સ્ત્રીના શરીરમાં થતાં શારીરીક ફેરફારોને લીધે તેના મનોજગતમાં ઉથલપાથલ મચી જતી હોય છે. તેવો જ એક સમયગાળો છે પ્રસુતી પછીનો. પ્રસુતી પછી થતાં અનેક પ્રકારના માનસીક રોગોમાંનો એક રોગ ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’ વીશે જાણકારી મેળવવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
17
ડીલીવરી પછીનું ગાંડપણ
–ડૉ. મુકુલ ચોકસી
(‘મનોચીકીત્સા’ અંગેનો 16મો લેખ પર જવા માટેનો સ્રોત : https://govindmaru.com/2020/04/17/dr-choksi-16/ )
વેફર્સ, બીસ્કીટ વગેરે ખરીદતાં મને સહેજ વાર લાગી. હું ટ્રેનમાં પ્રવેશી અમારા કમ્પાર્ટમેન્ટમાં દાખલ થઈ; ત્યારે મારા પતી એક યુવાન સ્ત્રી–પુરુષ સાથે વાત કરતાં હતાં. વોટરબેગ ભરવા હું તરત ફરી નીચે ઉતરી અને ખુબ જ પ્રયત્નપુર્વક વીચારવા લાગી કે, આ દમ્પતીને મેં ક્યાંક જોયું છે; પરન્તુ બહુ વીચારવા છતાં યાદ ન આવ્યું. ‘હશે’ એમ વીચારી હું ફરી મારી જગ્યાએ પાછી ફરી. જેવી હું મારી બેઠક પર બેસવા ગઈ કે તરત પેલો પુરુષ મારી સામે હસ્યો મુક્ત અવાજે બોલ્યો, ‘કેમ છો ભાભી? નેપાળ ફરી આવ્યા?
‘નેપાળ?’ હું ચોંકી! નેપાળ તો હું ત્રણ વર્ષ પહેલા ગયેલી! આ વ્યક્તી મને આટલી નજીકથી ઓળખે છે. મને યાદ કેમ નથી આવતું કે તેઓ કોણ છે?
‘મઝા આવી હતી નેપાળમાં! તમે કેમ છો?’ મેં આશરે જવાબ આપ્યો અને તરત પેલી સ્ત્રી બોલી, ‘અત્યારે તો મઝામાં છીએ; પણ ફરી તમારા સાઈકીઆટ્રીસ્ટ મીસ્ટરને મળવાનો સમય આવી જાય તો નવાઈ નહીં! ઈનફેક્ટ અમે એમને ફરી કન્સલ્ટ કરવાનું વીચારતા જ હતા.’ અને તરત જ મને બધું યાદ આવી ગયું. ધુંધળો ફ્લેશબેક. સાડાત્રણ વર્ષ પહેલાંનું કલકત્તા. હુગલીની પેલે પારના છેવાડે મારા પતીની એક નાનકડી માનસીક રોગોની સારવાર માટેની હૉસ્પીટલ. બાજુમાં જ નાનકડા બે રુમના ઘરમાં અમારો નવોસવો વસવાટ. મારા પતી ડૉક્ટર અને હું તેમની આસીસ્ટન્ટ, નર્સ, સર્વન્ટ, વોર્ડબોય વગેરે તમામ. હૉસ્પીટલમાં દાખલ થયેલા દર્દીઓ તથા તેમના સગાવહાલાઓ સાથે હું ખુબ હળીમળી જતી તેઓમાં, તેમની સમસ્યામાં, તેમની જીન્દગીઓમાં મને અપાર રસ પડતો. મારા પતી મને કહેતા, ‘તું મને અને દર્દીઓને જોડતી કડી બની ગઈ છે! તું દર્દીઓને જે સાંનીધ્ય, હુંફ તથા નીકટતા પુરા પાડે છે તે પણ તેમની સારવારનો જ એક ભાગ છે.’
એક હળવા ધક્કા સાથે ટ્રેન ઉપડી અને મારું ભુતકાળ સાથેનું અનુસંધાન તુટ્યું. મેં સામે બેઠેલા યુગલ સામે ટીકીટીકીને જોયું. તેઓ મારા પતી સાથે હજુય વાતમાં ગુંથાયેલાં હતા… અને હું ફરી સાડા ત્રણ વર્ષ પહેલાનાં સમયદ્વીપમાં સરી પડી.
સુનંદાને મોડી રાત્રે લાવવામાં આવી હતી. ડૉક્ટર જાગે તે પહેલા મેં બારણું ખોલ્યું હતું. અને સામેનું દ્રશ્ય જોઈને પહેલા તો હું હેબતાઈ જ ગઈ હતી. ચાર સશક્ત પુરુષોએ એક નાજુક સ્ત્રીને જેમતેમ બાવડેથી ઝાલી હતી. તે સ્ત્રી ચીસો પાડતી હતી અને જોરશોરથી હાથ હલાવતી હતી. ઘડીકમાં તે રડતી તો ઘડીકમાં ગાળાગાળી કરતી. હું કંઈ કહેવા જાઉં તે પહેલા તો તે મારી ઉપર થુંકી અને બારણાને લાત મારી. ડૉક્ટરે તરત જ તેમને હૉસ્પીટલમાં જવા સુચના આપી.
તે દીવસથી શરુ થયેલી તેની દર્દયાત્રા એક મહીનો ચાલી. હેલોપેરીડોલ અને પ્રોમીથાઝીનના ઈંજેકશનો આપતાં આપતાં થાકી જવાતું. સુનંદા બોલવાનું શરુ કરે કે તેને અટકાવવું અઘરું થઈ પડતું. ક્યારેક તે ઉમંગમાં, ઉત્સાહમાં આવીને ગીતો ગાવા માંડતી, તો ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડતી.
કરુણતા તો એ હતી કે તેના ગાંડપણની ખરાબ અસર તેના પતી ઉપરાંત તેના તાજાં જન્મેલાં બાળક ઉપર પણ પડતી. સુનંદાનું ત્રણ અઠવાડીયાનું બાળક ઘોડીયામાં એકલું માના પ્રેમ વગર તરફડતું. સુનંદા તે બાળક પ્રત્યે તદ્દન બેપરવાહ હતી. હૉસ્પીટલમાં અઠવાડીયામાં તેના ધાંધલ–ધમાલ બંધ થયા પછી પણ તેને બાળકને ધવડાવવાનું યાદ ન આવતું. એ બાળકની બધી કાળજી તેના પીતા શ્રીધરે રાખવી પડતી. શ્રીધર બીચારો સુનંદાને સાચવે કે તેના બાળકને? મને એથી વધુ નવાઈ તો ત્યારે લાગી જ્યારે સુનંદા ધીમે ધીમે સાજી થઈ રહી હતી; ત્યારે એકવાર તેણે બાળકને હાથમાંથી અદ્ધર હવામાં છોડી દીધું. એ તો સારું થયું કે ડૉક્ટર બાજુમાં જ હતા અને તેમણે સમયસુચકતા વાપરી તરત બાળકને પકડી લીધું. નહીંતર આવું કુમળું નવજાત શીશું પથ્થર પર પટકાતે અને ન જાણે શું થઈ જતે!
પછી જ્યારે તેના આવા બેજવાબદાર વર્તન અંગે મે સુનંદાને ખખડાવી ત્યારે તે ફરી બગડી. તેના લવારા ફરી ચાલુ થઈ ગયા, ‘કોનું બાળક? આ બાળક ક્યાં મારું છે? આ તો મારી શોક્યનું છે. મારી કુખ તો ખાલી છે.’ સુનંદા ખડખડાટ હસતી અને હસતાં હસતાં બોલતી, ‘હું પરણી જ નથી તો બાળક ક્યાંથી આવે? હું તો કુંવારી છું! પણ ક્યારેક હસતી હસતી તે અચાનક ચુપ થઈ જતી અને થોડી વાર જાણે વીચારશીલ હોય એવી દશામાં બેસી રહી, અચાનક ત્રાડ પાડી બોલી ઉઠતી, ‘તમે લોકો ચોર છો! મારા બાળકને તમે જ ઉઠાવી ગયા છો! તમે એને મારી નાખ્યું છે અને બીજા કોઈનું બાળક અહીં નાખી ગયા છો!’ તો ક્યારેક તેનો આ એકાકી વાર્તાલાપ ઉન્માદની અવસ્થા વટાવી જતો.
પછીના થોડા દીવસ સારા ગયા. આથી ડૉક્ટરે અને શ્રીધરે વાતચીત કરીને નક્કી કર્યું કે બાળકને ફરી હૉસ્પીટલમાં લાવવું. અને સુનંદાની બહેન બાળકને અમારે ત્યાં મુકી ગઈ. એવામાં એક રાત્રે સુનંદાને શું સુઝ્યું કે ભરઉંઘમાં પોઢેલા શ્રીધરની બાજુમાં સુતેલા તેના બાળકને લઈને હૉસ્પીટલની બહાર ચાલવા માંડી. અચાનક બારણું ખુલવાના થયેલા અવાજથી શ્રીધર જાગી ગયા ને સુનંદાને પુછ્યું કે ક્યાં જાય છે? તો કહે, ‘આ બાળકને મારી નાખવા. મને કાનમાં અવાજ સંભળાય છે. તેઓ કહે છે કે આને મારી નાખ’
બીજે દીવસે આ વાત જાણ્યા પછી મારાથી ન રહેવાયું. આમ હું મારા પતી ડૉક્ટર કરતાં વધુ ઉદાર, સહનશીલ અને સંયમી હતી; પણ આ વખતે મારો પીત્તો ગયો. મેં વીચાર્યું. સુનંદા સમજે છે શું? બાળકને મારી નાખવાની વાત સાંભળીને મારું હૃદય થડકો ચુકી ગયું. મેં ડૉક્ટરનેય તતડાવી નાખ્યા, ‘આ બાળકને અહીં લાવવાની શું જરુર હતી? એની મા ગાંડી છે અને આટઆટલી દવા, ઈંજેક્શન, ઈ.સી.ટી. પછીય સુધરતી નથી. સુનંદાની બહેન પાસે બાળક ઉછરે તેમાં તમને શો વાંધો છે?’
ડૉક્ટરે તે રાત્રે પહેલી વાર મને આખી વાત માંડીને સમજાવી. કોઈ એક દર્દી વીષે આટલી બધી ઝીણવટપુર્વક વાત કરવાનો કદાચ અમારા જીવનનો એ પહેલો પ્રસંગ હતો.
‘જો નેહા! સુનંદાને જે રોગ થયો છે તેને ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’ કહેવાય છે. અર્થાત્ ડીલીવરી પછીનું ગાંડપણ. આ રોગમાં કોઈક જ વાર એવું બને છે કે દવાઓની અસર થતાં વાર લાગે. બાકી મોટા ભાગના દર્દીઓ સમ્પુર્ણ સાજા થઈ જતાં હોય છે. બાળકની અવગણના કરવી, તેને માટે વધારે પડતા ચીંતાતુર અથવા શંકાશીલ થઈ જવું વગેરે આ રોગના લક્ષણો છે. એક તરફ દર્દીની સાઈકોટીક અવસ્થાને કારણે તેને વાસ્તવીકતાનું ભાન નથી હોતું. અને બીજી તરફ તેને વીચીત્ર હુકમો કરતા અવાજો સંભળાય છે. આથી દર્દી તે પ્રમાણે વર્તન કરી બેસે છે. બાળકને મારી નાખવાની ચેષ્ટા સુનંદાએ આ જ કારણે કરી હતી. તેની ઉપર ગુસ્સો કરવાથી દર્દીના સારા થવાની પ્રક્રીયા ઝડપી નથી બની જતી. તે માટે ધીરજ રાખવી પડતી હોય છે.
વળી, આવા કીસ્સામાં બાળકને તેની બીમાર માતાથી અલગ કરવું કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. એક તરફ બાળક ઉપરનું જોખમ અને બીજી તરફ તેને માતાના સ્પર્શ, સંસર્ગ, પ્રેમ અને ધાવણ મળી શકે તેવી શક્યતા હોય છે. આપણે શરુઆતમાં બાળકને સુનંદાની બહેન પાસે જ મોકલી આપ્યું હતું ને? પણ સુનંદામાં સુધારો દેખાતા તેને પાછું બોલાવી મંગાવ્યું હતું.’
‘પણ તમે બાળકને સુનંદાના ધાવણની તો મનાઈ કરેલી! તમે કહો છો કે બાળકને એ ઉપયોગી નીવડે. તો પછી ના કેમ પાડી? મે અકળાઈને પુછ્યું.
તરત તેમણે કહ્યું, ‘સુનંદાને આપણે ‘લીથીયમ’ નામની દવા આપીએ છીએ. આ પદાર્થ માતાના દુધ મારફતે બાળકના શરીરમાં પહોંચે તો તેને નુકસાન કરી શકે તેમ હોવાથી મેં ના પાડેલી.’
અને એમ કરતાં કરતાં છેવટે પુરા ચાર અઠવાડીયા બાદ સુનંદા પુરેપુરી સાજી થયેલી. દરમીયાનમાં ડૉક્ટરે મને આ બીમારી વીષે ઘણી માહીતી આપેલી. ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’ નામનો રોગ સુવાવડ પછી ત્રીજા દીવસથી માંડીને ત્રીસ દીવસ સુધીના ગાળામાં શરુ થતો હોય છે. જે વ્યક્તીને ભુતકાળમાં ‘મેનીયા’ કે ‘ડીપ્રેશન’ જેવી અવારનવાર થતી બીમારીના હુમલાઓ આવ્યા કરતા હોય તેઓને ડીલીવરી પછીના સમયમાં આવો હુમલો આવી શકે છે. ક્યારેક આટલું તીવ્ર ગાંડપણ આવવાને બદલે તેના થોડાં ઘણાં ચીહ્નો જ દેખાય એવું પણ બને. આ બીમારીની શરુઆતમાં ચીંતા, અનીદ્રા, બેધ્યાનપણાં જેવી તકલીફો થાય છે. આ બીમારી કરતાંય ખુબ વધારે પ્રમાણમાં જોવા મળતી બીજી આવી જ એક બીમારી છે જેને ‘પોસ્ટ પાર્ટમ બ્લ્યુઝ’ કહેવામાં આવે છે. જેમાં થોડી નીરાશા, કંટાળો, ઉત્સાહનો અભાવ, કશામાં મન ન લાગવું, જેવા લક્ષણો ટુંકા ગાળા માટે આવે છે. ડીલીવરી પછી શરીરમાં થતા અત:સ્ત્રાવો (હોરમોન્સ)ના ફેરફારને કારણે આ બીમારી થતી હોય છે.
પરન્તુ એવું પણ મનાય છે કે જો સ્ત્રી પોતાના માતૃત્વ અંગે પરીપકવ સભાન અને સ્વસ્થ ન હોય, તો તે પણ આ રોગ થવામાં ભાગ ભજવે છે. પોતાના બાળપણમાં માતાની સાથે થયેલા માનસીક સંઘર્ષો બહાર આવતા માતા બનેલી સ્ત્રીઓ, પોતે બાળપણમાં પોતાની માતા પ્રત્યે જેવા ભાવો, વલણો, સંવેદનો ધરાવતી હતી તેવા જ ભાવો પોતાના નવજાત બાળક પ્રત્યે ધરાવતી થઈ જાય છે અને પરીણામે શીશુને સ્વીકારવાને બદલે અસ્વીકૃતી અને અવગણના કરતી થઈ જાય છે.’
અચાનક ટ્રેન અટકી અને મારી વીચારધારા તુટી. મારી આંખો દુરના અનન્ત ભુતકાળમાંથી પાછી ફરી અને સામે બેઠેલી તન્દુરસ્ત, સુંદર સુનંદાના ચહેરા ઉપર સ્થીર થઈ. ત્રણ વર્ષ પહેલાની અસ્તવ્યસ્ત વસ્ત્રો પહેરેલી, વીખરાયેલા વાળવાળી, અસ્પષ્ટ ભાષા બોલતી, સમજી ન શકાય એવું વર્તન કરતી સુનંદા આ જ છે એમ હું માની ન શકી. મેં તેની સામે ભાવપુર્ણ સ્મીત કર્યું. તરત જ તે બોલી, ‘ક્યાં ખોવાઈ ગયા હતા નેહાભાભી? અમે તો તમને બહુ યાદ કરીએ છીએ. તમે કરતા હતાં કે નહીં?
હું શરમાઈ ગઈ. સંકોચની મારી હું આટલું જ બોલી શકી, ‘તું તો નખશીખ બદલાઈ ગઈ છે! શું નામ છે તારા બાબાનું? અને હા! હવે તો મારા ડૉક્ટર પતીને છોડ! ફરી એમને શું કામ કન્સલ્ટ કરવા છે?
સુનંદા નીખાલસપણે, મુક્ત રીતે હસી પડી. પછી શરમાતી શરમાતી ધીમા અવાજે બોલી, ‘ફરી દહાડા રહ્યા છે. ત્રીજો મહીનો ચાલે છે. અમને બહુ બીક લાગે છે કે ફરી સુવાવડ પછી આવું થયું તો? હવે તો તમેય કલકત્તા છોડી દીધું છે! પછી ફરી મને કોણ સાચવશે? જો ડૉક્ટરની સલાહ હોય તો એબોર્શન કરાવી નાખવું છે.
તરત જ બાજુમાં બેઠેલા ડૉક્ટર બોલ્યા, ‘તમને જીવનમાં આવું એક જ વાર થયું છે. બીજી સુવાવડ પછી ફરી આવું થવાની શક્યતા નકારી ન શકાય; પણ તેનાથી ગભરાઈને એબોર્શન કરાવી નાખવાની સલાહ હું નથી આપતો. સ્વસ્થતાપુર્વક પસાર કરેલો ગર્ભાધાનનો સમય, વ્યવસ્થીત સામાજીક/કૌટુમ્બીક જીવન, સમજપુર્વક વર્તનારા સ્વજનો અને ડૉક્ટરની સલાહ પ્રમાણેની સારવાર મળી રહે તો આ રોગ અસાધ્ય નથી. અને કંઈ થાય તો અમે છીએ જ.’ મારા શરીરમાં થાક હતો. સામે બેઠેલા શ્રીધરની આંખમાં અવાચકતા અને બીજી આંખમાં આભારવશતા ઝબકતા હતા.
‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’
સ્ત્રીના જીવનમાં ઘણા એવા તબક્કાઓ આવતા હોય છે જ્યારે તેના શરીરમાં થતાં શારીરીક ફેરફારોને લીધે સ્ત્રીના મનોજગતમાં ઉથલપાથલ મચી જતી હોય છે. પહેલો તબક્કો તારુણ્યમાં પ્રવેશ વેળાનો હોય છે. જ્યારે બાળકી, બેબી મટીને તરુણી બની જતી હોય છે. આ ‘પ્યુબર્ટી’ના સમયગાળામાં ઘણી છોકરીઓ મનોમન શરમ, સંકોચ તથા કહી ન શકાય એવી મનોસ્થીતીમાં મુકાઈ જતી હોય છે.
આવો જ એક ગાળો ઘણી સ્ત્રીઓના જીવનમાં પ્રત્યેક ‘માસીકધર્મ’ (મેન્સ્ટ્રુઅલ સાઈકલ)ના આગલા દીવસોમાં આવતો હોય છે. જેમાં જાતજાતની માનસીક, શારીરીક તકલીફો થતી હોય છે અને જેને ‘પ્રી મેન્સ્ટ્રુઅલ ટેન્શન’ કહેવામાં આવે છે.
બીજો એક તબકકો, સ્ત્રી જ્યારે માસીક રજોસ્રાવ ગુમાવવાની ઉમ્મરે પહોંચી ગઈ હોય ત્યારે આવતો હોય છે. જેને ‘પોસ્ટ મેનોપોઝલ સીન્ડ્રોમ’ કહેવાય છે. એમાં પણ તરહતરહની શારીરીક, માનસીક, સમસ્યાઓ ઉભી થતી હોય છે.
વળી, પ્રેગનન્સી દરમીયાન, ગર્ભાશય કઢાવી નાખ્યા પછી, એબોર્શન થઈ ગયા પછી, કુટુમ્બનીયોજન માટેનું ટ્યુબ લાઈગેશનનું ઑપરેશન કરાવ્યા પછી, ગર્ભપાત કરાવ્યા પછી વગેરે સમયગાળાઓમાં પણ સ્ત્રીઓ અનેક મુશ્કેલ સાઈકોલૉજીકલ પરીસ્થીતીનો સામનો કરી રહી હોય છે.
તેવો જ એક સમયગાળો છે. પ્રસુતી પછીનો, જેમાં થતાં અનેક પ્રકારના માનસીક રોગોમાંનો એક રોગ છે ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’.
–ડૉ. મુકુલ ચોકસી
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનોવૈજ્ઞાનીક સુઝ અને સાચી માહીતી પુરી પાડતું પુસ્તક ‘આ મનપાંચમના મેળામાં’ (પ્રકાશક : સ્મરણીય જનકભાઈ નાનુભાઈ નાયક, સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 પાનાં : 176,મુલ્ય :રુપીયા 50/-)માંનો આ 16મો લેખ, પુસ્તકનાં પાન 113થી 117 ઉપરથી (આ પુસ્તક અપ્રાપ્ય છે), લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : ડૉ. મુકુલ ચોકસી, ‘અંગત’ 205, શંખેશ્વર, મજુરાગેટ, રેમન્ડ સામે, સુરત ફોન : (0261) 2478596 અને 2473243 સેલફોન : 97277 47759 અને 98251 42406 ઈ.મેઈલ : mukulchoksi@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
આભાર.
આજે નવું જાણવાનું મળ્યું!
Chiman Patel
LikeLiked by 1 person
ખુબ સરસ માહીતી જાણવા મળી. માત્ર બહેનો માટે જ નહીં, બધાં જ માટે ઘણી ઉપયોગી માહીતી. આની જાણ હોય તો અમુક સમયે કોઈ પણ ઉંમરનાં બહેનોના કોઈ સમજી ન શકાય તે વર્તન બાબત ખુલાસો મળી શકે. હાર્દીક આભાર ડૉ. મુકુલ ચોક્સીનો તથા ગોવીન્દભાઈનો.
LikeLiked by 1 person
અ વાત પહેલી વાર જાણવા મળી.
આભાર.
LikeLiked by 1 person
આ વિષયમાં જાણકારી અત્યંત જરૂરી છે. પરિવારના લોકો સ્ત્રીની માનસીક મુશ્કેલીના સમયને સમજદારીથી સંભાળી લે તો ઘણાં ક્લેશ, ઝઘડાનું નિવારણ થાય.
સરસ રજુઆત.
સરયૂ પરીખ
LikeLiked by 1 person
સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનો. પ્રસુતી પછીનો, જેમાં થતાં અનેક પ્રકારના માનસીક રોગોમાંનો એક રોગ છે ‘પોસ્ટ પાર્ટમ સાઈકોસીસ’. અંગે અભ્યાસપૂર્ણ લેખ
સ્ત્રીના શરીરમાં થતાં શારીરીક ફેરફારોને લીધે સ્ત્રીના મનોજગતમાં ઉથલપાથલ મચી જતી હોય છે.આમા માનસિક સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ બાળપણમાં મોડેથી કે કિશોરાવસ્થાની શરુઆતમાં ઉદભવે છે. વર્તન વિકારો, બેચેની, હતાશા, આહારને લગતા વિકારો તેમજ અન્ય જોખમપૂર્ણ વર્તણૂંકો જેવીકે જાતીય વર્તન સંબંધિત, કેફી દ્રવ્યોનો ઉપયોગ અને હિંસક વર્તન જેવી માનસિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણમાં સારી સામાજિક સમજણો, સમસ્યા ઉકેલતા કૌશલ્યો અને આત્મવિશ્વાસ મદદ કરે છે. માનસિક આરોગ્ય સમસ્યાઓને વહેલી તકે પારખવા તેમજ પરામર્શ, જ્ઞાનાત્મક-વર્તનજન્ય ચિકિત્સા પદ્ધતિ અને જરૂર જણાય ત્યાં યોગ્ય મનોચિકિત્સકીય દવાઓ સહિતની સારવાર પૂરી પાડવા યુવાનો સાથે ઘરોબો કેળવવાની ક્ષમતા દરેક વડીલોમા હોવી જોઇએ.
LikeLiked by 1 person
આજનો વિષય બહુ વિચારવા ને સમજવા જેવો છે, ખાસ તો બહેનોને. સ્ત્રીઓને ઉંમરના તબ્બકા પ્રમાણે શારીરિક ફેરફાર સાથે માનસિક અસર થતી હોય છે. આવા ફેરફારના સમયે એને સમજણ આપવા સાથે સહકાર ને સહાનુભુતિની પણ જરુર હોય છે. કદાચ એટલે જ આપણા સમાજમાં પહેલી પ્રસુતિ પિયરમાં કરાવવાનો આગ્રહ હોય છે. આરામ સાથે માનસિક આધાર ને સલામતી. અનુભવી બહેનોનો ટેકો આ નાજુક સમયમાં જરુરી છે. કારણકે આ નવી જવાનદારી એને અકળાવે છે.એક જાતનો ગભરાટ એ માનસિક તાણ એને ડીપ્રેસનમાં ધકેલી દે છે. આ દેશમાં તો આપણા જેવી કુટુંબ વ્યવસ્થા નથી. તો સામે અંહી બાળકના જન્મ પહેલા જ માતાને જરુરી માહિતી માટે ક્લાસ હોય છે. એને માનસીક રીતે તૈયાર કરાય છે. બાળકના પિતાને પણ જરુરી માહીતીથી સજ્જ કરાય છે.
Vimla Hirpara
USA
LikeLiked by 1 person
THANK YOU BOTH OF YOU DR. MUKUL / GOVIND BHAI
LikeLiked by 1 person
Very thoughtful & educative article – in distance family years back I have seen such case after pregnancy & spoiled due to ignorance & belief in bhut – pret – Valgad
LikeLiked by 1 person
Very informative article! I am 74 years old, educated from IIT-Bombay, settled in US for last 50 years but never heard of this issue! Thanks for making us aware!
LikeLiked by 2 people
It is a good article full of good information. Thanks to author.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
Really it is very very excellent
and informative article ,at present this book is unavailable but it can be reprint this book thanks to dr. Chokshi and mr Govind Maruji
LikeLiked by 1 person