યા છે. જ્યોતીષીઓના પાકકા વીરોધી; જ્યારે તેમના કાંદીવલીના યજમાન ખુબ જ શ્રદ્ધાળ! રોજ રાત્રે વાળુ કરી બધા દીવાનખંડમાં બેસે અને ચર્ચા કરે. યજમાનના પત્ની સરલાબહેને એક દીવસ વાતવાતમાં કહ્યું : “વઢવાણમાં એક જ્યોતીષી છે. તેઓ ઘણા જ જ્ઞાની પંડીત છે. સંતાન અંગેની તેમની આગાહીઓ સો ટકા સાચી પડે છે. સંતાન ન હોય તો પણ અપાવે છે.”
ખડખડાટ હસીને પડકાર ઉપાડતાં ઈન્દુબહેન બોલ્યા : “આમેય હું સુરેન્દ્રનગર જવાની છું, ત્યારે તમારા પાઠકને મળીશ. તેને બોગસ સાબીત ન કરું તો મને કહેજો.”
“તમારે બાળક નથી તો વાંધો નહીં. અઢારસો ખર્ચ થશે પણ બાબો રમતો થઈ જશે.” – પાઠકે એવી જે વાત કરી એ વાત પર્સમાં રાખેલા નાનકડા પણ સ્ટ્રોંગ અને સેન્સેટીવ ટેપરેકોર્ડરમાં ટેપ થઈ ગઈ. પાછાં વળતાં ઈન્દુબહેન કાંદીવલી ગયા અને સરલાબહેન સમક્ષ આ પુરાવો રજુ કર્યો; પછી તો બધા જ મન મુકીને ખડખડાટ હસી પડ્યા.
પાઠકજી કદાચ એમ પણ કહે કે, ‘ઈન્દુમતી કોણ? ઈન્દુમતી કેવી અને વાત કેવી?’
– તો હજુ આપણે તેમની પરીક્ષા કરવા અને તેમને ઈનામી પડકારથી ચકાસવા તૈયાર છે. દસ મહીલાઓને તેમની જન્મકુંડલી સાથે પાઠકજી સમક્ષ હાજર કરીએ. એમાંથી કોનેકોને સંતાન નથી અને કોને કેટલા સંતાન થયા અને હાલ કેટલા હયાત છે. એટલું જ કહી આપે અને તે સાવેસાવ સાચું પડે તો તેમને અબ્દુલભાઈ વકાનીના પડકારવાળા વીસ લાખ આપણે આપવા છે.
આજે આપણે પાઠકની વાત કરવાની છે.
1940માં રુક્ષ્મણીબહેનના ખોળે આજના પાઠકજી નામના પુત્રરત્ન રમતા થયા. તેમના પીતાનું નામ હરગોવીંદદાસ અને ગામનું નામ જોષીપુરા. જે ગામમાં જન્મ થયો એ જોશીપુરા ગામનું નામ સાર્થક બનાવવા જ જાણે પાઠકજી જોષી બની બેઠા હોય એમ લાગે છે. વઢવાણમાં દાજીરાજ હાઈસ્કુલમાં અભ્યાસ કર્યા પછી મામલતદાર કચેરીમાં કારકુની કરવા જોડાઈ ગયા. વીસ વરસની કુમળી ઉમ્મરથી તેમણે લોકોના જોષ જોવાનું શરુ કરી દીધું.
પાઠકજી પાસે જોષ જોવરાવનારાઓને પણ ઓળખવા જેવા છે : સુરેન્દ્રનગરની કાન્તી કોટન મીલના માલીક કાન્તીલાલ શેઠ છે, તો ગામના અગ્રગણ્ય ડૉક્ટર ખારોડ છે કે જેમને દેરાસરના અમીઝરણાના બોગસ સમર્થન માટે કાન્તીભાઈ શેઠના તથા ભીમાણીના હીપ્નોટીઝમના તરકટી સમર્થન માટે ડૉ. ખારોડના અમે ભીંગડા ઉખેડી નાખ્યાં છે. અમારી વાતનો કોઈ ઈન્કાર કરી શકે એવી હાલતમાં નથી કેમ કે અમારી જેહાદમાં અમે તેમની સામે રજી. એ. ડી. પત્રો તેમ જ જાહેર પત્રીકાઓ વડે મોરચો માંડ્યો હતો.
– શ્રી. ચુનીલાલ ચુડગર એમ.એલ.એ. છે, તો મન્ત્રી એવા શ્રી. ત્રંબકલાલ ટ્રોલીવાળા છે. સીનેસ્ટારો ઉપેન્દ્ર ત્રીવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, સુલક્ષણા પંડીત છે, સંગીતકાર કલ્યાણજીભાઈ છે, તો જીલ્લા પંચાયતના પ્રમુખ અરવીંદ આચાર્ય છે. અમદાવાદના કામા શેઠ છે, તો રુપાલી સીનેમાના ચન્દ્રકલાબહેન છે. વીકાસ વીદ્યાલયવાળા અરુણાબેન દેસાઈ છે, તો ડી.એસ.પી., ન્યાયાધીશો અને કેટલાય આઈ.એ.એસ. ઑફીસરો પણ છે. આ બધા મહાનુભવોની લોકપ્રીયતા, નામના તથા સામાજીક પ્રતીષ્ઠાનો પાઠકે લેવાય એટલો લાભ પોતાના ધંધાકીય હીત ખાતર લીધો છે. અને એ બધા મહાનુભવોએ પણ કદાચ પાઠક ઉપર દયા ખાઈને અથવા તો પોતાના ફોટાઓ સાથે થતા મફતના પ્રચારને ‘મીઠી ચોકલેટ’ ગણીને ચુસવાના મોહમાં હજારો નીર્દોષ એવા નાગરીકોને નીર્દયપણે પાઠકની જાળમાં ફસાવા માટે ધકેલી દીધા છે.
અમદાવાદમાં રુપાલી અને રીલીફ સીનેમામાં પાઠકજીના ફોટાઓ સાથેનો થતો પ્રચાર અનેક લોકોએ જોયો હશે. એ જ રીતે 1977ના વર્ષમાં પાઠકે પોતાના પ્રચારની એક પુસ્તીકા છપાવી અને પોતાની જ્યોતીષી તરીકેની સીદ્ધીઓ દર્શાવતી કેટલીક આગાહીઓ પણ તેમાં પ્રગટ કરી. જેમાં એક આગાહી ખુબ જ સમજવા તેમ જ વીચારવા જેવી છે તે હવે જોઈએ :
શ્રી ૧।
ગોપાલકૃષ્ણ યોગેન્દ્રપ્રસાદ ભટ્ટ
2 સુરજમણી પાર્ક, ગોપાલ ચોક
ભૈરવનાથ રોડ, મણીનગર
અમદાવાદ. તા. 3-03-1977
જ્યોતીષી પાઠકજી,
આપ સૌ કુશળ હશો.
અમારે લગ્ન થયા ને 16 વર્ષ થયા; પણ સંતાન ન હતું. છેલ્લાં 16 વર્ષમાં અનેક જ્યોતીષી, ડૉક્ટર, ભુવા પાસે જઈ આવ્યા; છતાં સફળતા ન મળી. છેલ્લે ગયા વર્ષે આપશ્રીને મળ્યા. આપના કહેવા પ્રમાણે કાર્ય કરતાં આપની આગાહી પ્રમાણે 10 માસ બે દીવસમાં સવારે 1-45 કલાકે બાબાનો જન્મ થયો. તે પ્રમાણે સો ટકા સાચી આગાહી પડી છે. બાબાને રમાડવા જરુરથી પધારશો.
લી. ગોપાલકૃષ્ણ યોગેન્દ્રપ્રસાદ ભટ્ટ
અનસુયાબેન ગોપાલકૃષ્ણ ભટ્ટ
ભટ્ટ દમ્પતીના આ પત્ર સાથે આ પુસ્તીકામાં પોતાની વીદ્યાર્થી(!) અનસુયાબહેનને જન્માવી આપેલ બાબાનો અને તેના બાપા સાથેનો ફોટો પણ પાઠકે છાપ્યો છે. પત્રમાં જે વીગતો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે તા. 3-03-1977ના રોજ પાઠકને પત્ર લખ્યો છે અને ગયા વરસ સુધી તેમનો ખોળો ખાલી હતો (–તેમનો એટલે અનસુયાબહેનનો!)
આજ પુસ્તીકામાં છપાયેલા આ પત્રની સાથે જ જન્મેલા આ બાબાનો ફોટો પાઠકે છાપ્યો છે તે ફોટામાં બાબાની ઉમ્મર ચારથી પાંચ વર્ષની હોય એવું સાફસાફ દેખાઈ આવે છે.
બહુ જ ચોખ્ખી વાત છે કે 1976 સુધી પેટ ખાલી! બાબો જન્મ્યો 1977માં! ફોટો પાડ્યો 1977માં! છપાયો પણ 1977માં! – અને ચમત્કાર જુઓ તો, એ ચમત્કાર કે બાબો સીધેસીધો ચારથી પાંચ વરસનો!!
વીસમી સદીનો આ તે કઈ જાતનો ‘ચમત્કાર’?!!
1977ના વર્ષમાં વઢવાણના વીકાસ વીદ્યાલયના સંચાલીકા તથા માજી ધારાસભ્ય એવા અરુણાબહેન દેસાઈએ પોતાના પ્રેસમાં આ પુસ્તીકા છાપી હતી. મેં તા. 1-09-1980ના રોજ અરુણાબહેનને રજી. નોટીસ આપતાં લખ્યું : ‘આવા ઉઘાડા – બનાવટી, તરકટી તેમ જ લોકોને જાળમાં ફસાવતા કૌભાંડના પ્રચારમાં, આવી પુસ્તીકા આપના પ્રેસમાં છાપીને – આપ શા માટે રસ ધરાવો છો તે જો આપ નીર્દોષ હો તો તે સાબીત થાય એવો ખુલાસો અમને દીવસ આઠમાં લખી મોકલશોજી.’
‘પાઠક તરફથી મળેલ મેટરને છાપવા સીવાય અમારો કોઈ વીશેષ હેતું તેમાં સમાયેલો ન હોઈ અમો તેમાં દોષીત નથી.’ એવો જવાબ અમને અરુણાબહેન તરફથી મળી ગયો.
અરુણાબહેનનો ખુલાસો અમે સ્વીકારી લીધો. આમ છતાંય પાઠક સાથે પડાવેલો ફોટો તેમાં જરુર હતો. પુસ્તીકા છપાયા પછી પણ પાઠકની આ વીગત સમ્બન્ધી જ પાખંડલીલા હતી તે તેમની નજરે નહીં ચડી હોય; પરન્તુ અમે આપેલ નોટીસ પછી તેમની આંખ પાઠક પ્રત્યે જરુર લાલ થઈ હશે જ!
આ પ્રકારનો જ એટલે કે તા. 03-03-1977નો લખાયેલો અનસુયાબહેનનો પત્ર અને બાબાના ફોટાનો પ્રચાર રુપાલી સીનેમામાં થતો હોઈ, તા. 03-09-1980ના રોજ રુપાલી સીનેમાવાળા રુપાલીના માતુશ્રી ચન્દ્રકલાબહેનને મેં રજી. નોટીસ મોકલી. આ નોટીસમાં લખ્યું : ‘છેતરપીંડી પુરવાર થતા આવા તરકટી પ્રચારમાંથી આ ફોટો તથા પત્ર તત્કાલ અમલમાં આવે તે રીતે દુર કરશોજી તથા લોકોને જાળમાં ફસાવતા કૌભાંડમાં રુપાલી સીનેમાનું મેનેજમેન્ટ તેમ જ તમે પોતે શા માટે રસ લો છો તેનો ખુલાસો કરશોજી.’
ચન્દ્રકલાબહેન તરફથી સમયસર જવાબ ન મળ્યો. તેથી તા. 6-10-1980ના રોજ હું અમદાવાદ ગયો અને ચન્દ્રકલાબહેનને રુબરુ મળ્યો.
ચન્દ્રકલાબહેનનો પોતાનો પણ પાઠક સાથે આ પુસ્તીકામાં ફોટો છે. એટલે કે તેઓ બન્ને વચ્ચે સારા સમ્બન્ધો હોવા છતાં; ચન્દ્રકલાબહેન ખુલ્લા મોઢે પાઠકને ચોપડાવતાં બોલ્યા : “આવા તો કેટલાય ધુતારાઓ લોકોને ધુતે છે! તેમાં પાઠક પણ ભલે એક હોય! અમે ક્યાં નથી જાણતા? પણ જ્યાં સુધી અમારો જાહેરખબરનો કોન્ટ્રેક્ટ પુરો ન થાય ત્યાં સુધી અમારે તેને કહેવાની જરુર નહીં.”
મેં કહ્યું : “જુઓ – બહેન, આવા જુઠ્ઠા પ્રચારથી, આવા ધુતારા વડે કેટલીય નીર્દોષ બહેનોનો ભોગ લેવાય અને વળી આ તો આગાહી નથી પણ માત્ર તરકટ છે જે આપોઆપ સાબીત પણ થાય છે.”
સામાજીક કાર્યકર અને રુપાલી સીનેમાના માલીક એવા ચન્દ્રકલાબહેનને પોતાને આ પુસ્તીકા 1977માં મળી એ કબુલ કર્યું. બાબાની જન્મની આગાહી માત્ર બનાવટ, તરકટ અને ધુતારવેડા હોવાનું તેમ જ આવા ભ્રષ્ટ અને ધૃષ્ટ પ્રચારથી લોકોને પાઠક છેતરતો હોવાનું તમામેતમામ કબુલ્યા પછી પણ ‘કોન્ટ્રેક્ટ’ ના બહાને આવો પ્રચાર બન્ધ કરાવવા તેઓ તૈયાર થતા લાગ્યા નહીં!
તા. 03-09-1980ના રોજ આ આગાહી પ્રકરણના મુખ્ય સુત્રધાર એવા અનસુયાબહેનને તથા તેમના પતી ગોપાલકૃષ્ણને મેં રજી. નોટીસ મોકલી.
Regd. Post A.D.
શ્રી ગોપાલકૃષ્ણ યોગેન્દ્રપ્રસાદ તથા
અનસુયાબહેન ગોપાલકૃષ્ણ ભટ્ટ
મણીનગર, અમદાવાદ.
વઢવાણ અને અમદાવાદમાં પણ જ્યોતીષીનો વેપાર કરતા જ્યોતીષી શ્રી. કે. એચ. પાઠક આપને સંતાન હોવા પછી સંતાન પ્રાપ્તી અંગેની આગાહી કરેલ અને તારીખ તથા સમય મુજબ આગાહી સો ટકા સાચી પડી હોવાનો દાવો કરતો આપનો પત્ર તથા ફોટા સાથેનો પ્રચાર અમને રુપાલી સીનેમામાં જોવા મળ્યો. રુપાલી સીનેમામાં જે ફોટો તથા પત્ર જોયેલ; બરાબર એ જ ફોટો તથા એ જ પત્ર આજથી ત્રણ વર્ષ અગાઉ એટલે 1977માં શ્રી પાઠકજીની પ્રચાર પુસ્તીકામાં પણ સમાવેશ થયેલ છે. તે ફોટા માંહેના આપના બાબાની ઉમ્મર જોતાં બાળકનો જન્મ 1972 અથવા 1973માં થયો હોય એમ સ્પષ્ટપણે લાગે છે. જ્યારે આપના તા. 03-03-1977ના પત્ર મુજબ તો આપ 1977ની શરુઆત સુધી ની:સંતાન હતા. અને 1997ના માર્ચમાં ચાર–પાંચ વર્ષનો બાબો તમે દુનીયાને બતાવો છો! તો આવી છેતરપીંડી આચરીને તમે દુનીયાને છેતરવા નીકળ્યા છો તે સાવ સાફસાફ રીતે સાબીત થઈ જાય છે.
આવા ઉઘાડા, બનાવટી, તરકટી તથા લોકોને જાળમાં ફસાવતા કૌભાંડ સામે આપના ખુલાસાની અનીવાર્યતા સ્વીકારી આ પત્રથી આપને જણાવવાનું કે, આ પ્રશ્ને આપ નીર્દોષ હો તો તે સાબીત થાય એવો ખુલાસો અમને રજી. પત્રથી દીવસ આઠમાં લખી મોકલશોજી. વીકલ્પે આ આગાહી કૌભાંડ સામે જે કાંઈ ઉચ્ચકક્ષાએ કાર્યવાહી આરમ્ભીશું તેની તમામેતમામ કાયદાકીય જવાબદારી આપના શીરે રહેશે તેની આથી નોંધ લેશોજી.
આવા છેતરપીંડી પુરવાર થતા તરકટી પ્રચારમાંથી આપના ફોટા તથા પત્રનો રુપાલી સીનેમામાંથી તો ઉપયોગ તાત્કાલીક અમલમાં આવે તે રીતે બંધ કરાવવા રુપાલી સીનેમા તથા પાઠકને સુચના આપશોજી.
લી. જમનાદાસ કોટેચા
અનસુયાબહેને આ પત્રનો કશો જ જવાબ આપ્યો નથી. તેથી 26 જાન્યુઆરી, 1981ના દીવસે મારા પ્રગટ થયેલ પુસ્તક ‘ચમત્કાર કે ફરેબ!’માં મેં આ છેતરામણી બોગસ આગાહી વીષે વીસ્તારથી લખ્યું છે. આમ છતાં આજસુધી આ આખીયે મંડળી ચુપચાપ છે.
જ્યોતીષીઓ માત્ર જુઠ્ઠા અને ધુતારાઓ જ હોય એમ તો આપણે અનેક રીતે લખે છીએ. ઘણી જગ્યાએ એ સાબીત પણ કરી આપીએ છે; પણ લોકોને ધુતવા માટે પણ બુદ્ધીની તો જરુર ખરી જ ને? જ્યારે પાઠકજીમાં તો લોકોને છેતરવામાં બુદ્ધી પણ કદાચ હોય કે ન હોય? – એ સતાવતો એક પ્રશ્ન આપોઆપ ખડો થઈ ગયો.
અનસુયાબહેન, ચન્દ્રકલાબહેન, અરુણાબહેન વીગેરેને મેં નોટીસો આપ્યા પછી પાઠકને પોતાની કાંઈક ભુલ થતી હશે એવો કદાચ અહેસાસ થવા પામ્યો હોય એવું લાગે છે. તેથી ભુલ કદાચ સુધરી જાય એવો ખુલાસો ‘ગુજરાત સમાચાર’ના ‘ચીત્રલોક’માં એક આખા પાનાની જાહેરખબર દ્વારા આપી દીધો કે, ‘બાબાનો ફોટો મોટી ઉમ્મરે પાડવામાં આવ્યો હતો.’
મજા તો સાચી ત્યારે આવે છે કે બુદ્ધીના બળદીયા જેવા કેટલાક લોકો ‘પોતે મુર્ખ છે’ એવું એકરારનામું પણ જાહેરખબર દ્વારા આડકતરી રીતે લખી આપતા હોય છે!
છે ને, આ સદીનો ચમત્કાર!
પાઠકજી તરફથી હર્ષદભાઈ નામના એક દરજીને, ‘મોટરગાડીવાળા તથા બંગલાવાળા થઈ જશો’ એવા જ્યોતીષવીદ્યાના પ્રલોભનો મળ્યા; પછી આખરે આ ભાઈ જ્યારે બાવા બની બેઠા ત્યારે મારી પાસે રોદણા રોતા બોલ્યા : “તમે હવે આમાં કાંઈક કરો. મારા પૈસા પાછા અપાવો. પાઠકે કટકે–કટકે મારા પંદરસો પડાવીને મને ચીંથરેહાલ બનાવી દીધો છે.”
પાઠકજીને હું આટલા બધા અમે નજીક રહેતા હોવા છતાં ક્યારેય રુબરુ મળ્યો નથી. મને તો હર્ષદભાઈ જેવા ઉપર દયા આવે છે. મેં તતડાવી નાખતાં તેમને કહ્યું : “તમારામાં વેતા ન હોય અને તમને કોઈ ફસાવી જાય તો એ ધ્યાન તમારે રાખવાનું છે. તમારા પૈસા તો પાછા ન જ આવે. તમારે બદલો જ લેવો હોય અને બીજા કોઈ તમારા જેવા ‘હર્ષદભાઈ’ બનવા ન પામે એવી ઈચ્છા ધરાવતા હો તો જેટલા તમે પંદરસોમાં પાઠક પાસે ખરપાયા છો એટલા રુપીયા એટલા માણસ. એટલે કે તમારે તમારી વાત પંદરસો માણસ સુધી પહોંચાડવાની. જેમ તમે મને વાત કરી અને, ‘હું પાઠક પાસે છેતરાયો’ એવી કબુલાત રોદણાં રોતાં રોતાં કરી એવી જ વાત અને એવા જ રોદણાં તમારે પંદરસો પાસે રોવાનાં. તમારી કામગીરી તમે પુરી કરશો તો એટલું પરીણામ તો જરુર મેળવશો કે પંદરસોમાંથી કદાચ પંદર તો એવા નીકળે કે જેઓ પાઠકનો પડછાયો લેવાનું પણ પસંદ ન કરે!”
મારા મીત્ર અનીરુદ્ધ શુક્લ તથા તેમના પત્ની લગભગ 1974માં પાઠક પાસે ગયા. અનીરુદ્ધભાઈ તો જ્યોતીષીઓના પ્રખર વીરોધી; પણ પત્નીની હઠ અને કાંઈક નવું તીકડમ્ જાણવા મળશે એ આશા. મીત્રને જરાવાર બહાર જવાનું જણાવી, તેમના પત્નીને પાઠકે કહ્યું : “તમારા પતી એકાદ વરસના જ મહેમાન છે.”
અનીરુદ્ધ શુક્લ વૈચારીક રીતે ખુબ જ મજબુત મનના હોઈ, તેમને પાઠકની આવી આગાહીની કોઈ અસર થવાની ન હતી; પરન્તુ કોઈ ઢીલોપોચો હોય તો પાઠકની આગાહીને સાચી પાડવા જ કાંઈક પરીણામ દેખાડી ચુક્યો હોય! આજે વર્ષો પછી પણ અમે મીત્રો આ વાત યાદ કરીએ છીએ ત્યારે હસ્યા વગર રહી શકતા નથી.
–જમનાદાસ કોટેચા
અસત્યો–ધતીંગો–ફરેબો સામે આજીવન ઝઝુમેલા સ્મરણીય જમનાદાસ કોટેચાએ જ્યોતીષીઓની આગાહીઓ વીષે લખેલ પુસ્તક ‘કપટ કુંડલી’ (પ્રકાશક : ‘માનસ પ્રદુષણ નીવારણ કેન્દ્ર’, જોરાવરનગર. ત્રીજી આવૃત્તી : 2002; પાનાં : 224 મુલ્ય : રુપીયા 100/)ના ‘કપટ કુંડલી’ : ભાગ–2નો દ્વીતીય લેખનાં પૃષ્ઠ ક્રમાંક : 118થી 127 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે)], લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, જમનાદાસ કોટેચા (હવે આપણી વચ્ચે નથી)
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
જ્યોતીષીઓની આગાહીઓ એટલે અસત્યો, ધતીંગો તથા ફરેબો નો રસ થાળ. વાંચકો ની જાણ માટે લખવાનું કે મુસ્લમાનો માં પણ તકસાધુ અને પાખંડી નજુમીઓ (જ્યોતીષીઓ) અસ્તિત્વ ધરાવે છે, પરંતુ હકીકત એ છે કે ઇસ્લામ ધર્મ અનુસાર નજુમીઓ (જ્યોતીષીઓ) નું તેમાં કોઈ સ્થાન નથી, કારણ કે ઇસ્લામ ના પયગંબર સાહેબ ના એક કથન અનુસાર જે કોઈ નજુમી (જ્યોતીષી) અથવા જાદુગર પાસે ગયો અને તેની વાતો પાર ભરોસો કર્યો, તો તેનું સ્થાન મુસ્લિમો માં નથી.
LikeLiked by 1 person
લાંબુ લચક….અને ૧૯૭૭ના વરસનો પ્રસંગ. આજે ૨૦૨૦ ચાલે. ૪૩ વરસો પહેલાની વાત.
સ્રરસ.
અમૃત હઝારી..
LikeLiked by 1 person
अहं न जाने [जानामि], हे जानकीनाथ,प्रभाते किं भविष्यति।’ –
“જાનકી નાથ, હું નથી જાણતો કે સવારે શું થવાનું છે
અને તેનો આ રીતે સાચો અર્થ કરી સાચી સલાહ આપી
“न ही कश्चित् विजानाति किं कस्य श्वो भविष्यति।
अतः श्वः करणीयानि कुर्यादद्यैव बुद्धिमान्॥
તો આપણા વિદ્વાન કવિ બાલાશંકર કંથારિયાએ પોતે આ કાવ્ય લખ્યુ
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે!
હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે
જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે
થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
ન જાણ્યું ધર્મ રાજાએ સવારે શું થવાનું છે
અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે
સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે
હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે
થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે
તો જ્યોતિષ શાસ્ત્રને નામે ઠગોએ પોતે ભવિષ્ય જાણે છે નામે ઠગાઇ ચલાવી..તેમા મુર્ખા બનનાર પણ
જવાબદાર છે. આવા અસત્યો–ધતીંગો–ફરેબો સામે આજીવન ઝઝુમેલા સ્મરણીય જમનાદાસ કોટેચાને ધન્યવાદ
LikeLiked by 1 person